નવલકથાપરિચયકોશ/કામવિજેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮

‘કામવિજેતા’ : જયભિખ્ખુ (બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ)

– મીનાક્ષી ચંદારાણા
Kamvijeta.jpg

નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૨૬/૦૬/૧૯૦૮ – અવસાન : ૨૪/૧૨/૧૯૬૯ વતન : સાયલા અભ્યાસ : ૧૯૨૪ સુધી માધ્યમિક શિક્ષણ, ટ્યૂટોરિયલ હાઈસ્કૂલ, અમદાવાદ; ૧૯૨૫-૨૮ જૈન ધર્મનું શિક્ષણ, શિવપુરી ગ્વાલિયર, તર્કભૂષણની પદવી વ્યવસાય : કથાસાહિત્યનું સર્જન, ફ્રી લાન્સ પત્રકાર સાહિત્યિક પ્રદાન : ૧૭ નવલકથા, ૨૪ નવલિકાસંગ્રહ, ૪૪ બાળસાહિત્ય, ૨૪ જીવનચરિત્ર, ૬ નાટક, ૪ હિંદી, ૫ પ્રકીર્ણ, ૬૬ સદ્વાચનમાળા પુસ્તિકા, ૬૬ વિદ્યાર્થી વાચનમાળા પુસ્તિકા, ૧૪ સંપાદન, ૨ ગ્રંથ, ૩ પરિશિષ્ટ ઇનામો : અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક, ૧૯૫૭; ષષ્ટિપૂર્તિની ઉજવણી અને ૨૫૦૦૦ની થેલી અર્પણ, ૧૯૬૮ નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૪૦ કુલ આવૃત્તિ : ૩ પૃષ્ઠ : ૩૪૪ પ્રકાશક : સારાભાઈ નવાબ (આવૃત્તિ ૧); જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ (આ. ૩) પ્રસ્તાવના : ધીરુભાઈ ઠાકર (આવૃત્તિ ૩) અર્પણ : કીર્તિલાલભાઈ દોશી, અધ્યક્ષ, શ્રેણુજ ઍન્ડ કંપની (આવૃત્તિ ૩) નવલકથાનો પ્રકાર : ધાર્મિક, ઐતિહાસિક કથાનક : આ નવલકથા મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યારોહણ અને નંદ સામ્રાજ્યના વિકાસ અને વિનાશના સમયની છે. કામવિજેતા સ્થૂલિભદ્ર અને ગણિકા કોષાની સાથે સાથે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત, મહાઅમાત્ય ચાણક્ય, મહામંત્રી શકટાલ, નંદરાજ, વરઋચિ, વગેરે આ નવલકથાનાં મુખ્ય પાત્રો છે. નાયક સ્થૂલિભદ્ર રસિક, વિદ્વાન, રૂપસુંદર હોવા છતાં, અંતરથી વૈરાગી છે, તેથી સ્થૂલિભદ્ર ‘સઢ અને સુકાન વગરની નૌકા’ની જેમ ફંગોળાય છે. તેને એક તરફ પિતાનો સૂચવેલો કર્તવ્યમાર્ગ ખેંચે છે, અને બીજી તરફ કોષાનો સૂચવ્યો પ્રેમમાર્ગ આકર્ષે છે. પણ અંતે તે પોતાનું સુકાન મેળવી જ લે છે, અને પોતાને જે સુકાન લાધ્યું, એ સુકાનને રસ્તે કોષાને પણ વાળી પ્રેમનું સાચું મૂલ્ય ચૂકવે છે. લેખન પદ્ધતિ : – નવલથામાં લેખકે પોતાના જીવનના આદર્શોને નાયક સ્થૂલિભદ્રના આદર્શો સાથે સાંકળ્યા છે. – નવલકથા ઉચ્ચ જીવનવિધેયને લક્ષ્યમાં રાખીને લખાયેલી છે. – મહદ્અંશે નાનાં નાનાં વાક્યો, અને તેમાં પણ લયાત્મકતા તેમની ખાસિયત છે. – ત્રીજાપુરુષમાં કથન; સરળ અને પ્રવાહી શૈલી; સંસ્કૃત ભાષાના અને જૈન સંસ્કૃતિના શબ્દોનો ઉપયોગ. – વિવિધ સ્થળોનાં અદ્ભુત વર્ણનો. – કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોનો ઠેરઠેર ઉપયોગ. – પાત્રોનાં મુખે ઠેરઠેર, વાદ કે બાધાઓથી મુક્ત એવું જીવનદર્શન. – કેટલીક જગ્યાઓએ સ્વરચિત કાવ્યપંક્તિઓનો ઉપયોગ. ઉ. ત. “સંસારે