નરસિંહથી ન્હાનાલાલ/૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિ હર્ષદ ધ્રુવ

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મધ્યયુગનો આરંભ ૧૫મી સદીના મધ્યભાગમાં નરસિંહ(૧૪૧૦-૧૪૮૦)થી થયો હતો અને ૧૯મી સદીના મધ્યભાગમાં દયારામના અવસાન(૧૮૫૩)થી એનો અંત આવ્યો હતો. ૧૮૧૮થી ગુજરાતમાં અંગ્રેજોનું રાજ્ય અમલમાં આવી ચૂક્યું હતું અને ૧૯મી સદીના મધ્યભાગમાં દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) અને નર્મદ(૧૮૩૩-૧૮૮૬)થી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અર્વાચીન યુગનો આરંભ થયો હતો. ભારતમાં અંગ્રેજોના આગમન પછી એમની સાથેના પ્રત્યક્ષ પરિચયને કારણે અને વિશેષ તો ૧૮૫૭માં યુરોપની પુનરુત્થાનની બૌદ્ધિક પરંપરાની યુનિવર્સિટીઓની સ્થાપનાને કારણે ભારતમાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિમાં ભારે પરિવર્તન થયું હતું. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ પરિવર્તનના પ્રથમ તબક્કાને ‘સુધારાયુગ’ અથવા ‘સંક્રાંતિયુગ’ તથા દ્વિતીય તબક્કાને ‘સાક્ષરયુગ’ અથવા ‘સમન્વય યુગ’ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં પરિવર્તનના પ્રણેતાઓ હતા દલપતરામ, નર્મદ, મહીપતરામ અને દુર્ગારામ. એમાં દલપતરામ અને નર્મદ સર્જકો પણ હતા. દ્વિતીય તબક્કામાં પરિવર્તનના પ્રણેતાઓ હતા ગોવર્ધનરામ, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, હરિ હર્ષદ, કેશવ હર્ષદ, મણિલાલ, બાલાશંકર, કાન્ત, કલાપી, બલવન્તરાય અને ન્હાનાલાલ – એમાં રમણભાઈ અને મણિલાલ સુધારકો પણ હતા. આ સૌ પ્રણેતાઓ વિદ્વાન સાક્ષરો અને સર્જકો હતા. આ સૌ સાક્ષરોે અને સર્જકોમાં પ્રચંડ મનોઘટનાશાળી પ્રતિભા હતી. જગત-સાહિત્યના ઇતિહાસમાં આવા અને આટલા સાક્ષરો અને સર્જકોનું એક જ સમયે, એક જ સ્થળે, એકસાથે હોવું એ અભૂતપૂર્વ નહિ તો અસાધારણ ઘટના છે. આ સૌ સાક્ષરો અને સર્જકોએ – એક કલાપીના અપવાદ સાથે – મુંબઈ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ આ યુનિવર્સિટીની સરજત છે. એમની સધ્ધર અને સમૃદ્ધ સાક્ષરતા અને સર્જકતા માટે મુંબઈ યુનિવર્સિટીને યશ આપવો રહ્યો. ન્હાનાલાલે કહ્યું હતું, ‘મુંબઈ યુનિવર્સિટી નહિ, તો ન્હાનાલાલ નહિ.’ એ જ રીતે કહી શકાય, ‘મુંબઈ યુનિવર્સિટી નહિ, તો આ સૌ સાક્ષરો અને સર્જકો નહિ.’ આ સૌ સાક્ષરો-સર્જકોનાં જીવન અને સર્જન ગુજરાતને સુપરિચિત છે, પણ એમાં બે સાક્ષરો-સર્જકો – હરિ હર્ષદ ધ્રુવ અને કેશવ હર્ષદ ધ્રુવનાં જીવન અને સર્જન ગુજરાતમાં ઉપેક્ષિત નહિ તો અલ્પપરિચિત તો રહ્યાં છે. હરિલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ ૧૮૫૬ના મેની ૧૦મીએ સાબરકાંઠા જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયો હતો. નાનપણમાં જ તેઓ અમદાવાદમાં વસ્યા હતા. તેઓ ૧૮૭૦માં મૅટ્રિક અને ૧૮૭૩માં બી.એ. તથા ૧૮૮૦માં એલએલ.બી. થયા હતા. ૧૮૮૧થી ૧૮૮૪ લગી એમણે શિક્ષણખાતામાં કાર્ય કર્યું હતું. ૧૮૮૪થી એમનો સુરતમાં વકીલાતનો વ્યવસાય હતો. પછી તેઓ વડદોરામાં ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જ્જ તરીકે નિયુક્ત થયા હતા. ૧૮૮૯માં તેઓ સ્ટૉકહોમમાં ઑરિએન્ટલ કૉંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એ પરિષદમાં એમણે ‘રેખાગણિત’ વિશે નિબંધ રજૂ કર્યો હતો. પછી એમણે પ્રાચ્યવિદ્યાના વિદ્વાનોની પરિષદમાં પણ ‘ભલાઈ’ વિશે નિબંધ પ્રસ્તુત કર્યો હતો. આ સંસ્થાએ તથા બર્લિન યુનિવર્સિટીએ એમના સંશોધન માટે એમને પીએચ.