નારીસંપદાઃ વિવેચન/આત્મદીપો ભવની કાવ્યસાધના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧

‘આત્મદીપો ભવ'ની કાવ્યસાધના
દક્ષા પટેલ

ભોગીલાલ ગાંધી મેળાવડાના જીવ. માણસઘેલા એટલે તેમનું ઘર હંમેશાં જાતભાતના માણસોથી ઊભરાતું રહેતું. વિવિધ પ્રકારની વાતો, વિચાર-વિમર્શ ને ચર્ચાઓથી ઘર ગાજતું રહેતું. પણ તેમના આયુષ્યનાં છેલ્લાં બે-એક વર્ષ લોકોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ. સાવ એકાકી બની ગયા. તેમને એકલતા સાલતી. આ સમયે જીજી-તેમનાં પત્ની સુભદ્રાબેન ગાંધી-ભોગીભાઈને તેમની ગમતી કવિતાઓ વાંચી સંભળાવતાં. પોતાની મનપસંદ કવિતાઓનું રસપાન તેમની એકલતાનું શમન કરતું. તેમના જીવને કવિતાથી ટાઢક વળતી, શાતા મળતી. આમ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કવિતામય રહેનારા ભોગીભાઈ સાચા અર્થમાં કવિ હતા. ભોગીભાઈની પહેલી ઓળખ ભલેને વિચારશીલ પ્રખર બૌદ્ધિક વ્યક્તિ તરીકેની હોય, પણ તેમનાં સંવેદનો, ઊર્મિઓ ને ઋજુતાએ કવિ તરીકેની ઓળખ પણ ઊભી કરી છે. તેમની પર ત્રણ મહાન વ્યક્તિઓનો મોટો પ્રભાવ રહ્યો છે : કવિવર ટાગોર, મહાત્મા ગાંધીજી અને કાર્લ માર્ક્સ. તેમનાં કાવ્યોમાં પણ આ વિચારધારાઓનો પ્રભાવ જોવા મળે છે. ‘સાધના’ કવિનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. કાવ્યોના વિષયો ધ્યાન ખેંચે તેવા છે. તેમના સમય-કાળના સમાજનું, રાજકારણનું અને લોકોની માનસિકતાનું દર્શન કરાવનારા છે. કાવ્યો તેમના જીવનકર્મના અનુભવોનું સંવેદન છે. કાવ્યતત્ત્વ અને તેમનું જીવન એકરૂપ છે. બંનેમાં સાયુજ્ય છે. કાવ્યતત્ત્વ અને તેમની વિચારધારા એકબીજાની સમાંતર છે. કવિએ પોતે જે વિચારો સેવ્યા. જે પ્રકારે જીવ્યા, જે અનુભવ્યું તે જ કાવ્યરૂપે પ્રગટ્યું છે, અને એટલે જ એકમાત્ર કાવ્યસંગ્રહ હોવા છતાં સાહિત્યમાં તેની નોંધ લેવાય છે. કાવ્યસંગ્રહનું નામ 'સાધના' અને કવિનું ઉપનામ ‘ઉપવાસી’ છે. કુલ ૩૯ કાવ્યો છે. જેને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : (૧) પ્રણય જૂથ - ૨૩ (૨) ઝંખના જૂથ - ૧૦ (૩) સાધના - ૬ કાવ્યજૂથનો ક્રમ કવિના માનસિક વૈચારિક વિકાસની ભૂમિકા દર્શાવે છે. આ બધાં કાવ્યો શ્રી બ.ક. ઠાકોર અને શ્રી ઉમાશંકર જોશી દ્વારા જોવાયેલાં છે અને પછી જ ગ્રંથસ્થ થયાં છે. કાવ્યોનો સમયગાળો ૧૯૩૩ થી ૧૯૪૧ સુધીનો છે. આઝાદી સંગ્રામનો ગાળો. કાવ્યસંગ્રહ પર બંગાળી ચિત્રકાર ચિત્તપ્રસાદનું ચિત્ર છે. આકાશી- ધરતી—વાદળ—પહાડ બધું જ કાળા રંગનું છે. કાળો રંગ પડકારો, સંઘર્ષો મુશ્કેલીઓ સૂચવે છે. પહાડ ચઢતો, ઊર્ધ્વ તરફ ગતિ કરતો એકલો માણસ લાલરંગના કાપડથી ઢંકાયેલો છે. માણસનો ચઢવાનો પ્રયત્ન તેની ગતિ, તેનું ઉન્નત મુખ, તેની સાધના રજૂ કરે છે. કાવ્યસંગ્રહના ત્રણ વિભાગો પ્રણય—ઝંખના—સાધના જીવનની જુદી જુદી કક્ષાઓ રજૂ કરે છે. આ બધી કક્ષાઓ એકબીજાંની પૂરક છે, વિરોધી નથી. સમગ્ર જીવનમાં વિસ્તરેલી અને જીવનને આવરી લેતી અનુભૂતિઓ છે. કવિને વ્યક્તિગત પ્રણયમાંથી જીવન વિસ્તૃત કરવાની ઝંખના થાય છે. અને ઝંખનાની સિદ્ધિ પોતે જ સાધના બની જીવનને આગળ ધપાવે છે. આ સુખનો અનુભવ મધ્યમવર્ગી બુદ્ધિજીવી માટે તીવ્ર વેદનાસભર છે. પ્રણય કરતો કવિ સૌને માટે શુભ ઝંખના સેવે છે અને એને સાકાર કરવા જીવનની કઠોર કર્તવ્ય-સાધના માટે કટીબદ્ધ થાય છે. આમ, ઉચ્ચ ભાવનાઓને સેવીને જીવનનું ઊર્ધ્વીકરણ થાય છે. કવિ આત્મલક્ષી સંવેદનોમાંથી બહાર નીકળી પરલક્ષી અને સમષ્ટિલક્ષી સંવેદના કવિતામાં નિરૂપે છે. કાવ્યસંગ્રહના ત્રણ વિભાગ ત્રણ જુદા જુદા મહાન વિચારકની વિચારધારાનું દર્શન કરાવે છે. પ્રણય કાવ્ય વિભાગનાં કાવ્યો ઊર્મિપ્રધાન છે. ભાવનાસભર છે જેમાં રવીન્દ્રનાથ ટાગોરની વિચારધારાની અસર વર્તાય છે. ઝંખના વિભાગમાં કુટુંબપ્રેમ-દેશપ્રેમ—દેશભક્તિ, આઝાદીની ખેવના, આઝાદી માટે કુરબાની દેવાની તમન્ના, સ્વજાગૃતિ વગેરે ભાવના વ્યક્ત થઈ છે જેમાં ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ વર્તાય છે. ત્રીજા 'સાધના' વિભાગમાં વિશ્વપ્રેમ, સામાજિક વિષમતા, શોષણ કરતાં અનિષ્ટ તત્ત્વોની સામેની નારાજગી, વર્ગભેદ સામેનો રોષ, યંત્રવાદ, વિકાસદર્શન જેવાં વિષયો મળે છે. જેમાં કાર્લ માર્ક્સની વિચારધારાનો પ્રભાવ જણાય છે.

