નવલકથાપરિચયકોશ/ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ
મધ્યમવર્ગીય માનસિકતાની ફેન્ટસી :
‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ : જ્યોતિષ જાની
ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીના આધુનિકતાના વિચારોના પ્રવર્તન પછી એક નવી આબોહવા પ્રસરી. અનેક સર્જકો એ પ્રભાવ તળે આવ્યા અને પ્રયોગશીલ સર્જન તરફ વળ્યા. કવિતા, નવલકથા, વાર્તા કહો કે ગુજરાતી સાહિત્યનાં બધાં જ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ સર્જન થવા લાગ્યું. ગુજરાતી ભાષાનું પોત જ બદલાઈ ગયું. ઘટનાના મેદને બદલે કૃતિમાં ઘટનાના તિરોધાનની અને કૃતિના આકારની ખેવના થવા લાગી. ગઈ સદીમાં છઠ્ઠા-સાતમા દાયકામાં આધુનિકતાના આંદોલનનો બહુ મોટો પ્રભાવ પડ્યો. આ સમયમાં જે પ્રતિભાવાન સર્જકો મળ્યાં તેમાં જ્યોતિષ જાની એક મહત્ત્વનું નામ છે. જ્યોતિષ જાનીનો જન્મ તારીખ ૯ નવેમ્બર, ૧૯૨૮ના રોજ ખેડા જિલ્લાના પિજ ગામમાં થયો હતો. તેમણે બી.એસ.સી અને પત્રકારત્વના ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમણે પત્રકાર તરીકે ‘સંદેશ’ દૈનિકમાં ઉપતંત્રી, ‘લોકસત્તા’માં ઉપતંત્રી, ‘શબ્દસૃષ્ટિ’ના માનદ સંપાદક તરીકે સેવાઓ આપી હતી. તેઓએ આ ઉપરાંત ‘જ્યોતિ લિ. વડોદરા’માં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઑફિસર તરીકે, વડોદરા સિટીજન કાઉન્સિલમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન ઑફિસર તરીકે જવાબદારી નિભાવી હતી. આધુનિક આંદોલનમાં જેનું બહુ મોટુું યોગદાન છે તેવા ‘રે’ મઠ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. જ્યોતિષ જાનીએ કવિતા (‘ફીણની દીવાલો’), નવલકથા (‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ અને ‘અચલા’), ટૂંકીવાર્તા (‘ચાર દીવાલો અને હેંગર’, ‘અભિનિવેશ’, ‘પંદર આધુનિક વાર્તાઓ’), નિબંધ (‘શબ્દોના લેંડસ્કેપ’), અનુવાદ (‘ઉર્દૂ વાર્તાઓ અને મુક્ત માનવ’) એમ વિવિધ સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. ૨૦૦૫માં તેમનું અવસાન થયું હતું.
જ્યોતિષ જાનીની ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ જેવું લાંબું શીર્ષક ધરાવતી નવલકથા ‘ટ્રેજી-કોમેડી’ તરીકે ખ્યાત થયેલી છે. ખરેખર તો આ એક મધ્યમ વર્ગના પ્રતિનિધિ એવા હસમુખલાલની ફેન્ટસી છે. એમાં કોમેડી કરતાં કરુણા વધુ છે. મધ્યમ વર્ગના લોકોના જીવનની સમસ્યાઓને આ કૃતિમાં સાવ જુદી માવજત પામી છે. કૃતિનો પ્રારંભ હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસના એક પત્રથી થાય છે જે એમણે વાચકોને લખ્યો છે. આ પત્રમાં કૃતિમાં પછીથી બનનારી ઘટનાઓનો સંકેત છે. પત્રમાં હસમુખલાલના