નારીસંપદાઃ વિવેચન/ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯

ઇચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેશાઈનું સંશોધનકાર્ય
કીર્તિદા શાહ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. આ વારસાનું જતન સુધારકયુગથી આજ સુધી વિવિધ તજ્જ્ઞો કરતા રહ્યા છે. વિવેચક નવલરામ જેવાનો મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ અને એમણે આપેલાં નિરીક્ષણો આજે પણ સર્વજનમાન્ય - સ્વીકાર્ય છે. એ રીતે સુધારકયુગના બે સંશોધકો -ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને મોહનલાલ દલીચંદ દેશાઈએ આપેલા મધ્યકાલીન સાહિત્યનાં સંપાદનો શકવર્તી ઘટનાઓ છે. એમના કામની વિશેષ નોંધ લેવાય એ એમને થયેલું તર્પણ ગણાશે. આ દેસાઈબંધુઓએ કરેલી મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનની સેવાનો પરિચય કરીએ તે પહેલાં તેમની કાર્યપદ્ધતિની લાક્ષણિકતાઓ જાણી લઈએ. ઈ. સૂ. દેસાઈએ મુખ્યત્વે જૈનેતર કવિઓની અપ્રકાશિત રચનાઓના આઠ મોટા દળદાર - દરેક ગ્રંથ લગભગ ૮૦૦ ઉપરાંત પૃષ્ઠ - આપ્યા છે. જેમાં કવિઓ વિશે અને તેમની કૃતિઓ વિશે વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી સામગ્રી એકત્રિત કરી છે. ૧૭૦૦ જેટલી કૃતિઓના સંચયમાં મળેલી સામગ્રીનું શોધન કરવાનું એમનાથી થયું નથી. જે રચના જે રૂપમાં મળે તેને તે રૂપે સંપાદનમાં મૂકી દીધી છે. મધ્યકાળના મહત્ત્વના કવિઓ - નરસિંહ, મીરાં, અખો અને દયારામ વિશે લગભગ પચાસ પૃષ્ઠ સુધી વિસ્તરેલા ચરિત્રલેખો સંપાદકે આપ્યા છે. વળી, મધ્યકાલીન સાહિત્ય સમજવામાં ઉપયોગી એવો કૃતિમાંના શબ્દોનો શબ્દકોશ દરેક ભાગને અંતે જોડ્યો છે. મોહનલાલ દલીચંદ દેશાઈએ મધ્યકાલીન જૈન સાહિત્ય સંદર્ભે સંશોધિત સંપાદન આપ્યાં છે. એમાં જૈન સાહિત્યનો ઇતિહાસ અને જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગ એમનું ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય સંશોધન છે. દેશાઈએ ઇતિહાસલેખનમાં યુગ પ્રમાણે પ્રકરણોનું વર્ગીકરણ કર્યું છે. જે-તે કવિઓ વિશે મળતી સામગ્રીની પ્રમાણભૂતતા ચકાસી છે. એ રીતે જૈન ગૂર્જર કવિઓની રચના પણ એકદમ વૈજ્ઞાનિક છે. દરેક કવિને એના સમય પ્રમાણે વર્ગીકૃત કર્યા છે. જૈન ગૂર્જરકવિઓ વર્ણનાત્મક સૂચિગ્રંથ છે. એટલે દરેક કૃતિની વિગતો સંપાદકે એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે રજૂ કરી છે. એ રીતે મોહનલાલ દલીચંદ દેશાઈનું કામ એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિનું છે. આ બંને દેસાઈબંધુઓએ કરેલી ગુજરાતી સાહિત્યની સેવા અવિસ્મરણીય છે. કોઈ પદ અથવા ઇનામ-અકરામની અપેક્ષા વિના નિષ્ઠાથી થયેલું એમનું આ કામ ઐતિહાસિક છે. હવે પહેલાં મો. દ. દેશાઈના સંશોધનકાર્યનો પરિચય કરીશું.

મોહનલાલ દલીચંદ દેશાઈ [૬-૪-૧૮૮૫, ૨-૧૨-૧૯૪૫]

મોહનલાલ દલીચંદ દેશાઈનું નામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન સંદર્ભે આદરપૂર્વક લેવાય છે. પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનું સંશોધન-અધ્યયન એમનું મુખ્ય ક્ષેત્ર છે. એમના ગ્રંથોમાં રહેલી સાહિત્ય-ઇતિહાસની પ્રચુર સામગ્રીમાં શાસ્ત્રીય વ્યવસ્થા, ચોકસાઈ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમને ઉત્તમ સંશોધક તરીકે પ્રસ્થાપિત કર્યા છે. એમના બે મુખ્ય આકરગ્રંથો છે: ‘જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ (૧૯૨૬), ભાગ-૨ (૧૯૩૧), ભાગ-૩ : ખંડ-૧ તથા ખંડ-ર (૧૯૪૪) અને ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૯૩૩). આ મૂલ્યવાન ગ્રંથોમાં એમણે અપ્રસિદ્ધ જૈન ગ્રંથકારો વિશેની સામગ્રી પ્રમાણભૂત રીતે તૈયાર કરી આપી છે. આપણે પહેલાં ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' વિશે જાણીએ. મો. દ. દેશાઈ ‘જૈન સાહિત્યના ઇતિહાસ'ની પ્રસ્તાવનામાં નોંધે છે તે પ્રમાણે કનૈયાલાલ મુનશીએ સાહિત્યસંસદના ઉપક્રમમાં સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજના કરી હતી એમાં એમણે દેશાઈને “અપ્રસિદ્ધ જૈન ગ્રંથકારોના આખા સમૂહનું કાર્ય આપવાનું નક્કી કર્યું.” (જૈન સાહિત્યનો ઇતિહાસ, પ્રસ્તાવના, પૃ. ૬) એ રીતે આ ઇતિહાસની રચના થઈ છે. આ ઇતિહાસરચના સંદર્ભે સામગ્રી તૈયાર થતી હતી ત્યારે એક ઘટના બની જે મો. દ. દેશાઈએ પ્રસ્તાવનામાં નોંધી છે એ જાણવા જેવી છે. તેઓ નોંધે છે, “મારા ટેબલ ઉપર મારા ચાર વર્ષની વયના ચિ. રમણિકલાલે દીવાસળી સળગાવી તેનાથી થયેલી નાની આગને પરિણામે આ જૈન સાહિત્યના ઇતિહાસની સં. ૧૩૦૦ પછીની મારી નોંધો બળીને ખાખ થઈ ગઈ. આ કારણે સં. ૧૩૦૦ પછીની નોંધો પુનઃ કરી પુનર્લેખન કરવામાં પરિશ્રમ લેતાં મૂળ કરતાં વિશેષ સારું લખાયું હશે એ પ્રતીતિથી જે થયું તે સારાને માટે એ કહેવત અનુસાર રમણિકે રમણિય કર્યું એવો મારા મને સંતોષ લીધો.” (પ્રસ્તાવના, પૃ.