નવલરામ પંડ્યા/કાદમ્બરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭. કાદમ્બરી
[અનુ. છગનલાલ હરિલાલ પંડ્યા]

પંડ્યા છગનલાલ હરિલાલ બી. એ. એ આ નામાંકિત પુસ્તકનો તરજુમો કરીને ગુજરાતી ભાષાના ટૂંકા ગ્રંથભંડોળમાં અગત્યનો વધારો કર્યો છે. એ મૂળ ગ્રંથનો કર્તા સંસ્કૃતમાં બાણપંડિત છે; એણે પાતાના કાવ્યમાં શોધી શોધીને એટલા બધા અલંકાર ભર્યા છે કે હવે પછીના કવિને નવું એક પણ ઉપમાન ઉપમેય મળવું મુશ્કેલ થઈ પડ્યું છે. એ ઉપરથી વિદ્વાનવર્ગમાં એક કહેવત ચાલે છે કે ‘બાણોચ્છિષ્ટં જગતસર્વં’, એટલે, દુનિયામાં બીજા કવિઓમાં જે જે રસાલંકાર હોય તે બાણના ઉચ્છિષ્ટ એટલે તેના ગ્રંથમાંથી લીધેલા જ સમજવા. આ ગ્રંથ રસચાતુર્ય શૈલીનો એક સર્વોત્તમ જ નહિ, પણ અનુપમ નમૂનો છે. એની જગતમાં જોડી જ નથી. જેમ દુનિયામાં તાજમહેલ, ઇજિપ્તના પિરામીડ, ને ચીનનો કોટ, તેમ આ કાદમ્બરી ગ્રંથ તે સાક્ષર વિષયમાં એક્કો જ, અનુપમ ને જેનો વિચાર વાંચ્યા વિના બંધાઈ જ શકે નહિ એવો એક ગ્રંથ છે. આવા ગ્રંથનું વિવેચન કરવું કાંઈ હાંસી ખેલ નથી. જે ગ્રંથ લખતાં કવિની આખી જિંદગી પૂરી થઈ અને તેના પંડિત પુત્રે મહા પરાકાષ્ઠાએ પૂરો કર્યો, તે ગ્રંથનું યથાર્થ વિવેચન ઘણા અભ્યાસ અને મનન વિના કરવું એ અનાહત અન્યાય જ કહેવાય. માટે હાલ તો અમે એના આ ભાષાંતર વિષે જ કાંઈક અમારા વિચાર આપીએ છીએ, અને એ દરમ્યાન આપણા પેલા જુવાન કોડીલા લખનારાઓને માત્ર એટલી ચેતવણી આપીએ છીએ કે તમે એની નકલ કરવા પર ઊતરી પડશો નહિ. કેમ કે એ ચાતુર્ય શૈલી બાણ કવિને હાથે રસમય નીવડી એ ખરું, પણ તે એવી અસ્વાભાવિક છે કે એનું છેવટ બહુધા રસહીન કંટાળાભરી શબ્દ ને અર્થની ક્લિષ્ટતામાં જ આવી રહે છે. આ ભાષાંતર અસાધારણ કાળજી, સમજ, તથા ચતુરાઈથી કરેલું જણાય છે. કાદમ્બરીની ગૂંથણી સંક્ષિપ્ત અને ડગલે ડગલે શબ્દાલંકારથી ભરપૂર હોવાને લીધે એનું ભાષાંતર કરવું બહુ જ મુશ્કેલ અને સંસ્કૃત સાથે નિકટનો સંબંધ ધરાવનારી આપણી પ્રાકૃત ભાષાઓ સિવાય બીજીઓમાં તો તે થવો જ અશ્કય એમ અમારો દૃઢ મત છે. તે છતાં આ ભાષાંતર તો ગુજરાતી વિદ્વાનને હર્ષથી વાંચવા યોગ્ય થયું છે, એ આ ભાષાંતરકારની અત્યંત કાળજી તથા ચતુરાઈનું જ ફળ છે. ભાષા સર્વત્ર પ્રૌઢ, શુદ્ધ અને રૂઢ પણ છે. એમાં સંસ્કૃત શબ્દો પુષ્કળ છૂટથી વાપરેલા છે એમાં જરા પણ સંદેહ નથી, પણ તે સંસ્કૃત