પરિવારનો, એમની કેટલીક વિશિષ્ટ ટેવોનો પરિચય થાય છે. એમને દૂધેશ્વર સ્મશાન જવું ગમે છે. ત્યાં એ પોતાના દેહને ચિતા પર ખડકી દે છે અને ટેસથી બીડી પીતાં પીતાં નવો અવતાર પામી ઘરે પાછા ફરે છે. એમની એક ઇચ્છા છે પોતાનું ઘર બનાવવાની જે પ્લિન્થ સુધી બની પણ ગયું છે! એમને આશા છે કે એ રિટાયર થશે પછી એમને પચીસ હજારનું પ્રોવિડન્ટ ફંડ પણ મળશે. એ કહે છે કે અજય નામનો કોઈ છોકરો એમને મળ્યો જ નથી અને એણે પચીસ હજાર આપ્યા જ નથી. એક લેખક હસમુખલાલને મળી ગયા હતા અને કહેતા હતા કે અજય નામના યુવાનને તમારી સાથે ભટકાવી દઈશ અને પચીસ હજાર રૂપિયાની મૂડી એ તમને આપે છે કે નહીં અને તમે એ મૂડી સ્વીકારો છો કે નહીં તે બેઠો બેઠો જોઈશ. હસમુખલાલને પ્રશ્ન થયા કરે છે કે ‘હું જીવું છું એ હાચું કે રોજરોજ મરું છું તે હાચું?’ એમને અજયનો પત્ર મળે છે; ‘ક્યારેક વળી દૂધેશ્વરણે આરે મળીશું જ. એ જ તો આપણી સૌની અંતિમ ગતિ છે.’ મુખ્ય આ જ વાતોથી પછીની કથા વિસ્તરે છે. હસમુખલાલની ઓગણપચાસમી વર્ષગાંઠ છે તે એમને તારીખિયાનું પાનું ફાડતા યાદ આવ્યું! એ યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયામાં એકાઉન્ટન્ટ છે. અંગ્રેજી, ગુજરાતી સામયિકો વાંચવાની એમને ટેવ છે. અમદાવાદમાં આવ્યાને એમને દસકો થયો છે. એમના પરિવારમાં પત્ની, માતા અને ત્રણ દીકરીઓ નીતા, સરિતા અને જીણકી સ્વાતિ છે. આખું અમદાવાદ પગે ચાલીને જોયું છે. એમાં દૂધરેજનું સ્મશાન એમને ગમી ગયું છે. દર શનિવારે સાંજે એ ત્યાં જાય છે. દીકરી નીતાના લગ્નની એમને ચિંતા છે. એમને કબજિયાતની કાયમી તકલીફ છે. બૅંકમાં કામનું ભારણ ખૂબ રહે છે. પત્ની બહુ સમજુ નથી. નીતા ભણી રહેશે પછી મદદ કરશે એવી એ આશા સેવે છે. એમને મોટેથી બબડવાની, લાઉડ થિંકિંગ કરવાની ટેવ છે. એમની વર્ષગાંઠની ઘરમાં નોંધ તો લેવાઈ છે પરંતુ હવે એમાં પહેલાં જેવો ઉમળકો રહ્યો નથી. દુધેશ્વરના આરે એમને એક યુવાન મળે છે, અજય. અજયની મા મૃત્યુ પામી છે. પિતા પૈસાદાર છે, વ્યભિચારી છે અને એશઆરામમાં રચ્યોપચ્યો રહે છે. અજયને એના પિતાએ પચીસ હજારનો ચેક આપ્યો છે. અજય હસમુખલાલને કહે છે કે આ ચેક વટાવીને પચીસ હજાર હું તમને આપી દઈશ. હસમુખલાલની અહીંથી જ કઠણાઈ શરૂ થાય છે. એમનું ચિત્ત અનેક ફેન્ટસીઓમાં રાચવા લાગે છે. આ વાત કોઈને કહેવી કે નહીં તેની ભારે મથામણ અનુભવે છે. પાડોશી વિદ્યુતકુમારને પણ એ વાત કરી શકતો નથી. પરિવારને ફરવા લઈ જવાની અને ચંચળબાને ચારધામની યાત્રા કરાવવાનું કહે છે!! હસમુખલાલની પચીસમી લગ્નતિથિ પર પત્ની શારદા ત્રણ દીકરી પર દીકરાની અપેક્ષા રાખે છે અને કાલીકમલ પીર પાસે જવા કહે છે!! હસમુખલાલ કાલીકમલ પીરને ત્યાં જાય છે અને