નારીસંપદાઃ વિવેચન/કુંપળ ફૂટ્યાની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કૂંપળ ફૂટયાની વાત’
સરોજ પાઠક

આઈ. એન. ટી.ના નાટકો સૂરતના તખ્તે આવે કે ‘કયું નાટક જોવું?’ એવી ગપસપ જે આઈ. એન. ટી.ના નાટકો જોવાના બંધાણી છે, છતાં બધાં જ નાટકો જોઈ ન શકે તે પૂછતા રહે, તો કેટલાક નાટકરસિયાઓ જાહેરાતનાં પાત્રોનાં નામો વાંચી નાકટીચકું ચડાવી ‘આમાં ટીકુ નથી? જતીન પણ નહીં? આપણાં જાણીતાં માનીતાં નામો કોઈ નહીં?’ આવું વિચારી દ્વિધા અનુભવે છે. તેમને કહેવાનું કે આ જૂનિયર નીવડેલી નવી બંધાયેલી ટીમનું આ નાટક તો તમે જુવો જ જુવો. રહસ્યઅનુરાગી, હાસ્યરસ ભૂખ્યાં નવા વિષયવસ્તુની અપેક્ષાવાળા તેમજ ટી. વી. વીડિઓ જોનારા સર્વ પ્રકારનાં પ્રેક્ષકોને સંતર્પક બની રહે એવું આ સામાજિક ‘ન્યુ આઈડિયા'ની સમાજસ્પર્શી વાતને વાચા આપતું નાટક છે. વાત તો છે આટલી

‘લીપ્યું–ગૂંપ્યું' તે મારું આંગણું,
ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે.’

અહીં ‘રન્નાદે' ઈશ્વરને બદલે આજે કૃત્રિમગર્ભાધાન કરનાર ડોક્ટર ભગવાનને વિનંતિ કરે છે. ડૉકટર વિશ્વાસપૂર્વક કહે છે. ‘જ્યાં કુદરત કામ અટકાવે છે ત્યાં તબીબી વિદ્યા તેને આગળ ધપાવી શકે છે'. એક ઉજળા અસત્યથી ડૉક્ટરે તે કામ હાથમાં લીધું છે પણ...? એ તખ્તા પર જુવો. આધુનિક જમાનામાં ટેસ્ટ ટયુબ બેબી, સેરોગેટ મધર્સ, શુક્ર બેંક, ગર્ભપરીક્ષણમાં પુરુષશુક્ર પર તબીબી વિજ્ઞાને સંશોધન કરી તેનો અમલ કર્યો છે. તેની સામે નવા સામાજિક પ્રશ્નો, નવી સમસ્યાઓનો ઊહાપોહ બહુ પ્રચલિત છે. એટલે સમયાનુકૂલ તબીબી વિજ્ઞાનનું એક વરદાન લગ્નમંગલ માટે પ્રચલિત અને માર્ગદર્શન બને એવી સમાજ હિતલક્ષી દૃષ્ટિથી અભિનય, ટીમવર્ક અને દિગ્દર્શનની ત્રિવિધ કમાલ સાથે આ નાટક તખ્તા પર રમતું મુકાયું છે. આઈ. એન. ટી. સંસ્થાને અમારું ચાલે તો વિનંતી કરવાનું મન થાય કે આ સુંદર નાટકની વીડીઓ ફિલ્મ બનાવો. અમારે કેસેટ વીડીઓ લાઇબ્રેરીમાં ગોઠવી જોવું -જોવડાવવું છે. કુટુંબ સાથે બેસી આ નાટક જોવડાવવાની જરૂર છે. સામાજિક પ્રશ્ન એટલે લગ્નસંસ્થા અને સંતાનસુખ. સાસુ અને સાસરિયું “આદર્શ’ કેવા હોય? અર્ધાંગ્ના આધુનિક પત્ની પણ શું શું કરી શકે – એવા આંતરસંઘર્ષ બાહ્ય સંઘર્ષવાળા આ નાટકમાં સમાજપ્રશ્નો કલાત્મક રીતે ગૂંથાયા છે. ‘બ્રીચ ઓફ મેરેજ'નું નાટયરૂપાંતર જગદીશ શાહનું છે. પણ તખ્તાની રજૂઆત આઈ. એન. ટી. કરે એટલે, સર્વ પાસાં-અભિનય, સન્નિવેશ, પ્રકાશ, ધ્વનિ વગેરેની ‘એ-વન’ માવજત હોય જ. જૂનિયર ટીમની જાણે વીણીવીણીને પસંદગી થઈ છે, અને પ્રેક્ષકો માત્ર હાસ્યરસનાં સંવાદો માટે જ તાલીઓથી હોલ ગજાવતા નથી. કરુણસંઘર્ષના દૃશ્યોને દાદ આપતી તાલીઓમાં પોતાનું હૃદય મૂકીને કલાકારોને બિરદાવે એવા સુજ્ઞ પ્રેક્ષકો છે. એમને ‘લેડી ચેટર્લીઝ લવર' નવલકથા, મહમ્મદ માંકડની ‘કાયર’ નવલકથા પણ યાદ આવી જાય છે. ‘ગૌરભો'નું સંતાન પણ યાદ આવે છે. પણ દરેકને પોતપોતાના વિષયની વિશિષ્ટતા-ભિન્નતા છે. અહીં વિષયવસ્તુનું કેવળ માળખું જોઈએ તો સુખી સમૃદ્ધ ઘરનાં સાસુ-સસરાનો એકનો એક પુત્ર મૃગેશ (દર્શન જરીવાલા) વીજીલન્સ બ્રાન્ચનો ઇન્સ્પેકટર છે. તેની પત્ની વિરાજ (ડેઝી) – અહી વેડિંગ એનીવર્સરીની ક્ષણે જ સુખની છાલકો દર્શાવતા પરિવેશમાં, પતિ જરાક બહાર ગયો ત્યાં અકસ્માતનો ફોન સંદેશ મેળવે છે. કમર નીચેનો ભાગ પેરેલેટિક બન્યો છે પુત્ર-પતિ બચી ગયો – અસમર્થ અપંગ વ્હીલચેરમાં બંધાયેલો. વેડિંગ એનીવર્સરીની ઉજવણી વખતનું પત્નીનું ‘મા' બનવાની વાતનું વચન અધ્ધર રહ્યું. પતિ-પત્નીને સંતાન જોઈએ, સાસુ - સસરાને પૌત્ર જોઈએ, તેમાં હવે? આ અકસ્માતને એક ખંડનાત્મક રસ્તો છે. સ્ત્રીનો ડીવોર્સ બીજો ખંડનાત્મક રસ્તો છે. ઉકેલ છે કૃત્રિમ ગર્ભાધન. શુક્રબેંક, તબીબી વિદ્યાના એથિક્સ, સામાજિકોનું પોતાના લોહીમાંસનું પીંડ જોઈએ તે માટે મેડિકલ ટર્મ એ. આઈ. એચ. [હસબન્ડ] અને એ. આઈ. ડી. [ડોનર] તબીબી વિદ્યાના એથિક્સ જાળવતાં વિશેષ રીતે સમાજસેવામાં ફાળો આપતા એવા સમર્થ ડૉકટરને ક્યારેક ઊજળા અસત્યથી આ સેવાના નિર્ણય કરવો પડે ત્યારે સૈદ્ધાંતિક નૈતિક સંઘર્ષમાં તેને અપરાધીના પીંજરે ઊભો કરવામાં આવે. ‘ઇનસેમીનેશન' પ્રોસેસમાં પિતાનું જ વીર્ય મેળવી માતા સગર્ભા બની શકે એવો સમાજલક્ષી અભિગમ શાંતિયજ્ઞ કરનારા ખાસ ડોકટરો ક્યારેક માનવતાવાદી બાંધછોડ કરીને પેશન્ટને અંધારામાં રાખીને માતાને સગર્ભા બનાવી શકે છે ત્યારે? ખાનગી વાત ઉઘાડી પડી જાય ત્યારે? આ નાટક એવી સમાજસમસ્યાને કલાત્મક નાટ્યાત્મક વાચા આપે છે, ઉકેલ પણ દર્શાવે છે, નવા સમાજને રૂઢિવાદ છોડવાનો સંદેશ પણ આપે છે. એમાં દત્તક બાળકના પ્રશ્નને પણ આવરી લેવાયો છે. સ્ત્રીનુ સ્ત્રીત્વ સાર્થક કરવા એને માતા બનવા દો, પુરુષના અહંમને સંતોષ મળે કે તે પિતા બન્યો. કુટુંબજીવનમાં જીવતો જીવ અર્ધાંગનાના ગર્ભની કૂપળ છે. તેને ‘આપણું' ગણી લગ્નભંગને લગ્નમંગલમાં પરિણમવા દો. આ બધું સેરોગેટ મધર્સને બાજુએ મૂકી વ્યભિચાર વિના થઈ શકે છે એ તબીબી વિદ્યાનું વરદાન છે, એને શાપ ન માનો, અનૈતિક ન માનો, એને અપનાવો. ઊજળાં પાસાં જુઓ, આધુનિકતા સ્વીકારો, ‘મૃગજળ સીંચીને ઉછેરી વેલ'નો સંઘર્ષ સંતાનસુખ માટે અપનાવાયો તેનું પરિણામ આપણે જોયું. આ નવા સંઘર્ષની ક્રમાલ પેલા જોયેલા સંઘર્ષને અતિક્રમવા સામાજિકો સમક્ષ આવ્યો છે. દિગ્દર્શનની માવજત શ્રી સુરેશ રાજડાએ દિલ દઈને કરી છે. પણ શ્રી રાજડા તમે ‘હેરત’ નાટકમાં વળાંકને સમયે જ મહાબળેશ્વર ચાલ્યા ગયા તે છેક છેલ્લેય તખ્તા પર ન આવ્યા ને આ ‘કૂંપળ’માં આફ્રિકા જતા રહ્યા. પણ જતા પહેલા નર્સિંગહોમના જુવાન ડૉકટર તરીકે સાંકેતિક રીતે કૂંડામાં પાણીનું સીંચન કરી આફ્રિકા ચાલ્યા ગયા તે પાછા કેમ એકાએક તખ્તા પર આવી પડ્યાં? સાત જ અઠવાડિયાંમાં? કૂંડામાં તમે સીંચેલું પાણી નાનકડા કૂંડામાં છોડ બન્યો એ સંકેતનો કેવો ઉત્તમ કલાત્મક ઉપયોગ? સારું થયું શ્રી રાજડા આફ્રિકામાં બળવો થયો તે તમે પાછા ડૉકટરના આસીસ્ટન્ટ તરીકે પાછા આવ્યા. તમે ન આવ્યા હોત તો મૃગેશનો (દર્શન જરીવાલા) હૃદયદ્રાર્વક અભિનય ક્યાંથી ઊભો થાત? મૃગેશની અપંગતા, તેનો વાંઝણો આક્રોશ, વિહ્વળતા, તેના અહમના ચૂરેચૂરા કરતું કરુણ અટ્ટહાસ, અસમર્થ પતિનું સીનીસીઝમ એવો અનેકવિધ હૃદય હલાવી દેતો અભિનય ક્યાંથી જોવા મળત? વિરાજ (ડેઝી)નું આવું પતિપ્રેમી, વ્યથિત સગર્ભા માતા અને ક્રૂર પથ્થરિયો નિર્ણય કરી સુખદુઃખની સાથી જ બની રહેવા આત્મત્યાગ કરતું આવું નારીપાત્ર ક્યાંથી જોવા ડેઝી તખ્તા પર રમતું મૂકી શક્યા. બન્નેને પ્રેક્ષકોએ તાલીઓથી વારંવાર વધાવ્યા છે. ડૉ. પંકજ (રાજડા) તમે પાછા ન આવ્યા હોત તો મૃગેશ વિરાજનાં મમ્મી-પપ્પા (વીરેન્દ્ર-કુમુદ), ડૉ. અશોક ભગવતી (અરવિંદ રાઠોડ)ની નાટ્યાત્મક ટપાટપીને તખ્તો ક્યાંથી મળ્યો હોત? ખાનગી વાત મૃગેશે ક્યાંથી જાણી હોત? આ નાટકનાં સર્વાંગી પાસાંમાં ડૉ. ભગવતી(અરવિંદ રાઠોડ)નો અભિનય કુમુદ (કીર્તિદા ઠાકોર) સાથેની જુગલબંધીમાં ઓછો ખીલે છે, પણ તેમનું સ્વતંત્ર પાત્ર આખી સામાજિક સંઘર્ષની કહેવાતી વાડમાં એવું તો ખીલી ઊઠે છે...હેટસ ઓફ. હાસ્યરસ માટે કોઈ કસરત વગરનું થીંગડા ન લાગે તેવું પાત્ર જયંતિ મણિયા (રાજેશ મહેતા) અને ડૉ. ભગવતીની નર્સ પદ્મા (રજની શાંતારામ) પાત્રોચિત અભિનય આપે છે, એવું કહેવું અધૂરું લાગે. બલ્કે નાટકના વસ્તુને યોગ્ય હાસ્યરસના સંવાદો સાંકેતિક હાસ્યફુવારા ઉડાડે છે. આ જુગલજોડીને અભિનંદન આપતા વિશેષ રીતે હાસ્યરસને શણગારનાર રાજેશ મહેતાને સલામ. એકેએક અંકનાં દૃશ્યો અને કર્ટનડ્રોપ દૃશ્યો સુપર્બ રહ્યાં. નાટકના અંતે કુંડાના છોડને પાણી સીંચતો મૃગેશનો હાથ એ કલાત્મક શિરમોર દૃશ્ય સંકેતને નભાવી રહ્યો છે. આવો નાજુક વિષય બાળક કેવી રીતે થાય? તેની માવજત આ રીતે રુચિભંગનો અણસારે ન આવે તે રીતે જૂનિયર ટીમે ભજવી બતાવ્યો નાટકની પકડ અને જકડ એવી ઠોસ રહી કે તેની ઝીણી-નાની ખામીઓય ઉલ્લેખવાનું મન થતું નથી. ફરીથી સર્વને સલામ- અભિનંદન.

