નવલકથાપરિચયકોશ/પ્રિયજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૫

‘પ્રિયજન’ : વીનેશ અંતાણી

– અજય રાવલ
Priyajan.jpg

ગુજરાતી સાહિત્યના ખ્યાત સાહિત્યકાર વીનેશ અંતાણીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુર્ગાપુર ખાતે ૨૭ જૂન ૧૯૪૬ના દિવસે થયો હતો. વીનેશ અંતાણીએ ગુજરાતી નવલકથાક્ષેત્રે નોંધપાત્ર યોગદાન કર્યું છે તેમનું માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં થયું હતું. ભુજની આર. આર. લાલન કૉલેજમાંથી ૧૯૬૭માં ગુજરાતી અને હિંદી વિષય સાથે બી.એ. તેમજ ૧૯૬૯માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા, પછી એમણે ૫ વર્ષ સુધી ભુજની કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. ત્યાર પછી યુ.પી.એસ.સી. પાસ કરીને તેઓ આકાશવાણીમાં જોડાયા. અહિયાં એમણ ૧૯૭૫થી ૧૯૯૫ સુધી વિવિધ પદભાર સંભાળ્યો અને છેલ્લે કેન્દ્ર નિયામક તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. ૧૯૯૬માં એમણે અમદાવાદ ખાતે ઇન્ડિયા ટુડેના ગુજરાતી સામયિકના સંપાદક તરીકેની ત્રણેક વર્ષ જવાબદારી સ્વીકારી. તેમનાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ સાહિત્ય અકાદમી, દિલ્હીના વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા. પ્રથમ નવલકથા ‘નગરવાસી’ ૧૯૭૪માં પ્રગટ થઈ ત્યાર પછી વીનેશ અંતાણીએ ૨૪ જેટલી નવલકથાઓ આપી છે. તો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હોલારવ’ ૧૯૮૩માં પ્રગટ થયા પછી વાર્તા ક્ષેત્રે એમણે બીજા બે સંગ્રહો આપીને વાર્તાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપેલું છે. ‘પ્રિયજન’ મે,૧૯૮૦ પ્રકાશિત થઈ. આ પ્રથમ આવૃત્તિના પ્રકાશક લોકપ્રિય પ્રકાશન, મુંબઈ હતા. ક્રાઉન સાઇઝની ૨૨૮ પાનાંની આ આવૃત્તિ મીત અને સેતુને(એમના પુત્રોને) અર્પણ કરી છે. ‘પ્રિયજન’ વીનેશ અંતાણીની ચોથી નવલકથા. આ નવલકથા ગુજરાતનાં આકાશવાણી કેન્દ્રો પર આયોજિત રેડિયો નાટ્ય મહોત્સવમાં પ્રસારિત એમના ‘માલીપા’ નામના નાટકના વસ્તુ પર આધારિત છે. નાટ્ય સ્વરૂપે પણ શ્રોતાઓને ખૂબ પસંદ થયું હતું. પ્રિયજન એક વખતના પ્રેમી એવાં સ્ત્રીપુરુષ અલગ અલગ પુરુષ સ્ત્રી સાથે પરણ્યા પછી વર્ષો પછી અકસ્માતે મળ્યાં અને વિ-ગત મુગ્ધ સૃષ્ટિને પુનઃ પામવાનો પ્રયત્ન કર્યો એનું નાટ્યાત્મક નિરૂપણ છે. નવલકથાના નાયક નાયિકા છે નિકેત અને ચારુ. નિકેત નિવૃત્તિ પછી એકલો ચારુના ગામ જાય છે ત્યાં અકસ્માતે ચારુ મળે છે. ચારુના નિમંત્રણથી એ તેના ઘેર જાય અને ચારુ અને નિકેત પરસ્પરને પોતાના સંસારથી અવગત કરાવે છે. ચારુ દિવાકરને પરણીને ભરપૂર જીવી છે. અત્યારે દિવાકર હયાત નથી એનાં બધાં સંતાનો જીવનમાં ગોઠવાઈ ગયાં હતાં. ચારુનો પુત્ર સુકેતુ રેણુ સાથે લગ્ન કરીને આજે આવી રહ્યો હતો. નિકેતે ઉમા જેવી સમજદાર પત્ની સાથે નોકરીની જવાબદારી વચ્ચે મુંબઈમાં જિંદગી પસાર કરી છે. તેનાં સંતાનો રાહુલ અને સંજના સંસારમાં ગોઠવાઈ ગયાં. જે ટ્રેનમાં