નવલકથાપરિચયકોશ/શોષ
‘શોષ’ : દક્ષા દામોદરા
નારી અને દલિત હોવાની બેવડી વ્યથાની કથા દક્ષા દામોદરાકૃત ‘શોષ’ નવલકથા
ગુજરાતી નવલકથાક્ષેત્રે દક્ષા દામોદરાનું નામ હવે અજાણ્યું નથી. દક્ષાબહેને કૉલેજકાળથી જ સર્જનકાર્ય આરંભ્યું હતું. ૨૦૦૩માં તેમની પ્રથમ નવલકથા ‘શોષ’ પ્રગટ થઈ, જેને ગુજરાતી સાહિત્ય પરિષદનું સિસ્ટર નિવેદિતા (૨૦૦૩) પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. દક્ષા દામોદરા ‘ગુજરાતી દલિત લેખિકાઓ : સાહિત્ય અને સમીક્ષા’ (સં. ડૉ. સુનીલ જાદવ)માં પોતાની જીવન વ્યથા-કથા અભિવ્યક્ત કરતા લખે છે કે, ‘મેડિકલની વિદ્યાર્થિનીને જ્યારે Human body કરતા Human being, અને એથીય આગળ જ્યારે ‘being’માં વધારે રસ હોય અને ત્યારે મધ્યમવર્ગીય પરિવારની એ દીકરી બહુ bold લાગે તેવો નિર્ણય કરી મેડિકલ લાઇન છોડીને સાહિત્ય સાથે જીવવાનું પસંદ કરે ત્યારે તેના પર શું શું વીતી શક્યું હોય તે વિચારવાનું વાચકો પર છોડી દઉં છું.’ દક્ષા દામોદરાનો જન્મ તા. ૧૯મી જૂન ૧૯૬૮ના રોજ રાજુલામાં થયેલો. તેમનો પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ કોડીનારમાં થયો. ધો. ૧૨ સાયન્સ પૂર્ણ કરી દક્ષાબહેન જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે દાખલ તો થયાં પરંતુ ઉપર જણાવ્યા મુજબ મન ન માન્યું, તેથી કોડીનાર પરત ફરી જે. એસ. પરમાર કૉલેજમાં મુખ્ય વિષય ગુજરાતી સાથેનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ રાજકોટમાં એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન જ ૧૯૯૨માં મનસુખ ગાયજન સાથે તેમનાં લગ્ન થયાં. પતિ-પત્ની બન્નેનો પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન દીકરી મૃણાલીનો જન્મ (૫.૧૨.૧૯૯૩) થયો. ઘર, કુટુંબ અને ખાસ તો દીકરીના ઉછેર માટે દક્ષાબહેને પીએચ.ડી. છોડ્યું. કહો કે પતિ પીએચ.ડી. પૂરું કરી શકે તે માટે ભોગ આપ્યો. પ્રા. ડૉ. મનસુખ ગાયજન હાલ ભાવનગરની શામળદાસ કૉલેજના અંગ્રેજી વિભાગના હેડ અને અધ્યાપક છે. જ્યારે દક્ષાબહેને નવલકથાલેખનને જીવનનું માધ્યમ બનાવ્યું. સ્વભાવે અંતર્મુખી પણ જાત સાથે સતત વાત કરતાં આ લેખિકાને વાચનનો ગજબનો શોખ. લેખનકાર્યની પ્રેરણા તેમને ઘરમાંથી જ મળી. જીવનને બહુ નજીકથી શાંત ચિત્તે જોયા કરતી આ લેખિકા ભારતીય નારીની વેદના-સંવેદનાને ધાર કાઢીને એવી તો ઘૂંટીઘૂંટીને આલેખે કે જાતે પોતે જ પાત્રમાં પરકાયાપ્રવેશ કર્યો હોય. અંતર્મુખી વ્યક્તિત્વ શબ્દદેહે જ્યારે અભિવ્યક્તિ પામે ત્યારે કેવું બળકટ સાહિત્ય રચાય તે જોવું હોય તો આપણે દક્ષાબહેનની નવલકથાઓમાંથી પસાર થવું પડે. મેડિકલની ઉજ્જ્વળ કારકિર્દી છોડી સાહિત્યની દુનિયામાં નર્મદની જેમ ઝંપલાવ્યું તો ખરું પણ પછી એમાંય કાંઈ મોથ મારી ખરી? ...સમાજના ઉપેક્ષિત વર્ગમાં દીકરી તરીકે જન્મવું અને રૂઢિરિવાજો સામે બાથ ભીડતાં-ભીડતાં ‘સ્વ’ની ઓળખ જાળવી રાખીને અંદરના અવાજ અનુસાર જીવવું અને જીવતા રહેવું એ કાંઈ ઓછી મોથ મારી ન ગણાય. દક્ષાબહેને સાહિત્ય-સર્જનની ઘેલછા પાછળ ફક્ત એમ.બી.બી.એસ. જ નથી છોડ્યું, ખાસ્સા પગારની સરકારી નોકરી પણ છોડી દીધી છે. આવાં દક્ષાબહેન દામોદરાની પ્રથમ નવલકથા ‘શોષ’ જૂન ૨૦૦૩માં પ્રકાશિત થઈ. ત્યારબાદ પાંચ વર્ષ પછી એટલે કે ૨૦૦૮માં ‘સાવિત્રી’ અને ૨૦૨૧માં ‘સિદ્ધાર્થ ભાગ-૧’ પ્રકાશિત થઈ. અહીં ‘શોષ’ વિશેના પરિચયાત્મક અધિકરણનો ઉપક્રમ છે. રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા બે ભાગમાં પ્રગટ થયેલી ‘શોષ’ એ ઉપર જણાવ્યું તેમ દક્ષા દામોદરાની પ્રથમ નવલકથા છે. નારીજીવનની આંતરવ્યથાની અભિવ્યક્તિની સાથે સાથે રાજલ અને દેશળની કચ્છી પ્રેમકથા તથા દુદાશાના ઐતિહાસિક કથાનકને પણ અહીં પૂરંદર, માધવી અને રાજેન્દ્રના મુખ્ય કથાનક સાથે વણી લેવામાં આવ્યું છે. ડૉ. કેસર મકવાણા કહે છે તેમ, “ ‘શોષ’માં કથા તો સ્ત્રીના મનોસંઘર્ષની છે, પરંતુ એ મનોસંઘર્ષને સામાજિકતાનો પુટ ચડેલો છે. તેથી કથાનો સંઘર્ષ એક સાથે મનોસામાજિક સંઘર્ષની ભોં ખેડે છે. વળી દલિત નાયક સાથે નાયિકાનું આકર્ષણ અને કચ્છના ૭૦૦ વર્ષ જૂના ઐતિહાસિક પાત્ર દુદાશાના બલિદાનના કથાનક સાથે કચ્છની દલિત અસ્મિતાની દસ્તાવેજી વિગત પણ ઉપસ્થિત થાય છે. સર્જનાત્મક ભાષા ઉન્મેષ, વૈચારિક સ્તરનો સૂક્ષ્મ મનો-સામાજિક સંઘર્ષ આખી કથાને ‘સમાજના કંઠે વળગેલા’ ‘શોષ’ની કથા બનાવે છે.” કચ્છ પ્રદેશને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા લેખિકાએ દુદાશા જેવા ઐતિહાસિક પાત્રને અર્પણ કરી છે. તો નવલકથાની પ્રસ્તાવના ‘સમાજના કંઠે વળગેલા શોષની કથા’ રૂપે હરીશ મંગલમે લખી છે. નવલકથાનું કથાવસ્તુ કંઈક આવું છે. નવલકથાની નાયિકા માધવી, શિક્ષણકાળ દરમિયાન રાજેન્દ્ર મકવાણા પ્રતિ આકર્ષાય છે. પિતા તેને પોતાની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા ઇચ્છે છે. બે દીકરીના જન્મ બાદ ફરજિયાત કુટુંબ નિયોજન અપનાવવું પડ્યું. જેથી પિતાની પુત્રૈષણા પર પાણી ફરી વળ્યું. દીકરો-દીકરી શો ફેર પડે છે? એવું ઉપરછલ્લી રીતે કહેતા પિતા માધવી પ્રત્યે છૂપો અણગમો રાખે છે. ‘બાપુ, દીકરીઓ ઉપર કેમ હેત વરસાવતા નથી?’ એવું વિચારતી માધવી મનમાં ને મનમાં શોષાતી રહે છે. ‘પ્રેમ જોઈએ છે, બાપુ... પ્રેમ! અને જો ન આપી શકતા હો..., તો લઈ લો તમારી દયા ને કરુણા...!’ એવું માધવીનું મન ચિત્કારી ઊઠે છે, પરંતુ બાપુની ધાક આગળ કશું બોલવાની એનામાં હિમ્મત નહોતી. બાપુને જ પ્રત્યક્ષ-પરોક્ષ ધ્યાનમાં રાખી દરેક ક્રિયા કરતી માધવી ચિત્રકામ અને કાવ્યસર્જન થકી પોતાની જાતને અભિવ્યક્ત કરતી રહે છે. માધવીની નોટ પિતાના હાથમાં આવી ગઈ અને ‘હવે પછી આવું ન લખાય તેની કાળજી રાખજે. ધ્યાન પરોવવાનું છે ભણવામાં – માત્ર ભણવામાં જ.’ માધવીના શ્વાસ થંભી ગયા અને એમાંય મોટી બહેને બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમલગ્ન કરી લીધા પછી તો શું થાય? સ્મશાનવત્ શાંતિ.... કેટલાય દિવસો પછી પિતા બોલ્યા : ‘બની શકીશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તું? તો કોરાણે મૂક તારી ચિત્રકળાને.’ અને માધવી હચમચી ગઈ. કૉમર્સનાં થોથાં પાછળ માધવીની રંગપેટી અને પીંછી ઢંકાઈ ગઈ. બાપુની ઇચ્છા પૂરી કરવા પોતાની કેટલીય ઇચ્છાઓનું દમન કરવા લાગી. પણ પોતાની સાથે ભણતો રાજેન્દ્ર મકવાણા કેટલીય વાર માધવીનું ધ્યાન ભંગ કરી નાખતો. બાપુની ઇચ્છાપૂર્તિ માટે બધું જ જતું કરનારી માધવીને ૧૨ કૉમર્સમાં માંડ પાસીંગ માર્ક્સ આવ્યા અને પિતાની સામે જીવનભર આંખ મેળવવા માટે લાયક ન રહી. અને સ્ક્રીઝોફેનિયાનો શિકાર બની. મનોચિકિત્સક પાસે નિદાન થાય છે અને તેને ચિત્રસર્જન તથા કાવ્યસર્જનની પ્રવૃત્તિ તરફ વાળવા ડૉક્ટર ભલામણ કરે છે. કૉલેજ અભ્યાસ દરમિયાન જ માધવીનાં લગ્ન પૂરંદર સાથે થાય છે. લગ્નની પહેલી રાત્રે જ માધવી આનંદને બદલે અસ્વાદ, ગ્લાનિ અને કશીક ભીંસ અનુભવે છે. પૂરંદર માટે માધવીનો દેહમાત્ર કાફી છે. જ્યારે સાચા પ્રેમ માટે માધવી ટળવળે છે. ‘પૂરંદર... તમારા દૈહિક આવેગોની સંતૃપ્તિ પૂરતું જ મારું અસ્તિત્વ છે? એ પછી કે પહેલાં શું હું કાંઈ જ નથી!?’ માધવીની આ નારાજગી ખાળવા પૂરંદર તેને પોતાની સાથે નોકરીના સ્થળે લઈ જાય છે, પરંતુ તેને આખો દિવસ એકલા-એકલા જ ઝૂરવું પડે છે. સહવાસના અભાવે પૌરુષત્વની ઝંખના તરસમાં પલટાતી જાય છે. પૂરંદર વાસનામય દૈહિક સુખમાં જ રચ્યોપચ્યો રહે છે. બન્ને વચ્ચેના સેક્સ અને પ્રેમના સંવાદો નવલકથાને વધુ રોચક બનાવે છે. આ દરમિયાન રાજેન્દ્ર મકવાણા ખ્યાતનામ ચિત્રકાર બને છે. માધવી અને પૂરંદર રાજેન્દ્રને મળવા જાય છે. મળ્યા બાદ પૂરંદર માધવી પર વહેમાય છે. બન્ને વચ્ચે ઉગ્ર વાદવિવાદ થાય છે. રાજેન્દ્ર મકવાણાના ચારિત્ર્ય વિશે પૂરંદર બેફામ બોલે છે, જેથી માધવી દુઃખી થાય છે. રાજેન્દ્ર જલસંચય અભિયાનને પોતાનું લક્ષ્ય જાહેર કરે છે. કચ્છ-સૌરાષ્ટ્રની તરસી ધરા માટે પોતાનાં ચિત્રોના વેચાણથી થનારી આવકને અલગ રાખવાનો તેનોે દૃઢ નિર્ધાર પાત્રને ઉન્નત બનાવે છે. જ્યારે પૂરંદર વધારે ને વધારે શંકાશીલ બનતો જાય છે. તેના કેટલાંક નિવેદનો નોંધવા જેવાં છે. ‘કલાના નામે પોતાની અને બીજાની લસ્ટ સંતોષવાના ઉધામા માત્ર છે આ બધા...!’ ‘મંદિર-ધર્મના ઓથે સત્તાની હવસ... અને કલાના આલંબનને પ્રસિદ્ધિની ભૂખ તો સંતોષાતી આવી છે, પણ હવે તો પાણીના બહાનેય પદ, પ્રતિષ્ઠા અને પૈસો હાંસલ કરનારા ઊભા થતા જાય છે...’ ‘અને મારા મતે મહત્ત્વાકાંક્ષી સ્ત્રી અને કૂતરી વચ્ચે કોઈ ફરક હોતો નથી.’ ‘વેશ્યાઓથી ય બદતર છે...!’ વગેરે સંવાદોમાં પુરુષપાત્રની હીનવૃત્તિ પૂરંદરના પાત્ર દ્વારા અભિવ્યક્ત થઈ છે. ‘શોષ’ નવલકથા અહીં વળાંક લે છે. માધવીનું જીવન અને કચ્છ પ્રદેશ બન્નેના અણુએ અણુમાં શોષ પ્રસરતો જાય છે. સમગ્ર નવલકથા વિષયવસ્તુમાં શોષ પ્રતીક બનીને ઊભરી રહે છે. માધવી-પૂરંદર વચ્ચેનું અંતર વધતું જાય છે. માધવીથી રાજેન્દ્રને બદલે ‘ઇન્દ્ર’ બોલી જવાય છે. બસ, પછી તો પૂરું થઈ ગયું! બન્ને વચે ખાઈ એટલી વધતી જાય છે કે છેલ્લે વાત ડાયવોર્સ સુધી પહોંચે છે. પૂરંદરનું ક્રોધાવેશમાં માધવી જ નહીં, પરંતુ સમગ્ર સ્ત્રીજાતિ વિશે એલફેલ બોલવું, શરાબનું સેવન કરવું અને માધવીને માનસિક રીતે ટોર્ચર કરવી – આ બધાની વચ્ચે પૂરંદરની ગેરહાજરીમાં રાજેન્દ્ર અને માધવીની મુલાકાત આગમાં ઘી હોમવાનું કામ કરે છે અને સખત બોલાચાલી બાદ ‘આપણે ડાયવોર્સ લઈએ છીએ’ એવું કહીને પૂરંદર ત્યાંથી ચાલ્યો જાય છે. માધવી ત્યાં જ ફસડાઈ પડે છે. તેનાં આંસુ સુકાતાં નથી. આપઘાત કરવાની ઇચ્છા થઈ તો પુત્ર રાહુલનું હસતું મોં તેને એમ કરતા રોકે છે. અહીંથી જ નવલકથાની શરૂઆત થાય છે. માધવીના પપ્પાની મિલકતની લાલચમાં ઠંડો પડી જઈને પૂરંદર માધવીને બીજા જ દિવસે કચ્છપ્રવાસે લઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે. માધવીને દુઃખ સાથે આશ્ચર્ય થાય છે કે ગઈકાલે ડાયવોર્સની વાત કરનાર પૂરંદરમાં એકાએક એવું તે શું થયું કે આટલું બધું પરિવર્તન! અને કચ્છના પ્રવાસથી કથાનો બીજો ભાગ શરૂ થાય છે. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદ, સામખિયાળી – જેમ જેમ ગાડી આગળ વધતી ચાલે છે તેમતેમ માધવીની સ્મૃતિઓ તરવરી ઊઠે છે. એને કશે ગમતું નથી. મનમાં વિચારોનું ઘોડાપૂર ચાલે છે. કચ્છથી ભદ્રેસર પહોંચે છે અને ત્યાં દેરા જોતાં ઈ. સ. ૧૩૧૩થી ૧૩૧૫ દરમિયાનના ભીષણ કચ્છ દુષ્કાળનો ઇતિહાસ તાજો થાય છે. એ સમયના બે સોદાગરો – એક જગડુશા અને બીજો દુદાશા. જગડુશા સવર્ણ અને દુદાશા મેઘવાળ. જગડુશાએ અન્નના ભંડાર ખુલ્લા મૂક્યા તો દુદાશાએ વાવ બંધાવી. એ વાવ આવતાં જ માધવીના અંતરમાં ઘેરી વળેલી તરસ અણુએ અણુમાં પ્રસરી ગઈ. વાવમાં ઊતરતાં જ તેના ગળે બાઝેલો કાલાતીત ડચૂરા જેવો શોષ તેને ધ્રૂજાવી દે છે. વાવનાં જળ તેના જીવનમાં ઊભરાય તેવી તેની ઝંખના છે. અને તે તંદ્રાવસ્થામાં સરી પડે છે. પછી તો દુદાશાનો આખો ઇતિહાસ, મેઘવાળ કોમના યુવાન દેશળ અને રાજગઢની કુંવરી રાજલનો પ્રેમસંબંધ આલેખાતો જાય છે. દેશળ અને રાજલની કથાનો આશરો લઈ લેખિકાએ રાજેન્દ્ર મકવાણા અને માધવીના અતૂટ પ્રેમસંબંધને કથાના અંત સુધી જીવંતતા બક્ષી છે. રાજલ અને માધવીનું જીવન જાણે કે એકમેકમાં ગૂંથાઈ જાય છે. સામે રાજેન્દ્ર અને દેશળનાં પાત્રો પણ પછાત વર્ગના હોવાનો અભિશાપ લઈ અગ્નિ પરીક્ષા આપતાં રહે છે. ઉજળિયાત એવા જગડુશાનાં સ્મારકો જીર્ણોદ્ધાર પામતાં ગયાં, જ્યારે દુદાશા મેઘવાળે બંધાવેલી વાવ ખંડેર હાલતમાં છે. ‘આપણો સમાજ જાતિવાદને દૂર કરી શક્યો નથી.’ એ ઉચ્ચારણ સાથે જ માધવીના મોંએ લેખિકા સામાજિક વાસ્તવને અભિવ્યક્ત કરે છે. મેઘવાળ છે દેશળ એવું ઉચ્ચારણ કરનારી રાજલની સામે ‘આપણા પ્રેમના ગરત માટે મારું માથું આપતાં જરાય પાછો નહીં ફરું’ એવા ઉન્નત વિચારોવાળો દેશળ રાજલ કરતાં અનેકગણો ઉન્નત ચીતરાયો છે. નવલકથાને અંતે માધવી ગઢની ભગ્નતા જોતાંજોતાં દેશળ, દેશળની બૂમો પાડે છે અને પૂરંદર હાથ ખેંચીને તેને લઈ જવા પ્રયત્ન કરે છે. ‘માધવી તું મૃગજળ પાછળ દોડે છે! સંભાળ તારી જાતને!’ ત્યારે માધવી જવાબ આપે છે, ‘મૃગજળ હોય કે સ્વપ્નછળ એ મને વધુ શાતા આપે છે. મારે જવું છે દેશળ પાસે.’ એમ કહેતાં અંતે એ કોમામાં સરી પડે છે અને કથા પૂરી થાય છે. ‘શોષ’નો અર્થ અહીં સ્ત્રીજાતિ અને પછાત જાતિના લોકોને સતાવતા સામાજિક અન્યાય, અત્યાચાર, શોષણ, અસ્પૃશ્યતા અને ઉચ્ચવચતાના સંદર્ભે છે. કચ્છની તરસી ધરતીનો શોષ, માધવીના જીવનમાં પ્રવર્તતો શોષ, રાજલને કંઠે બાઝેલો પ્રિયતમનો શોષ વગેરે ધ્વનિઓ અહીં પ્રગટે છે. સામાજિક બંધનો તોડવા મથતી નાયિકા માધવી અહીં ઉજળિયાત કોમની દર્શાવાઈ છે. છતાં તે સ્ત્રીજાતિ અને પછાતજાતિઓના પ્રશ્નો ઉઠાવે છે, જે પ્રશંસનીય છે અને નવલકથાનું ઊજળું પાસું છે. રાજેન્દ્ર મકવાણા જેવા પછાત વર્ગના યુવાન દ્વારા કળા કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ઇજારો નથી, એવું લેખિકાએ પ્રસ્થાપિત કર્યું છે. એ દૃષ્ટિએ આ નવલકથા સ્ત્રીજાતિ અને પછાત જાતિના જીવન જીવવા માટેના સંઘર્ષની કહો કે અસ્તિત્વની લડાઈ બની રહે છે. તેનાં પાત્રો નવલકથાના વેગને ધસમસતો રાખે છે. સાંપ્રત કથાની સાથે ઇતિહાસને વણી લઈ લેખિકાએ ઇતિહાસમાં પણ અસ્પૃશ્યો સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે, તે ચીંધી બતાવ્યું છે. ‘શોષ’ નવલકથાની ભાષા સંસ્કૃત પદાવલીઓથી ભરપૂર છે. સંવાદો વાંચતાં જ લેખિકાના વિશાળ વાચનનો ચોક્કસ અનુભવ થાય. નવલકથામાં પ્રયોજાતા શબ્દો અક્ષંતવ્ય, પર્યુત્સુક્તા, ક્ષપિત, અવિનશ્વર, તમોલિપ્ત, વિવક્ષિણતા, પરિશ્રાંત, પૃથગ્વાસ, ઉદ્યદ્યૌવના, ઉરુચક્ષા, અભિહત, અર્ણવ, ઉદ્ભ્રાંતતા વગેરે શબ્દોનો પ્રયોગ લેખિકાની સંસ્કૃત અને ગુજરાતી ભાષા પરની પકડ દર્શાવે છે. ઉપરાંત કચ્છી ભાષાનો પ્રયોગ અદ્ભુત રીતે નવલકથામાં થયો છે. ‘શોષ’ નવલકથા નિમિત્તે અહીં લેખિકાનું પ્રણય-ચિંતનનું અને સામાજિક વિષમતાનું દુઃખ પણ જાણે કે અભિવ્યક્ત થયું છે. માધવીની ચૈતસિક સ્થિતિ દયનીય છે. ચેતન-અચેતન ગતિવિધિઓથી પેદા થતી પરિસ્થિતિ વિષયવસ્તુને વધુ રોચક બનાવે છે. અતીત અને સાંપ્રતને જોડવામાં લેખિકાને ધારી સફળતા મળી છે. આમ, સ્ત્રીજાતિ અને પછાત જાતિના પ્રશ્નોને વાચા આપતી આ એક ઉત્તમ સાહિત્યકૃતિ આપી દક્ષા દામોદરાએ ગુજરાતી નવલકથા સ્વરૂપને વધુ સમૃદ્ધ કર્યું છે.
પ્રા. ડૉ. સુનીલ જાદવ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
શ્રી ડી. કે. કપુરીયા આટ્ર્સ ઍન્ડ શ્રીમતી એસ. બી. ગારડી કૉમર્સ કૉલેજ, કાલાવડ (શીતલા)
જિલ્લો : જામનગર ૩૬૧૧૬૦
મો. ૯૪૨૮૭૨૪૮૮૧
Email: suniljadav૧૯૭૪@gmail