નર્મદ-દર્શન/નર્મદનું હાસ્ય
“કવિ તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી.”
—આ મહેણું નર્મદાશંકરને માર્યું હતું નવલરામે. ‘ભટનું ભોપાળું’માં અસંભવિતપણાનો દોષ જોઈ કવિએ તેમાં હાસ્યરસ નથી એવી ટકોર કરી ત્યારે તેમાં ‘દગાફટકાની ગંધ’ આવતાં, તેના પ્રત્યાઘાત તરીકે નવલરામે એક લેખ લખી પશ્ચિમના અને ગુજરાતી સાહિત્યમાંથી સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી અસંભવિતપણું પણ હાસ્યનો એક મહત્ત્વનો વિભાવ છે તેમ દર્શાવ્યું હતું. તેમાં તેમણે નર્મદની ઠેકડી ઉડાવતાં પ્રશ્ન કર્યો હતો : ‘કબીરવડ જોઈને કયો રસ લાગે?’ ત્યારે નવલરામ પોતે જ હાસ્યાસ્પદ અને હાસ્યરસના શાસ્ત્રથી અજ્ઞાન પુરવાર થાય છે. કબીરવડ વિસ્મય ઉપજાવે, નર્મદનું તે વિશેનું કાવ્ય અદ્ભુત રસનો આસ્વાદ કરાવે તે ભેદ તેઓ સમજી શક્યા ન હતા. કવિની ટીકાથી તેમને ચટકો લાગ્યો અને તેમણે સામે વડચકું ભર્યું તે ઘવાયેલી લાગણીનું પરિણામ છે. તેને નવલરામના કવિ વિશેના સુચિંતિત અભિપ્રાય તરીકે સ્વીકારી, તેને નર્મદના મૂલ્યાંકન લેખે ટાંકવામાં તે ટાંકનારનું પણ મૂલ્યાંકન થઈ જાય ખરું![1] હાસ્ય તો સુરતની હવામાં અને વડનગરા નાગરના લોહીમાં. આ શહેર અને જ્ઞાતિએ રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે જેવા ઉત્તમ વિદ્વાન હાસ્યકારો આપ્યા તેનો પૂર્વાવતાર નહિ તોય પૂર્વ અણસાર નવલરામ કરતાં પહેલો નર્મદમાં મળે છે. નવલરામનેય હાસ્ય સુલભ ખરું, વડનગરા ન છતાં, તે સુરતની હવાને કારણે. નર્મદ તો શહેરે અને જ્ઞાતિએ રંગીલો, લાલાઈવાળો, સહેલાણી સ્વભાવનો; નવલરામ જેવા ઠાવકા વ્યક્તિત્વનો કે તબિયતે અને મિજાજે માંદલો નહિ, હાલેમસ્ત અને ખ્યાલે દુરસ્ત, ફાંકડો-ફક્કડ; ‘પછી જરા આહો કરી, પાનબાન ખાઈ, લુગડાંબુગડાં પહેરી સ્હાડા દશ વાગે નિશાળે જનારો’; રાંદેરની શાળામાં નોકરી થઈ તો ત્યાંય ચાલતો પહોંચી, મલાઈ ખાઈને આરામ ફરમાવી તાપીમાં બેત્રણ કલાક તરી સ્નાન કરી, થોડો સમય વિદ્યાર્થીઓને ભણાવી, ખુરશીમાં ઊંઘ ખેંચી લેતો, અચાનક આવી ચડેલા ગ્રેહામને ‘રાતે ઉજાગરો કરીએ છ ને વરદી આપ્યા વના કેમ તૈયારી થાય’ તેવો નફકરો ઉત્તર સુણાવી દેનારો છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊણા ન ઊતરે તેની ચોંપ રાખનારો, નિત્ય જોસ્સાથી ફાટફાટ થતો નર્મદ ઇશ્કના પાઠ સાથે હાસ્યના પાઠમાં પણ કાચો ન હતો. ‘મારી હકીકત’માં પોતાના શિક્ષકોનાં નખચિત્રો આપતાં તેણે તેમને માટે જે વિશેષણો અને ઉપમાઓ યોજ્યાં છે તે તેની વિનોદવૃત્તિનો પરિચય કરાવવા પૂરતાં છે. તે ગણિતશિક્ષક બ્લાકવેલને ‘ઢોંડાબોટ ઈશ્કી માસ્તર’ કહે છે. બ્લાકવેલે ખોટા આપેલા દાખલાને મગડૂગલે સાચો ઠેરવ્યો અને બ્લાકવેલ છોભીલો પડી ગયો ત્યારે નર્મદ કહે છે કે ‘તેનું મ્હોડું ચલ્લી જેવું’ થઈ ગયું હતું. મગડૂગલને તે ‘હાથીના બચ્ચાની પેઠે ડોલતો ચાલતો’ અને ‘ગેટકી’ તરીકે વર્ણવે છે. આ ચિત્રો નર્મદે ભલે એકદોઢ દાયકા પછી આલેખ્યાં હોય, તે તેની કિશોર અવસ્થામાં વિકાસ પામી રહેલી વિનોદવૃત્તિનાં દ્યોતક છે. નર્મદનો ‘સ્ત્રીકેળવણી’ વિશેનો નિબંધ નિર્ણાયક સમિતિએ ઇનામને પાત્ર ન ગણ્યો તેથી તે સમિતિના એક સભ્ય નંદશંકર મહેતા પર તે છેડાયો હતો. તે બંને વચ્ચે આ વિશે કટુ પત્રવ્યવહાર પણ થયો હતો. નંદશંકરે તેને જણાવ્યું હતું કે તેમણે તો તેમનો ધર્મ બજાવ્યો છે, દોસ્તી કે વેરની સત્તા ચાલવા દીધી નથી. પોતે