મેં જોયું સકળ સરૂપ જો,/ દરપણની છાયામાં જેવું રૂપ જો,/ સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહીં જો.” – નાયક સ્થૂલિભદ્ર, નાયિકા કોષા, મંત્રી શકટાલ, વગેરે અનેક પાત્રોનું અત્યંત કૌશલ્યભર્યું પાત્રવિધાન. સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા : – સ્થૂલિભદ્રની મુગ્ધવયથી શરૂ થઈને તેની વિરક્ત વૃદ્ધાવસ્થા સુધીના પટમાં ફેલાયેલી આ કથા, નવલકથા માટે આવશ્યક એવા દીર્ઘ જીવનકાળ, ઘટનાકાળનું ચિત્રણ કરે છે. – અહીં માનવીય લાગણીઓના વિવિધ રંગો રજૂ થયા છે. રાગ અને દ્વેષ, મમત અને મમતા, ક્રોધ અને ધૈર્ય, મોહ અને દ્રોહ, લોભ અને ઔદાર્ય, શસ્ત્ર અને શાસ્ત્ર, ચિંતા અને ચિંતન, ધર્મ અને કર્મ, કામ અને કામવિજય જેવાં નવલકથા માટે આવશ્યક પાસાં અહીં કથામાં સફળતાપૂર્વક ગૂંથાતાં રહ્યાં છે, જે વાચકને પ્રત્યેક પ્રકરણ પૂરું કરવા મજબૂર કરે છે. – મહદ્અંશે નાનાં નાનાં વાક્યો, અને તેમાં પણ લયાત્મકતા કથનને રસપ્રદતા બક્ષે છે, જેમ કે, રણમેદાન પર ઊભેલા વૃદ્ધ પુરુષનું વર્ણન! “આભને અડવા સ્પર્ધા કરતું એનું ઉન્નત મસ્તક/ ખભે ધનુષબાણ છે./ ભેટે કટારી છે./ હાથમાં ખડગ છે./ હૈયામાં હામ છે,/ મુખમાં સ્વાર્પણનો મંત્ર છે.” (પૃ. ૯) – ૪૫ પ્રકરણમાં ફેલાયેલી આ નવલકથાના પ્રત્યેક પ્રકરણના અંતે એક જિજ્ઞાસા ઊભી કરેલી છે, અને એ પછીના પ્રકરણનો ઉપાડ એકદમ રસપ્રદ બને છે. – અહીં સતત ચાલતી રહેતી ચર્ચાઓને કારણે રસક્ષતિની કોઈ શક્યતા ઊભી થતી નથી. રાજધર્મની ચર્ચા અને વ્યક્તિગત ધર્મની ચર્ચા. ફક્ત મનોરંજનનું સાધન બની રહેવાને બદલે આ નવલકથા વાચકને ચિંતનની દિશામાં વાળે છે. “આહાર, વિહાર અને શૃંગારની તેની સૃષ્ટિમાં આજે જીવન, પ્રેમ અને ત્યાગ, આ ત્રણ શબ્દો આલેખાયા.” (પૃ ૨૦૮). આમ આ નવલકથા વાચકને પણ સ્થૂળ સુખથી શાશ્વત સુખ તરફ વળવાનો રસ્તો બતાવે છે. – કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોના ઠેરઠેર ઉપયોગ, જેમ કે, “રત્નજડિત મુદ્રિકાઓથી અંકિત હાથીની સૂંઢ સરખો એ હાથ (પૃ. ૨૪), હીરાનાં કંકણો બીનના તારની અનેક તંત્રીઓ પર તેજકણ વેરતાં હતાં (પૃ. ૭૩), ક્રોધાન્વિત મહારથીનાં નેત્રો જેવો લાલચોળ સૂર્ય (પૃ. ૮૫), લાખેણો પુરુષ ક્ષણવારમાં કોડીનો બની ગયો (પૃ. ૧૫૪), જ્વાળામુખીના ગર્ભ જેવી હકડેઠઠ્ઠ રાજસભા (પૃ. ૨૪૧), વર્ષાની વાદળી જેવી ગાયિકાઓનું ટોળું (પૃ. ૨૪૮), બળજબરીથી વાઘ વશ થાય, પણ વનિતા વશ ન થાય (પૃ. ૨૯૦), કેવળ જીવની હત્યા કરવા માત્રથી વીરતા વરતી હોય, તો કસાઈ સૌથી શ્રેષ્ઠ વીર લેખાવો જોઈએ (પૃ. ૨૯૩), તેમના ગદ્યને એક સર્જનાત્મક લય આપે છે. – વર્ણનો આ નવલકથાનું જમા પાસું છે, જે દૃશ્યને વાચકની આંખ સામે મૂકી આપે છે. કલાવૈભવયુક્ત રંગશાળાઓ, કિંમતી ગાલીચા, નાટ્યકળા, સંગીત, કલાવૈભવથી સમૃદ્ધ વેશભૂષા, ગુપ્ત માર્ગો, ભોંયરાઓ, ઋતુ પ્રમાણે પલટાતી સૌંદર્યમંડિત