નરસિંહથી ન્હાનાલાલ/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયારામ

નરસિંહ, મીરાં, અખો અને પ્રેમાનંદ સંપ્રદાયમાં ન હતાં, દયારામ સંપ્રદાયમાં હતા, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં. કવિ સંપ્રદાયમાં ન જ હોય એવું હંમેશાં હોતું નથી, કેટલાક કવિઓ સંપ્રદાયમાં હોય છે. પણ મોટા ભાગના કવિઓ સંપ્રદાયમાં હોતા નથી. સંપ્રદાય એટલે જ સંકુચિતતા. એથી કવિ સંપ્રદાયમાં હોય તો અનિવાર્યપણે એની કલ્પના કુંઠિત હોય છે, એની સર્જકતા સીમિત હોય છે. એની કવિતામાં ખંડનમંડન, વાદવિવાદ, મતમતાન્તર હોય છે, પૂર્વગ્રહ અને પક્ષપાત હોય છે, ક્યારેક નર્યો પ્રચાર હોય છે. એની કવિતામાં સંવાદિતા અને વૈશ્વિકતા હોતી નથી. પણ કોઈકોઈ કવિએ સંપ્રદાયમાં હોય છતાં ઉત્તમ કવિતા રચી છે. દયારામ એ વર્ગના કવિ હતા. એમણે સંપ્રદાયમાં હતા માટે નહિ પણ સંપ્રદાયમાં હતા છતાં ઉત્તમ કવિતા રચી છે. એમની મરજાદ પુષ્ટિમાર્ગી સંપ્રદાયની હતી, એમનો મિજાજ બૌદ્ધિકનો હતો; એમની કંઠી વૈષ્ણવધર્મની હતી, એમનો કંઠ કવિનો હતો. દયારામ સંપ્રદાયમાં હતા એથી એ સમાજમાં સુરક્ષિત હતા. વળી એ ગરબીભટ્ટ હતા. વળી એ ગરબીભટ્ટ હતા એથી એ સમાજમાં – સવિશેષ સ્ત્રીસમાજમાં – અત્યંત લોકપ્રિય હતા. સમાજે નરસિંહ, મીરાં અને અખાને ધાર્મિક, સામાજિક અને રાજકીય ત્રાસ આપ્યો હતો; દયારામને એમના જીવનકાળમાં એવો ત્રાસ આપ્યો ન હતો. પણ એમના અવસાન પછી સમાજે  બલકે કેટલાક ‘રસિક ચતુર સજ્જનો’એ એમનાં જીવન અને કવનનું મરણોત્તર નિદાન (post-mortem) કર્યું હતું અને એમનું ચારિત્ર્યખંડન કર્યું હતું; એમની કવિતાની કીર્તિને કલંકિત કરવાની બાલિશ ચેષ્ટા કરી હતી. એ દંભી અને સ્વાર્થી, દીન અને હીન, લંપટ અને વ્યભિચારી હતા એવો એમના પર આક્ષેપ કર્યો હતો, એટલું જ નહિ, એવો ચુકાદો પણ આપ્યો હતો. દયારામનો જન્મ ૧૭૬૭ના ઑગસ્ટની ૧૬મીએ ચાણોદમાં થયો હતો. માતા રાજકોર અને પિતા પ્રભુરામ ભટ્ટ. પિતા કારકુન હતા. તેઓ જ્ઞાતિધર્મથી શૈવમાર્ગી નાગર, પણ કુલધર્મથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા. દયારામની ૧૨ વર્ષની વય પૂર્વે માતાપિતાનું અવસાન થયું હતું. એથી દયારામ એમના શૈશવકાળમાં કાકાની પુત્રીને ઘેર ચાણોદમાં અને પછી મોસાળમાં