નવલકથાપરિચયકોશ/સાસુ વહુની લઢાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘સાસુવહુની લઢાઈ’*[1]  : મહીપતરામ નીલકંઠ
‘સાસુવહુની લઢાઈ : વારતારૂપે ખરી છબી : સુબોધ અને રમૂજ સહિત’

– ગુણવંત વ્યાસ
Sasuvahuni Ladhai.jpg

સામાજિક નિસબત એ અર્વાચીન કથાસાહિત્યનું પ્રમુખ લક્ષણ રહ્યું છે. સર્જક જે સમયમાં જીવે છે એ સમયના સમાજની ખામીઓ અને ખૂબીઓ, વિચિત્રતા અને વિશેષતા સાથે રીતરિવાજો, માન્યતાઓ અને રૂઢ કરી ગયેલા કેટલાક ખ્યાલોને વિષયવસ્તુ તરીકે સ્વીકારી વાર્તા-નવલકથાનું સર્જન કરવું એ ગાંધી-અનુગાંધીયુગ સુધી ને એ પછીએય અનુઆધુનિકયુગ સુધી લખાતું-જિવાતું-ચર્ચાતું-સર્જાતું આવ્યું છે. અર્થાત્, સામાજિકતા સર્જકને હાથવગો, મુખવગો ને કાગળવગો વિષય છે! અર્વાચીનકાળના આરંભે આ સામાજિકતા કવિતા ને નિબંધને ખભે ચડીને આવી. ખોટા ખ્યાલો ને રૂઢ રીતિઓ સામે પડકાર ઝીલીને સુધારકયુગના સર્જકોએ કલમ ચલાવી. આંખો ઊઘડી જાય એમ નહીં, પણ આંખો પહોળી થઈ, ફાટી જ રહી જાય એમ એક પછી એક કૃતિ દ્વારા ચાબખા વીંઝ્યા! નાટકમાં એ ‘લલિતાદુઃખદર્શક નાટક’ (૧૮૬૬)થી અને નવલકથામાં એ ‘સાસુવહુની લઢાઈ’ (૧૮૬૬)થી ધ્યાનપાત્ર બની. ‘સાસુવહુની લઢાઈ’ અને ‘કરણ ઘેલો’ એક જ વર્ષે પ્રગટ થઈ હોઈ, પ્રથમ કઈ? – વિશે પ્રશ્નો થયા હતા. પક્ષકારોએ ‘સાસુવહુની લઢાઈ’ પ્રથમ હોવાનાં કેટલાંક કારણો રજૂ પણ કર્યાં; પણ એ પ્રથમ હોવાનું પુરવાર ન થઈ શક્યું, ને ‘કરણ ઘેલો’ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા તરીકે સ્વીકૃત બની. ‘સાસુવહુની લઢાઈ’ ભલે ગુજરાતી પ્રથમ નવલકથા ન ગણાઈ; પ્રથમ સામાજિક નવલકથા તરીકે તો સ્વીકારાઈ જ! સામાજિક દસ્તાવેજ બની રહે એવી વાસ્તવિકતાને આધાર બનાવી સમાજની ‘ખરી છબી’ને ‘વારતારૂપે’ રજૂ કરવાનો યશ મહિપતરામ રૂપરામ નીલકંઠને ફાળે જાય છે. કવળા સાસરિયામાં જીવવું દોહ્યલું બની જાય; એ અંતે ‘સોનલા સરીખી ચેહ’ ને ‘રૂપલા સરીખી રાખ’ બનીને જ જંપે એવી ઘાતક ને ક્રૂર સામાજિક રૂઢિ-રીતિનો આકરો અહેવાલ અહીં સવિશેષ બોધાત્મક રૂપે રજૂ થયો છે. શીર્ષકની ટેગલાઈન ‘વારતારૂપે ખરી છબી’ છે; જે સાચું છે, પણ સાથે સાથે ‘સુબોધ અને રમૂજ સહિત’ પણ છે; જે અર્ધસત્ય છે! અહીં પાત્ર અને પ્રસંગ નિમિત્તે સુબોધ કરાવતી કથાઓ-ઉપકથાઓ જરૂર છે; પણ રમૂજ કરાવે એવા પ્રસંગો ભાગ્યે જ છે. એટલે કે અહીં નહિવત્ એવા હાસ્યના થોડાંક જ છાંટણાંની આસપાસ કારુણ્યની નદી વહે છે. નવલકથાનો મુખ્ય રસ જ કરુણ છે. સાસરીમાં સ્ત્રીને સાંભળવા પડતાં મેણાં-ટોણાં, સાસુ અને નણંદની ચઢવણી, કાચા કાનના પતિ દ્વારા પડતો માર ને નિઃસંતાનપણું જેવા વિષયોને