નવલકથાપરિચયકોશ/કિમ્બલ રેવન્સવૂડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩૫

‘કિમ્બલ રેવન્સવૂડ’ : મધુસૂદન વલ્લભદાસ ઠાકર(મધુ રાય)

– વિજયરાજસિંહ જાડેજા
Kimbalsa.jpg

‘કિમ્બલ રેવન્સવૂડ’, પ્રથમ આવૃત્તિ : ૧૯૮૧ અરુણોદય પ્રકાશનની આવૃત્તિ : માર્ચ, ૨૦૦૭ પ્રકાશક : ચંદ્રમૌલી એમ. શાહ, અરુણોદય પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ. નવલકથા સર્જકનો પરિચય : ગુજરાતી સાહિત્યમાં આધુનિક તેમ જ અનુઆધુનિક સર્જકોમાં મોખરાનું નામ એટલે મધુસૂદન વલ્લ્ભદાસ ઠાકર. જેને આપણે ‘મધુ રાય’ એવા ઉપનામથી ઓળખીએ છીએ. મધુ રાયનો જન્મ ૧૯ જુલાઈ ૧૯૪૨ના રોજ જામખંભાળિયામાં થયો હતો. વતનથી નજીક દ્વારકામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ૧૯૬૩માં કલકત્તા યુનિવર્સિટીની રેસિડન્ટ કૉલેજમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં કુટુંબની જવાબદારીને કારણે ભણતર છોડી, અમદાવાદ પરત ફર્યા. પરંતુ કલકત્તા નિવાસ દરમિયાન તેઓનો સંપર્ક શિવકુમાર જોશી અને ચંદ્રકાંત બક્ષી સાથે થયો. મધુ રાયને વાર્તાલેખન માટેનો ધક્કો અહીંથી મળે છે. અમદાવાદમાં ‘જનસત્તા’માં નોકરી મેળવી ગુજરાન ચલાવે છે. સાથોસાથ ‘નિરીક્ષક’ના ઉપતંત્રીનું કામ મળે છે. ‘ગુજરાત સમાચાર’માં ‘સલામ શહેર અમદાવાદ’ અને ‘જન્મભૂમિ’માં ‘મનકી બીન’ શ્રેણી લખે છે. પારસી સાપ્તાહિક ‘નવરોઝ’માં પણ સુલેમાન રોશનઅલીના નામથી કૉલમ લખે છે. આમ, કલકત્તાથી પાછા આવી મધુ રાય વિધવિધ લેખનકાર્ય કરતા રહે છે. હાલ તેઓ અમેરિકાના ન્યુજર્સીમાં નિવાસ કરે છે. ખંભાળિયાથી કલકત્તા, કલકત્તાથી અમદાવાદ અને અમદાવાદથી અમેરિકા સુધીની સફર મધુ રાયે ખેડી છે. ૧૯૭૦માં મધુ રાય હોનોલૂલૂમાં નાટ્ય સેમિનાર માટે એશિયાની વ્યક્તિ તરીકે પસંદગી પામે છે. હોનોલૂલૂમાં રહી નવ માસ સુધી નાટ્યલેખન અને દિગ્દર્શનની તાલીમ મેળવે છે. ૧૯૭૧માં ભારત-અમદાવાદમાં આવી ’આકંઠ’ નામથી નાટ્યલેખનની સંસ્થા સ્થાપે છે; અને ફરી ૧૯૭૪માં યુનિવર્સિટી ઑફ એવન્સવિલ ઇન્ડિયામાં નાટ્યલેખન ભણવા પાછા અમેરિકા જાય છે-સ્થિર થાય છે. અમેરિકામાં નિવાસને લીધે વિવિધ લહેકાવાળી અંગ્રેજીના સંપર્કમાં આવે છે, જેને લીધે તેમની ‘મનસુખ’ અને ‘સુરા સુરા સુરા’ કૃતિઓમાં તે અસર જોઈ શકાય છે. અભ્યાસ અર્થે દ્વારકા રહ્યા અને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ, ‘ચહેરા’ નવલકથામાં તે બ્રાહ્મણ સંસ્કાર ઝિલાયો છે. આમ, વતન, રાજ્ય, દેશ અને વિદેશમાં વસવાટને લીધે જે કંઈ ઝીલાયું તે કૃતિઓમાં જુદી જુદી રીતે પ્રગટ થયું છે. ગદ્યમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન માટે મધુ રાયને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે. જેમાં રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૯૯માં પ્રાપ્ત થાય છે. ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ અને ‘કુમારની અગાસી’ નાટકો માટે નર્મદ સુવર્ણચંદ્રકથી તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા. વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક અને ‘કલ્પતરુ’ નવલકથા માટે ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો વર્ષ ૨૦૨૦નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મધુ રાયને મળેલ છે. મધુ રાય ‘મમતા’ સામયિકનું સંપાદનકાર્ય કરી નવોદિત વાર્તાકારોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. નાટક : ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮), ‘આપણે ક્લબમાં મળ્યા હતા’/‘સમા રંગીન’ (૧૯૭૪), ‘કુમારની અગાશી’ (૧૯૭૫), ‘પાનકોરનાકે જઈ’ (૨૦૦૪), ‘યોગેશ પટેલનું વેવિશાળ’ (૨૦૦૯), ‘સુરા અને શત્રુજિત’ (૨૦૦૯) નાટ્યરૂપાંતર : ‘શરત’ (૧૯૭૫), ‘સંતુ રંગીલી’ (૧૯૭૬), ‘ખેલંદો’ (૨૦૦૭), ‘ચાન્નસ’ (૨૦૦૭) એકાંકીસંગ્રહ : ‘અશ્વત્થામા’ (૧૯૭૬), ‘આપણું એવું’ (૨૦૦૫), ‘કાન્તા કહે’ (૨૦૦૯) નવલિકા : ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪), ‘રૂપકથા’ (૧૯૭૨), ‘કાલસર્પ’ (૧૯૭૩), ‘કઉતુક’ (૨૦૦૫), ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ’ નવલકથા : ‘ચહેરા’ (૧૯૬૬), ‘કામિની’ (૧૯૭૦), ‘સભા’ (૧૯૭૨), ‘સાપબાજી’ (૧૯૭૨), ‘કિમ્બલ રેવન્સવૂડ’ (૧૯૮૧), ‘કલ્પતરુ’ (૧૯૮૭), ‘મનસુખ’ (૨૦૦૩), ‘સુરા સુરા સુરા’ (૨૦૦૯) નિબંધ : ‘સેપિયા’ (૨૦૦૧), ‘નીલે ગગન કે તલે’ (૨૦૦૧), ‘જિગરના જામ’ (૨૦૦૯), ‘મન કી બીન’, ‘દિલ કી ગલી’. રેખાચિત્ર : ‘યાર અને દિલદાર’ (૨૦૦૯) અનુવાદ : ‘The Scarlet Letter’, ‘The light in The Forest’, ‘Heaven Knows Mr. Allison’, ‘Pygmalian’ (સંતુરંગીલી) હિન્દીમાં : ‘કિસી એક ફૂલ કા નામ લો’ (અનુવાદઃ જ્યોતિ વૈદ્ય), ‘કુમાર કી છત પર’ (અનુવાદઃ પ્રતિભા અગ્રવાલ), ‘પાનકૌરનાકે જાકે’ અંગ્રેજીમાં : ‘Tell Me The Name of A Flower’, ‘Kumar’s Terrace’ (Translated by Vijay Padaki), ‘Engaging Mr. Patel’ આમ, ગદ્યનાં