નર્મદ-દર્શન/નર્મદનું મૃત્યુ અને નિવાપાંજલિઓ
‘કર કંપત, કલમ ન ચલત, દૃગ આચ્છાદિત હોત;
કિસવિધ લિખું પંડિત કવિ નર્મદ દુઃખદ મૌત?’
‘હાથ ધ્રૂજે છે, કલમ ચાલતી નથી! બહુ માઠા સમાચાર છે!’ – એમ નવલરામે તેમના સંપાદન નીચે રાજકોટથી પ્રકાશિત થતા ‘ગુજરાત શાળાપત્ર’માં (માર્ચ ૧૮૮૬) નોંધ લીધી છે. કવિની માંદગીની વિગતો આપતાં તેઓ નોંધે છે કે, ‘વર્ષ દોઢ વર્ષથી કવિનું શરીર કથળ્યું હતું અને છેલ્લા છ માસથી તો પથારીમાંથી પોતાની મેળે ઉઠાતું પણ નહિ તોપણ કહે છે કે છેવટની ઘડી સુધી, એટલે દેહ છોડ્યો તેની પહેલાં એક કલાક સુધી પણ – હોશીયારીથી બરાબર વાતચિત કરતા હતા, અને તેમાં એમની બુદ્ધિનું ગાંભીર્ય પૂર્વવત્ એવું માલુમ પડતું કે અજાણ્યાને તો કવિ માંદા છે એ વાતની પણ ખબર પડતી નહિ.’ કવિની સારવારમાં આ નોંધ અનુસાર ત્રણ ડૉકટરો હતા – ડૉ. ભાલચંદ્ર, ડૉ. એરચશા અને ડૉ. સિરવૈ. રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર એક વર્ષ પહેલાંથી, ફેબ્રુ. ૧૮૮૫થી નર્મદની પ્રકૃતિ શિથિલ થવા લાગી હતી. આનું કારણ તેઓ અંતર્ગત-માનસિક હોવાનું કહે છે. ટેક છોડી નોકરી સ્વીકારવી પડી તેનો માનસિક આઘાત ઘણો તીવ્ર હતો. ઉપરાંત શેઠ ગો. તે. બોર્ડિંગ સ્કૂલની યોજના તૈયાર કરવામાં પણ મોડી રાતના ઉજાગરા થતા તેનો શ્રમ પણ ખરો. શરૂઆતમાં અન્ન પર અરુચિ, શરીર નિર્ગત થવા માંડ્યું, ચક્કર આવતાં, બેએક વાર પડી પણ ગયા હતા. એપ્રિલ ૧૮૮૫માં તો સાંધાઓ ગંઠાઈ જતાં ઊભા પણ ન થવાય તેવી સ્થિતિ થઈ, પરંતુ પોતે તૈયાર કરેલી યોજના પ્રમાણે બોર્ડિંગ શાળા શરૂ થઈ તેના આનંદમાં કવિએ શારીરિક દુઃખ અવગણ્યું. એમ દશ મહિના ખેંચ્યું. કવિ શિવરાત્રિનો ઉપવાસ કરતા નહિ. ફેબ્રુ. ૧૮૮૬ની મહાશિવરાત્રિનો ઉપવાસ તેમણે કર્યો. મૃગચર્મ પર બેસી, ડાહીગૌરી, નર્મદાગૌરી અને રાજારામને ઉપદેશ આપ્યો. હવે આ દેહ બેચાર દિવસ જ રહેવાનો છે એમ કહી, ડાહીગૌરીની ક્ષમાયાચના કરી, સુભદ્રાને ડાહીગૌરીની આમન્યા રાખવા, રાજુને નવા પ્રવાહમાં ઘસડાઈ ન જતાં સ્વધર્મનિષ્ઠ રહેવા ઉપદેશી સચ્ચિદાનંદ-સ્મરણ કર્યું. આનું હૂબહૂ વર્ણન રાજારામે, પોતાના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં આપ્યું છે.