વણી-ગૂંથીને કથારસ ખીલવતા સર્જકે કથાન્તે નાયિકાનું મૃત્યુ દર્શાવીને કથાને કરુણાન્ત બનાવી છે. આથી લેખકે આપેલા ઉપશીર્ષકને શબ્દો ‘રમૂજસહિત’ કે ડાહ્યાભાઈ દેરાસરીના શબ્દો ‘હાસ્યરસકથા’૧[2] કથાના મૂળ કથાનક સાથે ખાસ બંધબેસતા નથી. મહીપતરામનો મુખ્ય ઉદ્દેશ સમાજસુધારાનો છે. ઇંગ્લૅન્ડના પ્રવાસ નિમિત્તે દરિયો ખેડવાની સજારૂપે જ્ઞાતિબહાર મુકાતા મહિપતરામ સમાજની અંધશ્રદ્ધા, વહેમો, ખોટાં રૂઢિ-રિવાજોથી જ્ઞાત છે. પોતાના સમયમાં સ્ત્રીઓને સાસરીપક્ષ તરફથી સહન કરવા પડતા અત્યાચારોને એમણે જોયા-જાણ્યા છે. એને સમાજ આગળ યથાતથ રૂપે મૂકવા, ને એ નિમિત્તે થોડી બોધકથાઓના માધ્યમથી સમાજની આંખો ઉઘાડવી એ આ કથાનો પ્રમુખ હેતુ છે, ને એ મહદ્અંશે સિદ્ધ પણ થયો છે. ‘સાસુવહુની લઢાઈ’ની પ્રથમ આવૃત્તિ પ્રમાણમાં ચુસ્ત હતી. લેખકે બીજી આવૃત્તિમાં થોડા ફેરફારો ને થોડાં ઉમેરણો કર્યાં. કથાની શિથિલતામાં એણે પણ ભાગ ભજવ્યો. બીજી આવૃત્તિથી કથા થોડી લંબાઈ, ને ૨૧ પ્રકરણોમાં ડિમાઈ સાઇઝનાં ૧૪૫ પાનાંમાં એ વિસ્તરી. મુખ્ય કથા નાયિકા સુંદરની આસપાસ આકાર લે છે. દામ્પત્યજીવનના સુખદ સ્વપ્ન જોતી નાયિકાના જીવનમાં લગ્ન પછી દુઃખનાં ઝાઝેરાં ઝાડ ઊગી નીકળે છે. ખરા-ખોટા નહીં, પણ ખોટ્ટેખોટા આક્ષેપો મૂકીને પતિના કાન ભંભેરતાં સાસુ, ને એમાં સૂર પુરાવતી નણંદની વાતોમાં આવી જઈને સુંદરને ભાંડતો ને માર મારતો અવિચારી પતિ હરિનંદ સાવ કાચા કાનનો છે. સસરા રમાનંદ ખુદ પત્નીથી ડરેલા ને દબાયેલા છે! જેઠ વીજીઆનંદ સાચાને સાચું ને ખોટાને ખોટું કહેનાર એકમાત્ર સમજદાર વ્યક્તિ તરીકે પરિવારમાં છે. ઘરમાં બીજી – મોટી વહુ – જેઠાણી – નામે ચંદા બળૂકી છે! જેવા સાથે તેવા-નો વ્યવહાર એને આવડે છે! જરૂર પડે નાટક પણ કરી શકે ને ધૂણી પણ શકે એવું સ્ત્રી-ચરિત્ર એના લોહીમાં છે! સાસરીમાં કેમ રહેવું એની ગુરુચાવી એની પાસે છે. એ એકાધિક વાર સુંદરને પણ એમ કરવા સમજાવે છે; પણ પ્રકૃતિએ જ ભોળી, ભલી ને સાચુકલી સુંદર એ પ્રમાણે વર્તી શકતી નથી! પરિણામે અનેક દુઃખો, અપમાનો, અવહેલનાઓ વચ્ચે જિંદગીનાં કરુણ વર્ષો પસાર કરતી તે અંતે પતિના અસહ્ય મારથી મૃત્યુ પામે છે! સુંદરના જીવનમાં પાશેર પીડા વધુ ઉમેરતું તેનું વાંઝિયાપણું કૃતિને વધુ કરુણ બનાવે છે. કથાની રચનારીતિ જુઓ તો લેખકે પહેલા જ પ્રકરણમાં કથાનાયિકા સુંદરનાં માતા-પિતા, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને પતિનો પરિચય કરાવી દીધો છે! સુંદરના જન્મનું સંવત વર્ષ-૧૭૫૯ દર્શાવીને કથાસમય પણ દર્શાવી આપ્યો છે! સાતમે વર્ષે વિવાહ ને નવમે વર્ષે લગ્ન કરીને ચૌદમે વર્ષે સાસરે