નવલકથાપરિચયકોશ/મરણટીપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૩

‘મરણટીપ’ : માય ડિયર જયુ

– કિશન બી. પટેલ
મરણટીપ.jpg

ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર જયંતીલાલ રતિલાલ ગોહિલ ઉર્ફે માય ડિયર જયુ. એમની જાણીતી વાર્તા ‘છકડો’માં જેમ ગિલો અને છકડો એકબીજામાં એકાકાર થઈ ગયા છે એમ જયંતીલાલ ગોહિલ અને એમનું અનોખું ઉપનામ માય ડિયર જયુ એક થઈ ગયા છે. માય ડિયર જયુનો જન્મ ૨૭મી મે ૧૯૪૦ના રોજ સિહોરના ટાણા ગામમાં એક દરજી કુટુંબમાં થયો હતો. ટાણા અને પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવા ભાવનગર ગયા. ભાવનગરની જાણીતી શામળદાસ આટ્ર્સ કૉલેજમાં જીવનનાં ૩૯ વર્ષ ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે. ‘મરણટીપ’ લઘુનવલ માય ડિયર જયુની પ્રથમ મૌલિક કૃતિ છે. એ પછી એમણે ક્રમશઃ ‘કમળપૂજા’ અને ‘ઝુરાપાકાંડ’ નામની બે લઘુનવલ લખી. જે બંને લઘુનવલો એમની પ્રથમ લઘુનવલ ‘મરણટીપ’ સાથે અનુસંધાન ધરાવતી લઘુનવલ છે. આ ત્રણેય લઘુનવલોએ સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતનું ધ્યાન ખેંચ્યું હતું. પણ માય ડિયર જયુ આજે જો ગુજરાતી સાહિત્યજગતમાં એક પ્રતિષ્ઠિત સર્જક નામ ગણાતું હોય તો તે એમની વાર્તાકાર તરીકેની પ્રતિભાને પ્રતાપે. માય ડિયર જયુ અનુઆધુનિક સમયના મહત્ત્વના વાર્તાકાર છે. તેમની પાસેથી ‘જીવ’, ‘થોડાં ઓઠાં’, ‘સંજીવની’ અને ‘મને ટાણા લઈ જાવ’ જેવા અનોખી છાપ પાડતા ચાર વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. સર્જનના મસમોટા પડદા પાછળ અદૃશ્ય થઈ ગયેલું એમનું વિવેચનકાર્ય પણ નોંધપાત્ર છે. ૧૯૯૨માં ‘સપશ્યતી’ અને ૨૦૦૧માં ‘ક્ષવીક્ષતે’ નામના બે મહત્ત્વના વિવેચનસંગ્રહો તેમની પાસેથી મળે છે. તેમને અત્યાર સુધી નવી દિલ્હીનો કથા એવૉર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમાશંકર જોશી પારિતોષિક વગેરે અનેક મહત્ત્વના એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘મરણટીપ’ લઘુનવલની પ્રથમ આવૃત્તિ ૧૯૭૯માં રૂપાલી પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ લગભગ બાર વર્ષના સમયગાળા પછી ૧૯૯૨માં પાર્શ્વ પ્રકાશન બીજી આવૃત્તિ ‘મરણટીપ’ના અનુસંધાનવાળી બીજી બે લઘુનવલ ‘કમળપૂજા’ અને ‘ઝુરાપાકાંડ’ એક સાથે પ્રગટ કરી હતી. આ અધિકરણ બીજી આવૃત્તિને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. નવલકથાની શરૂઆતમાં સુમન શાહની પ્રસ્તાવના અને અંતમાં અનંતરાય રાવળથી લઈને જયંત કોઠારી જેવા વિદ્વાનોના પ્રતિભાવો, ગુજરાતી સાહિત્ય જગતમાં તત્કાલીન સમયે ‘મરણટીપ’ની ખાસ્સી નોંધ લેવાઈ હતી એ દર્શાવે છે. આકાશવાણી રાજકોટ દ્વારા વસંત જોષીના દિગ્દર્શન હેઠળ ત્રણેય લઘુનવલોનું વાચિકમ્ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ‘મરણટીપ’ કુલ ૨૭ નાના પરિચ્છેદોમાં વિભાજિત છે. આ પરિચ્છેદો ઘટના કે સમય જેવા કોઈ ઘટકના ક્રમને આધારે મૂકવામાં આવ્યાં નથી. પ્રત્યેક ખંડમાં નાયક ‘હું’ની આંતર એકોક્તિ વિવિધ કલ્પનો અને રૂપકો દ્વારા પ્રગટ થઈ છે. નવલકથાના શીર્ષક નીચે આપણને લખેલું વંચાય છે I – novella. નવલકથા નહીં પણ novella. Encyclopaedia Britannicaને આધારે ‘નવલકથાની તુલનાએ નોવેલા કોઈ એક પાત્ર વિકાસ અને વર્ણનાત્મક ઊંડાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ટૂંકા માળખામાં અસરકારક રીતે વાર્તા કહેવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.’ આ વાત ‘મરણટીપ’ સાથે ચપોચપ બેસતી જણાય છે. લઘુનવલનું મુખ્ય કથાવસ્તુ ત્રણ પાત્રો વચ્ચેના પ્રણયની પીઠિકા પર ઊભું છે. નાયક ‘હું’, પત્ની રળિયાત અને પ્રેમિકા નેહા. આ કથા એક પ્રકારનો પ્રણય ત્રિકોણ છે. નાયક ‘હું’ વર્તમાન અને ભૂતકાળ વચ્ચે ઝોલા ખાય છે. અહીં કથાને ચોક્કસ કોઈ આકાર નથી. નાયક પોતે નવલકથાના અંતિમ પરિચ્છેદમાં કહે છે એમ : “... અસ્તિત્વ માત્ર, આકાર નહીં.” નાયકનું અસ્તિત્વ એની સ્મૃતિમાં બંધાયેલું છે. અને સ્મૃતિના મધ્યમાં છે નેહા. ભૂતકાળમાં અટવાયેલું અને નેહાની સાથે જોડાયેલું અસ્તિત્વ એકથી સત્તાવીસ પરિચ્છેદોમાં વિવિધ કલ્પનો અને પ્રતીકોના સહારે મૂર્ત બને છે. વર્તમાનની નાયકની મનઃસ્થિતિનો તેના બગીચાની સ્થિતિને આધારે તાગ મેળવી શકાય છે. જેમ કે, “મારા બગીચાનાં વૃક્ષ-છોડ મૌન છે, શબ આસપાસ બેઠેલાં આપ્તજનો જેવાં. પવનની આછી લહેરખી આવી હોય એમ લાગે છે, પણ મને સ્પર્શ્યા વિના જ ચાલી જાય છે.” બગીચાનાં વૃક્ષો અને છોડનું હલનચલન એ નાયકની મનઃસ્થિતિમાં થતાં હલનચલનો છે. આ જ રીતે ભૂતકાળ અને નેહા સાથે જોડાયેલી સ્મૃતિ ધજાળા ડેમ અને ઉતાવળીનાં આવતાં વર્ણનોને આધારે મૂર્ત બને છે. આ નેહાની સ્મૃતિ નાયક ‘હું’ની આંખોમાં રળિયાતથી છૂપી રહી શકી નથી. અને એને કારણે પ્રથમ પરિચ્છેદના અંતિમે રળિયાત દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો “તમારી આંખોમાં દેખાતી પેલીની સ્મૃતિ આખી જિંદગી મારાથી સહન નહીં થાય. તમારી સાથે રહેવા કરતાં હવે અમે બાપુજી સાથે રહીશું, વતન.” પણ અંતિમ પરિચ્છેદ સુધી પહોંચતાં એવું બનતું નથી. અંતિમ પરિચ્છેદના અંતિમે રળિયાત કહે છે “અમે તમારાથી જુદાં રહી શકીએ તેમ નથી; અમે અહીં જ રહીશું, તમારી પાસે.” જે રળિયાત બાળકોને લઈ નાયકને છોડીને જતી રહેવાની હતી એ હવે જવાની નથી. અને નેહાની સ્મૃતિ તો ત્યાંની ત્યાં જ અકબંધ છે. આ બંને પરિચ્છેદો વચ્ચે એક પ્રકારનો જે વિરોધાભાસ છે એ વિરોધાભાસ નાયકના ચૈતસિક જગતમાં સંઘર્ષ ઊભો કરે છે અને એ સંઘર્ષની જ આ કથા છે. પ્રથમ પરિચ્છેદ(વિસ્ફોટ)માં આવતું વર્ણન : “વરસાદ પહેલાંનો પવન ફૂંકાતો હતો” અને અંતિમ પરિચ્છેદ(મરણલગણ)માં આવતું વર્ણન : “...