નરસિંહથી ન્હાનાલાલ/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મીરાં

‘મેરે તો ગિરિધર ગોપાલ’ – આ પદ રતનસિંહ રાઠોડની પુત્રી મીરાંએ રચ્યું નથી, પણ જેને પાંચ-સાત વર્ષની વયે પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું તે મીરાંએ રચ્યું છે. મીરાંને પરમેશ્વરનો આ અનુભવ થયો એની સાથેસાથે જ એક રાજકુંવરીને યોગ્ય એવું શિક્ષણ પણ પ્રાપ્ત થયું હતું. મીરાંનો જન્મ ૧૪૯૮માં મેડતા રાજ્યના કુડકી ગામમાં રાઠોડવંશના વૈષ્ણવધર્મી રાણા રતનસિંહને ઘેર થયો હતો. પણ રતનસિંહ સતત યુદ્ધભૂમિ પર સક્રિય હતા એથી મીરાંના દાદા દૂદાજીએ એનું લાલનપાલન કર્યું હતું. અને મેડતાની રાજકુંવરીને અને ભવિષ્યમાં મેવાડ જેવા કોઈ મોટા રાજ્યની મહારાણીને યોગ્ય એવું શિક્ષણ – યુદ્ધવિદ્યા, શસ્ત્રવિદ્યા, અશ્વવિદ્યા તથા કાવ્ય, સંગીત, નૃત્ય આદિ કળાઓનું શિક્ષણ આપ્યું હતું. દૂદાજીનું અવસાન થયું પછી તરત જ ૧૮ વર્ષની વયે મેવાડના સિસોદિયા વંશના શૈવધર્મી રાણા સંગ્રામસિંગ(સંગ)ના પાટવીપુત્ર ભોજરાજ સાથે મીરાંનું લગ્ન થયું હતું. જેને નાનપણથી જ પરમેશ્વરનો અનુભવ થયો હોય, જેની ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’ એવી પ્રતિજ્ઞા થવાની હોય, તો એને તો ‘દૂસરો’ ન હોઈ શકે! તો પછી મીરાંએ શા માટે લગ્ન કર્યું  મધ્યકાલીન ઉત્તર ભારતના રાજકીય ઇતિહાસમાં આ પ્રશ્નનો
ઉત્તર છે  ૧૪મી સદીથી ભારત પર મુસ્લિમો – ખીલજી, તુઘલગ, ગઝની, ઘોરી, લોદી આદિનું વારંવાર આક્રમણ થતું રહ્યું હતું. ૧૫૧૬થી તો દિલ્હીમાં ઇબ્રાહીમ લોદીનું રાજ્ય થયું હતું. ૧૫૨૬માં બાબર ભારતમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના કરવાનો હતો. આ સમયમાં સૈકાઓની વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિપ્રથા, જાતિભેદ અને લિંગભેદ તથા પ્રપંચો, ષડ્યંત્રો, વિગ્રહો, આંતરવિગ્રહોે આદિ ધાર્મિક, સામાજિક અને રાજકીય દૂષણોને કારણે ઉત્તર- ભારતમાં અનેક નાનાંમોટાં હિન્દુ રાજ્યો વચ્ચે એકતા ન હતી. ઉત્તરભારત છિન્નભિન્ન હતું. એમાં મેવાડ મોટામાં મોટું રાજ્ય હતું. એના રાણા સંગ્રામસિંગ (રાણા સંગ) એક મહાન મુસદ્દી હતા. આક્રમણોના પ્રતિકાર માટે એમણે લગ્નો દ્વારા જોધપુર, બુંદી આદિ અનેક રાજ્યો વચ્ચે એકતા સ્થાપવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. જગતના ઇતિહાસમાં રાજ્યો વચ્ચેની એકતા માટેનાં રાજકીય લગ્નો