જતી સુંદર પ્રકૃતિએ પ્રેમાળ છે. એ સમયમાં કન્યાકેળવણી સપનું જ હતું ત્યારે એ દેવનાગરી લિપિમાં વાંચી-લખી શકે છે. માબાપની આર્થિક સ્થિતિ કંગાળ હોવા છતાં ખાવાનું અન્ય બહેનપણીઓને ખવડાવીને ખાતી તે લાલચુ કે અકરાતી નથી જ એ પ્રથમ પ્રકરણમાં જ લેખકે નિર્દેશી આપ્યું છે. ‘સાસુજી બહુ લાડ લડાવશે, નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે, વરની માનીતી થઈશ’ જેવાં સપનાંમાં મહાલતી સુંદર વિશે લેખકે પહેલા પ્રકરણના બીજા જ પાના પર ભવિષ્યનો સંકેત કરી દીધો છે; ‘પણ હાય હાય! એના નિરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે!’ લેખકે ત્રીજા પાના પર ‘તેને સાસરે રાખી, ને ત્યારથી એની દૂરદશાનો આરંભ થયો’ – નોંધીને બાકીની સમગ્ર કથા ઉઘાડી કરી નાખી છે! સુંદરના પતિ હરિનંદ, સસરા રમાનંદ, સાસુ અનપુણા, જેઠ વીજીઆનંદને નણંદ કમળાના વ્યક્તિવિશેષો, જાતિસ્વભાવો પ્રથમ પ્રકરણમાં જ સૂચવી દીધાં છે! કમળાનાં સાસુ-સસરા મૃત્યુ પામ્યાં છે. પતિ નબળા મનનો છે. સાસરે કોઈ પૂછનાર નથી. પિયરમાં લાડકી છે! સ્વચ્છંદે વર્તતી તે કોઈવાર રાતે મરદનાં લુગડાં પહેરીને પણ નીકળતી દર્શાવી છે. સાસુએ એની સાસુ તરફથી ખૂબ દુઃખ વેઠ્યું હોઈ, બદલાની ભાવનાએ ‘વહુવારુઓ દાશીઓ છે, તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી.’ એવી એની રૂઢ માનસિકતા તત્કાલીન સમાજનું ચિત્ર તો રજૂ કરે જ છે; સાસુઓની રુગ્ણ મનોદશા પણ ચીંધે છે. બીજા પ્રકરણમાં જેઠાણી-ચંદાગવરીનું સ્ત્રીચરિત્ર છે; સાથે છે પતિનો ઘાતકી સ્વભાવ! અકારણ સુંદરને ભાંડતો, મારતો ને સીડીએથી ગબડાવતો તે બેભાન સુંદરની ખબર લેવાની દરકાર પણ નથી કરતો! પાંચ પાનાંનું પહેલું પ્રકરણ ને ત્રણ પાનાંના બીજા પ્રકરણ પછી અગિયાર પાનાંના ત્રીજા પ્રકરણમાં પતિ હરિનંદના કાચા કાનનો પરિચય કરાવી દીધો છે! પત્નીને મારતા હરિનંદની મિત્રો દ્વારા મશ્કરી, હરિનંદનો ગુસ્સો અને સમજદાર મિત્ર ગંગાશંકરની ‘સુબોધ’ભરી સલાહ ઉપરાંત ‘મા સદા નિર્દોષ હોય એમ સમજવું નહીં. બીજા ભૂલ કરે; તેમ મા પણ ભૂલે ને વાંક કરે’ – એ સમજાવતી બોધકથા પ્રકરણનો મુખ્ય ભાગ રોકે છે. હઠીસિંહ ને તેની પત્નીની દૃષ્ટાંતકથા પ્રકરણમાં સાત પાનાં રોકે છે! માન કરતાં પત્નીએ વધુ પ્રેમ અને નિષ્ઠા દાખવી હોય તેની આ ઉપકથા દ્વારા મિત્ર ગંગાશંકર હરિનંદને જે સમજાવવા માગે છે તેનો સાર આટલો છે : – ‘ધણી-ધણીઆણીના સંબંધ વિશે વિચાર કરશો તો બહુ ફાયદો થશે.’ – ‘માનાં કામ તે મા કરે, ને વહુનાં કામ તે વહુ કરે, બન્નેને સમતોલ રાખવાં એમાં ખરું પુરુષાર્થ છે.’ – ‘વહુ જેમ ભૂલ કરે તેમ મા પણ ભૂલ કરે.’ હરિનંદ સમજી જઈને પત્નીને ચાહવા તો લાગે છે પણ ‘શેઠની શિખામણ ઝાંપાં સુધી’ – જેમ; સાસુનું નાટક ને ઢોંગ શરૂ થતાં કાચા કાનનો તે ફરી ગુસ્સે થઈ, પાણી ભરી આવતી સુંદરને મારવા લાગે છે! હરિનંદની જોહુકમી ને પોકળ પુરુષપણું તેના શબ્દોમાં ગંધાય છે : ‘વહુ તો એક મરે ને બીજી આવે... વહુ આપણી દાશી છે, લુંડી છે, ગુલામડી છે... હું મારીને બેસ કહું તો બેસે ને ઊઠ કહું તો ઊઠે... મરદ તે અમે!’ – ચોથા પ્રકરણની આ કથા હરિનંદ (ને આપણને પણ) હતા ત્યાં ને ત્યાં લાવી દે છે! હરિનંદ સુધર્યો નથી, તેમ સુધરવાનો પણ નથી એ વાચક સમજી જાય છે. વાચકને જો સુંદરની જ કથામાં રસ હોય તો તે પ્રકરણ પાંચથી દસ છોડીને પણ વાંચી શકે છે! – આ છ પ્રકરણો – એટલે કે આશરે પચાસ પાનાંમાં સુંદર ક્યાંય નથી! સુંદરની કથા પણ ક્યાંય નથી! જે છે તે સમાજના કુરિવાજો. પરંપરાના નામે ચાલ્યા આવતા જ્ઞાતિગત કુરિવાજોથી દીકરીને ને દીકરીનાં માબાપને આર્થિક, માનસિક અને શારીરિક જે સહન કરવાનું આવે છે તેનો વરવો ચિતાર છે. ચંદાની બહેનની અઘરણી ને સીમંતના પ્રસંગ દ્વારા ગવાતાં નઠારાં ગાણાં, માગીને આભૂષણો પહેરવાની ‘વાઘવિધિ’, સ્ત્રીનું વાંઝિયાપણું, વ્રતો-માનતાઓની પોકળતા, બાળલગ્નોની આડઅસરો, લગ્નમાં પહેરામણી, દાપાં, દહેજ જેવી ઘર કરી ગયેલી લગ્નચાલ, પુત્રીજન્મની પરિવાર પર થતી અસર, દૂધ પીતી કરવાનો રિવાજ, બહુપત્નીત્વની ચાલ અને વિધવા સ્ત્રીઓ પર થતા અત્યાચારો, ખર્ચાળ લગ્નો, જમણવારના ખર્ચાઓ, છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ જેવાં સામાજિક દૂષણો. ને એ વિશે યોગ્ય દિશાદર્શન કરાવતો સુચારુ બોધ રવીનારાયણ દવેના પાત્રથી લેખક કરાવે છે. રવીનારાયણ ચંદાના બનેવી છે. પ્રકરણ ૫થી ૧૦માં આ પાત્ર એવું તો છવાય છે કે આગળનાં પ્રકરણ ન વાંચનારને એ જ કથાનાયક લાગે! આ પ્રકરણોમાં પૂર્વે કે પછી આ પાત્રનો નામોલ્લેખ પણ નથી! સુધારાવાદી વિચાર ધરાવતા રવીનારાયણના પાત્ર દ્વારા લેખક પોતે જ બોલતા હોય એવું સૌ કોઈને લાગે! લેખકનો મુખ્ય ઉદ્દેશ જ સમાજસુધારણાનો હોઈ, કથાનિમિત્તે બોધ નહીં, પણ બોધનિમિત્તે કથા લખાઈ હોય એ હદે – મુખ્ય પાત્ર ને મુખ્ય કથાને હડસેલીને પણ – બોધ પ્રમુખપણે સમગ્ર કથામાં છવાયો છે! કથા આથી ગૌણ બની છે! ચરોતરના પટેલો, સૂરતના અનાવિલ બ્રાહ્મણો, અમદાવાદના ઔદિચ્ય બ્રાહ્મણો અને સોનીઓના સમાજમાં ઘર કરી ગયેલા ખોટા રિવાજો ને જૂઠી માન્યતાઓને બેધડક ખુલ્લેખુલ્લી આલેખી છે! મજાની વાત અહીં એ છે કે લેખકે જ્ઞાતિના વિચિત્ર રિવાજોને દર્શાવવા પત્ર-પ્રયુક્તિ પ્રયોજી છે. પ્રકરણ આઠ અને નવમાં એક-એક પત્ર મૂકી, તેના વાચન દ્વારા સામાજિક