શબ્દો બહુધા ગુજરાતી શિષ્ટ ગ્રંથો કે શિષ્ટ મંડળમાં વપરાતા અથવા વપરાઈ શકે એવા છે. શ્લેષપદના ભાષાંતરમાં તો ઘણી જ ચતુરાઈ વાપરી છે. આવે સ્થળે ભાષા કાઠિન્ય આવ્યા વિના રહે જ નહિ, પણ તે છતાં નોટની મદદથી ગુજરાતી વાંચનારને તે સમજાઈ શકે એવાં છે. ભાષાંતરકારે પ્રથમ તો મૂળ ગ્રંથનો રસ પોતે સમજવા સારી મહેનત લીધેલી જણાય છે. અને એ પ્રમાણે રસવૃત્તિનો ગ્રંથકાર સાથે સમભાવ કરી નાંખવાથી જ આ ભાષાંતર સરસ નીવડ્યું છે. એ રસ વાંચનારને દેખાડવા નોટમાં સ્થળે સંક્ષિપ્ત પણ સફળ ઇશારા કર્યા છે. ગ્રંથને અંતે નાનો સરખો કઠિન શબ્દોનો કોષ આપ્યો છે, તે પણ સાધારણ વાંચનારને ઘણો ઉપયોગી થઈ પડશે. ગ્રંથને આરંભે બાણભટ્ટનું જીવન ચરિત્ર તથા તેની ગુણ ગણના જે કરી છે તે સમયોચિત જ છે. ત્યાર પછી કાદમ્બરીની કથાનો સાર સંક્ષેપ રૂપે પ્રથમ આપ્યો છે તે તો જરૂરનો જ હતો. બાણભટ્ટે વસ્તુસંકલના એવી યુક્તિથી આડીઅવળી કરી છે, અને પૂર્વાર્ધના લગભગ અંત સુધી તો તે એવી અકલિત ને અકલિત જ રહે છે, કે કેટલાક શાસ્ત્રીઓ પણ એનો કથાભાગ બરાબર જાણતા નથી. એની કથાનો સાર એકઠો કરવો એ દરિયામાં ડૂબકી મારી મોતી કાઢવા ભરાબર છે. વાતનો તો કાંઈ પત્તો લાગતો નથી, એમ કહી ઘણા સાધારણ વાંચનારને સંસ્કૃત કાદમ્બરી છોડી દેતા અમે જોયા છે, અને એમ છે તો ગુજરાતી વાંચનારને તો બેશક આવી સહાયતાની જરૂર જ હતી. અર્થાત્‌ : આ કાદમ્બરીનો દુર્લભ સ્વાદ પ્રજા ચાખે તેને માટે જેટલી સુગમતાઓ કરી આપી શકાય તેટલી કરી આપવામાં ભાઈ છગનલાલે કાંઈ પણ કસર રાખી નથી, અને હવે એનો સ્વાદ પરિપૂર્ણ ચાખવો એ વાંચનારની શક્તિ ઉપર જ આધાર રાખે છે, કેમકે ગમે એટલી સુગમતા ભાષાંતરકાર કરી આપે, તોપણ કાદંબરી એ ગ્રંથ જ એવો છે કે સંપૂર્ણ લક્ષ અને ક્ષણેક્ષણ વિચાર કર્યા વિના સાધારણ વાંચનારથી કદી પણ પૂરેપૂરો તેના રસની સાથે તે સમજાય એમ નથી. એક વ્રજભાષાના કવિએ નીચલો સોરઠો લખ્યો છે તે આવા કાવ્યને બરાબર લાગુ પડેછે. ‘મીસ્રીપાન સમાન, છૂઁવત કઠિન લાગત કહતિ; જૌ કીજે રસપાન, તૌ જાનૈ રસના રસહિ.’ ભાવાર્થ : ‘શેરડી અડક્યાથી કઠિન લાગે છે અને તેને ચાવતાં મહેનત પડે છે, પણ જ્યારે તેના રસનું પાન કરીએ છીએ, ત્યારે જીભ જાણે છે કે આ સ્વાદ કાંઈ ઓર જ છે. તેમ કાવ્યના રસનું છે.’ અમે કહીએ છીએ કે બીજા કાવ્યનું તો હો કે નહિ; પણ બાણભટ્ટની વાણીનું તો એમ જ છે.

૧૮૮૭