નવલરામ પંડ્યા/સ્વભાષાના અભ્યાસનું અગત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮. સ્વભાષાના અભ્યાસનું અગત્ય

યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ગુજરાતી ભાષા દાખલ કરાવવાની અરજી જે ઇંગ્રેજીમાં અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તૈયાર કરી છે તેનો ખરડો અમારી પાસે આવ્યો તે વાંચી અમને ઘણો આનંદ થયો છે, અને આ મહા ઉપયોગી પગલું ભરવાને માટે અમે એ સોસાયટીને તથા તેના સેક્રેટરીને ખરા અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. સોસાયટી લખે છે તે ખરું છે કે કેટલાક વખતથી ગુજરાતી ભાષા ઇંગ્રેજી કેળવણીની પછાત પડી ગઈ છે, અને એ તો નિર્વિવાદ છે કે હિંદુસ્તાનના લોકનો પુનઃ સંસ્કાર પર્યંતે દેશી ભાષાની મારફતે જ થવો શક્ય છે, તો પછી ઇંગ્રેજીનો પ્રસાર દેશી ભાષાને ઉત્તેજક થઈ પડે તે પ્રમાણમાં જ તે દેશસમગ્રને ખરો ઉપયોગી ગણી શકાય. ઇંગ્રેજી કેળવણીની શરૂઆતમાં એમ હતું. અને કેટલાક ઇંગ્રેજી ભણી સ્વભાષા મારફતે પોતાના તે જ્ઞાનનો લાભ દેશી ભાઈઓને આપવા સમર્થ થયા. આપણા ઘણાખરા મોટા ગ્રંથકર્તા અને સુધારકો આ કાળના છે, તેમ તેઓ કરી શકતા હતા તેનું કારણ એ કે તે સમે સ્વભાષાની કેળવણી પાઠશાળા પર્યંતે સારી અપાતી હતી. યુનિવર્સિટી નીકળ્યા પછી પણ થોડાં વર્ષ એમ જ ચાલ્યું, અને તેથી કાંઈ ફરિયાદ કરવાનું કારણ મળ્યું નહિ. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પહેલાં તો દેશી ભાષાઓ હતી, પણ ઘણાં વર્ષથી તે કાઢી નાંખવામાં આવી છે અને એ વખતથી દેશી ભાષાઓના અને તત્સંબંધે દેશી સુધારાના કાળચંદ્ર બેઠા છે. યુનિવર્સિટીએ ઠરાવ કર્યો કે હવેથી દેશી ભાષાને સ્થળે વિદ્યાર્થીઓએ કોઈ શિષ્ટ ભાષા જેવી કે સંસ્કૃત, લાટિન, વગેરે લેવી જોઈએ; અને એ ઠરાવની સામા અગમબુદ્ધિથી દાક્તર વિલસન જેવા ભાષાશાસ્ત્રીએ જબરી બાથ ભીડી તોપણ છેવટે તેનું કાંઈ ચાલી શક્યું નહિ, અને પાઠશાળાના અભ્યાસમાંથી વિદ્યાર્થીની સ્વભાષાને સામટો જ દેશવટો આપી શિષ્ટ ભાષાઓને સંસ્થાપી. આટલેથી જ આ નુકસાન અટક્યું નહિ, પણ ધીમે ધીમે હાઈસ્કૂલોમાંથી પણ દેશી ભાષાઓ સ્વાભાવિકપણે જ નીકળી ગઈ. કેમ કે શિષ્ટ ન ભણેલાને પાઠશાળામાં દાખલ કરે નહિ, અને ત્યાં દાખલ થવા જોગ છોકરાને તૈયાર કરવા