માસીને ઘેર ડભોઈમાં વસ્યા હતા. નાનપણમાં ગંગા નામની નાગરકન્યા સાથે એમનો વિવાહ થયો હતો, પણ લગ્ન પૂર્વે જ એનું અવસાન થયું હતું. પછી દયારામ આજન્મ અપરિણીત રહ્યા હતા. જોકે ઉત્તરજીવનમાં ‘દૈવી જીવ’ જેવી મધ્યમવયની સોનારણ રતનબાઈએ એમની સેવા-શુશ્રૂષા કરી હતી. ૧૩ વર્ષની વયે એમને ડાકોરના પુષ્ટિમાર્ગી વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ પાસેથી અષ્ટાક્ષરમંત્ર પ્રાપ્ત થયો હતો. પછી એમની પ્રેરણાથી જ એમણે બ્રહ્મસંબંધ, મર્યાદા, સ્વયંપાક આદિ દ્વારા વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના શુદ્ધાદ્વૈત મતના વૈષ્ણવધર્મનો સ્વીકાર કર્યો હતો અને પગપાળા ત્રણ વાર ભારતયાત્રાઓ અને સાત વાર શ્રીનાથજીની યાત્રાઓ કરી હતી. એમનું ઔપચારિક શિક્ષણ નહિવત્ હતું, પણ એમણે ભાગવત, ગીતા તથા સંપ્રદાયના ગ્રંથો અને ભક્તિસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. બાલ્યવયમાં એ અનાથ અને અકિંચન હતા, મધ્યવયમાં એ અક્લાન્ત તીર્થયાત્રી હતા, સર્વ વયમાં એ એકલવાયા હતા. પૂર્વજીવનમાં એ માની-સ્વમાની અને મિજાજી હતા, ઉત્તરજીવનમાં એ દીન, નમ્ર અને શાન્ત હતા. અંતિમ વર્ષોમાં એમને વિશાળ મિત્રમંડળ અને શિષ્યવૃંદ હતું. એ સમાજમાં સદાય અત્યંત લોકપ્રિય હતા. ૧૮૫૨ના ફેબ્રુઆરીની ૨૮મીએ ૮૫ વર્ષની વયે ૧૦-૧૨ વર્ષની લાંબી માંદગી પછી અનેક રોગોથી ડભોઈમાં એમનું અવસાન થયું હતું. એમનાં સમગ્ર જીવન અને કવનમાંથી એક તપસ્વીની મૂર્તિ, એક રસિક સંન્યાસીની મૂર્તિ પ્રગટ થાય છે. નર્મદે ૧૮૫૨માં દયારામના અવસાન પછી ૭ જ વર્ષમાં દયારામનાં કાવ્યો એકત્રિત કર્યાં હતાં અને એમનું પ્રકાશન કર્યું હતું. પછી ૧૮૬૫માં એ સમયે દયારામ વિશે સમાજમાં જે કંઈ માન્યતાઓ અને માહિતીઓ પ્રચલિત હતી અને જે કંઈ સાધનસામગ્રી ઉપલબ્ધ હતી એને આધારે દયારામનું મિતાક્ષરી જીવનચરિત્ર લખ્યું હતું. એમાં એમણે એક વિધાન કર્યું હતું, ‘...દયારામ જન્મથી વિલક્ષણ તેથી તેને પોતાના કુછંદી સાથીઓના સહવાસથી કવિતા જોડવાની શક્તિ આવેલી... એક વાત લખતાં દલગીરી થાય છે કે દયારામના શૃંગારે વ્યભિચારમાં વધારો કર્યો છે.’ આમ, નર્મદે દયારામની કવિતાનો આરંભ વ્યભિચારમાં છે અને અંત પણ વ્યભિચારમાં છે એવું વિધાન કર્યું હતું. નર્મદનું આ વિધાન વિચિત્ર અને વિકૃત છે, પણ પૂર્વોક્ત કારણે ક્ષમ્ય છે. વળી નર્મદે તો દયારામનાં કાવ્યો એકત્રિત કર્યાં હતાં અને એમનું પ્રકાશન કર્યું હતું એટલે દયારામ તો નર્મદના ઋણી છે. પણ પછી એક અરધી સદી પછી ૨૦મી સદીના ત્રીજા દાયકામાં નર્મદના સ્વયંસ્થાપિત વારસોએ પણ એવું વિધાન કર્યું હતું કે દયારામની કવિતામાં દંભ, સ્વાર્થ, આત્મપ્રતારણા અને વ્યભિચાર છે. આ વિધાન તો વધુ વિચિત્ર અને વિકૃત છે અને અક્ષમ્ય પણ છે. જાણે કે વચમાં ૧૯૦૮માં ગોવર્ધનરામે દયારામ અને દયારામની કવિતાને સમજવા-સમજાવવાનો સન્નિષ્ઠ અને સહૃદય પ્રયત્ન કર્યો જ ન હોય! દયારામ માનુષીપ્રેમમાં મસ્ત એવા પ્રણયી છે, મસ્ત કવિ છે; ભક્ત નથી, દીન ભક્ત નથી; એમની કવિતામાં માનવપ્રેમ છે, માનુષી પ્રિયા છે, પરમેશ્વરપ્રેમ નથી, શુદ્ધ ભક્તિનો ધ્વનિ નથી, પ્રણયને સ્થાને ભક્તિને સ્થાપવામાં એ નિષ્ફળ ગયા છે. – આવું વિધાન કરવું એ ક્ષુલ્લક બુદ્ધિનું એક સાહસ છે. છતાં આ અભિપ્રાય છે, કોઈનો આવો અભિપ્રાય હોય. પણ પછી આટલું ઓછું હોય તેમ એવું વિધાન કરવું કે એ યુગમાં ચોખલિયાઓના સમાજમાં ભક્ત ન હતા છતાં એમને ભક્ત થવું પડ્યું. હવે આ અભિપ્રાય નથી, આરોપણ છે, આક્ષેપ છે. આ ક્ષુલ્લક બુદ્ધિનું સામાન્ય સાહસ નથી, એક અદ્ભુત સાહસ છે. વળી હજુ આટલું ઓછું હોય તેમ એવું વિધાન કરવું કે પછી તો દયારામ પોતાને ભક્ત માનવા લાગ્યા. પરમેશ્વરનો પ્રેમ હોય તો સ્ત્રી પ્રત્યે અણગમો થવો જોઈએ. દયારામને એવો અણગમો થયો ન હતો. એથી એમને પરમેશ્વરનો પ્રેમ ન હતો. એથી અંતે સાર સારવવો કે દયારામ લંપટ હતા – આ આરોપ નથી, ચુકાદો છે. આ ક્ષુલ્લક બુદ્ધિનું અદ્ભુત સાહસ નથી, ક્ષુદ્ર બુદ્ધિનું એક અતિ અદ્ભુત સાહસ છે. નર્મદે દયારામનું આટલું હીન, બુદ્ધિહીન ચરિત્રચિત્રણ કર્યું ન હતું. આ ચારિત્ર્યખંડન છે. પણ અહમ્ અને આત્મશ્લાઘાને કારણે જેમની સવિઘ્ના સંવિત્ હોય, જીવનનો ઉલ્લાસ અને રોમૅન્ટિક જીવનદર્શન આદિ અંગે અંગત જીવનમાં કૃતક અનુભવોના આત્મપ્રતિપાદન અર્થે સાહિત્યનો દર્પણ તરીકે દુરુપયોગ કરવાનું મલિન માનસ હોય એવા મનુષ્યોના લલાટે વિધાતાએ આવાં વિધાનો કરવાનો લેખ લખ્યો હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. ન્હાનાલાલ, કેશવલાલ અને