તે કવિના સાચા સ્નેહી અને તેને માટે અભિમાન લેનાર છે તેવી મતલબનું લખીને તેમણે તેને મનનું સમાધાન કરવાનો પણ યત્ન આ પત્રમાં કર્યો હતો. ખેલદિલ નર્મદ પણ તેના ઉત્તરમાં પોતાના મનનો ઊભરો ઠાલવ્યા પછી, તેમને લખે છે : ‘તમારા મનમાં મારે વિષે સ્વર્ગ જેટલો ઉંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેકટર છઉં, પછી ગમે તેવો. એ જ વિચાર તમને મારું અભિમાન રખાવવાને બસ છે એમ અભિમાનથી કહું છઊં ને તમે એ અભિમાન ઉપર હસશો જ.... હસો હવે.’ હૈયામેલ વિનાનો, ખ્યાલે મસ્ત નર્મદ બીજાનાં મૂલ્યાંકનનો ગરજુ નથી. તે તો પોતાના મિત્રો, નગરજનો સહુ પોતાના થકી ઊજળાં છે તેવું આત્મગૌરવ માનનારો-મનાવનારો આત્મકેન્દ્રી – egocentric હતો. આવા સ્વાભિમાનની લોકો હાંસી ઉડાવે તો ભલે, તે તો પોતાના જ તાનમાં મસ્તાન રહે છે. છતાં મૈત્રીની તેને ખેવના નથી તેવુંય નથી. પત્રના અંતે તે નંદશંકરને લખે છે : ‘આ કાગળ બંધ કરતાં મરતી મૈત્રિ પાછી ઉઠી તેની ખુશાલીમાં હું મારાં પાનસોપારી ખાઊં છઊં ને તમે તમારી તપખીર સુંઘજો.” મિત્રો સાથેના વ્યવહારમાં, તેમની સાથેની વાતચીતમાં નર્મદ આત્માભિમાનથી સતત જાગ્રત છતાં અતડો, સૂમડો કે ફુંગરાયેલો નહિ, ખુશાલદિલ જ હતો. મિત્રો સાથે નશામાં મહાલતો તે હાસ્યની છોળોમાં નહાતો નવડાવતો હતો. મિત્રો સાથેના તેના સંબંધો કેવા મોકળા અને બેહદ હતા તેનો એક જ દાખલો બસ થશે. તેઓ કેટલાક મિત્રો ઉજાણી ગયા હતા. છાંટોપાણી કરી જમ્યા, ને પછી ગાયનનો કાર્યક્રમ ચાલ્યો તે દરમ્યાન એક મિત્ર કવિને વળગવા ગયો ને તેના ખોળામાં સૂઈ ગયો. નર્મદે તેનુંય એક પદ તત્કાલ રચી નાખ્યું – ‘(પ્યારી) કેમ નથી આ વેળા મારી સોડમાં રે.’ આવી માદક અને ઉછાંછળી પળોનાં અનેક દૃષ્ટાંતો નર્મકવિતાની પાદટીપમાં સચવાયાં છે. નર્મદ દર્દેદિલ કવિ છે. વિષયાનુરૂપ ગંભીરતા તે જાળવી જાણે છે. પોતાની કવિતામાં હાસ્ય નથી તેનું કારણ આપતાં તે નોંધે છે :
- ‘મારી કવિતા દર્દની ભરેલી છે એટલે [તેમાં હાસ્ય] હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું, તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.’ (ઉત્તર નર્મદચરિત્ર, પૃ. ૧૦૭).
કવિતામાં અને ઘણા નિબંધોમાં કવિ નવલરામ જેવા હળવા કેમ નથી તેનો, નવલરામની ટકોરનો અને કવિમાં રમૂજવૃત્તિ હતી કે કેમ તે પ્રશ્નનો એકસાથે ઉત્તર આ વિધાનમાં મળી રહે છે. નર્મદનાં ગદ્ય લખાણો વિગતે તપાસીએ, તેનાં નિબંધો, સંવાદો અને નાટકો ધીરજથી વાંચીએ, આપણા મનના પૂર્વગ્રહો અને અભિગ્રહો તેમજ આગ્રહોને પરા કરીએ તો તેનું હાસ્ય નવલરામથી ઊતરતું તો નથી જ તેની પ્રતીતિ અવશ્ય થશે. ‘ભટનું ભોપાળું’નું હાસ્ય નવલરામનું મૌલિક હોવા વિશે શંકા ન કરીએ તોય મૂળ નાટક Mock Doctorનું ઋણ પણ તેને વિશે ઓછું નથી. તે નાટક પ્રગટ થયું તે પહેલાં નર્મદનાં હાસ્યકટાક્ષની વાઝડીઓ અને લહેરખીઓ અનેક વાર આવી ગઈ હતી. ‘રસપ્રવેશ’ (૧૮૫૮)માં તેણે હાસ્યરસનું સ્વરૂપ, પ્રકારો અને દૃષ્ટાંત આપ્યાં છે.
નિકળે હૈડાંનો હરખ, નયન વદનથી બહાર,
રૂપ ભાષણ ને વેશ ગુણ, એથી હાસ છે સાર.
એ રીતે દોહરામાં હાસ્યનું સ્વરૂપ સમજાવી તેના સ્મિત, હસિત આદિ છ પ્રકારો ગણાવી કવિ તેનું એક દૃષ્ટાંત આપે છે તૈય લાક્ષણિક છે :
ત્રણ જ દિવસ મેં તો ચાકરી કીધિ યાર
મુજ ગુણ જશ સંધા નીકળ્યા શોભિ બ્હાર
શકુન શુભ થયેલા કે મળ્યું નાળિયેર
ફિટ ફિટ ફિટ થાયે તો ય છૂં સુખિ ઘેર.
