નારીસંપદાઃ વિવેચન/આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫

આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં નારીપ્રતિમાનું નિર્માણ
ઈલા નાયક

કોઈપણ સાહિત્યકૃતિનું વાચન-ભાવન કરીએ ત્યારે તે કલાકૃતિ તરીકે કેવો આનંદ આપે છે. તે જ મહત્ત્વનું છે, એટલે કે સાહિત્યકૃતિમાં વાસ્તવનું કલાત્મક રૂપાંતર થવું અનિવાર્ય છે. અલબત્ત કાવ્ય કરતાં વાર્તાકૃતિમાં સમાજવાસ્તવ વધુ પ્રતિબિંબિત થતું જોવાય છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાંથી કથાતત્ત્વની લગભગ બાદબાકી થઈ હતી તે હવે વાર્તામાં ફરીથી પ્રવેશે છે ત્યારે વાર્તાસાહિત્યમાં નારીપ્રતિમાનું ચિત્ર પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોઈ શકાય. સમાજમાં નારીપ્રતિમા જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ ગુજરાતી વાર્તામાં પણ બદલાતી નારી પ્રતિમાનો આલેખ બદલાતો ગયો છે. સદીઓથી સ્ત્રી પુરુષશાસિત જ હતી. સ્ત્રીની શક્તિ, દેવત્વ, સમર્પણ, ત્યાગ આદિ ગુણોનો પુરુષ દ્વારા મહિમા થતો રહ્યો અને સાથે સાથે પુરુષ એનું શોષણ પણ કરતો રહ્યો. પુરુષોએ લાદેલા આદર્શો અને ભાવનાઓથી વિભૂષિત સ્ત્રી રાજીપાથી પોતાની મેળે જ આ જાળમાં ફસાતી ગઈ. આમ સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દીવાલો વચ્ચે જ સીમિત થયું અને સ્ત્રીની કોઈ આગવી ઓળખ જ ન રહી. અંગ્રેજોના આગમન પછી સમાજસુધારા નિમિત્તે સ્ત્રીને રૂઢિબંધનોમાંથી મુક્ત કરવાના પ્રયાસ થયા. આ પછી ગાંધીજીએ સ્ત્રીને રાષ્ટ્રીય ચળવળ સાથે જોડીને તેનાં કાર્યોને નવી દિશા આપી. સાતમા દાયકા પછી વિશ્વમાં આત્મસભાન નવી સ્ત્રીનો જન્મ થાય છે. એને પોતાના સ્વતંત્ર અસ્તિત્વનું ભાન થાય છે એને થતા અન્યાય સામે આક્રોશર્યો અવાજ એ ઉઠાવે છે. સ્ત્રી કે પુરુષે કોઈએ કોઈના પર સત્તા ચલાવવાની નથી એવી જાગૃતિ તેનામાં આવે છે. આ જાગૃતિ નારીવાદી ઝુંબેશમાં પરિણમે છે. સ્ત્રી વ્યક્તિ છે, તેને પોતાના આગવા વિચાર, વલણ, ગમાઅણગમા, ભાવ-પ્રતિભાવ હોઈ શકે છે તે વાતનો સ્વીકાર નારીવાદના મૂળમાં છે. સાહિત્યમાં પણ નવી નારીની છબી ઝિલાવા માંડી. આધુનિક ગુજરાતી કથાસાહિત્યમાં નારીસંવેદનાનું પરિવર્તન કંઈક અંશે દેખાય છે. ધીરુબહેન પટેલ, કુંદનિકા કાપડિયા, સરોજ પાઠકની રચનાઓમાં નારીવાદી સૂર સંભળાય છે. કુદનિકા કાપડિયાની રચનાઓમાં નારીસ્વાતંત્ર્યનો અવાજ આવેશયુક્ત છે, ધીરુબહેન પટેલમાં સૌમ્ય છે, અને સરોજ પાઠકમાં વાસ્તવિક છે. સરોજ પાઠકની સારિકા પિંજરસ્થા વાર્તામાં સામાજિક બંધનોમાં