પ્રણયજૂથનાં કાવ્યો આ જૂથમાં ૨૩ કાવ્યો છે, જેમાં નરી મુગ્ધતા, તરુણાવસ્થાનો પ્રણય, પ્રેમનો તલસાટ, વિરહની વ્યથા પ્રગટ થાય છે. તે સમયગાળાના સામાજિક વિચારોનું દર્શન થાય છે. સમાજ કેવો હતો? લોકોની વિચારસરણી કેવી હતી તે જાણવા મળે છે. કવિને મન પ્રણય થવો, પ્રણય કરવો એ માનવસહજ પ્રકૃતિ છે. પણ તે વખતનો સમાજ રૂઢિચુસ્ત, જૂનવાણી ને જ્ઞાતિવાદમાં માનનારો સમાજ હતો. એટલે કવિ તે સમયનાં યુવાન હૈયાંઓના પ્રણયને વાચા આપી, મસ્તીથી કાવ્યમાં ઉતારે છે :

‘જીવનની કપરી કરપીણતા
તણી ન્હતી ગમ આપણને જરી
ફકત પ્રેમ હતો, હતી મસ્તી ને
ફકત મુગ્ધ હતાં હૃદયો ઊભે.’

પ્રણયનો સુખદ અંત આવતો નથી. રૂઢિવાદી ચુસ્ત સમાજ પ્રણયને સ્વીકારતો નથી. પ્રણય પાંગરે તે પહેલાં જ મરી પરવારે છે તે કાવ્યોમાં રજૂ કરી સમાજના વિચારોને વ્યક્ત કરે છેઃ

‘પ્રથમ વાર જ આખરની થશે
પ્રિય! ન કહ્યું હતું કદી આપણે’

પ્રણયનો ક્યાંય કોઈ રીતે એકરાર ન હોય તેવાં યુવાન હૈયાં મનમાં ને મનમાં દ્રવતાં હોય છે. તેને કવિ આમ રજૂ કરે છે :

‘સુખ ગયું, સુખનું સપનું ગયું
દુ:ખ રહ્યું, દુઃખનું રડવું રહ્યું
પ્રિય જતાં પ્રિયનું સ્મરણ રહ્યું
પણ ન જીવન કર્ણ પ્રફુલ્લિયું.’

