નરસિંહથી ન્હાનાલાલ/૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રમણભાઈ

ભારતમાં અંગ્રેજોના આગમન અને શાસન પછી ભારતવાસીઓને પશ્ચિમના સમાજનો અને એની સંસ્કૃતિનો પરિચય થયો હતો. એના પરિણામે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે, પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સંઘર્ષ અને વાદવિવાદ થયા હતા. અને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સમાજ-સુધારાનું આંદોલન થયું હતું. દલપતરામ, દુર્ગારામ, મહીપતરામ, કરસનદાસ આદિથી એનો આરંભ થયો હતો અને મણિલાલ, રમણભાઈ, ગોવર્ધનરામ, આનંદશંકર આદિથી એનો અંત આવ્યો હતો. આ આંદોલનમાં ત્રણ પ્રકારનો અનુકૂળ અને પ્રતિકૂળ એવો પ્રતિભાવ હતો : (૧) પશ્ચિમના અર્વાચીન સમાજ, ધર્મ અને એની સંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત. (૨) પૂર્વના પ્રાચીન સમાજ, ધર્મ અને એની સંસ્કૃતિ પ્રત્યે પક્ષપાત અને પશ્ચિમના અર્વાચીન સમાજ, ધર્મ અને એની સંસ્કૃતિ પ્રત્યે પૂર્વગ્રહ. (૩) પૂર્વના પ્રાચીન સમાજ, ધર્મ અને સંસ્કૃતિ તથા પશ્ચિમના અર્વાચીન સમાજ, ધર્મ અને એની સંસ્કૃતિ વચ્ચે સમન્વય અને સંવાદ. પ્રથમ પ્રકારના પ્રતિભાવના અગ્રણી હતા સુધારક રમણભાઈ. બીજા પ્રકારના પ્રતિભાવના આગ્રહી હતા સુધારક મણિલાલ. ત્રીજા પ્રકારના અગ્રણી સુધારકો હતા ગોવર્ધનરામ અને આનંદશંકર. આ આંદોલનમાં પ્રાર્થનાસમાજના અગ્રણી સુધારક રમણભાઈ અને ‘સિદ્ધાંતસાર’ના અગ્રણી સુધારક મણિલાલ વચ્ચે તીવ્ર સંઘર્ષ અને વાદવિવાદ થયો હતો. બાળલગ્ન, વિધવાવિવાહનિષેધ, નારીપ્રતિષ્ઠા આદિ અંગે બંને વચ્ચે કોઈ સંઘર્ષ કે વાદવિવાદ ન હતો. રમણભાઈના સુધારામાં સામાજિક પરિમાણ અને એની નીતિરીતિમાં રાજકીય પરિમાણ હતું, પણ ધર્મનું પરિમાણ ન હતું. મણિલાલના સુધારામાં ધર્મનું પરિમાણ અને એની નીતિરીતિનું નૈતિક-આધ્યાત્મિક પરિમાણ હતું, જે સુધારાના મૂલાધારરૂપ, એની આધારશિલારૂપ હતું. એથી બંને વચ્ચે સમાજસુધારાના સંદર્ભમાં તીવ્ર સંઘર્ષ અને વાદવિવાદ થયો હતો. બંનેમાં સમાજસુધારા અંગે પક્ષપાત અને પૂર્વગ્રહ હતો, પ્રચારકતા હતી. એથી બંનેમાં તટસ્થ વૈજ્ઞાનિક દૃષ્ટિ ન હતી. મણિલાલે પૂર્વના પ્રાચીન ધર્મનું નવીન અર્થઘટન કર્યું હતું. રમણભાઈએ એનું ખંડન કર્યું હતું. રમણભાઈની દૃષ્ટિએ મણિલાલનો ધર્મ એ રૂઢિવાદ હતો. મણિલાલની દૃષ્ટિએ રમણભાઈનો ધર્મ એ જડવાદ હતો. ગોવર્ધનરામ અને આનંદશંકરે આ ખંડનમંડનની તથા આ સંઘર્ષ અને વાદવિવાદની મર્યાદા જોઈ-જાણી હતી, બંનેની દૃષ્ટિનો દોષ જાણ્યો-પ્રમાણ્યો હતો એથી પછી એમણે પૂર્વના પ્રાચીન ધર્મ અને પશ્ચિમના અર્વાચીન ધર્મનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો હતો. રમણભાઈ અને મણિલાલ વચ્ચેનો આ સંઘર્ષ અને વાદવિવાદ ‘જ્ઞાનસુધા’ અને ‘સુદર્શન’નાં અસંખ્ય પૃષ્ઠો પર ૧૮૮૬થી ૧૯૦૭ લગી – દોઢ દાયકા લગી સતત ચાલ્યો હતો. આજે એ સંઘર્ષ અને વાદવિવાદ કાલગ્રસ્ત છે. પણ ગુજરાતી ભાષામાં આ પ્રથમ વાદવિવાદ અંગેનાં લખાણો, વાદવિવાદના નિબંધો (Polemics) ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ છે. ત્યાર પછી આજ લગી ગુજરાતમાં આવો વાદવિવાદ થયો નથી અને ગુજરાતી ભાષામાં વાદવિવાદનું આવું લખાણ થયું નથી. આ લખાણો ઉપરાંત આ સંઘર્ષ અને વાદવિવાદને નિમિત્તે મણિલાલે ‘સિદ્ધાંતસાર’ ધર્મવિચારનો દીર્ઘ નિબંધ રચ્યો હતો અને રમણભાઈએ ‘ભદ્રંભદ્ર’ હાસ્યરસની નવલકથા અને ‘રાઈનો પર્વત’ નારીપ્રતિષ્ઠાનું નાટક એમ બે સર્જનાત્મક કૃતિઓ રચી હતી. રમણભાઈ અને મણિલાલનો સંઘર્ષ અને વાદવિવાદ તો કાલગ્રસ્ત થવાને જ સર્જાયો હતો. પણ આ ત્રણ પ્રશિષ્ટ ગ્રંથોએ તો ગુજરાતી સાહિત્યને સદાયને માટે ન્યાલ કર્યું છે. ‘ધર્મ અને સમાજ’ના બે ગ્રંથોમાં ૫૦૦ જેટલાં પૃષ્ઠોમાં રમણભાઈના એ વિષય પરનાં નિબંધો અને વ્યાખ્યાનોનો સંગ્રહ થયો છે. એમાં પ્રાર્થનાસમાજની સાંપ્રદાયિકતા અને બર્ક, માર્ટિનો અને મોર્લીના ઉદારમતવાદનો પ્રભાવ છે. રમણભાઈએ ૧૮૮૮માં નવલરામના અવસાનના વર્ષમાં જ એમના વિવેચનનો આરંભ કર્યો હતો. નવલરામ પછીના બે મુખ્ય વિવેચકો મણિલાલ અને રમણભાઈ. મણિલાલના વિવેચનમાં અવલોકન સ્વરૂપનું વિવેચન પ્રધાન સ્થાને છે, રમણભાઈના વિવેચનમાં કવિતા વિશેનું વિવેચન પ્રધાન સ્થાને છે. રમણભાઈના વિવેચનમાં ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં પ્રથમ વાર જ પશ્ચિમની પ્રાચીન અને અર્વાચીન કાવ્યમીમાંસાનો પ્રવેશ થયો છે. પછીથી એમણે જેમજેમ પૂર્વની પ્રાચીન કાવ્યમીમાંસાનો વધુ ને વધુ અભ્યાસ કર્યો તેમતેમ બંનેનું તુલનાત્મક વિવેચન કર્યું છે અને બંનેમાં જે સામ્ય છે અને સામ્યથી વિશેષ તો જે અસામ્ય છે તે પ્રગટ કર્યું છે. ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં આવું તુલનાત્મક વિવેચન પણ પ્રથમ વાર રમણભાઈએ જ કર્યું છે. ૧૯મી સદીમાં પશ્ચિમના સાહિત્ય અને વિવેચનમાં રોમૅન્ટિસિઝમનું વર્ચસ્ હતું. એમાં વ્યક્તિસ્વાતંત્ર્યનો મહિમા થયો હતો. એથી એમાં ઊર્મિપ્રાધાન્યનું મહત્ત્વ હતું. એના પ્રભાવથી રમણભાઈએ એમના કવિતા વિશેના સમગ્ર વિવેચનમાં કવિતાના ત્રણ પ્રકારો–નાટ્યાત્મક કવિતા, કથનાત્મક કવિતા અને ઊર્મિપ્રધાન કવિતામાં ઊર્મિપ્રધાન કવિતા –ઊર્મિકાવ્ય જ સર્વશ્રેષ્ઠ છે એવું પ્રતિપાદન કર્યું હતું, એ રમણભાઈના કવિતા વિશેના વિવેચનની એક મોટી મર્યાદા હતી. પછીથી આનંદશંકરે એમના કવિતા વિશેના વિવેચનમાં કવિતામાં માત્ર ઊર્મિનો જ નહિ પણ આત્માના સૌ ગુણોનો મહિમા છે એવું પ્રતિપાદન કર્યું છે. એમાં કવિતા વિશેનું સર્વગ્રાહી વિવેચન છે. એ દ્વારા એમણે રમણભાઈના કવિતા વિશેના વિવેચનનો પ્રતિવાદ કર્યો હતો અને એમાં જે મર્યાદાદોષ હતો એનું વિવરણ કર્યું હતું. રમણભાઈએ કાન્તના ‘વસંતવિજય’ કાવ્યનું અને નરસિંહ રાવના ‘કુસુમમાળા’ કાવ્યસંગ્રહનું, પ્રગટ થતાં જ, હજુ તો શાહી સુકાઈ ન હતી ને એમની સંપૂર્ણ વિવેચનશક્તિથી વિગતવાર માર્મિક વિવેચન ‘જ્ઞાનસુધા’માં પ્રગટ કર્યું હતું. એથી આ બંને કવિ વિનાવિલંબે કવિપ્રતિષ્ઠા પામ્યા હતા. જોકે મણિલાલે એમના પશ્ચિમ અંગેના પૂર્વગ્રહને કારણે, ‘કુસુમમાળા’માં અંગ્રેજી ઊર્મિકાવ્યના અનુસરણનાં ઊર્મિકાવ્યો હતાં એને કારણે ‘કુસુમમાળા’નાં કુસુમોને ‘રૂપરસગંધવર્જિત’ કહ્યાં હતાં, તો જાણે કે એના પ્રતિકારમાં રમણભાઈએ એમના પશ્ચિમ અંગેના પક્ષપાતને કારણે ‘કુસુમમાળા’ને ‘ખારા રણમાં મીઠી વીરડી’ કહી હતી. બંનેનાં વિવેચનમાં અતિરેક હતો, અતિશયોક્તિદોષ હતો. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહ અને પક્ષપાતનું ઊંટ સાહિત્યિક વિવેચનના તંબૂમાં કેવું ઘૂસી જાય છે એનો આ આબાદ નમૂનો છે. રમણભાઈએ એમના કવિતાના વિવેચનમાં રસ, રીતિ, છંદ, પ્રાસ આદિ વિશે પણ અવતરણો અને ઉદાહરણો સાથે વિવેચન કર્યું છે. કવિતાના સ્વરૂપ ઉપરાંત એમણે નાટક અને નવલકથાનાં સ્વરૂપો વિશે પણ વિવેચન કર્યું છે. હાસ્ય એ રમણભાઈના રોજરોજના જીવનનું એક અવિભાજ્ય અંગ હતું. એથી એમનું હાસ્ય અંગેનું વિવેચન તો એક સ્વતંત્ર ગ્રંથ થાય એટલું વિસ્તારપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ છે, એટલું સમૃદ્ધ છે. ઉપરાંત એમણે ભાષા, વ્યાકરણ વિશે પણ સંશોધનાત્મક વિવેચન કર્યું છે. એમણે અવલોકનરૂપે પણ વિવેચન કર્યું છે. જોકે નવલરામ અને મણિલાલનાં અવલોકનોની મોટી સંખ્યા સાથે સરખામણીમાં રમણભાઈનાં અવલોકનોની સંખ્યાનું પ્રમાણ અલ્પ ગણી શકાય. એમનાં આ અલ્પસંખ્ય વિવેચનોમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘હૃદયવીણા’નાં અવલોકનો ધ્યાનપાત્ર છે. રમણભાઈએ એમના સમકાલીનોના વિવેચનની સરખામણીમાં વિપુલ પ્રમાણમાં વિવેચન કર્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ના ચાર ગ્રંથોમાં એમનું વિવેચન પ્રગટ થયું છે. એમના વિવેચનમાં એક શૈલીના અપવાદ સિવાય, સૂક્ષ્મતા, વિચક્ષણતા, રસિકતા, ઉદારતા, સર્વગ્રાહિતા, સમભાવ, સહૃદયતા આદિ અનેક ગુણો છે. એમની શૈલી સરલ, અતિ સરલ, અત્યંત સરલ છે એ પ્રાર્થનાસમાજનો પ્રભાવ હશે ? એમની સમાજજીવનની અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રભાવ હશે ? રમણભાઈએ ‘હાસ્યમંદિર’માં એમની ‘ઈસપનીતિકથાઓ’ રચી છે. એમાં ૨૨ હાસ્યલેખોમાં – સવિશેષ ‘ચિઠ્ઠી’, ‘ટપ્પાની મુસાફરી’, ‘તૈયાર છે’, ‘જનાવરોની ભાષા’, ‘અવેજી કારભારી’માં એમણે મનુષ્યસ્વભાવના મુખ્ય અપલક્ષણો સ્વાર્થ, ઈર્ષ્યા, ક્ષુદ્રતા, ક્ષુલ્લકતા, કલહપ્રિયતા, મિથ્યાભિમાન પર, અર્થકારણ, રાજકારણ, ભાષાકારણ પર નિર્દોષ અને નિર્દંશ કટાક્ષો છે. રમણભાઈની હાસ્યપ્રતિભાની પરાકાષ્ઠા તો છે ‘ભદ્રંભદ્ર’. એઝૂરા પાઉન્ડે કહ્યું છે, ‘Laughter is no mean ecstasy.’ – હાસ્ય એ કંઈ જેવીતેવી સમાધિ નથી. હાસ્ય એ રમણભાઈની રસસમાધિ છે. રમણભાઈનો જન્મસિદ્ધ અધિકાર છે, રમણભાઈની જન્મજાત પ્રકૃતિ છે. ‘ભદ્રંભદ્ર’માં રમણભાઈએ વિવિધ શૈલીમાં અને વિવિધ ભાષામાં લગભગ એકેએક – સ્થૂલથી તે સૂક્ષ્મ લગીના – પ્રકારનું હાસ્ય પ્રગટ કર્યું છે. એમાં પરોક્ષપણે જીવનનાં ઉદાત્ત મૂલ્યો અને ગહન રહસ્યો પણ પ્રગટ થાય છે. ‘ભદ્રંભદ્ર’માં સર્વાન્તેસના ‘દોેન કિહોતે’, ડીકિન્સના ‘પિકવિક પેપર્સ’, સેમ્યુઅલ બટલરના ‘હુડિબ્રાસ’ અને ડ્રાયડનના ‘એબ્સેલોમ એન્ડ એકિટોફેલ’ની પ્રેરણા છે. ગુજરાતી ભાષામાં અને ગુજરાતી સમાજમાં ‘ભદ્રંભદ્ર’ એ વેદિયાનો – pedantનો પર્યાય બની ગયો છે. એનાં પાત્રો – ભદ્રંભદ્ર, અંબારામ, પ્રસન્નમનશંકર, હરજીવન એ હાસ્યલોકના અમર નાગરિકો છે. એમાં હિન્દુધર્મમાં જે અધમ અને અમાનુષી, પ્રત્યાઘાતી અને સુધારાને પ્રતિકૂળ અને પ્રતિકાર રૂપ દૂષણો અને દુરિતો હતાં એમની પ્રત્યે રમણભાઈનો પુણ્યપ્રકોપ થયો છે. સમકાલીનોના એક વર્ગે એમાં ક્રૂરતા અને કટુતા છે, અસહિષ્ણુતા અને અતિશયોક્તિ છે, જીવંત વ્યક્તિઓ પ્રત્યે ધૃષ્ટતા અને ધિક્કાર છે એવાએવા આક્ષેપો કર્યા હતા. એમાં એમણે એમનું હાસ્ય વિશેનું માત્ર નર્યું અજ્ઞાન જ પ્રગટ કર્યું હતું. ‘ભદ્રંભદ્ર’માં નરી નક્કર વાસ્તવિકતા જ છે, સંપૂર્ણ સચ્ચાઈ છે, ‘ભદ્રંભદ્ર’ એ ગુજરાતી ભાષામાં અને ભારતીય ભાષાઓમાં પણ વિરલ એવું એક હાસ્યરસનું ગદ્યદેહે વિચરતું લઘુ મહાકાવ્ય છે. ‘રાઈનો પર્વત’માં ભલે અભિનયક્ષમતા ન હોય, પણ એ આજ લગી તો ગુજરાતી સાહિત્યમાં એક માત્ર પ્રશિષ્ટ પંચાંકી નાટક છે. કોઈપણ સમાજમાં ધર્મભાવના અને નારીપ્રતિષ્ઠા એ મહાન મૂલ્યો છે, એ મૂલ્યો અંગેનું હેતુલક્ષી નાટક છે. એ thesis play છે. એ સમયમાં એ જેટલું અર્થપૂર્ણ હતું એટલું જ ધર્મ અને નારીપ્રતિષ્ઠાના સંદર્ભમાં આજે પણ અર્થપૂર્ણ છે. એમાં મણિલાલના ‘કાન્તા’ નાટકનો અને સંસ્કૃત પ્રાચીન સંસ્કૃત નાટકો તથા પાશ્ચાત્ય અર્વાચીન નાટકોનો પ્રભાવ છે. એમાં વસ્તુવિષયનું મૂળ ભવાઈના એક દૃશ્યમાં છે, કદાચ એથીયે વધુ પ્રાચીન ‘કથાસરિત્સાગર’માં છે – સંભવ છે કે એથી યે વધુ પ્રાચીન એવી કોઈ કૃતિમાં હોય. રમણભાઈએ એમાં પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓમાં એમના હેતુને અનુકૂળ અને અનુરૂપ એવાં પરિવર્તનો કર્યાં છે. એમણે પ્રથમ ત્રણ અંકોમાં જગદીપ (રાઈ) અને અમૃતદેવી(જાલકા)નાં પાત્રો દ્વારા ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિ, સત્ય અને અસત્ય, સાધ્ય અને સાધન વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ કર્યું છે. પર્વતરાય જાણે કે નારીવિરોધી એવો ખલનાયક છે. વંજુલ એકસાથે મૂર્ખ અને ચતુર એવો શેક્સપિયરના વિદૂષકોની પરંપરાનો વિદૂષક છે. આ અંકોમાં વીરરસ – ‘ધર્મવીર’ રસ – કેન્દ્રમાં છે. ચોથા-પાંચમા અંકોમાં એમણે અનેક જાજ્વલ્યમાન સ્ત્રીપાત્રો દ્વારા નારીપ્રતિષ્ઠા અને વિધવાવિવાહસમર્થનનું નિરૂપણ કર્યું છે. આ અંકોમાં શૃંગાર રસ કેન્દ્રમાં છે. ‘રાઈનો પર્વત’ એ દ્વિકેન્દ્રી નાટક છે. એથી એની સંકલનામાં સુશ્લિષ્ટ એકતા સિદ્ધ થતી નથી. રમણભાઈએ જાણે કે એક નાટકમાં બે નાટકો રચવાનું સાહસ બલકે દુ:સાહસ કર્યું છે.