બંધાયેલી નારીની છટપટાહટ છે. એમની જ 'કાવતરું' વાર્તાની નાયિકા તેની માતા તિલોત્તમાથી પ્રભાવિત છે પણ એને તિલોત્તમાની પુત્રી તરીકે નહીં પણ માત્ર પ્રાચી તરીકે જ ઓળખાવું છે. નારી સ્વાતંત્ર્યની ઝંખનાનું ચિત્ર અહીં ઊપસ્યું છે. આધુનિકોત્તર ગુજરાતી વાર્તામાં વ્યક્તિસ્વાતંત્ર્ય ઝંખતી નારીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. નવી નારીના ઉદ્ભવના મૂળમાં નારીવાદી ઝુંબેશ તથા બીજાં પરિબળો પણ કારણભૂત છે. ઘરના ઊંબરાની બહાર પગ ન મૂકનારી નારી આજે બહાર નીકળી છે. તે જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓમાં શિક્ષણ મેળવે છે, તે આર્થિક રીતે પગભર થઈ છે. આ સાથે તે સમૂહમાધ્યમોથી પણ પ્રભાવિત છે. આ બધાંને કારણે છેલ્લાં પંદરેક વર્ષમાં ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રીસ્વાતંત્ર્યનો મિજાજ પ્રભાવક રીતે વ્યક્ત થયો છે. આજની વાર્તામાં નારીની મૂંઝવણો, વેદનાઓ, સ્વાતંત્ર્ય માટેની ઝંખના, અન્યાય, અપમાન આદિ સામેનો આક્રોશ, જાતીય પ્રશ્નોની ગૂંચવણો, એકલતા વગેરેને પુરુષ સર્જકો અને સ્ત્રી સર્જકો દ્વારા અભિવ્યક્તિ મળી છે. શોષણ અને અસમાનતા સામેનો સ્ત્રીનો વિરોધ ગુજરાતી વાર્તામાં પ્રગટ થવા માંડયો છે. સ્ત્રી હોવું એટલે શું એની સભાનતા અને સજગતા આજની વાર્તામાં પ્રતિબિંબિત થયાં છે. સાંપ્રત વાર્તાકારોમાં હિમાંશી શેલત, સુવર્ણા, કુંદનિકા કાપડિયા, અનિલ વ્યાસ, મણિલાલ હ. પટેલ, રમેશ ૨. દવે, હરીશ નાગ્રેચા, અજિત ઠાકોર, મોહન પરમાર, કિરીટ દૂધાત, રવીન્દ્ર પારેખ, હર્ષદ ત્રિવેદી, ઈવા ડેવ, કંદર્પ ૨. દેસાઈ, પ્રાણજીવન મહેતા આદિ નોંધપાત્ર છે. આ દરેકમાં નારી સંવેદના કોઈને કોઈ રૂપે પ્રગટી છે. થોડાં દૃષ્ટાંતો લઈ આજની વાર્તામાં - નારીપ્રતિમા કેવી ઊપસી છે તે તપાસીએ. માનવમનનાં સંવેદનોને સૂક્ષ્મતાથી વ્યક્ત કરતી હિમાંશી શેલતની વાર્તાઓમાં નારી સંવેદનો પણ ચિત્રિત થયાં છે. તેમની 'સુવર્ણફળ' (અંધારી ગલીમાં સફેદ ટપકાં) વાર્તામાં અપરિણીત નારીનાં સંચલનો જોવા મળે છે. એકમેકનો આધાર બનીને જીવતી સુમિત્રા અને વત્સલામાંથી તેંતાળીસ વર્ષની ઉંમરે વત્સલા ડિવોર્સી ચન્દ્રવદન સાથે લગન કરવાનું નક્કી કરે છે. સુમિત્રા આ નવી સ્થિતિનો સ્વીકાર કરી શકતી નથી કેમકે તેનો આધાર ચાલ્યો જાય છે. તેને વત્સલાના પાલવમાં ટપ ટપ પડતાં સુવર્ણફળ દેખાય છે. અને તેને વિચાર આવે છે કે આટલી ઉંમરે વત્સલાને કોઈની જોડે ગોઠવાવાનું ફાવે કે ન ફાવે, આ વિચાર આવતાંની સાથે જ તે ઉત્સાહિત બને છે અને પેલા