નાટક વિશે/પત્ર-૨
તંત્રી શ્રી `સંસ્કૃતિ’
આપના સુપ્રસિદ્ધ પત્ર મારફત, કેટલાકના મતે એક ઘણી અગત્યની વાત પર લક્ષ દોરવાની રજા લઉં છું. અલબત્ત, ઘણાં બધાને એ વાત સાવ ક્ષુલ્લક લાગવાનો પણ પૂરો સંભવ છે, અને એ જાણવા છતાંય આ લખીને એ વાત પર ધ્યાન દોરવાનો યત્ન ધૃષ્ટતા ગણાય તો વાંધો નથી.
આપણે ત્યાં ઘણાં બધાં કારણસર અત્યારે નાટ્યપ્રવૃત્તિમાં જેને `બાઢ’ કહેવામાં આવે છે, તેવી પરિસ્થિતિ છે. એ સારી છે કે ખોટી એ વિષે સહુ સહુનો નિરાળો અભિપ્રાય હોઈ શકે. પણ એ પ્રવૃત્તિને અંગે અત્યારે ભજવણીનાં ઘણાં પ્રયોગો થઈ રહ્યાં છે એ, બીજું કાંઈ નહીં તો `આમ ન થાય’ એટલું પુરવાર કરવા પૂરતા પણ આવકારને પાત્ર છે જ.
એ ભજવણીમાંની એક વિશેષ વાત વિષે આ લખાણ થાય છે. ન સમજાય એવા કારણસર આજે ભજવણીમાં પાત્રોનાં હલનચલન, આ છેડેથી પેલે છેડે જવું, ખુરશીના હાથા આમળવા, છાપાં-પુસ્તકો વાંચવાનો ડોળ કરવો, સોફાના કાપડની કુમાશ જોવી, બારસાખે ટેકા દેવા, ફૂલદાનીમાંનાં ફૂલ ગોઠવવાં, વગેરે પર વિશેષ ધ્યાન અપાતું વરતાય છે. (આ પ્રવૃત્તિમાં પોતાની જાતને `કલાકાર’ કહેવડાવા સિવાયના બીજા બધા શબ્દો અંગ્રેજી જ વપરાય છે. એટલે અહીં પણ એ જ શબ્દો વાપર્યા છે.) `એક્શન’ હોવું જોઈએ એવા ખ્યાલે આવાં. `કમ્પોઝિશન્સ’ ગોઠવાય છે.
એકવાર આવાં `કમ્પોઝિશન્સ’નો ભજવણીમાં શો હેતુ હોઈ શકે એ જોઈ લઈએ. નાટક એ જોવા, સાંભળવા અને સમજવા એટલે કે જોવાવાં, સંભળાવા અને સમજાવાનો યત્ન છે. એટલી એક સાદી વ્યાખ્યા જો સ્વીકારીએ તો આવાં ‘કમ્પોઝીશન્સ’નો પ્રથમ હેતુ તો નાટક માત્ર સંવાદ અને સંવાદ માત્ર પ્રાણ વગરની વાતચીત: “ચાહ કાઢું?” “આભાર?” “કેટલી ચમચી ખાંડ?’ “ઘરમાં એક, બહાર બે,” જેવો નિર્જીવ વાર્તાલાપ બની ન જાય એ માટે જીવન્ત, હાલતું ચાલતું, ધબકતું રાખવાનો હોઈ શકે. બેઠાં બેઠાં કે એક જ સ્થિતિમાં ઊભાં બેઠાં બોલાયેલો સંવાદ નિર્જીવ, બેઠાડુ લાગે છે એ દલીલનું હાર્દ સ્વીકારીએ તે પ્રથમ હેતુ એકવિધતા, એકધારાપણું, `મોનોટોની’ ટાળવાનો હોઈ શકે અને બીજો હેતુ `સમજાવા’નો. એ ઉક્તિ પાછળની પાત્રની સંવેદના અને એ સંવેદનાનું નાટકના આખા વણાટમાં જે સ્થાન હોય એને ઉપસાવવાનો હોઈ શકે.