ગુજરાતે ‘ભદ્રંભદ્ર’ અને ‘રાઈનો પર્વત’ની જેટલી પ્રતિષ્ઠા કરી છે એટલી રમણભાઈની કવિતાની પ્રતિષ્ઠા કરી નથી. રમણભાઈની કવિતા ઉપેક્ષિત રહી છે. એમણે ઝાઝી કવિતા રચી નથી, પણ જે કંઈ કવિતા રચી છે તે પ્રતિષ્ઠાને પાત્ર છે. ૧૯૨૮માં બલવન્તરાયે રમણભાઈના અવસાન સમયે શોકસભામાં એમના ‘રમણભાઈ – એક અંજલિ’ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે રમણભાઈનું પ્રત્યેક કાવ્ય ‘સ્વાનુભવરસનું પરિપક્વ સ્વાદુ સુંદર ફૂલ છે.’ રમણભાઈએ ૧૮૮૮થી કવિતા રચવાનો આરંભ કર્યો હતો અને ૧૯૧૨ લગી કવિતા રચી હતી. આ પચીસ વર્ષ દરમિયાન એમણે કુલ પચાસેક કાવ્યો રચ્યાં હતાં. એમાં ૧૮૮૮માં પ્રથમ પત્નીના અવસાન પછી ‘તું ગઈ’ અને ‘રે આ, શૂન્યતા’ અંજલિકાવ્યો, ૧૮૮૯માં દ્વિતીય પત્ની વિદ્યાગૌરીને સંબોધનરૂપ ‘સર્વસ્વ’ પ્રશસ્તિકાવ્ય, ૧૮૯૧માં પિતા મહીપતરામના અવસાન પછી ‘દેહાવસાન’ અંજલિકાવ્ય મુખ્ય છે. આ કાવ્યચતુષ્કમાં આત્મલક્ષી સ્વાનુભવની હૃદયસ્પર્શી ઊર્મિકવિતા છે. ૧૮૯૪ અને ૧૯૧૨ની વચ્ચે એમણે પ્રાર્થનાસમાજની પરંપરામાં પ્રાર્થનાકાવ્યો – ‘બારણે પુકાર’, ‘પ્રભુમય જીવન’, ‘વિભૂતિપ્રાર્થના’, ‘બિંબપ્રતિબિંબ’ રચ્યાં હતાં. એ જ સમયમાં એમણે ગ્રીક યજ્ઞો વિશે ‘શતક્રતુ’ કથાકાવ્ય અને ‘તુંગભદ્રા’ વર્ણનોર્મિકાવ્ય રચ્યું હતું. એમણે કેટલાંક લયવાહી ગીતો અને કીર્તન માટે પ્રસંગકાવ્યો અને ખંડકાવ્યો પણ રચ્યાં હતાં. આ ઉપરાંત ‘રાઈનો પર્વત’ નાટક માટે તેમણે ૮૬ મુક્તકો રચ્યાં હતાં. એમાંનું એક મુક્તક છે :

‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની
તે ખેલ માંડે ભયથી ભરેલો,
ભર્યાં તળાવો તણી પાળ તોડી,
ખાળી શક્યું છે જળધોધ કોઈ ?’

૧૯૪૬માં ગાંધીજીએ એમની નોઆખલી યાત્રામાં આ પંક્તિઓનું રટણ કર્યું હતું. આજના ભારતમાં આ પંક્તિઓ એટલી જ અર્થપૂર્ણ નથી ? દલપતરામ પછી અર્વાચીન અમદાવાદને જો કોઈએ સૌથી વધુ આબાદ કર્યું હોય તો તે રમણભાઈ નીલકંઠે. દલપતરામ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેમ પરસ્પરના પર્યાયરૂપ હતાં તેમ રમણભાઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી પરસ્પરના પર્યાયરૂપ હતાં. દલપતરામે જેમ સોસાયટી દ્વારા અમદાવાદને બૌદ્ધિક સ્તરે આબાદ કર્યું હતું તેમ રમણભાઈએ અમદાવાદને મ્યુનિસિપાલિટી દ્વારા સામાજિક સ્તરે આબાદ કર્યું હતું. દલપતરામે જેમ ‘મિથ્યાભિમાન’ નાટક અને ‘ફાર્બસવિરહ’ કાવ્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું તેમ રમણભાઈએ ‘ભદ્રંભદ્ર’ નવલકથા અને ‘રાઈનો પર્વત’ નાટક દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. દલપતરામ જેમ હાસ્યરસનાં કાવ્યો દ્વારા અર્વાચીનોમાં આદ્ય હતા તેમ રમણભાઈ હાસ્યરસની નવલકથા ‘ભદ્રંભદ્ર’ દ્વારા અર્વાચીનો(માત્ર ગુજરાતના જ નહિ ભારતભરના અર્વાચીનો)માં આદ્ય હતા. દલપતરામ અને રમણભાઈના જીવનમાં અને સાહિત્યમાં હાસ્યરસ એ મુખ્ય રસ હતો. બંનેએ લોકસંગ્રહ અર્થે એમનું સમગ્ર જીવન તન, મન અને ધનથી પણ સમર્પણ કર્યું હતું. દલપતારમને જેમ મિત્ર ફોર્બ્સનો આશ્રય અને આધાર હતો તેમ રમણભાઈને પિતા મહીપતરામનો આશ્રય અને આધાર હતો. આમ, બંનેએ અમદાવાદ અને ગુજરાતને ન્યાલ કર્યું હતું અને પોતાનું જીવન ધન્ય કર્યું હતું. રમણભાઈનો જન્મ ૧૮૬૮ના માર્ચની ૧૩મીએ અમદાવાદમાં વડનગરા નાગર કુટુંબમાં. પિતા મહીપતરામ રૂપરામ અને માતા રૂપકુંવર. એમના એક પૂર્વજ નીલકંઠ મહેતા દીવાન હતા. એથી રમણભાઈની અટક મહેતા નહિ, પણ નીલકંઠ હતી. પિતા મહીપતરામ સુધારક હતા. એમણે ગુજરાતમાંથી સૌપ્રથમ વિદેશગમન કર્યું હતું એ માટે એમણે સમાજનો દંડ અને વિરોધ સહન કર્યો હતો. એમણે ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ પ્રવાસગ્રંથ રચ્યો હતો. આ ઉપરાંત ‘સાસુ વહુની લડાઈ’ સામાજિક નવલકથા તથા ‘સધરા જેસંગ’ અને ‘વનરાજ ચાવડો’ ઐતિહાસિક નવલકથાઓ રચી હતી. એમણે કરસનદાસ મૂળજી અને દુર્ગારામ મહેતાજીનાં જીવનચરિત્રો પણ રચ્યાં હતાં અને ‘ભવાઈસંગ્રહ’નું સર્વપ્રથમ સંપાદન કર્યું હતું. ‘હોપ વાચનમાળા’માં પણ એમનું અર્પણ હતું. સુરત, મુંબઈ અને અમદાવાદની શાળાઓમાં તેઓ આજીવન શિક્ષક હતા. ‘પ્રાર્થનાસમાજ’ના તેઓ પ્રથમ સ્થાપક સભ્ય હતા. તેઓ ‘પ્રાર્થનાસમાજ’ અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના મંત્રીપદે અને પ્રમુખપદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કમિશનરપદે અને ચેરમેનપદે રહ્યા હતા. રમણભાઈને આરંભથી જ પિતાનો શૈક્ષણિક, સામાજિક, સાહત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમૃદ્ધ વારસો પ્રાપ્ત થયો હતો. આમ, રમણભાઈને જે સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું તે દલપતરામને પ્રાપ્ત થયું ન હતું. ઊલટાનું દલપતરામને પિતાને કારણે કિશોરવયમાં ગૃહત્યાગ કરવાનું અને પિતાને દલપતરામને કારણે પ્રૌઢ વયમાં માત્ર ગૃહત્યાગ જ નહિ, સંસારનો ત્યાગ કરવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. ૧૮૮૩માં ૧૫ વર્ષની વયે રમણભાઈ મૅટ્રિક થયા હતા. પછી ૧૮૮૪માં એમણે ગુજરાત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણઅર્થે પ્રવેશ કર્યો હતો અને પ્રીવિયસની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એ જ વર્ષમાં હસવદન સાથે એમનું લગ્ન થયું હતું. વડ્ઝવર્થના પૌત્રના વિદ્યાર્થી થવાની ઇચ્છા હતી એથી ૧૮૮૫-૮૭માં એમણે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. અહીં એમને આ સમયમાં કાન્ત અને બલવન્તરાય સાથેની એમની જીવનભરની મૈત્રીનો આરંભ થયો હતો. અભ્યાસ દરમિયાન બર્ક, માર્ટિનો અને મોર્લીના વિચારોના પ્રભાવથી એમનું જીવનભર ઉદારમતવાદી માનસ થયું હતું. ૧૮૮૭માં ૧૯ વર્ષની વયે તેઓ બી.એ. થયા હતા. ૧૮૮૬-૮૭થી તે આયુષ્યના અંત લગી, ૧૯૨૮ લગી, ૪૨ વર્ષ લગી તેઓ સતત ‘જ્ઞાનસુધા’ના તંત્રી રહ્યા હતા. ૧૮૮૭માં પત્ની હસવદનનું અવસાન થયું હતું. એ જ વર્ષમાં ૧૯ વર્ષની વયે વિદ્યાગૌરી સાથે એમનું દ્વિતીય લગ્ન થયું હતું. ૧૮૮૯માં ૨૧ વર્ષની વયે એમની કારકિર્દીનો આરંભ થયો હતો. એ અમદાવાદની કૉર્ટમાં પ્રથમ ક્લાર્ક તરીકે અને પછી શિરસ્તેદાર તરીકે નિયુક્ત થયા હતા. ૧૮૯૧માં ૬૨ વર્ષની વયે પિતા મહીપતરામનું અવસાન થયું હતું, તેથી અમદાવાદથી અનેક જાહેર પ્રજાકીય નાગરિક સંસ્થાઓમાં એમના સ્થાને ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા હતા. આમ, ૧૮૯૧થી તે આયુષ્યના અંત લગી, ૧૯૨૮ લગી, ૩૭ વર્ષના દીર્ઘ સમયની એમની આજીવન સમાજસેવાનો આરંભ થયો હતો. ૧૮૯૬-૯૭માં ગોધરામાં એ સબજજ તરીકે નિયુક્ત થયા હતા, પણ આમ ત્રણત્રણ વર્ષે બદલીઓ થાય તો એમને અમદાવાદનો અને એમની જાહેર પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનું થાય. એમ કરવું ન હતું એથી એમણે જેમાં ભવિષ્યમાં ઉજ્જ્વળ કારકિર્દીની સુવર્ણતક હતી એવી સરકારી નોકરીનો ત્યાગ કર્યો હતો અને વકીલાતના સ્વતંત્ર વ્યવસાયનો આરંભ કર્યો હતો. વકીલ તરીકે આ લોકસેવકે અન્ય વકીલોની ફીની સરખામણીમાં