૧૨) આ ઘટના સંશોધક મો. દ. દેશાઈની ધીરજ, કામ પ્રત્યેની નિષ્ઠા અને એમના હકારાત્મક અભિગમનો પરિચય આપે છે. જે સંશોધકનો મુખ્ય ગુણ છે. આ ઇતિહાસના અગ્ર ભાગમાં ૫૫ પૃષ્ઠનું લાંબું અને સમગ્ર ઇતિહાસલેખનની ભૂમિકા અને રૂપરેખા રજૂ કરતું દેશાઈનું નિવેદન છે. સાથે પ્રસ્તુત ઇતિહાસસંદર્ભની પૂરક માહિતી અને ઇતિહાસમાંની સામગ્રીનું વિશ્લેષણ કરતી ઇતિહાસને સમજવામાં ઉપયોગી બનતી પ્રો. કામદારની પ્રસ્તાવના છે. સાથે આ ગ્રંથમાં વપરાયેલા ટૂંકા અક્ષરો સમજાવવા માટે સાંકેતિક અક્ષરોની સમજ આપવામાં આવી છે. અહીં સંશોધિત સામગ્રીની સાથે ૬૦ ચિત્રો આપવામાં આવ્યાં છે એ ચિત્રોને સમજાવતો ચિત્રપરિચય તથા આ ઇતિહાસના દરેક વિભાગ અને તેના પ્રકરણમાં આવતી હકીકતો અતિ સંક્ષેપમાં જણાવતો સામાન્ય વિષયાનુક્રમ આપવામાં આવ્યો છે. સંશોધકનો બીજો ગુણ છે એ જે સામગ્રી રજૂ કરે છે એ ક્યાંથી લીધી છે એ વિગત પુસ્તકમાં આપવી અનિવાર્ય છે, એ વિગતોથી જ સામગ્રીની પ્રમાણભૂતતા સિદ્ધ થાય છે. આધારભૂત સંદર્ભો મેળવવા માટે મો. દ. દેશાઈએ દિનરાત શ્રમ કરવામાં કચાશ રાખી નથી. તેમણે નોંધ્યું છે, “સમય લઈ પોતાને ખર્ચે જુદે-જુદે સ્થળે જઈ પુસ્તકભંડારો તપાસી આવવા, તેમાંથી મળેલાં તેમજ અન્ય પ્રાપ્તવ્ય સાધનોને પ્રાપ્ત કરી સંગ્રહ કરવો, તેમાંથી નોંધો-ટાંચણો કરી લેવાં, તે પરથી પ્રમાણો આપી પ્રકરણો લખવાં, છાપવા મોકલવાં, તેના પ્રૂફનું શોધન કરવું, તેને પાછાં મંગાવી સુધારવાં-પ્રેશવાં તેની વિસ્તૃત અનુક્રમણિકા કરવી વગેરે બધું એકલે પંડે કોઈની પણ સહાય વગર એક પ્રૂફરીડર જેવાની પણ મદદ વગર કરીને આ પુસ્તક મેં ગુજરાતને સાદર ધર્યું છે.” (પ્રસ્તાવના, પૃ. ૧૬)

જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વે. કૉન્ફરન્સ ઓફિસ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૩, પૃ. ૫૮૦

મો. દ. દેશાઈનો આ ઇતિહાસ શ્વેતાંબર જૈનો કે જેમણે મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં - ગુજરાત, કાઠિયાવાડ, રાજપૂતાના, માળવા વગેરેમાં પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે - તેમણે રચેલા સાહિત્યનો છે. આ ઇતિહાસથી શ્વેતાંબરોના અપ્રસિદ્ધ સાહિત્યનો ખ્યાલ આવે છે. વળી, આ ઇતિહાસથી જૈનધર્મ અને સાહિત્યસંબંધી જે ભ્રામક ભ્રમણામય વિચારો અને પૂર્વગ્રહ પ્રવર્તે છે તે દૂર થયા છે. આ ઉપરાંત આ ઇતિહાસથી એ વસ્તુ પણ નક્કી થઈ છે કે જેમ બ્રાહ્મણ સંપ્રદાયે સાહિત્યસર્જનમાં અપૂર્વ ફાળો આપ્યો છે તે જ રીતે શ્રમણ સંપ્રદાયે પણ યથાશક્તિ યથામતિ સારો ફાળો આપ્યો છે. આ ભાવના થવાને કારણે બંને વૈદિક અને અવૈદિક સંપ્રદાયો એકબીજાને ઉવેખશે નહીં, પરંતુ અન્યોન્ય સહકાર સાધી ભારતના ગૌરવમાં બંને વધારો કરી શકશે. દેશાઈ નોંધે છે કે ગાંધીજીએ સાચું કહ્યું છે કે “જૈન ધર્મના હોય કે બીજા ધર્મના મહાન સિદ્ધાંતો માત્ર તે તે નામે ઓળખાતા સમાજ માટે નથી પણ આખી મનુષ્યજાતિ માટે ઉદ્બોધક અને તારક છે.” મો. દ. દેશાઈએ આ ઇતિહાસમાં વિશ્વસનીય હકીકતોનો આધારભૂત સંદર્ભો સાથે સમાવેશ કર્યો છે. મળેલી અસંખ્ય હકીકતોને પ્રમાણસર લેવી, તેમાંથી ખરું શું છે તે તારવવું અને યથાસ્થાને યથાયોગ્ય રીતે યોજના કરવી એમાં બહુ મહેનત, મગજમારી અને વિચારપૂર્વક મનન કરવું પડે છે. એ બધું જ અહીં સુપેરે થયું છે. એ રીતે ઇતિહાસલેખકમાં હોવી જોઈએ એ તમામ સજ્જતા એમનામાં છે. એમનું પ્રસ્તુત વિધાન જુઓ - “ઇતિહાસલેખન દરમિયાન કોઈ વખત જેને વિશે દૃઢ મત ધરાવતા છતાં મેં મૌન સાચવ્યું છે કેમ કે હું માનું છું કે ઘણી વખત ગેરસમજ, કડવાં વેણ અથવા તેથી પણ આકરાં પરિણામો ખેડીને પણ મૌન રાખવાનો જાહેર સેવકનો ધર્મ થઈ જાય છે, એટલે કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે વાણી કરતાં મૌન વધારે શોભે છે.” (પ્રસ્તાવના, પૃ. ૩૯) આમ આ ૬૦ પાનાંનું લેખકનું નિવેદન ઇતિહાસલેખનની કેટલીક નોંધપાત્ર શિસ્ત પણ શિખવાડે છે. ૨૨ જેટલાં પૃષ્ઠની કામદાર કેશવલાલ હિંમતરામની આ ઇતિહાસમાં આપેલી પ્રસ્તાવના પણ આ ગ્રંથના મહત્ત્વની સમજણ આપે છે. અભ્યાસી અનુભવશે કે આ ગ્રંથ માત્ર સંક્ષિપ્ત ઇતિહાસ નથી, એમાં સાહિત્યના ઉગમથી માંડીને અત્યાર સુધીના તેના વિકાસ-પરિવર્તનની નોંધ લેવાઈ છે. કોઈ વાર તેનું વસ્તુ ફિલસૂફીમાં ઊતરી જાય છે, કોઈ વાર જીવનચરિત્રની નાની- મોટી વિગતો એમાં રજૂ થાય છે, કોઈ વાર તેમાં કળાના અવશેષો, સ્થાપત્ય, શિલાલેખો વગેરેનાં વર્ણનો આવે છે. છેલ્લા પ્રકરણમાં જૈન ફિલોસોફી, જૈન સંઘ, જૈન તત્ત્વો વિશે પણ સામગ્રી છે. આ ઇતિહાસ આજે પણ પ્રસ્તુત છે. જૈન સાહિત્યમાં રાસ સ્વરૂપની રચનાઓ થઈ છે. આ રચનાઓમાંના સાંપ્રદાયિક તત્ત્વને છોડીને એનો વાઙ્મય તરીકે અભ્યાસ કરવામાં આવે તો એમાંથી તત્કાલીન સમયનું-સમાજનું ચિત્ર મળે એમ છે. કારણ કે જૈન તે વખતના સમાજનો એક ઉપયોગી સમાજ હતો. તે સમાજ સમસ્ત પ્રદેશના આર્થિક ઇતિહાસમાં ને રાજકારણમાં પણ સારો ભાગ લેતો હતો. તેથી તે વખતની પરિસ્થિતિ જાણવાનું માત્ર આ એક જ સાધન છે. જૈન સાહિત્યના ઇતિહાસના વાંચનથી અભ્યાસી એ પણ જાણશે કે ગુજરાતના અને રાજપૂતાનાના જૈનોએ જૈન અને જૈનેતર સાહિત્યને સાચવી રાખવામાં ને તેને ખેડવામાં ભગીરથ આત્મભોગ આપ્યો છે અને ઉત્તમ પુરુષાર્થ કર્યો છે. જેમ ગુજરાત અને રાજપૂતાનાના ક્ષત્રિયોએ મુસ્લિમ આઘાતો સામે આર્ય રાજકારણને બચાવ્યું તેમ ત્યાંના જૈન સંઘોએ તે રાજકારણની પાછળ રહેલી સંસ્કૃતિને સમજવાનાં સાધનોને એટલે તેના શબ્દદેહને રક્ષણ આપ્યું ને તેને અનેક રીતે સંસ્કાર્યો. આ ઇતિહાસગ્રંથની સામગ્રીનું વર્ગીકરણ ૩૦ પૃષ્ઠ જેટલી વિસ્તૃત વિષયાનુક્રમણીમાં લેખકે કર્યું છે. જેમાં આઠ વિભાગ છે. આ દરેક વિભાગનાં સ્વતંત્ર પ્રકરણ છે. જેમ કે, પહેલો વિભાગ ‘મહાવીર આગમ અને આગમસાહિત્ય', બીજો વિભાગ ‘પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ', ત્રીજો વિભાગ 'સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ’, ચોથો વિભાગ ‘ભાષા’ સાહિત્યનો ઉદય, પાંચમો વિભાગ ‘ભાષા' સાહિત્યનો મધ્યકાલ, છઠ્ઠો વિભાગ ‘હૈરકયુગ', સાતમો વિભાગ 'યશોવિજય યુગ', આઠમો વિભાગ ‘વિક્રમની વીસમી સદી અને સામાન્ય હકીકત' વિશે છે. આ પ્રત્યેક વિભાગનાં સ્વતંત્ર સાત પ્રકરણ છે. એમ કુલ છપ્પન પ્રકરણમાં સામગ્રીનું વર્ગીકરણ થયેલું છે. આ ઈતિહાસ વિક્રમ સંવત ૧થી વિ.સં.ની ૨૦મી સદી સુધીના જૈન સાહિત્યનો વિસ્તૃત આલેખ આપે છે. આ સામગ્રી ૮૫૦ પૅરેગ્રાફમાં રજૂ થઈ છે. પ્રસ્તાવનામાં આ ઈતિહાસલેખનની કાર્યપદ્ધતિ વિશે દેશાઈએ કરેલી કેટલીક નોંધો આ ઇતિહાસગ્રંથનું આકલન કરવામાં ઉપયોગી થાય એવી છે. જેમ કે, મૅકડોનલ, કીથ વગેરેએ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ અંગ્રેજીમાં લખ્યો છે એમની શૈલી અને રચના અનુસાર આ ઇતિહાસની કાર્યપદ્ધતિ મો. દ. દેશાઈએ રાખી નથી. વળી, જૈન ગ્રંથોની ઘણી રચનાઓ મુદ્રિત મળતી નથી. એટલે મુદ્રિત સામગ્રીના અભાવમાં હસ્તલિખિત પ્રતોના અહેવાલ તથા સી. ડી. દલાલ અને વેલણકર આદિના સૂચિપત્રોમાં પ્રગટ થયેલી સામગ્રીનો ઉપયોગ કરીને એમણે સામગ્રી એકત્રિત કરી છે. એને આધારે દરેક રચનાઓનાં નામ, કર્તાનામ તથા રચનાસમય આપવામાં આવ્યો છે પણ એ કૃતિઓનું વિવેચન કર્યું નથી. એટલે કે લેખકની કૃતિને આધારે નક્કી કરી શકાતી અનેક બાબતો વિશે વિચાર અહીં રજૂ કર્યો નથી. અપ્રગટ ગ્રંથોના લેખકના સમય અને એની કૃતિઓનાં નામનિર્દેશ માત્ર આપ્યાં છે. આ ઇતિહાસમાં જે સર્જકો વિશે વિગતો સમાવાઈ છે તે સંદર્ભે દેશાઈ જણાવે છે કે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વિષયક સામગ્રી અહીં છે. અહીં ઇતિહાસકારે એ જ લેખકોનો સમાવેશ કર્યો છે જેઓ એમના સમકાલીન નથી. કેમ કે લેખક જણાવે છે કે સમકાલીનો વિશે લખવા જતાં જાણેઅજાણે એમને અન્યાય થવાની સંભાવના રહે છે. વળી તેઓ નોંધે કે “જે ગ્રંથકારોને મેં જાતે જોયા-જાણ્યા-ઓળખ્યા નથી તેનો સમાસ ઇતિહાસમાં કર્યો છે. એટલે જે વર્ષમાં હું સગીર મટી ગયો હતો તે સંવત ૧૯૬૦ના વર્ષ પહેલાં જે સ્વર્ગસ્થ થયા તેમને જ આમાં સ્થાન આપવાની સીમા રાખી છે. એટલે જ બુદ્ધિસાગરસૂરિ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, વાડીલાલ મોતીલાલ શાહ, પંડિત સુખલાલજી, ચુનિલાલ વર્ધમાન શાહ વગેરેને આ ઇતિહાસમાં સ્થાન આપ્યું નથી.” (પ્રસ્તાવના, પૃ. ૪૩) આ ઉપરાંત કેટલાક મહત્ત્વના વિચારસંદર્ભો અહીં રજૂ થયા છે. જેમ કે, ‘જૈનો હિંદુ છે', ‘ધર્મશાસ્ત્રો’, ‘ધાર્મિક ભાવનાઓ’, ‘કેળવણીનું મહત્ત્વ’, ‘ભાષાસંબંધી વિચારો’, ‘વિવિધ સંસ્કૃતિઓ વગેરે વિષયક ચર્ચા અહીં જાણવા મળશે. આ બધી જ ચર્ચા ઇતિહાસરચના સાથે સીધી રીતે સંકળાયેલી છે. ધર્મસંબંધી ચર્ચામાં મો. દ. દેશાઈએ રજૂ કરેલું સર રાધાકૃષ્ણનનું પ્રસ્તુત વિધાન વર્તમાન સમયે પણ કેટલું પ્રસ્તુત છે, જુઓ: “લોકોની ઉપેક્ષા પર અન્યાય વૃદ્ધિ પામે છે. ખરાબ શેઠ, ભ્રષ્ટ નેતા, અસત્ય ગુરુ - એ બધા વધતા જાય છે તેનું કારણ તેમનો સામનો કદી કરવામાં આવતો નથી તે છે. અન્યાય કરનારા નભે છે કારણ કે જેઓમાં ન્યાયની ભાવના હોય છે તેઓ જડભરત જેવા અક્રિય બેઠા રહે છે. સમાજમાંના અન્યાયો સામે સામનો કરવાનો જુસ્સો એ નિયમોનો અનાદર અથવા અસહનશીલતા છે એવી ખોટી ભ્રમણામાં પડવાનું નથી. બીજાઓની લાગણી પ્રત્યે માન અને ઊંડા આંતરિક વિવેક સાથે તે સામનો યોગ્ય છે. આપણે શિષ્ટ સમાજ માટેની આવશ્યક એવી પ્રધાનભૂત વિનયશીલ રીતભાતને તિલાંજલિ દેવી ન જોઈએ.” (પ્રસ્તાવના, પૃ. ૫૦)