લગભગ બધાં સ્વરૂપોમાં મધુ રાયની કલમ ચાલી છે. નવલકથા, વાર્તા અને નાટક જેવા સ્વરૂપમાં કરેલા આધુનિક પ્રયોગો તેમને બીજાથી અલગ પાડે છે. સુરેશ જોષી પછી આધુનિક ગદ્યમાં પ્રયોગશીલ સર્જક તરીકે કોઈનું નામ લેવાતું હોય તો તે મધુ રાય છે. ગુજરાતીની સાથે હિન્દી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષાનું જ્ઞાન તેમની ગદ્યકૃતિને સહાયક બન્યું છે. નવલકથાનું કથાનકઃ ‘કિમ્બલ રેવન્સવૂડ’(૧૯૮૧) મધુ રાય કૃત કાલ્પનિક હાસ્યનવલ છે. તે માત્ર કાલ્પનિક હાસ્યનવલ ન રહેતાં વાસ્તવિક વક્રતાદર્શી નવલકથા બની છે. લગ્ન માટે કન્યાપસંદગી જેવા જાણીતા વિષયને લઈને સર્જક આપણી સમક્ષ હાજર થયા છે. ‘શંકરભઈ નટવરભઈ પટેલનો સેકન્ડ નંબરનો સન યોગેશ શિકાગોમાં એમ. બી. એ.નો અભ્યાસ કરતો હતો.’ (પૃ. ૧) અહીંથી કથાની શરૂઆત થાય છે. યોગેશ પટેલ કથાનો નાયક છે, જેનો પરિચય સર્જક શરૂઆતમાં જ આપી દે છે. યોગેશ બે વીકની રજા લઈને શિકાગોથી ભારત આવે છે, કારણ તેના કુટુંબીજનો તેના લગ્ન માટે ઉત્સુક છે. બધી તૈયારી તેઓએ કરી રાખી છે. બસ યોગેશ કન્યા પસંદ કરે એટલી જ વાર. ઘરે આવતા ટ્રેનમાં વાંચવા માટે લીધેલું પુસ્તક ‘જ્યોતિષની નજરે ધર્મપત્નીની પસંદગી’ને આધારે કન્યા પસંદ કરવાનું નક્કી કરે છે. બાર રાશિની બાર જુદી જુદી કન્યાઓને મળી તેમાંથી એક પસંદ કરી પોતે લગ્ન કરશે – એવો તેનો વિચાર છે. સમયનો અભાવ હોવાથી દેવુભાઈ સાથે મળી રોજની બે-બે કન્યાઓ સાથે વારાફરતી ઇન્ટરવ્યૂ ગોઠવે છે. નવલકથામાં કન્યાઓનો રાશિક્રમ આ મુજબ છે : મેષ-અંજલિ, તુલા-રોહિણી, મીન-ચંદ્રિકા, કર્ક-હંસા, સિંહ-ઝંખના, કુંભ-સરલા, મમતા, કન્યા-પદ્મા, મિથુન-કીર્તિ, ધન-ભાવના, વૃશ્ચિક-નંદિની, વૃષભ-વિશાખા, મકર-ફાલ્ગુની અને પ્રગતિ. આમ, રાશિ પ્રમાણે બાર અને તે સિવાયની બે મળીને ચૌદ કન્યાને યોગેશ મળે છે. શિકાગોમાં રહીને પેગી સાથે વિતાવેલ પ્રણયમધુર ક્ષણો યાદ આવ્યા કરે છે. આગળ જતાં પેગી ભારત આવે છે. આટલી કન્યા જોવા છતાં યોગેશ નક્કી નથી કરી શકતો. અંતે પેગીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ પેગી તેને મૂકીને ફરી વિદેશગમન કરે છે. યોગેશ વિચારે છે કે જિંદગીભર માટે એક છોકરીની પસંદગી કેમ કરવી? આ માટે તે મિત્રોનું માર્ગદર્શન લે છે. યોગેશ અંતે કોની ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે રહસ્ય ઘૂંટાતું આવે છે. કથાને અંતે યોગેશ ચંદ્રિકા જોડે પરણે છે. ત્યાં સુધી પહોંચતાં ઘણા તાણાવાણા મધુ રાય આ કથાની સાથે ગૂંથે છે. દરેક કન્યાનો ઇન્ટરવ્યૂ સર્જકે અલગ-અલગ સ્થળે કરાવ્યો છે. દરેકનો સ્વભાવ પણ અલગ-અલગ નિરૂપી મધુ રાય વૈવિધ્ય લાવી શક્યા છે. બૂકમાં કન્યાની રાશિ પ્રમાણે ગુણો દર્શાવ્યા છે. ઇન્ટરવ્યૂ વખતે તે પ્રમાણે હશે કે કેમ?