ડી.ની માનદ પદવી અર્પણ કરી હતી. આમ, ઑરિએન્ટલ કૉંગ્રેસમાં સહભાગી થનાર અને યુરોપમાં માનદ પદવીઓ પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાતમાં પ્રથમ હતા. ૧૮૯૩માં એમણે મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે વિલ્સન ફિલૉલોજિકલ લેક્ચર્સ આપ્યાં હતાં. તેઓ ‘ચન્દ્ર’ માસિકના તંત્રી હતા. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા’માં એમનાં સંશોધન-લખાણો પ્રગટ થયાં હતાં. પ્રાચીન તામ્રપત્રો અને શિલાલેખોના સંશોધનમાં એમને ભારે રસ હતો. એમણે ‘અમરુશતક’ અને ‘શૃંગારતિલક’ના ભાવાનુવાદ કર્યા છે. ‘મેઘદૂત’ની શૈલીમાં એમણે ૩૨ શ્લોકોનું ‘માલતીસંદેશ’ કાવ્ય રચ્યું છે. એમણે ‘આર્યોત્કર્ષ’ અને ‘વિક્રમોદય’ નાટકો રચ્યાં છે. ૧૮૯૫માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુંજવિહાર’ પ્રગટ થયો હતો. પછી ૧૮૯૬માં એમણે એક કાવ્ય ‘વસંતવિલાસિકા’ પણ રચ્યું હતું. ૧૯૦૯માં એમનો દ્વિતીય કાવ્યસંગ્રહ ‘પ્રવાસપુષ્પાંજલિ’ મરણોત્તર પ્રગટ થયો હતો. ૧૮૯૬ના જૂનની ૨૯મીએ ૪૦ વર્ષની વયે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું. ૧૮૮૦થી, ૨૪ વર્ષની વયથી એમણે કવિતા રચવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૬ લગી, આયુષ્યના અંત લગી, દોઢેક દાયકા લગી તેઓ કવિતાસર્જનમાં સક્રિય રહ્યા હતા. હરિલાલની કવિતામાં, શૈલીસ્વરૂપમાં પૂર્વની પ્રાચીન સંસ્કૃત, મધ્યકાલીન વ્રજ તથા અર્વાચીન ગુજરાતી કવિતાનો અને સવિશેષ તો પશ્ચિમની અર્વાચીન અંગ્રેજી કવિતાનો પ્રભાવ છે. એમાં પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિતા અને અર્વાચીન રંગદર્શી અંગ્રેજી કવિતાના સંયોગથી અર્વાચીન ગુજરાતી કવિતામાં એક નવીન પરંપરાનો પ્રારંભ થાય છે. જેમ દલપતરામની કવિતામાં ગુજરાતી સંખ્યામેળ છંદ મનહર અને નર્મદની કવિતામાં ગુજરાતી રોળા છંદની એક વિશિષ્ટ સ્વરૂપની સિદ્ધિ છે તેમ હરિલાલની કવિતામાં પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદોની એક વિશિષ્ટ સ્વરૂપની મૌલિક એવી સિદ્ધિ છે. એથી એમની કવિતાથી પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાનું સ્મરણ થાય છે. હરિલાલની કવિતામાં પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદોની પ્રૌઢિ અને પ્રગલ્ભતા છે, એ છંદોના લયોનું ગૌરવ અને ગાંભીર્ય છે. પછીથી નરસિંહરાવ, મણિલાલ, બાલાશંકર, કાન્ત, કલાપી, બલવન્તરાય અને ન્હાનાલાલે એમની ઉત્તમોત્તમ કવિતા માત્રામેળ, સંખ્યામેળ કે લયમેળ છંદોમાં નહિ પણ અક્ષરમેળ છંદોમાં રચી છે, એટલે કે અર્વાચીન ગુજરાતી કવિતામાં જે ઉત્તમોત્તમ છે તે અક્ષરમેળ છંદોમાં પ્રગટ થયું છે એનો પ્રારંભ હરિલાલની કવિતાથી થયો છે. આમ, પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદોનું ગુજરાતી સ્વરૂપ એ અર્વાચીન ગુજરાતી કવિઓને હરિલાલની અમૂલ્ય ભેટ છે. અહીં પાદટીપરૂપે નોંધવું જોઈએ કે ભારતની અન્ય ભાષાઓની કવિતામાં અર્વાચીન ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોમાં જેવું અને જેટલું સમૃદ્ધ સર્જન થયું છે એટલું ભાગ્યે જ થયું છે – બલકે સર્જન જ થયું નથી. અર્વાચીન ગુજરાતી કવિતાની આ અનન્ય અને અદ્વિતીય સિદ્ધિ છે.