તો કદીક કવિએ પોતાનો છલકતો પ્રણય મસ્તી અને બેફિકરાઈથી કશાય ક્ષોભ વગર મુક્ત રીતે કાવ્યમાં રેલાવ્યો છે. આમ કરી અનેક યુવાન હૈયાંઓના દિલના ઉછાળાઓને વાચા આવવાનું કામ કવિએ કોઈ જ પ્રતીક—વગર મુખર રીતે કર્યું છે :

‘સખી! સ્પર્શું ચૂમું, અધિક બલઆશ્લેષ મહીં લૈ
તને હૈયા હૂંફે નયનઅમી રેલાવી રીઝવું
અને તારાં ગાત્રો મુજ શરીરમાં આત્મ હૃદયે
ભરી દે ઉન્માદે, અકથ અણજંપ્યા તને બાંધી દેવા અજબ ઉત્પાતો કરી રહું.’

પ્રણયનો મહિમા કરતાં કવિ પ્રિયતમાને કહે છે

‘જગતનથી મુજ જીવન સાંધતી
તું જ હતી મમતામયી શૃંખલા
તવ જતાં ગઈ જીવનની ધૃતિ
અનુભવાવી શકે નવજીવન?’

કવિને મન પ્રણય પ્રાકૃતિક બાબત છે. પ્રેમ થવો સાહજિક છે. કોઈને ચાહવું એ સામાજિક ગુનો નથી. કલંક નથી. એટલે જ રૂઢિચુસ્ત જૂનવાણી સમાજના સંકુચિત માનસવાળાં લોકોને સમજાતાં કવિ લખે છે.

‘પ્રમદ વયની જુવાની તે કદી ઊભરેય, ને
મહદ નદશી છોળો ઊડે, ઊભે ડુબિયે ભલે
પ્રણયશશીની એ તો શોભા, કલા, ન કલંક એ.’

ક્યારેક કવિની કમાલ, તેમની કલ્પનાની કમાલ તેમના ઉત્સવપ્રેમમાં અનુભવાય છે. આપણે વિવિધ પ્રકારના ઉત્સવોને જાણીએ છીએ, માણીએ છીએ, ઉજવીએ છીએ; પણ કવિ આપણને વિશિષ્ટ ઉત્સવનો અનુભવ કરાવે છે. તે છે નયનોત્સવ. નયનનો ઉત્સવ કુદરતનું મોહક, રળિયામણું દૃશ્ય જોવાનો નયનોત્સવ નહીં પણ પોતાની પ્રિયતમાને નિરખવાનો, અને પ્રિયતમાનાં અગાધ નયનો થકી સમગ્ર સૃષ્ટિને નિરખવાનો નયનોત્સવ.

‘તને ટગટગી રહું લખસવાર સંધ્યા અને
ઉજાસોવણ કલાંત ચેતનવિહીન રાતો બધી
તને નયનમાં ભરી, તવ અગાધ નયનો મહીં
ચહુ સકળ સૃષ્ટિ સંગ સહચાર હું સાધવા
ઉજવું કાં ન નયનોત્સવ?’

કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં કવિની કેટલીક વિશેષતાઓ જોવા મળે છે. એમનામાં- જીવનની ઊંડી સમજ અને કલારસિકતાનો સુંદર સમન્વય જોવા મળે છે. કાવ્યોનો સમયગાળો દાંડીયાત્રા પછીનો અને બીજા વિશ્વયુદ્ધનો છે. વળી ગુલામ ભારત, રૂઢિચુસ્ત સમાજ, જૂનવાણી સંકુચિત વિચારોવાળાં લોકો, ગરીબાઈ ને શ્રીમંતો દ્વારા ગરીબોનું શોષણ વગેરે કેટલાય સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલા સમાજની કવિને હાડોહાડ રોમરોમ વ્યાપેલી અનુભૂતિ છે. વર્ગભેદની સમજ પાકી થતાં કવિ તેમાંથી પોતાની જાતને છોડાવી આવતીકાલનાં સર્જકબળોની સાથે જોડાવા ઇચ્છે છે. વિરાટ જીવનની અનુભૂતિને પામે છે. આમ પોતાના અનુભવે મળેલી જીવન અંગેની સમજને ભાવાત્મક રીતે કાવ્યમાં ઢાળે છે. કવિ ઊર્મિશીલ છે, સંવેદનશીલ છે, માટે વિવિધ ઉપમાઓનો ઉપયોગ કરી કર્મઠ જીવનના અનુભવોને આ પ્રકારે કાવ્યમાં નિરૂપે છેઃ

‘અને મુજ ગતિ, પ્રિયે? તરલ નાવ કેરી કથા?
ડુબે ડુબ ડુબે છતાં ડુબતી ના, સદાયે વ્યથા!” (મિલન આતુરાં)
‘વિશ્વે ભર્યાં કૈંક બૃહદ્ દયાઝર
ને તોય દુ:ખી જ રહી વસુંધરા.' (ન વાંછ જો કદી)

*
‘વિરાટની એહ રહસ્યલીલા

ઉકેલવા માનવતા મથી રહી
અનાદિથી કાળકિનાર ઊભી.’ (સાધના,)


કવિના સર્જક-ચિંતક માનસનો અનેરો પરિચય મળે છે. કવિનું ચિંતન તેમના કર્મઠ જીવનનો બોધ છે. વ્યક્તિને પોતાની ચેતના પ્રગટાવવાની અને તે ચેતના વડે પોતાનું જીવન ઉજાગર કરવાની સમજ સુંદર ઉદાહરણ દ્વારા પૂરી પાડી છે. બહારનું, બીજાનું માર્ગદર્શન જેટલું ખપ આવે છે. તેનાથી કંઈ ગણો વધારે જાગ્રત મનનો પ્રકાશ ખપમાં આવે છે. પારકો પ્રકાશ ઘડીક અજવાળું આપી ખૂટી જાય છે. પણ સ્વનો પ્રકાશ જીવન તારે છે. મનના ઉચાટો, ઉદ્વેગો ને મૂંઝવણોનો ઉકેલ જાગ્રત મન જ આપી શકે છે. આમ, વ્યક્તિ પોતે જ પોતાનું અજવાળું બને, દીવો બને તે વાત ગીતમાં પ્રગટે છે. આ કાવ્ય-ગીત શાળાઓની પ્રાર્થનાથી માંડીને ઘણા ઘણા પ્રસંગોએ પ્રાર્થનારૂપે ગવાય છે. આ ગીત પ્રાર્થનારૂપે એટલું તો જાણીતું છે કે કવિની ઓળખ પાકી કરી આવે છે.

‘તું તારા દિલનો દીવો થાને
ઓ રે, ઓ રે, ઓ ભાયા!

આભના સૂરજ ચંદ્ર ને તારા
મોટા મોટા તે જ -રાયા
આતમનો તારો દીવો પેટાવા
તું વિણ સર્વ પરાયા-તું તારા દિલનો (આત્મદીપો ભવ)

*
‘ચહુ અમર જીવવું પ્રણય યૌવનોન્માદમાં

છતાં જીરણ દેહને
કદી મરણ આવશે, ફિકર ના, મને રંજ ના.
પરંતુ રસરંગહીણ ભયપૂર્ણ ઔદાસ્યમાં
અતેજ બની જીવવું અમરનું મન સહ્ય ના
થયો મનુજ, તો મને મનુજસિદ્ધિની વાંછના.' (વાંછના)

કવિમાં સામાજિક નિસ્બત જોવા મળે છે. પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ માટે તે ચિંતિત છે. આમ તો પ્રણયમાં મુગ્ધ કવિને જીવન સોણાસમું સુંવાળું લાગે છે. તે આપમનમાં મસ્ત બની રાચે છે. પણ વિવિધ વર્ગરંગોથી ભરેલા સમાજને જોતાં, જુદાજુદા હિતોનો સંઘર્ષ જોતાં કવિની સ્વપ્નસૃષ્ટિ તૂટે છે અને દીનદુઃખીપીડિત લોકો માટે અનુકંપા થાય છે. ગરીબો માટે બધા સુખ તજવા તૈયાર થાય છે. સમાજના ગરીબવર્ગ માટેની સાચી નિસ્બત કાવ્યમાં આ પ્રકારે ઊભરી આવે છેઃ

'બધું જ તજવું હવે સુખ, સુખાર્થનાં સાધનો
રહું ગરીબ સંગમાં ફકીર થૈ તજી દૈ ફિકર.
સૂવુંય ફુટપાથપે વ્યથિત વિશ્વસંગાથમાં.
મને ગરીબને ગૃહે જનમવા થઈ એષણા' (નયન ઊઘડ્યાં-૫)

ગરીબોનાં દુ:ખોને સમજવા, તેનો અનુભવ કરવા કવિ ગરીબના ઘરે જન્મ લેવા તૈયાર થાય છે. ગરીબો તરફની અનુકંપા છે. સીધા અનુભવ વગર ગરીબીનું દુ:ખ સમજાતું નથી. ગરીબીનો અનુભવ કરવા કવિ ગરીબો સાથે ફૂટપાથ પર ફકીરને જેમ રહેવા ચાહે છે. વર્ગભેદ જેવો સળગતો સામાજિક પ્રશ્ન કવિને વધુ સંવેદનશીલ બનાવે છે. તેમના માટે કંઈક કરી ફટવા તૈયાર થાય છે. અને વર્ગવિહીન સમાજવાદની તરફેણ કરે છેઃ

'અહીં ધન ધરા અને દાનવિકાસનાં સાધનો
લઈ નિજ કરે ધનાઢ્ય, ગરજુ ભૂખ્યા જીવને
ચુસે સતત રે! મરે જગતના મૂલધારકો.’ (નયન ઊઘડ્યાં-૮)

