નવલકથાપરિચયકોશ/વિવર્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૯

‘વિવર્ત’ : પિનાકીન નટવરલાલ દવે

– અશ્વિન ચંદારાણા

નવલકથાનું નામ : વિવર્ત નવલકથાકારનું નામ : પિનાકીન નટવરલાલ દવે નવલકથાકારનો ટૂંકો પરિચય જન્મતારીખ : ૧૦.૦૬.૧૯૩૫ મૃત્યુતારીખ : — વતન : રૂપાલ, ગાંધીનગર અભ્યાસ : M.A., L.L.B., Ph.D. વ્યવસાય : મૅનેજર, ઈઝીક્વિપ (૧૯૬૩-૬૮), પ્રોફેસર, વિવેકાનંદ આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ (૧૯૬૩થી), તંત્રી, ‘આનંદ’ સામયિક સાહિત્યિક પ્રદાન : ૧૭ નવલકથા (૧૩ ગુજરાતી + ૪ હિંદી), ૨ નવલિકાસંગ્રહ, ૨ ઇતર ઇનામો : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત નવલકથાનું પ્રથમ પ્રકાશનવર્ષ/મહિનો : ૧૯૬૮ કુલ આવૃત્તિ : ૩ પૃષ્ઠ : ૧૪૦ નકલ સંખ્યા : ૧૨૫૦ પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રસ્તાવના : – અર્પણ : રાધેશ્યામ શર્મા, રતિલાલ દવે, લાભશંકર ઠાકર નવલકથાનો પ્રકાર : પ્રયોગશીલ અનુવાદ : હિંદી, તામિલ, મરાઠી કથાનક : પ્રયોગશીલ નવલકથા ‘વિવર્ત’ની કથા, શરીર પર કોઢના ડાઘ ધરાવતાં નાયક-નાયિકા વિનય અને નિશી, તેમજ તેનાં કુટુંબીઓ અને મિત્રોની આસપાસ ઘૂમતી રહે છે. એક જ પ્રકારની શારીરિક વિકૃતિ, મહત્ત્વાકાંક્ષી પુરુષ અને લાગણીશીલ સ્ત્રીપાત્ર ઉપર કેવી અલગઅલગ પ્રકારની અસર નિપજાવી શકે છે, એ વાત લેખકે અહીં કેટલીક અસહજ ઘટનાઓની મદદ વડે સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. લેખનપદ્ધતિ – કોઢ જેવા શારીરિક વિકારના વિષય પર લખાયેલી જૂજ નવલકથામાંની એક. – જીવનની અસંદિગ્ધતાને વ્યક્ત કરવા માટે, સંપૂર્ણ નવલકથા દરમ્યાન, બંને મુખ્ય પાત્રોનાં મનોમંથનો અને જાત સાથેના સંવાદોનો-પ્રશ્નોત્તરીનો સતત વિનિયોગ – શરૂઆત અને અંતનાં થોડાં પૃષ્ઠો સિવાય આખી નવલકથા ભૂતકાળમાં. કથાનકના અંતે ચાલુ વર્તમાનકાળનો પણ પ્રયોગ. – નાયકના જીવનક્રમની અરૈખિક અભિવ્યક્તિ – એકાધિક સ્થળે ઇરોટિક ઘટનાઓ અને વર્ણનો – સજીવારોપણ અલંકારનો એકાધિક સ્થળે અસરકારક ઉપયોગ. – પરિસ્થિતિનું શ્રદ્ધેય વર્ણન કરવા કલ્પનોનો અનેક જગ્યાએ ઉપયોગ. – મહદ્‌અંશે નાનાં નાનાં અર્થસભર, ગંભીર સંવાદો. – કથાનકમાં અસહજ ઘટનાઓભર્યા વળાંકોને સતત ગૂંથતા રહેવાની શૈલીને કારણે, સ્થળ કે ઘટનાઓનાં વર્ણનો માટે નવલકથાના શરૂઆતના કેટલાક હિસ્સા સિવાય નહિવત્‌ અવકાશ. – ત્રીજા પુરુષમાં કથન; ગુજરાતીમાં ભાગ્યે જ વપરાતા કેટલાક ‘અશ્મક’ અને ‘વ્યાલ’ જેવા શબ્દોનો ઉપયોગ. – કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોનો એકાધિક સ્થળે ઉપયોગ. – આખી નવલકથામાં પાત્રોનાં મુખે, પોતાની સંકુલ મનોદશાભર્યું જીવનદર્શન. સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતા – પ્રેમકથાઓમાં સામાન્ય રીતે આવતા કથાવસ્તુ કરતાં અલગ પ્રકારનું કથાવસ્તુ, અને ઘટનાઓના મનોવૈજ્ઞાનિક આકલનને કારણે ‘હવે શું?’ના પ્રશ્ન થકી લેખક વાચનરસને મહદ્‌અંશે જાળવી રાખવામાં સફળ રહે છે. – આખી નવલકથામાં માનવીય લાગણીઓના વિવિધ રંગો રજૂ થયા છે. શારીરિક અને માનસિક તકલીફો, જીવન પ્રત્યેના અનુરાગ અને રોષ, માતાપિતા તરફની મમતા અને તેમની તરફનો ગુસ્સો, ધૈર્ય, મોહ, કુટુંબપ્રેમ અને મિત્રપ્રેમ, ચિંતા અને ચિંતન, પ્રેમ અને વાસના જેવાં નવલકથા માટે આવશ્યક પાસાં સફળતાપૂર્વક ગૂંથાતાં રહ્યાં છે, જે વાચકને પ્રત્યેક પ્રકરણ પૂરું કરવા પ્રેરે છે. – ટૂંકાં વાક્યોની મદદ વડે ચાલતાં અર્થસભર સંવાદો, પાત્રોનાં મનોમંથનો અને જાત સાથેની પ્રશ્નોત્તરીઓ કથાનકને સરળતાપૂર્વક આગળ વધારવામાં ઉપયોગી બની રહેવા ઉપરાંત વાચકો માટે પણ રસ જાળવી રાખનારાં તત્ત્વોની ગરજ સારે છે. – નાયકના મનોમંથનમાં અને અન્ય પાત્રો સાથેના તેના સંવાદોમાં લેખકે ભાષાકર્મ દ્વારા કલ્પનો અને અલંકારોના કેટલાક જૂજ પરંતુ સુંદર પડાવો ઊભા કર્યા છે, તે વાચનરસ પૂરો પાડતા રહે છે : ‘...ત્યારે કશાક શબ્દોના આગમનનો સળવળાટ વિનયે વાતાવરણમાં અનુભવ્યો.’ (પૃ. ૨), ‘આસોપાલવનાં ચમકતાં પાંદડાંમાં નદીના તરંગોની આભા ઊભી કરતાં કિરણો.’ (પૃ. ૨), ‘કિરણોની સળીઓ વચ્ચે કોઈએ માળો રચ્યો હોય!’ (પૃ. ૨), ‘જૂનાં ચીમળાઈ ગયેલાં ફૂલ મોઢું મચકોડી ઊભાં હતાં.’ (પૃ. ૨), ‘આંખો પ્રતિબિંબના દેહ પર ધીમા પગલે વિચરવા લાગી.’ (પૃ. ૫), ‘એના દેહની છાપને લૂછી નાખતો હોય એમ પરદો એ પ્રતિકૃતિને ગળી ગયો.’ (પૃ.૬), આની સામે કથાનકને ગૂંચવી દે તેવાં કેટલાંક કલ્પનો અને પ્રતીકોનો ઉપયોગ કથાપ્રવાહને ઉપયોગી થવાને બદલે તેને સ્થગિત કરી દે તેવાં જણાય છે, દા. ત. ‘પલંગના પાયા એને સ્થિર ધારી રહ્યા હતા, પરંતુ પાયા હચમચી જાય છે ઘણી વાર, સમધારણ શક્તિ ચલિત થઈ જાય છે ક્યારેક.’ (પૃ. ૬) – પોતાના શારીરિક વિકાર પ્રત્યેનાં નાયકનાં ઊંડાં અને સતત ચાલતા રહેતાં મનોમંથનોને મનોવૈજ્ઞાનિક આકલનની ભૂમિકા સુધી પહોંચાડવામાં લેખક તો સફળ રહે છે, પરંતુ કુદરતી રીતે મળેલી પોતાની એ શારીરિક સ્થિતિ સામે ઝઝૂમીને જાતને એક ઉચ્ચ સ્થાને પહોંચાડવા તરફ નાયકની નિષ્ક્રિયતા, અને મિત્ર અને મિત્રપત્ની સિવાય કથાનાં લગભગ સઘળાં પાત્રો સાથે નાયકના સંદિગ્ધ કે કટુ વ્યવહારો વાચકના મનમાં નાયક માટે કોઈ સ્પષ્ટ ભૂમિકા કે કરુણા ઊભી કરવામાં નિષ્ફળ રહે છે. – શારીરિક/માનસિક વિકૃતિ ધરાવતાં નવલકથાનાં પાત્રો પણ પોતાનાં કાર્યો, ખુમારી, આદર્શો વગેરે દ્વારા પ્રજાના એક મોટા ભાગ ઉપર કેવી પ્રભાવી અસર ઊભી કરી શકે છે, તે રજૂ કરતી અનેક નવલકથાઓના સર્જનકાળ દરમ્યાન જ લખાયેલી આ નવલકથા, નાયકનું કોઈ આદર્શ રૂપ રજૂ કરતી નથી. સફેદ ડાઘ કે કોઢ એ કોઈ ચેપી રોગ ન હોવા છતાં, માત્ર ચામડીનો વિકાર જ હોવા છતાં, માત્ર મનના ડરને કારણે જ નવલકથાનાં બંને મુખ્ય પાત્રોના મનમાં આ વિકારને કોઈ ભયાનક શારીરિક ખોડ તરીકે આરોપિત કરીને, અને સંવાદો, અને વર્ણનો દ્વારા ઠેરઠેર પાત્રપ્રવેશ કરીને લેખકે સક્ષમ પાત્રીકરણની કેટલીક ઉમદા તક ગુમાવી છે. – કથાનક અને ઘટનાક્રમના વિકાસમાં ખાસ ઉપયોગી ન થઈ શકતા નાયકના રૂપજીવીની સાથેના અંતરંગ સંબંધોનાં ઇરોટિક વર્ણનો, કથાનકને કોઈ રીતે ઉપકારક સાબિત થતાં નથી. નાયક દ્વારા ભવિષ્યમાં ભરાનારા આત્યંતિક પગલાની પૂર્વભૂમિકા પૂરી પાડવા માટે જ લેખકે આવાં એકાધિક પાત્રો અને ઘટનાઓનું પૂર્વઆયોજિત આલેખન કરીને વાચકોના એક વર્ગ માટે રસનો વિષય તો પૂરો પાડ્યો છે, પરંતુ આ પ્રકારની ગંભીર મનોવૈજ્ઞાનિક નવલકથાના રસિક એવા અન્ય વાચકોને આવા પ્રસંગો એક પ્રકારની સૂગનો અનુભવ કરાવી શકે છે. – કથાનક અને ઘટનાઓમાં લેખકે મુખ્ય નાયક અને નાયિકાને જ કેન્દ્રસ્થાને રાખ્યા છે. નવલકથા માટે સહજ એવાં, નવલકથાનાં અન્ય ગૌણ પાત્રોનાં પણ પાત્રાલેખન કરવાના મોકાથી લેખક, અને તે થકી નવલકથાને ઉપકારક એવા પ્રસંગો અને સંવાદોથી આ નવલકથા, વંચિત રહી જવા પામી છે. મોટાભાગનાં ગૌણ પાત્રોનું પાત્રાલેખન તદ્દન અસ્ફુટ રહી જવા પામ્યું હોવાથી આ પાત્રો નવલકથાના વિકાસમાં પોતાની કોઈ ભૂમિકા