નવલકથાપરિચયકોશ/કાળો અંગ્રેજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૭

‘કાળો અંગ્રેજ’ : ચિનુ મોદી

– મોહન પરમાર
Kalo angrej.jpg

(‘કાળો અંગ્રેજ’, લે. ચિનુ મોદી, પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૨)

ગુજરાતી દલિત સાહિત્યમાં નવલકથા લખવાનો પ્રારંભ ૧૯૮૭માં ‘આંગળિયાત’થી થયો એમ આપણે કહીએ છીએ ત્યારે તે પહેલાં બિન-દલિત સર્જકો જેવા કે – ઈશ્વર પેટલીકર, સ્નેહરશ્મિ, ગુણવંતરાય આચાર્ય, દેવશંકર મહેતા, પિનાકિન દવે, રામચંદ્ર પટેલ, રઘુવીર ચૌધરી, જયંત ગાડીત કે કિશોરસિંહ સોલંકી દ્વારા દલિત નવલકથાઓ લખાઈ ચૂકી હતી. આ પ્રવાહમાં ‘આંગળિયાત’ પછી ૧૯૯૨માં ચિનુ મોદી ‘કાળો અંગ્રેજ’ લઈને આવે છે. એક બિનદલિત સર્જક પોતાની આ નવલકથા માટે એમ કહે કે, ‘આ નવલકથા દ્વારા મને પહેલી વાર સંતર્પક નવલકથા લખ્યાનો અનુભવ થયો.’ ત્યારે આ નવલકથામાં એવી તે કેવી સર્જનપ્રક્રિયા દ્વારા દલિત-તત્ત્વની જાળવણી થઈ તે પણ જોવાનું બને. ‘કાળો અંગ્રેજ’ નવલકથા અંત્યજોની તત્કાલીન પરિસ્થિતિને ઉજાગર કરે છે. દલિતોના રીતરિવાજો, રહેણીકરણી, આર્થિક સંકડામણ, જાતિગત કનડગત વગેરે પર ભાર મૂકીને દેશની વિસંગત સંવેદનાને લેખકે સર્જનાત્મક સ્તરે વિકસાવી છે. આ નવલકથા હપ્તાવાર લખાઈ છે. પરંતુ લેખકે એમાં પોતાની સર્જનશક્તિ દ્વારા કૃતિમાં ગાંભીર્ય જાળવ્યું છે. અહીં લોકપ્રિયતાનું છોગંદ ખપ નહીં લાગે, કેમકે અહીં વાચકની સંવેદનાના તાર ઝણઝણી ઊઠે તેવાં સસ્તાં પ્રણયદૃશ્યો નથી. જે છે તે સામાજિક પરિવેશ નિમિત્તે ઊભી થયેલી વિષમસ્થિતિ. દલિત કે અદલિત કોઈપણ નવલકથા કરતાં કૃતિની નોખી ભાત ઉપસાવવાનો લેખકનો અભિગમ રહ્યો છે. પ્રસંગો-ચિત્રણોમાં કે પાત્રોની વિવિધ છટાઓ આલેખવામાં પરંપરાગત રીતે ચાલ્યા છે. પરંતુ પ્રકરણના પ્રારંભમાં પાત્રોના સ્વભાવને અનુરૂપ ગીતો મૂકીને વાચકને પાત્રો સાથે જોડ્યો છે. ગીતો મૂકવા ખાતર મૂક્યાં નથી. એમાંથી જે ક્ષણો રચાય છે તે નવલકથાનાં પાત્રોની ભાવક્ષણો છે. પ્રકરણે પ્રકરણે પાત્રોની ભાવક્ષણો રૂપાંતર પામતી રહે છે. એનો અર્થ એ થયો કે પાત્રમાં બદલાવ પણ આવી શકે છે. એનામાં રહેલા ભાવપલટા આ ગીતો દ્વારા વ્યક્ત થાય છે. પાત્રોની પુનરાવર્તન પામેલી ભાવક્ષણો વૈવિધ્યસભર છે. અંગ્રેજો ગયા, પણ કાળા અંગ્રેજો રહી ગયા તેની પ્રતીતિ આ નવલકથા કરાવે છે. વજેસંગ ઠાકોર આ નવલકથાનો કાળો અંગ્રેજ છે. સત્તાસ્થાને ટકી રહેવાના એના ઉધામામાં અનેક દાવપેચ ખેલાતા રહે છે. એનાં અમાનુષી