કલ્પવૃક્ષનું એક સાવ નાનું સુવર્ણફળ અણધાર્યું જ એના હાથમાં આવી પડે છે. અહીં સુમિનું ભાવાન્તરણ અને સુવર્ણફળનો બે વિરોધી અર્થમાં પ્રતીકાત્મક પ્રયોગ નોંધપાત્ર છે. અહીં નારીસંવેદનાનું કલાત્મક રૂપાંતર થયું છે. આવી જ અપરિણીત નારીનું સંવેદન કંદર્પ ૨. દેસાઈની ‘સોળ અને સોળ અને' (શબ્દસૃષ્ટિ-ડિસે. ૧૯૯૫)માં અત્યંત ઝીણવટપૂર્વક આલેખાયું છે. આ વાર્તાની નાયિકા ભણવામાં અને નોકરીમાં એવી વ્યસ્ત થઈ જાય છે કે એ પરણવાનો વિચાર જ કરતી નથી. એને પોતાના વિશે વિચારવાનો સમય જ નથી. અને જયારે એ વિશે વિચારે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પોતાની જ સમોવડિયણ સ્ત્રીને પતિ અને બાળક સાથે સ્કૂટર પર જતાં જુએ છે. અને તેને એકલતાની ઘેરી અનુભૂતિ થાય છે. તેને માને કહેવાનું મન થાય છે કે, ‘મા હું તો નાદાન હતી તેં શા માટે બળ કરીને ચોરીમાં ન બેસાડી દીધી ?' નાયિકાની આ વિહ્વળતા અને એકલતા સ્વભાવોક્તિની રીતિએ તેના મનોમંથનના તારેતારમાં વ્યક્ત થયાં છે. હિમાંશી શેલતની ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા' (અંધારી ગલીમાં સફેદ ટપકાં) વાર્તામાં એકાકી નાયિકાનું થીજી ગયેલું જીવન રજૂ થયું છે. સુવર્ણાની ‘સિતારની સરગમ' (ઉદ્દેશ-જુલાઈ-૧૯૯૬)માં ચાળીસ વર્ષ સુધી અપરિણીત રહેલી પ્રેયસીને લગ્નની ઈચ્છા થાય છે. શર્મિલ નામના યુવાન સાથે મુલાકાત ગોઠવાય છે બંને એકમેકને પસંદ કરે છે અને સગાઈ થાય છે. આ પછી પ્રેયસી શર્મિલને કેવી જિંદગી ગમે એ અંગે પ્રશ્ન પૂછે છે. શર્મિલ એને પહેલાં કહેવાનું જણાવે છે. પ્રેયસી કહે છે, 'જો, પહેલાં સવારે ઊઠું, પછી ચા-પાણી પીને નાહું, રસોઈ કરું કે કરાવું, પછી એક કલાક સિતાર વગાડું, તું આવે એટલે સાથે જમીએ, તું આરામ કરીને પાછો ઓફિસે જાય ત્યારે કંઈ વાંચું, અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે સિતાર, બાકીના ત્રણ દિવસ આપણે સાથે ક્યાંક જઈએ, રાત્રે સાથે જમીએ. બરાબર? હવે તું કહે તને કેવો દિવસ ગમે?' શર્મિલના ગમતા દિવસમાં પ્રેયસી નોકરો મારફત ઘરની વ્યવસ્થા કરાવે, દિવસમાં શોપિંગ કરે અને સાંજે બંને પાર્ટી-કલબમાં જાય.' શર્મિલના દિવસમાં પ્રેયસીની સિતારને સ્થાન ન હતું. સિતાર-સંગીત-કલા આદિ શર્મિલને મન તુચ્છ છે, હલકાં છે. તેને મન પૈસા અને મોજશોખ જ મહત્ત્વનાં હતાં. પરિણામે એકલતાની પીડા સ્વીકારીને પ્રેયસી શર્મિલને જતો કરે છે. તે વિચારે છે, “શર્મિલની પત્ની બનીને તે મોભો અને સુખ પામશે પણ કઈ કિંમતે? સ્ત્રીએ આખી જિંદગી પુરુષના કહ્યા પ્રમાણે જ જીવવાનું? લગ્ન