સવિશેષ તો નર્મદાશંકરે દયારામનાં જીવન અને કવન વિશે ગોવર્ધનરામની જેમ સન્નિષ્ઠ અને સહૃદય વિવેચન કર્યું છે. એ સૌમાં નર્મદાશંકરે દયારામનો સંપૂર્ણ કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો છે. એમણે ૧૯૨૯માં ‘દયારામ  પ્રણયકવિ કે ભક્તકવિ ’ વ્યાખ્યાનમાં અને ૧૯૩૦માં ‘ભક્તકવિ દયારામ’ની પ્રસ્તાવનામાં દયારામનાં જીવન અને કવન પરના પૂર્વોક્ત આક્ષેપોનો તર્કબદ્ધ અને બુદ્ધિયુક્ત કારણો સાથે પ્રબળ પ્રતિકાર કર્યો છે. ગોવર્ધનરામે દયારામના સ્થૂલ ક્ષર દેહ પર નહિ પણ સૂક્ષ્મ અક્ષરદેહ પર એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નર્મદાશંકરે પણ વિધાન કર્યું છે, ‘કવિની પરીક્ષા કાવ્યમીમાંસાના ધોરણે થાય, કંઈ ધર્મશાસ્ત્ર અથવા નીતિશાસ્ત્રથી થાય નહિ. કાવ્યના રસાસ્વાદમાં કવિનું પોતાનું અંગત જીવન કેવું હતું એ પ્રશ્ન અસ્થાને ગણાય.’ વળી એમણે એવું પણ વિધાન કર્યું છે, ‘કવિના અક્ષરદેહને જેમણે સર્વાંશે અવલોકવો હોય તેમણે કવિની કૃતિઓને કાવ્યશાસ્ત્રની દૃષ્ટિથી, જ્ઞાનશાસ્ત્રની દૃષ્ટિથી અને ભક્તિશાસ્ત્રની દૃષ્ટિથી અવલોકવી જોઈએ.’ આમ, નર્મદાશંકરે કવિના અંગત જીવનનો જ નહિ, ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો પણ કાંકરો જ કાઢી નાંખ્યો છે. પછી એમણે વિગતે નોંધ્યું છે કે દયારામના અવસાન પછી સાઠોદરા નાગર જ્ઞાતિની સ્ત્રીઓમાં અને બાલાશંકર સુધ્ધાંના હૃદયમાં દયારામ માટે માન અને આદરનો ભાવ હતો. દયારામ જો લંપટ હોય તો આવો ભાવ હોય જ નહિ. દયારામ વલ્લભાચાર્યના પુષ્ટિસંપ્રદાયના ભક્ત હતા. આ સંપ્રદાયના શુદ્ધાદ્વૈત મતના વૈષ્ણવધર્મમાં માધુર્યભક્તિનું મુખ્ય સ્થાન છે. એથી દયારામની કવિતામાં જે શૃંગાર છે એ માધુર્યભક્તિ એટલે કે અલૌકિક પ્રેમ છે, લૌકિક પ્રેમ નથી. દયારામની સમગ્ર કવિતામાં કૃષ્ણ સિવાય અન્ય કોઈ કાવ્યવિષય જ નથી. કૃષ્ણ પ્રિયતમ છે અને દયારામ એમની દયાગોપી, દયાસખી, દયાદાસી છે; વિશ્વમાં પુરુષ તો એક જ છે અને તે કૃષ્ણ. અન્ય પુરુષો તે પુરુષો જ નથી, એકમાત્ર પુરુષ એવા કૃષ્ણની ગોપીઓ, સખીઓ, દાસીઓ છે. એથી સ્ત્રી પ્રત્યે અણગમો થવાનો પ્રશ્ન જ નથી. પોતાને પરમેશ્વરનો આવો ભાવજન્ય અનુભવ ન થાય માટે અન્ય કોઈને પણ ન થાય અને થાય તો એ પરમેશ્વર