*
નર્મદનું મૃત્યુ નવલરામની નોંધ અનુસાર તા. ૨૫–૨–૧૮૮૬ના રોજ, અને રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર તા. ૨૬–૨–૧૮૮૬ના રોજ થયું. વિશ્વનાથ ભટ્ટ રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ લેખને આધારે, કવિએ ડાહીગૌરી, નર્મદા અને રાજારામને અંતિમ ઉદ્બોધન શિવરાત્રિના રોજ કર્યું એમ કહે છે ત્યાં સુધી તો બરાબર છે. તે પછી તેઓ એમ કહે છે કે આ ઉદ્બોધન પછી, કવિએ જીવનલીલા સંકેલી લીધી, તો એનો અર્થ તો એ સ્પષ્ટ છે કે જીવનલીલા સંકેલવાનો દિવસ પણ આ શિવરાત્રિનો જ. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો એ પણ નોંધ્યું છે કે કવિ આ ઘટના પછી એક અઠવાડિયું જીવ્યા હતા. વિશ્વનાથ ભટ્ટે સો વર્ષનું પંચાંગ પણ જોયું હોત તો તેમને ખ્યાલ આવત કે આ શિવરાત્રિએ તો તા. ૧૭–૨–’૮૬ હતી! આમ ‘વીર નર્મદ’માં તો કવિને એક અઠવાડિયું વહેલા દિવંગત થવું પડ્યું છે. આ સંદર્ભમાં તા. ૨૫ અને ૨૬મીનો વિરોધ પણ વિચારી લઈએ. નવલરામે કવિના મૃત્યુની નેાંધ ‘શાળાપત્ર’ના માર્ચ ૧૮૮૬ના અંકમાં લીધી તેમાં તા. ૨૫મી આપી છે. ૧૮૮૭ના અંતમાં તેમણે સમગ્ર ‘નર્મકવિતા’ના આરંભમાં મૂકવા ‘કવિજીવન’ લખ્યું તેમાં પણ તેમણે આ જ તારીખ આપી છે. આ તારીખ આમ જાહેર થઈ ગઈ હતી છતાં, ૧૯૧૫માં રાજારામ શાસ્ત્રીએ લખેલા અને સાહિત્ય પરિષદના સુરત અધિવેશનમાં વાંચેલા નિબંધ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં તા. ૨૬મી (બપોર) આપી છે. તેઓ નવલરામે આપેલી તારીખ સ્વીકારતા નથી. એમાં કોઈ રહસ્ય તેા છે જ. નર્મદનું મૃત્યુ મુંબઈ ખાતે થયું હતું. નવલરામ તે સમયે રાજકોટ હતા. રાજારામ કવિની સારવારમાં હતા. જયશંકર સાથે તેમણે પણ કવિને કાંધ આપી હતી. તઓ ઇતિહાસના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમની માહિતી સ્વમાહિતી, firsthand છે; નવલરામની અન્ય પાસેથી મળેલી second or third–hand છે. મિત્રને મિત્રની[1] મૃત્યુતિથિનું વિસ્મરણ થાય, પુત્રને પિતાની પુણ્યતિથિનું વિસ્મરણ ન થાય. રાજારામ કવિના પુત્રવત્ આશ્રિત હતા. નવલરામનાં નામ અને કામ ભલે મોટાં હોય, રાજારામનાં નામ અને કામ ભલે નાનાં હોય, ઇતિહાસદૃષ્ટિએ તો નવલરામની અપેક્ષાએ રાજારામની માહિતી જ વધુ શ્રદ્ધેય ગણાય. નવલરામનાં ઘણાં વિધાનો ખોટાં હોવાનું રાજારામે દર્શાવ્યું છે, તેમ આ તારીખ પણ ખોટી છે.