જીવનવિધિઓ, વગેરેનાં વર્ણનોથી એક રાજકીય વાતાવરણ આંખ સમક્ષ ઊભું થાય છે. કલમના આછા લસરકાઓથી કોષાનું શૃંગારિક વર્ણન જુઓ : “કોષાએ કમર પર બેદરકારીથી એક રેશમી વસ્ત્ર પહેર્યું હતું, એણે ઉત્તરીયને બદલે વક્ષઃસ્થળને સુવર્ણના તારોથી ગુંફીત એક નાનકડા વસ્ત્રપટથી બાંધ્યું હતું.” – નવલકથાની શૈલી સરળ, પ્રવાહી છે, પરંતુ કેટલાક સંસ્કૃત ભાષાના અને જૈન સંસ્કૃતિના શબ્દો આવે છે, જેમ કે પટાક્ષેપ, સ્વારસ્ય, પર્યવસાન, પરંતુ શૈલી એવી રસાળ છે કે વાચક અઘરા શબ્દોને સમજવાનો મોહ ટાળીને વાર્તારસમાં વહ્યે જવા લાચાર થઈ જાય છે. – જયભિખ્ખુની અન્ય નવલકથાઓ અને નવલિકાસંગ્રહોની જેમ આ નવલકથા પણ કોઈ વિધેયને લક્ષ્યમાં રાખીને જ લખાયેલી છે. આ વાર્તાનું વિધેય એ છે, કે માણસ સંસારમાં બધું જ જીતી શકે છે, પણ કામ જીતવો મુશ્કેલ છે. અને જેણે કામ જીત્યો, તેણે સંસારમાં જીતવા જેવું બહુ ઓછું બાકી રહે છે. કથાનક જૈન કથાવસ્તુમાંથી લેવાયેલ છે, પરંતુ તેમાંથી સાંપ્રદાયિક તત્ત્વ લેખકે ગાળી નાખેલું છે. તદુપરાંત જૈન ધર્મનું તાત્પર્ય, હાર્દ ઉજાગર કરી બતાવાયાં છે. – લેખકે પોતાના જીવનના આદર્શોને નાયક સ્થૂલિભદ્રના આદર્શો સાથે સાંકળ્યા છે. સ્થૂલિભદ્રનું આ કથન ‘દુનિયામાં દંભી બનીને જીવવા કરતાં ઉઘાડાં થઈને રહેવું, જો ગણિકાગામી હોઈએ, તો તેનો સ્વીકાર કરીને, ગણિકાગામી થઈને જીવવું, એમાં જ મને મારો ધર્મ લાગ્યો છે.’ આ કથનમાં જયભિખ્ખુના ક્રાંતિકારી માનસ તેમજ દંભ પ્રત્યેનો તેમનો અણગમો તેમણે વ્યક્ત કર્યો છે. જયભિખ્ખુએ પોતાના નામ ‘ભીખુ’ સાથે પોતાનાં પત્ની જયાબેનનું નામ જોડીને પત્નીને પણ ગૌરવ આપ્યું હતું, એ રીતે કામવિજેતા નવલકથામાં પણ નારીગૌરવ સતત દેખાય છે. એટલે કે એ એમની જીવનવિભાવનાનો અંશ જ છે. – જયભિખ્ખુનું કોઈ પણ વાદ કે બાધાઓથી મુક્ત એવું જીવનદર્શન, અહીં ઠેરઠેર પાત્રોનાં મુખે જોવા મળે છે. કોષા સ્થૂલિભદ્રને કહે છે, “...જે દેશપ્રેમની પાછળ હજારો કત્લો રચાતી હોય, જે દેશપ્રેમની પાછળ અનેક વિધવાઓ, અનેક અનાથો નિસાસા નાખતા હોય, એ દેશપ્રેમ ધર્મ્ય? ...અને નિર્દોષ પંખીડાં જેવાં સ્ત્રીપુરુષનો પ્રેમ એ પાપ? ભોળા કુમાર, આજનું નીતિશાસ્ત્ર જ કાચી દીવાલો પર રચાયું છે. મારા કે તારા જેવો કોઈ પ્રેમનો પંથી સહેજ લાત મારે કે ભરર્ભૂસ!” વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ : ધર્મ જીવનવ્યાપી હવા છે, તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે... અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે... આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે, તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે... (ધીરુભાઈ ઠાકર)

મીનાક્ષી ચંદારાણા
નિવૃત્ત કેશિયર, સ્ટેટ બૅન્ક
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૯૯૮૦૦૩૧૨૮
Email: chandaranas@gmail.com