રૂઢિઓને રજૂ કરી છે. દસમું પ્રકરણ કપટી ફકીર અને બાવાઓની ચાલ સમજાવતું, ચંદાના વાંઝિયા હોવાની પીડાને રજૂ કરે છે. સાડા ત્રણ પાનાંના આ પ્રકરણમાં ફકીર, પીર, જોષી, બ્રાહ્મણ, સ્વામી, સંન્યાસી, મહારાજ ને બ્રહ્મચારી બધાના ઉધડા લીધા છે! સ્ત્રી માટે રાંડ, લુચ્ચી, જુઠી, ધુતારી ને વાંઝણી કહીને ભાંડતો સમાજ એક બાજુ છે, તો બીજી બાજુ દોરા-ધાગા, જંતર-મંતરને શરણે જતી વિવશ સ્ત્રી છે. પતિ વીજીઆનંદની ઘણી ના છતાં ફકીરને શરણે જતી ચંદા કથાને નવી દિશા તરફ વાળી, અંત તરફ આગળ વધારે છે. દસ પાનાંનું અગિયારમું પ્રકરણ સાત પાનાંની ગણપતિ-વ્રતકથા લઈને આવે છે! આ વ્રતકથા જે પ્રકારે લયાત્મક સૂરે કહેવાય છે એ સ્ત્રીઓ દ્વારા કહેવાતી વિવિધ વ્રતકથાઓની લયબદ્ધ શૈલીનો નિર્દેશ કરે છે. ગણપતિકથાના વ્રત, વિધિ ને ફલશ્રુતિ જણાવ્યા બાદ લેખક પાદટીપમાં એને ‘નિરાધાર, હસવા જેવી, ગાંડાઈ ભરેલી, કેવળ જૂઠી’ જણાવી, કેવા ‘મૂર્ખ માણસો આ દેશમાં છે એ દીલગીરીની વાત’ કરવા જ આ કથા અહીં મૂકી હોવાનું નિર્દેશે છે! બારમું પ્રકરણ સૌથી વધુ કરુણ ને દુઃખદાયી છે! સુંદરના દુર્ભાગ્યની હદ ઓળંગતા આ પ્રકરણમાં મંછી સોનારણ નામની રખાતને રવાડે ચડતો હરિનંદ પહેલાં સુંદરના પગની સાંકળી ચોરી રખાતને આપી આવે, ને એનું આળ સુંદર પર નાંખે! ને પછી રખાતની જીદે જ સુંદરના કાનની પાંદડી પડાવી લેવા જ સ્તો અસહ્ય, મરણતોલ, ઢોર માર મારે! સાંકળી ચોરીને રાતે રખાતને મળવા જતા હરિનંદ હવાલદારને હાથે પકડાતાં એક સાંકળી તેને આપી છૂટે! પગની લાતોથી ન ધરાતો હરિનંદ વાંસની લાકડી તૂટી જાય ત્યાં સુધી મારે, ને અંતે હાથોની થાપટોથી ગુસ્સો ઠાલવે, જીદ લઈ બેઠેલી જેઠાણી પુત્રપ્રાપ્તિ માટે ચોરીછૂપીથી ફકીરને મળવા જાય ને ના કહેતી, મરવા ઇચ્છતી સુંદરને પણ આગ્રહ કરી સાથે લઈ જાય! સુંદરની દયનીય સ્થિતિ અનુકંપા જન્માવે. ગતિશીલ અને ધારદાર વાક્યરચનાઓથી આખું પ્રકરણ પ્રાણવાન બનતું લાગે. સાત પાનાંના તેરમા પ્રકરણમાં પાંચ પાનાંની અન્ય એક (ચતુર સ્ત્રીની) ઉપકથા ઉમેરાય છે! ફકીરની લુચ્ચાઈ, દંભ ચૌદમા પ્રકરણમાં ખુલ્લાં પડે છે! સિપાઈઓ દ્વારા પકડાયેલો ફકીર કોટડીમાં કેદ થાય છે. સુંદર ભાગી જાય છે ને ચંદાને એના સાસરિયાને તેડાવી સુપ્રત કરાય છે. મોડાસાના થાણેદાર હસનખાં પઠામ નામે એક નવું, પ્રભાવક પાત્ર પંદરમા પ્રકરણમાં ઉમેરાતાં અન્યાય ને અત્યાચારની કથામાં એક નવો વળાંક આવે છે. સમગ્ર નવલકથામાં થોડાં સારાં, પ્રમાણમાં ભલાં ને ન્યાયી ઉપરાંત સ્ત્રીપક્ષ લેનારાં થોડાં સારાં પુરુષપાત્રોમાં આગંતુક એવા રવીનારાયણ અને હરિનંદના મિત્ર ગંગાશંકર ઉપરાંત કંઈક અંશે