નરસિંહથી ન્હાનાલાલ/૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અખો

નરસિંહને નાગરોએ ધાર્મિક અને સામાજિક ત્રાસ આપ્યો હતો. મીરાંને રાણાઓએ રાજકીય ત્રાસ આપ્યો હતો. અખાને ધાર્મિક, સામાજિક કે રાજકીય ત્રાસ તો આપ્યો ન હતો પણ આ ત્રણે પ્રકારના ત્રાસથીયે વધુ અસહ્ય એવો ત્રાસ આપ્યો હતો. એના પર બે વાર ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચોરીનો અપવાદ એ હત્યાથીયે વધુ ક્રૂર અને કઠોર એવો ત્રાસ છે. એમાં ત્રાસ તો હતો જ પણ સમાજમાં અપકીર્તિની, ચારિત્ર્યની હત્યાની કરુણતા હતી. એથી આત્મહત્યા કરવાનું મન થાય એવો એ આક્ષેપ હતો. આ આક્ષેપ કોણે કર્યો હતો  અને શાથી કર્યો હતો  અખાનો જન્મ ૧૬૦૦માં અમદાવાદની દક્ષિણે ૧૦ માઈલ દૂર જેતલપુરમાં વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. નાનપણમાં માતાનું અવસાન થયું હતું. પછી એકની એક વહાલી નાની બહેન તથા એક પછી એક એમ બંને પત્નીઓનું અવસાન થયું હતું. એ નિ:સંતાન હતો. પિતા રહિયાદાસની સાથે એ અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં કૂવાવાળા ખાંચામાં વસ્યો હતો. એ વ્યવસાયે સોની હતો. એના વ્યવસાયમાં એના કલાકૌશલ્યને કારણે એ જહાંગીરની ટંકશાળમાં ઉપરીના ઉચ્ચ સ્થાને હતો. યુવાનીમાં પિતાનું અવસાન થયું હતું. એનું ૧૬૫૫માં ૫૫ વર્ષની વયે અવસાન થયું ત્યાં લગી એ એકલવાયો હતો. એને એક ધર્મની માનેલી બહેન હતી. જીવનમાં નિર્વેદ માટે, સંસાર પ્રત્યે વૈરાગ્ય માટે અંગત જીવનની આ ઘટનાઓ, આ આસમાની પૂરતું કારણ હતી. પણ એ જાણે કે પૂરતું ન હોય તેમ જનશ્રુતિમાં એમ છે કે એ વ્યવસાયે સોની હતો અને સોની તો સગી બહેનનું સોનું પણ ચોરે એવી સમાજમાં માન્યતા હતી. એથી એણે એની બહેનની કંઠીમાંથી સોનું ચોર્યું હતું તથા એણે ટંકશાળમાંથી સિક્કામાં ભેળસેળ કરીને સોનું ચોર્યું હતું એવો એના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે આ બંને આક્ષેપોમાં સત્ય ન હતું. ધર્મની માનીતી બહેને કંઠીનો કસ કરાવ્યો હતો એમાં એણે સોનું ચોર્યું ન હતું પણ ઊલટાનું પદરના સો રૂપિયાની રકમનું ગાંઠનું સોનું ઉમેરીને કંઠી ઘડી હતી એમ પુરવાર થયું હતું. ટંકશાળમાંથી સોનું ચોર્યું એ અંગે તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન થોડાક સમય માટે એને જેલમાં રહેવાનું થયું હતું. પણ તપાસને અંતે આક્ષેપ નિરાધાર છે અને એ નિર્દોષ છે એમ પુરવાર થયું હતું અને એને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આમ, આ બંને પ્રસંગોમાં એ નિર્દોષ હોવામાં સફળ થયો હતો. સમાજના કેટલાક વર્ગોએ – સવિશેષ વૈષ્ણવોએ – આ આક્ષેપ કર્યો હતો. અખો સોની હતો પણ એણે હથોડીથી નહિ, પણ હાસ્ય અને કટાક્ષના હથોડાથી એમના પર જીવનભર સતત ઘા પર ઘા કર્યા હતા. એમનાં દોષો, દૂષણો અને દુરિતો પર આ હથોડાથી પ્રહારો કર્યા હતા, એમનાં અનિષ્ટો અને અનાચારો પર કટાક્ષના શસ્ત્રથી આક્રમણ કર્યું હતું. એમની મૂર્ખતા અને ધૂર્તતા પર મુક્ત અટ્ટહાસ્ય કર્યું હતું. પછી તેઓ અખાને ક્ષમા ન કરે અને એના પ્રત્યાઘાતમાં આવા આક્ષેપોથી પ્રતિકાર કરે એમાં કોઈ આશ્ચર્ય નથી. અંગત જીવનમાં અવસાનોની કરુણ ઘટનાઓ અને જાહેરજીવનમાં આ આક્ષેપો પછી અખાને સોનીના વ્યવસાય પ્રત્યે ધિક્કાર થયો હતો અને એણે એનાં સાધનો કૂવામાં પધરાવ્યાં હતાં. અને પછી ૧૬૩૫ની આસપાસ લગભગ ૩૫ વર્ષની વયે એણે ગૃહત્યાગ કર્યો હતો અને એ જ્ઞાનની શોધમાં ચાલ્યો ગયો હતો. જન્મથી એને કુટુંબમાં વૈષ્ણવધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા હતા. ‘કથા સુણીસુણી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ – એને તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું હતું. આ પંક્તિમાં ‘ફૂટ્યા કાન’ શબ્દો પર ભાર નથી. કોઈના – અખાના કે અન્યોના – કાન ફૂટ્યા ન હતા. એમાં ‘કથા સુણી સુણી’ શબ્દો પર ભાર છે. વૈષ્ણવધર્મના સંસ્કારો દીર્ઘ સમય લગી રહ્યા હતા અને કથાથી એને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. એથી એ ગૃહત્યાગ પછી ‘ગુરુ કરવાને ગોકુળ ગયો.’ ‘ગુરુ કર્યા મેં ગોકુળનાથ’ – એણે વૈષ્ણવધર્મી ગોકુળનાથને ગુરુ કર્યા. ‘ઘરડા બળદને ઘાલી નાથ.’ પોતે લગભગ ૩૫ વર્ષની વયનો હતો. ઘરડો, ગળિયો બળદ હતો. એને જ્ઞાન આપવા માટે, શિસ્ત માટે ગુરુએ નાથ ઘાલી. પણ ‘મન મનાવી સગુરો થયો.’ એણે સગુરો થયો એવું મન મનાવ્યું, બસ એટલું જ. પણ ‘વિચાર નગુરાનો નગુરો રહ્યો.’ એની જ્ઞાન-બ્રહ્મજ્ઞાન-ની તૃષાનો તોષ થયો નહિ, એના આત્માને સંતોષ થયો નહિ. એમાં ગુરુનો દોષ ન હતો, પોતાનો દોષ હતો. છતાં અન્યત્ર એણે કહ્યું છે, ‘બીજા ગુરુ તે લાગ્યા વરુ.’ અને ‘ગુરુ થયો ત્યાં મણમાં ગયો.’ ‘ગુરુ થા તારો તું જ.’ આ પંક્તિઓનો વૈષ્ણવોએ અનર્થ કર્યો અને ગોકુળનાથને ‘ઘરડા બળદ’ કહીને અખાએ ગુરુની, ગોકુળનાથની નિંદા – નિર્ભર્ત્સના કરી છે, એવો આક્ષેપ કર્યો. પણ અખાએ આ પંક્તિઓ સાચા ગુરુને ઉદ્દેશીને રચી નથી, પણ દંભી અને સ્વાર્થી ગુરુને ઉદ્દેશીને રચી છે એવું આ પંક્તિઓના સંદર્ભ પરથી સ્પષ્ટ છે. એણે તો ગોકુળનાથને સ્વેચ્છાએ ગુરુ કર્યા હતા. વળી અન્યત્ર ‘સેવો હરિ-ગુરુ-સંતને’ આદિ પંક્તિઓમાં એણે ગુરુનો મહિમા કર્યો છે, ગુરુત્વનું મહત્ત્વ કર્યું છે. એથી એમાં નિંદા કે નિર્ભર્ત્સતાને, અપમાન કે અવમાનનાને અવકાશ જ નથી. એટલે આ આક્ષેપ નિરાધાર છે. હવે પછી આત્મા એ જ એકમાત્ર સાચો ગુરુ છે એવી અખાની પ્રતીતિ હતી. એથી એણે પછી કદી બીજા કોઈ ગુરુ કર્યા જ ન હતા. મીરાંને જેમ ૫-૭ વર્ષની વયે અને નરસિંહને જેમ ૨૦-૨૨ વર્ષની વયે પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમ અખાને લગભગ ૪૦-૪૫ વર્ષની વયે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એણે ૧૬૪૫માં એ વિશેનું પ્રથમ કાવ્ય ‘પંચીકરણ’ રચ્યું હતું. ‘આવી અચાનક હરિ પ્રગટ થયો’ અને ‘અખે ઉર-અંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ.’ – આ જ્ઞાન અખાને બાહ્ય જગતમાંથી નહિ, પણ આંતર જીવનમાંથી પ્રાપ્ત થયું હતું, એના આત્મામાંથી પ્રાપ્ત થયું હતું. આ સ્વયંસ્ફુરણાનું, આત્મદર્શનનું જ્ઞાન છે. અખાના શબ્દોમાં આ જ્ઞાન એનો ‘શુદ્ધ વિચાર’ છે, એની ‘આત્મસૂઝ’ છે. અખો બહુશ્રુત હતો, વિદ્વાન હતો. એને સંસ્કૃતનું જ્ઞાન હતું. એને ઉપનિષદો, ષડ્દર્શનો, અન્ય ધર્મગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, મતો, વાદો આદિનો પરિચય હતો. એનાં દર્શન અને કવનમાં શંકરાચાર્યના કેવલાદ્વૈતનો અને ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પ્રભાવ હતો. છતાં એ સૌથી ‘ઊફરોે’ ચાલ્યો છે. નરસિંહ અને મીરાં જેમ કોઈ સંપ્રદાયમાં ન હતા તેમ અખો પણ કોઈ સંપ્રદાયમાં ન હતો. એને કોઈ શાસ્ત્ર કે સિદ્ધાંતનું પ્રતિપાદન કે ખંડનમંડન કરવું ન હતું, કોઈ મત કે વાદનો પ્રચાર કરવો ન હતો. આ એનું અનુભવસિદ્ધ જ્ઞાન હતું. એની પ્રતીતિ એનાં પાંચ સળંગસૂત્ર કાવ્યો ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્યસંવાદ’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘અખેગીતા’ અને ‘અનુભવબિંદુ’માં તથા અનેક છપ્પા અને કેટલાંક પદમાં થાય છે. ‘છીંડું શોધતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ’, ‘મારે મોટો હુન્નર જડ્યો, જે ઈશ્વરરૂપી જહાજે ચડ્યો’, ‘હું હસતો-રમતો હરિમાં ભળ્યો’, ‘આજ આનંદ અંગમાં ઊપન્યો, પરમબ્રહ્મની મુને ભાળ લાગી’, ‘શાંશાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું, ચાંદા ને સૂરજ વિના મારે વાયું છે વહાણું’ આદિ ઉદ્ગારોમાં આ અનુભવ અંગેનો કેટકેટલો ઉત્સાહ અને ઉદ્રેક છે! અખાનું જ્ઞાન એ બ્રહ્મજ્ઞાન છે, આત્મજ્ઞાન છે. એની ભક્તિ એ નિર્ગુણ ભક્તિ છે. એ નિર્ગુણનો સાધક-ઉપાસક હતો, છતાં સગુણ ભક્તિનો એણે સ્વીકાર અને આદર કર્યો હતો. બ્રહ્મજ્ઞાન થયું ત્યાં લગી તો એની સગુણ ભક્તિ હતી. ગુરુ કરવા એ ગોકુળ ગયો હતો. એણે ગુરુ કર્યા તે પણ વૈષ્ણવધર્મી ગોકુળનાથને કર્યા હતા. પણ એને બ્રહ્મજ્ઞાન થયું પછી એની નિર્ગુણ ભક્તિ હતી – જ્ઞાનરહિત નહિ, જ્ઞાનસહિતની ભક્તિ હતી. એટલે તો એણે કહ્યું, ‘ભક્તિ જે હતી પંખિણી, જેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે.’ પંખી બે પાંખથી જ ઊડી શકે, તેમ ભક્તિરૂપી પંખિણી પણ જ્ઞાન અને વૈરાગ્યની બે પાંખ હોય તો જ ઊડી શકે. ભક્તિ જો જ્ઞાનરહિત હોય તો તે વેવલાઈમાં અને વૈરાગ્યરહિત હોય તો વિલાસિતામાં પરિણમે. એથી તો એણે જ્ઞાન-વૈરાગ્ય-રહિત એવી સગુણ ભક્તિના ભક્તો વિશે કહ્યું હતું, ‘ખાઈ-પીને થયા ખૂંટડા, ન્હાઈ-ધોઈને ફરે ફૂટડા.’ નરસિંહે ઉત્તરજીવનમાં જ્ઞાનનાં પદ રચ્યાં તે પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં પદ રચ્યાં હતાં. કબીરે પણ સગુણ ભક્તિનો આદર કર્યો હતો. શંકરાચાર્યે પૂર્વજીવનમાં કેવલાદ્વૈતનાં પદ રચ્યા પછી ઉત્તરજીવનમાં શિષ્યો માટે સગુણ ભક્તિનાં પદ રચ્યાં હતાં. તેમ અખાએ પણ ઉત્તરજીવનમાં સગુણ ભક્તિનાં કેટલાંક પદ રચ્યાં હતાં. એથી જ એણે કહ્યું હતું, ‘નિર્ગુણ થઈને સગુણમાં મળે, તો અખા જેમ દૂધમાં સાકર ભળે.’ દૂધમાં, સગુણ ભક્તિમાં એની પોતાની મીઠાશ તો છે પણ એમાં જો સાકર, નિર્ગુણ ભક્તિ ઉમેરાય તો એમાં ઓર મીઠાશ આવે. આમ, અખાનું બ્રહ્મદર્શન એ સમન્વયનું દર્શન છે. અખાના કુલ ૭૫૬ છપ્પા છે. એ ૧૬૪૦થી ૧૬૫૫ લગી દોઢ દાયકાના દીર્ઘ કવનકાળ દરમિયાન રચાયા છે. એ સળંગસૂત્ર આકરગ્રંથ નથી, પ્રકીર્ણ છપ્પાઓનો સંચય છે. જોકે એમાં અખાએ વિષયવાર ‘અંગો’ની વ્યવસ્થા કરી છે. છપ્પામાં અને અન્ય કાવ્યોમાં બ્રહ્મજ્ઞાન અંગેનું અખાનું દર્શન એકસમાન છે. એક અર્થમાં એ અખાની એકોક્તિઓ –, સ્વગતોક્તિઓ છે, અખાનાં આત્મસંબોધનો – આત્મસંભાષણો છે. સાથેસાથે એમાં અખાની સામાજિક સભાનતા પણ પ્રગટ થાય છે. અખાના દુર્ભાગ્યે એને જીવનભર સતત સમાજમાં અનેક ક્ષેત્રો – ધાર્મિક, સામાજિક, સાહિત્યિક ક્ષેત્રો – માં દોષો, દૂષણો, દુરિતો, અનિષ્ટો, અનાચારોનું દર્શન કરવાનું પ્રાપ્ત થયું હતું. એણે એના બ્રહ્મજ્ઞાનના સંદર્ભમાં એ સૌનું નિરીક્ષણ – પરીક્ષણ કર્યું હતું. એ સૌ બ્રહ્મજ્ઞાનમાં વિઘ્નરૂપ હતાં. અખો આમ તો સોની હતો. એની એરણ પર સુવર્ણ મેલીને નાની નાજુક હથોડીથી સુંદર અલંકારો એણે કલાકૌશલ્યથી ઘડ્યા હતા. પણ સાથેસાથે એ જ એરણ પર સમાજનું કથીર તપાવીતપાવીને એના પર મોટા હથોડાથી ઘા કર્યા હતા અને એમાંથી જે ચારેકોર તણખા ઊડ્યા હતા તે છપ્પા! એમાં એનો પુણ્યપ્રકોપ, પયગંબરી આવેશ પ્રગટ થાય છે. અખાના છપ્પા, બલવન્તરાયે કહ્યું છે તેમ, ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ હતા. એમાં અખો પોતે પણ છટકી શક્યો નથી. એણે પોતાને પણ છોડ્યો નથી, પોતાને પણ છેડ્યો-છંછેડ્યો છે. બ્રહ્મ અનિર્વચનીય છે, અવર્ણનીય છે, ‘બાવન બાહેરો’ છે એમ એણે અનેક છપ્પામાં કહ્યું છે  ‘જે બોલું તે થાય સંસાર’, ‘જે કાગળમશે ન જાયે લખ્યો’, ‘હરિમાં રહે તે ગુણ શું ગાય ’, ‘શું સાંભળે ને અખા શું કહે ’, ‘કોણ સુણે ને કોણ કહે ’, ‘તે હું જ નહિ ત્યાં શું ઉચ્ચરું ’ છતાં એ ઘણું ઉચ્ચર્યો છે, બોલ્યો છે. એણે ઘણું કહ્યું છે, લખ્યું છે અને ગાયું છે. પ્રેમાનંદ જેમ હાસ્યની એક પણ તક જતી કરતો નથી તેમ અખો પણ કટાક્ષની એક પણ તક છોડતો નથી. એ અસંખ્ય પ્રકારે કટાક્ષ કરે છે. એના કટાક્ષમાં નર્મ-મર્મથી માંડીને અટ્ટહાસ્ય લગીના હાસ્યના અનેક પ્રકારો છે. આ કટાક્ષ અને હાસ્યમાં એનું એક જ લક્ષ્ય છે અને તે બ્રહ્મજ્ઞાન. એથી અંતે એના કટાક્ષ અને હાસ્યમાં શાંતરસ છે. આ કટાક્ષ અને હાસ્ય એ સીધી, સાદી, સરળ, સચોટ અને સોંસરી બોલચાલની ભાષામાં કલ્પનો, ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતો, કહેવતો દ્વારા પ્રગટ કરે છે. આ સૌ સામગ્રી એ અનેક સ્થળેથી અને વિષયોમાંથી એકત્ર કરે છે. એ જ્યાં હાથ નાંખે છે ત્યાં કલ્પનો આદિ એના હાથમાં આવે છે. ચિત્તમાં વિચાર ચમક્યો નથી અને તત્કાલ કલ્પન એની સમક્ષ આવીને ઊભું જ છે ને! એથી જ છપ્પાની કોઈ પણ પંક્તિ એક જ વાર વાંચો ને સદાય ચિત્તમાં, સ્મૃતિમાં ચમક્યા કરે છે. છપ્પામાં અખાનો બાહ્યજગત અને બાહ્યજીવનનો અઢળક અનુભવ પ્રગટ થાય છે. અખો જ્ઞાની-કવિ છે. એના છપ્પામાં જ્ઞાન અને કવિતા ઓતપ્રોત, એકરૂપ અને એકરસ છે. છપ્પામાં જ્ઞાન કવિતારૂપે, સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. એથી જ અખાનાં અન્ય કાવ્યો નહિ, પણ છપ્પા લોકહૃદયમાં વસી ગયા છે એમાં કોઈ આશ્ચર્ય નથી. અખો સંત છે, પણ એ સંતોમાં પણ વિરલ એવો સંત છે, એ હસતો સંત છે. અખાનું જીવન બ્રહ્મખુમારીથી ભર્યુંભર્યું છે અને એનું કવન અક્ષયરસથી છલોછલ છે.