અને જબરા કડાકા સાથે વરસાદ તૂટી પડે છે.” વરસાદનું તૂટી પડવું વાંચતાંની સાથે જ આપણને કોઈ કેદમાંથી મુક્તિ મળી હોય એવી અનુભૂતિ થાય. પણ નવલકથાનું તો શીર્ષક જ છે ‘મરણટીપ’. મરણની આ જાળમાંથી છુટકારો મળવાનો નથી. અંતિમ પરિચ્છેદમાં ટીનુને જોઈ નાયક કહે છે એમ “... એ એક પછી એક ચોસલું ગોઠવે છે; પણ એકાદ ચોસલું એવી રીતે મુકાઈ જાય છે કે ઘર બનતું નથી.” ખરેખર તો આ એક ચોસલું મુકાઈ જાય એની જ મથામણ છે પણ એ જ તો થતું નથી. અને આ કેદ અવિરત ભોગવવાની છે. આપણને અહીં ગ્રીક કથાઓમાંનો સિસિફસ યાદ આવે. ‘મરણટીપ’ને એક લિરિકલ નવલકથા કહી શકાય તેવાં બધાં જ લક્ષણો મળે છે. નાયક ‘હું’ની ઊર્મિથી લથબથ સત્તાવીસ પરિચ્છેદો નાયક ‘હું’ની આંતરિક જગતની યાત્રા છે. આ યાત્રા સર્જકની આગવી ભાષાશૈલીથી, વિવિધ કલ્પનો અને પ્રતીકોના ઉપયોગથી ગદ્યને આપવામાં આવેલી કાવ્યાત્મકતાની છાંટથી ધ્યાનાકર્ષક બની રહે છે. આખી કથા આમ પ્રથમ પુરુષ કથનકેન્દ્રની શૈલીમાં કહેવામાં આવી છે. પણ વચ્ચે ક્યાંક ક્યાંક અંતરાવર્તી કથનશૈલીનો પણ ઉપયોગ સર્જકે કર્યો છે. પરિચ્છેદ ૨૦માં રાણી પદ્માવતી રાજા ઉદયન પાસે એમનાં નેત્રો માંગે છે ત્યારે જે શબ્દો ઉચ્ચારે છે એનું સીધું જોડાણ પહેલા પરિચ્છેદના રળિયાતના શબ્દો સાથે રહેલું છે. રાણી પદ્માવતી કહે છે “સમ્રાટની આંખોમાં સ્થિર થઈ ગયેલી વાસવદત્તાની સ્મૃતિ મારાથી સહન થતી નથી. સમ્રાટ મને એમની આંખો આપી દે એવી મારી ઇચ્છા.” આમ, વિવિધ પરિચ્છેદોમાં નાયક દ્વારા કહેવાતી પુરાણકથા, પરીકથા પ્રકારની કથાઓ દ્વારા નાયક ‘હું’ની મનોદશા વધારે સ્પષ્ટ થાય છે. અહીં સર્જકે અલગઅલગ genre એકબીજામાં blend કર્યા છે. લલિતનિબંધ, નવલકથા અને સાથે કાવ્ય – આ ત્રણેયને એકબીજામાં blend કરી દીધેલા જણાય છે. ‘મરણટીપ’માં ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’નું અનુકરણ નહીં પણ એની પરંપરાને પોતાની આગવી પ્રતિભા વડે ઘાટ આપી નવીન કૃતિ નીપજાવવાની મથામણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સુમન શાહનું આ વિધાન મારી વાતને સમર્થન આપવા માટે પૂરતું છે. સુમન શાહ લખે છે કે “કથાલેખક માય ડિયર જયુ ‘મરણટીપ’ વડે આધુનિક પ્રકૃતિના પ્રેમ-સંવેદનને અહીં કલા-આકાર આપવા નિષ્ઠાપૂર્વક મથ્યા છે. આપણે ત્યાં ‘આધુનિકતા’ના સંદર્ભો વચ્ચે જે થોડુંક સંગીન કામ ગયા દાયકામાં નવલકથા ક્ષેત્રે થયું, તેમાં ‘મરણટીપ’ એક નોંધવા સરખું ઉમેરણ છે.”

સંદર્ભસૂચિ : ૧. મરણટીપ (બીજી આવૃત્તિ, ૧૯૯૨), લે. માય ડિયર જયુ ૨. Encyclopaedia Britannica ૩. મરણટીપ વિશે બે વાત(મરણટીપની પ્રસ્તાવના), લે. સુમન શાહ

કિશન બી. પટેલ
અનુસ્નાતક વિદ્યાર્થી,
ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્ર,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર
મો. ૮૪૬૯૬૪૬૭૩૮
Email: pakishan૮૭@gmail.com
વડોદરા