*
કવિને સમસ્ત ગુજરાતે-મુંબઈએ હૃદયની નિવાપાંજલિઓ આપી હશે. બધાં વર્તમાનપત્રો, સામયિકોએ તેનાં લેખન અને કાર્યને બિરદાવ્યાં હશે. પરંતુ કાલગ્રસ્ત થવામાંથી બચી ગયેલા કેટલાક અંશોને આધારે જ આની કલ્પના કરવી રહી. નવલરામે કવિના મૃત્યુના પછીના માસમાં ‘શાળાપત્ર’માં કવિને ભારે હૃદયે અંજલિ આપતાં વ્રજબોલીમાં રચેલું એક કવિત (જે આરંભમાં મૂક્યું છે) મૂકી મિતાક્ષરમાં કવિના લેખનકાર્યને મૂલવતાં નેાંધ્યું : ‘આપણા પ્રાંતના પરમ પ્રસિદ્ધ ગ્રંથકર્તા; ગુજરાતી ગદ્યને રૂઢ રૂપમાં આણનાર; રસપ્રાધાન્ય કવિતાના લેખક તથા બોધક; સુધારાના એક વાર સર્વોપરી અગ્રણી તથા પોતાની નિડર રસમયી વાણીથી ગૂજરાતના આ છેડાથી પેલા છેડા સુધી ગજાવી મૂકનાર; સદા સર્વથા પોતાના મનમાં જે આવ્યું તે પ્રમાણે જ બોલનાર, લખનાર, અને વર્તનાર; દેશાભિમાન શબ્દ અને લાગણી આખા પ્રાંતને આપનાર; નિરંતર દેશોન્નતિ અને સાક્ષરત્વના વિચારમાં નિમગ્ન રહેનાર; જેણે પોતાની આખી જિંદગીમાં જ પૈસાને તુચ્છ ગણી તેના સંપાદન તથા સંગ્રહમાં કાંઈ લક્ષ જ આપેલું નહિ, એવા શ્રી ભારતીના એકાંતિક ભક્ત, અમારા પરમ પ્રિય મિત્ર, અને ગૂજરાતના અનુપમ રત્ન શ્રી કવિ નર્મદાશંકર લાલશંકરના યશસ્વી ઊંચ અંશી આત્માને આ રીતે છેલ્લી વારના જ પ્રણામ કરવાનો પ્રસંગ આવેલો જોઈ અમારૂં અંતઃકરણ છિન્નભિન્ન થઈ ગયું છે, અને ઊંડી દિલગીરીએ તેમાં પેસી અખંડ નિવાસ કર્યો છે! ભવતુ! એ સાચો, શૂરો (વખતે કદાપિ ભૂલેલો તોપણ) હમેશાં લાગણીમાં ઊંચો ને શુદ્ધ આત્મા જ્યાં હોય ત્યાં સુખી થાઓ!’ નર્મદ છેલ્લાં વર્ષોમાં કરજદાર બન્યો હતો. આ કરજ તેણે અંગત ખર્ચા માટે કર્યું ન હતું પરંતુ ‘નર્મકવિતાનો મોટો ગ્રંથ તથા નર્મકોષ છપાવવાથી તથા સરસ્વતી મંદિર એ નામનો, ભાષણોપયોગી બંગલો બંધાવવાથી થયું હતું, એમ પાદટીપમાં નોંધનાર નવલરામ તેની આ સ્થિતિનો નિર્દેશ કરતાં નોંધે છે : ‘કવિ, પાછળ કાંઈ પણ મિલ્કત મૂકી ગયા હોય એમ તો સંભવતું નથી – કરજ હતું તે જ વળી રહ્યું હોય તો એના કુટુંબનું મહાભાગ્ય!’ આમ કહીને તેઓ કવિના કુટુંબના નિર્વાહની વ્યવસ્થા વિચારવા ‘ગૂજરાતીઓ’ને અનુરોધ કરે છે. છેલ્લા દિવસોમાં ગેઝેટિયરના પુરસ્કારની રકમ સરકાર તરફથી મળી જતાં કવિનું કરજ ચૂકવાઈ ગયું હતું. અને કોઈનું ઋણ રહ્યું ન હતું એમ નર્મદાગૌરીએ રાજારામ શાસ્ત્રીને જણાવ્યું હતું. પરંતુ કવિનું મૂળ મકાન (‘સરસ્વતી મંદિર’ની સામેનું) આ અગાઉ વેચાઈ ગયું હતું અને તે રકમ પણ કરજ ચૂકવવામાં વપરાઈ ગઈ હતી એમ રાજારામ શાસ્ત્રીની નોંધ બોલે છે. આ રકમમાંથી પણ કવિએ ‘બે મુંબઈના ગરીબ વિદ્યાર્થીઓને આશ્રય આપવાની’ જોગવાઈ કરી હતી, તેથી અનુમાન થઈ શકે કે પોતાના કુટુંબના નિર્વાહ માટેની આર્થિક જોગવાઈ પણ કવિએ કરી જ હશે. પરંતુ નવલરામની આ ટહેલ કવિના કુટુંબ પ્રત્યેની લાગણીથી પ્રેરાયેલી હતી. તેનો કેવો ઉત્તર મળ્યો તે વિશે તેમણે પણ આ પછી ‘કવિજીવન’માં નોંધ્યું નથી. રાજકોટથી પ્રગટ થતા ‘વિજ્ઞાનવિલાસ’ના એપ્રિલ ૧૮૮૬ના અંકમાં તંત્રી હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘કવિ નર્મદાશંકરનું મરણ’ શીર્ષકથી કવિના જીવન અને કાર્યની સંક્ષિપ્ત સમીક્ષા કરતો લેખ મૂકીને અંજલિ આપી હતી. આ કેવળ ઔપચારિક અંજલિ ન હતી. તે કવિના કાર્યની કેવળ પ્રશંસા જ નથી, વસ્તુલક્ષી પરીક્ષા પણ છે. ‘આજના જેટલો તે વખતે લોકોને કવિતા ઉપર શોખ નહોતો’ એમ અવલોકી ‘ગૂજરાતીમાં કવિતાનો શોખ ઉત્પન્ન કરનાર’ કવિઓમાં તેઓ દલપતરામ અને નર્મદાશંકરને મુખ્ય ગણે છે અને નોંધે છે : ‘નર્મદાની દક્ષિણે કવિ નર્મદાશંકરની કવિતા પ્રથમ જાહેરમાં આવી. એ વખતે ત્યાં કવિ દલપતરામ એકલા જ કવિ તરીકે જાણીતા હતા, તેમાં કવિ નર્મદાશંકરે કાવ્યશોખમાં બહુ વધારો કર્યો.’ કવિનાં વક્તૃત્વ અને લેખનના પ્રભાવ વિશેની નોંધ પણ મહત્ત્વની છેઃ ‘એમનું વક્તૃત્વ અસરકારક, ધીમું ને સ્પષ્ટ હતું. એમનું ભાષણ સાંભળવાને ઘણા લોકો હોંશથી આવતા ને સાંભળી રહ્યા પછી એમને શાબાશી આપતા. એમનું લખાણ પણ એટલું જ અસરકારક હતું. એમના લખાણની શૈલી બધાના લખાણથી જૂદી પડતી હતી. એમના લખાણથી જાણીતો એમની શૈલી ઉપરથી એમનું લખાણ પારખી શકે એવી બીજા તે વખતના જાહેર લખનારાથી જૂદી પડતી હતી, તથાપિ તે સર્વોત્કૃષ્ટ હતી...’ ‘...એમનું ગદ્ય લખાણ પહેલેથી છેલ્લે સુધી વિચારના સુધારા કે ફેરફાર સિવાય લખાણ શૈલીમાં એકધારૂં હતું. તે છટાદાર, ગાંભિર્ય, અસરકારક ને ચિત્તાકર્ષક હતું... પદ્ય કરતાં ગદ્ય વધારે મનપસંદ હોવાથી વધારે ફેલાવો પામ્યું છે...’ નર્મદની કવિતાની મર્યાદા પણ આ અંજલિમાં ચીંધવામાં આવી છે. તેની કવિત્વશક્તિ ‘કુદરતી’ નહિ, કવિતા ‘તાણી મચરડીને ગોઠવેલી’ હોવાનું જણાવી, કવિમાં દેશહિતનો જુસ્સો કુદરતી હોવાથી ‘એમનું વીરરસનું કાવ્ય જુસ્સાદાર ખરૂં’ એેવો મત દર્શાવાયો છે. રોળા અને લાવણીમાં રચાયેલી કવિતાની તેઓ વિશેષ નોંધ લે છે. કવિ પોતે કવિતા વાંચતા ત્યારે તે વિશેષ અસરકારક લાગતી એમ પણ આ સંપાદક નોંધે છે. કવિની કવિત્વશક્તિનો વયના વધવા સાથે વિકાસ થયો એમ નોંધતાં કાંટાવાળા એમ કહે છે કે ‘બાળપણમાં એમનું કાવ્યનું વિશેષ વલણ દેશસુધારો ને શૃંગાર એ મૂખ્ય જણાતાં,’ ત્યારે ‘બાળપણ’નો અર્થ કાવ્યલેખનના આરંભનો કાળ જ ગણીશું. નર્મદે તો પોતાની કવિતાનો આરંભ ગણ્યો છે પોતાની ૨૩મી વર્ષગાંઠથી! યુવાવસ્થાની કવિતામાંનો શૃંગાર વય વધવા સાથે ઘટ્યો એમ નોંધતાં કાંટાવાળા અવલોકે છે, ‘એમનો શૃંગાર જુવાનીઆ ને ઉછાંછળા વધારે છટાથી વાંચતા, તોપણ અમારે કહેવું જોઈએ કે એમનો શૃંગાર દયારામ કરતાં પણ વધારે ખુલ્લો પડતો હતો...’ નર્મદને પણ આ શૃંગારભાવથી અણગમો થયો હતો અને નવલરામનું પણ અવલોકન આ પ્રકારનું જ હતું તે આ અભિપ્રાય સાથે સમર્થનમાં નોંધપાત્ર છે. પરંતુ, ‘એમના ખુલ્લા શૃંગારના કાવ્યને લીધે, સુધારાના આગેવાન હોવાને લીધે, એમના રંગીલા સ્વભાવને લીધે અને કંઈક એમની કાવ્યશક્તિ પણ ચિત્તવેધક કે રસિક થોડી તેને લીધે એમના કાવ્યનો ગૂજરાતમાં વધારે પ્રસાર થયો નહિ’ – એમ જ્યારે તેઓ અવલોકે છે ત્યારે તે વિવાદાસ્પદ બને છે. નર્મદની કવિતા ‘ચિત્તવેધક’ અને ‘રસિક’ ઓછી એમ કહેનારની કવિતા વિશેની સમજ પણ ઓછી જણાય છે. એ સિવાયનાં બીજાં કારણો તો કવિતાને વધુ લોકપ્રિય બનાવનારાં છે. સમગ્ર વાક્યરચનામાં જે ગૂંચવાડો છે તે કાંટાવાળાના વિચારના ગૂંચવાડાનું પ્રતિબિંબ પાડે છે. કાંટાવાળાએ કવિના સમાજસુધારાના કાર્યને, બે ‘નાગરેણ’ વિધવાઓને આશ્રય આપવાના સાહસને, ટેકને, વિચારનિષ્ઠાને, ‘ડાંડિયો’ના નિર્ભીક પત્રકારત્વને, નિઃસ્પૃહતાને ભૂરિ ભૂરિ અંજલિ આપી, ‘કેટલાક દોષો’ છતાં, ‘કવિની દેશહિતઇચ્છા ને આગ્રહની બૂજ કરી’ અંજલિ આપી ‘ગુજરાતી પ્રજા એમની યાદગીરી કાયમ રહે તેવો યત્ન’ કરે એેવો અનુરોધ કર્યો છે. બ્રિટિશ તંત્ર સામે નર્મદે અવારનવાર લખ્યું હતું. સરકારે મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કર્યા ત્યારે નર્મદે ‘ગુજરાતમિત્ર’માં તે રાજનીતિ વિરુદ્ધ લખ્યું હતું એ, પછી પણ, અન્યત્ર ન નોંધાયેલી વિગત અહીં પ્રકાશમાં આવી છે. એક બીજી પણ વિગત અહીં એ પ્રકાશમાં આવી છે કે, નર્મદે કોશનું કાર્ય આરંભ્યું તે પહેલાં, દલપતરામે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની મદદથી કોશ તૈયાર કરવાનું આરંભી દીધું હતું. કાંટાવાળા તે સંદર્ભમાં નોંધે છે : ‘...