કાવ્યનો નાયક આ રીતે પોતાના પર હસે છે. પોતાના પર હસવું તે કપરું છે. આ દૃષ્ટાંત આપનાર કવિ હાસ્યરસનો જ્ઞાતા અવશ્ય છે. થિયૉસૉફિકલ લૉજના સ્થાપક માદામ બ્લાવાત્સ્કી અને આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વચ્ચે એકબીજાને ઉતારી પાડતાં લખાણોનું યુદ્ધ શરૂ થયું ત્યારે તે બંનેના કાર્યની અને વિચારની આકરી આલોચના કરી નર્મદે તેમની આ સાઠમારીની નિરર્થકતા દર્શાવતાં તે બંને સાથેનો પોતાનો સંબંધ પૂરો થયેલો જાહેર કરતાં તે લેખની પાદટીપમાં નેાંધ્યું છે : “સમયની નોંધ માટે એક પ્રહસન રચાય તો ઠીક.” બંનેનો ઝઘડો વૈચારિક નથી, વર્ચસ્ માટેનો અને પ્રાકૃત કક્ષાનો તેમ જ હાસ્યાસ્પદ છે. તેમની વચ્ચેનું આ ‘ફારસ’ નાટ્યક્ષમતાવાળું છે તેમ સૂચવવામાં કવિનો વ્યંગ્ય ભારે સૂક્ષ્મ છે. Farce માટે સંસ્કૃતમાંથી ‘પ્રહસન’ સંજ્ઞા ગુજરાતીમાં લઈ આવવાનો યશ નર્મદને મળે છે. હાસ્યના રહસ્યથી અનભિજ્ઞ ન છતાં, ‘ભટનું ભોપાળું’માં હાસ્ય નથી એમ કહેવામાં દલપતરામ સાથેના પ્રસંગમાં પણ અનેકવાર સળવળેલો અસૂયામૂલક સ્પર્ધાભાવ છે, તેમ નવલરામ પણ ભારે આળા સ્વભાવના હતા તે પણ તેમની ટીકામાં દેખાય છે. નર્મદમાં નર્મ, મર્મ, કટાક્ષની તેમ ટીખળ કરવાની પણ શક્તિ હતી. પરંતુ બંનેના હાસ્ય પ્રત્યેના અભિગમમાં અંતર હતું. ‘ભટનું ભોપાળું’નું હાસ્ય હેતુપ્રધાન છે. વૃદ્ધલગ્ન, કન્યાવિક્રય, અંધશ્રદ્ધા, વહેમ આદિને હાસ્યનો વિષય બનાવી સુધારાનો માર્ગ ચીંધવાનો લેખકનો ઉપક્રમ છે. નર્મદ પણ આ જ અભિગમથી હાસ્યની યોજના કરે છે. પરંતુ હાસ્યની માવજત બંનેની ભિન્ન ભિન્ન પ્રકારની છે. નર્મ, મર્મ, કટાક્ષ નવલરામની વિવેચનની ભાષાનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. નવલરામમાં સ્પષ્ટવક્તૃતા છે તે ઉપરાંત કટાક્ષયુક્ત આખાબોલાપણું છે. ગંભીર વિવેચનલેખોમાં પણ દોષદર્શન કરતાં તેઓ વ્યંગ્યોક્તિ કરે છે. ગુણદર્શનમાં આ યુક્તિ તેમને ફાવતી નથી. તેમણે ગ્રંથાવલોકનમાં અધકચરી પ્રતિભાના કેટલાક લેખકોની હાંસી કરવા હાસ્યકટાક્ષનો ઉપયોગ કર્યો છે. શુદ્ધ હાસ્યનિબંધો તો તેમણે પણ આપ્યા નથી. બાળલગ્નવિષયક પદ્યરચનાઓમાં તેમ ‘ભટનું ભોપાળું’માં નવલરામનો જે હાસ્યવિશેષ છે તેવો પ્રખર તેમના નિબંધેામાં નથી. તેમનું ક્ષેત્રકાર્ય અને લેખન મર્યાદિત તેમ તેમનું હાસ્ય પણ તેટલા જ ક્ષેત્રમાં રમે છે. નર્મદનું ક્ષેત્રકાર્ય અને લેખન બહુવિધ અને વ્યાપક તેથી તેના હાસ્યને પણ મોકળાશ વધારે. પરંતુ તે નવલરામની અપેક્ષાએ હાસ્યનો ઉપયોગ ખૂબ sparingly કરે છે. આ કારણે તેનું હાસ્ય નવલરામ જેટલું આંખે ચડ્યું નથી. વળી નર્મદનાં બીજાં ક્ષેત્રોનાં કાર્યો અને લેખન એટલા વિશેષ મહત્ત્વનાં છે કે તેની આ વિષયની શક્તિ લગભગ અણઓળખાયેલી અને ઉવેખાયેલી રહી છે. નવલરામનું વ્યક્તિત્વ ગંભીર અને ઠાવકું તેમ તેમનાં હાસ્યકટાક્ષ પણ ઠાવકાં અને મર્માળાં. નર્મદનું વ્યક્તિત્વ ઉત્સાહી, સાહસિક તેથી તેનાં હાસ્યકટાક્ષ પણ આક્રમક, તીણાં અને ઉઘાડાં. નર્મદ તેની સુધારાપ્રવૃત્તિમાં સતત આક્રમક રહ્યો હતો. તેના આક્રમણનાં બે ઓજારો છે : (૧) સામા પક્ષને તેના હથિયારથી જ માત કરવો. પુનર્લગ્ન આદિ વિષયોમાં