એ જ આજપર્યંત હાઈસ્કૂલોનું કર્તવ્ય મનાયેલું છે. હાલ હાઈસ્કૂલોમાંથી ચોથા, પાંચમા, અને છઠ્ઠા ધોરણોમાં તો ગુજરાતી બિલકુલ ચાલતું જ નથી. અને સાતમામાં અગર જો જેની હિંમત મેટ્રિક્યુલેશનમાં શિષ્ટ ભાષા લેવાની ચાલતી જ નથી તેને છેવટના બે ચાર મહિના ગુજરાતી શીખવવામાં આવે છે તોપણ તે માત્ર નામનું જ. એથી તો ઊલટી અસર છોકરાઓના મન ઉપર એવી થાય છે કે ગુજરાતીમાં શીખવાનું જ કાંઈ નથી, અને એ તો અમે જન્મ્યા ત્યાંથી જ શીખી ચૂક્યા છીએ. બ્રાંચ સ્કૂલોનાં ધોરણોમાં ગુજરાતી છે અને તે અઠવાડિયામાં એકાદ કલાક બધે શીખવાય છે પણ ખરું, પરંતુ માસ્તર તથા છોકરા બંનેનું વિશેષ લક્ષ ઇંગ્રેજી અભ્યાસ સારો દેખાડવા તરફ રહેવાથી ત્યાં પણ આપણી સ્વભાષા અનાદર અને દુર્લક્ષ જ પામે છે. આ બધાનું પરિણામ એ થાય છે કે છોકરો આશરે દશ અગિયાર વર્ષની ઉંમરે ઇંગ્રેજી ભણવા માંડે છે ત્યાંથી જ ગુજરાતી ભાષાને પડતી મૂકી પરભાષાના અભ્યાસમાં એવો મંડે છે, કે ૨૦-૨૨ની ઉંમરે જ્યારે તે બી.એ. થઈને બહાર નીકળે છે ત્યારે રૂઢિ, વ્યાકરણ, શિષ્ટગ્રંથો અને અક્ષરજોડણીથી લગભગ એક પરદેશી જેવો અજાણ માલમ પડે છે. હવે તે એનું બધું ભણતર દેશને કોડી પણ કામનું શી રીતે થઈ શકે? વાત ખરી કે આ વખતે એ પોતાનું ગુજરાતી તૈયાર કરવા ધારશે તો તે જલદીથી કરી શકશે; પણ તેમ કરનાર વિરલા જ અને બાળપણનો અભ્યાસ ના હોવાથી કવિતાદિ કેટલીક બાબતમાં સરળતા મેળવવી એ લગભગ અશક્ય જ માલમ પડશે. સંસ્કૃત જ્ઞાન ગુજરાતી ગ્રંથકારને અમે કેટલેક અંશે અવશ્યનું માનીએ છીએ, તોપણ ગુજરાતીને પડતું જ મૂકી તેનો અભ્યાસ કરવાથી કેવો અનિષ્ટ અને હસામણો ભાષાદંભ ઊભો થાય છે તે આપણા શાસ્ત્રી વર્ગના ઉદાહરણ ઉપરથી આપણે સ્પષ્ટ જોઈએ છીએ; અને એવો અનિષ્ટ બનાવ જ્યાં ઇંગ્રેજી જેવી છેક જુદી જ પરભાષાના વિશેષ અભ્યાસમાં પોતાનો વિદ્યાકાળ કાઢ્યો હોય, અને તજ્જન્ય પાશ્ચાત્ય વિચારોનો પ્રસાર કરવાનું જ્યાં કર્તવ્ય આવી પડ્યું છે ત્યાં વિશેષે કરીને જ બનવાનો ઘણો સંભવ રહે છે. જ્યારે જ્યારે આવા લખાણનું ભાષા વિવેચન કરવું પડે છે ત્યારે અમે તે ઘણી જ નાખુશી, સંકોચ અને લખનાર સાથે પૂર્ણ સમભાવથી જ કરીએ છીએ. તેનું કારણ એ જ છે કે અમે પાકું સમજીએ છીએ કે એમાં એ લખનારનો કાંઈ પણ વાંક નથી, અને એ તો એનાથી બનતું જે કરે છે તે ઘણી શાબાશીને જ લાયક છે, એમાં જે દોષો છે તે ખોટી અસ્વાભાવિક હાલ ચાલતી યુનિવર્સિટીની શિક્ષણપદ્ધતિનું જ અનિવાર્ય પરિણામ છે. અહા! હાલ કેળવણી જેવી ઊંચી આટલા બધા તરુણો લે છે, તેવી જો સ્વભાષાની જ મારફતે આપાતી હોય, તો આપણો દેશ વિદ્યાદિ સર્વે બાબતોમાં કેટલી બધી સુધારણાને પામ્યો હોત! એનો જ્યારે કોઈ તર્ક કરીએ છીએ, ત્યારે અમારો આત્મા છેક છિન્નભિન્ન થઈ જાય છે. અને વખતે એવો નિર્વીર્ય વિચાર પણ બળવત્તર થઈ પડે છે કે જ્યાં સુધી સ્વભાષાએ પોતાનો એ સ્વાભાવિક હક્ક સંપાદન કર્યો નથી ત્યાં સુધી તે દ્વારા જે વિશેષ પ્રયત્નો વિદ્યાવૃદ્ધિના કરવા તે નિષ્ફળ જ છે! આ ફરિયાદ આજકાલની નથી. છેક સને ૧૮૭૦-૭૧ના કેળવણી ખાતાના રિપોર્ટમાં તે વેળાના ડિરેક્ટર મી. પીલે કડવા શબ્દોમાં લખ્યું છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વભાવમાં લખવાને બરાબર શક્તિમાન નથી, અને ખામી ટાળવા તેમણે યુનિવર્સિટીને ભલામણ કીધી હતી કે મેટ્રિક્યુલેશનની પરિક્ષામાં સ્વભાષાનું જ્ઞાન તપાસવાની વિશેષ ગોઠવણ કરવી જોઈએ. એ ભલામણ મંજૂર ન થવાથી ઇંગ્રેજી સ્કૂલોના ધોરણમાં એ સાહેબે શિષ્ટ ભાષાની સાથે સ્વભાષા પણ દાખલ કરી હતી. તે વેળા (૧૮૭૨ના જાનેવારી માસમાં) અમે પણ એ સંબંધી ચીડવાઈને એમ લખ્યું હતું કે, ‘દેશના આટલા બધા પૈસા ખરચીને જે માણસોને સરકાર ભણાવે છે તેઓ જો આખરે પોતાના દેશી ભાઈઓને આ રીતે મેળવેલા જ્ઞાનનો કાંઈયે લાભ આપવાને અશક્તિમાન અને નારાજ માલમ પડે, તો અમે કહીએ છીએ કે તે અમુક માણસોના લાભ સિવાય દેશને તે પૈસા કાંઈ પણ કામે આવ્યા નહિ. દેશી ભાષાને બરાબર જાણનારા અને (તેમ હોય ત્યારે) તેનો સ્વાભાવિક રીતે જ શોખ રાખનારા વિદ્વાનો જ્યાં લગી આપણી યુનિવર્સિટી પેદા કરતી નથી ત્યાં સુધી તે દેશને થોડો જ લાભ કરે છે.” પણ નગારખાનામાં તુતીનો અવાજ કોણ સાંભળે? પીલસાહેબ સરખાની અનુભવી અને હોદ્ધાની રૂએ કરેલી ભલામણ પણ યુનિવર્સિટીએ રદ કરી નાંખી, તો આ બાપડા ખૂણામાં પડેલા ચોપાનિયાનું આક્રંદ કોને કાને જાય? તે વેળા દેશી છાપો રાજકીય અને વિદ્યાપ્રકરણી બાબતમાં બાળપણની મૂગી અવસ્થામાં હોવાથી તેણે તો એ વાત ઉપર કાંઈ જ ચર્ચા ઉઠાવી નહિ. દેશી છાપો વિદ્યાપ્રકરણી બાબતમાં તો બોલતો થવાને પાંચ છ વર્ષ જ ભાગ્યે