કાવ્યમાં ધનિકોની વૃત્તિ અને પ્રવૃત્તિનો સ્પષ્ટ ખયાલ મળે છે. ગરીબોના દુઃખનાં અને ભૂખનાં કારણો સ્પષ્ટ થાય છે. કવિ ત્યાગથી અને દયાથી આ સંઘર્ષ દૂર કરવા પ્રયત્ન કરે છે. કવિ સમાજના પ્રશ્નોને કાવ્યમાં ઝીલે છે, કારણ કવિને સમાજ સાથે સીધી નિસ્બત છે. કવિની ગતિ સ્વથી સર્વ સુધીની છે. સ્વ સુધીની સંકુચિત ન રહેતાં સમષ્ટિની ચિંતા કરેછે. પોતાનાં સુખદુઃખનો જ વિચાર ન કરતાં સમાજનો - વિશ્વનો પણ એટલો જ વિચાર કરે છે. વિશ્વ કુટુંબની ભાવના સેવે છે. પ્રિયજન, સ્વજન, આપ્તજન ઉપરાંત વિશ્વમાનવ બનવાની ઝંખના રાખે છે.

'બધે જ જન આપણાં, પરમ વિશ્વબંધુત્વના
કણો જ પથરાયેલા, અવ' ભેદ જાણ્યો નહીં. (નયન ઊઘડ્યાં-૩)

પ્રણયનો પાસ કવિહૃદય ઉપર સારો પડેલો જણાય છે. કવિ મસ્ત બની પ્રણયનાં ગાન ગાય છે. પણ માતૃભૂમિની હાક સાંભળી પ્રણયને કોરાણે મૂકી જરાય વસવસા વગર આઝાદીની લડતમાં જોડાવા તૈયાર થાય છે. આ વાત કવિતામાં સરળ ભાષામાં ભાવસભર રીતે આમ વર્ણવે છેઃ

અને હરિતવર્ણ મંડપ અશોકપર્ણે લચ્યો,
રચ્યા કુસુમ કુંકુમે અખિલ અક્ષતે સ્વસ્તિકો;
રહી નવ મણા કશી, ક્ષણ ન અર્ધ બાકી રહી,
તહીં જવનિકા પડી અમ વિયોગની રાતડી!
પડી જનની હાક! રે, મિલનયોગ જામ્યો નહીં!
ખરે, જવનિકા પડી અસહયોગની માતની. (મિલન આતુરાં (૨૦)

આમ, કવિની ગતિ સ્વથી સ્વદેશ સુધી છે. પ્રણયની સાથે સાથે દેશની આઝાદી પ્રત્યે નિસબત રાખે છે. માતૃભૂમિની હાક સાંભળી અસહકારના આંદોલનમાં જોડાય છે. કવિનો પ્રણયરાગ પ્રબળ છે પણ સાથેસાથે કવિ દેશભક્ત છે. કવિના કેટલાંક કાવ્યમાં શૌર્ય, જુસ્સો દેશભક્તિ ને દેશપ્રેમ છલોછલ છલકાય છે. આ કાવ્યોમાં આઝાદીનો જુવાળ એવો તો પ્રગટ્યો છે કે વાંચતાં વાંચતાં ઝવેરચંદ મેઘાણી યાદ આવી જાય છે. કવિને દેશની આઝાદીની ખેવના છે. આઝાદીની લડત માટે પોતાના પ્રાણને આવાહન આપે છે. દેશવાસીઓને આઝાદી સંગ્રામ, માટે જાગ્રત કરે છે. કવિને દેશની આઝાદી સાથે નિસબત છે. તેથી જ કાવ્યોમાંથી કવિની દેશભક્ત દેશપ્રેમીની તરીકેની ઉજ્જવળ પ્રતિભા ઊપસે છે.

‘ઓરે ઓરે પ્રાણ!
ઓ રે મારા પ્રાણ!
ગાને એવું ગાન... ગાને એવું ગાન
ધખધખંતી ધરતી માથે ધીંગું ઊઠે તોફાન
જાણે ભસ્મ બને શયતાન!
ઓ રે મારા પ્રાણ!
ગાને એવું ગાન...…
ગુલામી કેરી નિંદર ઘેરી ભોમતણાં સંતાન
જાણે જાગી ઊઠે મહાપ્રાણ!’ (આવાહન(૭૦))

*
‘ધન્ય ઓ જીવ! શીદને ઝુરે?

તું તો અજરામર થઈ ફરે
વિરલ વીર કો માતભક્તિમાં
જીવનધન પરહરે
તું બિન્દુ બિન્દુએ મરે;
ધન્ય તું અમર મૃત્યુને વરે.’ (ધન્ય (૬૫))