કાર્યો નવલકથામાં ઠેર ઠેર લેખકે આલેખ્યાં છે. આ કાળો અંગ્રેજ સ્વરાજ આવ્યા પછી ખાદીનાં વસ્ત્રો પહેરે છે, ને એની આડશે કુકર્મો આચરે છે. એ કોઈનું ખૂન કરતાં અચકાતો નથી. ખેડૂતોની જમીનો પચાવી પાડતાં એને લાજ આવતી નથી. અહીં ખલપાત્રો સામે સદ્પાત્રો પાછાં પડતાં જણાય. પણ મનસુખ ચળવળવાળો, ભલો ઢોલી, ઇન્દ્રસિંહ કુંવર જેવાં સદ્પાત્રોની એક વૈયક્તિક ઓળખ પણ ઊભી થઈ છે. મંદિરપ્રવેશ વખતે ભલાની નજર સામે તેના ભાઈ કલાનું વજેસંગ દ્વારા થયેલું મૉત જાતિ-જાતિ વચ્ચેના વેરઝેરની પુષ્ટિ કરે છે. ભલો કલાનું મૉત ભૂલ્યો નથી. છતાં એનામાં સદ્ભાવ એની સદ્વૃત્તિઓને પોષે છે. એટલે તો દાનસંગનું ખિસ્સું કપાયા પછી અફીણના બંધાણી વજેસંગ માટે દાનસંગને ત્રીસ રૂપિયા આપવાનું એ ચૂકતો નથી. સાંસારિક અને સામાજિક પરિસ્થિતિઓને વશ વર્તીને ચાલતાં પાત્રો એટલે તો સાહજિક લાગે છે. ૧૯૪૭થી ૧૯૫૩ના ગાળાની ઘટના લઈને લેખકે નવલકથાનો પરિવેશ રચ્યો છે. અંગ્રેજો ગયા પછીની આ સ્થિતિ અંગ્રેજોને પણ સારા કહેવડાવે છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા કેટલાક લોકોનું બાહ્ય કલેવર જ માત્ર સાદગીભર્યું લાગે. અંતરમાં તો સત્તા, લાલચ, સ્વાર્થ અને કુકર્મો હાવી થતાં જણાય છે. સેવંતીલાલ અને ઓતમચંદ એનાં ઉદાહરણ લેખે લઈ શકાય. આશ્રમવાસી હોવા છતાં આ બન્નેના મનમાં વજેસંગને કૉંગ્રેસમાં દાખલ કરીને લાભ જ મેળવવાનો ઇરાદો છે. વજેસંગની ધાકને કારણે પોતાનાં માનપાન વધશે તેવી એમને ધારણા છે. જે ડાહ્યાભાઈ નિષ્ઠાવાન હતા તે આ બન્નેના ભરમાયા ભરમાય છે. ત્યારે મનસુખ – હવે આ બધામાંથી આસ્થા ગુમાવતો જાય છે. સદ્-અસદ્ પાત્રોને સામસામે મૂકીને લેખકે કૃતિની આંતરચેતનાને મજબૂત કરી છે. વિષયવસ્તુને પુષ્ટ કરવા માટે પાત્રોનાં બાહ્ય અને અંતરંગ સંચલનો દ્વારા કૃતિનું પોત ઘડ્યું છે. મનસુખ જેવા ગાંધીવાદી કાર્યકરનું પાત્ર ઘડવામાં લેખકનું ગાંભીર્ય વરતાય છે. અહીં અંત્યજો સામે આચરવામાં આવતાં અમાનુષી તત્ત્વોથી વિપરીત અમુક પાત્રોનો પ્રણયરાગ કથાને વેગવંતી રાખે છે. શોષણના પ્રશ્નો ધોળકા-બાવળાની આજુબાજુના ગ્રામપંથકના છે. છતાં આ બધા પ્રશ્નો દરેક પંથકને લાગુ પડે તેવા છે. વજેસંગ ઠાકોરના અત્યાચારો સામે પુત્ર ઇન્દ્રસિંહના શારદી સાથેના પ્રણયપ્રસંગોમાં સમરસતા દેખાય છે. રાજકુમાર કૉલેજમાં ભણીગણીને તૈયાર થયેલા ઇન્દ્રસિંહ ગાંધી આશ્રમમાં જાય છે ત્યારે એનું મન સાંપ્રત સ્થિતિથી ઉફરું ચાલે છે. ૧૯૪૭થી ૧૯૫૩ સુધીમાં લેખકે