‘ભીંતેથી આયના ઉતારો’

બે કુટુંબ : બે પત્નીઓની મૂંઝવણમાં નાટ્યસંપદાનું નાટક - ‘ભીંતેથી...’ સુરતમાં સતત પાંચ (નવસારીમાં એક) નાઈટ હાઉસફૂલ રહ્યું. એટલે કેટલા બધા પ્રેક્ષકો નાટકનું રહસ્ય જાણી ચૂકયા પોતપોતાના દોસ્તોને કહી દીધું ને ‘હવે તમે જરૂર જોજો-' એ રીતેય હવે પછીના પ્રેક્ષકો મનમાં ભૂમિકા બાંધીને આ નાટક જોવાનાં જ છે. રહસ્ય પ્રેક્ષકોને અગાઉથી ખબર હોય પ્રેક્ષકોને વિશ્વાસમાં લઈને તખ્તા પર નાટક ચાલતું રહે એવું નાટક આ સંદર્ભમાં યાદ આવે છે, તે છે શ્રી રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’. આ નાટકનું રહસ્ય એ છે કે પર્વતરાય રાજાને રાઈનું તીર વાગ્યું છે, એ મૃત્યુ પામ્યા છે, અને એ જગ્યાએ રાઈને જ કાયાકલ્પ દ્વારા જુવાન થઈ ગયેલા રાજા પર્વતરાય છે એમ છ માસ પછી રાજ્યમાં પ્રજા પાસે અને છેવટે પ્રતીક્ષારત હોશીલી જુવાન પત્ની લીલાવતી પાસેય એવું છળ જાળવી રાખવાનું છે. પ્રેક્ષકો રહસ્ય જાણે છે છતાં નાટકમાં તેમને રસ પડે છે. રાજ્ય માટે તે પોતે પર્વતરાય બની શકે, પણ પેલી વિધવા નદી લીલાવતીનેય છળથી ‘સૌભાગ્યવંતી' બનાવશે? રાઈ ‘રાજા' બની શકે પણ આર્ય સંસ્કારો લગ્નસંબંધીની આચારસંહિતાઓને નુકસાન કરવા માગતો નથી. અહીં આ નાટકનું વસ્તુ પણ કોર્ટના વિચિત્ર કેસથી આરંભાય છે. ફરિયાદી છે પત્ની! આરોપીના પીંજરામાં છે અમર દલાલ જે પોતે વિષાદમૂર્તિ વિધવા રૂપા (મહેશ્વરી)નો પતિ હોવાનો દાવો કરે છે. ફરિયાદના અન્ય સાક્ષીઓમાં તેનું કુટુંબ – સગાં, પડોશી, પુત્રી, ઓફિસ કર્મચારીઓ પણ કહે છે ‘આ અમર નથી.' એક પત્ની પેલા કહેવાતા 'અમર'ને સ્વીકારતી નથી. ‘નથી' ‘નથી'ના પુરાવામાં આગળ વધે છે, તો બીજી તરફ બીજી સ્ત્રી રીમા (ચિત્રા વ્યાસ) એ આરોપીને જયરાજ ટંડેલ તરીકે ઓળખાવી ‘આ મારો પતિ છે’ એમ એ પાત્ર પાસે ખોળો પાથરી કરગરે છે, પોતાના દીકરા સંજુની આણ આપે છે. ‘અમર' એ આઈડેન્ટીટીની સાફ ના પાડે છે. ‘હું ટંડેલ નથી' આખું નાટક ‘હું’ અમર છું, ‘એ અમર નથી'ની બાહ્ય પરિસ્થિતિના દેખીતા લાઉડ સંઘર્ષમાં પ્રેક્ષકોને પણ ખેંચી જાય છે. કેન્દ્રવર્તી પાત્ર બે નારી (પત્ની). વચ્ચે ભીતરી સંઘર્ષને કલાત્મક રીતે વ્યક્ત કરે છે. એ પાત્રની ‘છું...છુ...'ની એકલવાયી ચીસ આખરે ‘નથી...નથી...'