નવલકથાપરિચયકોશ/આપણો ઘડીક સંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૨

‘આપણો ઘડીક સંગ’ : દિગીશ મહેતા

– મયૂર ખાવડુ
Apano Ghadik Sang.jpg

‘આપણો ઘડીક સંગ’, પ્રકાશન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્ર. આ. ૧૯૬૨, બીજી આ. ૧૯૭૭, ત્રી. આ. ૧૯૯૩, ચોથી આ. ૨૦૧૪ (અધિકરણ લેખ આ આવૃત્તિમાંથી લખાયો છે.) પૃ. ૧૨ + ૧૬૮ = ૧૮૦ નકલની સંખ્યા : ૧૨૫૦ અર્પણ : સદ્‌ગત પૂજ્ય ભાઈને અધિકરણ લેખની શબ્દસંખ્યા : ૧૧૮૫ લેખકનો પરિચય : ૧૯૩૪માં ગુજરાતના પાટણ જિલ્લામાં જન્મેલા શ્રી દિગીશભાઈ નાનુભાઈ મહેતા એટલે ગુજરાતી ભાષાના ઉત્તમ વિવેચક, નિબંધકાર અને નવલકથાકાર. પાટણના સિદ્ધપુરમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું જ્યારે અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે એમ.એ. કરવા યુનિવર્સિટી ઑફ લિડ્‌સમાં ગયા. બાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં તેઓ શ્રી અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે જોડાયા. ૧૯૬૨માં તેમણે ‘આપણો ઘડીક સંગ’ નામની વિનોદી શૈલીની નવલકથા આપી. ૧૯૭૦માં તેમનો લલિત નિબંધ સંગ્રહ ‘દૂરના એ સૂર’ પ્રગટ થયો, જેનાં વાચકો અને વિવેચકોએ ભરપેટ વખાણ કર્યાં. ‘પરિધિ’ એમનો વિવેચન સંગ્રહ, આ સિવાય ‘ઇંગ્લીશ-ઇંગ્લીશ’ કૃતિથી તેમણે સરળ અને વ્યંગ શૈલીમાં અંગ્રેજી સમજાવ્યું. આ લેખો અખબારમાં અઠવાડિક પ્રગટ થતા હતા. ‘જય ધોરણલાલ’, ‘દડો’ તથા ‘સામ શું કરી ગયા છે?’ જેવી એકાંકીઓ પણ તેમણે લખી છે. તેમનું સંશોધન “The experience of religious conversion and its impact on the creation of the major personae in the poetry of T S Eliot from prufrock to ash Wednesday” વાચકો અને વિવેચનના અભ્યાસુઓ માટે ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. તેમના શેરી પુસ્તકને વર્ષ ૧૯૯૫નું ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક મળ્યું. ૧૯૯૯માં ઇંગ્લીશ ઇંગ્લીશ પુસ્તકને કાકા કાલેલકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું. ૧૩ જૂન ૨૦૦૧ના રોજ સર્જક શ્રી દિગીશભાઈ મહેતાનું અમદાવાદમાં નિધન થયું.

[૧]