જોયેલા એક સમાજની અડખેપડખે લેખકે આ નવલકથા રચી છે. અદલિત લેખકની આ નવલકથા હોવાથી દલિતોની અંતરંગ સૃષ્ટિનો એમને નજીકથી પરિચય ન પણ હોય. જોયેલા અનુભવો ખપ ન પણ લાગે. જેણે વેઠ્યું છે તેની કલમે નીપજેલાં સંવેદનો કરતાં જે દૃષ્ટા છે તેની કલમે નીપજેલાં સંવેદનો ધારદાર ન પણ હોય. છતાં આ નવલકથામાં ચિનુ મોદીએ કરેલો પ્રયત્ન નજરઅંદાજ કરવા જેવો તો નથી. નવલકથાની શરૂઆત ભલા ભગત અને પત્ની અંબાના લીલા-સૂકા દામ્પત્યજીવનથી થાય છે. ભલા ભગતની ચેષ્ટાઓમાં ભોળપણ છે. સુખદુઃખ સાથે એ સમાધાન કરી જાણે છે. પરિસ્થિતિ પ્રમાણે એ વર્તે છે. ભગવાનમાં આસ્થા છે, ને આજુબાજુના પંથકમાં ઢોલી તરીકેની નામના મેળવી ચૂક્યો છે. એના આ કામણને કારણે તો અંબા એના પર મોહીને લગ્ન કરે છે. ભલો ગરીબ છે. એની ગરીબાઈ સામે અંબા ઝઝૂમે છે. પણ આ ગરીબ ઘરમાં ચાર-ચાર છોકરીઓનો જન્મ એના માટે આપત્તિજનક છે. મોટી દીકરી ખેમીને પરણાવવાની ચિંતા એને રાતદિવસ કોરી ખાય છે. તાપીશંકર ગોર ખેમીનું એક આધેડવયના મૂરતિયા સાથે ગોઠવે છે. બદલામાં અંબા પાસે ચંદરી ગાયની માગણી કરે છે. અંબા ચંદરી ગાય આપવા સંમત પણ થાય છે, પરંતુ ભલો મોટી ઉંમરના મૂરિતયાને જોઈને ‘ના’ પાડે છે. રેવાકાકી દ્વારા ભૂતનું તૂત ઊભું કરીને આ વાત પડતી મુકાય છે. ભલાના ઘરની વિગતો અને તે નિમિત્તે ઊભી થતી પરિસ્થિતિ અને અન્ય પાત્રોના ઉઘાડ વાર્તારસને જાળવી રાખે છે. ખેમીનું છેવટે એ જેની સાથે હળી ગયેલી તે ધનિયા સાથે ગોઠવાય છે. ખેમી પછી બે બહેનો સમુ અને શારદી ઉંમરલાયક બની ગઈ છે. એમની ચિંતા ભલા અને અંબા કરતાં લેખકને વિશેષ છે. એટલે તો બે યુવાનો મનસુખ અને ઇન્દ્રસિંહનો નવલકથામાં પ્રવેશ કરાવે છે. મનસુખ તો એક અભિયાન લઈને આવ્યો છે. એટલે સમુ સાથેના સંબંધો તે પછીની વાત બની રહે છે. છતાં એ બન્ને વચ્ચે મનમેળ થાય તે હેતુથી મનસુખ ભલા ભગતના ઘરમાં રહે તે પ્રકારની લેખકે યુક્તિ કરી છે. મનસુખ એક અંત્યજના ઘેર રહે તે કેસરડી ગામના મુખીને ન ગમતી બાબત છે. વજેસંગે કહેણ મોકલ્યું છે કે આવા ચળવળવાળાને ગામમાં ન રહેવા દેવાય. પણ મનસુખની વાચાળતા અને ગ્રામ સુધારણાને કારણે ગ્રામજનોનો એ પ્રીતિપાત્ર બની રહે છે. મુખીની દીકરી કમુનું એના પ્રત્યે ભારે ખેંચાણ છે. મનસુખ સાથે વાત કરવાની કે પ્રણયચેષ્ઠા કરવાની એ એક તક જતી કરતી નથી. જુઓ : ‘મનસુખ બેઠેલો હતો એની પાસે કમુ બેસી ગઈ હતી. એની છાતીમાં ફૂટું ફૂટું બે પુષ્પની સુગંધ બહેકાવી નાખનારી હતી. એ પુષ્પોનો હળુ હળુ સ્પર્શ મનસુખના આખા દેહમાં રણઝણાટી કરાવતો હતો. ભયાનક વેગે આવતા પૂરના એને અણસાર આવી ગયા હતા. પરંતુ નદીમાં રોજની જેમ ન્હાવા ગયેલા માણસને એક વખત તો પૂરના પ્હેલા વેગમાં ખેંચાવું જ પડે, એવી મનસુખની હાલત હતી.’ (પૃ. ૧૦૪) પણ આ હાલત મનસુખને મંજૂર નહોતી. એ કમુને ધુત્કારે છે. એનો સાચો સ્નેહ તો સમુ સાથે છે. શારદીને ઠેકાણે પાડવા માટે લેખકે રાજકોટ કૉલેજમાં અભ્યાસ કરતા વજેસંગના દીકરા ઇન્દ્રસિંહને પાછો બોલાવવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. ને એમાં એ સફળ પણ રહ્યા છે. ઇન્દ્રસિંહ આવે છે. આજુબાજુના પંથકના લોકો એનાથી પ્રભાવિત છે. મનસુખ સાથે એને સારું બને છે. એ નાત-જાત જેવા વાડાથી પર છે. કેસરડી જેવા નાના ગામમાં ચોપડી વાંચી રહેલી છોકરીનો એને પરિચય થાય છે. આ છોકરી તે શારદી. પ્રથમ પરિચયે જ એ શારદી પર મોહી પડે છે. પછી તો અવારનવાર કેસરડીમાં એના આંટાફેરા વધી પડે છે. એ શારદી પર ઓળઘોળ છે. એના ભણતરમાં રસ લે છે. ગાંધી આશ્રમમાં ભણવા માટે પોતાની સાથે અમદાવાદ લઈ જાય છે. ઇન્દ્રસિંહ અને મનસુખના પ્રવેશ પછી અને તે પહેલાં અનેક ઘટનાઓ આ નવલકથામાં બનતી રહે છે. કલાની હત્યા, હરિજનનો મંદિર પ્રવેશ અટકાવવાની ઘટના, ખેડૂતો પાસેથી જમીન પડાવી લેવાની ચાલાકી, ચંપાબાઈનું ભેદી ખૂન – આ બધા પ્રસંગોમાં વજેસંગ સંડોવાયેલા છે. ચંપાબાઈ ગણિકાના ખૂન બદલ કારાવાસમાંથી લાંચ આપીને છૂટી જવાની વજેસંગની પેરવી, દાનસંગ દ્વારા મનસુખનું ખૂન કરાવવાનો પેંતરો, ઓતમચંદ અને સેવંતીલાલ દ્વારા વજેસંગનો કૉંગ્રેસ પ્રવેશ, ઇન્દ્રસિંહ અને શારદીના સંબંધો સામે વજેસંગની નારાજગી – આ બધા પ્રસંગે કથા વહેતી રહી છે પણ ઘણા પ્રસંગો અને પાત્રો આગંતુક લાગે છે. અનિવાર્ય ન હોવા છતાં આવા પ્રસંગો અને પાત્રોનો પ્રવેશ કૃતિની મુદ્રાને ખંડિત કરે છે. સામાજિક વર્ણવ્યવસ્થા અને દલિત જાતિઓની ખાસિયતો વગેરેમાં સર્જક હસ્તક્ષેપ કરવા ગયા છે પણ ત્યાં એમને નિષ્ફળતા મળે છે. અંત્યજ વાસ, ભંગી વાસ કે હરિજન વાસ જેવા સ્થૂળ શબ્દપ્રયોગો કઠે તેવા છે. પ્રારંભમાં ભલો અને તેના કુટુંબની વિગતોમાં લેખક ગયા છે ખરા, પણ ઊંડાણપૂર્વક એમની રહેણીકરણી કે વર્તન સંદર્ભે ખાસ કશો ફોડ પાડ્યો નથી. મનસુખ ભલાના ઘરમાં રહે છે તે સાચું, પરંતુ વર્ણવ્યવસ્થાના ભાગરૂપે દલિતોમાં પ્રવેશતી લઘુતાગ્રંથિના પ્રસંગો ખાસ મળતા નથી. મનસુખ તો ગાંધી વિચારસરણીવાળો છે એટલે એનામાં જાતિગત અહમ્ ન હોય. પરંતુ એની સાથેના વ્યવહારમાં દલિતોનો