નર્મદ-દર્શન/ગોપાળદાસ બાવાની બંસીનો જુદો સૂર!

૯. ગોપાલદાસ બાવાની બંસીનો જુદો સૂર!

૧૯૧૫માં સુરતમાં ભરાયેલા, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં, નર્મદના પુત્રવત્‌ અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ શીર્ષકનો નિબંધ વાંચ્યો હતો અને તે ‘ગુજરાતી’ના ૧૯૧૫ના જૂન-જુલાઈના અંકેામાં છપાયો હતો. આ નિબંધનો નર્મદચરિત્રના પછીના લેખકોએ છૂટથી ઉપયોગ કર્યો છે. આ નિબંધમાં કવિની કલાકદર અને ઉદારતા દર્શાવવા ‘ગોપાલદાસ બાવાની બંસી’નો પ્રસંગ વિગતે આપવામાં આવ્યો છે. આ બંસીધર ગોપાલદાસ બાવા નર્મદાતટના નિવાસી હતા. શરીરે પાતળા, ગૌર વર્ણના, સાઠેકની વયના આ બાવાજી રેશમી ભગવો ઝભ્ભો અને રેશમી ભગવું ધોતિયું, રેશમી ભગવાં મોજાં અને ઊંચી જાતના શૂઝ પહેરતા. કપાળે કેશરનું શ્રીગોપાલચંદ્રનું ૐકારનું તિલક કરતા. આ રાજયોગી જેવા બાવા ગોપાલદાસ અદ્‌ભુત બંસરીવાદન કરતા. તેમની બંસરી પણ વિશિષ્ટ પ્રકારની તેથી તેની માવજત પણ તેઓ ખૂબ કાળજીથી કરતા. તેઓ એક વાર મુંબઈ આવ્યા ત્યારે વાલકેશ્વરમાં શેઠ જીવરાજ બાલુવાળાને ત્યાં ઊતર્યા હતા. મુંબઈના શેઠિયાઓની ‘પશુતુલ્ય અરસિકતા’નો અનુભવ થવાથી, તેમની મૂલ્યવાન ભેટ ઠોકરે મારી, નર્મદની કલાસૂઝ અને કદરદાનીની ખ્યાતિ સાંભળી ગોપાળદાસ પોતે કવિને આંગણે આવ્યા અને કવિને પોતાને મુકામે બંસરીવાદન સાંભળવા નોતર્યા. આ પ્રસંગે રાજારામ અને જયશંકર બંને હાજર હતા અને તેમના ટીખળથી – સુરતની ગાનારી જગમગ અને આ બાવાનું લગ્ન થાય તો કેવું જોડું જામે એ અંદરો અંદરની મજાકથી હસવું ખાળી ન શકાતાં – બાવાજી ગુસ્સે થયા હતા ત્યારે કવિએ તેમના મનનું સમાધાન પણ કર્યું હતું. બીજે દિવસે કવિ રાજારામ અને જયશંકર સાથે મિત્રવૃંદને લઈ બાવાજીને મુકામે પહોંચ્યા. ઔપચારિક રાગરાગણી વગાડ્યા પછી, બાવાજીએ ઓરડાનાં બધાં બારીબારણાં બંધ કરાવ્યાં અને પ્રસ્તાવના રૂપે કહ્યું : ‘હવે ભગવાન કૃષ્ણચંદ્રજીએ જે મોહિનીમંત્ર બજાવી વ્રજયુવતી તથા ગોપબાલકોને તથા ગોવત્સનાં વૃંદોને મોહિત કર્યાં હતાં તે મંત્રનાદ સાંભળવા તૈયાર થાઓ ને ઊંઘ આવવા જેવું લાગે તો ગભરાવું નહીં.’ આ પછી, રાજારામ શાસ્ત્રી નોંધે છે તેમ, ‘એ અલૌકિક સ્વરસાહિત્યની ઉચ્ચ સામગ્રીવાળો નાદ શરૂ થયો, તેની અસર હજુ પણ સ્મરણ થતાં તાજી જ હોય એમ લાગે છે. અમે બંને તથા રા. ખાપર્ડે તો દશેક મિનિટમાં મૂર્છિત થયા. કવિરાજ ને લેખકના પિતા (રામશંકર) તથા એક બીજા સ્નેહી પા કલાક સુધી ટકી રહ્યા હતા, એમ તેમના કહેવાથી અમે પછી જાણ્યું. કવિરાજ પ્રથમ જાગૃત થયા... અમારી મોહનિદ્રા લગભગ સત્તર મિનિટ રહી હતી, એમ કવિએ ઘડિયાલ તપાસીને કહ્યું.’ પ્રસન્ન થયેલા કવિએ એક સુંદર રત્નજડિત મુદ્રિકા – જે કવિ ભેટ આપવા જ પહેરી લાવ્યા હતા – તેમને સ્નેહપૂર્વક અર્પણ કરી. હવે આ ઘટનાનો બીજો પાઠ વાંચીએ. કવિના પુનર્લગ્નની ઘટના અને તેમના વિચારપરિવર્તન વિશે, જયશંકરના સહાધ્યાયી, ઇચ્છારામ દેસાઈને ત્યાં અવરજવરનો સંબંધ ધરાવતા હોવાનો અને ઇચ્છારામે કવિ વિશે ‘બીજી ઘણી ઘણી વાતો’ પોતાને કહી હતી તેવો દાવો કરનાર શાસ્ત્રી મણિશંકર મહાશંકરે તા. ૩ સપ્ટે. ૧૯૩૩ના ‘ગુજરાતી’ના અંકમાં લખેલા એ જ પત્રમાં આ ઘટના ઇચ્છારામે કહી હોય તે રીતે વર્ણવી છે : ‘...કવિની ઉદ્ધત જુવાનીમાં એક વાર સ્વ. દેસાઈ ઇચ્છારામભાઈ તથા યાજ્ઞિક ઝવેરીલાલ તથા કવિ ત્રણે વાલકેશ્વરમાં એક ખાખીનાં દર્શન કરવા ગયલા, તે વખતે ખાખી પાસે એક વાંસળી હતી અને તે ઉપર ટીકા કરતાં કવિ કૃષ્ણ ભગવાનની વાંસળીએ સઉ ગોપીઓને આકર્ષી તે ઉપર ટીકા કરવા માંડી. ખાખીએ બેત્રણ વાર કહ્યું જે “વો બાત જાને દો.” કવિ પોતાની ઉચ્છૃંખલતામાં ખાખીને વધારે ચીઢવતા ગયા. અંતે ખાખીએ કહ્યું, “અચ્છા હમ બંસરી બજાતા હૈ, સાવધ રહેના, જો સાવધ નહીં રહી સકતા તો તીન જુતી લગાઉંગા.” આમ કહી તેણે અમારી બંનેની સામું જોયું. કવિરાજ ચેલેંજ ઝીલતા હોય તેમ જુતી ખાવાની હા પાડી. ખાખીએ વાંસળી વગાડવી શરૂ કરી, પાંચ મિનિટમાં તો અમે ત્રણે તંદ્રામાં હોઈએ તેમ લાગવા માંડ્યું. અને તે પછી શરીરનું ભાન ભૂલી જમીન ઉપર પડી ગયા. હું (ઇચ્છારામભાઈ) અને ઝવેરીલાલ વાંસળી બંધ થતાં પહેલાં શુદ્ધિમાં આવ્યા. ખાખીએ અમારી દેખતાં ઊભા થઈ ત્રણ ખાસડાં કવિશ્રીને લગાવી દીધાં તે એવા જોરથી લગાવ્યાં કે બેત્રણ મિનિટ પછી કવિ શુદ્ધિમાં આવતાં વાંસામાં બળતરા ચાલી. ખાખીએ કહ્યું : “ગમાર! હમારી બંસી સુનકે બેભાન હોતા હૈ ઔર કૃષ્ણ ભગવાનકી નિંદા કરતા હૈ. ચલ જા.” આ બનાવ પછી કવિશ્રીને ‘ધર્મવિચાર સૂઝ્યા.’ આ બે ઘટના પરસ્પર વિરોધી છે અને તેના તથ્ય વિશે સ્વસ્થ, તટસ્થ સમતોલ વિચાર થવો ઘટે. તે માટે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે :

૧. (અ) રાજારામ શાસ્ત્રીના કથન પ્રમાણે તેઓ ઉપરાંત જયશંકર, ખાપર્ડે આદિ મિત્રો પણ આ સમયે ઉપસ્થિત હતા.
(બ) મણિશંકરના કથન પ્રમાણે આ સમયે માત્ર ત્રણ જણ જ ઉપસ્થિત હતા. ઇચ્છારામ, ઝવેરીલાલ અને કવિ પોતે. મણિશંકર તે સમયે ઉપસ્થિત ન હતા.
૨. (અ) રાજારામ શાસ્ત્રી પ્રત્યક્ષ જોયેલી ઘટના વર્ણવે છે. પેલી ટીખળ આ ઘટના સાથેની તેમની નિકટતાની પ્રતીતિ કરાવે છે.
(બ) મણિશંકર ઇચ્છારામે કહેલી હોય તેમ તે વર્ણવે છે. એથી પ્રત્યક્ષતા કરતાં તેની શ્રદ્ધેયતા એક અંશ ઓછી થાય છે.
૩. (અ) રાજારામ કવિના અંતેવાસી એથી કવિનું ઘસાતું તો ન જ કહે, લખે.
(બ) મણિશંકર સનાતની અને કવિદ્વેષી હોવાનું આ પત્રના tone ઉપરથી સ્પષ્ટ થાય છે.
૪. (અ) રાજારામ બાવાને રાજયોગી હેાય તે રીતે વર્ણવે છે. તેનાં ભગવાં પણ રેશમી છે. બાંસુરી તેના હાથમાં શોભે.
(બ) મણિશંકર તેને ખાખી કહે છે. આ ઉદાસી સાધુના હાથમાં બાંસુરી હોવા વિશે શંકાને સ્થાન છે.

મણિશંકરની નોંધ અનુસાર, ઇચ્છારામે કહ્યા પ્રમાણે તે પોતે અને ઝવેરીલાલ તો ‘વાંસળી બંધ થતાં પહેલાં શુદ્ધિમાં આવ્યા હતા.’ એનો અર્થ જ એ કે તેનો પ્રભાવ તે બે જણા પર નર્મદ કરતાં ઓછો હતો. એ રીતે કવિની કક્ષા તે બેથી ચડિયાતી કે ઊતરતી? આ નિરૂપણ જ ખાખીની બંસીના પ્રભાવને શંકાસ્પદ ઠરાવે છે. મણિશંકર ૧૯૩૩ના સપ્ટે.માં આ ઘટના બહાર લાવે છે. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો પોતાને પ્રત્યક્ષ થયેલી ઘટના ૧૯૧૫-માં લખી હતી, જે ‘ગુજરાતી’માં પ્રકાશિત પણ થઈ હતી. ઇચ્છારામ સાથે ઘરોબો હોવાનો દાવો કરતા મણિશંકરે ત્યારે જ તે ઘટના ખોટી હોવાનું અને સાચી ઘટના પોતાની માહિતી અનુસાર આમ હોવાનું જાહેર કર્યું ન હતું. તેથી તેમના નર્મદશતાબ્દીના વર્ષમાં પ્રગટ થયેલા પત્રમાં નર્મદને ઉતારી પાડવાની સનાતનીઓની તોફાની વૃત્તિનાં જ દર્શન થાય છે. આ બનાવ પછી કવિને ‘ધર્મવિચાર’ સૂઝ્યા એમ કહેવામાં ઇતિહાસદૃષ્ટિનો અભાવ છે. નર્મદનું વિચારપરિવર્તન એ એકાએક આવેલું પરિણામ નથી, સુદીર્ઘ અભ્યાસ, મનન અને ચિંતનથી ક્રમશઃ પ્રગટેલી શ્રદ્ધાપ્રક્રિયા છે.

રાજકોટ : ૪–૧–૮૪