નરસિંહથી ન્હાનાલાલ/૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આનંદશંકર

રવીન્દ્રનાથે આનંદશંકર સાથેના એક સંવાદ પછી ક્ષિતિમોહન સેનને કહ્યું હતું, ‘મૂલ સત્ય પર્યંત એર દૃષ્ટિ પોંછ્ય’ – એમની દૃષ્ટિ મૂલપર્યંતગામી છે. ૧૯૨૭માં ગાંધીજીએ ‘વસંત’ માસિકના રજતમહોત્સવ પ્રસંગે કહ્યું હતું, ‘આનંદશંકરભાઈની સેવાનું વર્ણન કરનાર હું કોણ ? તેઓ સુધરેલા અને સનાતનીની વચ્ચે એક સુંદર પુલ છે. તેની ઉપર આવજા કરીને આપણે સહુ એકબીજાની ભેટ કરીએ છીએ.’ ૧૯૩૯માં સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં કહ્યું હતું, ‘કાવ્ય વિશે જે કાંઈ જાણવા જેવું છે તેના એંશી ટકા ‘કાવ્યતત્ત્વવિચાર’ના પૂર્વાર્ધમાંથી મળી રહેશે.’ આમ, અર્વાચીન ગુજરાતમાં જો કોઈએ સત્ય, ધર્મ અને કવિતાનું સર્વગ્રાહી અને મૂલગામી દર્શન કર્યું-કરાવ્યું હોય તો તે માત્ર એક આનંદશંકરે જ. આનંદશંકરનો જન્મ ૧૮૬૯ના જાન્યુઆરીની ૨૨મીએ અમદાવાદમાં. પિતા રાવસાહેબ બાપુભાઈ દયાશંકર ધ્રુવ. માતા મણિબા. ચાર સાવકાં બહેનો અને બે સગાં બહેનો વચ્ચે એકના એક ભાઈ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. માધ્યમિક શાળામાં હતા ત્યારે ઘેર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું વિશેષ શિક્ષણ. ૧૮૮૬માં મૅટ્રિક. ૧૮૮૯માં બી.એ. ૧૮૯૨માં એમ.એ., ૧૮૯૭માં એલએલ.બી.. ૧૮૯૩માં ૭૫ વર્ષની વયે પિતાનું અવસાન. ૧૯૧૬માં માતાનું અવસાન. પ્રથમ પત્ની અન્દુબા અને પછી ૧૯૦૩માં બીજી પત્ની અમીરબાના અવસાન પછી ૩૯ વર્ષે વિધુર. ત્રણ સંતાનો – બે પુત્રો અને એક પુત્રી. ૧૮૯૨થી ૧૯૧૯ લગી – ૩૦ વર્ષ લગી અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, ન્યાયશાસ્ત્ર અને તત્ત્વશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૯માં ગાંધીજીએ મજૂરો અને મિલમાલિકો વચ્ચેના વિવાદમાં એમને નિયુક્ત કર્યા હતા. ગાંધીજી એમની ક્ષમતા અને કાર્યકુશળતાથી પ્રભાવિત થયા હતા. એથી એ જ વર્ષમાં ગાંધીજીની ભલામણથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમને આમંત્રણ આવ્યું હતું અને તેઓ યુનિવર્સિટીમાં આચાર્યપદે નિયુક્ત થયા હતા. એક જ વર્ષમાં ૧૯૨૦માં તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૬માં ૧૬ વર્ષની ઉજ્જ્વળ કારકિર્દી પછી એ નિવૃત્ત થયા હતા ત્યારે વિદાય સમારંભમાં મદનમોહન માલવિયાની આંખમાંથી આંસુ સર્યા હતાં. એક જ વર્ષ પછી ૧૯૩૭માં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ એમને ડી. લિટ.ની માનદ ઉપાધિ અર્પણ કરી હતી. ૧૯૨૮માં તેઓ ૯મી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા. એ જ વર્ષમાં તેઓ ઇન્ડિયન ફિલૉસોફિકલ કૉંગ્રેસના પ્રમુખપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૦માં તેઓ આંતર-યુનિવર્સિટી બૉર્ડના અધ્યક્ષપદે રહ્યા હતા. ૧૯૩૬માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રમુખપદે નિયુક્ત થયા હતા. એ જ વર્ષમાં તેઓ સર્વધર્મપરિષદના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૪૨ના એપ્રિલની ૭મીએ ૭૪ વર્ષની વયે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું. આમ, આનંદશંકરે ૧૮૯૨થી ૧૯૩૬ લગી, ૪૫ વર્ષ લગી ઉચ્ચ સ્તરે અધ્યયન-અધ્યાપન કર્યું હતું. ૧૯૦૨થી ૧૯૩૯ લગી – ૩૮ વર્ષ લગી તેઓ ‘વસંત’ માસિકના તંત્રી રહ્યા હતા. ૧૯૦૨થી ૧૯૪૨ લગી – ૪૦ વર્ષ લગી એમણે સાહિત્ય-સાધના કરી હતી. આનંદશંકરને માત્ર સાહિત્ય અને તત્ત્વચિંતનમાં જ નહિ, સંગીત અને ક્રિકેટમાં પણ ભારે રસ હતો. એમને કાજુ-દ્રાક્ષ અને અથાણાનો એટલો જ ભારે શોખ હતો. જીવનભર ધોતી, લાંબો કોટ અને પાઘડીના પહેરવેશમાં તથા કપાળમાં મોટા ચાંલ્લા અને માથે લાંબા કેશ સાથેની મુખમુદ્રામાં એમનું વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રગટ થતું હતું. આનંદશંકરનું સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ, શિક્ષણ આદિ વિવિધ વિષયો પરનું જીવનભરનું વાચન-મનન-ચિંતન એમના ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’, ‘વિચારમાધુરી’, ‘આપણો ધર્મ’, ‘હિન્દુ ધર્મની બાળપોથી’, ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિન્દુ (વેદ) ધર્મ’, ‘શ્રીભાષ્યનો સટીક અનુવાદ’, અંગ્રેજીમાં ‘સ્યાદ્વાદમંજરી’ અને ‘ન્યાયપ્રવેશક’નાં સંપાદનો, સંસ્કૃતમાં ગાંધીસૂચિત ‘સ્પૃશ્યાસ્પૃશ્ય’ લેખ, અંગ્રેજીમાં તત્ત્વદર્શન અંગેનાં બે વ્યાખ્યાનો અને અંગ્રેજીમાં અંગ્રેજી કવિઓ વિશેની બે પુસ્તિકાઓ – આટલા વિપુલ ગ્રંથરાશિમાં પ્રગટ થયું છે અને મુખ્યત્વે એનું નિબંધસ્વરૂપમાં આલેખન થયું છે. આનંદશંકરનો આ ગ્રંથરાશિ ૧૮૯૨થી ૧૯૩૬ લગીના ૪૫ વર્ષના સુદીર્ઘ સમયના અધ્યયન અને અધ્યાપનની ફલશ્રુતિરૂપ છે. ૧૯૪૬માં પાઠકસાહેબે ‘વિચારમાધુરી’ની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘આનંદશંકરની વિચારણામાં પ્રેરક-ચાલક તત્ત્વ કેળવણી છે.’ આ ગ્રંથરાશિમાં આનંદશંકરનું કવિતા, સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ અને શિક્ષણ અંગેનું સર્વગ્રાહી અને મૂલગામી દર્શન છે, સર્વવ્યાપી છતાં એકકેન્દ્રી દર્શન છે. ૧૯૦૨માં એમણે ‘કવિતા’ લેખથી આરંભ કર્યો હતો. આ એમનો સર્વપ્રથમ લેખ છે. પણ ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં એ એક સીમાચિહ્નરૂપ છે. આનંદશંકરના કવિતા અને સાહિત્ય વિશેના વિચારો ‘કાવ્યતત્ત્વવિચાર’ અને ‘સાહિત્યવિચાર’માં સાદ્યંત પ્રગટ થાય છે. એના અનુસંધાનમાં ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી’માં