નવલકથાપરિચયકોશ/ડહેલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૫

‘ડહેલું’ : કાનજી પટેલ

– રાઘવજી માધડ
Dahelun.jpg

નવલકથાનું નામ : ડહેલું (લઘુનવલ) નવલકથાકારનો પરિચય : લેખક : કાનજી પટેલ જન્મ તારીખ : ૨-૭-૧૯૫૨ અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : અધ્યાપન(કૉલેજ) વતન : ઉકેડી, તા. લુણાવાડા, જિ. પંચમહાલ સાહિત્યસર્જન : નવલકથા : ‘કોતરની ધાર પર’, ‘ભીલની ભોંય’ કાવ્યસંગ્રહો : ‘જનપદ’, ‘ડુંગરદેવ’, ‘દેશ’ વાર્તાસંગ્રહ : ‘ડેરો’ (વિચરતી જાતિ પર કેન્દ્રિત) એવૉર્ડ : ટૂંકી વાર્તા માટે રાષ્ટ્રીય સ્તરનો ‘કથા’ એવૉર્ડ, ‘કોતરની ધાર પર’ નવરોઝ પુરસ્કાર, ‘ડહેલું’ ઉમાશંકર જોશી પારિતોષિક, ‘ડેરો’ ધૂમકેતુ પારિતોષિક. અનુવાદ : મરાઠી, હિન્દી, અંગ્રેજી આવૃત્તિ : ૧૯૮૨, ૨૦૧૩ નવલકથાનું કથાનક : મનુષ્યજીવનનો મહિમા કરતી આ કૃતિ રેવજી નામના કિશોરની આસપાસ રચાયેલી છે. કથામાં રેવજી કિશોરો કરે એવી કૈશોર્યપૂર્ણ અવળચંડાઈઓ કરે છે, પ્રદેશને અનુરૂપ ને અનુકૂળ રમતો કરે-રમે છે, બાળસખાઓ સાથે ગોષ્ઠી અને ગોઠડીઓ કરે છે. કથાના અંતે એને, કિશોર અવસ્થામાં જ પરણાવી દેવામાં આવે છે. એની વહુને ઓધાન રહે છે. આ કૃતિ મધ્યબિંદુ સમા પાત્ર રેવજી – એના પિતા મોતી, જેનો કૃતિમાં ડોહા તરીકે ઉલ્લેખ થયો છે તે દાદા... અને રેવજીના આવનાર સંતાન સુધીના સમયપટમાં વિસ્તરે છે. ડોહાના મરણટાણે કિશોર રેવજી પોતાના પિતા મોતીમાં ડોહાનાં બાહ્ય ને આંતરિક લક્ષણો જુએ છે. અર્થાત્ રેવજી પોતાના પિતાના બાહ્ય દેખાવ સમેત એમના સ્વભાવ આદિ આત્મસાત્ થયેલું અનુભવે છે. ડોહાના મૃત્યુટાણે મોતી ડોહાની જ રીતેભાતે બોલેચાલે છે. રેવજી પોતાના પિતામાં ડોહાના કાળાધોળા વાળ, ચામડી વગેરે જુએ છે. તો પોતે મોતીની જેમ હોકો પીવાનો પ્રારંભ પણ કરે છે. આ રીતે જ કથા ત્રણ પેઢી અને ચોથી અનાગત પેઢીને સાંકળી લે છે. કૃતિનો આંતરિક સમયગાળો દોઢ-બે વરસની આસપાસનો છે. જેમાં ત્રણ પેઢીનાં સો વરસને આવરી લેવાયાં છે. આ કથામાં જીવનની કોઈ વિલક્ષણતા વ્યક્ત થઈ નથી, પણ જીવન જેવું છે તેવું કૃષિજીવનની વાસ્તવિકતા સાથે વ્યક્ત થયું છે. કથા રેવજીના પૂર્વજોના સંસ્કારમાં પાંગરે છે, વિકસે છે અને આવનારી પેઢીમાં એ જ સંસ્કાર પરંપરાનું અનુસંધાન રચાય એવાં એંધાણ આપી પૂરી થાય છે. નવલકથા લેખનની ભાષા-પદ્ધતિ : સર્વજ્ઞના કથનકેન્દ્રથી વિકસેલી આ કથાનું સૌથી અગત્યનું, ધ્યાનપાત્ર તત્ત્વ અથવા લક્ષણ ઊભરી આવ્યું હોય તો તે છે, કથાની ભાષા-પદ્ધતિ. પાત્રગત