શ્રી દિગીશ મહેતાએ ઓછું પણ સત્ત્વશીલ લખ્યું હોવાની એમના હિતેચ્છુઓ વારંવાર ચર્ચા કરતાં હોય છે. વાચકો, વિવેચકો અને વિદ્વાનો આ ત્રણેની કસોટીમાંથી પાર થઈ પોંખાયેલો દૂરના એ સૂર નામનો તેમનો નિબંધ સંગ્રહ તેમના લેખનની પહેલવાની બતાવે છે, પરંતુ નવલકથામાં પણ નિબંધ જેવું ગદ્ય હોય તો? દિગીશભાઈની નવલકથા આપણો ઘડીક સંગ માટેનું વિવેચકોનું નિવેદન તો વારંવાર આ જ તાજ્જુબી બયાન કરે છે. દિગીશભાઈની કલમ પણ નિબંધના ખડિયામાં ડૂબકી મારીને નવલકથા લેખનનું કાર્ય આરંભે છે. આથી એ નવલકથા થોડી અટપટી તો રહે જ છે. નવલકથા નામના પિતાએ કાખમાં નિબંધ નામનું તેડેલું છોકરું! જે છાનું નથી રહેતું. વારંવાર ચિચિયારી કરી તે પોતાના અસ્તિત્વની ઝાંખી કરાવે છે. નવલકથાનો આરંભ જ જુઓ, “રેલવેસ્ટેશન શહેરનું હૃદય કહેવાય. તેમાંથી જ નવું લોહી આવે અને જૂનું લોહી જાય; નવા લોકો આવે, જૂના લોકો જાય... જોકે કેટલીક વાર એવું પણ બને કે જૂનું લોહી આવે અને નવું લોહી જાય. પણ આ આવ-જા તો રેલવેસ્ટેશન જ ચાલુ રાખે!” અહીં ચિંતનનું અણિયારું ઇન્જેક્શન ક્યાંક ક્યાંક ભોંકાય છે. નબળો વાચક વાંચન માટે પ્રથમ આ નવલકથા જ ઉઠાવે તો એ પાત્રો અને પ્રસંગોના તાણાવાણામાં ગૂંચવાઈ ગોથાં ખાતો થઈ જશે. પરંતુ એ નવલકથાનું વિષયવસ્તુ રોચક તો છે જ. એક પ્રોફેસર અને પોતાની વિદ્યાર્થિનીની પ્રણયગાથા. એમાં પણ નવલકથાને શાબાશી આપવાનું ચિત્તને એટલે પણ મન થઈ આવે કે એ વિનોદપ્રધાન નવલકથા છે. ગુજરાતીમાં હાસ્યનવલો કેટલી? એ પ્રશ્ન આપણે ત્યાં વારંવાર માથું ઊંચકીને ઊભો થયો છે. જ્યારે હાસ્યનવલ લખવાનું કહેવામાં આવે છે ત્યારે ફરી એ જ શાહમૃગક્રીડા.

[૨]