કાલ્પનિક છે અને એકમાત્ર સ્ત્રી જ વાસ્તવિક છે એવું વિધાન પોતે જ વાસ્તવિક નથી. દયારામ માત્ર પ્રણયી, પ્રણયકવિ નથી, ભક્ત – ભક્તકવિ પણ છે. આમ, નર્મદાશંકરે દયારામનો સંપૂર્ણ કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો છે. ૧૮૬૫માં નર્મદે પૂર્વોક્ત વિધાન કર્યું પછી અરધી સદી પછી જે વાદવિવાદ થયો એમાં પ્રશ્નોનો પ્રશ્ન એ છે કે દયારામ પ્રણયી કે ભક્ત  દયારામની કવિતામાં લૌકિક પ્રેમ કે અલૌકિક પ્રેમ  દયારામની કવિતામાં શૃંગાર કે ભક્તિ  દયારામના પ્રેમમાં અને એમની કવિતામાં કેન્દ્રમાં સ્ત્રી કે પરમેશ્વર  દયારામને પોતાને તો કોઈ પ્રશ્ન હતો જ નહિ. એટલે તો એમણે ગાયું છે, ‘જીવ જાણી લે, જારપ્રીત જગદીશ વિના નવ સારી’, ‘એક વર્યો ગોપીજનવલ્લભ, નહિ સ્વામી બીજો’, ‘સાચું તે સગપણ રે સમજ મન શ્યામતણું’. એથી તો એમણે ‘રસિક ચતુર સજ્જનો’ને રોકડું પરખાવ્યું છે, ‘વસ્તુને શું જાણે વ્યાકરણી ’ દયારામનું લંપટ તરીકે, વ્યભિચારી તરીકે ચિત્રણ કરવાનો, દયારામનું ચારિત્ર્યખંડન કરવાનો જે પ્રયત્ન થયો છે એ ગુજરાતી કવિતાના ઇતિહાસનું એક દુર્ભાગી પ્રકરણ છે. ન્હાનાલાલે એ વિશે કરુણ સ્વરે કહ્યું છે, ‘દયારામનું જીવનચરિત્ર ડહોળાઈ ગયું છે, દયારામભાઈને જાણે ચૂંથી નાંખ્યા છે.’ સૌ મધ્યકાલીન કવિઓમાં જો કોઈ કવિએ ઊર્મિ કવિતામાં તર્કયુક્ત બુદ્ધિનો, બૌદ્ધિકતા(wit)નો સંપૂર્ણ કસ કાઢ્યો હોય તો તે એકમાત્ર દયારામે. દયારામ એકસાથે રસિક અને ચતુર છે. જેટલા રસિક છે એટલા ચતુર છે અને જેટલા ચતુર છે એટલા રસિક છે. એમની કવિતામાં એક સાથે એકસરખી રસિકતા અને ચતુરતા છે. વારંવાર વાંકું બોલવું, વાંકું જોવું, ક્વચિત્ વાંકું ચાલવું એ જેટલું દયારામના કૃષ્ણને પ્રિય છે એટલું જ લગભગ સતત વાંકું બોલવું એ દયારામની ગોપી કે રાધાને પ્રિય છે. એથી દયારામની કવિતામાં વ્યંગ અને વક્રતા છે, એકસાથે સંઘર્ષ અને સંવાદ છે. દયારામની ઊર્મિકવિતા એ નાટ્યોર્મિકવિતા છે. દયારામની કવિતામાં સંવિધાન અને સંકલનાની લાક્ષણિક શૈલી આ પ્રમાણે છે  એમની કવિતામાં વસ્તુવિષયમાં વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓ તથા કૃષ્ણ, રાધા, ગોપી, સખી, સાસુ, ઉદ્ધવ, વાંસલડી, મધુકર આદિ વિવિધ પાત્રો છે. આ પાત્રો એમની