એટલે જેમની સરખી ઉત્ક્રાંતિ થઈ છે તેવી બે વ્યક્તિઓનું મિલન. એ મિલન પછી તો બંનેની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય.” ભાવિ એકલતાની ભયાનકતા સ્વીકારતી પ્રેયસી સ્વત્વના ભોગે લગ્ન માટે તૈયાર નથી. લગ્નની શારીરિક માનસિક જરૂરિયાત અને સ્વપ્રતિભા- અસ્મિતા વચ્ચેનો સંઘર્ષ આજની નારીનો મોટો પ્રશ્ન છે. કથન-વર્ણન અને સંવાદથી ગ્રથિત આ વાર્તામાં નિરૂપણની ચમત્કૃતિ કરતાં આધુનિક નારીનું સંવેદન જ કેંદ્રસ્થાને છે. આજે પણ સ્ત્રી ઉપર પુરુષસત્તા ચાલે છે. પરંતુ સ્ત્રીઓ એનો વિરોધ નિષ્ફળ જવા છતાં કરી રહી છે. એનું ચિત્ર પણ આ વાર્તાઓમાં જોવા મળે છે. રમેશ ૨. દવેની 'શબવત્' વાર્તાની નાયિકા પતિને પ્રમોશન મળે એ માટે પતિના બોસ સાથે શરીરસંબંધ બાંધવા તૈયાર થાય છે તે ક્ષણે તેને પતિ અને એના બોસ તરફ ભારે તિરસ્કાર અને રોષ છે. પતિ તરફની વારંવાર બળાત્કાર સહન કરતી નાયિકાનો જાતીય અનુભવ જુગુપ્સાપ્રેરક જ રહ્યો છે. નાયિકા પોતાનો વિરોધ પ્રગટ કરવા પતિના બોસ પાસે મડું થઈ પડી રહેવાનો નિશ્ચય કરીને જાય છે. પરંતુ પતિના બોસ પાસેથી બળાત્કારનો નહીં પણ નવાકર્ષક મધુર અનુભવ પામે છે. અને ઘરે જઈ પતિ સાથેના સંબંધમાં તે શબવત્ બની રહે છે. અહીં કથાનાયિકાને અનુભવાતો ભાવવિપર્યાસ જ વાર્તાસંવિધાનનો મહત્ત્વનો ઘટક છે. નારીના અંતરતમમાં ચાલતું સંવેદન પચ્ચાસ વર્ષ પહેલાં આ રીતે વાર્તામાં મુકાયું ન હોત. અહીં નાયિકાનો આંતરિક વિરોધ અશ્લીલતાને સ્પર્શ કર્યા વિના એક વિશિષ્ટ નૈતિક સંબંધનો સંકેત આપે છે. હર્ષદ ત્રિવેદીની ‘અભિસાર' (પરબ-૧૯૯૭ જાન્યુ) વાર્તાની નાયિકા, ન ગમતા પતિ સાથે દેહસંબંધ વખતે મનોમન ઈપ્સિત પુરુષની કલ્પના કરી અનુકૂલન સાધે છે.અહીં વિરોધ નથી પણ પરિસ્થિતિ સાથેનું અનુકૂલન છે. વાર્તાકૃતિ તરીકે અહીં કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી. હરીશ નાગ્રેચાની 'કેટવોક' (પરબ-માર્ચ-૧૯૯૫) વાર્તામાં આજની નારીનો મુક્તિ માટેનો આક્રોશ દૃષ્ટિગોચર થાય છે. રૂપાળી સંજનાનો જીવન વિશેનો અભિગમ એકદમ સહજ છે. તેને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે. તે પાપાને પૂછે છે અને પાપા ક્રોધથી બરાડો પાડી મારવા હાથ ઉગામે છે. જે પાપા ટીવીમાં સૌંદર્ય-સુંદરીઓની સ્પર્ધા પોતાની સાથે બેસીને જુએ છે. અભિપ્રાયો આપે છે. એજ પાપા આમ કેમ વર્તે છે એવો પ્રશ્ન સંજનાને થાય છે. થનાર પતિ કપિલને તે પૂછે છે તો જવાબ મળે છે : “ઈચ્છા હોય તો જરૂર ભાગ લે તું. ઈન એની કેસ આઈ વીલ નોટ બી ધ લુઝર. જીતશે તો