અત્રતત્ર પ્રગટ થાય છે. આ વિચારોમાં પૂર્વ અને પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોનું પરિશીલન તથા પૂર્વ અને પશ્ચિમની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનું આકલન ઉપરાંત જીવનનો વિશાળ પરિપ્રેક્ષ્ય અને વ્યાપક સંદર્ભ પશ્ચાદ્ભૂમિકારૂપ છે. સાહિત્ય એક કળા છે, આત્માની અમૃત કળા છે. એથી કવિતા એ આત્માના સૌ ગુણધર્મો – ચૈતન્ય, વ્યાપન અને અનેકતામાં એકતાની અનુભૂતિ – નો વ્યાપાર છે. કવિતામાં ઐહિક મિથ્યા જગતનું અનુકરણ નથી પણ ઊર્ધ્વીકરણ છે. એમાં અલૌકિક દિવ્યલોકનું સૂચન છે. એથી કવિતા એ અમૃતરૂપ છે, અમર છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે, સ્વયંભૂ પરિભૂ છે. એથી એનું દર્શન અખિલાઈનું દર્શન છે. એથી એની કલ્પનાનું સત્ય વાસ્તવના સત્યથી અધિક, વિશેષ એવું સત્ય છે, અતિવાસ્તવનું સત્ય છે. ‘સાક્ષર’ શબ્દમાં અક્ષરનું, અક્ષરમાં બ્રહ્મનું, નિત્યનું, શાશ્વતનું સૂચન છે. આ અક્ષર કવિતામાં પ્રતીક દ્વારા મૂર્તિમંત થાય છે અને એને પ્રતિભા દ્વારા જ પામી શકાય છે. આમ, આનંદશંકરે પ્રતીક (symbol) અને કવિની પ્રતિભા(poetic genius)નો મહિમા કર્યો છે. આનંદશંકરના આત્માની અમૃતકળારૂપ કવિતાના વિચારમાં પ્લેટોના અનુકરણ – Mimesis – ના વિચારનો પ્રતિવાદ છે. કળામાં સૌંદર્ય એ જ એકમાત્ર વાસ્તવ છે, એમાં અન્ય કોઈ વાસ્તવ નથી. એથી કળા કેવળ આનંદ અર્થે છે, સૌંદર્યના ઉપભોગ અર્થે છે. કવિતા એ ‘thing of beauty’ છે, એ ‘joy for ever’ છે. કવિતા ઉપયોગ અર્થે નથી. એથી કવિતામાં જગતના અને જીવનના મહાપ્રશ્નોના ઉત્તરો નથી, કવિતામાં એ મહાપ્રશ્નો અને એમની સંકુલતા અંગેની સભાનતા અને સંવેદના છે. કવિતા ઉચ્છિષ્ટ છે, પણ તે જીવનની જરૂરિયાતો સંતોષાય પછી જે બાકી રહ્યું તે ઉચ્છિષ્ટ નથી. રવીન્દ્રનાથના અર્થઘટન અનુસાર એ ઉદ્ + શિષ્ટ એટલે ઉચ્ચશિષ્ટ છે, જીવનથી વધુ ઉચ્ચ એવું શિષ્ટ છે. કવિતામાં પ્રત્યક્ષ બોધ કે ઉપદેશ નથી અને જો ઉપદેશ હોય તો તે ‘કાન્તાસંમિતતયા’ ઉપદેશ છે. એથી કવિતામાં મનુષ્યનો કે સમાજનો સુધાર કે ઉદ્ધાર કરવાનો હેતુ નથી. કવિતાથી મનુષ્યની ઉન્નતિ કે સમાજનું ઉત્થાન થાય તો એ કવિતાનો આનુષંગિક લાભ છે. ‘સાહિત્યકારના સાહિત્ય સાથે જ આપણને સંબંધ છે, એની નીતિ ગમે તે હો.’ – આ વિધાનમાં આનંદશંકરે સાહિત્યકારના જીવનમાં નીતિ-અનીતિનો પ્રશ્ન છેડ્યો – છંછેડ્યો છે. આમ, આનંદશંકરના સાહિત્યમાં નીતિ તથા સાહિત્યકારના જીવનમાં નીતિ-અનીતિ અંગેના વિચારોમાં ઍરિસ્ટોટલના નિરસન – Catharsis – ના વિચારનો અને કાલેલકર જેવા જીવન-ખાતર-કલાવાદીઓ તથા ચોખલિયા નીતિવાદીઓના સાહિત્યમાં નીતિ અને સાહિત્યકારોના જીવનમાં નીતિ-અનીતિ અંગેના વિચારોનો પ્રતિવાદ છે. કવિતા એ માત્ર ઊર્મિનો જ વ્યાપાર નથી, એ સમગ્ર સંવિતનો વ્યાપાર છે, સમગ્ર ચૈતન્ય(being)નો વ્યાપાર છે. આનંદશંકરના આ વિચારમાં રમણભાઈના કવિતાના ત્રણ પ્રકારો – નાટ્યાત્મક કવિતા, કથનાત્મક કવિતા અને ઊર્મિકવિતા – માં ઊર્મિકવિતા, ઊર્મિકાવ્ય જ સર્વશ્રેષ્ઠ છે એ વિચારનો પ્રતિવાદ છે. ‘દિગ્દર્શન’, ‘વિચારમાધુરી’ અને અલ્પાંશે ‘સાહિત્યવિચાર’માં આનદંશંકરના સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ અંગેના વિચારો પ્રગટ થાય છે. નારીપ્રતિષ્ઠાના વિષયમાં એમણે ગ્રીક-રોમન સમાજમાં નારીના પરિપ્રેક્ષ્યમાં અને ખ્રિસ્તી-ભારતીય ધર્મમાં નારીના સંદર્ભમાં એક નવા જ ઐતિહાસિક પરિમાણ સાથે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ વાર જ નારીનું ગૌરવ કર્યું છે. ભારતના ઇતિહાસનું પણ એમણે ગ્રીક-રોમન-ખ્રિસ્તી યુરોપના પ્રજાકીય ઇતિહાસના સંદર્ભમાં નિરૂપણ કર્યું છે. રાજકારણમાં એમણે ગાંધી-ટાગોરના સત્યાગ્રહના આંદોલન વિશેના વાદવિવાદનું વિશ્લેષણ કર્યું છે. એ વાદવિવાદમાં ‘રાષ્ટ્રનું સ્વરાજ પહેલું, વ્યક્તિનું સ્વ-રાજ પછી’ એવો સંવાદ સ્થાપવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એ અંગે એમણે રવીન્દ્રનાથને પત્ર પણ લખ્યો હતો. ગાંધીજીની રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત ભારતને ખાદીમય કરવાની ભાવના સમયાધીન છે એથી એ અલ્પજીવી જ હશે એવા વિધાનમાં એમણે ગાંધીજીની એ ભાવનાનો સવિનય પ્રતિવાદ કર્યો હતો. આનંદશંકરના શિક્ષણ વિશેના વિચારો એ અનુભવસિદ્ધ વિચારો છે. એમાં એમના અનુભવોનો અર્ક છે. શિક્ષણ તો આનંદશંકરના લોહીમાં હતું, રગેરગમાં હતું. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય, પણ ઉચ્ચ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા હોય તેવો એમનો વિચાર આજે સવિશેષ ધ્યાનપાત્ર છે. શિક્ષણના હેતુ અને શિક્ષણસંસ્થાઓના આદર્શ વિશેના એમના વિચારો આજે ગુજરાતમાં સૌ સ્તરે – સવિશેષ યુનિવર્સિટી સ્તરે – શિક્ષણની જે દુર્દશા છે એના સંદર્ભમાં મૂલ્યવાન માર્ગદર્શકરૂપ છે. ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ’ – અહીં આચાર્ય શબ્દ કેવો શોભે છે! આનંદશંકરના ધર્મ વિશેના વિચારો મુખ્યત્વે ‘આપણો ધર્મ’ અને ‘હિન્દુધર્મની બાળપોથી’માં પ્રગટ થાય છે. એમના ધર્મ વિશેના વિચારો અનુભવસિદ્ધ છે. એમાં એમની આત્માનુભૂતિ છે. ધર્મ એ મનુષ્યના સ્વભાવમાં છે. ‘ધારયતિ ઇતિ ધર્મ:’. ધર્મ મનુષ્યને ધારણ કરે છે, મનુષ્ય ધર્મને આધારે જીવે છે. મનુષ્ય ધર્મને કારણે પશુથી ભિન્ન એવો મનુષ્ય છે. મનુષ્યને એની આવશ્યકતા છે. સૌ ધર્મો મનુષ્યની આ આવશ્યકતાને પોષે-સંતોષે છે. એથી કોઈ ધર્મ તિરસ્કારને પાત્ર નથી. એમણે હિન્દુધર્મના