નર્મદ-દર્શન/કવિના પુનર્લગ્ન વિશેના વિચારો વિશે શાસ્ત્રી મણિશંકર મહાશંકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. કવિના પુનર્લગ્ન વિશેના વિચારો વિશે શાસ્ત્રી મણિશંકર મહાશંકર

પુનર્લગ્ન વિશેના કવિના વિચારો ઉત્તરકાળમાં બદલાયા હતા તે તો સુવિદિત છે. આ વિશે તેમણે ‘ધર્મવિચાર’માં ગ્રંથસ્થ લેખોમાં અને ભાષણોમાં આનુષંગિક રીતે કેટલુંક કહ્યું છે. પરંતુ આ વિશે, તેમણે એક સ્વતંત્ર લેખ પણ લખ્યો હતો, જે આજ સુધી પ્રગટ થયો જાણ્યો નથી. જયશંકરના એક સહાધ્યાયી (તે બંને મિ. આલપાઈવાળાના વર્ગમાં સાથે હતા) શાસ્ત્રી મણિશંકર મહાશંકરે ‘ગુજરાતી’ (૩–૯–’૩૩)માં એક પત્ર લખી, આ લેખની વિગત પ્રકાશમાં આણી છે. તા. ૨૦–૮–’૩૩ના ‘ગુજરાતી’માં સંપાદક નટવરલાલે ‘મારી હકીકત’નું પ્રકાશન કરવાની જાહેરાત કરી તેના સંદર્ભમાં, ઇચ્છારામ સૂર્યરામે પોતાને કવિના સંદર્ભમાં કહેલી કેટલીક વાતોનો નિર્દેશ કરતાં, મણિશંકરે આ લેખનો ઉલ્લેખ આ શબ્દોમાં કર્યો છે : ‘હું અને પ્રાણજીવન શાસ્ત્રી રવિવારે ઘણી વાર શેઠ ઇચ્છારામને મળવા જતા. ‘વિધવા પુનર્લગ્ન’ના સંબંધમાં વાત નીકળતાં, કવિશ્રી નર્મદાશંકરના ‘વિધવા પુનર્લગ્ન’ સંબંધી વિચાર ફેરવાઈ જવાથી તેણે તે સંબંધનો નિબંધ લખી મને (ઇચ્છારામ શેઠને) આપ્યો છે. પણ જ્યાં સુધી કવિની પત્ની અને પુત્ર જયશંકર જીવતાં હોય ત્યાં સુધી તે છાપવો નહીં એમ કવિએ કીધું છે....’ આ વિગતનો હવાલો આપી મણિશંકર ‘ગુજરાતી’ને પૂછે છે : ‘શેઠ નટવરલાલ! આ હકીકત આપની “મારી હકીકત” છાપવાના છો તેમાં આવશે? શું ‘વિધવા પુનર્લગ્ન’નો નિબંધ આપ છાપવાના છો?’ સ્પષ્ટ છે કે મણિશંકર વિધવાલગ્નના વિરોધી છે. નર્મદના બદલાયેલા વિચારો જાહેરમાં આવે તેમાં તેમને ઉત્સાહપૂર્વકનો રસ છે. આવા કોઈ લેખનો નિર્દેશ ‘ગુજરાતી’ પ્રેસની નર્મદ સાહિત્ય સૂચિમાં નથી. પરન્તુ આ સૂચિ સર્વગ્રાહી નથી. આવો લેખ નર્મદે લખ્યો જ હશે. પોતાના વિચારોને દબાવવાનું તેના સ્વભાવમાં તો નહિ જ. પરંતુ આ લેખ જાહેર થાય તો નર્મદાગૌરી અને જયશંકરને એમ લાગે કે તેઓ હવે કવિને અણખપતાં છે, એથી આ વિપરીત પરિસ્થિતિ નિવારવા તેણે ‘મારી હકીકત’ માટે આપી હતી તેવી સૂચના આ લેખ માટે પણ આપી હશે. કવિની આ સમજણ માટે આદર થાય એમ છે.

રાજકોટ : ૫-૧-૮૪