મારી મિલના ટેક્ષટાઈલ્સની તું સુપર મોડેલ બનશે, અને ભાગ નહીં લે તો મારી પત્ની.' સંજનાને થાય છે કે તે ભાગ લે ન લે તે મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે. જવાબ. તેને તો જીવનની ખૂબસૂરત મોકળાશના અનુભવની જરૂર છે. સ્પર્ધા માટે રૂપાળા દેહથી નિસબત નથી પણ પુરુષના આ માલિકીભાવથી એને ગૂંગળામણ થાય છે. તે એની મમ્મીને કહે છે : ‘કન્યાની મરજી પરનો પોતાનો હક્ક, કોઈ બીજા પુરુષને આધીન કરવો એનું નામ જ કન્યાદાનને? દાન જેવા પુનિત શબ્દની ઓઠે સંતાડેલી માલિકી છળ હોઈ શકે, પ્રેમ નહીં.' તે પાપાની સંમતિ નહીં પણ પોતીકાની સહાય માગે છે. આ જ વાર્તાકારની 'કુલડી' (નવનીત-સમર્પણ-મે૧૯૯૬) વાર્તાની નાયિકા કેટવોકની સંજના કરતાં એક ડગલું આગળ વધે છે. અન્યાય સામેના આક્રોશને તે કાર્ય દ્વારા વ્યક્ત કરે છે. માધવ, ઈન્દુ અને એમની શિક્ષિત પુત્રી પિયાસી સાથે બેસીને કુલડીમાં ચા પીએ છે. આ જ કુલડીઓ બીજા દિવસે ચા પીવા માટે રાખી મૂકવાનું પિયાસી કહે છે ત્યારે ઈન્દુ કહે છે :’વપરાયેલી કુલડીઓ શા કામની ?' ચા પછી ઈન્દુ એમના ફલેટના ભોંયતળિયે રહેતા મજેઠિયાની પુત્રી પર થયેલા બળાત્કારની વાત કરતાં કહે છે : 'બિચારી વપરાઈ ગઈ! શું કામની રહી કોઈના હવે?' આ શબ્દો સાંભળતાં જ પિયાસીએ કુલડી ઉછાળી અને છણકો કરતી પોતાના રૂમમાં ચાલી જાય છે. માતા-પિતાને પુત્રીનું વર્તન સમજાતું નથી. આ પછી બે દિવસ સુધી પિયાસી પરિવારની સ્ત્રીઓ - માસી, ફોઈ, ભાભી, કાકી બધાંને એક જ પ્રશ્ન પૂછે છે કે, 'તમારા પર જો બળાત્કાર થાય તો તમારા પતિ તમારી સાથે કેવી રીતે વર્તે ?' કોઈ એને નિખાલસ ઉત્તર આપતું નથી, પણ નફ્ફટ કહી તિરસ્કાર કરે છે. આ પછી તે પ્રિયતમ આકાશને પણ પ્રશ્ન પૂછે છે કે તેના પર બળાત્કાર થાય તો તે શું કરે ? આકાશ જવાબ આપવાનું ટાળે છે. આ પ્રશ્ન અંગે તે ઊંડાણથી વિચારે છે, તે મિત્ર અનુશ્રી પાસે એક કેસેટ તૈયાર કરાવે છે અને પોતે દિલ્હી ઈન્ટરવ્યૂ આપવા જાય પછી જ એ કેસેટ મમ્મી ઈન્દુને આપવા જણાવે છે. મમ્મીને સંબોધીને સ્ત્રીને થતા અન્યાય વિશેના વિચારો તેણે કેસેટમાં વ્યક્ત કર્યા. તેના મતે અહલ્યાની અવદશા માટે જવાબદાર ઈન્દ્ર છેતરપિંડી કરે છે. પતિ ગૌતમ વિશ્વાસને વિસારે પાડીને કાયર બની ભાગેડુવૃત્તિ તથા સ્વામિત્વ દાખવે છે. તે મમ્મીને પૂછે છે કે જે દોષ પોતે નથી કર્યો એને સ્ત્રી હોવાને કારણે જ સહન કરવાનો? સ્પર્શને ત્રાજવે જ સંબંધ મૂલવવાનો? સંવેદનાને નહીં? પિયાસીના આ પ્રશ્નો સાંપ્રત નારીના છે. અન્યાય સામેના આ અવાજમાં આક્રોશ અને