તે હજુ સુધી તૈયાર થયો નથી ત્યારે કવિ નર્મદાશંકરે કોઈની પણ મદદ વગર એ કોષ બહાર પાડ્યો છે.’ ‘ગુજરાત શાળાપત્ર’ (પુ. ૨૫)માં ખંભાળિયાના કાનજી ધર્મસિંહની રોળાવૃત્તમાં રચાયેલી એક પદ્યકૃતિ ‘નર્મદવિરહ’ છપાઈ છે. દલપતશૈલીની આ રચનામાં કોઈ વિશેષ ચમત્કૃતિ નથી. આ ઉત્સાહી શિક્ષક સભાઓ ભરી, ભાષણો કરી, ફંડ કરી, ‘જે ન કરીએ તે ઓછું’ એમ કહી, નર્મદનો કીર્તિસ્તંભ સ્થાપવાનું કહે છે. નર્મદની કીર્તિ તેની હયાતીમાં જ નર્મદાની ઉત્તરે, સૌરાષ્ટ્રમાં ઠેઠ ખંભાળિયા જેવા ખૂણાના ગામ સુધી ફેલાયેલી હતી અને એનું મૃત્યુ આવી અંજલિરચનાઓ પ્રેરે છે એ જ એની કીર્તિસુવાસ છે. પેટલાદના એક કવિજન અને નર્મદભક્ત કાશીશંકર મૂળશંકર દવેએ, કવિના અવસાનના પાંચ માસ પછી, ‘નર્મદવિરહ’ શીર્ષકથી કવિના ઉટપટાંગ જીવનચરિત્ર સાથે, દીર્ઘ, કાચી છતાં મુગ્ધભાવની એક કરુણપ્રશસ્તિ રચી હતી. ઉત્તર નર્મદની વિચારધારાનો તંતુ પછીનાં વર્ષોમાં પુષ્ટ કરનાર મણિલાલ નભુભાઈના ‘પ્રિયંવદા’માં (ઑક્ટો. ૧૮૮૬) ‘મળેલું’ સંજ્ઞાથી એક નાનકડું અંજલિ કાવ્ય છપાયું હતું જે નેાંધપાત્ર છે : “કવીશ્વર નર્મદાશંકરનો સ્વર્ગવાસ”
કરી સુયશ જગત્ વિસ્તાર, વિબુધ નર ક્યાં વિચર્યો?
હિતકારક ને હુશિયાર, નર્મદ વીર ગયો. (ટેક)
વીર અને શૃંગાર સરસ રસ, લેખક કવિ ચતૂર રે;
સ્વતંત્ર શાંત વિચારો જેના, છે જગમાં મશહૂર.
શુદ્ધ સુધારાનો સાથી ને, પરોપકારી પૂર રે;
એક મારગી ને આનંદી, નિર્મળ જેનું નૂર.
ગુણસાગર નાગર તું, નૌતમ, ઉત્તમ તારાં કામ રે;
નિરખી આર્ય સકળને ઉરમાં, વાધે છે વિશ્રામ.
તૂજ વિયોગે આજ અમોને, થાય અતિ સંતાપ રે;
ભાષા કેરો ભૂપ કવિવર, અક્ષય તૂજ પ્રતાપ.
ગુંથી ગ્રંથો વિવિધ જ્ઞાનના, વાંચનનો શુભ શોખ રે;
આપ્યો તેં નર્મદ સુખદાયક, કેમ વિસરશે લોક.
પાદટીપ :
- ↑ નવલરામ મિત્ર ખરા, પરંતુ નિકટના નહિ. ‘મારી હકીકત’ની જે પાંચદશ નકલો છપાવીને મિત્રો-સ્નેહીઓને કવિએ આપી રાખી હતી તેમાં નવલરામ ન હતા. ‘કવિજીવન’ લખવા માટે તેની નકલ ‘ગુજરાતી પ્રેસે’ નવલરામને આપી હતી.
રાજકોટ : ૧૯-૭-૮૪