સંકોચ કે ગજગ્રાહ વરતાતો નથી. અગાઉ ચળવળવાળા દયાભૈના સંગે ચડીને કલાએ જીવ ખોયો. તો ચળવળવાળા મનસુખ પ્રત્યે ભલાની નારાજગીના ઉપરછલ્લા ઉલ્લેખોને બદલે મનસુખની આત્મજાગૃતિ દૃઢ બને તેવા કોઈ પ્રસંગો પણ મળતા નથી. વાસ સંદર્ભે વર્ણવેલી વિગતોમાં થયેલી સરતચૂકને કારણે આંગળી મૂકીને કહી ન શકાય કે દલિતની અમુક જાતિનો જ આ વાસ છે. દલિતોના અંદરોઅંદરના વ્યવહારમાં લેખક ઊંડા ઊતર્યા હોત તો આવા પ્રશ્નોને અવકાશ ન રહેત. નવલકથાનો અંત કરુણ છે, કઠોર હૃદયના સવર્ણને દલિતો પ્રત્યે અનુકંપા જાગે તેવો. વજેસંગ દ્વારા હરિજનવાસના ત્રીસ માણસોની લાશો ઢાળી દેવાનું કૃત્ય અરેરાટી જન્માવે છે. આ લાશોમાં મનસુખ પણ ખરો. વજેસંગ ખાદીનાં વસ્ત્રો પહેરીને કૉંગ્રેસમાં પ્રવેશ મેળવે છે ત્યારે એમ હતું કે લેખક નવલકથાના અંતમાં કાંઈ નવાં જ સમીકરણો રચીને નોખી ભાત પાડશે. આ આશા ઠગારી નીવડે છે. દલિતવાસમાં માત્ર ભલો બચી જાય છે. જ્યારે શારદી ગાંધી આશ્રમમાં હોવાને કારણે બચી જાય છે. એ અમદાવાદથી આવીને જે દૃશ્યો જુએ છે અને એને કારણે એ વ્યથિત થાય છે તે વર્ણનમાં લેખકે પ્રાણ પૂર્યાં છે. જુઓ : ‘શારદીએ ખોળામાંથી માથું લઈ લીધું અને ભલા ભગતને બેય હાથથી આસુરી શક્તિ સાથે હચમચાવી પૂછવા માંડી : ‘મારી મા ચ્યાં છે, બાપા? ચ્યાં છે – ખેમીબુન ચ્યાં છે? ચ્યાં છે?’ અને ‘ચ્યાં છે?’ એ દોહરાવતી જાય અને ભગતને હચમચાવતી જાય – છેવટે ભલો ભાનમાં આવ્યો. દીકરીને ઓળખી અને છોડીને ઊભી કરી, કમાડ પાસે લઈ ગયો. કમાડની આરપાર ગોળી નીકળી જવાથી થયેલા કાણાને અડીને બોલ્યો : ‘લે, આ તારી મા.’ અને ભીંત પર ગોળીના નિશાનને બતાવી કહે : ‘આ તારી ઝેણકી....’ (પૃ. ૨૬૧) આ કરુણ દૃશ્યો સર્જાયાં તે કોને કારણે? ઇન્દ્રસિંહે જો આત્મહત્યા ન કરી હોત તો આ સામૂહિક હત્યાનો પ્રશ્ન જ ન બનત. ઇન્દ્રસિંહના પાત્રની લેખકે જે રીતે માવજત કરી છે તે જોતાં એના પાત્ર દ્વારા કોઈ નવસર્જનના દિશા-સંકેતો રચી શકાયા હોત. તે આશા પર લેખકે નવલકથાને જલદી આટોપી દેવાના મોહમાં રોળી નાખી છે. વજેસંગ દ્વારા અપહરણ પામેલી શારદીને શોધતા ઇન્દ્રસિંહને લેખકે બંદૂક વડે આત્મહત્યા કરતો બતાવીને એને કાયર બનાવી દીધો છે. એની પાસે કોઈ ઉમદા કાર્ય કરાવીને લેખકે નવલકથાનો પ્રવાહ પલટી નાખ્યો હોત તો કદાચ આ નવલકથા ઉત્તમ બની આવત. તે પંથકના દલિત સમાજ માટે એક એવું આશ્વાસન રહેત કે ક્રૂર પિતાનો પુત્ર દલિતોનો હામી બની બેઠો. અગાઉ ઇન્દ્રસિંહની રીતભાતમાં આ છાપ ઊપસી આવી છે. વજેસંગની