હરિલાલની કવિતામાં વસ્તુવિષયમાં છે : પ્રેમ, પ્રકૃતિ. પૌરાણિક વિષયો, પ્રવાસપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ એટલે કે પ્રેમશૌર્ય વિશેનાં કાવ્યો નર્મદની પરંપરામાં છે. આ કાવ્યોમાં એ નર્મદની જેમ મોટે ભાગે નિષ્ફળ ગયા છે. જોકે ‘પ્રજારણગર્જના’ અને ‘શૂરતરંગિણી’ જેવાં રાષ્ટ્રપ્રેમ અને શૌર્યનાં કાવ્યોમાં એ કંઈક સફળ રહ્યા છે. પ્રકૃતિ વિશેનાં કાવ્યોમાં પણ એ કંઈક સફળ રહ્યા છે. ‘રાત્રિવર્ણન’ અને ‘મધુરાકાશદર્શન’ જેવાં કાવ્યોમાં રાત્રિનું ભવ્ય સૌંદર્ય શાર્દૂલવીક્રિડિત છંદમાં બાનીની પ્રશિષ્ટતા અને લયના પ્રભુત્વ સાથે પ્રગટ થાય છે :

‘હીરાની કણિકા સમાન ઝળકે તારા, ઝગારે ગ્રહો,
મોતીનાં લૂમખાં બધે લળી રહ્યાં નક્ષત્રમાળા અહો!
ધોળી શી ઊભરા સમી દૂધ તણા આકાશ-ગંગા ખીલે!
વાંકી કોર રૂપેરી ચંદ્રની કળા જો આસમાની ઝૂલે!

‘આર્યત્વચરિત્રનિરૂપણ અથવા દશાવતાર’નાં દશ લઘુકાવ્યો ગુજરાતી ભાષામાં પૌરાણિક વસ્તુવિષયનાં કાવ્યો તરીકે એમની મૌલિકતા અને ચિત્રાત્મકતાને કારણે વિરલ અને વિશિષ્ટ છે. નૃસિંહની મૂર્તિ બલિષ્ઠ પૃથ્વીછંદમાં અને વામનની મૂર્તિ લાઘવયુક્ત રોળાછંદમાં આબેહૂબ પ્રત્યક્ષ થાય છે :

‘અહા વિકટ પિંગળા દૃગ ઝરે સ્ફુલિંગો ઘણા
વિકાસી મુખ દાખવે દ્વિજસ-જિહ્વ બીહામણા.
ચતુર્ભુજ અશસ્ત્ર એ પ્રબળ પ્રૌઢ પંજા બધા!
પ્રચંડ નરકેસરી પ્રગટ થાય પ્રહ્લાદ આ.
    .....
પ્રથમે પદ ભૂલોક, દ્વિતીયે ભુવરાદિ સૌ,
ત્રિવિક્રમ વિરાટ, ધન્ય બલિ બાંધે પદે ત્રીજે.’