વેદના બંને છે. હરીશ નાગ્રેચાની આ બંને વાર્તાઓ કલાકૃતિ તરીકે પણ સમર્થ છે. ભાષાની સૂચનાત્મક શક્તિનો વિનિયોગ પ્રતીકો, અલંકારો, કલ્પનોમાં જોઈ શકાય છે. સંવાદભાષા અંગ્રેજી વાક્યપ્રયોગોયુક્ત વાતાવરણને અનુરૂપ છે. કેમેરાની કળાનો ઉપયોગ દૃશ્ય સંયોજનમાં થયો છે. મમ્મીને કેસેટમાં 'ઈન્દુ'નું સંબોધન પણ સૂચક છે. પોતાની અસ્મિતાની ઓળખ કરાવતી નારીની કંદર્પ ૨. દેસાઈની 'વાંસળીથી જુદો વાંસનો સૂર' (શબ્દસૃષ્ટિ-ડિસે. ૧૯૯૭) વાર્તામાં આલોક, હેમંત, સુરભિ - ત્રણે કોલેજમાં સાથે અભ્યાસ કરે છે. પર્વતારોહણ કેમ્પ, વાર્ષિકોત્સવ વગેરે કાર્યક્રમો નિમિત્તે તેઓ એકબીજાની નિકટ આવે છે. એમાં આલોક અને સુરભિના સંબંધ વધુ ઘનિષ્ઠ બને છે. સુરભિ આલોકને એક વખત કહે છે કે તેનું બીજ એનામાં અંકુરિત થઈ રહ્યું છે. ત્યારે આલોક પૂછે છે, 'મારું કે હેમંતનું ?' તે ઉમેરે છે કે ‘પેલી નાઈટ કેમ્પિંગવાળી રાત મને હેમંતે કહી હતી. સુરભિને આ સાંભળી આઘાત લાગે છે. ગર્ભપાત કરાવી તે તેના જીવનને સેવાની દિશામાં વાળે છે. એક વખત એને સમાચાર મળે છે કે હાઈવે પર એક અકસ્માત થયો છે અને 'એ' પોઝિટિવ ગ્રુપના લોહીની જરૂર છે. સુરભિ વૉલેન્ટિયર્સ સાથે પહોંચી જાય છે અને જુએ છે તો આલોક હતો. સાજા થયા પછી એકાંત મળતાં આલોક સુરભિની માફી માગે છે. કહે છે કે, એણે હેમંતની વાત સાચી માનીને લાગણીનું ગળું ટૂંપ્યું હતું. સુરભિને થાય છે આલોકે હેમંતની છલયુક્ત વાત સાચી માની લીધી અને પોતે ખોટું કહ્યું હતું એવી હેમંતની કબૂલાત પણ સાચી માની. જે સુરભિ સાથે એણે પરમ આત્મીય ક્ષણોનો અનુભવ કર્યો એ સુરભિને એક ડંફાસ મારતા મિત્રની વાત સાચી માનીને ઉતારી પાડી અને એ જ મિત્રના કહેવાથી સુરભિને સોનાની માની લેવાની? તો સુરભિનું ખુદનું શું? એને આલોકની દયા આવે છે. બૌદ્ધિક અને માનસિક પરિપક્વતા ધરાવતી નારીનું ચિત્ર અહીં છે. નાયિકાના સંસ્મરણ રૂપે તાર્કિકતા અને ભાવાત્મકતાના તંતુઓથી ગૂંથાઈ વિશિષ્ટ ભાત ઉપસાવતી આ રચના વાર્તાકૃતિ તરીકે પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત કુન્દનિકા કાપડિયાની 'તો' (ઘૂંઘટકા પટ ખોલ) વાર્તામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી નાયિકા સુજાતાની કથા નિમિત્તે પતિ સુધીરનું પુરુષ માનસ દર્શાવ્યું છે. અહીં સ્ત્રીના બૌદ્ધિક વ્યક્તિત્વનો અસ્વીકાર, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીનો થતો તિરસ્કાર, ભારરૂપ ગણાતો સ્ત્રીનો જન્મ - જેવા પ્રશ્નો સ્પર્શાયા છે. રમેશ ૨. દવેની 'મા-શી’ (પરબ-ડિસે. ૧૯૯૬) વાર્તામાં