સુકેતુ અને રેણુ આવવાનાં હતાં એ જ ટ્રેનમાં નિકેત પાછો જવાનો હતો. નિકેતના આગમન અને વિદાયની બે મુખ્ય ઘટનાઓની વચ્ચે આ કથા વિસ્તરેલી છે. પ્રૌઢ વયે મળતા બે પ્રેમીઓ ભરપૂર જીવનમાં બધું મળ્યું હોવા છતાં જે નથી મળ્યું એનો ઓથાર વજનદાર હોય છે, એ ઓથાર નીચે જીવે છે. સુખ અને આનંદની ક્ષણોમાં ઊભરી આવે છે. આ વેદના કોઈ વ્યક્તિને ન પામવાની આ વેદના નથી, પરંતુ મુગ્ધ પ્રેમ સૃષ્ટિને નહીં પામવાની વેદના છે. નવલકથાકારનું ધ્યાન ચારુ નિકેતના પ્રેમ પર કેન્દ્રિત થયેલું છે. એ પ્રેમ બંનેના જીવનમાં અંતરાય નથી બનતો પરંતુ પૂરક બને છે. આમ ચારુ નિકેત એના ભાવને વર્તમાનમાં સ્વસ્થતાપૂર્વક પામે એ ભાવબોધનની પ્રક્રિયા આસ્વાદ્ય બની રહે છે. નવલકથાકારે પરિસ્થિતિ કે ઝડપથી બનતી ઘટનાઓના વિન્યાસથી કથારસ આપવાને બદલે ચારુ અને નિકેતની મનોગત ગતિવિધિ અને તેની ક્રિયા-પ્રતિક્રિયા નિરૂપણ પર સવિશેષ ધ્યાન આપ્યું છે. તેથી અહિયાં નિકેતનું નિવૃત્તિ પછી ચારુના ગામમાં જવું અને પાછા જવું એ બે મુખ્ય ઘટનાઓની વચ્ચે બીજી કોઈ ખાસ ઘટનાઓ બનતી નથી. નિકેત દરિયો જુએ, સરુ જુએ, ચા પીએ, પાન ખાય ,લાઇબ્રેરી જાય, મંદિરે જાય કે હીંચકે ઝૂલે, ટ્રેનની રાહ જોયા કરે – આ બધી ઘટનાઓ બાહ્ય રીતે દેખાય છે તેના કરતાં પાત્રચિત્તે વિસ્તરે છે. બંને પાત્રો ચારુ અને નિકેત ભૂતકાળથી વર્તમાનમાં કે વર્તમાનમાંથી ભૂતકાળમાં એક સમયમાંથી બીજા સમયમાં સરકી જાય છે. આ બંને પાત્રો એક સમયે બે સમયમાં સાથે જીવે. પાત્રોની ગતિવિધિઓને આલેખવા માટે ઉચિત એવા સમય સંદર્ભની પસંદગી, પાત્રોની મનોગત ગતિવિધિઓને આલેખવા પસંદ કરાયેલા કથનકેન્દ્રને લીધે પાત્રને એક સમયમાંથી બીજા સમયમાં લઈ જવાનું સરળ બન્યું છે. પાંચ દિવસ આકસ્મિક મિલન યોગ રચે તેમાં ચારુ અને નિકેતના દાંપત્ય જીવનનાં ત્રીસ વર્ષ જેટલા સમયની મુખ્ય ઘટનાઓને આલેખવા માટે પીઠઝબકાર, દ્વિકેન્દ્રી કથન, આલ્બમ જેવી પ્રયુક્તિઓ પ્રયોજી છે. પ્રિયજન નવલકથાની રજૂઆતમાં નાટ્યાત્મક પરિસ્થિતિઓનો મોટો ફાળો છે. આ માટે મર્યાદિત સ્થળ અને સમયને પસંદ કરવામાં આવ્યાં છે. નવલકથાનો સમયસંદર્ભ અને સમયસંકલનના નોંધપાત્ર છે. નિકેતનું આવવું અને જવું બે બિંદુઓની વચ્ચે જ ઘટનાઓ બને છે. પાંચ દિવસનો ભૌતિક સમય આ કથા સમય પણ છે તો આ કથા સમયમાં પાત્રોના ત્રીશ વર્ષ જેટલા લાંબા દાંપત્ય જીવનનો સમયખંડ આવરી લેવાનું નિરૂપણ સમયથી શક્ય બન્યું છે. નવલકથાનું સમય આયોજન વર્તમાનકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ, ભૂતકાળ એમ વર્તમાન સમય અવરોધાય છે એટલે અવરુદ્ધ સમયઘાટ બને છે. અને તો બન્ને પાત્ર પોતાના ભૂતકાળની વાત કરે છે સમય વર્તમાનમાંથી ભૂતકાળમાં પાછો ખસે છે. આ પશ્ચાત્વર્તી સમય ઘાટ છે. મર્યાદિત સ્થળ અને સમયમાં કથાનક દ્વારા ચારુ નિકેતના મનોસંઘર્ષ એની ક્રિયા-પ્રતિક્રિયાની સંકુલતાથી સમય અને સ્થળનાં પરિમાણો નવલકથામાં બદલાઈ જતાં જણાય છે. ચારુ અત્યારે એકલી છે આ સ્થિતિ કઈ રીતે આવી? નવલકથાકારે