સદીઓથી થતાં રહ્યાં છે. એને mariage de convenance – સગવડનું લગ્ન – કહેવાય છે. રાણા સંગે આવાં ૨૮ લગ્નો કર્યાં હતાં. મેવાડ અને મેડતા વચ્ચે પણ લગ્ન દ્વારા એકતા થાય એવી એમની તીવ્ર ઇચ્છા હતી. મેડતાના રાણા અને મીરાંના કાકા વીરમદેવ એમના મિત્ર હતા. એથી રાણા સંગની વિનંતીથી અને વીરમદેવના આગ્રહથી મીરાંએ રાણા સંગના પાટવીપુત્ર ભોજરાજ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું હતું. મીરાંને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું. એથી એનું વિશ્વની સંવાદિતાનું, એકતાનું દર્શન હતું, ઇતિહાસ એ પરમેશ્વરની વિભૂતિ છે એવું દર્શન હતું. વળી ઉત્તરભારતનાં રાજ્યો વચ્ચે એકતા નથી એવો એનો પણ અનુભવ હતો,એની એ પરોક્ષ સાક્ષી હતી. એથી મીરાંએ લગ્ન કર્યું એ મધ્યકાલીન ઉત્તરભારતની એકતા માટે મીરાંનો મહાન ત્યાગ હતો. વળી એણે પોતે લગ્ન ભોગવશે નહિ, નિ:સંતાન રહેશે એવી પૂર્વશરત સાથે લગ્નનો સ્વીકાર કર્યો હતો. લગ્નની વિધિમાં પણ કૃષ્ણની મૂર્તિ એની સાથે હતી. આમ, મીરાંનું લગ્ન એ ઔપચારિક, લૌકિક અને સામાજિક દૃષ્ટિએ લગ્ન હતું જ નહિ. કર્યું કર્યું અને ન કર્યું – મીરાંએ એવું લગ્ન કર્યું હતું. મેવાડમાં લગ્ન પછી તરત જ એનું સતત પ્રભુમય જીવન હતું, વૈરાગ્યનું જીવન હતું. મીરાં કોઈ સંપ્રદાયમાં ન હતી. એથી એ કોઈ મંદિરમાં જતી ન હતી. એણે પોતાના મહેલમાં જ મંદિર રચાવ્યું હતું. એમાં જ એની ભજન-કીર્તનની દિનચર્યા હતી. એણે સંતનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને તેનું સાદું-સરળ જીવન હતું. એણે મેવાડની મહારાણીના પદનો ત્યાગ કર્યો હતો. મીરાંએ લગ્ન સ્વીકર્યું એથી રાણા સંગ એના ઋણી હતા. એમણે મીરાંનું સતત રક્ષણ કર્યું હતું. વળી અંત:પુરમાં રાણા સંગની માતા રતનબાઈનું વર્ચસ્ હતું. એ રૈદાસની શિષ્યા હતા. લગ્નસમયે કૃષ્ણની જે મૂર્તિ મીરાંની સાથે હતી તે રૈદાસે એને ભેટ આપી હતી અને રતનબાઈએ ત્યારે એનું દર્શન કર્યું હતું. એથી મીરાં એમની ગુરુબહેન હતી. આમ, અંત:પુરમાં પણ રતનબાઈએ મીરાંનું રક્ષણ કર્યું હતું. મેવાડમાં મીરાંનું શાંતિનું જીવન હતું. પણ જનશ્રુતિમાં એમ છે કે મેવાડમાં મીરાંને ત્રાસ, ધાર્મિક ત્રાસ આપ્યો હતો. મીરાં વૈષ્ણવધર્મી હતી અને મેવાડનું રાજકુટુંબ શૈવધર્મી હતું. એથી મીરાંને રાજકુટુંબે ધાર્મિક ત્રાસ આપ્યો હતો. રાણા સંગ અને રતનબાઈએ મીરાંનું રક્ષણ કર્યું હતું. અને એમ તો મીરાંના લગ્ન પૂર્વે આ શૈવધર્મી રાજકુટુંબમાં ત્રણ વૈષ્ણવધર્મી પુત્રવધૂઓ હતી. એમાંથી કોઈનેય ત્રાસ આપ્યો ન હતો તો પછી મીરાંને ક્યાંથી ત્રાસ આપ્યો હોય  મેવાડના રાજકુટુંબે મીરાંને અવશ્ય ત્રાસ આપ્યો હતો, પણ એ ધાર્મિક ત્રાસ નહિ પણ રાજકીય ત્રાસ હતો. મીરાંને આ રાજકીય ત્રાસ કોણે ક્યારે અને શાથી આપ્યો હતો  મધ્યકાલીન ઉત્તરભારતના રાજકીય ઇતિહાસમાં આ પ્રશ્નનો પણ ઉત્તર છે. ૧૫૨૧માં ભોજરાજનું અવસાન થયું પછી મેવાડના રાજકુટુંબમાં વારસ માટેના આંતરવિગ્રહનો આરંભ થયો હતો. ૧૫૨૨માં ગુજરાતના મુઝફ્ફર બીજાએ અને માળવાના મહમ્મુદ બીજાએ મેવાડ પર સંયુક્ત આક્રમણ કર્યું. એથી રાણા સંગ યુદ્ધભૂમિ પર હતા. એમની અનુપસ્થિતિમાં જોધપુરના રાજકુટુંબે ધનબાઈનો પુત્ર રતનસિંહ વારસ થાય એ માટે રાણા સંગને પદભ્રષ્ટ કરવાનું ષડ્યંત્ર રચ્યું. રાણા સંગે એની જાણ થતાં જ પોતાનો વિજય નિશ્ચિત હતો છતાં બંને આક્રમણકારો સાથે સમાધાન કર્યું અને એકાએક એ ચિતોડ પાછા ફર્યા. અને ષડ્યંત્ર નિષ્ફળ ગયું. ષડ્યંત્ર તો નિષ્ફળ ગયું પણ રાણા સંગને જોધપુરના રાજકુટુંબ સાથે સમાધાન કરવું પડ્યું હતું અને રતનસિંહનો વારસ તરીકે સ્વીકાર કરવો પડ્યો હતો. મીરાંએ રાણા સંગને આ ષડયંત્રની જાણ કરી હતી. આ જ સમયમાં જોધપુરના રાઠોડ કુટુંબે મેડતા પર આક્રમણ કર્યું હતું અને વીરમદેવને દેશવટો આપ્યો હતો. ત્યારે મીરાંએ વીરમદેવને બાબર પાસેથી આર્થિક સહાય અપાવી હતી અને જોધપુરના રાઠોડ કુટુંબનું આક્રમણ નિષ્ફળ ગયું હતું. મીરાં સંત હતી, એ સક્રિય રાજકારણમાં ન હતી. પણ જ્યારે સજ્જનો સંકટમાં હોય ત્યારે એણે એમને સહાય કરી હતી. જો ‘મહાભારત’માં કૃષ્ણ સજ્જનોને સંકટમાં – યુદ્ધભૂમિ સુધ્ધાં પર – સહાય કરે તો મીરાં આટલી પ્રચ્છન્ન સહાય ન કરે  ૧૫૨૭માં રાણા સંગનું અવસાન થયું પછી ધનબાઈનો પુત્ર રતનસિંહ રાજ્યપદે આવ્યો હતો. ૧૫૨૧માં ભોજરાજનું અને પછી રતનબાઈનું પણ અવસાન થયું હતું. હવે મીરાં વિધવા હતી, નિ:સંતાન હતી, નિ:સહાય અને અરક્ષિત હતી. મીરાંને કારણે ષડ્યંત્ર અને આક્રમણ નિષ્ફળ ગયાં હતાં એથી રતનસિંહને શંકા હતી કે ભવિષ્યમાં પણ મીરાં એને વિઘ્નરૂપ થાય. એથી એને મીરાંનો ભય હતો. રતનસિંહ રાજ્યપદે આવ્યો કે તરત એણે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો હતો. એની પરાકાષ્ઠારૂપે એણે નાગપ્રેષણ અને વિષપ્રેષણ દ્વારા મીરાંની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને પ્રસંગે એ જાતે ગયો ન હતો, એણે અનુચરો દ્વારા વિષધર નાગ અને વિષ મોકલ્યાં હતાં. પણ અનુચરોએ છાબમાં વિષધર નાગને સ્થાને નિર્વિષ નાગ મૂક્યો હશે અને પાત્રમાં વિષને સ્થાને ચરણામૃત ભર્યું હશે એથી મીરાં સુરક્ષિત રહી હતી. અનુચરોએ ચમત્કાર થયો એમ રતનસિંહને જણાવ્યું હશે. મીરાંને એની જાણ હોય તોપણ અનુચરોની હત્યા ન થાય એ માટે એણે ડહાપણપૂર્વક મૌન ધારણ કર્યું હશે. અનુચરોના હૃદયમાં મીરાં પ્રત્યે પ્રેમ જાગ્યો – અથવા પરમેશ્વરે પ્રેર્યો – એ જ ચમત્કાર! બીજો કોઈ ચમત્કાર ન હતો. પ્રેમ જેવો કોઈ ચમત્કાર નથી. આમ, રતનસિંહ મીરાંની હત્યા કરવામાં નિષ્ફળ ગયો હતો. ૧૫૩૧માં રતનસિંહની હત્યા પછી બુંદીના રાજકુટુંબના કરમેતનબાઈનો પુત્ર વિક્રમાદિત્ય રાજ્યપદે આવ્યો હતો. એણે પણ મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો. રતનસિંહ જાતે નાગપ્રેષણ અને વિષપ્રેષણ માટે ગયો ન હતો માટે મીરાં સુરક્ષિત રહી હતી. વિક્રમાદિત્યને એવી ભૂલ કરવી ન હતી. એથી એણે ત્રાસની પરાકાષ્ઠારૂપે મીરાંને જલસમાધિ દ્વારા આત્મહત્યા કરવાનો આદેશ આપ્યો. હવે કોઈ ચમત્કાર ન થાય એમ નથી એ મીરાં જાણતી હશે એથી મીરાંએ મેવાડનો સદાને માટે ત્યાગ કર્યો હતો. જનશ્રુતિમાં એમ છે કે મીરાં દ્વારિકામાં સાયુજ્યમુક્તિ પામી હતી. ૧૫૩૨માં મીરાંએ મેવાડનો ત્યાગ કર્યો પછી એ મેડતા ગઈ અને પછી એ વ્રજ ગઈ અને અંતે ૧૫૩૬માં એ દ્વારિકા ગઈ. મીરાં દ્વારિકામાં દસ વર્ષ વસી હતી. ૧૫૪૬માં કરમેતનબાઈનો નાનો પુત્ર ઉદયસિંહ રાજ્યપદે આવ્યો હતો. એને મીરાંની મેવાડમાં પુન: પ્રતિષ્ઠા કરવાની ઇચ્છા હતી. એથી એણે મીરાંને મેવાડ પાછા પધારવાની પ્રાર્થના સાથે બ્રાહ્મણોને દ્વારિકા મોકલ્યા. મીરાંએ આ પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો. એથી બ્રાહ્મણોએ આમરણાંત ઉપવાસ કર્યો. આ ધર્મસંકટમાં કૃષ્ણ જો અનુમતિ આપે તો એ પ્રાર્થનાનો સ્વીકાર કરે એવા પ્રસ્તાવ સાથે પણ હૃદયમાં દ્વારિકાત્યાગના નિર્ણય સાથે એણે મંદિરના ગર્ભદ્વારમાં એકાન્તમાં સંન્યાસિનીનાં વસ્ત્રો કૃષ્ણની મૂર્તિ સમક્ષ અર્પણ કર્યાં, અજ્ઞાતવાસનાં વસ્ત્રો ધારણ કર્યાં અને ગર્ભદ્વારના પાછલે બારણેથી દ્વારિકાત્યાગ કર્યો. પછી બ્રાહ્મણોએ ગર્ભદ્વારમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણોએ જોયું કે મીરાંનાં વસ્ત્રો છે, પણ મીરાં નથી. એથી એ મેવાડ પાછા ગયા અને