નવલરામ પંડ્યા/પ્રાચીન કાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. પ્રાચીન કાવ્ય
[સંપા. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા,શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર]

આશરે ૮૦-૯૦ પાનાંનું આ ત્રિમાસિક છે. અને તે રાવસાહેબ હરગોવનદાસ દ્વારકાદાસ કોઈ શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકરની સાથે મળીને પ્રગટ કરે છે. એના પહેલા અંકમાં હારમાળા, બીજામાં અંગદવિષ્ટિ, અને ત્રીજામાં નરસિંહ મહેતાનાં પદ, ગોવિંદગમન અને દાણલીલાના છપાઈ ગયાં છે. એ હારમાળાના છપાયા પછી તેનો કર્તા કોણ એ બાબત ‘ગુજરાતી’માં જોસબંધ તકરાર ચાલી હતી, અને હજી તે બુદ્ધિપ્રકાશમાં ચાલુ જ છે. આ સવાલ બેશક ઘણો અગત્યનો છે. તોપણ હાલ તો એ સંશોધન પદ્ધતિ ઉપર જ વિવેચન ચાલ્યું હોત તો તે વધારે ઉચિત ગણાત. અનેક પ્રતો મેળવી તેમાં જે વધારે શુદ્ધ માલૂમ પડે તેને મુખ્ય ગણી, તે પ્રમાણે જ ગ્રંથ છાપવો, અને જ્યાં જ્યાં બીજી પ્રતોમાં પાઠાંતર હોય ત્યાં ત્યાં તે પાઠાંતર જરૂરનાં જણાય તો નીચે નોટમાં લખી દેખાડવાં. પોતાની તરફનો કોઈ પણ ફેરફાર કરવો નહિ. નિઃસંદેહ આ નિયમ ઘણો શાસ્ત્રીય છે. અને એ નિયમે જ યુરોપિયન વિદ્વાનો ગ્રીકલૉટિનાદિક કે સંસ્કૃત ભાષાનાં પુસ્તકોનું સંશોધન કરે છે. પણ તે તો સંસ્કારી સર્વમાન્ય ભાષાઓ હતી, અને તેના લહિયાઓ બીતા હતા કે રખેને હ્રસ્વનો દીર્ઘ થઈ જશે તો આપણે મહા પાતકી ઠરીશું. પણ ગુજરાતી કાવ્યોને ઉતારનારા તો અવિદ્વાન જ અને બંધ ન બેસે ત્યાં પોતાની મરજીમાં આવે તેવો ફેરફાર કરી નાંખતા, જરા પણ આંચકો નહિ ખાય એવા હતા. તેઓ હસ્તદોષ અને બુદ્ધિદોષ હજારો કરતા, અને તે માટે બિચારા દરેક પ્રતની આખરે વાંચનારની માફી માગવા પણ ચૂકતા નહિ. મતલબ કે જેમ પોતાનાથી સમજાય અને બંધ બેસાડ્યા તે પ્રમાણે ગોઠવી વિચારીને જ લખવું એ લહિયાઓની પદ્ધતિ હતી, અને તેમ જ્યાં હતું ત્યાં એ રીતે લખાયેલી પ્રતની જોડણીમાં પણ કાંઈ ફેરફાર કરવો નહિ એ અમને તો શાસ્ત્રીય નિયમને અતિ ઉપર લઈ જવા જેવું લાગે છે. કાવ્ય દોહનમાં મૂળ પાઠને સ્વચ્છંદે ચોળી છૂંદી સફાઈદાર કરવામાં આવ્યો છે તેની સામા પોકાર ઉઠાવનાર અમે જ પહેલા હતા, અને તેમ કરવાનું હાલ અમે કહેતા નથી જ, પણ બે ચાર પ્રતોને આધારે પદ્યબંધ કાયમ રહેતો હોય એવો પાઠ હાથ લાગી શકે તો તે જ લેવો અને અમુક પ્રતને વળગી ન રહેવું એ અમને વધારે ડહાપણ ભરેલું લાગે છે. એક લહિયાને જ પરમ પ્રમાણ ગણવાથી જ આપણા ઉત્તમ કવિઓની પણ વાણી લંગડી, લૂલી, અને વખતે અર્થ તથા રસદોષવાળી બની જાય છે. આટલું થતાંયે જો માત્ર પ્રાચીન શોધક (Antiquarian) બુદ્ધિથી જ ગ્રંથ પ્રગટ કરવો હોય, તો ત્યાં એ પદ્ધતિ કદાપિ ઉત્તમ કહેવાય, કેમકે એમ કરવાથી જ દેશમાં છેવટે ખરો પાઠ હાથ લાગે, પણ જ્યાં સાધારણ લોકને સાધારણ વાચન દાખલ પણ એ ગ્રંથ વંચાવા ધાર્યો છે, ત્યાં