ના કોલાહલમાં તેને કેવો ફંગોળી દે છે એ છે રહસ્યની અને નાટકની પરાકાષ્ટા ! નાટકની ગૂંથણી એટલી રસપ્રદ રહે છે - જેમાં કેન્દ્રવર્તી પાત્રને અન્ય પૂરક પાત્રો અચ્છી રીતે નભાવી આપે છે. આ નાટકનું કથાબીજ જેમાં કેન્દ્ર સ્થાને રહસ્ય છે, ને તખ્તા પર એક પાત્ર (કાંતિ મડિયા) છે. તેના અંત-ઉકેલ પછીય પ્રેક્ષકોને સહાનુકંપામાં વિચારતા રાખે છે; ત્યારે નાટક જોઈ લીધા પછી સ્મૃતિનો સળવાટ જાગે! જેમને ખબર ન પડી હોય તેમને માટે કેટલાય શક્યતા પ્રશ્નો ઊઠે છે - શું આ વીલેની છે? કાવતરું છે? જૂઠ છે ? પૂર્વજન્મ સ્મૃતિ હશે? એમ અંત સુધી તેમને જકડી રાખે છે. ‘આવું છતાં એ નહીં.' એવા કેટલાય સાહિત્યવસ્તુ વિષયના મનમાં ચમકારા થાય-જેવા કે નાટક ‘અભિનય સમ્રાટ' (મીં તી નવેંચ) એમાં એક પાત્ર અનેક તરીકે આવે છે. જન્માન્તરવાળી વાત નવલકથા ‘જીગર અને અમી’ બીજી નવલ ‘વર કે પર’. તો બીજી તરફ જૂઠને સહારે એક માસ પોતે ‘પ્રિન્સ ઓફ ભુવન' છે - ભૂતકાળ ગોખીને મૃત રાજવીને સ્થાને ગોઠવાયો છે, તેવી ફિલ્મ ‘રત્નદીપ'ની યાદ આપે છે. ‘રાઈના પર્વત'ના રહસ્ય-કાવતરાની વાત અગાઉ ઉલ્લેખી જ છે, પણ બીજી તરફ સંસ્કૃત હાસ્યપ્રધાન નાટક ‘ભગવત અજ્જુકીયમ'માં ચમત્કાર, સિદ્ધશક્તિ વડે એક સાધક પોતાનો આત્મા મૃત નર્તકી વસંતસેનામાં પ્રવેશ કરાવે, બીજી તરફ વસંતસેનાનો પ્રાણ યમરાજા પાછો પાઠવે ત્યારે ધરતી પર એનું નિષ્પ્રાણ ખોળિયું ન જડે, તે બાજુમાં સાધુનું નિશ્ચેષ્ઠ ખોળિયું પડ્યું હોય એટલે એના શરીરમાં પેલો વસંતસેનાનો પ્રાણ પ્રવેશી જાય! આખું નાટક પછી સ્ત્રી-પુરુષના ખોળિયામાં બદલાયેલો પ્રાણ કેવો તરખાટ મચાવી હાસ્ય નિપજાવી શકે તે દર્શાવાયું– પ્રાણની અદલાબદલી ! આ ઉપરાંત ગિરીશ કર્નાડનું નાટક ‘હયવદન' એમાં શાપ વરદાનની ભૂમિકા પર માણસના શરીર પર અશ્વનું માથું સમજાવનારી વાર્તા - એક સ્ત્રી અને બે પુરુષ વચ્ચેની છે. જેની સાથે સ્ત્રી પરણી છે એ પતિ પુરુષનું ડોકું, તે પતિના મિત્રના શરીર પર ગોઠવી દે છે. પત્ની ઇરાદાપૂર્વક, વરદાનનો ગેરલાભ લઈ અદલાબદલી કરે છે. તેનો પતિ કોણ ગણાય? તે કોની પત્ની ? દેવદત્તની કે કપિલદેવની ? વળી રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘જીવિતમૃત'માં એક લાચાર પ્રેમાળ આશ્રિત જેવી વિધવાનું મૃત્યુ થયું. સ્મશાને પહોંચાડી કોઈ કારણે ડાઘુઓ ભાગી ગયા. તે પછી વિધવાના અટકેલા પ્રાણ પાછી ફર્યાં - હવે બધા તેને ‘ભૂત', ‘ડાકણ', ‘વળગાડ' માને – માણસ તરીકેના તેના અસ્તિત્વનો સ્વીકાર કરાવવા વાર્તાને અંતે તે વિધવા ઉંબરે માથું પછાડી લોહી કાઢી દેખાડે છે. ફરીથી