જીવનભર ઓછી ફીથી વકીલાત કરી હતી. ૧૯૧૩માં સરકારે રમણભાઈને ત્રણ વર્ષ માટે મુંબઈ ધારાસભામાં નિયુક્ત કર્યા હતા. ૧૯૨૦માં તેઓ મુંબઈ ધારાસભામાં નિર્વાચિત સભ્ય હતા. ૧૯૧૮માં તેઓ ૨જી ગુજરાત સંસારસુધારા પરિષદના તથા ૧૯૨૪માં અહમદનગરની પ્રાંતિક સંસારસુધારા પરિષદના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૦૫ના જૂનમાં તેઓ અમદાવાદમાં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્વાગત સમિતિના તથા ૧૯૨૬ના માર્ચમાં તેઓ મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૦૫માં સરકારે એમને એમની જાહેર સેવાઓની કદરરૂપે ‘રાવબહાદુર’નો તથા ૧૯૨૭ના જાન્યુઆરીની ૧લીએ એમને એમની સાહિત્યસેવાની કદરરૂપે ‘સર’નો ઇલ્કાબ આપ્યો હતો. ૧૯૨૮ના માર્ચની ૬ઠ્ઠીએ ૬૦ વર્ષની વયે અમદાવાદમાં પક્ષઘાતથી એમનું અવસાન થયું હતું. ૧૮૯૧થી ૧૯૨૮ લગી – આયુષ્યના અંત લગી ચારેક દાયકા અમદાવાદમાં રમણભાઈએ જાહેરજીવનમાં સમાજસેવાની જે નિ:સ્વાર્થ અને મોટે ભાગે નિ:શુલ્ક અથવા અલ્પશુલ્ક પ્રવૃત્તિ કરી હતી એમાં રમણભાઈના જીવનની પરમ ચરિતાર્થતા હતી. અમદાવાદમાં જાહેર જીવનમાં આવી સમાજસેવાને સમગ્ર જીવન સમર્પણ કર્યું હોય એવું નીલકંઠ કુટુંબ પ્રથમ છે. આજ લગીમાં અમદાવાદમાં આવી સમાજસેવાની પ્રવૃત્તિ દલપતરામ પછી માત્ર રમણભાઈએ જ કરી છે. અમદાવાદનો આવો ત્રીજો નાગરિક તો જન્મશે ત્યારે જન્મશે. કેવી સર્વતોમુખી અને સર્વત:સ્પર્શી હતી રમણભાઈની સમાજસેવા! એમાં જાતિભેદ, લિંગભેદ, ધર્મભેદ કે વર્ગભેદ ન હતો. રમણભાઈ સરકાર અને પ્રજા, ધનિક અને નિર્ધન, સાક્ષર અને નિરક્ષર સૌને એકસરખા પ્રિય હતા. જેમાં રમણભાઈએ ટ્રસ્ટી અથવા સંચાલક તરીકે જીવનભર સમાજસેવાનું કાર્ય કર્યું હોય એવી અમદાવાદની સમાજસેવા, સંસ્કારસેવા, સાહિત્યસેવા, શિક્ષણસેવા, આરોગ્યસેવાની અનેક જાહેર સંસ્થાઓની નામાવલિ પરથી પણ રમણભાઈની સમાજસેવાની ઇયત્તા અને ગુણવત્તાની પ્રતીતિ થાય છે. પ્રાર્થનાસમાજ, સંસાર સુધારા સમાજ, અનાથઆશ્રમ, બહેરાંમૂંગાંની શાળા, મદ્યપાનનિષેધ, લિબરલ લીગ, ઇન્ડિયન એસોસિએશન, મૂંગાં પ્રાણી સંસ્થા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, લિટરરી ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત વિદ્યાસભા, ‘જ્ઞાનસુધા’, લૉ લાઇબ્રેરી, સ્ત્રી કેળવણી મંડળ, કન્યાશાળાઓ, અંજુમને ઇસ્લામ, કેળવણી ફંડ, રેડક્રૉસ, નર્સિંગ, મેડિકલ રીલીફ હૉસ્પિટલો અને અન્ય અનેક સંસ્થાઓ. રમણભાઈએ અમદાવાદ શહેરની સૌથી વધુ સેવા, સૌથી વધુ દીર્ઘ સમયની સેવા, ત્રણ દાયકા લગીની સેવા તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે કરી હતી. કહો કે રમણભાઈએ એમનું સર્વસ્વ અમદાવાદમાં મ્યુનિસિપાલિટીને અર્પણ કર્યું હતું. ૧૮૯૭-૯૮માં એમણે ચૂંટણી દ્વારા નિર્વાચિત સભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો. આરંભમાં એમણે ૧૯૧૨ લગી ૧૪ વર્ષ લગી મ્યુનિસિપાલિટીની મોટા ભાગની સલાહકાર સમિતિઓ અને વહીવટી સમિતિઓમાં કાર્ય કર્યું હતું. ૧૯૧૨માં સરકારે એમને વહીવટી સમિતિમાં ઉપપ્રમુખ તરીકે અને કાયદાકીય સમિતિમાં એકમાત્ર પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ પોતે વકીલ હતા એથી એમણે કાયદાકીય સમિતિના પ્રતિનિધિ તરીકે નિ:શુલ્ક કાયદાકીય સલાહ આપી હતી અને ૭૫થી ૫૦૦ રૂપિયાની ફીને સ્થાને માત્ર ૩૦ રૂપિયાની નજીવી ફીથી કૉર્ટમાં કેસો માટે રજૂઆત કરી હતી. ૧૯૧૫થી ૧૯૨૪ લગી. એક દાયકા લગી એ ચૂંટણી દ્વારા મ્યુનિસિપાલિટીના નિર્વાચિત પ્રમુખ રહ્યા હતા. ૧૯૨૦થી ૧૯૨૪ લગી – ચાર વર્ષ લગી કૉંગ્રેસ પક્ષ પ્રમુખ માટેની ચૂંટણીમાં સક્રિય હતો પછી ૧૯૨૪માં પ્રમુખ માટેની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિજય થયો હતો અને રમણભાઈનો પરાજય થયો હતો. આમ, ૧૯૨૪માં રમણભાઈના પરાજયથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં રાજકીય પક્ષનો, રાજકારણનો, બલકે સત્તાકારણનો પ્રવેશ થયો હતો. રમણભાઈએ ૧૮૯૭-૯૮થી ૧૯૨૦ લગી – ૨૨ વર્ષ લગી મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે અને ૧૯૧૫-૧૯૨૪ લગી, ૧૦ વર્ષ લગી મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એમ કુલ ૨૬ વર્ષ લગી કાર્યક્ષમતા અને કાર્યકુશળતાથી મ્યુનિસિપાલિટીની સતત સેવા કરી હતી. રમણભાઈ જેવા એક નમ્ર અને નિખાલસ સજ્જન નાગરિક આમ ૧૦ વર્ષથી પ્રમુખપદે હોય તો એમની સાથે પ્રમુખપદ માટે સ્પર્ધા ન કરવાનો વિવેક કોઈપણ રાજકીય પક્ષમાં, કોઈપણ રાજકીય નેતામાં હોવો જોઈએ. પણ રાજકીય પક્ષોમાં, રાજકીય નેતાઓમાં, રાજકારણમાં, સત્તાકારણમાં આવો વિવેક ક્યાંથી હોય ? કહ્યું છે ને કે વિવેકભ્રષ્ટોનો શતમુખ વિનિપાત થતો હોય છે. આમ, ૧૯૨૪માં રમણભાઈની વિદાય સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી એક નાગરિક સંસ્થામાં રાજકીય પક્ષનો, રાજકારણનો, સત્તાકારણનો પ્રવેશ થયો હતો. પછી તરતના જ સમયમાં એ કારણે જ ‘અમીર નગરીના ફકીર રાજા’ જેવા નિ:સ્પૃહી અને નીડર નેતા ઇન્દુલાલને મ્યુનિસિપાલિટીમાંથી સભ્ય તરીકે સ્વેચ્છાએ ત્યાગપત્ર ધરવાનું થયું હતું. આમ, અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી એક નાગરિક સંસ્થામાંથી ૧૯૨૪ પૂર્વે રમણભાઈની વિદાય અને ૧૯૨૪ પછી ઇન્દુલાલની વિદાય એ અમદાવાદના જાહેરજીવનના ઇતિહાસનું એક કરુણ પ્રકરણ છે. રમણભાઈનો પરાજય અને ઇન્દુલાલનો ત્યાગપત્ર એ નાગરિક સંસ્થામાં રાજકારણના સત્તાકારણના દૂષણને એવું મોટું પ્રમાણપત્ર છે. ૧૯૨૪માં રમણભાઈનો પરાજય અને પછી ઇન્દુલાલનો ત્યાગપત્ર અને ૧૯૨૪ પછીનો આજ લગીનો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ઇતિહાસ – આ બંનેના સંદર્ભમાં અમદાવાદના શાણા નગરજનોએ પોતાને કેટલાક પ્રશ્નો પૂછવા ન જોઈએ ? નગરપાલિકા એ નગરની પાલિકા, નગરજનોની પાલિકા છે, એ નાગરિક સંસ્થા (Civic Institution) છે. એમાં રાજકીય પક્ષોને, રાજકારણને, સત્તાકારણને સ્થાન હોવું જોઈએ ? હોય તો કેવું અને કેટલું હોવું જોઈએ ? એમાં રાજકીય પક્ષોના સભ્યો ન હોય એવા સ્વ-તંત્ર નાગરિકોને જ સ્થાન ન હોવું જોઈએ ? અહીં એ નોંધવું રસપ્રદ થશે કે રમણભાઈ અને ઇન્દુલાલ તો ૧૯૧૫માં અમદાવાદમાં ગાંધીજીના આગમન પૂર્વે જ અમદાવાદના જાહેરજીવનમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ પ્રતિષ્ઠિત નેતાઓ હતા. એ અન્ય નેતાઓની જેમ ગાંધીજીના અનુગામી ન હતા, ગાંધીજીના પુરોગામી હતા. રમણભાઈ અને ઇન્દુલાલ તથા એમના સમયના અનેક પ્રજાપ્રિય, રાષ્ટ્રપ્રિય પ્રતિભાશીલ મહાનુભાવો – ન્હાનાલાલ, બલવન્તરાય, નરસિંહરાવ, આનંદશંકર – અરે રવીન્દ્રનાથ સુધ્ધાં – એ અસહકારીઓ સાથે અસહકાર કર્યો હતો. અસહકારીઓની નીતિરીતિ દેશને માટે હાનિરૂપ છે, એ નીતિરીતિથી દેશમાં અવ્યવસ્થા અને અરાજકતા થશે એવી એ સૌની દૃઢ માન્યતા હતી. રમણભાઈએ તો એ સમયે જ એ અંગે ગાંધીજી સાથે પ્રેમપત્રો જેવો પત્રવ્યવહાર કર્યો હતો. તો આ છે ૧૯૨૪માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદ માટેના પરાજયનો બોધપાઠ.