સુંદરના જેઠ વીજીઆનંદનો સમાવેશ કરી શકાય. હસનખાં પઠાણ એમાં શિરમોર છે. એ થાણેદાર છે; પણ લાંચ-રુશ્વતથી દૂર છે. એ જેટલો ભલો એટલી જ ભલી એની બેગમ છે. ભાગીને થાકી જઈ રડવા લાગતી સુંદરને શોધી કાઢી સારવારઅર્થે પોતાના ઘરે જ રાખતો પઠાણ અને એની સરભરામાં ખડે પગે રહેતી એની બેગમ બન્ને કથાનાં સમભાવી ને હમદર્દી પાત્રો છે. માયાળુ ને સદ્ગુણી બેગમ સંતાનહીન હોઈ, પઠાણને બીજી શાદી માટે પણ છૂટ આપે એવી ઉદાર છે; પણ ‘એક બાયડી જીવતાં બીજી કરવી એ ઠીક નથી’ એવા મતવાળો પઠાણ સ્ત્રીસન્માનની ભાવનાવાળો છે. ફકીર સામે મુકદ્દમો ચલાવતો, દંડતો ને હદ બહાર કાઢતો આ થાણેદાર હરિનંદને પકડી, કેદ કરી, સુંદર સાથેનો પતિહક પણ ફોક કરે છે! ગામને મોઢે ગરણાં થોડાં બંધાય?! લોક પઠાણ ને સુંદરના આડસંબંધોનાં ગાણાં જોડે; ને હરખભેર ગાય પણ ખરા! એવું એક લોકજીભે-હૈયે ચડેલું એક આખું ગીત પણ અહીં મૂક્યું છે. સાથે, એક કાશી ભણી આવેલો દલિત પોતાને પંડિત કહેવડાવી બ્રાહ્મણની કન્યાને પરણી જાય, પણ સ્ત્રીને હકીકતની જાણ થતાં બે બાળકો સાથે બળી મૂએ એની નાનકડી કથા પણ જોડાય! એ દ્વારા જાતિગત લક્ષણો પ્રગટ્યા વિના રહેતાં નથી એ વાત પણ લેખક જોડી આપે! સુંદરની સારવાર કરતો હકીમ રૂપિયાની લાલચે ‘જૂઠો રિપોર્ટ’ તૈયાર કરી હરિનંદને બચાવવા સક્રિય થાય; પણ ગંધ આવતાં જ પઠાણ હકીમ જ બદલી નાખે! સુંદરને ખુશ રાખવા પ્રયત્નશીલ પઠાણ ને એની બેગમ દ્વારા – બે બીજાં પ્રકરણ રોકી, – સ્ત્રીચરિત્ર ને નારીચતુરાઈની – બે ઉપકથા કહેવડાવી લેખક કથાવિસ્તારથી ખાસ વધુ ન ઉમેરે! પ્રકરણ ૧૮ ને ૧૯ વાચક ધારે તો છોડી શકે એ માત્રામાં ઉપકથા એ પ્રકરણોમાં જગ્યા રોકે છે! ઓગણીસમા પ્રકરણને અંતે સુંદર મૃત્યુ પામતાં ‘સદ્ગુણી અને નિરપરાધી સ્ત્રીની કણી’ (કહાની) પૂરી થાય. સાર એ મળે કે, ‘આ જગતમાં કેવળ દોષરહિત માણસ હોતાં જ નથી.’ – અને, પુરાકથા-વ્રતકથાની જેમ કંઈક ફલઃશ્રુતિ પણ મળે : ‘જે સ્ત્રી કે પુરુષ આ પુસ્તક વાંચશે તેના રદયમાં એના દુઃખ અને અકાળ મૃત્યુથી કરુણા ઉપજ્યા વગર રહેશે નહીં; તથા તે સાસુના જુલમને ધિક્કારશે.’ કથા અહીં પૂરી થવી જોઈતી હતી; પણ લેખકને મૃત્યુપશ્ચાદ્નાં વિધિવિધાનો, રિવાજો અને જ્ઞાતિપ્રથાની પણ ઠેકડી ઉડાડવી છે; ને ઉપશીર્ષકમાં આપેલ ‘રમૂજસહિત’ શબ્દોને સાચા પણ ઠેરવવા છે. એટલે એ માટે બીજાં બે પ્રકરણ કથાને લંબાવે છે! સ્વજ્ઞાતિનાં મડદાં ઉપાડવાના બે-બે રૂપિયા ગૃહસ્થ પાસેથી લેતા નાગરો, સુંદર મુસ્લિમના ઘરમાં મરી હોવાથી કૂટવા જવાય કે નહીં એવું શાસ્ત્રીને પુછાવતી સ્ત્રીઓ, સ્ત્રીઓ દ્વારા લેવાતાં છાજિયાં, પઠાણની બદલી, વીજીઆનંદ પાસેથી