થયાં હશે, અને હજી પણ તેમાં સતત કે ગંભીર ચર્ચા ચલાવવાને શક્તિમાન જણાતો નથી. અમારા વિચાર પ્રમાણે તો દેશી ભાષાએ ગુજરાતી ઇંગ્રેજી નિશાળો કે પાઠશાળાનાં ધોરણો, શિક્ષણપદ્ધતિ, વગેરે ઉપર હમેશાં ખસૂસ લક્ષ આપવું જોઈએ. કેમ કે રાજકીય સુધારા કરતાં પણ દેશની ભાવિ સ્થિતિ ઉપર એ સારી કે માઠી અસર વધારે કરનાર છે. રાજક્રિયાદિ સર્વે સુધારણાઓનું મૂળ કેળવણી જ છે એ કદી આપણે ભૂલવું નહિ. હાલ આ અરજીની બાબત ઉપર બધો દેશી છાપો એક અવાજે બોલી ઊઠ્યો, એ ઘણી સંતોષકારક વાત છે, અને આશા છે કે એ પ્રત્યેકના તંત્રીઓ પોતાની એ બાબતની હોંસ મોળી પડવા દેશે નહિ. યુનિવર્સિટીએ દેશી ભાષાના અભ્યાસને ખાસ ઉત્તેજન આપવું જોઈએ તેનું એક વિશેષ મહાભારત કારણ છે તે ઉપર હમેશાં લક્ષ રાખવાની અમે દેશહિતેચ્છુઓને વિનંતી કરીએ છીએ. એ કારણ એવું તો નવાઈ જેવું છે કે તે ઉપર થોડાનું જ લક્ષ ગયેલું છે એ જોઈ અમને ઘણું આશ્ચર્ય લાગે છે. એવું કોઈ દેશમાં થતું નથી, થયું નથી, અને થવાનું પણ નથી. એ ભરતખંડની હાલ ચમત્કારી સ્થિતિનું જ ચમત્કારી ફળ છે. શિષ્ટ અને વિદેશી ભાષાઓનો અભ્યાસ તો બધા દેશમાં ચાલે છે, તે ઉપર વિશેષ લક્ષ પણ ઘણે ઠેકાણે અપાતું હશે, અને કોઈ ઠેકાણે સ્વદેશી ભાષાનો પાઠશાળામાં મુદ્દલ જ અભ્યાસ થતો નહિ હોય, પણ તે બધે ઠેકાણે એ વિદેશી ભાષાની કે બીજી કેળવણી તમામ અપાય છે તે પોતાના દેશની જ ભાષામાં. અને તેમ હોવાથી અગર જો સ્વભાષાનો અભ્યાસ નામનો બંધ પડે છે. તોપણ તેમાં જ વિદેશી ભાષાની કે વિદ્યાઓની ચર્ચા પળેપળ શાળાઓમાં ચાલવાને લીધે સ્વાભાવિકપણે જ સ્વભાષામાં તમામ વિચાર પ્રગટ કરવાની શક્તિ કેળવાતી જાય છે. ઑક્સફર્ડમાં ગ્રીક વગેરે અનેક પરભાષાઓ ઉપર જ બહુ લક્ષ આપવામાં આવે છે. પણ તે સંબંધી પ્રોફેસરો જે ભાષણો આપે છે તે ઇંગ્રેજીમાં જ, અને એ પ્રમાણે જ બીજા તમામ વિષયોનું સમજવું. આમ હોય તો પછી સ્વભાષા આપોઆપ જ વિદ્યાર્થીની કેળવાય, પણ એથી ઊલટું આપણા દેશમાંનો છોકરો ઇંગ્રેજી ચોથું ધોરણ શીખવા લાગ્યો કે તેને વર્ગમાં ઇંગ્રેજી જ બોલવું પડે છે, અને માસ્તરો તો તમામ સમજૂતી અલબત્ત ઇંગ્રેજીમાં જ આપે છે. આમ થવાથી છોકરાને સમજવું કેટલું મુશ્કેલ પડે છે, ગોખણને કેવું ઉત્તેજન મળે છે, અભ્યાસમાં કેટલો કાળ મિથ્યા જાય છે, અને પરિણામે