એક છે પ્રોફેસર ધ્રૂર્જટિ અને બીજી છે અર્વાચીના. બંનેની બીજી કે ત્રીજી મુલાકાત રેલવે સ્ટેશનમાં થાય છે. જ્યાં અર્વાચીના પોતાના પિતાની સાથે જ્યારે પ્રોફેસર એકલા, પોતપોતાની માતાઓને તેડવા આવ્યા છે. આ પ્રથમ પ્રસંગે જ હાસ્યનો આરંભ થઈ જાય છે. ભાવકને નવલકથાના સ્વરૂપથી અવગત કરતું પ્રકરણ! અહીં જ દિગીશભાઈનું વાંચન અને તેમનો અંગ્રેજીનો અભ્યાસ ઝળહળે છે. ‘આ છોકરી હવે ઓળખાણ આપે તો સારું...’ તેને થયું, ‘પણ છોકરી એટલે જ છેતરામણી. ખરે વખતે છૂટી પડે તો? સારું છે કે શેક્સપિયરે મને ચેતવ્યો છે...’ શેક્સપિયર પછી, લુઈસ કેરોલ, પછી સોક્રેટિસ, પછી ભર્તુહરી, પછી ગાંધીજી, પછી વિનોબા, પછી આર્કિમીડિસ, પછી રસેલ પછી ખલીફા હારૂન-અલ-રશીદ.... આમ તેમના અખૂટ વાચન થકી નવલકથાના સંવાદો દરેક પ્રકરણે વિચારશીલ બની રહે છે. સંવાદો વિશ્વના મંધાતાઓનાં વિધાનોને ન્યાય આપી અનુમોદન આપતા રહે છે. નવલકથાની પૃષ્ઠભૂમિ અને તેનો પરિવેશ પણ કૉલેજનો હોવાના કારણે આમ થવું વાજબી છે. તો પ્રથમ પ્રકરણથી આપણી પાસે કુલ છ પાત્રો હાથવગાં થાય છે. પ્રોફેસર ધ્રૂર્જટિપ્રસાદ, પ્રોફેસરની વિદ્યાર્થિની અર્વાચીના ઉર્ફ અરુ, હેડમાસ્તર રહી ચૂકેલા બૂચસાહેબ, બૂચસાહેબનાં પત્ની, પ્રોફેસર ધ્રૂર્જટિ જેની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ ક્યાંય ડોકાતી નથી એવી એમની માતા અને અમદાવાદ! દિગીશભાઈનો સ્નેહ આ શહેર સાથે જનાન્તિક બની ઊભરાઈ આવે છે. નિબંધાત્મક ગદ્યથી તેઓ અમદાવાદ શહેરની શ્રુતિ અને સ્મૃતિની ઝાંખી કરાવે છે. અમદાવાદ પ્રત્યે તેમનો આસક્તિભાવ એટલો કે તેઓ શહેર અને પાત્રોને પોઢાડવાનું કાર્ય કરવામાં પણ પાછા વળતા નથી. પ્રકરણ બીજામાં ભરતરામ અને મનહરનો પ્રસંગ આવતા ત્યાં પણ તેઓ લખે છે, “અનેરા અમદાવાદે એમને જોતજોતાંમાં સમાવી લીધા.” પ્રકરણ ત્રણમાં, “સત્ય અમદાવાદથી સાતેક માઈલ દૂર છે, જ્યારે સૌંદર્ય તેના કેન્દ્રમાં છે.” પ્રકરણ આઠમાં, “આખુંય અમદાવાદ આરામખુરશીમાં પડ્યું હોય તેવી હવા હતી.” પાત્રોને લેખકે પંપાળી પંપાળીને મોટાં કર્યાં છે. પ્રથમ પ્રકરણથી બીજા પ્રકરણ સુધી લાંબા થઈએ ત્યાં સુધીમાં તે એક અવસ્થાથી પસાર થઈ ચૂક્યાં હોય છે. જે રીતે ઘટનાઓ આકાર લે છે અને પાત્રો સંવાદનું પ્રયોજન કરે છે ત્યારે ગુજરાતીની ક્લાસિક નવલકથા અમે બધાં યાદ આવ્યા વગર રહેતી નથી. આવા બે ત્રણ ઉચિત કહીએ કે હોચપોચ પ્રસંગો બંને નવલકથાનું ઘટ્ટ વાંચન કરનારની આડે આવવાના જ છે. નવલકથામાં બે ધ્રુવો છે. એક ધ્રુવ કૉલેજમાં છે અને બીજો અર્વાચીનાના પરિવારમાં. આ બંનેની વચ્ચે મુખ્ય નાયક અટવાયો છે. અર્વાચીનાની સુંદરતાની પ્રશસ્તિ કરવામાં લેખક કંઈક લાંબું ખેંચી જાય છે પણ એ યુક્ત લાગે છે. આવી કોમળ ક્ષણોમાં ઓસ્કાર વાઇલ્ડનું બહુચર્ચિત વિધાન યાદ આવવાનું જ : “પુરુષનો ચહેરો આત્મકથા છે જ્યારે એક સ્ત્રીનો ચહેરો કાલ્પનિક કથા લખવાનું શસ્ત્ર.” જ્યારે જ્યારે સ્ત્રી પાત્ર આવે છે ત્યારે લેખકની કલમ અટકવાનું નામ નથી લેતી. દિગીશભાઈ અર્વાચીના પર ઓળઘોળ થયેલા કૉલેજના અન્ય વિદ્યાર્થીઓ ને ત્યાં સુધી કે જુવાનજોધ પ્રોફેસરોની દૃષ્ટિએ પણ અર્વાચીનાના રૂપાળા દેહને મૂલવવામાં બાકી નથી રાખતા. એવું તો ન જ કહી શકાય કે અહીં પુનરાવર્તન થઈ રહ્યું છે. કૉલેજનાં અઢળક પાત્રોની ઉપસ્થિતિથી સ્થિત્યંતર થતું દેખાય છે. પુનરપિ દેખાય છે.

