નવલકથાપરિચયકોશ/પેરેલિસિસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૨

‘પેરેલિસિસ’ : ચંદ્રકાંત બક્ષી

– કિરીટ દૂધાત.
Paralysis.jpg.webp

‘પેરેલિસિસ’, ચંદ્રકાંત બક્ષીની (પિતાનું નામ : કેશવલાલ બક્ષી; જન્મ : ૨૦/૮/૧૯૩૨; પાલનપુર, મૃત્યુ : ૨૫/૩/૨૦૦૬; અમદાવાદ.) છઠ્ઠી અને સૌથી કલાત્મક નવલકથા છે. ૧૯૬૭માં પ્રકાશિત થયેલી ‘પેરેલિસિસ’ પ્રકાશન સાથે જ વાચકો અને વિવેચકોનો અઢળક પ્રેમ પામી છે. તેના મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા છે. એના પરથી એક ગુજરાતી ટેલિફિલ્મ પણ ઊતરી છે. મેં આ લખાણ માટે ૨૦૧૭ની પ્રવીણ પ્રકાશન પ્રા. લિ, રાજકોટની આવૃત્તિ ધ્યાને લીધી છે. બક્ષીના જણાવ્યા મુજબ આ પુસ્તકને ઈ. સ. ૧૯૬૯ની સાલમાં, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનું ત્રીજું ઇનામ અર્ધા ભાગે આપવાનું જાહેર થયેલું જેનો એમણે અસ્વીકાર કરતાં એમની ‘કુત્તી’ વાર્તાને નિમિત્ત બનાવીને લેખક ઉપર અશ્લીલતાની કલમ લગાવી કેસ કરવામાં આવેલો. સ્વરૂપની દૃષ્ટિએ એનું કદ જોતાં એ લઘુનવલ છે. લઘુનવલ એટલા માટે પણ છે કે એમાં ફક્ત ત્રણ મુખ્ય પાત્રો છે. નાયક અરામ શાહ, એની પુત્રી મારિશા અને એની સ્નેહભાજન આશિકા. આ સિવાય ગૌણ પાત્રોમાં અરામની પત્ની, ડૉક્ટર અને જમાઈ જ્યોર્જ છે. આ કથામાં ઘટનાનું પોત ઘણું પાતળું છે પણ બક્ષી પોતાના વિશિષ્ટ અને પ્રભાવશાળી ગદ્યને લીધે વાચકને એ રીતે જકડી રાખે છે કે કથાના પાતળા પ્રવાહનો અહેસાસ થતો નથી. કથાની સંરચના પણ એવી અદ્‌ભુત છે કે વર્તમાન અને ભૂતકાળના પ્રસંગો વારાફરતી અભિન્નપણે ગૂંથાયા છે. કથાની શરૂઆતમાં પર્વતીય પ્રદેશમાં હવાફેર કરવા આવેલા ‘માણસ’ને વહેલી સવારે (નાયકનું નામ અરામ શાહ છે એ માહિતી વાચકને અઢારમા પાના પર મળે છે. વિવેચકોએ યોગ્ય રીતે ‘અરામ’ એટલે ‘અ-રામ’ એટલે જે પરંપરાગત ગુજરાતી નવલકથાના અન્ય નાયકો જેવા અતિમાનવના ગુણો ન ધરાવતો એક સાધારણ મનુષ્ય કહ્યો છે.) ત્રણ સપનાં આવે છે જેનાથી એ વિચલિત થઈને ચાલવા નીકળી પડે છે. થોડે સુધી ગયા પછી એક ગોળાકાર પાસે એને અચાનક પેરેલિસિસનો હુમલો આવે છે. એને નજીકની નાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં આશિકા નામની મેટ્રનનો પરિચય થાય છે જે ધીમે ધીમે નિકટતામાં ફેરવાય છે. આશિકા સાથેની વર્તમાનમાં વધતી નિકટતાના પ્રસંગોની પડખે નાયકને પોતાના ભૂતકાળના અને એમાંય એની દીકરી મારિશાના જન્મથી તે એની જિંદગીનો કરુણ અંત આવે ત્યાં સુધીના પ્રસંગો ફ્લેશબેકની પદ્ધતિથી રજૂ થયા છે. આશિકા ૨૮મે વરસે વિધવા થઈ છે. એણે પુનર્લગ્ન કર્યું નથી, અરામ એનાથી અગિયાર વરસ મોટો છે, અને કથા શરૂ થાય છે ત્યારે ૪૯ વરસનો છે. વિધુર છે. બંને એકબીજાને સમજી શકે એવાં છે. પરંતુ અરામના ભૂતકાળમાં બનેલી ઘટના એને આ સંબંધમાં આગળ વધવા નથી દેતી. એ રીતે નાયકને થયેલો પેરેલિસિસ ફક્ત શરીર સુધી મર્યાદિત ન રહેતાં એને લાગણીની બાબતમાં, નવા માનવસંબંધો બાંધવાની બાબતમાં પણ વિકલાંગ બનાવી મૂકે છે. આમ એક ભર્યાભર્યા સંબંધની શક્યતા હોવા છતાં અરામ અને આશિકા છૂટાં પડી જાય છે. નાયક પોતાના ઉતારાથી એક સવારે જ્યાં પેરેલિલિસનો હુમલો આવેલો એ જ ગોળાકાર પાસે આવીને અટકે છે અને કથા પણ ત્યાં અટકે છે. બક્ષીની વાર્તાઓ અને નવલકથોનાં પાત્રો ઉફરાં ચાલનારાં, સામાન્ય ગુજરાતીઓને આંચકો લાગે તેવું બોલતાં અને વર્તન કરતાં હોય છે. છતાં એમણે મધ્યમવર્ગીય મૂલ્યો મુજબ એક સામાન્ય જિંદગી જીવતા સરેરાશ ગુજરાતી પાત્રોને લઈને જ્યારે જ્યારે સર્જન કર્યું છે ત્યારે ત્યારે એમની કૃતિઓ સૌથી યાદગાર બની છે, પેરેલિસિસ એનું સૌથી જ્વલંત ઉદાહરણ છે. આપણા સમાજમાં પિતાનું પુત્રી તરફનું વાત્સલ્ય એ પ્રેમનું સર્વોચ્ચ શિખર ગણાય છે. લગ્ન કરીને વિદાય લેતી પુત્રીને પિતા જે લાગણીથી વળાવે છે એનાં હૃદયંગમ દૃશ્યો કાલિદાસથી માંડીને આજના સર્જકોએ કરુણમધુર શૈલીએ આલેખ્યાં છે. એમાંય પુત્રીનું અકાળ અને એ પણ આપઘાતથી થતું અવસાન કોઈને પણ ભાંગી નાખે. બક્ષીએ અહીં આ થીમ લીધું છે. કથાના અંત ભાગે આવતા પ્રસંગોમાંથી નીપજતો કરુણ આટલી તીવ્રતાથી આપણા કથાસાહિત્યમાં આ પૂર્વે કે પછી ભાગ્યે જ વ્યક્ત થયો છે. બક્ષીની નવલકથાના અંતે એનાં નાયક અને નાયિકાઓ જે ટ્રેજિક પડાવ પર આવીને અટકે છે એનાથી વાચકના મનમાં કથા પૂરી થયા પછી રહી રહીને અવસાદનો અનુભવ થયા કરે છે. એ રીતે બક્ષીની નવલકથાઓના અંત સ્વતંત્રપણે પણ આસ્વાદ્ય છે, અભ્યાસનો વિષય છે. બુઝાઈ ગયેલી મારિશા અને બુઝાઈ બુઝાઈને જીવતાં અરામ અને આશિકાનાં પાત્રો વાચકને વિચલિત કરી મૂકે છે. બક્ષીનું ઉર્દૂમિશ્રિત ગુજરાતી ગદ્ય અહીં ખૂબ આસ્વાદ્ય બન્યું છે તો ક્યાંક એ કઢંગું પણ લાગે છે. કેટલાક નમૂનાઓ જોઈએ : (૧) ‘આખી રાતમાં એને ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલાં અર્ધ-પ્રકાશમાં ધૂંધ થઈ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડ્યું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં.’ (૧૧) (અહીં ધૂંધ, રોશનદાનો અને ખૌફનાકથી જે અસર ઊભી થાય છે તે અપારદર્શક, જાળિયાં અને બિકાળવા જેવા શબ્દોથી થવી અશક્ય છે. વળી રોશનદાનનું બહુવચન કરવા માટે છેલ્લે નનુંનો કરીને એ શબ્દનું ગુજરાતીકરણ કર્યું છે. તો શબ્દકોશમાં નોંધાયેલા સ્વરૂપ ધૂંદ અને રૌશનદાન છે પણ એને લખાય છે એ સ્વરૂપે નહીં પણ રોજિંદી બોલચાલનાં રૂપે લખ્યાં છે.) (૨) બક્ષી પરિવેશનું વર્ણન કરે છે ત્યારે કથામાં એ ચાલકબળ ન હોવા છતાં આવું ગદ્ય વાચકના ભાવપ્રદેશમાં એક અનોખું વાતાવરણ પેદા કરે છે. જુઓ, ‘બત્તીઓ થઈ ગઈ ત્યારે બસ ઊપડી. છેલ્લી બસ હતી. રસ્તો બેએક માઈલ પછી ઉપર ચડતો ગયો. સુકાયેલાં નાળાંઓ ઉપર પુલો હતા અને માર્ગની બંને બાજુએ ઝાડ-ઝાંખર ગીચતર થઈ રહ્યાં હતાં. સાંજનું અંધારું હોવા છતાં વૃક્ષો દૂર સુધી ફેલાતાં હતાં અને હવામાં વનસ્પતિની ઠંડી ખુશ્બૂ ફૂંકાતી હતી. દૂર અંધારામાં ટેકરાઓના જાડા ઓળાઓ હાથીઓની પીઠની જેમ ઉભરાતા દેખાવા લાગ્યા.’ (૬૮) (૩) બક્ષી જ્યારે અવસાદભરી મનોદશાને શબ્દોમાં ઉતારે છે ત્યારે એ વર્ણન, વિચારની તથા નવાં પ્રતીક અને કલ્પનોની રીતે મૌલિક અને મનોહર બને છે. અહીં નીચેના ફકરામાં અલ્પવિરામનો ઉપયોગ અને ‘જાય છે... જાય છે’નાં પુનરાવર્તન નોંધો, ‘જીવનમાંથી સંબંધો સળગી જાય છે. ચિતાઓ પર ધુમાડો રહી જાય છે, પછી વાસ રહી જાય છે, પછી વાસ પણ ચાલી જાય છે. પછી સ્મૃતિ રહી જાય છે, પછી સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે. યાદદાસ્તની એકાદ મૌસમ આવે છે, એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય છે એમાં – તણખલાં, આગ, ગરમાહટ – કંઈ જ હોતું નથી. વરસાદ પછી રડતા એકાદ ખૂબસૂરત શહેરની શૂન્યતા હોય છે એમાં –’ (૧૧૯) તો ક્યાંક ક્યાંક નિજી શૈલી નિપજાવવામાં લખાણ કઢંગું પણ થઈ જાય છે – (૧) કામવાળી વિશે વાત કરતા લેખક લખે છે, ‘સવારના એના બચ્ચાને (બાળકને)ધવડાવીને આવવું પડે છે.’ (૧૩) (૨) ‘...ડાબો પગ કાળી વીજળીની ( વીજળી કાળી હોય?) જેમ લપક્યો...’ (૧૯) (૩) ‘આવા, તમારા જેવા, જેમનો કોઈ માલિક (માનવી વિશે વાત થાય છે એટલે માલિક નહીં પણ સગાંવહાલાં હોવું જોઈએ.) ન હોય એવા કેસ અહીં આવે છે...’(૨૯) બક્ષીને સ્વચ્છ/ સ્વચ્છતા શબ્દનું વળગણ છે, સ્વચ્છ ખારાં આંસુ, (૧૪) શાંતિ અને સ્વચ્છતા હતી (૧૬) દીવાલો, સફેદી, ડીસઈન્ફેન્ક્ટન્ટની વાસ. સ્વચ્છતા, વ્યવસ્થા (૧૯) આશિકાનો સ્વચ્છ ચહેરો, ભરેલો, આકર્ષક (૪૮) મારીશાની સ્વચ્છ આંખોમાં (૮૨) બક્ષીને આંસુ, કોઈ વિશિષ્ટ વાતાવરણ, હૉસ્પિટલનું વાતાવરણ, ચહેરો કે આંખોનું વર્ણન કરવું હોય તો તરત હાથવગો આ એક જ શબ્દ છે! બક્ષીના નાયકો મર્દાનગીથી, બેખૌફ જીવતા, રૂસો કે સાર્ત્રના તત્ત્વજ્ઞાનને સમજનારા હોય છે. આ નવલકથા ૧૯૬૭માં લખાઈ હતી ત્યારે એક વાત કદાચ કોઈના ધ્યાને નહોતી આવી એ આજે ખૂંચે એવી છે. પુત્રી મારીશાના લગ્નની ચર્ચામાં નાયક એને બે વાર કહે છે કે, ‘તારે જો પરણવું જ હશે તો હું તને હરિજનને ઘેર પરણાવીશ. ઇટ્‌સ યોર લાઈફ.’ (૮૬) ‘જો તારે હરિજનને પરણવું હશે તોપણ હું પરણાવીશ.’ (૯૭) આજે જ્યારે દલિત અને પ્રતિબદ્ધ સાહિત્યને લીધે જનમાનસમાં વ્યાપક જાગૃતિ આવી છે તે જોતાં આવા શબ્દપ્રયોગો કોઈ પણને સ્વીકાર્ય ન લાગે. આવી કેટલીક ક્ષતિઓને ધ્યાને ન લઈએ તો આ લઘુનવલ ‘સુક્કી ધરતી સુક્કા હોઠ’ (દિલીપ રાણપુરા), ‘લાગણી’ (રઘુવીર ચૌધરી), ‘આવૃત’ (જયંત ગાડીત) અને ‘સમયદ્વીપ’ (ભગવતીકુમાર શર્મા) જેવી યાદગાર લઘુનવલોની હરોળમાં પણ આગળ બેસે એવી છે.

કિરીટ કનુભાઈ દૂધાત
જન્મતારીખ : ૧.૧.૧૯૬૧
નિવૃત્ત અધિક કલેક્ટર GAS સંવર્ગ
મુખ્યત્વે વાર્તા ક્યારેક વિવેચન પણ કરે છે.
મો. ૯૪૨૭૩૦૬૫૦૭, Email: kiritdoodhat@gmail.com