૧૮૮૯માં હરિલાલ સ્ટૉકહોમમાં ઑરિએન્ટલ કૉંગ્રેસમાં સહભાગી થયા હતા. ત્યારે એમણે યુરોપનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં એમને યુરોપની – સવિશેષ સ્વિટ્ઝર્લૅન્ડની પ્રકૃતિના સૌંદર્યનો તથા યુરોપના મ્યુઝિયમોમાં માનવસર્જિત કળાઓ – સવિશેષ ચિત્રકળા અને શિલ્પકળા – ના સૌંદર્યનો અનુભવ થયો હતો. એ અનુભવ અંગે એમણે અનેક કાવ્યો રચ્યાં હતાં. જોકે આ સૌ કાવ્યો એમણે ૧૮૮૯માં રચ્યાં હતાં. પણ એ ૧૯૦૯માં એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘પ્રવાસપુષ્પાંજલિ’માં પ્રગટ થયાં હતાં. એમણે આ કાવ્યો સ્ટીમર અને ટ્રેનમાં, કાડ્સ, ક્વર્સ અને ગાઇડબૂકનાં પાનાંઓની કોરી જગામાં, હોટેલ્સ અને સ્ટોર્સનાં બિલોની પાછળ કોરી બાજુમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજના સાથે રચ્યાં હતાં, એમાં પછીથી કોઈ સુધારા-વધારા કર્યા ન હતા, એટલી સ્વસ્થતા અને આત્મશ્રદ્ધાથી રચ્યાં હતાં. આ કાવ્યગુચ્છના કેન્દ્રમાં યુરોપના નૈસર્ગિક પ્રદેશો – પર્વતો, શિખરો, ખીણો, સમુદ્રોનું તથા માનવસર્જિત કળાઓ–ચિત્રો, શિલ્પો, વિજયસ્મારકો–નું પ્રત્યક્ષ દર્શન અને નિરીક્ષણ છે. એથી આ કાવ્યોમાં વર્ણનાત્મકતા અને ચિત્રાત્મકતા છે. યુરોપના કવિની કવિતામાં સમાજ અને સંસ્કૃતિ અંગેનું જે અંગત અને આત્મીય દર્શન-ચિંતન હોય તે આ કાવ્યોમાં ન જ હોય, પણ આ કાવ્યોમાં યુરોપની પ્રકૃતિની ભવ્યતા અને યુરોપની કળાઓની રમ્યતા તો છે જ. એમાં પ્રકૃતિ અને કળાનાં દર્શન અને નિરીક્ષણથી ચિત્તમાં જે વિચારનો તત્કાલ સંસ્કાર થાય અને હૃદયમાં જે ભાવનો તત્ક્ષણ સંચાર થાય અને એથી જે ઉમંગ અને ઉત્સાહ થાય, આનંદ અને આહ્લાદ થાય તે ઉદ્રેક અને ઉન્માદ સાથે પ્રગટ થાય છે. ‘શાંત સ્વસ્થ કેસરી’ અને ‘વિકરાળ વીર કેસરી’ એ કેસરી (સિંહ) અંગેનાં શિલ્પો વિશેનું કાવ્યયુગ્મ છે. એમાં કેસરીની વીર્યવંત મૂર્તિ સ્રગ્ધરા છંદના પ્રલંબ લયમાં આબેહૂબ પ્રત્યક્ષ થાય છે :

‘ઘૂઘ્ઘૂ ઘૂઘૂ ઘૂઘવતી ગહન ગિરિ ગુફા કાનને ગાજી ઊઠે!
પ્હાડોએ ત્રાડ તોડી ગગન ઘૂમી જતી, આભના ગાભ છૂટે!
ઊભી છે પિંગળા! શી ચટપટિત સટા, પુચ્છ શું વીજ વીંઝે!
સ્વારી એ કેસરીની ત્રિભુવન-જયિની ચંડિકા એથી રીઝે!’

હરિલાલનું આ કાવ્યગુચ્છ એ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શનો’માંનાં ‘ગુજરાત’, ‘ગુર્જર કુંજો’, ‘ચારુવાટિકા’ આદિ કાવ્યોનું પુરોગામી છે. ન્હાનાલાલના ‘ચારુવાટિકા’ કાવ્યમાં સ્રગ્ધરા છંદના જ પ્રબળ લયમાં જે ‘ઘાઘરના ઘેર જેવી ઊજળી ઊછળતી ફીણની ઝાલરો... જલનટડી રમે વ્યોમની છાંયડીમાં’ શ્લોક છે એ જાણે કે હરિલાલના કેસરી વિશેના પૂર્વોક્ત શ્લોકનો પ્રતિધ્વનિ છે. હરિલાલનાં પ્રવાસકાવ્યો અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક અ-પૂર્વ સીમાચિહ્ન છે. હરિલાલ ગુજરાતના પ્રથમ પ્રવાસી કવિ છે.