ત્યાં અજય મળે છે. અજય એના ડેડીને શોધવા આવ્યો હતો. અજય સાથે એ ત્યાંથી બહાર નીકળી ગયા. અજય શનિવારે દુધેશ્વર મળવાનું કહે છે. શનિવારે હસમુખલાલ દુધેશ્વર પહોંચી અજયની રાહ જોવા લાગ્યા. અજય આવ્યો. એ રોકડા પચીસ હજાર લઈને આવ્યો છે અને તે સ્વીકારી લેવા હસમુખલાલને કહે છે. હસમુખલાલે પૈસા ગણી બંડીના ખિસ્સામાં મૂક્યા. બીડીના બે-ત્રણ દમ લગાવી એમણે એમના દેહને બીડી ચાંપી અગ્નિદાહ દીધો! અજયને ‘કદીક મળજે’ એમ કહેવા જોયું તો ત્યાં કોઈ નહોતું!! ખિસ્સામાં નોટો અકબંધ હતી અને ભડભડ બળતી પોતાની ચિતાને જોઈ રહ્યા! અહીં પ્રશ્ન એ થાય કે કયા હસમુખલાલ જીવે છે ને કયા હસમુખલાલના દેહનો અગ્નિદાહ થયો? લેખકે આ નવલકથામાં સમાજના મધ્યમવર્ગની પરિસ્થિતિને આગવી રીતે આલેખી છે. આખી વાત હસમુખલાલના પાત્ર દ્વારા વ્યક્ત થઈ છે પરંતુ તે મધ્યમવર્ગની દરેક વ્યક્તિની છે તે લેખકે કૃતિમાં જ સૂચવ્યું છે; – અસંખ્ય અપરિચિતોની ભીડમાં ચાલતા હસમુખલાલને લાગતું ‘કે અમદાવાદના જ નહીં, વિશ્વભરના હસમુખલાલો સાથે કદમ મિલાવતા એ ચાલ્યા જાય છે.’ – એમ. જે લાયબ્રેરીમાં મૅગેઝિન વાંચતાં હસમુખલાલ ‘સહુ હસમુખલાલો ચોપડીમાં ઊંધે માથે લટકી પડેલાં ચામાચીડિયાં જેવા લાગતા ત્યારે ઊઠતા.’ એક વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ જીવતી હોય છે. મનુષ્યની ચિંતાઓ એને અનેક વેશ ભજવવા વિવશ કરે છે. હસમુખલાલ પણ અનેક રૂપમાં જીવે છે. એમના લાઉડ થિંકિંગમાં એ વ્યક્ત થાય છે. એ કહે છે ‘લે તાળી કહી હસમુખલાલ અને એમાંનો હું એકબીજાને ભેટી પડતાં!!’ પોતાનું મકાન બનાવવાની ચિંતા, કબજિયાતની તકલીફ, દીકરીના લગ્નની ફિકર, આર્થિક સંકડામણ, બાપદાદાની મિલ્કત, ભાઈઓ સાથેના વિવાદો વગેરે સમસ્યાઓથી ભાગી જવાનું ને ક્યારેક મરી જવાનું એને મન થાય છે! એ સ્થૂળ રૂપે ભાગી શકતા નથી પરંતુ પોતાની ફેન્ટસીમાં એ ભાગી જાય છે, મરી જાય છે અને પોતાની ચિતાને બળતી જુએ છે. એ જ્યારે દુધેશ્વર જાય છે ત્યારે જાણે એ એના નશ્વર દેહને ચિતા ઉપર ખડકી દે છે ને નવા અવતારે બીડી પીતાં પીતાં ઘરે પાછા જાય છે. દેહધારી હસમુખલાલ તો સંસારનો ભાર વેંઢારતો ક્યારનો મરી ગયો છે. આ નવલકથાનું વસ્તુ સાવ પાંખું છે. કથા મોટેભાગે મનોભૂમિમાં જ ચાલે છે. લેખક પાત્રના માનસના ઊંડાણમાં ઊતરે છે. લેખક કૃતિનો આરંભ પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રથી કરી પછીથી સર્વજ્ઞનું કથનકેન્દ્ર સ્વીકારી કથાનો દોર પોતાના હાથમાં લઈ લે છે અને હસમુખલાલના ભીતરના પ્રદેશને કલાત્મક રીતે ખોલી આપે છે. હસમુખલાલનું પાત્ર ૧૯૭૦ના સમયના મધ્યમવર્ગની આધિ-વ્યાધિ-ઉપાધિની સંકુલતાનું પ્રતિનિધિ બની રહે છે. કથાવસ્તુની સળંગસૂત્રતા તોડવા અનેક પ્રયુક્તિઓ અજમાવે છે. અનેક પ્રતીકો, જેવાં કે કાગડાનું, કાચિંડાનું, કાર પાછળ દોડતા કૂતરાનું, દ્વારા પોતાના કથયિતવ્યને પુષ્ટ કરે છે. લેખકે ભાષાનો જે સર્જનાત્મક ઉપયોગ કર્યો છે તે પ્રશશ્ય છે. જુઓ : – ‘ફિયાટ સરરર કરતી, લાળ પડતા કૂતરાને જીવતો રાખી એની ઉપર થઈ હળવેકથી સરકી ગઈ હતી.’ (પૃ. ૧૬૮) – ‘એક આંખ કુબેર ભંડારીને ને બીજી આંખ યમરાજને જોતી હોય એમ હસમુખલાલ અજય સામે જોઈ રહ્યા.’ (પૃ.૧૬૦) આવાં અનેક ઉદાહરણ નોંધી શકાય. ભલે કથાવસ્તુ સાવ સાધારણ છે પરંતુ લેખકે અપનાવેલી ટેક્નિક અસાધારણ છે. કૃતિમાં પ્રયોજાયેલી હસમુખલાલની સ્વગતોક્તિઓ એની ભીતર ચાલતી મથામણને વ્યક્ત કરે છે. પચીસ હજારની લાલચમાં હસમુખલાલ અનેક રંગ બદલે છે. લેખક આ કૃતિમાં હાસ્યની પડછે ઘેરા કરુણને આલેખે છે. અજયનું પાત્ર યુવાનોની સમસ્યાને વ્યક્ત કરે છે. લેખકે આ મધ્યમ વર્ગના પાત્રની કથા દ્વારા સમાજની અનેક કુરીતિઓને પણ ચીંધી આપી છે. હસમુખલાલની પત્ની ત્રણ ત્રણ દીકરી હોવા છતાં પચીસમી લગ્નની વર્ષગાંઠે દીકરો જંખે છે!! કાલિકમલ બાબુ જેવાઓને ત્યાં પોતાની સમસ્યાઓના ઉકેલ માટે જનારા લોકોમાં માત્ર હસમુખલાલ જેવા મધ્યમ વર્ગના લોકો જ નથી પરંતુ મિનિસ્ટરો, મોટા વેપારીઓ, પંડિતો અને અજયના સંપન્ન પિતા પણ છે! કૃતિની વસ્તુસંકલના પણ પ્રભાવિત કરે છે. હસમુખલાલની વર્ષગાંઠથી શરૂ થતી કૃતિ એમના અગ્નિદાહ સાથે સંપન્ન થાય છે. લેખક હસમુખલાલની અજય પાસેથી પચીસ હજાર લેવાની ઘટના સંદિગ્ધ રૂપે આલેખીને વાચકને વિચારતો કરી મૂકે છે. અલબત્ત કેટલીક જગ્યાએ લેખક અતિશયોક્તિ કરે છે. હસમુખલાલ બેન્કના કેશિયરને એકસાથે પચીસ હજારની નોટ બતાવવા કહે છે તે પ્રસંગ પ્રતીતિકર લાગતો નથી. સિત્તેરના દાયકામાં મધ્યમવર્ગની કોઈ વ્યક્તિએ એકસાથે પચીસહજાર ન જોયા હોય એમ બને પરંતુ હસમુખલાલ તો વર્ષોથી બૅંકમાં એકાઉન્ટન્ટ છે. એમની પાસે ભલે પચીસ હજાર ન હોય પરંતુ બૅંકમાં એમણે જોયા જ હોય. આવા અપવાદને બાદ કરીએ તો આ નવલકથા એક વિશિષ્ટ કૃતિ છે તે સ્વીકારવું પડે.
‘લઘુનવલની અપેક્ષાઓને સુપેરે સંતોષતી હસમુખલાલની ટ્રેજી-કોમેડી ટાઇપની આ રચના લેખકના સર્જનોન્મેષને પ્રગટ કરતાં આહ્લાદક ભાષાકર્મને લીધે કલાકૃતિના સ્તર સુધી પહોંચી ગુજરાતી લઘુનવલના ઇતિહાસમાં પોતાના વિશિષ્ટ સ્થાનની હકદાર બની છે’ – પ્રસાદ બ્રહ્મભટ્ટ, ‘ગુજરાતી કથાવિશ્વ’ લઘુનવલ. પૃ. ૧૨૩.
ડૉ. દીપક રાવલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
પૂર્વ આચાર્ચ આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્મા અને
ફાઇન આટ્ર્સ ઍન્ડ આટ્ર્સ કૉલેજ, પાનલપુર
વાર્તાકાર, વિવેચક, અનુવાદક
મો. ૯૯૯૮૪૦૨૨૬૪
Email: ravaldipak૩૪@gmail.com