[૩]

નવલકથાનું ઉદ્‌ઘાટન થાય છે ત્યાં શ્રી અનંતરાય મ. રાવળને વાંચતા આ શબ્દો યથોચિત સાબિત થાય છે, “પુસ્તકનું સાહિત્યસ્વરૂપ, જો ‘નવલિકા’ શબ્દ આપણે ત્યાં ‘ટૂંકી વાર્તા’ એ અર્થમાં પ્રયોજિત થઈ પ્રચલિત બની ગયો ન હોય તો, જેને ટૂંકી નવલકથા(novellette)ના અર્થમાં ‘નવલિકા’ હોત, પણ હવે જેને લઘુનવલ કહીએ, તેવું છે.” સરસ્વતીચંદ્ર જેવી મહાનવલ લખાઈ ગઈ હતી, એ પછી નવલકથાઓ ખાસ્સી લાંબી અને દળદાર આવી. એમાં દમદારનું તત્ત્વ કેટલું એ તો નોખા અભ્યાસનો વિષય છે. પરંતુ સ્વર્ગસ્થ ધીરુબહેન પટેલ સહિતના કેટલાક સાહિત્યકારોએ લઘુનવલના પ્રકારમાં ખેડાણ કર્યું. આ નવલકથાનું કદ, પ્રકરણોની લંબાઈ અને તેનાં કુલ બાવીસ પ્રકરણોની સંખ્યાને જોતાં શ્રી અનંતરાયના શબ્દો બંધબેસતા લાગે છે. બીજી બાજુ લોકપ્રિય નવલકથાઓ જે વાચકોના રસને પોષવાનું અને પોરસ ચડાવવાનું કાર્ય કરે છે એ યુગનો પણ આરંભ થવાનો જ હતો. જ્યાં બે-બે કે ત્રણ-ત્રણ ભાગમાં ફેલાયેલી મસમોટી નવલકથાઓ હવે શું?–ના પ્રશ્નનું વાવેતર કરી વાચકનો શ્વાસ આવતા અઠવાડિયા સુધી અદ્ધર ને સામયિકને સદ્ધર રાખે. દિગીશભાઈની ‘આપણો ઘડીક સંગ’ વાચકોનો શ્વાસ અદ્ધર રાખતી નથી, એ લાંબી નથી, તેમાં મારધાડ અને જીવસટોસટનાં દૃશ્યો નથી, જોકે આજના જમાનામાં જ્યાં નૂતન કથાવસ્તુઓનો લોપ થતો જઈ રહ્યો છે ત્યાં આપણો ઘડીક સંગ “Over-The-Top” - OTT જેવા માધ્યમને એક સારું કથાવસ્તુ પૂર્ણ પાડનારી છે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એનાં પાત્રો પાસે વ્યંગ, કટાક્ષ, નર્મ, મર્મ, સહિત મનોરંજન અને મધુરતાની બરણી છે. વિનોદ ભટ્ટે વિટ્‌ માટે કહ્યું હતું કે લાઘવ એ એનો આત્મા છે. જો એવું જ હોય તો આ નવલકથામાં તેનાં અસંખ્ય સાપેક્ષ ઉદાહરણો છે. અહીં આપણે દિગીશભાઈએ નવલકથામાં ઉપયોગમાં લીધેલી વક્રોક્તિ જોઈએ. ચંદ્ર લાઇબ્રેરીની દુનિયા વિશે તદ્દન અજ્ઞાન હતો. તેણે પોતાની લાંબી એવી કારકિર્દીમાં કદી પણ તેમાં પગ દીધો નહોતો, પણ આજે અર્વાચીનાને તે મકાનમાં જતી જોઈને તે પણ પહોંચી ગયો. ‘આ પુસ્તક તમે ક્યારે પાછું આપશો, બહેન?’ તેણે અર્વાચીનાએ હાથમાં લીધેલ પુસ્તક વિશે તેને બારોબાર પૂછ્યું. ‘શું કહ્યું?’ અર્વાચીનાએ એ પુસ્તકનાં પાનાં ઉથલાવતાં પૂછ્યું. તેના અવાજમાંના અણગમાને ઓળંગીને ચંદ્રે આગળ ચલાવ્યું. ‘આ પુસ્તક મારે પણ જોઈએ છે!’ ‘તમારે લાયક જ છે!’ કહી અર્વાચીનાએ ચંદ્રના હાથમાં મૂક્યું. જોયું તો... ‘અજાયબ દુનિયામાં એલિસ!’