પીઠઝબકાર પ્રયુક્તિથી ચારુના કથન દ્વારા ને ચારુના દિવાકર સાથેના લગ્ન, સંતાનોના જન્મ, દિવાકરની નોકરી માટે અલગ અલગ સ્થળે વસવાટ, સંતાનોનો ઉછેર, સંતાનોનું સંસારમાં ગોઠવાઈ જવું, દિવાકરનું મૃત્યુ જેવી ઘટનાઓનું કથન ચારુ પાસે કરાવ્યું છે, એ જ રીતે, નિકેતનાં ઉમા સાથેનાં લગ્ન, નોકરી, શરૂઆતનો સંઘર્ષ, સંતાનોનાં લગ્ન તથા નિવૃત્તિ જેવી ઘટનાઓ નિકેતના કથન વડે તેના દૃષ્ટિબિંદુથી રજૂ થઈ છે. નવલકથાની ભાષા ધ્યાનપાત્ર છે. તેનાં વર્ણનો પણ એટલાં જ પ્રતીકાત્મક છે જેમ કે, ‘બારીમાંથી દેખાતું દરિયાનું દૃશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણામાં વાવેલું સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે’. પા. નંબર ૧ દરિયાના પ્રતીક વડે ચારુનો સંઘર્ષ અને મનોસ્થિતિ અહીં આલેખાય છે. બે પાત્ર જ ઉપસ્થિત હોવા છતાં નવલકથાકાર ચારુ અને નિકેતના સમગ્ર સંસારને ઊભો કરી શક્યા છે. એટલે અહીં ઉપસ્થિત નથી એવા દિવાકર-ઉમાની હાજરી પણ સઘન રીતે વર્તાય છે તો એમનાં સંતાનો પણ જીવંત રીતે આલેખાયાં છે. નિકેત ઉમાની હાજરીમાં ક્યારેક ચારુને ઝંખે છે તો ચારુ દિવાકરની હાજરી અને ગેરહાજરીમાં નિકેતને જંખે છે. આ રીતે પ્રથમ પણ એનું ભાવસંવેદન સ્થિર થઈને બેસી ગયું અને પ્રસંગે પ્રસંગે ઉપર આવીને તરવા લાગે તો અત્યારે વર્તમાન સમયમાં નીકળ્યા ચારુને ફક્ત પ્રિયતમ આરોપી નહીં દિવાકરનાં વિધવા પત્નીના રૂપે પણ અનુભવે છે. એ જ રીતે ફક્ત તેના પ્રેમી રૂપે નહીં પતિ રૂપે જુએ છે અને અનુભવે છે. આજે પણ સ્વજનોની ઉપસ્થિતિમાં ચારુ અને નિકેત એકમેકને કહેતા અટકી જાય છે ને પ્રેમ હું પણ એ જ ચારુ છું કે જે નિકેતને સમય જતાં બન્ને એકમેકની સામે પ્રકટ કરી દે છે. ત્રણ-ચાર દિવસના સહવાસ પછી ભાવ પ્રથમ પ્રણય જેમ કહેવાઈ જાય છે. આ રીતે નવલકથાકારનું દર્શન પ્રગટી રહે છે કે, ભાવો સતત જીવે છે – ‘આનંદ થતો હતો તે ભાવના સાતત્ય બહુ સ્પષ્ટ રીતે બંનેને સમજાયું.’ ભાવબોધની સમગ્ર પ્રક્રિયા અહીં આસ્વાદ્ય બની રહે છે. પ્રિયજન નવલકથાને ભાવકો અને વિવેચકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આવકાર મળેલો છે. શ્રી બાબુ દાવલપુરા પ્રિયજન માટે જે કહે છે, એ નિરીક્ષણ જુઓ : “પ્રિયજન કથાવિષય અને કલાવિધાન ઉભય દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવી સબળ કૃતિ છે. બાહ્યઘટનાની બહુલતા શક્ય તેટલી ટાળીને, માનવીના મનમાં આકાર લેતી ઘટનાઓની ક્રિયા-પ્રતિક્રિયા મનોવૈજ્ઞાનિક સ્તરે આલેખવા માટે જે કલાસૂઝ અને સજ્જતા સર્જનમાં હોવી ઘટે તે આ લેખકમાં પૂરતા પ્રમાણમાં છે એ વાતની પ્રતીતિ કથામાં અનેક પ્રસંગે મળે છે. ‘પ્રિયજન’ નવલકથા ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહે છે.

સંદર્ભ : દાવલપુરા, બાબુ. ‘ગુજરાતી કથાવિશ્વ’, સંપા. નરેશ વેદ, બાબુ દાવલપુરા પૃષ્ઠ ૩૨૯, પ્રથમ આવૃત્તિ ૧૯૮૫, પ્રકા. પોતે.

પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Email: ajayraval૨૨@gmail.com