તર્કયુક્ત બુદ્ધિથી, બૌદ્ધિકતાથી સ્વાંગ સજે, મહોરું પહેરે, પાઠ ભજવે, આરંભમાં અને મધ્યમાં એક પછી એક તર્કનો ઉમેરો કરે અથવા એક તર્કનો અન્ય વધુ સબળ તર્કથી ઉચ્છેદ કરે અને એમ એક કૃતકભાવ પ્રગટ કરે, એક એવી ભૂમિકા રચે, એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે જેથી અંતમાં સહસા એ કૃતકભાવનું પરિવર્તન થાય અને આરંભથી જ હૃદયમાં જે સાચો ભાવ છુપાવ્યો હોય, જે રહસ્ય ગોપવ્યું હોય તે પ્રગટ થાય. ‘શ્યામ રંગ સમીપે ન જાવું!’, ‘ઝઘડો લોચન-મનનો’, ‘અલબેલા છેલા અડશો મા’, ‘નેણ નચાવતા નંદના કુંવર’, ‘નહિ બોલું રે કદાપિ નંદકુંવરની સંગે’ એનાં ઉત્તમ ઉદાહરણો છે. પૂર્વજીવનનાં પ્રેમલક્ષણાભક્તિનાં કાવ્યોમાં જ નહિ પણ ઉત્તરજીવનનાં અંત સમયનાં ક્ષમાયાચના અને પ્રાર્થનાનાં કાવ્યોમાં પણ આ જ શૈલી છે. ‘જેવો છું તેવો હું તમારો હે શ્રીજી’, ‘મારે અંતસમય... અવસર ચૂકશો મા’ એનાં ઉત્તમ ઉદાહરણો છે. દયારામની ઊર્મિકવિતામાં વસ્તુવિષય છે પ્રેમલક્ષણાભક્તિ અને શૃંગાર. પ્રેમલક્ષણાભક્તિને કારણે એમાં શૃંગારરસ પણ અંતે શાન્તરસ જ છે. એમાં શૈલીસ્વરૂપમાં શબ્દમાધુર્ય, પદલાલિત્ય અને સુશિક્ષિત, સુસંસ્કારી, સુસંસ્કૃત નાગરસુલભ સૌંદર્ય છે. પણ દયારામ ગરબીકવિ છે, ગરબીભટ્ટ છે, સ્ત્રીઓના કવિ છે. એથી એમાં સાથેસાથે સ્ત્રીઓની બોલચાલની ભાષાના લય, લહેકા, મરોડ અને કાકુઓ છે એમાં વિવિધ પ્રસંગો અને પરિસ્થિતિઓમાં મિલન-વિરહ, હર્ષ-શોક, અશ્રુ-હાસ્ય, તોષ-રોષ, માન-અપમાન, આશા-નિરાશા, જય-પરાજય આદિ વિવિધ ભાવભંગી અને અર્થભંગી છે. એમાં પ્રવાહિતા, સરળતા અને સહજતા છે. દયારામની કવિતાની લોકપ્રિયતાનું આ મુખ્ય કારણ છે. એનું લોકહૃદયમાં અનન્ય સ્થાન છે. દયારામનાં કાવ્યો ગુજરાતની પ્રજાને અતિપરિચિત છે. એથી અહીં એનાં અવતરણો આપવા આવશ્યક નથી, એ માટેનો અવકાશ પણ નથી. અંતે દયારામની ગોપીએ – દયાગોપીએ કૃષ્ણ વિશે જે પ્રશ્ન પૂછ્યો હતો તે દયારામની કવિતા વિશે પૂછીએ  ‘કિયે ઠામે મોહિની ન જાણી રે ... શી મોહિની ભરેલી આ વાણી રે ’ અને પછી દયારામની ગોપીએ  દયાગોપીએ પોતાને વિશે જે પ્રશ્ન પૂછ્યો હતો તે દયારામને પૂછીએ  ‘કાળજ કોર્યું તે કોને કહીએજી રે ’ શતાબ્દીઓની પારથી રસિકજનો પૂછશે  ‘કાજળ કોર્યું તે કોને કહીએજી રે?’