જૈન જૈન ગૂર્જર કવિઓ : ભાગ : ૧ (ઈ.સ. ૧૯૨૬) (પૃ. ૬૫૬), ભાગ : ૨ (ઈ.સ. ૧૯૩૧) (પૃ. ૮૨૨), ભાગ : ૩, ખંડ ૧ (ઈ.સ. ૧૯૪૪) (પૃ. ૧૦૯૨) ભાગ : ૩, ખંડ ૨ (ઈ.સ. ૧૯૪૪) (પૃ. ૨૩૩૯) જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગનું સંશોધિત સંપાદન ગુજરાતી સાહિત્યને મો. દ. દેશાઈએ આપેલી અણમોલ ભેટ છે. ૧૩મા શતકથી ૧૫મા શતક સુધીની સમયાવધિમાં થયેલા જૈન સાહિત્યનું સર્જન કરનારા તમામ સર્જકો વિશેની પ્રમાણભૂત માહિતી આ ગ્રંથોમાંથી મળે છે. કારણ કે આ ગ્રંથોમાંની સામગ્રી અમદાવાદ, વડોદરા, મુંબઈ, પૂના એમ અનેક શહેર અને ગામના ભંડારોમાં રહેલી હસ્તપ્રતો અને પુસ્તકોને જાતે જોઈને સંપાદકે આ વર્ગીકૃત વર્ણનાત્મક સૂચિ તૈયાર કરી છે. સંશોધિત સામગ્રી સંપાદકે ત્રણ ભાગમાં પ્રગટ કરી છે. એમાં ત્રીજા ભાગના બે ખંડ કર્યા છે. પહેલા ભાગના નિવેદનમાં સંપાદક નોંધે છે તે મુજબ “…જૂની ગુજરાતીનો- એટલે કે ગુજરાતીનો જૂનામાં જૂનો આરંભ વિક્રમ સંવત તેરમાથી થાય છે કારણ કે તે સમયની પદ્યકૃતિઓ મળે છે.” આ તેરમા શતકથી સત્તરમા શતક સુધીના સર્જકોની સામગ્રી પ્રથમ ભાગમાં છે. આ સંગ્રહની સામગ્રીનો ઉપયોગ અભ્યાસુ એકદમ સરળ રીતે કરી શકે એવી રીતે સંપાદકે આયોજન કર્યું છે. જેમ કે ૧) કર્તાનું નામ, ૨) કર્તા કઈ ગચ્છ પરંપરામાં- તે પરંપરાથી કયા મુનિના શિષ્ય છે તે પરિચય, ૩) તેની નીચે સમયાનુક્રમે કૃતિ, ૪) તે કૃતિનો રચનાસમય, ૫) તે સાથે રચનાનું સ્થળ, ૬) તેની નીચે કૃતિનો આદિ ભાગ, ૭) તે કૃતિનો અંત ભાગ-કવિની પ્રશસ્તિવાળો, ૮) પ્રશસ્તિની નીચે તે જે પ્રતમાંથી લીધી હોય તે પ્રતના લેખકની પ્રશસ્તિ લખ્યા સાલ, ગામ વગેરે, ૯) તે પ્રતનાં પાનાં અને પંક્તિ સંખ્યા, ૧૦) તે પ્રત કયા ભંડારમાંથી મળે છે તે, ૧૧) પ્રસિદ્ધ થયેલ હોય તો ક્યાં પ્રસિદ્ધ થઈ છે તે. આ ઉપરાંત ગ્રંથના અંતમાં ચાર અનુક્રમણિકા આપી છે. ૧) કવિઓની, ૨) મોટી કૃતિઓની, ૩) નાની કૃતિઓની, ૪) સંવતવાર અનુક્રમણિકા જોડી છે જેથી કોઈ પણ હકીકત મેળવવામાં સુગમતા રહે. ગ્રંથમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા જોડી છે. જે પ્રત્યેક પ્રકરણની સામગ્રી સુધી પહોંચવાનો માર્ગ સરળ કરી આપે છે. ગ્રંથ સ્પષ્ટપણે બે ખંડમાં વહેંચાયેલો છે. પહેલા ખંડમાં ‘જૂની ગુજરાતીનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ૩૨૦ પાનાંનો આ લાંબો લેખ ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસનો દસ્તાવેજ પુષ્કળ નિદર્શન સાથે રજૂ થયો છે. આ સામગ્રીને સાત વિભાગ અને એકવીસ પ્રકરણમાં વર્ગીકૃત કરી છે. આરંભની સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓથી માંડીને ગુજરાતી એક સાહિત્ય ભાષા તરીકે વિકાસ પામી એનો અભ્યાસપૂર્ણ આલેખ અહીં મળે છે. ત્યાર પછી સદીવાર થયેલા સર્જકો વિશેની સામગ્રી મળે છે. જૈન ગૂર્જર કવિઓનો બીજો ભાગ વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના કવિઓની, તેમની કૃતિઓ સહિતની વિસ્તૃત સૂચિ છે. પ્રથમ ભાગની જેમ આ બીજા ભાગના નિવેદનમાં સંપાદકે કવિઓ અને તેમની કૃતિઓ મેળવવા માટે જે-જે ગ્રંથભંડાર અને વ્યક્તિઓનો સંપર્ક કર્યો એ વિશેની માહિતી આપી છે. સાથે વિગતસભર અનુક્રમણિકા આપી છે જેમાં સાંકેતિક અક્ષરોની સમજ આપી છે. વિક્રમની અઢારમી સદીના ગુજરાતી કવિઓ વિશે અહીં સળંગ માહિતી છે. ત્યાર પછી ‘વિક્રમના ૧૮મા શતકની ગદ્ય કૃતિઓ' શીર્ષક અંતર્ગત ૧) કવિઓની અનુક્રમણિકા, ૨) કૃતિઓની અનુક્રમણિકા, ૩) નાની કૃતિઓની અનુક્રમણિકા, ૪) સંવતવાર અનુક્રમણિકા આપવામાં આવી છે. આ ઉપરાંત કથાસાહિત્યના અભ્યાસીને ખૂબ જ ઉપયોગી એવો જૈન કથાનામ કોશ, જૈન ગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ, રાજાવલીઓ પરિશિષ્ટમાં આપી છે. રાજાવલીઓમાં જે-તે સમયે જે રાજા થયા તેમનાં નામ અને તેમનો સમય નોંધ્યો છે. એ રીતે ઇતિહાસના અભ્યાસીને પણ આ ગ્રંથ ઉપયોગી બને છે. આ ઉપરાંત ‘જૈન ગૂર્જર કવિઓ : ૧' પ્રકાશિત થયા પછી વીસ જેટલા વિદ્વાનોએ એને વિશે આપેલા અભિપ્રાયો મૂક્યા છે. આ અભિપ્રાયો આપનારામાં કેશવ હર્ષદ ધ્રુવ, લાલચંદ ભગવાનદાસ ગાંધી, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, મંજુલાલ મજમુદાર, જ્યોતીન્દ્ર દવે, જિનવિજયજી, રામનારાયણ વિશ્વનાથ પાઠક, મધુસૂદન મોદી જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે. નમૂનારૂપ કેટલાક અભિપ્રાય જોઈએ જેના પરથી આ વર્ણનાત્મક સૂચિ ગ્રંથની ઉપયોગિતા અને મોહનલાલ દલીચંદ દેશાઈની વિદ્વત્તાનો પરિચય થશે. કેશવ હર્ષદ ધ્રુવ “…ગુજરાતી જૈન સાહિત્ય