મરી જઈને પોતાનું ‘હોવું’ સિદ્ધ કરે છે. ‘કોઈ ભીંતેથી આયના...' નાટક ઉપર્યુક્ત બધા જ રહસ્યોથી ભિન્ન છે. પ્રેક્ષકોને એનું કથાબીજ તખ્તા પર રમાડે છે, પ્રવાહમાં ખેંચે છે. આ નાટક દ્વિઅંકી છે. તેનાં દૃશ્યો, રિવોલ્વિંગ ડીવાઈસ, સન્નિવેશ, નાટ્યાત્મક નેરેશન એક પાત્ર બે તદ્દન ભિન્ન ભૂમિકામાં તખ્તા પર આવે (જોડીઆ ભાઈ હશે?) અને એમ ભેદનો ગાળિયો ગાંઠ બંધાય ને છૂટે વધુ ગૂંચવાઈ રહે. ગરબા-રાસમાં ગોફગૂંથનમાં જેમ પહેલાં ક્રમબદ્ધ વળો ચડતાં આવે ને ગુંફન થાય પછી કલાત્મક રીતે એ વળ ઉકેલાય ત્યારે જીવ ઊંચો રહે – ક્યાંક ભૂલ તો ન થાય, ક્યાંક કાચું ન રહે, તેમજ આનો અંત તે રહસ્યસ્ફોટ છે, પણ તે પછી નાટક જરા ઝોલ ખાય. બૌદ્ધિક દલીલો અસ્થાને થકવી દેતી પણ લાગે છે. અંત તરફ આવતું નાટક જરા લંબાઈ ગયું છે. એમ છતાં અહીં હાસ્યરસ વિશિષ્ટ પ્રકારનો છે. કોઈ હસાવવા માટેનું પાત્ર છતાં પાત્રની પરિસ્થિતિમાં ઉચ્ચારાતા સંવાદો હળવાશ છતાં સહાનુકંપા જરાય ઓછી ન થાય એવું હાસ્ય હળવાશ અહીં છે. ઠોસ કથાબીજવાળું આ નાટક છે. જરૂર જોવા જાઓ, ‘ચૂકશો નહિ’ કહેવાના એની પહેલેથી ખાતરી દિગ્દર્શક મડિયાને હશે જ એ રીતે એની રસપ્રદ માવજત એમણે કરી છે. ‘સર્વ જનહિતાય' શબ્દગુચ્છ એક ચોક્કસ સંદર્ભમાં ઉલ્લેખીએ એવી ભરપૂર સામગ્રી આ નાટકમાં છે. ભિન્નરુચિ લોકોને નાટક દ્વારા જીવનને પામવું એ અહીં સાર્થક બને છે. કેન્દ્રવર્તી પાત્ર ‘અમર’ અને તેનાં પૂરક પાત્રોનું ટીમવર્ક જેમને હળવા હાસ્યરસની અપેક્ષા છે બિન્દાસ સ્ત્રી પાત્ર કે એના દ્વિઅર્થી હોટસંવાદોથી હસવું છે, વ્યાકુળતામાં કકળતા ધ્રૂજતા સંવાદો કે મેલોડામાંથી જેને વિષાદ અનુભવવો છે, બે નંબરી સફેદ ઠગની ચાલ અને વીલેનીનો જેમને સ્પાર્ક જોઈએ, જેમને સ્વસ્થ સુખી પ્રેમાળ સમસ્યારહિત ગૃહસ્થ કુટુંબનો આયનો નિરખવો છે, કોર્ટ- કચેરીના વકીલો, કેસની ટપાટપી, બૌદ્ધિકોની ઠોસ, દલીલોથી જેમને રાચવું વિચારવું છે, સ્ટેજ ડિવાઈસની વિશિષ્ટતા જોવી છે, કોર્ટમાં જ અમારે ગોંધાઈ રહેવું નથી, અન્ય પાસું પણ જોવાની જેમની માંગ છે, ચીલાચાલુ વિષય નહીં કશુંક નવું એવી જેમની નેમ છે તે સર્વજનહિતાય ‘બધાને બધું જ મળશે' એવી પસંદગી જાણે આ નાટક દ્વારા થઈ છે. તેના લેખકે, દિગ્દર્શકે અને ટીમવર્કે આ ચેલેન્જ પાર પાડી છે