કવિ પ્રખર વિચારક છે એટલે જ્ઞાન-વિજ્ઞાનની શોધો અને યંત્રસંસ્કૃતિની વાત પણ કાવ્યોમાં આવે છે. તૉલ્સ્ટૉય અને ગાંધીજીએ યંત્રસંસ્કૃતિને તિલાંજલિ આપવાનો જગતને આદેશ આપ્યો હતો. પણ આ વિચારશીલ કવિ, યંત્રવાદ ઉપયોગી ખરો કે નહિ, માનવજાત માટે ઉપકારક બનશે કે કેમ તે અંગે સમગ્રપણે વિચારે છે. વિજ્ઞાનની શોધો માનવને સંવેદનહીન યંત્રવતુ બનાવશે તેવા ભયસ્થાન સામે પણ કવિએ તટસ્થભાવે યંત્રવાદના વિરોધની અને તરફેણની દલીલો ખૂબ સચોટ રીતે કાવ્યમાં એવી ઉતારી છે કે કવિ વિચારક સાથે ભાવનાશીલ કવિ તરીકે ઊભરી આવે છે:

યંત્રોતણી ભીષણ ને ભયંકરી
ઝંઝીટમાં માનવતા ડૂબી રહી
સહસ્ર હૈયે શતધાર વેદના
ઊંડે ઊંડે માનવને ભીંસી રહી. (સાધના-૨(૧૦૧))

ઉગારવા માનવતા મથી રહ્યા
વિજ્ઞાનિકો; કિંતુ બને છ દિગ
વધે વધે યંત્ર, વદે છે યંત્રણા
વધી રહી માનવતાની યાતના
રે દોષ શે યંત્ર પરેજ દેવો?
એ તો બિચારો જડ શક્તિભારો
ચૈતન્યની ઓજસ ચીનગારી
વિના કદી એ નહિ પેટનારો
સૌ દોષ છે ચેતન માનવીતણી (સાધના-૩ (૧૦૪))


બુદ્ધિજીવી માર્ક્સવાદી કવિ ઉજ્જવળ ભાવિની તલાશમાં છે. તેમને મન વર્ગવિહીન સમાજરચના સમાજવાદ નૂતન જીવન માટે ઉપકારક છે. માર્ક્સવાદી દૃષ્ટિએ વિકાસદર્શન અને ક્રાંતિ કાવ્યમાં આમ વણાઈ આવ્યાં છે:

‘ભઠ્ઠી મહીં આગ રહી ભભૂકી
ધરાતલે સુપ્ત ઊઠ્યો જ લાવા
ઉત્ક્રાંતિ રંધ્ર બધાં રૂંધાયાં.
ક્રાંતિતણું દ્વાર રહ્યું, ઉઘાડવું.’ (સાધના-૫(૧૦))

‘ને એ દગો ક્રાંત વડે ઉકેલાતો
વિરાટની ગૂઢ રહસ્ય લીલા
દોરી જશે સાધક જાગ્રતાત્મન્
સમાજને, સંસ્કૃતિનો રથી બની.’(સાધના—૫ (૧૦૮))

કવિએ સમાજવાદી વિચારધારાને કાવ્યમાં પ્રગટ કરવાનો સબળ પ્રયત્ન કર્યો છે. સોવિયેત રશિયાની નવીન ભવ્ય સંસ્કારિતાના પ્રણેતા કાર્લ માર્ક્સની વિચારધારા કવિને પોતીકી લાગે છે. તેનો સ્વીકાર માનવજાતને વિકાસની નવી દિશા આપશે તેવી કવિને શ્રદ્ધા છે. અહીં કવિ પોતે પ્રખર વિચારક, આંતરરાષ્ટ્રીય રાજકીય ઘટનાઓના વિશ્લેષણકાર અને તેની સમાજ પરની અસરોથી અવગત છે. આથી આવા અભિગમને વ્યક્ત કરતાં, નવા જ વિષયવસ્તુ સાથેનાં સુંદર કાવ્યો આપ્યાં છે.

જૂના જૂના ચીલેથી જગત જતું હતું ત્યાંથી એક્કેસપાટે
ટીપી ભારે હથોડે, નવલ જગતનાં રૂપ ને ઘાટ દૈને
કોણે આ વિશ્વને બસ અમર કરી દીધું સર્જન ભવ્ય-નવ્યે?
કોણે? રૂસે પ્રતાપી, ભગીરથ જતને, ક્રાંતદર્શી દગોથી
ઝંઝાવાતો ઉથામી, સમય સમયના વજ પાશોય કાપી. (રશિયા (૯૦))

કવિનાં કેટલાંક કાવ્યો વર્ણનાત્મક કાવ્યો છે. કથન શૈલીના લઘુકથા જેવાં છે. કાવ્યમાં આરંભ, મધ્ય અને અંત છે. સુંદર વર્ણન સાથે કાવ્ય શરૂ થાય, વાંચતા જઈએ તેમ તેમ કથાના અંત વિષે ઉત્સુકતા વધતી જાય. કાવ્યના અંત સાથે કથા પણ પૂરી થાય. જેમકે - બે મુગ્ધ જીવો કથા / બે સ્નિગ્ધ હૈયાં / સંસારના શ્વાસ થકી અબોટ્યાં / ભેગાં થયાં ભેટી પડ્યા પ્રફુલ્લયાં / જાણે બુડ્યાં સ્વપ્ન સમાધિમાં ઊંડાં / ત્યાં એકદા 'ફેર મળીશું' બોલી / બાલા ગઈ તાત-નિમંત્રી ઘેરે/ ઘેરે હતા સર્વ સુસાજ સાધ્યા / કો હાથથી હાથ મિલાવી બાંધી / ગાંઠે ગઠી, કોક અજાણ ઉંબરે / વળાવી દીધું વધુ કન્યકાને / ખંડી ગઈ મુગ્તણી જીવારત / શાંતિ થઈ. મૃત્યુમુખે ય એને / મુગ્ધાતણી અબૂઝ આરત / ક્યારે ય બૂઝી? / નવ પૂછશે કદી / બે કરે લગ્ન મિષે ફસેલી / રે મૃત્યુ એ ફેંકી દીધેલીને વિષે.