ઊભી કરી શક્યાં નથી. પડકારયુક્ત પાત્રાલેખને આ પાત્રોને એક ચોક્કસ યાદગાર ભૂમિકા, અને તેના થકી નવલકથાને એક મજબૂત પાયો, પૂરાં પાડ્યાં હોત. કથાનકમાં અચાનક જ ક્યાંકથી કૂદી પડતું રૂપજીવિની ક્રિષ્ણાકુમારી જેવું પાત્ર કથાનકને કોઈ રીતે ઉપકારક નીવડતું નથી. આખી નવલકથા દરમ્યાન એક પણ પાત્ર એવી બળૂકી આભા સાથે ઊપસી નથી શક્યું, જેની સાથે વાચક પોતાની જાતનો સંવાદ સાધી શકે, કે જેની સાથે પોતાને સંકલિત કરી શકે. – મનોવૈજ્ઞાનિક નવલકથાઓમાં જમા પાસા તરીકે ઉપકારક નીવડે તેવાં લોકાલનાં વર્ણનોની આ નવલકથામાં જૂજ કહી શકાય તેવી હાજરી ઊડીને આંખે વળગે તેવી છે. તેના સ્થાને, નાયક-નાયિકાની રેસ્ટોરન્ટમાં થતી મુલાકાતના અને વૈદના દવાખાનાનાં કબાટો અને દવાના શુષ્ક, તથા રૂપજીવિનીઓના ગંધાતા કમરામાં નાયકના રૂપજીવિની ફરીદા સાથે બંધાતા સંબંધોના ‘ફરીદાના દેહમાં પરસેવાનાં શબ સૂંઘવા’ જેવાં વર્ણનો અત્યંત જુગુપ્સાપ્રેરક અને કથાનક માટે અનુપયુક્ત બની રહે છે. – કથાના અંતે નાયક દ્વારા ભરવામાં આવતું આત્યંતિક પગલું, વાચકના મનમાં નાયક પ્રત્યેની રહીસહી સહાનુભૂતિને પણ ભૂંસી નાખવા સક્ષમ બને છે. નાયક જાણે પ્રતિનાયકની ભૂમિકામાં પલટાઈ જાય છે. કથાના અંતને ચોટમાં વણી લેવાનો અનુરાગ કથાનકને સંદિગ્ધતા તરફ દોરી જાય છે, જેને મૂળે મજબૂત એવું કથાવસ્તુ પણ ઉગારી શકતું નથી. વિવેચનલેખોમાંથી એક લેખમાંથી અવતરણ : “વિનય ખોટો હતો? ‘ના’ કહેવી મુશ્કેલ છે, ‘હા’ કહેવી પણ મુશ્કેલ છે. તો નિશી સાચી હતી? ‘હા’ પણ નહીં કહી શકાય, ‘ના’ પણ નહીં કહી શકાય. જીવન ક્યારે એમ કેવળ સાચા અને કેવળ ખોટામાં વહેંચાઈ જાય છે? એ તો એક વિવર્ત જેવું, તરંગ જેવું, ભ્રમણા જેવું છે. કોઈ માનવીની યાતનાયે કેવળ તેની પોતાની નથી હોતી. એ યાતનાના તરંગો વિસ્તરીને પોતાના વ્યાપમાં બીજી અનેક વ્યક્તિઓને આવરી લે છે, જે હજુ જન્મી નથી તેમને પણ... ક્યાંક ક્યાંક ઘટનાનું નિરૂપણ પણ સ્વાભાવિક નહીં તેટલું કન્ટ્રાઇવ્ડ લાગે છે.” (પ્રો. દીપક મહેતા, ‘ગ્રંથ’, ફેબ્રુઆરી ૧૯૭૯)

અશ્વિન ચંદારાણા
નિવૃત્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, રિલાયન્સ
કવિ, અનુવાદક, વાર્તાકાર, સંપાદક, પ્રકાશક
(સાયુજ્ય પ્રકાશન), વડોદરા
મો. ૯૬૦૧૨૫૭૫૪૩
Email: chandaranas@gmail.com