નું રહસ્ય દરેક વખતે સામે આવે છે. નવલકથાની લેખનપદ્ધતિ : ‘કિમ્બલ રેવન્સવૂડ’ આધુનિક કથા સાહિત્યની અગત્યની કૃતિ છે. લગ્ન માટે કન્યા પસંદગીના જાણીતા વિષયને લઈને મધુ રાય નવીન રીતે અભિવ્યક્ત થયા છે. એકથી એકવીસ ઘટકોમાં કથા નિરૂપણ પામી છે. આમ જોવા જઈએ તો સર્વજ્ઞ કથકથી કથા કહેવાય છે. પરંતુ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ કથક બદલાતા રહે છે. એક કથક લેખક પોતે છે, જેની જાણ મુખબંધ વાંચતી વખતે આપણને થાય છે. બીજો કથક નવલકથાની અંદર રહીને ઈશ્વર સાથે વાતચીત કરતી વ્યક્તિ છે. ત્રીજો કથક નાયક યોગેશ પટેલ છે. જે સ્વગત સંવાદો વડે કથાને આગળ ધપાવે છે. ત્રણ કથકોની યોગ્ય ગૂંથણી વડે આખી નવલકથા ચાલે છે. લેખક પોતે નવલકથાના વિશ્વથી દૂર રહે છે, તો ક્યારેક કથાની અંદર આવીને પણ કથાને વેગ આપે છે. નવલકથામાં વધુ કંઈ ઘટતું નથી, એક પછી એક પ્રસંગો વડે જ કથા બનતી જાય છે. પ્રસંગોને સર્જકે એવી રીતે રજૂ કર્યા છે જાણે વાચકની સામે દૃશ્ય ખડું થઈ જાય. મુખબંધથી ખુદ સર્જકે શરૂ કરેલી આ નવલકથા એક આખું ચક્કર પૂરું કરીને સર્જકની વાત સાથે જ પૂર્ણ થાય છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘કિમ્બલ રેવન્સવૂડ’ કન્યા પસંદગીની હાસ્યનવલ ભલે હોય પણ તેમાં મધુ રાયનો ગંભીર સૂર સાંભળી શકાય છે. વિદેશ સ્થાયી થયેલા યોગેશ પટેલ અને બીજા લોકો જે રીતે થોડા સમય પૂરતા દેશમાં આવી જીવનશૈલી બદલી નાખે છે, તે તરફ સર્જકનો કટાક્ષ છે. યોગેશની કથાની સમાંતરે દેવુભાઈ, મગનલાલ ડ્રાઇવર, ખોડીદાસ, યોગેશનું દહેજ વિરુદ્ધનું ભાષણ જેવી કથાઓ વણી લેવાય છે. કથા એક સ્થળે ચાલતી નથી. વિદેશથી કથાનો આરંભ છે, પછી ક્રમશઃ અમદાવાદ, શિકાગો, દિલ્હી, હોનોલૂલૂ, ન્યુ યોર્ક જેવાં સ્થળોનો ઉલ્લેખ છે. કન્યાને મળતી વખતે પણ સ્થળોની વિવિધતા મધુ રાય લાવી શક્યા છે. જેથી કરીને દરેક વખતે કથાનો દોર એકવિધ નથી લાગતો. કન્યા પસંદગીના વાસ્તવિક પ્રશ્નને કાલ્પનિક પાત્રો અને પ્રસંગોથી નવલકથાનું સંયોજન થયું છે. શરૂઆતમાં ક્યાંક સીધી લીટીમાં તો ક્યાંક ‘Flashback’ (પીઠઝબકાર) પદ્ધતિમાં કથાનો દોર ચાલે છે. નવલકથાની ભાષા ધ્યાન