રૂપિયા ખાઈને હરિનંદને જનમટીપથી બચાવતો નવો સૂબેદાર, કેટલાક બળૂકા બ્રાહ્મણો દ્વારા ઉત્તરક્રિયા નહીં કરાવવાનો નિર્ણય, સુંદરને બાળવા ગયેલા મૂછ મુંડાવે તે દસ દસ ગાયો દાનમાં આપે તો જ સમાધાન, ભૂખહડતાલ કરતા રમાનંદ – અણપુણા (સુંદરનાં સાસુસસરા), સમાધાન માટે બ્રાહ્મણોની સભા ભરાવી, આક્ષેપો-પ્રતિઆક્ષેપોમાં ખૂલતી બ્રાહ્મણોની પોલ ને અંતે નાત જમાડવાના નિર્ણય સાથે સમાધાન જેવી ઘટના રસિક તેમ માર્મિક છે. વિવાહની નાત કે ઉજાણી હોય તેમ જુવાન વહુના તેરમાના દા’ડે જમવા ઊમટતી, રમાનંદના ખોટ્ટેખોટ્ટાં વખાણ કરતી હરખઘેલી નાત પ્રત્યે હસવું પણ આવે છે ને રડવુ ંપણ! સુંદરની બેનપણીઓ સિવાય કોઈ જ ધિક્કારતું નથી આ ભૂખાળ લોકને ને રિવાજને! મુઆ, દૈત્ય, રોયા, રાક્ષસ, નફ્ફટ, અસુર જેવા શબ્દોથી ભાંડતી સખીઓ આવા જમણમાં ‘ધૂળ નાખી’નો નિસાસો નાખે છે; જે જાણે વંટોળ બની આવે છે ને સૌનાં ભાણાંમાં ધૂળ નાંખી જાય છે! ચોતરફ ઊડતી ધૂળ ને વંટોળમાં જીવ બચાવવા ‘ધૂળ ખાઈને, ભૂખની પીડા પામતી નાગરી નાત’ ઘરે ભાગે છે! આ દૃશ્ય હાસ્ય જરૂર જન્માવે છે, તેમ કુદરતનો ન્યાય પણ તોળે છે. લેખક અંતે વીજીઆનંદ પાસે બોલાવે પણ છે, ‘ભૂંડી સાસુ ઘરમાં કંકાશ કળેશ કરાવે તેની આવી ફજેતી થાય. તે વહુવારુને એક ઘડી ઝંપવા દીધી નહિ તેનાં ફળ આ થયાં.’ ફલઃશ્રુતિ સાથે કથા તો પૂરી થઈ, પણ તે નવલકથા ન બની શકી. કારણ કે આ કથાનો ઉદ્દેશ સ્વરૂપ-શુદ્ધિ કે સ્વરૂપ-સિદ્ધિ નથી જ; સ્વરૂપની સમજ પણ ભાગ્યે જ દેખાય છે! સર્જકનો મુખ્ય ઉદ્દેશ સામાજિક લાંબી કથા દ્વારા સમાજમાં પ્રવર્તતાં કુરિવાજો, ખોટી માન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓ, સ્ત્રીઓ પર થતા અત્યાચારો, જુલ્મો ને અન્યાય સામે સક્રિય સમાજસેવકની જવાબદારીથી, જાગૃત સેનાની માફક કલમ ઉઠાવી સત્યને ઉજાગર કરવું રહ્યું હોઈ – કથા મુખ્યત્વે વાસ્તવ દસ્તાવેજીકથા બની રહે છે. મુખ્યત્વે સુધારાવાદી વિચારધારાના વાહક મહિપતરામે કહેવાતી લગભગ બધી જ સામાજિક બદીઓને આવરી લીધી છે; ઉઘાડી પણ પાડી છે! એના મૂળમાં નાની વયનાં લગ્નો, સમાજનું અશિક્ષિતપણું, ખોટું જ્ઞાતિગૌરવ અને અંધશ્રદ્ધા ઉપરાંત ધર્મ વિશેની અપૂરતી અને ખોટી જાણકારી છે! સ્ત્રીઓમાં લગભગ બધી જ વૃત્તિ-પ્રકૃતિની સ્ત્રીઓ (જુઓ : સુંદર, ચંદા, પઠાણબેગમ, કમળા, અનપુણા ને મંછી સોનારણ) સાથે બધા જ પ્રકારના પુરુષો (જેવા કે, પઠાણ, રવીનારાયણ, ગંગાશંકર, વીજીઆનંદ, રમાનંદ, હરિનંદ) અહીં (ગુણસંદર્ભે એના ઊતરતા ક્રમે) હાજર છે! અહીં પ્રાર્થના છે, લગ્નગીતો ને ફટાણાં છે, સુંદર-પઠાણના સંબંધોને જોડતું લોકગીત પણ છે ને છાજિયા લેતી