સિનેમાના તંત્રે નાટકની ભજવણી પર જે ગાઢ અસર નિપજાવી છે એનું આ એક પરિણામ હોઈ શકે. સિનેમામાં પણ આજે કેમેરા પાસે ઘણું અણઘટતું અને સમસ્ત અસરને વિકૃત કરાવનારું કામ કરાવવામાં આવે છે. ‘મીડ શોટ’ કે ‘કલોઝઅપ’નું ખરું રહસ્ય, ‘લોજિક’ સમજાયા વિના જ એનો ઉપયોગ થતો જોવામાં આવે છે. અહીં પણ જો કારણ જોવા મથો તો ઉપર જણાવ્યાં એ બે કારણ ઉપરાંતનું ત્રીજું કારણ એ ‘હિરોઈન’ કે ‘હીરો’નાં અતિ વિસ્તૃત રૂપે દેખાતાં ચાડાં (હિરોઈન હોય તો ચાડાંથી થોડું ઘણું વિશેષ) પ્રેક્ષકોનાં ચિત્તતંત્ર પર ઠસાવવાનું હોઈ શકે – ઘણે ભાગે છે. નાટકની ભજવણીમાં પણ આનું પદારોપણ થોડે અંશે થયું છે એ વાતની ના નહીં પાડી શકાય.
ચોથું એક કારણ પણ આગળ ધરી શકાય.
નાટકની સૂઝ આજ લગી ભજવણીમાં ઉવેખાયેલી એક વાતને પણ આગળ ધરે છે. આ છે ચાલુ પ્રસંગ કે ઉક્તિ વિષેનો અન્ય પાત્રોનો પ્રત્યાઘાત, `રીએકશન’. આજ લગીની ભજવણીના સાર તો પોતાને ભાગે આવેલા સંવાદ બોલી જવામાં અને અન્ય સમયે પ્રેક્ષકગૃહમાંના સારા ચહેરા અવલોકવામાં આવી જાય છે, એ ફરિયાદમાં ઘણું વજૂદ હોવાથી, હવે દિગ્દર્શકો, અત્યંત સંપ્રજ્ઞ રીતે, અન્ય પાત્રોને પણ વહેતા પ્રવાહમાં ડૂબકી મારવાનું સમજાવે છે. તેમ જ ડૂબકી ખવડાવે પણ છે.
આ ચાર હેતુ સિવાય પ્રવાહને વેગીલો બનાવવાનો હેતુ પણ હોઈ શકે.
પાંચે વસ્તુઓ વજૂદવાળી છે. એનો કોઈનાથી (અથવા તો હમણાં તખ્તા પર ગુજરાતીની નવીનતમ લહેકાવાળા ઉપચારે કહેવું હોય તો કોઓઓઈ નથી) ઈનકાર થઈ શકે એમ નથી. ફરિયાદ હોયે તો માત્ર આટલી છે: આજે આ હેતુઓ પાર પાડવા માટે જે જાતનો અતિરેક, નિરર્થક હલનચલન, ભજવણીમાં પ્રવેશ્યો છે તે આ હેતુઓને થોડે ઘણે અંશે પણ પાર પાડે છે ખરો?
કહેવાતી `મુવમેન્ટ’, વેગ વધારવાનો યત્ન, `રીએક્શન’ દાખવવાની કોશિષ, આ બધું આજે તો ભજવણીમાં એટલું વર્ચસ ધરાવતું થઈ ગયું છે કે નાટકનું કર્તવ્ય બાજુ પર રહી જાય છે અને પ્રેક્ષકનું ધ્યાન માત્ર આ ચેનચાળા પર જ કેન્દ્રિત કરવાનો ઉદ્યમ થઈ જાય છે. ભજવણીની સ્વચ્છતા, એનુંય વિશિષ્ટ શીલ અને એથીય વિશેષ તો આખી પ્રવૃત્તિનો, પ્રેક્ષકને સંવેદનમાં સમભાગી બનાવાવાનો હેતુ પણ માર્યો જાય એવું બનતું જાય છે.
આ સાથે બીજી કેટલીક અત્યંત અપકારી વાતો આવી ભજવણી દ્વારા આવે છે. એમાંની પહેલી છે તખતાને ભરચક્ક રાખવાની ખુરશી ન હોય તો શેનો હાથો આમળવો? ફૂલદાની ન હોય તો ક્યાં ફૂલ મૂકવાં અને ફૂલ ન હોય તો દિગ્દર્શકે બતાવેલું ફૂલ સૂંઘવા કે રમાડવાનું એક્શન શી રીતે કરવું? એક અનિષ્ટ બીજા અનિષ્ટને લાવે છે. મૂળમાં તો આપણી પાસે સારો અનુકૂળ કરી શકાય એવો રંગમંચ ન મળે. જે છે તે પચીસ-ત્રીસ ફૂટના આડાઅવળાં ચોકઠાં. એમાં આગળનો થોડોક ભાગ છોડીને (જુદી જુદી જગાએ જુદાં જુદાં કારણોસર છોડી જ દેવો પડે છે) આમ કરવાનું અને એમાં આ સાધનોની દેમાર? માલ્થુસની નિરાશાભરી કાગવાણી બીજું કશું નહીં તો રંગમંચ પરનાં સાધનોની વિપુલતાના વધારા વિષે તો સાવ સાચી–સાચીથીયે વિશેષ સાચી–પડી લાગે છે. ઘણી વાર તો `ભજવણીની જગા’માં પાત્રને સરકસનાં ખેલની જેમ ખેંચાયેલા દોર પર નટ–ખેલ કરવો પડે છે.
આથી વિશેષ અપકારી વાત તો `અતિપણું’ લાવવાની છે. નાટકનો એટલે કે તખ્તાનો વાસ્તવવાદ એ નકરી વાસ્તવિકતા ઉપરનો એક ક્ષમ્ય ઢોળ છે એટલી વાત સ્વીકારી લઈએ તો આવી વાતો–જે પાછી વાસ્તવિકતાને નામે થતી હોવાથી કરુણને પણ હાસ્યાસ્પદ બતાવે છે–ન-કારણની અતિશયતામાં ઘસડી જાય છે. નાટકના આસ્વાદની સમજ અતિરંજન બની જાય એવું બની રહ્યું છે. સહુ કોઈ આ વાત કેટલી ભયંકર છે એટલા વિષે તો સહમત થશે જ.
એક ખોટા ખ્યાલનાં દોરવ્યાં આ પ્રવૃત્તિ આજે પોતાની જાતને અત્યંત સ્થાવર–માત્ર મોટા શહેરને જ પોસાઈ શકે એવી પ્રવૃત્તિ – બનાવી રહી છે. નાટ્યપ્રવૃત્તિના સંચાલનનો વહેવારુ હેતુ તો ભજવણીને વક્તવ્યનું સબળ સાધન બનાવવા સાથે, પ્રેક્ષકોને ઘડવાનોજ હોઈ શકે. આજે ભજવણીની આસપાસ જે જાળાબઉઆં બાઝતાં જાય છે, સન્નિષ્ઠ હોવા છતાં એક ખોટા ખ્યાલને કારણે જે આળપંપાળ વધતી જાય છે તે તરફ જો આટલું લખ્યાથી થોડુંક પણ ધ્યાન દોરાશે અને ભજવાણીમાં સરળતા તરફ, નાટકમાં વેગની અભિવ્યક્તિ માત્ર આંગિક હલનચલન (જેને ખોટી રીતે અભિનયનું નામ આપવામાં આવે છે) થી થઈ શકે છે એવા ખ્યાલને બદલે સંવેદનની સૂક્ષ્મ અભિવ્યક્તિ પ્રેક્ષકોના ચિત્ત પર ઠસાવવાની પ્રવૃત્તિ પર ધ્યાન દેવાશે તો નાટયપ્રવૃત્તિને ઉપકારક, એટલું જ નહીં પણ સાથોસાથ એ પ્રવૃત્તિમાં પડેલાને અને આવી પડેલાં બધાને પણ એક અવનવીન રસાસ્વાદ મળશે. એટલું નમ્રપણે કહી શકાય.
જેવું `આંગિક’ વિષે લખ્યું એવું વાચિક વિષે પણ લખવાનું છે. પણ એ બીજી કોક વાર.
– જયંતિ દલાલ