ખેંચે છે. વિદેશથી આવેલ યોગેશ અને તેની સાથે સંવાદ સાધતાં લગભગ બધાં પાત્રો અંગ્રેજીમિશ્રિત ગુજરાતી બોલે છે. ઉત્તર ગુજરાતની ચરોતરી બોલી વડે મધુ રાય હાસ્ય નિષ્પન્ન કરાવી શક્યા છે. નવલકથાનો પ્રકાર : ‘વાય. એસ. પટેલને મગજના કારખાનામાંથી ઇસ્ત્રી કરી, કાન મરડી, ફૂંક મારી બહાર કાઢું છું. એના કપાળે મારી છાપ મારું છું અને અદૃશ્ય દોરડાં બાંધી છોડી મૂકું છું. બધાં જ પાત્રો, ઘટનાઓ, સંવાદો સદંતર કલ્પિત છે.’ (‘કિમ્બલ રેવન્સવૂડ’ મુખબંધ) આમ, સર્જક મુખબંધમાં જ કહી દે છે કથા કાલ્પનિક છે. વાસ્તવના પ્રશ્ન સાથે રમૂજ કરી સર્જક હાસ્ય નિપજાવી શક્યા છે, તેથી હાસ્યનવલ ગણી શકાય. મધુ રાય હાસ્યની સાથે વ્યંગ્ય કરતા હોય તેવું પણ કથામાંથી પસાર થતા લાગે છે. નવલકથા વિશે વિવેચક : “આ દૃષ્ટિએ નવલકથા મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે : વાસ્તવદર્શી, વિચારપ્રધાન, પ્રતીકાત્મક અને વક્રતાદર્શી. મધુ રાયની ‘કિમ્બલ રેવન્સવૂડ’ આમાંથી ચોથા પ્રકારની કશુંક સૂચવતી ધ્વનન કરતી ironic modeની નવલકથા છે. તેમાં ઘટનાક્રમ કાળની દૃષ્ટિએ કરવામાં આવેલ કૂટકરણ (distortion) અને કથનકેન્દ્ર તથા ભાષાની બાબતમાં કરવામાં આવેલ પ્રયોગ (experiment) વડે ironic double vision ઉપસાવવાનો પ્રયાસ થયો છે.” – નરેશ વેદ

નવલકથા પરથી ફિલ્મ/ ટેલિવિઝન સિરિયલઃ ૧. ‘મિ. યોગી’ (૧૯૮૮-૮૯) કેતન મહેતા દિગ્દર્શિત, મોહન ગોખલે અભિનિત દિલ્હી દૂરદર્શન પર પ્રસારિત સિરિયલ. ૨. ‘કિમ્બલ રેવન્સવૂડ’ નવલકથાને આધારે આશુતોષ ગોવારીકરે ૨૦૦૯માં ‘What’s Your Raashee?’ નામથી ફિલ્મ બનાવી છે.

સંદર્ભગ્રંથો : ૧. ‘મધુસૂદન વલ્લભદાસ ઠાકર મધુ રાય’, પારેખ ધ્વનિલ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૧) પૃ. ૨૫૫-૨૬૭, વર્ષ ૨૦૧૮. ૨. ‘કિમ્બલ રેવન્સવૂડ’ મધુ રાય, વેદ નરેશ, ગુજરાતી કથાવિશ્વઃ નવલકથા, સંપા. દાવલપુરા બાબુ, વેદ નરેશ. પૃ. ૩૦૨-૩૧૨, વર્ષ ૧૯૮૫. ૩. ‘કિમ્બલ રેવન્સવૂડઃ એક અનગુજરાતી લાઈક હાસ્યકથા’, કથાયન, દાવલપુરા બાબુ, પૃ. ૪૧-૪૫, વર્ષ ૨૦૦૯. ૪. ‘કિમ્બલ રેવન્સવૂડ ગંભીર ધ્વનિને વ્યંજિત કરતી નવીન પ્રકારના વણાટવાળી હાસ્યકથા’, મધુ રાયઃ વિદગ્ધ આધુનિક કથાસર્જક, આશર, બિપિન, પૃ. ૫૫-૬૪, વર્ષ ૧૯૮૭.

વિજયરાજસિંહ જાડેજા
શોધછાત્ર : ગુજરાતી ભાષાસાહિત્ય ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
મો. ૯૯૧૩૮૦૦૭૫૨, ૭૩૮૩૯૪૮૬૪૬
Email: jadejavijayrajsinh૯૭૦૭@gmail.com