પણ સંતાનવિહોણી સ્ત્રીને બાળી મૂકવાની કથા છે. આ સાથે પુત્રજન્મનો જ મહિમા તથા નિઃસંતાન સ્ત્રીની થતી અવમાનના પણ અહીં રજૂઆત પામ્યાં છે. વાર્તાકૃતિ તરીકે આ રચના સબળ નથી પણ નારીનું વાસ્તવિક ચિત્ર આપે છે. હિમાંશી શેલતની 'અકબંધ', 'બળતરાનાં બીજ' 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' વાર્તાઓમાં નારીની પીડા વ્યક્ત થઈ છે. 'અકબંધ' વાર્તામાં દીકરી સાસરેથી પિયર આવે છે ત્યારે તેની જગા પુરાઈ ગઈ હોય છે તેનું સંવેદન સરસ વ્યક્ત થયું છે તો ‘બળતરાનાં બીજ' વાર્તામાં બીજી સ્ત્રીને ચાહતા પુરૂષનાં બાળકોની મા બનનાર સ્ત્રીની બળતરા વ્યક્ત થઈ છે. ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં'માં વિધવા સ્ત્રીઓ વૃંદાવનમાં જે દુઃખદાયી જીવન વિતાવે છે તેની વ્યથાકથા છે. ઉષા ઉપાધ્યાયની 'હું તો ચાલી' વાર્તામાં મધ્યમવર્ગની કુટુંબજાળમાં અટવાયેલી સ્ત્રીની મુક્તિઝંખના દિવાસ્વપ્નના તરીકાથી કહેવાઈ છે. ‘તો'ના લહેકામાં તેની આ ઝંખના સરસ વ્યંજિત થઈ છે. આધુનિક નારીની મુક્તિ માટેની ઝંખના, પોતાની આગવી ઓળખ માટેનો તેનો સંઘર્ષ, અન્યાય સામેનો આક્રોશ આદિ વાતો શહેરના શિક્ષિત વર્ગ પૂરતી મર્યાદિત જ છે. ગામડાંમાં તો પુરુષશાસન હજુ અકબંધ છે. આમ છતાં કિરીટ દૂધાતની 'બાયુ' વાર્તામાં ગામડાંની સ્ત્રીઓનો અવમાનના સામેનો આક્રોશ વ્યક્ત થયો છે. એક કુટુંબની દીકરી મંજુની સગાઈ સરપંચના દીકરા દિનેશ સાથે થઈ હતી. દિનેશે ક્યાંકથી વાત સાંભળી કે મંજુને સાથળ પર કોઢ છે. આથી દિનેશ ખાત્રી કર્યા વિના લગ્નની ના પાડે છે. ઘરના પુરૂષોને આમાં કંઈ જ અજુગતું લાગતું નથી પણ ઘરની સ્ત્રીઓ વિરોધ કરે છે. ‘બાયું'નો આક્રોશ ધારદાર અને વેધક છે. નારીજાગૃતિનો અણસાર આપતી આવી બીજી ઘણી વાર્તાઓ દૃષ્ટાંત તરીકે લઈ શકાય. આ અભ્યાસને આધારે કહી શકાય કે આજની નારી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપવા મથી રહી છે. આર્થિક રીતે પગભર થઈને એ મોકળાશભર્યું જીવન ઝંખે છે. પુરુષ સાથેનું સહજીવન, લગ્નજીવન તે ઈચ્છે છે પણ સ્વત્વને ભોગે નહીં, ગુલામ બનીને નહીં, એને સાચા અર્થમાં પુરુષની સહચારિણી થવું છે. તે પુરુષની મૈત્રી ઝંખે છે. પુરુષ જ્યારે સ્ત્રીનો માલિક બનીને વર્તે છે ત્યારે આજની સ્ત્રી પોતાની શક્તિનો સ્વીકાર કરાવવા પડકાર ફેંકે છે. આમ સ્ત્રીવિમુક્તિના વિવિધ અવાજો આ વાર્તાઓમાં સંભળાય છે. સ્ત્રીના અલગ વ્યક્તિત્વને જાળવીને એનો સ્વીકાર કરનારા પુરૂષો સમાજમાં ઓછા છે માટે જ શિક્ષિત નારીમાં અપરિણીત રહેવાનું