રુક્ષ અને કઠોર વિચારસરણી સામે ઉગ્ર બનીને ઇન્દ્રસિંહ જે પ્રત્યુત્તરો આપે છે તે જોતાં એમ લાગે કે સમાજ સુધારણા માટે ઇન્દ્રસિંહ ઝઝૂમીને કાંઈક નવાં-નોખાં પરિણામો સિદ્ધ કરશે. વજેસંગ સાથેના વાર્તાલાપમાં ઇન્દ્રસિંહ દ્વારા થયેલી વાક્છટા આ વાતની ગવાહી પૂરે છે. જુઓ : ‘એ જાણી લો – હું શારદીને જ પરણીશ અને આ ગામમાં તમારી છાતી પર રહીશ – સમજો છો શું આપના મનમાં? હેં? આપ પિતા છો – એથી આપને માન આપું એથી આપે મને નિર્બળ માની લીધો? નબળો માની લીધો? અને હું જાઉં છું. ભણી-પરણીને જ આ ગામમાં પાછો આવીશ. અને આપ ખર્ચ જોગ એક પાઈ પણ ન મોકલશો.’ (પૃ. ૨૩૭) ઇન્દ્રસિંહની આ ખુમારી એકાએક અદૃશ્ય થઈ જાય અને આત્મહત્યા કરવા પ્રેરાય તે માની શકાય તેવી વાત નથી. એની આત્મહત્યા પછી વજેસંગ ૩૦ માણસોની લાશો ઢેળવીને પોતે જાતે ફાંસો ખાઈને મરી જાય તે વિગતોમાં લેખક ઊંડા ઊતર્યા નથી તેથી અંત સાવ ફિસ્સો અને નવલકથાને જલદી આટોપી દેનારો લાગ્યો છે. અહીં શોષણના પ્રશ્નો છે. તો વર્ણવ્યવસ્થાને કારણે દલિતોની અવગણનાના પ્રશ્નો પણ છે. દલિત પ્રજા જાણે માણસ જ નથી તે જાતનો સવર્ણોનો વ્યવહાર સર્વ માન્ય નથી. ઇન્દ્રસિંહ કે મનસુખ જેવાં પાત્રો દ્વારા એનો આદર-સત્કાર પણ થતો જણાય. કોઈ કહે કે એ તો સ્ત્રી પ્રત્યેના આકર્ષણને કારણે સદ્ભાવના જન્મી હોય... પણ ના, અહીં જાતિગત સમસ્યાનાં ઝેર એટલાં વ્યાપ્ત છે કે સ્ત્રી-પુરુષના આકર્ષણમાં જાતિવાદ અડચણરૂપ બની બેસે છે. અહીં શારદી કે સમુની જાતિ વ્યવધાનરૂપ બનતી નથી. એ અર્થમાં જોઈએ તો દલિતોનો સ્વીકાર જૂજ માત્રામાં પણ થતો રહે તે આશ્વાસન નાનુંસૂનું નથી. સમગ્રપણે જોઈએ તો ‘કાળો અંગ્રેજ’ સ્વરાજ પ્રાપ્તિ પછીની દેણ છે. અંગ્રેજોનું દમન પાછું પાસાફેર થઈને નીચલી જ્ઞાતિઓને કનડી રહ્યું છે. આ ધરીની અડખેપડખે રચાતા તાણાવાણા આ નવલકથાને દલિત નવલકથા કહેવા પ્રેરે છે. ચિનુ મોદી કોઈપણ સાહિત્ય સ્વરૂપ સાથે કામ પાડે છે ત્યારે તે તે સ્વરૂપને વફાદાર રહીને તેઓ સર્જન-કર્મ કરતા હોય છે. આ નવલકથામાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં સૂક્ષ્મ ભાષાકર્મ અને સ્વરૂપગત આવડતને કારણે જિજ્ઞાસા જગવે છે.

મોહન પરમાર
નિવૃત્ત વહીવટી અધિકારી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ,
વાર્તાકાર, નવલકથાકાર, એકાંકીકાર, વિવેચક અને સંપાદક
સંપર્ક : એ-૨૫, ન્યૂ પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થ પાછળ, ચાંદખેડા, અમદાવાદ ૩૮૨૪૨૪