નારીસંપદાઃ નાટક/પ્રસ્તાવના(એકાંકી)
હંસા મહેતા ‘ત્રણ નાટકો’ની બીજી આવૃત્તિ ઈ. ૧૯૫૬માં પ્રકાશિત કરે છે, ત્યારે પાંચ એકાંકીઓ પણ એમાં સાથે જ પ્રગટ કરે છે. એમાંના કેટલાક ભજવાયાં પણ હતાં. એમાંથી ‘આંખે પાટા’ અહીં આમેજ કર્યું છે. કૉલેજમાં ભણતી વેળાએ જોયેલાં સપનાં અને વાસ્તવની દુનિયા વચ્ચે થતાં ઘર્ષણના આ એકાંકીમાં લેખિકા મુંબઈની ચાલ અને કૉલેજનું વાતાવરણ સરસ રીતે ઊભું કરે છે, સાથે સાથે ફલેશબેક ટેકનિકનો ઉપયોગ પણ આ એકાંકીમાં કરીને ટેકનિકલી પણ એકાંકીને મજબૂત બનાવ્યું છે. રંભાબહેન ગાંધીના નાટકોની જેમ એકાંકીઓ પણ ખૂબ જ ભજવાયાં છે. પચાસથી વધારે એકાંકીઓ એમની પાસેથી મળે છે. રોજબરોજના જીવનમાંથી એમણે એકાંકી માટેના વિષયવસ્તુ મળ્યાં છે. અહીં મુકાયેલું એકાંકી ‘અદલાબદલી’ સ્ત્રી-પુરુષના કાર્યની અદલબદલનું એકાંકી છે. પતિ ગૃહકાર્ય સંભાળવાનો પડકાર ઝીલે છે, અને પત્ની બહારના ક્ષેત્રનો સંસ્કૃત નાટક ભગવદ્દજજુકીયમ કે મુનશીનું ‘છીએ તે જ ઠીક’ જરા યાદ આવી જાય! જો કે અહીં દેહની અદલાબદલી નથી, માત્ર કાર્યક્ષેત્રની જ અદલાબદલી છે, અને તે પણ એક દિવસ પૂરતી જ. ‘સ્નેહરશ્મિ’ જેમના સંગ્રહની પ્રસ્તાવના લખે, ગુજરાત સ્ત્રી-કેળવણી મંડળ અમદાવાદ જેવું પ્રકાશન કરે. એવાં ઈન્દુમતી મહેતાનો ‘નટશૂન્ય નાટિકાઓ’ ઈ. ૧૯૭૭માં પ્રગટ થાય છે. મહિલા કૉલેજના અધ્યાપન દરમિયાન વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓને નાટક ભજવવું હોય, પણ કેવળ સ્ત્રી પાત્રોવાળાં નાટક મળતાં. ન હતાં અને વિદ્યાર્થીઓ પુરુષપાત્ર ભજવે- પરંપરિત રંગભૂમિ કરતાં ઊલટું-એ ઈન્દુમતી મહેતાને મંજૂર ન હતું. આથી સ્ત્રી જીવનની સમસ્યાઓ ભજવાયાં. માત્ર કૉલેજમાં જ નહીં, અમદાવાદની બહાર છેક મુંબઈ સુધી આ નાટકો રંગભૂમિ પર રજૂ થતાં રહ્યાં છે. અહીં પસંદ કરેલું એકાંકી ‘સંપેતરું’ હાસ્ય નિષ્પજા કરતું એકાંકી છે. પરિસ્થિતિજન્ય હાસ્ય આ એકાંકીની વિશેષતા છે. ઈ. ૧૯૯૫માં જેમનો એકાંકીસંગ્રહ ‘ચાલ સૂરજ પકડીએ’ પ્રકાશિત થયો હતો, તથા જેમની લેખનકળા સામાજિક સમસ્યાઓમાં સુપેરે ખીલી ઊઠે છે એવાં પ્રજ્ઞા પટેલનું ‘અમે એકલાં-એકલાં ‘ અહીં સમાવ્યું છે. વિવિધ સામયિકોમાં લખતાં રહેતાં પ્રજ્ઞા પટેલે આ એકાંકીમાં પિતાની મિલકતમાં જ રસ ધરાવતાં સ્વાર્થી સંતાનો તથા વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષિત જીવન જીવતાં માતા-પિતાની વેદનાને આકાર આપ્યો છે. એકાંકીને અંતે કોરી ચેકબુકનો પ્રયોગ સંતાનો દ્વારા લૂંટી લેવાયેલાં પિતાની શૂન્યતા બતાવવા માટે સરસ રીતે થયો છે. ‘હયાતી’ જૂન-સપ્ટેમ્બર ૨૦૦૨ના ‘એકાંકી વિશેષાંક’માં બાર એકાંકીઓ પ્રગટ થયા છે, એમાં એક એકાંકી લેખિકા મીતા બાપોદરાનું છે. ‘સ્વપ્ન’ વર્ષોથી અસ્પૃશ્યતાની પીડા વેઠતાં આવેલાં દલિતોની પીડા અને સમાજના દંભી વ્યવહાર પર પ્રહાર કરતું આ એકાંકી વાસ્તવિક જગતનું ચિત્ર આપે છે. રંગભૂમિ, આકાશવાણી અને દુરદર્શન પર નાટકમાં અભિનય કરી ચૂકેલાં નાટ્યવિદ્યાનો ડીપ્લોમા કરનારાં તથા અભિનયના અભ્યાસ માટે ભારત સરકારની સ્કોલરશીપમેળવનારાં વનલતા મહેતાએ રંગભૂમિ પર ભજવી શકાય એવાં એકાંકીઓ અને એકોક્તિઓના સંચય આપ્યા છે. એમણે બાળરંગભૂમિ માટે પણ કામ કર્યું છે. એમનાં એકાંકીઓમાં મોટેભાગે સામાજિક સમસ્યાઓ અને કૌટુંબિક ચિત્રોનું આલેખન જોવા મળે છે. પરંતુ અહીં પસંદ કરેલું એકાંકી કુંવરબાઈનું મામેરું’ પ્રેમાનંદના આખ્યાનને આધારે લખાયેલું છે. નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના શ્રીમંત પ્રસંગની ઘટનાના આ એકાંકીમાં સંગીતનો સુંદર ઉપયોગ થયો છે. વિવિધ દૃશ્યોમાં નેપથ્યમાંથી સંભળાતું અખ્યાનનું ગાન આ એકાંકીને નોખું જ રૂપ આપે છે. સાથે નરસિંહનાં પદને પણ આવરી લેવાયાં છે. મંચ પર મધ્યકાલીન વાતાવરણ ઊભું કરવામાં સાથે વડસાસુ વગેરેનાં પાત્રની ભૂમિકા પણ મહત્ત્વની બની રહે છે. ઈ. ૧૯૬૨થી રેડિયો, ટી.વી. માટે મૌલિક કે નવલકથા આધારિત નાટકો લખતાં વર્ષા અડાલજાનાં ત્રણ એકાંકી સંગ્રહ પ્રગટ થયાં છે. અહીં મૂકેલું એકાંકી ‘મંદોદરી’ વિવિધ સ્પર્ધાઓમાં ભજવાતું તથા વિજેતા થતું રહ્યું છે. મૂળ તો એકોક્તિ રૂપે લખાયેલું. કલકત્તાની નાટકની બેઠકમાં ધીરુબહેન પટેલની ‘મંદોદરી’ની એકોક્તિ વર્ષા અડાલજાએ સાભિનય રજૂ કરી અને એમાંથી મંદોદરી એકાંકી જનમ્યું. કાળની સામે રમવાની બાથ ભીડતી મંદોદરીના પાત્રની સંકુલતા વર્ષા અડાલજા સુરેખ રીતે આલેખે છે. યામિની વ્યાસ નાટકની સાથે એકાંકીઓ પણ લખતાં રહ્યાં છે. વૃદ્ધ માતા-પિતાની અવગણના કરતાં સંતાનો અને નવી પેઢી દ્વારા વૃદ્ધાશ્રમમા વસતાં તરછોડાયેલાં વૃદ્ધોની થતી સ્નેહભરી દેખભાળની એ વિરોધી પરિસ્થિતિને સાથે મુકી આપીને યામિની વ્યાસ ૬ સાંજને રોકો કોઈ’ એકાંકી આપે છે. પાત્રોની સંવેદનશીલ ક્ષણો એમની કલમે આબાદ રીતે ઝીલાઈ છે. મુંબઈની રંગભૂમિ સાથે જોડાયેલાં યામિની પટેલ નાટ્યલેખન માટે વિવિધ પારોતોષિકો મેળવી ચૂક્યા છે. અહીં એમનું એક સસ્પેન્સ થ્રીલર પસંદ કર્યું છે. ધ કેસ ઈઝ સોલ્વડ’ લેડી પીલીસ ઇન્સ્પેક્ટર અને ખૂની વચ્ચેની રહસ્યમય ક્ષણો પ્રેક્ષકોને જકડી રાખે તેવી છે. ક્ષણે ક્ષણે શંકાની સોય જુદા જુદા પાત્ર તરફ તકાતી રહે છે. લાગે છે કે હવે તો ખૂની કોણ છે, એ ખબર પડી ગઈ ત્યાં જ એક વળાંક આવે, રહસ્યની આંટીઘૂંટી ગૂંથવામાં તેઓ સફળ રહ્યાં છે. વર્ષો લગ્ન યુવક મહોત્સવ તથા યુનીવર્સીટીની વિવિધ સ્પર્ધાઓમાં અભિનય અને દિગ્દર્શન માટે પુરસ્કૃત થનારાં સોનલ વૈદ્યનું ‘સ્પર્શ’ એકાંકી માત્ર ત્રણ પત્રોની આસપાસ જ રચાયું છે. પળેપળે સંવેદનાસભર ક્ષણોનો અનુભવ કરાવનાર આ એકાંકી એ વાતની પણ પ્રતિતી કરાવે છે કે લેખિકાને રંગમંચનો બહોળો અનુભવ છે. સંવાદો, ઘટનાની ગતિ પાત્રોની મનોસ્થિતિ, વગેરેના આલેખનમાં કળાકારની નિપુણતાનો સ્પર્શ થાય છે. આમ તો, વાર્તાકાર, પણ હવે એકાંકીના ક્ષેત્રમાં પ્રવેશનાર ગિરિમાં ઘરેખાનનું ‘કિટીપાર્ટી’ એકાંકી એનાં કથાવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે. કિટીપાર્ટીમાં ચાલતી નિંદારસની મહેફીલની સમાંતરે આરોગ્યની ચિંતાને હાસ્યના હળવા રંગે રંગીને આ એકાંકીની રચના થઈ છે. અંત જરા ઉપદેશાત્મક બન્યો છે. પ્રીતિ જરીવાલાનું ‘જય જય ગરવી ગુજરાત’ તથા પ્રજ્ઞા વશીનું ‘વ્હીલચેર અને લીમડો’ જરા નોખી ભાતનાં એકાંકી છે. જય જય ગરવી ગુજરાતમાં શુદ્ર ભદ્રભદ્રીય ગુજરાતી બોલવાના પ્રયોગને હાસ્યનો પુટ ચડાવ્યો છે. તો શિક્ષણજગતના ભ્રષ્ટાચારની સાથે વિકલાંગ બાળકોની સમસ્યાને ‘વ્હીલચેર અને લીમડો’માં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત નીતા જોશીનું ‘સદીઓથી તરડાયેલી એક વાર્તા’ નીલમ દોશીનું ‘યુગધર્મ’, પારુલ કંદર્પ દેસાઈનું ‘અજન્મા’ તથા અચિંતા દીપક પંડ્યાનું ‘સન્માનના સાટાપાટા’ અહીં મૂક્યાં છે, થોડી મર્યાદાઓ સાથેનાં આ એકાંકીઓનાં સર્જકો હજી વધારે સારી રચનાઓ આપી શકે એમ છે, એવું આ એકાંકીઓ સૂચવે છે. આ સંપાદન માટે રક્ષા ચોટલિયા, રાજશ્રી વાલીયા તથા ચેતના ઠાકોરની એકાંકીઓ પણ જોવા મળ્યાં પરંતુ શાળાનાં બાળકો માટે એ લખાયાં હોય તેવાં હોવાથી આ સંપાદનમાં સમાવી શકાયાં નથી. એ જ રીતે એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે યોજાયેલી લઘુનાટ્ય સ્પર્ધાના એકાંકીઓના સંપાદનમાંથી પસાર થવાનું બન્યું પરંતુ મોટાભાગની રચનાઓ બાળકોની રંગભૂમિ માટે લખાઈ હોય એ પ્રકારની છે, એટલે એને પણ સમાવી શકાયાં નથી. માત્ર સંવાદ લખવાથી એકાંકી કે નાટક લખાઈ જતાં નથી. સંવાદ, કાર્યવેગ, અને નાટ્યાત્મક ક્ષણોનું આલેખન એને રંગભૂમિક્ષમતા આપે છે. ઉત્તમ વાર્તાઓ, કાવ્યો અને નવલકથા લખી શકતી બહેનો પાસેથી નાટ્ય સાહિત્ય પ્રમાણમાં ઓછું મળ્યું છે. ખરેખર તો જીવનની સંકુલતાને જેટલી માત્રામાં સ્ત્રીઓ અનુભવે છે, એ જોતાં એમની કલમે વધારે એકાંકી લખાવા જોઈએ. આશા રાખીએ, આવનારા સમયમાં વધારે એકાંકીઓ મળે.
મીનલ દવે