વાંચતા તૂટે એવો પાઠ કદી પણ રુચિકર થઈ શકે નહિ. આ કારણથી જ એ હારમાળા લોકોને નઠારી લાગી, અને પ્રેમાનંદ જેવા મહાકવિકૃત એ હોય જ નહિ એવી શંકા ઉત્પન્ન થઈ તે બાબતનો મોટો ઝઘડો ઊઠ્યો. એ પદ્ધતિનો આ દોષ એ રસિક સંશોધન પાછળથી માલૂમ પડ્યો હોય એમ લાગે છે, કેમ કે બીજા અંકથી પદ્યબંધ બેસાડવા તરફ લક્ષ રાખેલું જણાય છે. અને ખૂટતા તૂટતા શબ્દો સંભાળી લીધા છે. એવા વધારા ઘટાડાના શબ્દો કૌંસમાં મૂકવાની રીત પકડી એ પણ સારું કર્યું છે. આમ થવાથી ત્રીજા અંકમાં નરસિંહ મહેતાનાં પદ વાંચતાં આનંદ ઊપજે છે, અને આશા છે કે પ્રાચીન કવિઓના પદ્યબંધ ઉપર યથાપ્રસંગ યોગ્ય લક્ષ અપાતું રહેશે. એ ત્રીજા અંકના પહેલા ભાગમાં પાઠાંતર આપેલાં જણાતાં નથી. અમે ધારીએ છીએ કે એક કરતાં વધારે પ્રતો ન મળવાથી એમ કરવું પડ્યું હશે. અનેક પ્રતો મળે ત્યારે તો અગત્યના સઘળા પાઠાંતરો આપવાનો મૂળ રિવાજ કાયમ રાખવો એમ અમારી ખાસ ભલામણ છે. બીજું એક કહેવાનું એ છે કે કાઠિયાવાડી કે મધ્યપ્રાંતના શબ્દ છે એમ દર્શાવવાની પ્રાચીન કાવ્યોમાં જરૂર નથી. એ અતિ પ્રાચીન કાળમાં આખા ગુજરાતમાં એક જ ભાષા હતી એમ અમારો વિચાર છે, અને બીમન સાહેબ જેવા હિંદી ભાષાના સમર્થ સંશોધકોનાં અનુમાન જો અંગીકાર કરીએ, તો તો તે સમે ગુજરાતની ભાષા, હિંદી, મરાઠી, તથા બંગાળા ઓઢીયાની ભાષા સાથે પણ ઘણી રીતે મળતી હતી. એમ છે તો પછી નરસિંહ મહેતાએ કાઠિયાવાડ પ્રાંતભેદના, અને પ્રેમાનંદે ચરોતરી પ્રાંતભેદના શબ્દ વાપર્યા છે એમ કહેવું મિથ્યા અને વાંચનારને ભાષાના ઇતિહાસ સંબંધી મહા ભૂલ ખવડાવનારું છે. જો અમુક શબ્દ હાલ બીજા પ્રાંતમાં ન સમજાય એવો કોઈ કાવ્યમાં આવે, તો માત્ર એટલું જ લખવું બસ છે કે એનો અર્થ ફલાણા પ્રાંતમાં હાલ આ રીતનો થાય છે. ઉચ્ચારણના ભેદો તો બહુ પાછળથી પડી ગયા છે. અને તે જૂનાં કાવ્યોની પ્રતોમાં માલમ પડે છે, તેનું કારણ બહુધા તો પાછળના પ્રાંતભેદી ઉચ્ચારણ કરનારા લહિયાઓની ભૂલ એ જ છે. ખરું કહીએ તો નરસિંહ મહેતા તો શું પણ લગભગ શામળ પ્રેમાનંદના જ કાળમાં ગુજરાતી ભાષાનું રૂપ કેવું હતું તે હાલ કોઈને માલમ નથી, અને તેનો યથાર્થ નિર્ણય પાંચ પચાસ પ્રાચીન પ્રતો છપાવીને વિદ્વાનોના હાથમાં આવ્યા વિના કદી થવાનો નથી. ઉદાહરણ દાખલ એટલું જ કહેવું બસ છે કે પ્રેમાનંદની પહેલાં પચાસેક વર્ષ ઉપર કોઈ કવિએ બનાવેલું અને તત્સમયે જ લખાયેલું એક સુદામાચરિત્ર અમારી પાસે છે, તેની ભાષા હાલ આ નરસિંહ મહેતાનાં પદ છપાયાં છે તેના કરતાં પણ અત્યંત જૂની સહજ માલમ પડી આવે છે તો નરસિંહ મહેતાની ખરી વાણીમાં જૂનાં રૂપ કેવાં અને કેટલાં હશે? હાલ તો જે પ્રાચીન કાવ્યો છપાવે તે લેખકોની પરંપરાએ અર્વાચીનકૃત (Modernized Versions) -રૂપમાં જ છપાવે છે. એમ ગણવું અમને એક સંશોધક દાખલ વધારે સલામતી ભરેલું લાગે છે, અને તેવાનો જ હાલ સામાન્ય વાંચનારાઓને વિશેષ ઉપયોગ છે.

(૧૮૮૬)