[૪]

આપણો ‘ઘડીક સંગ’ નવલકથાની જ્યાં પૂર્ણાહુતિ થાય છે ત્યાં અવલોકનોની ભરમાર છે, પણ એમાં ક્યાંય જૂથકેન્દ્રી વિવેચનનું અતિરિક્ત માત્રામાં ન ટપકવું એ જ આ નવલકથાને જીવંત રાખે છે. શ્રી રઘુવીર ચૌધરી શ્રી જયંત કોઠારીની આ શૈલી લલિત નિબંધની છે એ તારવેલા અવલોકનને ટેકો આપે છે. સંવાદોની વારંવાર થતી ટક્કરના કારણે એ ભાર વધારે વર્તાતો નથી. સાંપ્રત નવલકથાએ પોતાનો વિસ્તાર વધાર્યો હોવાથી અને સૂક્ષ્મ વિગતો પર ભાર આપતી થઈ હોવાથી આજની અસંખ્ય નવલકથાઓમાં લલિતશૈલીનો નાભિશ્વાસ પડઘાયા કરે છે. રતિલાલ દવેનું એક તારવેલું અવલોકન અહીં ટાંકવું રહ્યું, જેની સાથે કોઈ પણ વ્યક્તિ સહમત થયા વગર નહીં રહે : “અહીં Comic Situationsનો અભાવ છે. સંવાદોમાં Humour છે તે કરતાં વધુ પ્રમાણમાં Humour વર્ણનો છે.” એવું લાગે છે કે દિગીશભાઈએ આરંભમાં પોતાની સમગ્ર શક્તિનો વિનિયોગ કરી દેતાં અંતમાં તેમની પાસે રમવા માટે હાસ્યની રોકડ સિલક રહી નહીં. હાસ્યની સર્વસામાન્ય વ્યાખ્યા એવી છે કે એ તાણમુક્તિનું કાર્ય કરે છે, એ મુક્તિ માટે કોમિક સિચ્યુએશન હોવી જોઈએ, પણ એ ક્યાં? આ કારણે જ તેમનું બાકીનું લખાણ, રતિલાલ દવેએ કહ્યું એમ, હ્યુમર વર્ણનોમાં તરવા લાગે છે અને અંતે નવલકથામાં હાસ્યનિબંધનો આત્મા પ્રવેશવા લાગે છે. પછી તો જયંત કોઠારીની વાત જેને રઘુવીરભાઈ પણ ટેકો આપે છે, તેના અવલંબનમાં ડોકું ધુણાવવું જ રહ્યું. મયૂર ખાવડુ

જૂનાગઢની બહાઉદ્દીન આટ્‌ર્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે બી.એ., જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વભવનમાંથી એમ.ફિલ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કારકિર્દીની શરૂઆત રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ખાતેથી કવિ અને નાટ્યકાર શ્રી શૈલેષ ટેવાણીના સહાયક તરીકે કરેલી. મુંબઈ સમાચારમાં હાસ્યની કટાર, ગુજરાત સમાચારમાં હાસ્ય અને ફિલ્મ સમીક્ષાની કટાર અને દિવ્ય ભાસ્કરમાં સાહિત્યિક કૉલમ લેખન કરેલું.