વિશે માહિતી સર્વસુલભ કરી ગુજરાતી સાહિત્યના અભ્યાસને અપૂર્વ અનુકૂળતા પૂરી પાડી છે. મહાભારત, રામાયણ અને પુરાણ આધારનું ગુજરાતી સાહિત્ય ચૌટે ચકલે ગવાતું હતું. પરંતુ પુષ્ટિમાર્ગીય, સત્સંગી અને જૈન સાહિત્ય મંદિર અને ઉપાશ્રયમાં જ તેની પવિત્રતાની સુવાસ ફેલાવતું હતું. આ કારણથી ઈતર પંથ અને ધર્મની જાણ બહાર તે અત્યાર સુધી રહ્યું છે. આ સૂચિથી તે સંબંધી અજ્ઞાન ઘણે દરજ્જે દૂર થશે.” કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી “…આ પુસ્તક વિક્રમ સંવત ૧૩મા સૈકાથી તે ૧૭મા સૈકા સુધીના ગુજરાતીમાં જૈન કવિઓએ લખેલાં જૂનાં કાવ્યોનો એક ખજાનાનો સંગ્રહ- મહાસંગ્રહનિધિ છે. આ સંગ્રહ શ્રી દેશાઈના સતત આગ્રહ અને ખંતવાળા ઉદ્યમનું પરિણામ છે કારણ કે તેમણે પોતાથી બની શક્યું ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે કોઈ પણ જૈન ભંડારને તપાસ્યા વગરનો ભાગ્યે જ રાખ્યો છે… ૩૨૦ પૃષ્ઠોની આંજી નાંખે તેટલા મોટા પ્રમાણવાળી પ્રસ્તાવના એ આ ગ્રંથનો એક અગત્યનો ભાગ છે.” પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાનો યશ મોહનલાલ દલીચંદ દેશાઈને મળે છે. આ ગ્રંથને જૈન સાહિત્યનો એન્સાઇક્લોપીડિયા નામ આપીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. મોહનલાલ દલીચંદ દેશાઈ એમના સમયના જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાગ્ર છે એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી. ક્યાં વકીલાતનો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા! ખરી રીતે આ બે પ્રવૃત્તિઓનો ક્યાંય મેળ જ નથી એ સ્થિતિમાં એમણે આવું અતિ ઉત્તમ કામ કરી બતાવ્યું છે. માત્ર સાહિત્ય પ્રવૃત્તિ જ જેમનો જીવનનિર્વાહ હોય તેવા માણસ પણ જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે ભાગ્યે જ કરી શકે. મને લાગે છે કે મોહનભાઈ જો ના જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા માટે હજારો રૂપિયા અને લાંબા સમયની રાહ જોવી પડત. આ બધા ગ્રંથમાં ગુજરાતી ભાષામાં જે જે જૈન વિદ્વાનો, જે કંઈ લખી ગયા છે તેની વિગતવાર યાદી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. પહેલા ભાગની વાત કરીએ તો ૬૦૦ પાનાંના ગ્રંથમાં ૩૦૦ કરતાં પણ વધારે પાનાંની પ્રસ્તાવના છે. એનું નામ પ્રસ્તાવના છે પણ વાસ્તવમાં ગુજરાતી ભાષાનાં બંધારણ અને ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારાં અનેકાનેક પ્રસ્તાવો- પ્રકરણો-પ્રબંધો વિશે અહીં સામગ્રી છે. સૂંઠના ગાંઠિયે ગાંધી જેવા બનેલા સાક્ષર વર્ગમાંના મોટા ભાગને તો આ ગ્રંથનાં પૂરાં પાનાં ફેરવી જવાં જેટલું ધૈર્ય પણ હોવું કઠણ છે ત્યારે મોહનલાલ દેશાઈએ આવા ત્રણ ભાગ લખી, સુધારી, છપાવ્યા છે. પ્રૂફરીડર કે સહાયકની સહાય વિના આ ભગીરથ કાર્ય કર્યું છે. આ ગ્રંથ તૈયાર કરવામાં સંપાદકે લગભગ પંદર વર્ષ ખર્ચ્યા છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ પ્રશસ્તિઓનો વિશાળ સંગ્રહ જ નથી પરંતુ કવિઓ અને ઐતિહાસિક તથ્યોનો સરસ કોશ છે. ગુજરાતી સાહિત્યના લેખન માટેનો આ પ્રમાણભૂત આધારગ્રંથ છે.

જૈન ગૂર્જર કવિઓના પહેલો અને બીજો ભાગમાં કવિઓની વર્ણનાત્મક સૂચિ આપવામાં આવી છે અને જૈન ગૂર્જર કવિઓના ત્રીજા બન્ને ભાગ મુખ્યત્વે સૂચિ ગ્રંથો છે. આ ગ્રંથોમાં ઓગણીસમા અને વીસમા શતકના ૧૪૯ જૈન કવિઓ અને તેમની કૃતિઓની વિસ્તૃત સૂચિ આપેલી છે. ત્યાર પછી કવિઓની, પદ્યકૃતિઓની, ગદ્યકારોની, સ્થળસ્થાનની, રાજકર્તાઓની દેશીઓની અનુક્રમણિકાઓ અહીં છે. આ ઉપરાંત બે પરિશિષ્ટ છે જેમાં જૈનેતર કવિઓ અને જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ આપી છે. આ ઉપરાંત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિશેના ૨૧ વિદ્વાનોના અભિપ્રાય અને જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજા પાંચ અભિપ્રાય જોડ્યા છે. મો. દ. દેશાઈ પ્રખર-સમર્થ સંશોધક છે. ગુજરાતી ભાષાના અભ્યાસ માટે આ ગ્રંથો ઘણા ઉપયોગી છે. સૂચિમાં સામગ્રી કેવી રીતે આપી છે તેનો નમૂનો ૧ શાલિભદ્રસૂરી (રાજગચ્છ- વજસેનસૂરીના પટ્ટધર) (૧) ભરતેશ્વર બાહુબલિ રાસ (સં. ૧૨૪૧, ફાગણ પંચમી) આદિ-રિસહ જિણેસર પય પણમેવી, સરસતિ સામિણી મનિ સમરેવી, નમવી નિરંતર ગુરુ ચરણ, ભરહ નરિદહ, તણઉં ચરિત્તો, જે જગિ વસુહીંડઈ વદીતો, બારહ વરસિ બિહું બંધવહં. ૧ અંત- રાયહ એ ગછસિણગાર વયરસેન સૂરિ પાટધર ૨૦૩ ગુણગણહં એ તણઉ ભંડારુ, સાલિભદ્ર સૂરિ જાણીઈ એ. જો પીઢઈ એ વસહ વિસોહિ, સો નર નિતુ નવનિહિ લહઈએ. ૨૦૪ સંવત એ બાર એકતાલિ, ફાગણ પંચમિઈ એઉ કીટ એ. પાના નં. ૧૦ વિજયધર્મસૂરિ ભંડાર વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી.

શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર રાસ, નયસુંદરકૃત, સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, ૧૯૭૫ નયસુંદરકૃત ‘ગિરિનાર તીર્થોદ્ધાર રાસ’ કૃતિનું સંશોધિત સંપાદન મો. દ. દેશાઈ પાસેથી મળ્યું છે. ૧૦૩ કડીના આ રાસકાવ્યનો સંપાદકે આરંભમાં સાર આપ્યો છે. ત્યાર પછી પ્રસ્તુત રચનાની સંશોધનપ્રક્રિયા જણાવી છે. જેમાં સંશોધિત સંપાદન માટેની પદ્ધતિ જણાવી છે. સંશોધક નોંધે છે કે એમણે આ કાવ્યનું સંપાદન ત્રણ હસ્તપ્રતને આધારે કર્યું છે. એમાંથી એક જૂનામાં જૂની પ્રતનો મુખ્ય-આધારભૂત પ્રત તરીકે ઉપયોગ કર્યો છે. સંપાદકે ઉપયોગમાં લીધેલી ત્રણે પ્રતનો વિગતે પરિચય આપ્યો છે. કૃતિની સંશોધિત પ્રત તૈયાર કરવા માટે જે ફેરફાર કર્યા છે એમાં જે પાઠની પસંદગી કરી છે અને બીજો પાઠ શા માટે છોડ્યો છે એ વિશે સદૃષ્ટાંત માહિતી આપી છે. ભાષા અને જોડણી સંદર્ભે જે ફેરફાર કર્યા છે તે વિશે પણ નોંધ કરી છે. કવિને અભિપ્રેત પાઠ પસંદ કરવા માટે સંપાદકે સારો ઉદ્યમ કર્યો છે. વળી, મધ્યકાલીન કૃતિના સંશોધનમાં અનિવાર્યપણે જરૂરી એવા કૃતિમાં આવતા અઘરા શબ્દોની ટિપ્પણી પણ સંશોધકે આપી છે. શાસ્ત્રીય રીતે થયેલું આ સંપાદન અન્ય અભ્યાસીઓને માર્ગદર્શક બને એવું છે. જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ-૧, સંપા. મોહનલાલ દ. દેશાઈ, પ્રકા. શા. લલ્લુભાઈ કરમચંદ દલાલ, ચંપાગલી, મુંબઈ, સં. ૧૯૬૯ મોહનલાલ દ. દેશાઈએ આપેલાં વિવિધ સંપાદનોમાંનું એક સંપાદન ‘જૈન ઐતિહાસિક રાસમાળા' છે. અહીં ગદ્ય ને પદ્ય રચનાઓ સંપાદિત થઈ છે. એમાં ૧૧ રાસકૃતિઓ છે – ‘શાંતિદાસ શેઠજીનો રાસ’, 'વખતચંદ શેઠનો રાસ', 'સત્યવિજય પંન્યાસ રાસ', 'કર્પૂરવિજયગણિ રાસ', 'ક્ષમાવિજયગણિ રાસ', ‘જિનવિજયગણિ રાસ', 'ઉત્તમવિજય પંન્યાસ રાસ', ‘પદ્મવિજયગણિ રાસ', 'કલ્યાણવિજયગણિ રાસ', ‘નેમસાગસૂરી રાસ' વગેરે. સાથે ૧૩ ચરિત્રરચનાઓ છે- શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ, વખતચંદ શેઠ, લક્ષ્મીસાગરસૂરી, નેમિસાગર ઉપાધ્યાય વિજયદેવસૂરી, વિજયાનંદસૂરી, કલ્યાણવિજયગણિ, કર્પૂરવિજયગણિ, ક્ષમાવિજયગણિ, જિનવિજયગણિ વગેરે. આ પ્રભાવક પુરુષોના ચરિત્રનિર્માણમાં દેશાઈએ જે-તે ચરિત્રના નિર્માણ માટે ખૂબ મહેનત કરી છે. પ્રત્યેક ચરિત્રની જીવનવિષયક જો એ શ્રાવક હોય તો તમના ધંધા વિશે, તેમની સંતતિ અને સંપત્તિ સંદર્ભે, તેમણે કરેલી સખાવતો સંદર્ભે તથા જો સાધુનું ચરિત્ર હોય તો તેમનાં માતા-પિતા, દીક્ષા, સૂરીપદ, વિહાર, ગચ્છપરંપરા અને પ્રભાવ વગેરે વિષયક તમામ માહિતી રસાળ રીતે આપી છે. ચરિત્રો અને રાસકૃતિઓની સાથે થોડી સઝાયો પણ અહીં છે. સંપાદનમાં જે કૃતિઓ છે તે રાસ સ્વરૂપની છે એ સંદર્ભમાં સંપાદકે રાસ સ્વરૂપ વિશે એનો સમય એનાં લક્ષણોથી માંડીને એની ઉપયોગિતા એમ એનો સમગ્ર ઇતિહાસ પણ આપ્યો છે. નમૂના તરીકે જુઓ-આ રાસની ઉપયોગિતા-આ રાસમાંનો કેટલોક ભાગ (૧) ગુજરાતનો ઇતિહાસ નક્કી કરવામાં, દાખલા તરીકે કુમારપાળ, વસ્તુપાળ, જગડુ આદિના, (૨) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શોધનમાં, (૩) પ્રાચીન ગુજરાતીના નમૂના માટે, (૪) ગુજરાતી ભાષામાં અપરિચિત નવા ઉપયોગી શબ્દોનું ભંડોળ વધારવા માટે, (૫) ગુજરાતી ગદ્ય-પદ્ય લખવાની શરૂઆત ક્યારથી થઈ તે જાણવા માટે (નિવેદન, પૃ. ૧) સંપાદકે ૧૧ રાસ રચનાઓના પરિચય સાથે એમાં આવતા પ્રાચીન શબ્દો, પારિભાષિક શબ્દો અને બીજા અઘરા શબ્દોના અર્થનો કોશ અહીં અકારાદિક્રમમાં જોડ્યો છે. વળી, રાસ વાંચવા- સમજવામાં સરળતા થાય એટલે રાસમાં દરેકના ભાગ પાડીને વિષયવાર શીર્ષક મૂક્યાં છે. તત્કાલીન સમયની તાસીરનો ખ્યાલ સંપડાવતું આ સંપાદન ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન અને ઉપયોગી છે.

