નારીસંપદાઃ નાટક/પ્રસ્તાવના(અનુવાદ)
પ્રસ્તાવના
ભારતીય કે પરદેશી ભાષામાંથી ગુજરાતીમાં રૂપાંતર કે અનુવાદ એ નવી વાત નથી. નવલકથાઓ તો વિશાળ સંખ્યામાં ગુજરાતીમાં ઊતરી આવી છે. નાટકમાં પણ રંભાબહેન ગાંધી, મેઘલતા મહેતા તથા શરીફા વીજળીવાળાના નાટ્ય અનુવાદો આપણને મળે છે. રંભાબહેન મહેતાએ સમરસેટ મોમના ત્રિઅંકી નાટક ‘પિનેલોપી’ને ગુજરાતીમાં ‘પ્રણયના રંગ’ નામે રૂપાંતરિત કર્યું છે. પશ્ચિમનું વાતાવરણ રીતરિવાજો, સંસ્કૃતિ પૂર્વથી ભિન્ન હહોવાને કારણે એમણે નાટકના હાર્દને ક્ષતિ ન પહોંચે તે રીતે એને ગુજરાતી દેહ આપ્યો છે, પાત્રોનાં નામ તથા વાતાવરણ ગુજરાતી બતાવ્યાં છે. ઈ.૧૯૫૨માં થયેલા આ રૂપાંતરને ધનસુખલાલ મહેતાએ આવકાર્યું હતું. ‘ધ ડૉલ્સ હાઉસ’ને કારણે ભારતભરમાં જાણીતા બનેલાં નોર્વેના નાટ્યકાર હેન્રિક ઈબ્સનના એવા જ જાણીતા નાટક હેડા ગાબ્લરનો ગુજરાતી અનુવાદ મેઘલતા મહેતાએ કર્યો છે. જશવંત ઠાકર, ધીરુબહેન પટેલ, ચિનુ મોદી, રઘુવીર ચૌધરી વગેરેએ આ અનુવાદ માટે એમને પ્રોત્સાહન આપેલું. શરીફા વીજળીવાળા પાસેથી આપણને બે નાટકોના અનુવાદ મળ્યા છે, અસગર વજાહતનું ઉર્દુ નાટક જિસ લાહોર નઈ દેખ્યા ઓ જન્મ્યાઈ નઈ. જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી, તથા ભીષ્મ સાહનીનું ‘માધવી’. અહીં પસંદ કરેલા નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ના અનુવાદ માટે શરીફા વીજળીવાળાને વર્ષ ૨૦૧૫નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ભારતના વિભાજનની પીડાદાયી કરુણ ક્ષણોને આલેખતું આ નાટક માનવતાનું મહિમાગાન કરતી અનોખી રચના છે.
-મીનળ દવે