સનાતનીઓ સ્મૃતિઓનાં પ્રમાણો ટાંકતા તો નર્મદ પણ સ્મૃતિઓમાંથી પ્રમાણો આપી પોતાનો મત પુષ્ટ કરતો. (૨) સામા પક્ષનું ભદ્દું ચિત્ર આપી સમાજમાં તેને હાંસીપાત્ર ચીતરી, આખા સમાજને પણ આઘાત આપવો. આ માટે તે ક્યારેક સુરુચિને પણ આઘાતકર નીવડે તેવા આકરા અને વેધક કટાક્ષો કરે છે. ‘વિષયી ગુરુ’ નિબંધમાં તે દુરાચારી મહારાજોને ‘પાડા જેવા’, ‘સાંડીઆઓ’, ‘મગરમસ્ત બોકડાઓ’ કહે છે. અનાચારી મહારાજો માટે તે ‘જે બૈરાંમાં રમે તે જનાનાની જ વાત વના શું પુરુષ પરાક્રમ સમજે?’ એેવો પ્રશ્ન કરી તેમને જનાનાછાપ કહે છે. અણુસમજુ, અંધશ્રદ્ધાળુ ભક્તાણીઓ ‘મહારાજે બોલાવી એટલે કૃષ્ણે બોલાવી અને પરમ પદ પામી ચુકી, એમ સમજી વે’લી વે’લી જઈને હરખભરી ગાભરી ગાભરી મહારાજનાં ગુહ્યનાં દર્શન કરી પ્રસાદી લે...’ એ પ્રકારે તેમની ઘેલાઈ વર્ણવે છે ત્યારે તેનો આશય જુગુપ્સા સુધી કટાક્ષને ખેંચી જઈ આવા પાખંડી આચારો અને મૂર્ખતાવાળી ભક્તિ તરફ સમાજમાં ઘૃણા જન્માવવાનો છે, તે સ્પષ્ટ થાય છે. તે અહીં વાચકોને હસાવવા માગતો નથી, આવાં પાત્રોને તેમની નજરમાં હાંસીપાત્ર બનાવી, તેમના માટે વાચકોનાં ચિત્તમાં અરેરાટી જન્માવી, તેમના પર તેમને ફિટકાર વરસાવતા કરવાનો અને તેમ કરી આ સહુથી મુક્ત થવા આત્યંતિક સુધારાને પંથે જવા તેમને વૈચારિક રીતે મજબૂર કરવા તાકે છે. સમાજમાં કૅન્સર રૂપ વ્યભિચાર વિરુદ્ધ લોકજાગૃતિ કેળવવા માટે તે અશ્લીલતાની હદે પહોંચતી અનાચારીઓની જુગુપ્સાસ્પદતા ઉઘાડી રીતે વર્ણવી તેમને માટે તિરસ્કાર જન્માવી સુધારો પ્રેરવા તાકે છે તેનું સચોટ દૃષ્ટાંત ‘વ્યભિચારનિષેધક’ નિબંધ છે. ‘ગુરુ અને સ્ત્રી’ પણ આ જ પ્રકારનો નિબંધ છે. અશ્લીલતા નિરૂપવામાં કવિને રુચિ છે તેવું આ નિબંધો અને ‘ઋતુવર્ણન’ જેવાં કેટલાંક કાવ્યો ઉપરથી કોઈ કહે તો તે નિર્વાહ્ય ગણાશે. આવાં સ્થળોએ તે પ્રમાણભાન ચૂક્યો છે તેવુંય લાગે. પરંતુ પોતાના મુખ્ય ઉદ્દેશ્ય વિષયના સમર્થનમાં શાસ્ત્રો અને ઇતિહાસમાંથી સદ્ધર અને સભર પુરાવાઓ આપીને તે લોકસંગ્રહનું મહત્ત્વનું કાર્ય કરે છે તે કેવળ ઉપદેશથી સિદ્ધ નહિ થાય તેમ પણ તે સમજે છે. આ સડો કેટલો વ્યાપક, ઊંડો, દુર્ગંધ મારનાર અને ચેપી છે તે બતાવીને, શાસ્ત્રોમાં તેને કેવા પ્રકારના પાપ તરીકે ગણ્યો છે અને ઇતિહાસમાં આવા પાપિષ્ઠોની શી ગતિ થઈ છે તે દર્શાવવાનો ઉપક્રમ આવા નિબંધોનો છે. તેથી ભૂમિકા તરીકે તે આવાં નિર્ઘૃણ વર્ણનો આપે છે. બીભત્સ રસની હદમાં પ્રવેશતાં આ વર્ણનો grotesque પ્રકારનાં છે. Grotesqueમાં horror અને humour બંને હોય છે. નર્મદના આ નિબંધોમાં humour કરતાં horror વધારે છે. ભદ્દાં, વિરૂપ અને તિરસ્કરણીય વસ્તુ કે વ્યક્તિનાં વર્ણનોમાંથી નીપજતા હાસ્ય તરીકે આ વર્ણનોને ઘટાવવાં જોઈએ. નિર્ઘૃણનું આવું વર્ણન અને વ્યંગ્ય-કટાક્ષની ધગધગતી ભાષા તેના રોષ-આક્રોશમાંથી આવી છે. આવી તમતમતી ભાષા (અરુચિકરતા બાદ) નર્મદ પછી સરદાર પટેલનાં ભાષણોમાં મળી છે. ભવાઈના રંગલા દ્વારા નીપજતું હાસ્ય crude હોય છે, સંસ્કૃત વિદૂષક દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય subtle હોય છે; નર્મદે તો આ બંને પ્રકારનાં પાત્રો સર્જ્યાં