સિદ્ધાંતો અને શાસ્ત્રોનાં રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે. અર્વાચીન યુગના સંદર્ભમાં એના ગુણદોષનું દર્શન કર્યું છે. જોકે એમાં એમણે પ્રાચીન યુગની વર્ણવ્યવસ્થાનો પરોક્ષ પુરસ્કાર કર્યો છે. એથી શૂદ્રોને જ્ઞાનથી – વિદ્યાથી વંચિત કર્યા એને એમણે ફરજમાંથી મુક્તિ માની છે એ એક દુ:ખદ અને દુર્ભાગી અપવાદ છે. જોકે એમણે અર્વાચીન યુગમાં વર્ણવ્યવસ્થાનો આગ્રહ અનિષ્ટ અને અનિચ્છનીય છે એવો એકરાર પણ કર્યો છે. એમણે વેદ, ઉપનિષદ, ગીતા, ષડ્દર્શનો તથા બૌદ્ધધર્મ અને જૈનધર્મના ગ્રંથોનું આકલન કર્યું છે. વિશેષ તો એમણે અદ્વૈતવાદ અને શાંકર વેદાન્તની સૂક્ષ્મ આલોચના કરી છે. એમનું ધર્મદર્શન સર્વગ્રાહી અને મૂલગામી છે. એમાં સંકુચિતતા કે સાંપ્રદાયિકતા નથી. એમણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને વ્યાપક સંદર્ભમાં માનવતાવાદી જીવનધર્મદર્શન કર્યું છે. એમાં ભવિષ્યના વૈશ્વિક માનવતાવાદ(universal humanism)નો આગોતરો અણસારો છે. ‘હિન્દુધર્મની બાળપોથી’માં એમણે એમના ધર્મદર્શનનું સારસર્વસ્વ પ્રગટ કર્યું છે. એમાં પાંચ ખંડોમાં વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેના સંવાદના સ્વરૂપમાં હિન્દુધર્મના ઇતિહાસનું સરલમાં સરલ ભાષામાં આલેખન કર્યું છે – આથી વધુ સરલ ભાષામાં આવું આલેખન અશક્ય છે. કહો કે આ હિન્દુધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. ગાંધીજીએ એને ‘વૃદ્ધપોથી’ કહી હતી. ‘હિન્દુધર્મની બાળપોથી’ એ ગુજરાતી ભાષાની એક અમર પ્રશિષ્ટ કૃતિ છે. આનંદશંકરના જીવનદર્શનમાં સમકાલીન સમયની સભાનતા છે, એમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં જિવાતા જીવન અંગેની સંવેદના છે. ૧૯૧૫માં ગાંધીજીના આગમન પૂર્વેનાં ૧૫ વર્ષ અને પછીનાં ૧૨ વર્ષ ગુજરાતમાં જે વાતાવરણ હતું એમાં એમના વિચારોનો પ્રાણવાયુ હતો. એથી એમનું જીવનદર્શન વાયવ્ય નથી, વ્યવહારુ છે. એમનામાં પૂર્વ અને પશ્ચિમ, પ્રાચીન અને અર્વાચીન અંગેની અભિજ્ઞતા છે. એમને બેમાંથી એકેય પ્રત્યે તિરસ્કાર નથી, એક પ્રત્યે પક્ષપાત અને અન્ય પ્રત્યે પૂર્વગ્રહ નથી. એમને પ્રાચીનમાં જે કંઈ અર્વાચીનતા છે એની સંપૂર્ણ સૂઝસમજ છે. એ દેશકાળથી પર અને પાર પણ છે, એથી એમનું જીવનદર્શન સર્વગ્રાહી અને સર્વવ્યાપી છે. એમાં સંકુચિતતા કે સાંપ્રદાયિકતા નથી. એમાં કોઈ વાદ કે વિચારધારાની પ્રતિબદ્ધતા કે પરાધીનતા નથી. આનંદશંકર મુક્ત, સ્વતંત્ર વિચારક (free thinker) છે. આનંદશંકરના વિચારો એ ગુજરાતની પ્રજા માટે એક મહામૂલો બૌદ્ધિક વારસો છે – ગાંધીજીની ભાષામાં ‘ખોરાક’ છે, આધ્યાત્મિક ખોરાક છે. પેઢીઓની પેઢીઓ એ ‘ખોરાક’ દ્વારા બૌદ્ધિક તુષ્ટિ અને આધ્યાત્મિક પુષ્ટિ પ્રાપ્ત કરશે.