કાચીંડો હીચકોકની ફિલ્મ ‘સાયકો'ની વાર્તાનો આછોપાતળો કે ચોક્કસ ખ્યાલ હોય તેવા થોડાક જ પ્રેક્ષકો હોય તો પણ સ્વતંત્ર રીતે કે ફિલ્મની તુલનામાં, નાટ્યસંપદાનું આ રહસ્યનાટક કેવી રીતે રજૂ થયું એ દૃષ્ટિએ પ્રેક્ષકોએ માણ્યું. સાયકો-ડ્રામા વર્ગનું આ ‘કાચીંડો' નાટક મર્ડર મિસ્ટરી કરતાં એક નવી જ ભાત પાડે છે. નિર્માતા : નિરંજન દિગ્દર્શન : કાંતિ મડિયા નાટયાંતર : પ્રવીણ સોલંકી. મેક-બીલીવની ઘટના કે જેકીલ-હાઈડનો સંઘર્ષ અહીં દિગ્દર્શક અને સમર્થ કલાકાર કાંતિ મડિયા આગવી રીતે ઉપસાવીને દર્શકોને રહસ્ય-રોમાંચની અનુભૂતિ કરાવે છે. માનવીની ભીંતર-ભોંયમાં સેકસ-સપ્રેશન કેવી ભુલભુલામણીમાં, કેવી વિકૃતિમાં, કેટલી હદે તાણી જઈ શકે તેવા મનોરોગીનું વિશ્વ એટલે કાળઝાળ ‘કાચીંડો' નાટક. ઈડીપસ કોમ્પ્લેકસની પીડા અને પરિતાપનું અહીં પ્રતિબિંબ ઝિલાયું છે. ઈડીપસ ગ્રંથિમાં એબનોર્માલીસ્ટનું અપાર વૈવિધ્ય હોય છે. જેવા કે હઠાગ્રહી આક્રમક લક્ષણો, માતૃકામના, ખૂન કરવાની વૃત્તિ, પુત્રને માતાનો રગેરગમાં પ્રભાવ, આત્મછલના, પાપભીરુતા, સ્વબચાવ માટેની પ્રયુક્તિઓ વગેરે. બાળક પાંચછ વર્ષનું હોય ત્યારે એના કુમળા મગજ પર વિધવા માતાના ચરિત્રથી કારમો આઘાત થાય. આ મૂળ ભૂમિકા પછી તેને માતાનો પ્રેમ પ્રતિસ્પર્ધી લાગે. એની હતાશા અમળાયા કરે. માતા પરનો માલિકીભાવ સ્થાપવા તે કોઈક પળે આ પ્રકરણનું કાસળ કાઢી નાખે તે પછી પાપભીરુતા અને પ્રાયશ્ચિત્ત, અપરાધ અને જાતશિક્ષા, ખૂન અને આત્મછલના એવી વિકૃતિઓમાં ફસાતો જાય, એક જ વ્યક્તિમાં આવું દ્વિપક્ષી દ્વંદ્વ ચાલ્યા કરે. નર્મદા કિનારાની કોઈ એકાંત જગ્યાના ગેસ્ટહાઉસમાં છેલ્લાં વીસ વર્ષ પછી નોરમન-નોરમા, માતા-દીકરાની ભુલભુલામણીનું રહસ્ય આ નાટકમાં પ્રગટે છે. દિગ્દર્શક કલાકાર કાંતિ મડિયા ક્યારેય નવીતતાના મોહમાંય કશુંય હળવું, નક્કામું કે ફિસ્સું બની જાય એવા વિષયવસ્તુને અડતા જ નથી. તે પ્રમાણે આ વખતે પણ એવી જ રેન્જ પર તેમણે ધાર્યું નિશાન પાર પાડ્યું. પાત્ર પ્રધાન આ નાટકમાં તેમના જ પાત્રને પારાવાર મોકળાશ હતી તેને ઉત્તમ અભિનય દ્વારા તેમણે ઉજાળીને શણગારી, તેમાં સંવાદ કલાનોય નાનોસૂનો ફાળો નથી. ‘કાચીંડો'ની વસ્તુની નવીનતા ગુજરાતી તખ્તાને રહસ્ય નાટકોમાં એક નવો અભિગમ આપે છે. અને રજૂઆતમાં દિગ્દર્શનની મૌલિકતા પણ કાંતિ મડિયાને અભિનંદનના અધિકારી બનાવે છે. પ્રથમ અંકમાં માતાનું પાત્ર તો કુતૂહલ પ્રેરે છે. પણ એબનોર્મલી નોર્મલ નોરમનનું પાત્ર ‘મનીઓ' બનીને ક્યારેક હસાવવાની ગીમીક્સથી કથાને ઓડ માર્ગે દોરે, તે માત્ર એબનોર્મલને બદલે ‘ગાંડપણ’ના સંકેત આપે તે જરાક કઠે છે. પણ બીજો-ત્રીજો અંક આ ઝડપી કાર્યવેગથી નાટકને ઊંચકીને સડસડાટ લક્ષય તરફ લઈ જાય છે. મર્ડર–મિસ્ટરીની સીમા રેખા પર ચાલતા નાટકને દિગ્દર્શક તેના અંતની પ્રયુક્તિ વડે બાખૂબીથી બચાવી લે છે. અભિનયમાં ‘નોરમન' અને ‘નોરમા' બન્નેની જુગલબંધી ધારદાર બની છે. ‘નોરમા'ના પાત્રમાં પુષ્પા શાહ પણ ગજબનું ગજું દર્શાવી શક્યાં છે. આ ઉપરાંત ત્રણે અંકોમાં આવતાં પાત્રો ફાતિમા શેખ, રાજીવ, ચિત્રા વ્યાસ, મહેશ ઉદ્દેશી, ક્મલેશ દરૂ અને શરદ વ્યાસ પોતાને ફાળે આવેલો પાત્રોચિત અભિનય આપે છે. ગિરધર શેઠ જેવા નાનકડા પાત્રને પ્રવીણ સોલંકી ચમકાવી ગયા. આ નાટક મુંબઈમાં મરાઠી રંગભૂમિ પર ‘પીંજરા' નામે સમાંતર ભજવાયો છે. એનું નાટયાંતર અશોક સમેળે કર્યું છે. ગુજરાતી નાટ્યાંતર કરનાર પ્રવીણ સોલંકીના પણ તેઓ સાથી છે. આ દિગ્દર્શન અને અભિનયનું નાટક છે છતાં પ્રકાશ-ધ્વનિ કલા (છેલ પરેશ, શરદ-ભૂપેન) આંશિક શેડોપ્લે, રીવોલ્વીંગ પ્રયુક્તિઓ, સંગીત-સન્નિવેશ પણ નાટકનો આગવો શણગાર બની રહે છે. બાલ્કની પર વ્હીલચેર, સાત નંબરનો રૂમ, એટેચ્ડ બાથરૂમ, સમાંતર દૃશ્ય, પંખીનું પ્રતીક, ગેસ્ટ હાઉસમાં પંખીનું પાંજરું, કબર જેવું ભંડકિયું કથાના રહસ્યને પુષ્ટ કરે છે. ગંભીર પ્રકારના વિષયવસ્તુમાં કોમીક રીલીફ માટે ચબરાકિયાં, હળવા અને દ્વિઅર્થી સંવાદો શિષ્ટાનો દોર સાચવી રાખવાનો પ્રયાસ કરે જ છે. (એટલે કે દ્વિઅર્થી પર જ માત્ર હાસ્યનો ભાર નથી.) બાંધેલી ફોર્મ્યુલામાંથી કે એવા પ્રેક્ષકોના સીમિત વર્તુલમાંથી બહાર નીકળી હસાવવાની શરતો પૂરી પાડતાં દિગ્દર્શક છેક રહસ્યને બેનકાબ કરતાં સુધી યોગ્ય ચિકિત્સા કરે છે. ફિલ્મની તુલનામાં તખ્તાની મર્યાદાઓને શ્રી મડિયા અતિક્રમી ગયા એ કલાત્મક દૃષ્ટિના વિજયને તાળીઓથી પ્રેક્ષકોએ વધાવ્યો જ. ‘કેવી રીતે ભજવાયું'ના જવાબમાં ઉત્તમ, મધ્યમ તે ઠીકઠીકમાંથી ઉત્તમ તરફ જ આપોઆપ હાથ લંબાઈ જાય. નાટકના અંતે મનોચિકિત્સકનું ‘મી.લોર્ડ’નું નેરેશન થીંગડું નથી લાગતું. એ અનિવાર્ય પ્રયુક્તિવાળો અંત ‘કાચીંડો'નું સ્વબચાવ અને શિકારવાળું હાર્દ દર્શાવી ગયું. નોરમા–નોરમનના મનોગતને તદાકાર કરતું દૃશ્ય શિરમોરનું અને પ્રેક્ષકોને અંકોડા મેળવવાની તસ્દીમાંથી મુક્તિ આપતું ગયું. ‘ઓ આ આમ હતું?’ એવો આખો દાખલો ગણાવીને ધ એન્ડ આવે છે.


કર્ટનકોલ, પૃ.૪૯-૬૦, ૧૯૮૮