*

આંબાને આવ્યો'તો મ્હોર/ હાં રે બહેની! આંબાને આવ્યો'તો મ્હોર / માઝુમને તીર વીર મામાનો માંડવો/ રમતાં'તાં ભાઈબહેન પ્હોર/ નીચેરી ડાળ હેની બેસી ટહૂકતી / કાલુડા ઘેલુડા બોલ / હાં રે બ્હેની કૂજે કોયલડી કિલ્લોલ / વીતી વસંત વીતી વર્ષાની વાદળી / વીતી શિશિર કઠોર / હાં રે બ્હેની મૂર્છતી મૃત્યુની છૉળ / આજે અભાગી ભાઈ એકલ અટુલડો/ આવ્યો વસંત નઠારો હાય! ઉગ્યો રાતુડો આંસુડો મ્હોર! આંબાને આવ્યો'તો મ્હોર. આ પ્રકારનાં બીજા કાવ્યોમાં છબી, ભગિની—મિત્ર સ્વજનને, ગુજરી, પ્રેમકહાણી, મિલન આતુરાં, ડૂસકું વગેરે છે. ‘છબી’કાવ્યમાં કવિનો મુગ્ધપ્રેમ, પ્રિયાને પામવાનો તલસાટ, અધૂરાં અરમાનો અને આયુષ્યના અંત સુધીના ઝુરાપાની વાત હૃદયસ્પર્શી બની રહે છે. તો ‘ભગિની મિત્ર સ્વજનને' કાવ્યમાં બહેનના અસહ્ય દુઃખ ભરેલા આયખાની વાત, દુ:ખના હાથીને નાથી સુખની સવારી અને મૃત્યુ સાથે દોસ્તારીની મર્મસ્પર્શી કથા જાતજાતની ઉપમાઓ અને વિશેષણો વાપરીને સરસ અંત્યાનુપ્રાસ ગોઠવીને કરી છે. જીવનનો સંઘર્ષ અસહ્ય શારીરિક યાતનાઓ છતાં મૃત્યુનો જરાય ડર રાખ્યા વગર મૃત્યુને મિત્ર બનાવી દેવાની વાત કવિના ઉદાત્ત વિચારોની પરકાષ્ઠા દર્શાવે છે. કવિ ભગિનીનું મર્મસ્પર્શી ચિત્રાલેખન કરે છે. આમ, કથનાત્મક કાવ્યો સરળ ભાષામાં મનોવેધક ખંતથી રચ્યાં છે. કવિએ ઘણાં કાવ્યોમાં સુંદર શબ્દચિત્રો ખડાં કર્યાં છે. કવિની બારીક અવલોકનશક્તિનો અને અવલોકનને સુંદર રીતે શબ્દસ્થ કરી, આબેહૂબ દૃશ્યો સર્જવાની શબ્દશક્તિનો અને કલ્પનાશક્તિનો અનુભવ થાય છે. રોજિંદી ઘટના સ્થળ કે વસ્તુની કવિ સાદી સરળ ભાષામાં એવી રોચક રજૂઆત કરે છે કે તેમનાં આવાં કાવ્યો નવી ભાત પાડે છે. સુંદર શબ્દચિત્રો વાચકના મનમાં આખે આખું દૃશ્ય ખડું કરી દે છે. ક્યારેક વાચક પોતે ઘટનાનું પાત્ર બની આખા કાવ્યને માણે છે. કેટલાક કાવ્યોની પંક્તિઓ આ પ્રમાણે છે:

‘પ્રભા પ્રકટતી હતી, સુભગરંગ કંકાવટી
ધરી કરપુટે, ઉષા હૃદયનાથ સત્કારવા
જતી નભપટે, મનોમન મહીં સમુલ્લાસતી
અને મુદિતચિત્ત સૂર્ય રતરાગ શૃંગારમાં
ભરે પદ યથેચ્છ રે! મિલનયોગ જામ્યો તહીં! (મિલન આતુરાં)