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૦-૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨)

ઇચ્છારામ દેસાઈએ ગુજરાતી સાહિત્યને ‘હિંદ અને બ્રિટાનિયા’, ‘ગંગા એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ' જેવી ચાર નવલકથાઓ, વેદાંતવિચારની સરળ ભાષામાં સમજૂતી આપતો ત્રણ ભાગમાં વિસ્તૃત લોકપ્રિય ગ્રંથ ‘ચંદ્રકાંત’, ‘અરેબિયન નાઇટ્સ’, ‘વિદુરનીતિ’, ‘વાલ્મીકિ રામાયણ’ જેવા અનુવાદની સાથે ‘બૃહત્ કાવ્યદોહન'ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯, ૧૮૯૦, ૧૮૯૫, ૧૯૦૦, ૧૯૧૨, ૧૯૧૩) આપ્યા છે. આપણે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની સંપાદક પ્રતિભાનો પરિચય કરીએ. ‘બૃહત્ કાવ્યદોહન' દેસાઈનું ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની અપ્રગટ રચનાઓનું મૂલ્યવાન સંપાદન છે. 'બૃહત્ કાવ્યદોહન'ના આઠ ભાગ છે. જેમાં મધ્યકાલીન કવિઓનાં જીવન અને તેમની રચનાઓ વિષયક માહિતી આપતા લેખો અને તેમનાં કાવ્યો છે. મધ્યકાળના કવિઓ અને તેમની કવિતા વિશે ઉપલબ્ધ સામગ્રીને એકત્રિત કરવાનો ઐતિહાસિક પુરુષાર્થ દેસાઈએ કર્યો છે. આ 'બૃહત્ કાવ્યદોહન'ની સાતથી પણ વધારે આવૃત્તિઓ થઈ છે જે આ કવિઓ અને તેમની કૃતિઓની લોકપ્રિયતા અને ઉપયોગિતા સિદ્ધ કરે છે. કાવ્યદોહનના વિવિધ ભાગનો પરિચય કરીએ. આ ગ્રંથોના પહેલા સિવાયના ભાગમાં આરંભમાં દેસાઈની પ્રસ્તાવના છે જેમાં સંગ્રહમાં સંપાદિત થયેલી રચનાઓ અને કર્તાઓ વિશે માહિતી આપી છે. આ સામગ્રીમાં રજૂ થયેલા વિચાર મધ્યકાળની કવિતાને જાણવા-સમજવા ઉપયોગી બને છે. એમના પછી આવેલા ઇતિહાસલેખકો માટે દેસાઈએ કરેલું મૂલ્યાંકન ખૂબ સહાયક બન્યું છે. આજે પણ એ એટલું જ સાચું છે. સમયના પ્રવાહમાં મધ્યકાલીન કવિતાના વિવેચનની અભિવ્યક્તિની રીતિ બદલાઈ છે પરંતુ દેસાઈએ રજૂ કરેલો મૂલ્યાંકનવિચાર તો અફર જ છે. નમૂના તરીકે કાવ્યદોહનના પહેલા ભાગની પ્રસ્તાવનાના થોડાક અંશ જોઈએ… “ગુજરાતીમાં આદિ કવિ નરસિંહ મહેતો છતાં પહેલા વર્ગમાં પહેલે સ્થાનકે શોભતો એવો તો પ્રેમાનંદ જ છે અને બીજે સ્થાને દયારામ છે. આ બંને કવિઓનું કાવ્ય જેટલું પ્રગટ થયું છે તે પરથી એટલું તો કહી શકાય કે તેઓ કુદરતી કવિઓના વર્ગના હતા. જનસ્થિતિ ને વર્ણનશક્તિમાં પ્રેમાનંદે જે શક્તિ પ્રકાશ કીધી છે, તેમાં જ તેની કીર્તિ સમાયેલી રહેતી નથી, પણ સંસારચિત્ર દર્શન કરાવે ને વર્ણનશૈલીમાં, રસ અને અલંકારમાં, મનોભાવ અને સ્થિતિદર્શનમાં બીજો કોઈ એના જેવો ગુજરાતી કવિ થયો નથી.” (પ્રસ્તાવના, પૃ. ૧૨) “છપ્પા તો શામળના જ કહેવાય. ગુજરાતી કવિઓમાં પ્રભાતિયાં નરસિંહ મહેતાનાં, છપ્પા શામળ ભટ્ટના, ગરબા વલ્લભના અને ગરબીઓ દયારામભાઈની પોતાની જ ખાસ ગણાય છે. એ વિષયમાં બીજા કવિઓની કવિતા દાવો કરી શકે નહીં.” (પ્રસ્તાવના પૃ. ૧૩) ‘બૃહત્ કાવ્યદોહન'ના બીજા ભાગમાં સંપાદકે ખાસ લાંબી પ્રસ્તાવના કરી નથી પરંતુ એમણે કરેલી એક નોંધ ખાસ ધ્યાનપાત્ર બને છે. સંપાદક નોંધે છે, “ખાસ કરીને ધીરા ભક્તના કાવ્ય માટે બે શબ્દ કહેવા અગત્યના છે. એ કવિનું કાવ્ય તેના પુત્રનો પુત્ર જે ગોઠડામાં રહે છે તેની પાસે જે જૂની પ્રત છે તેમાંથી ઉતાર્યું છે. ધીરા ભક્તના પૌત્રની દશા એટલી તો દીનહીન છે કે, હાલમાં અન્નને ને દાંતને વેર જેવું છે, છતાં તે, એ કાવ્યસંગ્રહ કોઈને પણ પૈસા લઈ આપતો નથી.” (પ્રસ્તાવના, પૃ. ૧) ‘બૃહત્ કાવ્યદોહન'ના ત્રીજા ભાગમાં પ્રસ્તાવના નથી પણ સંપાદકે અખા ભગતનું જીવનચરિત્ર આપ્યું છે. આ ચરિત્રમાં કવિના સમય, જીવન અને કૃતિઓ સંદર્ભની ઘણી વિગતો વિશે આધારભૂત ચર્ચા મળે છે. નિદર્શનરૂપે જુઓ - “એ કવિની કવિતા અતિ કડક ભાષામાં, ગંભીર ને અસરકારક છે. વેદાંત વિષયના છપ્પા તો તોપના ગોળાની પેઠે સોંસરા હૃદયમાં પેસે એવા છે. છપ્પામાં મેળવેલા જ્ઞાનનો ને સ્વાત્માનુભવનો ખરો ચિતાર છે. એણે સંસાર અને પંથો સારી રીતે જોયા છે. તે પછી સદ્ગુરુની પ્રાપ્તિ થઈ લાગે છે.” (પ્રસ્તાવના, પૃ. ૧૨) ‘બૃહત્ કાવ્યદોહન'ના ચોથા ભાગમાં પ્રસ્તાવનામાં કવિ પ્રીતમદાસ અને કવિ વસ્તોનાં જીવન- કવનની વિસ્તૃત માહિતીસભર ચરિત્રો આપ્યાં છે. આ ભાગની કેટલીક કૃતિઓની મૂળ હસ્તપ્રત સંપાદકને એકથી વધારે મળી છે. એ કૃતિઓ સંપાદકે સંશોધિત કરીને મૂકી છે. અહીં સંગ્રહાયેલું ‘શુકદેવ આખ્યાન' એનું નિદર્શન છે. સંગ્રહને અંતે અઘરા શબ્દોના અર્થ આપતો શબ્દકોશ આપ્યો છે. ‘બૃહત્ કાવ્યદોહન'ના પાંચમા ભાગમાં આરંભમાં પચાસ જેટલાં પૃષ્ઠોમાં વિસ્તૃત, કવિ દયારામનાં જીવન અને કવન સાથે એમનું સમગ્ર ચરિત્ર રજૂ કર્યું છે. પછી વિવિધ કવિઓની તેમને ઉપલબ્ધ થયેલી રચનાઓ અને અંતે શબ્દકોશ આપ્યો છે. ‘બૃહત્ કાવ્યદોહન'ના છઠ્ઠા ભાગમાં સંપાદક પ્રસ્તાવનામાં નોંધે છે તે મુજબ કેટલાક નવા કવિઓની રચનાઓ છે. સંપાદકીયની કેટલીક માહિતી સંશોધકો માટે દિશાસૂચક બને તેવી છે. જેમ કે ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’, ‘વેતાળપંચવિશી’ જેવી કૃતિઓના કર્તાના મૂળ નામની જગ્યાએ માણભટ્ટોએ પોતાનાં નામ મૂકી દીધાં છે. સંપાદક નોંધે છે કે આ કૃતિની વિવિધ પ્રતોને આધારે એની તપાસ કરવી જોઈએ. અહીં પણ અંતમાં શબ્દકોશ આપ્યો છે. 