સ્વબુદ્ધિનો ઉઠાવો નાશ પામ્યું વેદિયાપણું કેટલું આવે છે, એનું નિરાકરણ કરવું એ જુદો જ વિષય છે, અને તે બાબત અમે આ સ્થળે કાંઈ પણ બોલવા માગતા નથી. પરંતુ આ પ્રમાણે ૧૩-૧૪ વર્ષની ઉંમરથી જ ગંભીર અને વિદ્યાના વિષયોમાં પરભાષાને જ અવલંબી રહેલો માણસ મોટપણે પોતાના દેશી ભાઈઓની સાથે એવા વિષયોમાં વાતચીત સ્વભાષામાં કરવા કેવળ અશક્તિમાન થઈ ગયેલો જ માલમ પડે તો તેમાં શું આશ્ચર્ય! લોકોને ઉપયોગી પડે એવાં પુસ્તકો લખી શકવાની તો આશા જ શી? આશ્ચર્ય તો એ છે કે આવી કૃત્રિમ સ્થિતિમાં ઊછર્યા છતાં કેટલાક પોતાના આત્મબળથી તેમ કરવાને કેટલેક દરજજે ૫ણ શક્તિમાન થાય છે. ખરું જ કહીએ તો તો જ્યાં સુધી આપણી નાની કે મોટી સઘળી શાળાઓમાં સ્વભાષાની મારફતે જ કેળવણી અપાતી થઈ નથી, ત્યાં સુધી જોઈએ તેવો વિદ્યાભ્યાસ કે તેનો દેશમાં પ્રસાર થવાનો નથી જ, અને એમ થશે ત્યારે જ આપણા દેશનું ખરું સાક્ષરત્વ પોતાને રૂપે પ્રકાશી વૃદ્ધિગત થતું જશે. અત્રે એ વાત કાંઈ વિસ્તારવાનો પણ હેતુ માત્ર એ જ છે કે તે તરફ દેશહિતેચ્છુઓનું લક્ષ ખેંચવું, એમ થવું એ હાલ શક્ય નથી, પણ તે શક્ય થાય એવી સ્થિતિએ પહોંચવું એ આપણો સદા ઉદ્દેશ તો હોવો જ જોઈએ, અને તેમ થવામાં સાધનભૂત કારણોને પ્રસંગ આવે ઉત્તેજન આપવું જોઈએ. સ્વભાષાની મારફતે કેળવણી આપવાનું મહત્ત્વ હજી દેશ હિતેચ્છુઓમાં પણ થોડા જ સમજે છે. અને કેટલાક સમજે છે તે તે હાલ શક્ય નથી, માટે સદા અશક્ય જ રહેશે એવા મોહમાં પડી તે સંબંધી કેવળ નિરપેક્ષ થઈ વર્તે છે, તે તરફ એક નાનું પગલું ભરવાનો પણ ઉદ્યોગ કરતા નથી. સ્વભાષાની મારફતે જ બધી કેળવણી આપવી એ અમે જાણીએ છીએ કે હાલ અનેક કારણોને લીધે બની શકે એમ નથી, અને તેમ કરવાની અમે ભલામણ પણ હાલ કરતા નથી, પરંતુ અમારો કહેવાનો હેતુ એ છે કે સ્વભાષાને આમ રવડતી નાંખવાનું તો પ્રાપ્ત થયું છે, તો પછી તે બદલ કાંઈ આડકતરી રીતે તેના હક જાળવી શકાય તેમ કરવું એ તો યુનિવર્સિટીની ખાસ ફરજ અને એક સામાન્ય દયાનું કામ છે. પરંપરાના હકદાર રાજાને પદભ્રષ્ટ કરવો એમ તો ઠર્યું, તોપણ તેના નિર્વાહ અર્થે કોઈ જાગીર બાંધી આપવી એ તો નિર્દયમાં નિર્દય વિજેતા પણ પોતાની ફરજ સમજે છે. હાલ તો આપણી સ્વભાષાઓ પદભ્રષ્ટ થઈ છે એટલું જ નહિ, પણ યુનિવર્સિટી તેને જિવાઈ જેટલું