ઉદયસિંહ સમક્ષ મીરાં કૃષ્ણની મૂર્તિમાં સાયુજ્યમુક્તિ પામી છે અને ચમત્કાર થયો છે એવો પ્રચાર કર્યો. મીરાં મૂર્તિમાં સાયુજ્યમુક્તિ પામી ન હતી, શૂન્યમાં સાયુજ્યમુક્તિ પામી હતી. મીરાંએ દ્વારિકાત્યાગ કર્યો પછી એ એના અવસાન લગી અજ્ઞાતવાસમાં વસી હતી. એણે એનો સમસ્ત ભૂતકાળ ભૂંસ્યો હતો, એનું સમગ્ર વ્યક્તિત્વ લોપ્યું હતું. એણે એનું નામ પણ ભૂસ્યું હતું. એ જ સાયુજ્યમુક્તિ. એ મુક્તિની પણ મુક્તિ છે, એ જ ચમત્કારોનો ચમત્કાર છે. ૧૫૪૬માં દ્વારિકા ત્યાગ પછી મીરાં ૧૫૫૬ લગી દસ વર્ષ દક્ષિણ-ભારતમાં આલ્વાર સંતો અને આચાર્યોની ભૂમિમાં તીર્થસ્થાનોની યાત્રાએ હતી. જનશ્રુતિમાં એમ છે કે અકબર, માનસિંહ, બીરબલ, તાનસેન અને તુલસીદાસનું મીરાં સાથે મિલન થયું હતું. આ મિલન ઉત્તર પૂર્વ ભારતથી દૂર એવાં સ્થળોમાં, દૂર દ્વારિકામાં કે દક્ષિણ ભારતમાં તો ન જ થયું હોય, ૧૫૫૬માં ઉત્તર-ભારતમાં મીરાં બંધોગઢમાં કલારસિક રાજા રામચંદ્ર વાઘેલાની અતિથિ હતી. અહીં બંધોગઢના રાજગાયક તાનસેનનું અને ચિત્રકૂટ નિકટ હતું એથી તુલસીદાસનું મિલન થયું હોય. અંતે મીરાં અંબરગઢના ધર્મપ્રિય રાજા ભગવાનદાસની અતિથિ હતી. અહીં ભગવાનદાસના પાલકપુત્ર માનસિંહ અને અંબરગઢના રાજકવિ બીરબલનું મિલન થયું હોય. ભગવાનદાસે એમની બહેનનું લગ્ન અકબર સાથે કર્યું હતું. એમાં મીરાંની પ્રેરણા હોય. ૧૫૫૬માં ૧૪ વર્ષની વયે અકબર રાજ્યપદે આવ્યો હતો પછી અંબરગઢમાં અકબર અને મીરાંનું મિલન થયું હોય. પછી અકબરે દીન-ઇ-ઇલાહીનું, હિન્દુ-મુસ્લિમએકતાનું જે દર્શન પ્રગટ કર્યું તે મીરાંએ અકબરને ભેટ ધર્યું હતું. મીરાં ઉત્તરભારતનાં અનેક આંતર વિગ્રહો વિગ્રહો, ષડયંત્રો, પ્રપંચો આદિની સાક્ષી હતી એથી આ એકતા વિના સમાજમાં સુખ શાંતિ અશક્ય છે એવું એકતાનું દર્શન હતું. પછી ૧૫૬૩-૬૫માં ૬૫-૬૭ વર્ષની વયે અંબરગઢમાં મીરાંનું અવસાન થયું હતું. રાણા સંગ ઉપરાંત વિવિધ વ્યક્તિત્વના આ પાંચ મહાપુરુષોનું મિલન થાય એમાં મીરાંની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે. દીન-ઇ-ઇલાહી એ માત્ર ઉત્તર- ભારતનાં રાજ્યોની એકતાનું દર્શન ન હતું, એ સમગ્ર ભારતવર્ષની એકતાનું દર્શન હતું. આવું એકતાનું દર્શન મીરાંની પૂર્વે ‘મહાભારત’ના યુગમાં કૃષ્ણને હતું અને મીરાંની પછી અર્વાચીન યુગમાં ગાંધીને હતું. મીરાં માત્ર સંત ન હતી, કૃષ્ણ અને ગાંધીની જેમ ભારતવર્ષના ઇતિહાસની એક વિરલ વિભૂતિ હતી.