બોલી અને કથકની ભાષાનો વિનિયોગ. લેખકે પોતાના પ્રદેશની ખાસ બોલીને દસ્તાવેજી બારીકીથી જાળવી છે તો ભાષા એમના પાત્રપ્રદેશની ભાષા સાથે રહી તળપદું ઘરેલુ વાતાવરણ તત્ક્ષણ રચી રહે છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટક તત્ત્વોની કાર્યસાધકતા : આ નવલકથાને સંયોજતું તત્ત્વ હોય તો સ્થાનવિશેષો અને પાત્રોને સાંકળતી ઘટનાઓને કાવ્યપૂર્ણ નિરીક્ષણોથી નવાજી છે તે. લેખકે ઘટનાઓ ખડકીને આંતર-બાહ્ય વજન નીચે દબાવી રચનાને શણગારવાનો અભરખો રાખ્યો નથી. લેખકે કથા માંહેની ઘણી સૂચક સ્થિતિઓને પ્રત્યક્ષ કરવાની પ્રવિધિઓ કલ્પનાપૂર્ણ બનાવી, પાર પાડી છે. કથાનું કેટલુંક ભયાવહ, કેટલુંક સ્વપ્નવત્ બનાવી પ્રસ્તુત કરવાનો લેખકનો કસબ અજબ ને મૌલિક રહ્યો છે. અહીં કળાકૃતિ કેવળ કથાપ્રસંગમાં પૂરી ન થતાં કળાની આકૃતિ વિવિધ સંયોજનો અને સંરચનાના સંમિશ્રણથી આકાર પામી છે, જે લેખકની સર્જકતા સિદ્ધ કરતાં ઘટક તત્ત્વોની કાર્યસાધકતા ગણી લેવામાં કોઈ બાધક નથી. નવલકથાનો પ્રકાર : સામાજિક કથા નવલકથા વિશે : ખાસ તો આદિવાસીનો પરિવેશ, પરંપરા અને સંસ્કૃતિને ખપમાં લઈ રચાયેલી કૃતિમાં કથારસ સાથે કવિતાનો પણ નોંધપાત્ર સંગમ જોવા મળે છે... તે ‘ડહેલું’ નવલ વાંચીને કહેવું પડે કે જનપદી કલાકૃતિઓમાં ગુજરાતી નવલ ‘ડહેલા’ સુધી આવી પહોંચી છે. ‘ડહેલું’ વાંચ્યા વિના તમે ગુજરાતી નવલની રસકીય ક્ષમતાનો પૂરતો પરિચય પામ્યા છો એમ નહીં કહેવાય. કાવ્યમયતાથી રચાયેલી મુખ્યત્વે દૃશ્યાત્મક રીતિથી કંડારાયેલી આ જાનપદી નવલ વિશિષ્ટ છે. વિવેચક રાધેશ્યામ શર્મા આગળ લખે છે : એક દીકરાને પોતાના બાપદાદાઓ પાસેથી જે, વારસો મળ્યો એ એના લોહીના લયમાં, એની બોલચાલ અને સ્થૂળ સૂક્ષ્મ ચેષ્ટાની ગતિવિધિઓમાં કેવી રીતે એકરસ થયો એની ઊર્મિ કાવ્યવત્ સુંદર અભિવ્યક્તિ છે. આ લેખક આધુનિક-અનુઆધુનિક સાહિત્યિક ગતિવિધિના કોઈ કુંડાળામાં પગ મૂક્યા વગર નૈસર્ગિક કૃતિ રચી, આપી શક્યા છે. તેથી કહી શકાય, અંતે તો જીવન જ સાચું છે. જીવનથી ઉપર કશું જ નહીં, સાહિત્ય પણ નહીં. સાહિત્ય જીવનનો એક ભાગ છે. એટલે જીવનનો નકાર ન કરી શકાય. ઉત્તમોત્તમ કળા નીવડતી હોય અને નીખરતી હોય તોયે એ જીવનના પરિઘમાં જ. જીવન જ સર્વોપરી છે. આ લઘુનવલ એ રીતે જીવનનો મહિમા કરે છે. કથા વિશે અન્ય સર્જકનું નિવેદન : ‘ડહેલું’ એક સઘન, સુંદર જાનપદી આલેખન છે. દાદા-દાદી, પિતા-મા અને રેવજીના નાનકડા કુટુંબમાં વધઘટ આટલી જ થાય છે – દાદીની વિદાય, મજ્જાગત સંબંધોની બરછટ ગૂંથણીની પ્રતીતિ કરાવ્યા પછી દાદાની વિદાય ચૌદેક વર્ષની ઉંમરે વયઃસંધિના રેવજીનો ધનુ સાથે અનુભવ, એ કાચી વયમાં કંકુ સાથે લગ્ન, પિતૃત્વ, દાદાનું સ્થાન લેતા પિતા, કાચી વયે પરિશ્રમી પુરુષની જવાબદારી ધારણ કરતો રેવજી, જીવન જળની ભરપૂર વર્ષા. અહીં અભાવ વિશે કશી ફરિયાદ નથી. સૃષ્ટિ સાથે, પલટાતી વય સાથે પ્રાપ્ત અનુભવોમાં ઓતપ્રોત રેવજીનું મન અહીં પ્રત્યક્ષ થાય છે. ભાવકના મનમાં એની સમગ્ર જાનપદી સૃષ્ટિ રૂપ પામે છે. (રઘુવીર ચૌધરી) ‘ડહેલું’ લાઘવપૂર્ણ રચના છે. પરિવેશની વિગતોનો પથારો નથી થતો. સર્વજ્ઞના કથનકેન્દ્રથી રેવજીને કેન્દ્રમાં રાખીને કૃતિ વિકસી છે. દાદા-મોતીભાઈ-રેવજી-રેવજીનું થનારું સંતાન એમ પેઢીઓ આ કૃતિમાં સંકળાયેલી છે છતાં સર્જકે કથાત્રયીના પ્રયોજનમાં જવું પડ્યું નથી. આ નવલકથાનું કથાવસ્તુ એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રેવજી નામના ખેડૂત કિશોરના કેટલાક પ્રસંગો પ્રથમ પ્રકરણમાં જ રેવજીનો ઘરસંસાર ખડો થઈ જાય છે.વળી આ પ્રસંગો એટલા બધા યાદૃચ્છિક છે કે નવલકથાનું કોઈ પ્રકરણ કાઢી લઈને ભાવકને નવલકથા વાંચવા આપો તો ખબર પણ ન પડે કે શું ખૂટ્યું? દા.ત., ‘પીળી લીટી’ અને ‘ડહેલામાં’ પ્રકરણો માટે તો આવું ભારપૂર્વક કહી શકાય. આ નવલકથાને સંયોજતું તત્ત્વ હોય તો એ પ્રસંગોનું સંવેદનપૂર્ણ આલેખન અને એમાંથી ઉદ્ભવતો સર્જકનો દર્શનગત અભિગમ. પન્નાલાલ પટેલે, પ્રાદેશિકતા એટલે સંકુચિતતા નહીં પણ વિશ્વને આંબવાની કડી છે એવું સાબિત કરી આપેલું. નવમા દાયકાના અંતે કાનજી પટેલ પણ નાનકડી કૃતિની મોંફાડમાં આવું વિશ્વદર્શન કરાવી શક્યા છે. પિંડથી બ્રહ્માંડ સુધી વિસ્તરતી શબ્દ અને ચેતનાની હરફરનું ‘ડહેલું’ સાક્ષી છે. (ભરત મહેતા) કવિ કાનજી પટેલનું રસકીય કથારચનાવાળું ‘ડહેલું’ કહી, પોતાની અખબારીય કોલમઃ ‘શબદોના એકાન્ત’માં રાધેશ્યામ શર્મા લખે છે : બાકી જે છે તે સ્વરૂપે તો કાનજીની ‘ડહેલું’ નવલ કૃતિ એક વસ્તુ તો તેમની નિજી સફળ છાપ લઈને આવી છે. અને તે છાપ છે ‘જાગતા હોય ત્યારની બોલચાલના તાંતણા ઊંઘતા બોલમાં પમાય.’ આવા સંકુલ તાણાવાણા સૂક્ષ્મતાની સૂઝ વગર ગૂંથી ના શકાય. કવિ-કથાસર્જક કાનજી પટેલ આ કરી શક્યા માટે – ફરી ફરી અભિનંદીએ.

ડૉ. રાઘવજી માધડ
નિવૃત્ત અધિકારી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર
વાર્તા, નવલકથા, નિબંધ, લોકસાહિત્ય સ્વરૂપ તેમજ
શિક્ષણમાં સંશોધન-સર્જન
પ્લોટ નં. ૭૧૫/૧, સેક્ટર ૭બી, ગાંધીનગર
Email: ra_madhad૧૩@yahoo.com