વલણ વધતું જતું લાગે છે અને એમાંથી બીજા મનોવૈજ્ઞાનિક તેમજ સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય છે. નારીવાદી આંદોલનો અને શિક્ષણને કારણે સ્ત્રીની સ્થિતિમાં પરિવર્તન આવેલું જોઈ શકાય છે. પોતાના વિશે સભાન બનેલી નારી જીવન વિશે ઊંડાણથી વિચારે છે. નવી સ્ત્રીની અપેક્ષાઓ, ઝંખના, કલાપ્રેમ આદિ જાગી ઊઠ્યાં છે. ઉંબરાની બહાર નીકળેલી નારીની પાંખોનો ફફડાટ સંભળાવા લાગ્યો છે. પણ હજુ મુશ્કેલીઓ ઘણી છે. કેમ કે આજે પણ પુરુષમાનસ ઝાઝું બદલાયું નથી. આ વાર્તાઓમાં જોવા મળે છે કે હજુ પણ તેને પુરુષની સત્તા અને સમાજનાં બંધનોમાં રહેવું પડે છે. એનો આક્રોશ ક્યાંક વંધ્ય પણ નીવડે છે. બંધનમુક્તિનો આનંદ અને અસુરક્ષિતતાનો ભય બંને એક સાથે અનુભવતી આજની નારીનું મનોગત વધુ સંકુલતા સાથે પ્રગટાવવાનું હજુ બાકી છે. આત્મવિશ્વાસથી સંકટોનો સામનો કરતી સ્ત્રી પણ અહીં છે. પણ મોટાભાગની સ્ત્રીઓ હજુ પણ પતિ દ્વારા પ્રાપ્ત થતી સલામતી સ્વીકારીને સમાધાનો કરે છે. આવી મિશ્ર છબી જે સમાજમાં જોવા મળે છે તેનું પ્રતિબિંબ આધુનિકોત્તર વાર્તાઓમાં જોઈ શકાય છે. પરંતુ હજુ પણ સ્ત્રીના જાતીય શોષણની વાત, એમાંથી ઊભા થતા પ્રશ્નો, શ્રમજીવી વર્ગની સ્ત્રીઓ પર થતા અત્યાચારો, ધાર્મિક સ્થળ પર થતું શોષણ, આ બધાં સામેનો સ્ત્રીનો વિદ્રોહ અને પરિણામે છૂટાછેડા કે ત્યક્તાના પ્રશ્નો આદિ સર્જનાત્મક રીતે ટૂંકી વાર્તામાં પ્રગટે તે જરૂરી છે. પુરુષસત્તા સામેનું આ બંડ વિપરીત રીતે પણ વ્યક્ત થાય. નારી પુરુષ થવા મથતી હોય કે પુરુષ પર અત્યાચાર કરતી હોય એવો પ્રત્યાઘાત પણ વાર્તામાં પ્રતિબિંબિત થઈ શકે. અનેક ભૂમિકાએ રહીને નારી સંવેદન વાર્તામાં આવી શકે. નારીના આવા આક્રોશની સામે સ્ત્રી હૃદયનું સ્વાભાવિક સમર્પણ કે ગૌરવની કથા કહેતી વાર્તાઓ પણ આપણી પાસે છે. પરંતુ જગત અને જીવન વિશે સ્ત્રી હવે જુદી જ દૃષ્ટિએ વિચારતી થઈ છે ત્યારે એના મનની સ્વાભાવિક સંવેદનાઓ અને અપેક્ષાઓ, વાસ્તવિકતા અને હૃદયની ભાવનાઓ જેવી દ્વિધાભરી સ્થિતિનું આલેખન થવું હજુ બાકી છે. કારકિર્દી અને કૌટુંબિક ફરજો વચ્ચે ખેંચાતી નારી, ક્યાંક તાત્કાલિક લાભ માટે શરીરસૌંદર્યનો ઉપયોગ કરતી નારી, રાજકીય ક્ષેત્રમાં પડેલી નારી, માતૃત્વ, સ્ત્રીત્વ અને સ્વત્વની ત્રિવિધ ધરી પર ઊભેલી નારી - આમ સ્ત્રી સંવિદ્ને અનેક કોણથી તપાસી શકાય. નારી સમસ્યાઓની જટિલતાનો તાગ લેવાયો છે એના કરતાં વધુ બાકી છે. આમ છતાં પરિવર્તનની સ્પષ્ટ રેખાઓ સાંપ્રત વાર્તામાં ઊપસી છે.


વિશેષ,પૃ.૨૧૨-૧૧૯,૨૦૦૭