પણ આપતી નથી. એ બિચારીઓ હાલ માગી ભીખી જેમ તેમ કરતાં પોતાનું પેટ ભરે છે, અને લોકો તેને મરવા તો દેવાના જ નથી. પણ આમ તેને ભૂખે મરતી અવસ્થામાં રિબાતી રાખ્યાથી યુનિવર્સિટી શો ફાયદો ધારે છે તે અમે બિલકુલ સમજી શકતા નથી. એણે તો એની પદભ્રષ્ટ સ્થિતિ જોઈ જેમ બને તેમ સઘળા વિષયો કરતાં એને વિશેષ લક્ષ આપવું જોઈએ, કે બીજા વિષયોની કેળવણી પણ દેશમાં ખરી ફળદ્રુપ થાય. તે છતાં શિષ્ટ ભાષાઓને કાઢી નાંખી ગુજરાતીને ઉત્તેજન આપવાનું અમે કહેતા નથી, અને સોસાયટીની માગણી પણ તેવા પ્રકારની નથી. સંસ્કૃત ભાષાનો અભ્યાસ શાળામાં દાખલ થયાથી ઘણા ફાયદા થયા છે અને થાય છે. પ્રોફેસર મણિલાલ, મિ. નરસિંહરાવ, મિ. ત્રિપાઠી, મિ. ધ્રુવ વગેરે પાંચ સાત લેખકો આ દશકામાં તૈયાર થયા છે તે સંસ્કૃત અભ્યાસના જ પુણ્યપ્રતાપે, અને તે ઉપરાંત સામાન્ય રીતનો જે સંસ્કૃત જ્ઞાનનો પ્રસાર ચોતરફ થયો છે તે દેશને એથી પણ વધારે લાભકારક છે. એથી પાશ્ચાત્ય વિચારોની સાથે પૂર્વે તરફના વિચારોનું ઘટિત સંમિલન થાય છે. દેશાનુરાગ વધે છે, અને સ્વભાષાને કેળવવાનાં સબળ સાધનો હાથ લાગે છે. એ સાધનો અલબત્ત સ્વભાષાના યોગ્ય જ્ઞાન વિના નકામાં જ છે, પણ તે ઉપરથી તેના સાધનપણાનું મહત્ત્વ કાંઈ ઓછું થતું નથી. જ્યાં કર્તાનો અભાવ ત્યાં કરણ શું કરે? અમારો તો મૂળથી જ એવો વિચાર છે કે દેશીઓની હાલની કેળવણીમાં સ્વભાષા, ઇંગ્રેજી, અને સંસ્કૃત એ ત્રણે અવશ્યનાં છે, અને તેમ થવાનો દિવસ પણ પાસે જ છે એમ અમે જોઈએ છીએ, અગર જો હાલના આ સોસાયટીને પ્રથમ પ્રયત્નથી જ સિદ્ધિ મળશે કે નહિ એ અમે કહી શકતા નથી. આ પ્રમાણે ત્રણ ભાષાઓનો અભ્યાસ પાઠશાળામાં દાખલ કરવાથી વિદ્યાર્થીઓ ઉપર બોજો નહિ વધી પડે તેની સંભાળ રાખવાની બેશક ઘણી જ જરૂર છે; કેમકે તે વર્ગ હાલ છે તેટલાથી જ ગોખણમાં પૂરો દબાઈ ગયેલો છે. પણ એનો ઉપાય સોસાયટી બતાવે છે તે પ્રમાણે સરળ જ છે. એટલે બીજા વિષયોમાંથી કાંઈ કાંઈ ઓછું કરવું. અમે ધારીએ છીએ કે માત્ર ઇંગ્રેજી સિવાય બધામાંથી કેટલુંક ઓછું થઈ શકે એવું જ છે. પ્રથમ તો હાલ મેટ્રિક્યુલેશનમાં જેટલું બધું સંસ્કૃત જ્ઞાન માગવામાં આવે છે તેટલાની કાંઈ જરૂર નથી. વ્યાકરણના સામાન્ય જ્ઞાન સાથે હિતોપદેશ કે પંચતંત્ર છોકરા સમજે તો બસ છે. કલ્પનામાં તો હાલનું ધોરણ એટલું જ છે, પણ પરીક્ષકો સ્વચ્છંદપણે કાંઈ પણ મર્યાદા રાખતા નથી. એનો ઉપાય એ જ છે કે (ઇંગ્રેજીમાં તો નહિ) પણ સંસ્કૃતમાં મદ્રાસની પેઠે એક ચોપડી મુકરર કરવી અને તેમાં વિશેષ કરીને ભાષાંતર ઉપર જ લક્ષ રાખવું. તેમજ પહેલી બી.