સ્ત્રીઓના મુખે ગવાતા મરસિયા પણ છે! નાની-મોટી આઠ ઉપકથા/દૃષ્ટાંતકથા સાથે બે લાંબા પત્રો છતાં કથા ૧૪૫ પાનાંની જ બની છે! સુરત, અમદાવાદ અને ચરોતર જેવા પ્રદેશવિશેષો સાથે બ્રાહ્મણો, પટેલો, સોની અને દલિતોના જ્ઞાતિવિશેષો પણ છે! અહીં દલિતો છે, પણ દલિતોના પ્રશ્ન નથી. અસ્પૃશ્યતા વિશે સભાન સર્જક અસ્પૃશ્યો તરફ સમભાવ દાખવી શક્યા નથી એ તત્કાલીન સમયનો પ્રભાવ છે. કથા નવલકથા બનતી જ નથી એથી સ્વરૂપચર્ચા અસ્થાને છે. અહીં ભાષા તત્કાલીન છે, આથી મિજાશી (મિજાજી), તાહઢું (ટાઢું), હવડા (હમણાં), મસ (ઘણું), દઈત (દૈત્ય), છેત્રે (છેતરે), હોડીપોડીને (ઓઢીપોઢીને), રોબ (રોફ), ચેસટા (ચેષ્ઠા), નાતી (જ્ઞાતિ), સાવર્ણો (સાવરણો), દેવદર્ષણ (દેવદર્શન), તઈઆર (તૈયાર), ઈયાદ (યાદ), ચેરો (ચહેરો), કાણી (કહાની) જેવા શબ્દો સમયસંદર્ભ રચે છે. જોડણી પણ એકસૂત્રી નથી; આથી જ શાંતી, અનીતી, ગુરૂ, જીલ્લો, મીત્રો, વિશય, ગતી, ભેંષ, ગણપતી, સનમાન જેવા શબ્દો મળી આવે છે. અનપુણા–અનપૂર્ણા–અન્નપૂર્ણા કે પાનડી/પાંદડી જેવી મનફાવે એવી જોડણી છાપકામની બેદરકારી જ સૂચવે છે. પ્રથમ આવૃત્તિમાં લેખકને જરૂરી લાગેલા થોડા સુધારા-વધારા બીજી આવૃત્તિને વિસ્તારી બનાવે છે; પણ નવી આવૃત્તિઓના પરિશિષ્ટમાં પહેલી આવૃત્તિના પહેલા અને છેલ્લા પ્રકરણને યથાતથ મૂકીને અભ્યાસુઓ માટે ઉપયોગી કામ કર્યું છે. કથાના પ્રારંભે લેખકની ટૂંકી પ્રસ્તાવના છે. અહીં પ્રારંભે જ મુકાયેલ ‘AN APPEAL, TO MY EDUCATE COUNઘ્YMEN’ નામે અગિયાર પાનાંનો દીર્ઘ લેખ કથા કરતાં વધુ ગંભીર ચિંતનસભર અને ગહન છે. કથાની ભૂમિકા બાંધી આપતો આ અંગ્રેજી લેખ પ્રરપ્રાંતીઓને સમજવા અને એ સમયમાં સ્ત્રીઓની સ્થિતિનો ચિતાર આપવા ઘણો ઉપકારક બને છે. આનંદની વાત એ છે કે જે સમાજ સ્ત્રીને પશુથી પણ બદતર સમજતો હતો ને ‘વહુ મૂઈ ને ઉંદરડી મૂઈ’ જેવી માનસિકતા ધરાવતો હતો એ સમયે એવા સમાજ સામે લાલ આંખ કરી, સાચું સમાજચિત્ર ‘કથા’ના માધ્યમથી આપતા મહીપતરામ નીલકંઠ ખરે જ અભિનંદનને પાત્ર છે.


  1. *શીર્ષક, પાત્રનામ તથા જોડણી મૂળકથાને વફાદાર છે.
    * ઉપયોગમાં લીધેલી આવૃત્તિ : જુલાઈ ૨૦૦૦, સંપા. ભોળાભાઈ પટેલ, ગુ. સા. અકાદમી, ગાંધીનગર.
  2. ૧. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧), ડાહ્યાભાઈ દેરાસરી

ગુણવંત વ્યાસ
ગુજરાતીના અધ્યાપક,
સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.
આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ.
વિવેચક, વાર્તાકાર, સંશોધક, સંપાદક, સાહિત્ય-કથાકાર-
ગુજરાતીનો અધ્યાપક સંઘના વર્તમાન પ્રમુખ (વર્ષ : ૨૦૨૩-૨૪)