'બૃહત્ કાવ્યદોહન'ના સાતમા ભાગની પ્રસ્તાવનામાં સંપાદક નોંધે છે કે, “આ સંગ્રહનું સંશોધન કરવામાં કેટલાકની જે અકેક પ્રત મળી હતી તે પ્રમાણે તે દાખલ કરવામાં આવી છે. જેની બે કે ત્રણ પ્રત મળી, તેનું સંશોધન થયું છે.” (પ્રસ્તાવના, પૃ. ૭) આ પ્રકારની નોંધ અન્ય કોઈ ગ્રંથમાં ક્યાંય સંપાદકે આપી નથી. માત્ર જેમણે સામગ્રી પૂરી પાડવામાં સહાય કરી એમનો આભાર માન્યો છે. આ સાતમા ભાગમાં આરંભમાં સંપાદકે તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ લખેલું ત્રેપ્પન પાનાંનું મીરાંબાઈનું વિસ્તૃત જીવનચરિત્ર આપ્યું છે. જેમાં મીરાંનાં જીવન અને સાહિત્યવિષયક મુદ્દાની ચર્ચા સદૃષ્ટાંત થઈ છે. 'બૃહત્ કાવ્યદોહન'નો આઠમો ભાગ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ સ્વર્ગસ્થ થતાં એમના પુત્રોએ પ્રકાશિત કર્યો છે. સંગ્રહની સામગ્રી સંદર્ભે કોઈ કર્તાના કવન સંદર્ભે ઊભા થયેલા વિવાદો વિશેની ચર્ચા પ્રસ્તાવનામાં નિદર્શન સાથે થઈ છે. નિદર્શનરૂપે જોઈએ –“આ ભાગમાં કવિ શામળકૃત ‘શિવપુરાણ' આપવામાં આવ્યું છે. ખરું કહેતાં દયારામવિરચિત ભગવદ્ગીતા માહાત્મ્ય જેવું આ શિવમાહાત્મ્ય છે, અને તેને શિવપુરાણને નામે જે ઓળખવામાં આવે છે, તે માત્ર લોકોક્તિને અનુસરીને જ છે.” (પ્રસ્તાવના, પૃ. ૧૦) “પ્રેમાનંદ અને શામળ ઉભયે વિષયો ભિન્નભિન્ન પ્રકારના લીધા છે. પ્રેમાનંદે પુરાણોક્ત અને ઇતિહાસોક્ત કથાઓ લીધી છે; શામળે લોકોમાં પ્રચલિત કથા-વાર્તાઓ લીધી છે. પ્રેમાનંદને ભાષામાં અવતરણ કરવાની મહેનત કરવાની હતી. તે સિવાય તેની પાસે ચિત્ર ચીતરવાનાં સાધનો ફલક, રંગ આદિ તૈયાર હતાં. શામળે પાત્રના હૃદયમાં ઊતરી, ચિત્રને માટે સાધનો તૈયાર કરવાનું મુશ્કેલ કામ હતું.” (પ્રસ્તાવના, પૃ. ૧૧) આ ઉપરાંત આ આઠમા ભાગમાં સત્તાવન પૃષ્ઠનો ‘વૈશ્યકવિ નાકર અને ધાર્મિક આખ્યાનોની ઉત્પત્તિનો યુગ’ અંબાલાલ બુલાખીરામ જાનીનો નિબંધ કવિ નાકર અને આખ્યાન પરંપરા વિશે ખૂબ વિસ્તારથી સામગ્રી આપે છે. જેમાં ‘જૂની ગુજરાતી કવિતા સાદી અને ધાર્મિક કેમ?', ‘ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતિ’, ‘નવીન સાહિત્યની ઉત્પત્તિ', 'વૈષ્ણવ ધર્મથી રંગાએલું સાહિત્ય', ‘નરસિંહ આદિ કવિ ચતુષ્ટય’ વગેરે વિષયો વિવિધ વિદ્વાનોના મતની સાધકબાધક ચર્ચા સાથે રજૂ થયા છે. 'બૃહત્ કાવ્યદોહન'ના સંપાદનનો અભ્યાસ કરતાં સંશોધકને થાય એવા કેટલાક મુદ્દા જોઈએ. જેમ કે, આ સંપાદન કરવામાં કોઈ ચોક્કસ સંપાદનપદ્ધતિ સંપાદકે ઊભી કરી નથી. કારણ કે- ૧) સંપાદકને સામગ્રી જ્યાંથી મળી હોય તે વ્યક્તિ અથવા પુસ્તકનો નિર્દેશ સંપાદનમાં નોંધાયો નથી. જે રીતે કૃતિઓ મળતી ગઈ એ પ્રમાણે સંપાદકે કૃતિઓ વિવિધ ભાગમાં રજૂ કરી હોય એવું લાગે છે. ૨) સામગ્રીને કોઈ પણ પદ્ધતિમાં ગોઠવી નથી એટલે કે, ગોઠવણીમાં કાવ્યનું સ્વરૂપ, કવિનો સમય, કક્કાવારી-અનુક્રમ એવી કોઈ યોજના જણાતી નથી. જેમ કે, ‘નરસિંહનાં પદો' કાવ્યદોહનના પહેલા અને સાતમા બંને ભાગમાં છે. એ જ રીતે અખાની રચનાઓ પણ કાવ્યદોહનના જુદા જુદા ભાગમાં મળે છે. ૩) સંપાદન-સંગ્રહ કરવામાં કયાં સંદર્ભ પુસ્તકો કે હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો તે એકાદ અપવાદ સિવાય જણાવ્યું નથી. આ સંગ્રહોમાં મધ્યકાલીન સાહિત્યની પદમાળા, પદ અને કથામૂલક રચનાઓ સંપાદિત થઈ છે. આ સંપાદન પછી ઘણા કવિઓની રચનાઓ હસ્તપ્રતોના આધારે સંશોધિત થઈને પ્રકાશિત થઈ છે પરંતુ જ્યારે મધ્યકાલીન કવિતા વિશે કશી આધારભૂત સામગ્રી મળતી ન હતી તે સમયમાં તો 'બૃહત્ કાવ્યદોહન' જ અભ્યાસીઓ માટે મહત્ત્વનો આધારભૂત ગ્રંથ હતો. પાઠ્યપુસ્તકોમાં પસંદ થતી રચનાઓ આ સંપાદનમાંથી જ લેવાતી હતી. આ સંગ્રહની એક મહત્ત્વની વિશેષતા તે સંપાદકે આપેલો અઘરા શબ્દોનો કોશ છે. આ કોશ પ્રત્યેક ભાગને અંતે આપવામાં આવ્યો છે. આ શબ્દકોશની સહાયથી અભ્યાસીને જૂની ગુજરાતી કવિતાઓ સમજવી સરળ બને છે.

બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર,૨૦૨૨, પૃ.૧૨-૨૨