એ.માં સંસ્કૃત બહુ જ છે. વેદ, ન્યાય, કાદંબરી, અને ભવભૂતિનાં નાટક એ એકેકો વિષય એકેકી કઠિનમાં કઠિન શૈલીનો નમૂનો છે, અને તેમાંનો એક જ જોઈએ તેવો કરતાં ખરખરું કહીએ તો ઓછામાં ઓછું એક વર્ષ લાગે જ, તો તે ચારેને એક વર્ષમાં ગોખી દેવાથી નિરર્થક ગોખણ સિવાય બીજો લાભ શો થઈ શકે? આવા ગોખણથી વૈદિક કે નૈયાયિક કોણ થયો અથવા થવાનો છે? એ કરતાં કાવ્યાદિસાહિત્ય ગ્રંથોનું જ્ઞાન યથાર્થતાભર્યું થતું હોય તો જ બસ છે. વેદ ને ન્યાય એમ.એ.ને જ માટે રહેવા દો. એ જ પ્રમાણે ગણિતમાં કેટલુંક ઓછું થઈ શકે એમ છે, અને પ્રિવીયસમાંથી Logic (અંગ્રેજી ન્યાય) કાઢી નાંખ્યો હોય અથવા ઇચ્છા ઉપર જ રાખ્યો હોય તો ઠીક, એ કરતાં તો અર્થવિદ્યાનું જ્ઞાન દેશને આજકાલ વધારે ઉપયોગી થઈ પડે. અને પરીક્ષકો સ્વછંદી ન થતાં એક જ પુસ્તકને વળગી રહે, તો વિદ્યાર્થીઓને ભારે પડે એમ પણ અમને લાગતું નથી. ઇતિહાસ સાથે અર્થવિદ્યાનો બી.એ.માં યોગ અમને તો અનુચિત લાગે છે. તે છતાં કયા વિષયો ઓછા કરવા એ યુનિવર્સિટી પોતાની મરજીમાં આવે તેમ કરે, પણ વિદ્યાર્થીઓ પર બોજો વધી પડે નહિ અને પાઠશાળામાં બી.એ. પર્યંત સ્વભાષાનો પંડિતાઈભર્યો અભ્યાસ દાખલ થાય એ જ આપણને જોઈએ છીએ. અમે ફરીથી આવા શુભ કામમાં સોસાયટીએ આગેવાની કરી છે તે માટે તેને ધન્યવાદ આપીએ છીએ. આશા રાખીએ છીએ કે દેશી છાપાં તે માટે પોતાનો અવાજ આ અરજીમાં* આગ્રહથી સામિલ રાખશે, અને સ્થળે સ્થળના દેશી અગ્રણીઓ આ બાબત નિરાળી અરજીઓ પણ વેળાસર યુનિવર્સિટી પર મોકલી તે આ માગણીની કબૂલ રાખવામાં આવે ત્યાં સુધી જંપશે નહિ એમ અમે અમારા અંતઃ કરણથી ઇચ્છીએ છીએ. તથાસ્તુ. .............................

  • પારસીઓની ભાષાસંબંધી એ અરજીમાં લખ્યું છે તે અવાસ્તવિક તો નથી, પણ ન લખ્યું હોત તો સારું, કેમ કે તેની વિરુદ્ધ એમાં લખવાનું વિશેષ કારણ અમને કાંઈ જણાતું નથી. હજી પણ અમે તો એ ફકરો કાઢી નાંખવાની ભલામણ કરીએ છીએ કે જેથી નકામો કુસંપ દેશી છાપામાં એ બાબત ઊભો થાય નહિ.

૧૮૮૮