*
પોઢી'તી સૃષ્ટિ જ્યારે સભર નિંદરમાં છાતી સામે બઝાડી

મોટા મોટા પહાડો, સરવર નદ ને જંગલ ગાઢ
ઝાડી ભોળાં નાનાં પશુઓ, અણુ અણુ સરખાં જીવ ને જંતુ સર્વે. (રશિયા (૮૮))

કવિ શ્રી ભોગીભાઈના સમકાલીન મોટાગજાના કવિઓ ઉમાશંકર જોશી, સુંદરમ્, કરસન માણેક, રાજેન્દ્ર શાહ વગેરે કવિઓના પ્રણયકાવ્યોની અભિવ્યક્તિ વ્યંજનાપૂર્ણ છે. તેમાં સૌંદર્ય અને કલાતત્ત્વનો ભારોભાર અનુભવ થાય છે. આ દૃષ્ટિએ જોતાં ભોગીભાઈનાં પ્રણય કાવ્યોમાં વ્યંજનાપૂર્ણ રજૂઆત ઓછી છે પણ ભાવ ભારોભાર અનુભવાય છે. તેમનાં ઘણાં પ્રણયકાવ્યો મુખર છે. ઘણે ઠેકાણે સીધેસીધાં વિધાનો જોવા મળે છે. તેમનાં કાવ્યોમાં વિષયવસ્તુનું નવીન પ્રકારે નિરૂપણ થયું છે. કવિ છંદના અભ્યાસી છે. ‘નયનોત્સવ', 'મિલન આતુરાં', 'રખે ને’, ‘વ્રજ, રમણીને’ જેવાં કેટલાંક છંદોબદ્ધ કાવ્યો મળે છે તો સુંદર ભાવપૂર્ણ શ્રેષ્ઠ ગીતો જેવાં કે ‘ક્યારે' 'આત્મદીપો ભવ' ઉપલબ્ધ છે. એમનાં કાવ્યોમાંથી પસાર થતાં ઓછા વપરાતા ને ઓછા બોલતા શબ્દોના પ્રયોગ ધ્યાન ખેંચે છે. કાવ્યમાં વિવિધ ભાષાઓના શબ્દોને સ્થાન આપી કાવ્યસૌંદર્ય વધાર્યું છે. કદીક પ્રાસ મેળવવા પણ અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ થયો છે. જેમકે મરાઠી ભાષામાંથી પરત, હિંદી ભાષામાંથી બિરધા, દૂણી, બિછડ્યાં, ઝંઝાટ ને બંગાળીમાંથી ઉતલ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ‘સાધના' જૂથના કાવ્યોમાં પૌરુષ સભર આવેશ તીવ્રતાથી ને ઉગ્ર ઉકળાટથી પ્રગટેલો જણાય છે. તો ઘણા કાવ્યોનાં શીર્ષકમાં જ પૌરુષ સભર આવેશ વર્તાઈ આવે છે જેવાં કે, 'લલકારી નાંખું', ‘સોવિયેટના લાલ નાગરિકને', 'સાધના', 'પ્રણય' વિભાગમાં અંગત કથાવ્યથાની વાત આવે છે. તીવ્ર પ્રણયાનુભૂતિનો અનુભવ થાય છે. વ્યક્તિગત રાગાવેગાનો જ કવિ આલાપ કરે છે. ‘વાંછના' વિભાગમાં 'અંગત સિવાય સમાજના વ્યક્તિઓના પ્રણયાવેગનું ગાન ચાલે છે. ત્રીજા 'સાધના' વિભાગમાં કવિની સમષ્ટિ માટેની, દીનદુખિયા માટેની ચિંતા અને તે અંગેના પડકારો ઝીલી પુરુષાર્થ કરવો જોઈએ એવા વિચારોની નક્કરતાનો અનુભવ થાય છે. કોઈ એક પંક્તિ દ્વારા ભોગીલાલ ગાંધીની સમગ્ર ચેતનાનો પરિચય કરાવવો હોય, એમની સંવેદનધારા, વિચારધારા અને જીવનધારાને નિર્દેશવી હોય તો તેમના પૃથ્વી છંદમાં રચાયેલ 'વિરાટ પગલાં' કાવ્યની એક પંક્તિ અવશ્ય ટાંકી શકાય :

‘નહીં કંઈ ગુમાવવું ફક્ત શૃંખલા બેડીઓ'

આ ઝીણી કણૂચીની કવિની ઊંડી અને વિશાળ દૃષ્ટિ બૃહદ અર્થમાં સ્થૂળથી સૂક્ષ્મ પ્રતિ ગતિ કરતી લાગે છે. અંતે તો કવિ શૃંખલા બેડીઓમાંથી મુક્ત થવા જ મથે છે અને સમાજને દિશા ચીંધે છે.

[કવિલોક સંચાલિત ‘વિશ્વ કવિતા કેન્દ્ર' ખાતે આપેલું વ્યાખ્યાન]


ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ, સં. પ્રકાશ ન. શાહ, રમણ સોની અને અન્ય, ૨૦૧૬, પૃ.૪૮૫-૪૯૭