છે. ભવાઈના વેશના હાસ્ય-કટાક્ષનો હેતુ આનંદ તેમ ઉપદેશનો પણ હોય છે. ‘તુળજી વૈધવ્યચિત્ર-સંવાદ’માં (૧૮૫૯–૧૮૬૩) નર્મદે રંગલાને સુધારાના હેતુ માટે પ્રયોજ્યો છે. આ રચનાને તે નાટક કહેતો નથી, સંવાદ તરીકે જ ઓળખાવે છે પરંતુ તેમાં conflict છે, તખ્તાલાયકી છે, પાત્રોની ત્રિવિધ અભિનયક્ષમતાવાળી પરિસ્થિતિ અને ભાષાયોજનાય છે. આ ચિત્ર નાટકના રૂપમાં પ્રસ્તુત થતાં લોકો બાળવિધવાનાં દુઃખો દૂર કરવા તત્પર થશે તેવો ‘મનોરથ’ પણ કવિએ સેવ્યો હતો. નવલરામનું રૂપાંતર નાટક હજુ વિચારાયું પણ ન હતું ત્યારે આ રચનાના પ્રવેશો રચાયા હતા. આ રચનાનો રંગલો પ્રવક્તાનું કામ કરે છે. સદ્યઃ વિધવા તુળજી પતિમરણના આઘાતથી બેભાન થઈ જાય છે ત્યારે દાસી અંબા તેની આસનાવાસના કરે છે. તુળજી ભાનમાં આવતાં ‘ધણી તરફનો લાવો’ લેવાનો રહી ગયો તેનો રંજ વ્યક્ત કરે છે ત્યારે અંબા તેને તે માટે સહાય કરવા તત્પર બને છે. આ વિશે બંને વચ્ચે ચાલતા સંવાદમાં રંગલો પોતાના તરફથી વાર્તિક કરતો જાય છે અને અંબાના વક્તવ્યનો મર્મ છતો કરતો રહે છે : તુળજી : ...પણ અંબા! મારે ધણી તરફનો લાવો લેવો – ઓ મારા ભાયગ રે! હું કાં ના મરી ગઈ રે! અંબા : કેમ વળી તોફાન માંડ્યું કે, કહ્યું નથી માનતી? રંડાતી ને રંડાયેલી તારી પેઠે દુઃખ કરતી હોય તો દુનિયામાં કોઈ રાંડેલી રેહે જ નહીં. રંગલો : રાંડેલાં તો સોભાસણો કરતાં વધારે મોજ મારે છે. (પછી ગાય છે.) રામજી રંડાપો આપો તો તાપી તીરથ કરિયે રે. ટેક. ધણી મુઆનો ધોકો ન કરીએ, નીત ગંગામાં નાહિએ રે. નાહી ધોઈને ફરતાં રે ફરિએ, મનગમતાં કામ કરિયે રે. રંડાપો તુળજી : પણ રાંડેલીને ધણી તરફનું સુખ કાંહાથી મળે? રંગલો : હા! હવે ધીમે ધીમે બધું જાણીશ. મેહેતાજી સારો છે તે ઠીક ભણાવશે, અં!!! અંબા : જીવલી તો મારી શીખામણથી પાર પડી છે, પણ તું તો માને કે... તુળજી : શું, કેહેની? રંગલો : તેસ તો. આ!!! અંબા : મને તારી ઘણી દયા આવે છે, પણ તું મારું કહ્યું માને નહીં તેથી મેં તને આટલા દહાડા કહ્યું નથી. તુળજી : કેહેની, હું માનીશ. રંગલો : ચટપટી થવા માંડી છ! અંબા : રાંડેલીને તો ઘણું સુખ મળે છે. રંગલો : જો ખરી વાત, કેહેતો નો’તો? અંબા આ રીતે તુળજીને જારકર્મમાં દોરે છે ત્યારે તેમના સંવાદનો અર્થ સ્ફુટ કરવાનું, કાકુ રૂપે વાચિક અભિનયથી અને ચિત્રવિચિત્ર આંગિક મરોડો દ્વારા સામાજિકોમાં હાસ્ય પ્રેરવાનું આ રંગલા માટે સરળ બને છે. ‘શાકુન્તલ’માં શકુન્તલાસ્મૃતિ પછી દુષ્યંતની ઉક્તિઓ અને તેના વિદૂષક સાથેના સંવાદો સાંભળી તેના મનોભાવો વર્ણવવાનું જે કાર્ય સાનુમતી કરે છે તેવું જ કાર્ય આ રંગલો કરે છે. સાનુમતી દુષ્યંતથી અદૃશ્ય છે તેમ આ રંગલો પણ અંબા અને તુળજીથી અદૃશ્ય રહી આ વ્યંગ્યોક્તિઓ કરતો રહે છે. આ પછીના પ્રવેશમાં અંબાની ગોઠવણ પ્રમાણે બેભાન થવાનું નાટક કરતી તુળજીને સાજી કરવા ગોરજી આવે છે. ગોરજી કેટલાંક મંત્રતંત્ર કરી તેને કાનમાં કહે છે : ‘હવે ફેલ કરવા મુકી ડાહી થા.’ ‘ભટનું ભોપાળું’માં નાયિકાનું બનાવટી મૂંગા થઈ જવું અને ચમત્કારી સંન્યાસીના વેશમાં નાયકનું આવવું, તેનું નાયિકાના કાનમાં હવે પછીની યોજના વિશે કહેવું – તે પ્રમાણે કરેલી યોજના અનાયાસ આ ગોઠવણ સાથે સરખાવાઈ જાય છે. ગોરજી વધુ મંત્રતંત્રના ઉપચાર માટે તુળજીને પોતાને ઘેર મેકલવા શેઠને સૂચવે છે ત્યારે રંગલો મમરો મૂકે છેઃ ‘ખાસો! ખરેખરો ઉસ્તાદ. પારસનાથનું નામ દઈને પા પાણી!’ મંત્રતંત્રના વહેમપાખંડનો ભોગ બનનાર અને બનાવનાર પ્રત્યે આ કટાક્ષ છે. આ બંને ઘટના અગાઉ તુળજીનો વર મરણ પામ્યાના સમાચાર આવતાં નર્મદે પ્રત્યક્ષ રોવાકૂટવાનું ગોઠવ્યું છે. તે ચાલની વિડંબના કરવા માટે એક ‘મશ્કરા’ને ગોઠવી દેવાયો છે. આ રોવાકૂટવાનું જોઈ રહેલા મશ્કરા અને બીજા બે જોનારાઓનો સંવાદ કરુણ વચ્ચે, શોકના દંભમાંથી નિપજતા હાસ્યનો નમૂનો પૂરો પાડે છે : મશ્કરો : આ રાંડોને શું ઘેલું લાગ્યું છે? નફટ લાજ શરમ કંઈ રાખતી નથી, છાતી ઉઘાડી કરીને કૂટે છે. જુઓ રતન વહુ, જમના વહુ અને અંબા વહુ, વાંદરીઓનો નાચ થાય છે. બીજો જોનાર : પેલી પાસનાં બૈરાં કૂટે છે, પણ તેની નજર આપણી તરફ છે. ત્રીજો જોનાર : બૈરાંની કોટમાં હીરાકણીની કંઠી સારી દેખાય છે. મશ્કરો : પરેસાનો ઘરેણાં ઘાલી આવી છે. પોતાના ઈયારોને મોહોડાં દેખાડવાં? રાંડો કૂટવા આવીઓ છ કે ઈશક મહાલવા? આ ઠંડો કટાક્ષ વધારે દઝાડનારો તો એટલા માટે છે કે મૃતકની સ્વજન અને સ્વજ્ઞાતિની સ્ત્રીઓ શોકને બદલે ઇશ્કનાં નખરાં વધારે કરે છે ત્યારે આ અતરાપી માણસો મરશિયા સાંભળી શોકગ્રસ્ત બની જાય છે એમ નિરૂપાયું છે. મશ્કરો તો મજાકિયાં અને ચબરાકિયાં મૂકીને ગંભીર થઈ હિંદુઓને ઉદ્બોધન કરે છે : ‘રે હિંદુઓ! બાલપણામાં કેમ પરણાવો છો રે! તમે પુનર્વિવાહ તો નથી કરતા, તારે એ બચારીનો જનમ કેમ જશે? ઓ બચારી રાંડનાર! રે પ્રભુ તું કંઈ અબળાના ઉપર નજર કર.’ આ સીધું ઉદ્બોધન નાટ્યવ્યંગ્યમાં બાધક નીવડે ખરું. પરંતુ નર્મદનો હેતુ નાટકનિર્માણનો નથી, સુધારાનો છે. ‘વ્યભિચારનિષેધક’, ‘પુનર્વિવાહ’, ‘મુઆં પછવાડે રોવાકૂટવાની ઘેલાઈ’ જેવા નિબંધો અને ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિશે’ તેમ જ ‘વૈધવ્યચિત્ર’ જેવાં કાવ્યોમાં તેણે જે અનિષ્ટોની ચર્ચા કરી, સુધારાનો બોધ આપ્યો છે તે હેતુ આ રચનાનો પણ છે. હાસ્ય તેનું આ વિષયમાં એક સાધન છે. નર્મદ હાસ્યને અને રંગલાને કેવળ સાધન તરીકે જ જોગવી જાણે છે તેવું નથી. ‘દ્રૌપદીસ્વયંવર’નો વિદૂષક રુદ્રદત્ત ગુજરાતી વિદૂષકો અને રંગલાઓમાં અનોખો છે. તેના દ્વારા નર્મદે નિષ્પન્ન કરેલું હાસ્ય હેતુનિરપેક્ષ છે. નવલરામનું હાસ્ય આ હાસ્ય આગળ ઝાંખું પડે છે. સંસ્કૃત નાટ્યસાહિત્યનો વિદૂષક ભોજનપ્રિય અને મનોરંજન કરતાં ક્યારેક મૂર્ખતાયુક્ત વચનો ઉચ્ચારતો છતાં, વાસ્તવમાં વિદગ્ધ હોય છે. રુદ્રદત્ત પણ આ કક્ષાનો છે. નર્મદના સમયનો રંગલો અતિ પ્રાકૃત બની ગયો હતો! તેનો રંગલો તો મર્યાદામાં રહ્યો છે. ભવાઈના રંગલાને અશિષ્ટતામાંથી ઊંચકી પ્રશિષ્ટ નાટકોના વિદૂષક તરીકે તેને કેળવવાના પ્રયાસો નર્મદના સમયથી જ આરંભાયા હતા. તેમાં નર્મદનો રંગલો અને વિદૂષક મૂલવાયા વિના રહ્યા છે. ઉપરનો રંગલો પોતે તો કેાઈ અશ્લીલતા નિપજાવતો નથી. સમાજની અશ્લીલતા ઉપર તે વાર્તિક રચે છે, શક્ય તેટલી શિષ્ટતા જાળવીને. જ્યારે રુદ્રદત્ત તે અશ્લીલતાથી સર્વથા મુક્ત છે. પ્રથમ અંકના બીજા પ્રવેશમાં પોતે દક્ષિણામાં રાજાઓને કેવા ‘ચીર્યા’ તે વર્ણવતાં રુદ્રદત્ત કહે છે : ‘ચીર પેરીને નાચ્યો ને પછે હાથ ફાતડા કરીને ઉભો.’ આ ઉક્તિ તેને પેલા રંગલાની હરોળમાં મૂકે છે. પરંતુ આ પછી તે અટકચાળો ને બટકબોલો છતાં, અશ્લીલતાનું લેશ પણ પ્રદર્શન કરતો નથી. દ્રૌપદીના સ્વયંવરમાં રાજવીઓના આગમનની સાથે તે પણ ‘પંડિતરાજ શ્રી રુદ્રદત્તજી પધારે છે’ – એમ પોતે જ પોતાની છડી પોકારતો પ્રવેશે છે ને પ્રતિહારીનો ટોક્યો બ્રાહ્મણોના ટોળામાં બેસી જાય છે. તે ઘડીથી તે લક્ષ્યવેધ કરવા આવનાર દરેક મહારથીની ઠેકડી ઉડાડતો, આંખો દેખ્યો હેવાલ આપી, સામાજિકોને પ્રહસન પૂરું પાડવાનું કામ ઉપાડી લે છે. જયદ્રથ આવતાં તે કહે છે : ‘જુવો જુવો આ કોઈ બાંકા ટેડા નર જણાય છે.... મૂછ પર તાવ દે છે પણ રખેને મૂછ-પૂછ ઉખડી ન જાય... હું ઉઠાવો દૂટીએથી શ્વાસ ખેંચીને. ના, પણ સમર્થ છે, ડાબે હાથે પણછ ચઢાવી, પણ રે રામ ચોઘડિયું સારૂં નથી. વેલા વેલા જઈ ઓસડ લગાડો રાજ, આંગળાં ચગદાયાં તેને.’ – શિશુપાલ આવતાં ‘એમ શું હઠી જાઓ છો રાજ, પાણીમાં ચક્ર ફરતું જોઈને ચકરી આવે જ કની?...’ છેવટે બ્રાહ્મણો વચ્ચેથી છદ્મવેશી અર્જુન આવતાં, તેને માટે તે પ્રશંસાના છતાં મજાકનાં વેણ ઉચ્ચારે છે : ‘આ શું ઇન્દ્રદેવ સાક્ષાત્, કન્યારત્નને વરવા જાય છે? પણ જોજે વિપ્ર, તેં ક્ષત્રિઓનું તેજ હરી લેવાની ઠીક જુકતી લગાડી છે, પણ વિષ્ણુદેવ ક્ષત્રિઓનું રાખશે તો પછી તને ભોજનના પણ વાંધા છે હો!’ આ ઉપહાસ નિષ્ફળ ગયેલા રાજાઓનો છે. રુદ્રદત્તની ભોજનપ્રિયતા તો તેના વિદૂષકપણા સાથે પાત્રાનુબદ્ધ છે. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થતાં પોતાને હવે નિશ્ચિંતતા થઈ છે તે તે લાક્ષણિક રીતે કહે છે : ‘હવે હું ખાઈપીને માતો આખલો બનીશ ને વાગોલતો અહીં તહીં ફરીશ!’ અહીં આખલો સંજ્ઞા ગામને માથે લેતા ધણખૂટ માટેની નથી, દ્રવ્યોપાર્જનની ચિંતામાંથી મુક્તિ અને ભોજનપ્રિયતાથી જન્મતા આળસ માટેની છે. વાસ્તવમાં તે નિરુદ્યમી કે આરામપ્રિય નથી. પાંડવો સાથે વનમાં જઈ તે કષ્ટ સહન કરે છે અને દ્રૌપદીને હરી જતા જયદ્રથની પાછળ દોડે પણ છે. સંસ્કૃત નાટકનો વિદૂષક આવો સાહસિક હોતો નથી. રુદ્રદત્ત સંવેદનશીલ પણ છે. જયદ્રથ પાસેથી પાંડવોએ છોડાવેલી દ્રૌપદી તેને પૃચ્છા કરે છે તો તે કહે છે : ‘આજ મને સ્વપ્ન થયેલું ને હું રડતો જ ઉઠેલો તે વિચારમાં ને વિચારમાં પ્રાતઃકાળની શોભા જોતો વનાંતરે નીકળી ગયો, પેટમાં ભૂખ લાગી હતી ત્યારે આશ્રમમાં આવવાનું સાંભર્યું.’ રુદ્રદત્ત ચાટુવાક્ અને નિત્યબુભુક્ષુ નથી, ઊર્મિશીલ, વિચારશીલ અને પ્રકૃતિમુગ્ધ પણ છે! જયદ્રથ યુધિષ્ઠિરની ક્ષમા યાચે છે ત્યારે રુદ્રદત્ત ‘પાંચાળીને તું લઈ ગયો હતો? લે’ એમ કહી ‘ડંગોરું’ મારી સૌની માફી માગી ભાગી જાય છે. નકુળ ત્યારે જયદ્રથની વિડંબના કરે છે : ‘ડંગોરું ખાધું, ક્ષત્રી થઈને?’ અહીં રુદ્રદત્તની ચેષ્ટાની હાસ્યોત્પાદકતા કરતાં જયદ્રથની હાસ્યાસ્પદતા વિશેષ પ્રગટ થાય છે. રુદ્રદત્તના વિદૂષકપણાની આ વિશેષતા છે. આ પહેલાં ઘોષયાત્રા નિમિત્તે નીકળેલા કૌરવોને ગંધર્વો કેદ કરે છે અને ભીમ-અર્જુન તેમને છોડાવી લાવે છે. યુધિષ્ઠિર દુર્યોધનને ઠપકો આપતાં પૂછે છે : ‘તસ્કરકાર્ય કરવું તુંને કેમ સૂઝ્યું બંધુ?’ રુદ્રદત્ત વચ્ચે ટોણો મારે છે : ‘કેમ સૂઝ્યું એ શું પૂછો છો મહારાજ! જનમની ખોડ તે મૂએ જ જાય!’ આ ટોણો તો ચાર પાંડવો અને દ્રૌપદીની – યુધિષ્ઠિરની સુજનતાની ચીડના પરિણામ રૂપ – અકળામણને જ વાચા આપે છે. છોભીલો દુર્યોધન ત્યાંથી વિદાય લે છે ત્યારે રુદ્રદત્ત તેની ઠેકડી ઉડાડતાં કહે છે : ‘દીસતા થાઓ, કપાયું બે આંગળ ભરીને, પીઈઈ, રેવડી દાણાદાણ!’ ભીમ દુઃશાસનને કહે છે : ‘જય પામ્યા કૌરવ હવે, વાદ્ય વગાડતા ગજપુર જજો.’ આ બંને ઉક્તિઓમાં વાચિક અને આંગિક અભિનયનું પૂર્ણ સામંજસ્ય છે. રુદ્રદત્તની ઉક્તિમાંની ‘પીઈઈ’ સંજ્ઞા સામા પક્ષની હાર થતાં તેની ઠેકડી ઉડાડવા માટેની સુરતી છે. તેનો ઉપયોગ નર્મદને જ સૂઝે! નાટકને અંતે યુધિષ્ઠિર દ્વારા માનપાન પામતો, પાંડવોને ક્ષેમાલિંગન આપતો, ભાભીઓને વંદન કરતો આ ‘વિપ્રવર’, ‘રુદ્રદત્ત, તું પણ છે અહીં?’ એમ કૃષ્ણ દ્વારા પણ અભિવાદન પામે છે ત્યારે તે હળવાપણાથી જે વેણ ઉચ્ચારે છે તે પરમ ભક્તિનાં છતાં વિદૂષકના રંગનાં છે : ‘કોટે વળગાડ્યા પછે શું પૂછો છો રંગનાથ?’ પ્રભુની ભક્તાધીનતા અને તે જ આ સંસારનાટકનો સૂત્રધાર છે તે શ્રદ્ધા આ ઉક્તિમાં વ્યંજિત છે. ઉક્તિનો આ વળોટ અને તેની ભાવગર્ભતા રુદ્રદત્તને ચાવલો, ભુખાળવો, બ્રાહ્મણબટુ નહિ, શિષ્ટ, સંનિષ્ઠ, વિદગ્ધ અને ભક્તિનમ્ર વિદૂષક તરીકે ઓળખાવે છે. સંસ્કૃત અને ગુજરાતી નાટકોમાં આ સ્વભાવલક્ષણનો બીજો વિદૂષક શોધ્યો નહિ જડે. નાટકમાં ભાવસંક્રમણની અને પાત્રવિધાનની અનેક ક્ષતિઓ છતાં તેનો વિદૂષક તો અનાવિલ છે. ગુજરાતી નાટકનો છેલ્લો વિદૂષક તે ‘રાઈનો પર્વત’નો વંજુલ. જયંતી પટેલે રંગલાને ફરી જન્માવ્યો પરંતુ વિદૂષક તો હજુ આવ્યો નથી. ગુજરાતી સાહિત્યના ઉત્તમ વિદૂષકો બે : નર્મદનો રુદ્રદત્ત અને રમણભાઈનો વંજુલ. રુદ્રદત્ત પૂરો ન પરખાયો સમગ્ર નાટકની કોઈ વિધાયક પ્રતિમા ન ઊપસી તે કારણે. પરંતુ નર્મદના હાસ્યનું ચરમ ઉત્કર્ષ બિંદુ રુદ્રદત્ત છે. તે સરજીને કવિએ નવલરામનું માત્ર મહેણું ન ભાંગ્યું ‘ભટનું ભોપાળું’ કરતાં ઊંચું હાસ્ય પોતે નિપજાવી બતાવશે તેવો મનોમન કર્યો હશે તે સંકલ્પ પણ પાર પાડ્યો છે. નર્મદનું ક્યાંક સ્થૂળ રૂપે પ્રગટેલું, હેતુપૂર્ણ હાસ્ય છેવટે પ્રૌઢ સ્વરૂપે વિકાસ પામ્યું છે. ૧૮૫૪થી ૧૮૮૬ સુધીની તેની, ક્રાન્તિકારી તરલ યુવા સર્જકમાંથી ઠરેલ, સ્વસ્થ, પ્રૌઢ ચિંતકમાં વિકાસ પામેલી નર્મદ-રેખા તેના હાસ્યમાં પણ અંકાયેલી છે.
રાજકોટ : ૨૫-૯-’૮૩
‘કંકાવટી’, ડિસે. ’૮૩
પાદટીપ
- ↑ આ નાટકમાં હાસ્યરસ નથી એ ટકોર કવિએ ભલે કરી હોય તે મિત્રને ચીડવવાના ટીખળથી વિશેષ ન હતી. તેનાથી બે લાભ થયા. નવલરામે હાસ્ય વિશે લેખ લખ્યો અને કવિએ મિત્રને મનાવી લેવા નાટકની અને તેના હાસ્યની પ્રશસ્તિ કરતું કાવ્ય લખ્યું. આ રચનાની કેટલીક પંક્તિઓ :
- હાસ્યજનક નાટકથી, હસી કહડાએ અનીતિ મૂર્ખાઈ;
- ફજેતિ જોઈ લોકો, તજે ફુવડતા બહૂ જ શરમાઈ.
- નકલ બરાબર કરવે, ચાળા પાડે ખિજાય છે દોષી;
- મૂકી દે નિજ દોષો, જેથી બોધક બને જ સંતોષી.
- (નર્મકવિતા : ૧૮૮૮ : પૃ. ૯૨૫)