નારીસંપદાઃ વિવેચન/ક્રોસરોડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩

‘ક્રૉસરોડ': પરિપક્વ ભાવ-વિચારસૃષ્ટિ અને કસાયેલી અભિવ્યક્તિમાંથી નીપજેલું નવનીત
સોનલ પરીખ

‘ભાઈ, તમે સ્વાતંત્ર્યસેનાની છો, એનું પ્રમાણપત્ર બતાવીએ તો મારા બેચાર માર્ક વધે અને મને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે.' આજથી ચાલીસ વર્ષ પહેલાં મારા એક મિત્રે તેમના પિતાને કહ્યું અને ભાગ્યે જ ગુસ્સે થતા પિતા ખૂબ ખિજાઈ ગયા, ‘આવા—તેવા લાભ માટે અમે લડ્યા ન હતા. તને તારા માર્ક્સ પર જેમાં પ્રવેશ મળે એ ભણજે. આવું વિચારતાં શરમ ન આવી?' પછી તો એ મિત્ર પોતાના માર્ક્સ પર એન્જિનિયર થયા, પણ આ વાત તેમણે મને કરી ત્યારે હું છક થઈ ગઈ હતી. ક્યાં ગયા આવા લોકો? ક્યાં ગયા આવા સિદ્ધાંતો? ક્યાં ગયો આ દેશપ્રેમ? ક્યાં ગયાં એ મૂલ્યો ? હજારો-લાખો લોકોનાં અમૂલ્ય- અવર્ણનીય બલિદાનોથી મળેલી આઝાદીનું આપણે શું કરી રહ્યા છીએ? સિદ્ધહસ્ત નવલકથાકાર વર્ષા અડાલજાની નવલકથા 'ક્રૉસરોડ' વાંચી મને ફરી આ વાત યાદ આવી ગઈ. રાષ્ટ્રના ઝાંખા પડતા ખમીર માટે ફરી એક વાર જીવ બળી ગયો. ૫૬૦ પાનાંની નવલકથા ‘ક્રૉસરોડ'માં સ્વાતંત્ર્ય પૂર્વેના સમયની પશ્ચાદ્ભૂમિકા છે, સ્વાતંત્ર્ય પછીના દાયકાઓમાં ઝડપથી ઝંખવાયેલા રાષ્ટ્રીય ખમીરનું ચિત્રણ છે, સાથે છેલ્લા દાયકાઓમાં પલટા લઈ ગયેલા સમાજજીવનની ઝાંખી પણ છે અને એટલે તેનું ભારોભાર દસ્તાવેજી મૂલ્ય પણ છે, છતાં આ છે નવલકથા. એક રસભરી, જકડી રાખતી, હસાવતી-રડાવતી-રોમાંચિત કરતી નવલકથા. ‘હું વાર્તાકાર છું અને મારે વાર્તા કહેવી છે.’ વર્ષાબહેન કહે છે. કહે છે કે સાચો ઇતિહાસ સાહિત્યમાં સંગ્રહાયેલો હોય છે કારણ કે ઇતિહાસ માત્ર તથ્યોનું બયાન આપે છે જ્યારે સાહિત્ય સમય સાથે બદલાતા સમાજના ચહેરાનું આલેખન કરે છે. ભારતની ગઈ સદીનો ઇતિહાસ એ બલિદાન, દેશપ્રેમ, કોમી હિંસા, ભાગલાની કરુણતા અને આઝાદી પછી થયેલા મૂલ્યોના પતનનો એક અદ્દભુત કાળખંડ છે. વિદેશી શાસન, સ્વાતંત્ર્યસંગ્રામ અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ, આમૂલ પરિવર્તનો, વિરાટ પ્રાપ્તિઓ, મહાવિનાશ, દેશના ટુકડા—શું શું નથી જોયું આપણી પહેલાંની પેઢીઓએ ! ગ્લૉબલાઇઝેશન અને ઇન્ટરનેટના યુગમાં ઊછરેલી આપણી આધુનિક પેઢીને ખ્યાલ પણ નહીં આવે કે આજથી થોડા દાયકાઓ પહેલાં બાળલગ્ન, દીકરીઓને ભણતી ઉઠાડી લેવી, પરંપરા અને સમાજના દબાણમાં આવી જ્યાંત્યાં પરણાવી દેવી, બાળવિધવાઓનું શોષણ જેવાં દૂષણોએ અને રીતરિવાજોને નામે થતા અન્યાયોએ સમાજને કેવો ભરડો લીધો હતો. લોકમાનસ કેટલું સંકુચિત અને રુઢિવાદી હતું. તેમાંથી છૂટતાં સદીઓ લાગી જાત. પણ મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને વ્યાપક આત્મવિશ્વાસ અપાવ્યો અને સાથે સિમ્પલ લિવિંગ અને હાઈ થિકિંગને જીવનમાં ઉતારનારી એક પેઢી તૈયાર કરી. આ પેઢીનું વિચારવિશ્વ વિસ્તર્યું. સાદગી, સચ્ચાઈ અને પરોપકાર જેવાં મૂલ્યો તેમના જીવનમાં ઊતર્યાં. પછી કમનસીબે લોલક ઊંધું ગયું અને નવી આવેલી પેઢી પોતાના સંસાર સિવાયની કોઈ પણ વાતને પળોજણ માનનારી, સામાન્ય વિચારોવાળી, ઝાકઝમાળ જીવનની આરતી ઉતારનારી અને સ્વકેન્દ્રી બની. રાજકારણ વધુ ને વધુ ભ્રષ્ટ અને મૂલ્યહીન બનતું ચાલ્યું અને પ્રજા ભૌતિકવાદમાં રાચનારી અને સત્ત્વહીન થતી ગઈ. આ બધા વચ્ચે અંધકારમાં ટમટમતાં કોડિયાંની જેમ થોડા લોકો નાનકડું અજવાળું પણ પાથરતા રહ્યા. ‘ક્રોસરોડ'નાં પૃષ્ઠો પર આ આખો કાળખંડ આળસ મરડીને બેઠો થયો છે અને આ મહાકાર્યની સફળતાનો યશ વર્ષાબહેનના પરિશ્રમ અને સર્જનાત્મકતાને જાય છે. સમય જ્યારે વિરાટ પરિવર્તનોમાંથી પસાર થતો હોય ત્યારે પ્રજાજીવન ચકડોળે ચડે છે. કથાની નાયિકા, ગુજરાતના એક ગામડાની ગરીબ વિધવા માની દીકરી કુમુદ જાણે આ ચકડોળે ચડેલા પ્રજાજીવનનું પ્રતીક છે. કથા ૧૯૨૨ની ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આભડછેટની બોલબાલા અને શાળામાં જતી છોકરીઓ નવીનવાઈની કહેવાય. એ જમાનામાં ગોરબાપા એટલે કે કુમુદના પિતાના પ્રયત્નોથી ગામડાની ધૂડી નિશાળમાં બેચાર છોકરીઓ સાથે કુમુદ પણ ભણે છે. માસ્તરને એમ છે કે છોકરીઓને વળી ભણવાનું કેવું, થોડો હિસાબ સમજી શકે ને સાસરીનાં સુખ-દુઃખ બે અક્ષર પાડી માબાપને લખી શકે એટલે ભયોભયો. કુમુદનાં બા જયાબા મહામુશ્કેલીએ ત્રણ દીકરી અને એક દીકરાનો વસ્તાર પોષી રહ્યાં છે. આઠ વર્ષની કુમુદ માટે અભિમાની શ્રીમંત ઘરના દીકરા ગોવિંદનું સામેથી માગું આવે છે. જયાબા દીકરીને સુખસાહ્યબી મળશે એમ વિચારી માગું સ્વીકારી લે છે. કુમુદનો કિશોર ભાઈ વિષ્ણુ, એ અસંસ્કારી શ્રીમંત પરિવારમાં બહેન ચૂંથાઈ જશે એ જાણે છે. પોતાને પૂછ્યા પણ વિના આવો સંબંધ બાંધી આવેલી મા પર ખૂબ ગુસ્સે થાય છે, કોલકાતામાં કામ કરતા મિત્ર જોડે ચાલ્યો જાય છે અને ક્રાંતિકારી બની જાય છે. આ બાજુ 'મોટા ઘર'ના ક્રૂર મિથ્યાભિમાનનો પંજો જયાબા અને કુમુદનું લોહી ચાખી ચૂક્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં ધંધો. ડામાડોળ થતાં આફ્રિકા ગયેલા ગોવિંદનું વહાણ તોફાનમાં ભાંગી જાય છે. નાનકડી કુમુદની ચૂડીઓ ફોડાય છે, માથું મૂંડાવાય છે અને તે બાળવિધવાના વેશે ઘરના ખૂણે ઢબૂરાય છે. તેના માસિક ધર્મ પર પણ ચોકી મુકાય છે ત્યારે વાચક હચમચી જાય છે. આવું જ સચોટ આલેખન ગામના દરબારને ત્યાં દીકરીને દૂધપીતી કરવાના પ્રસંગનું થયું છે. સરકારથી છુપાતા ક્રાંતિકારી તરીકે વિષ્ણુ ઘેર આવે છે ત્યારે કુમુદની દશા જોઈ શકતો નથી. દેશમાં ઠેર ઠેર કચડાતી નારીઓને આધાર આપતા આશ્રમો બન્યા છે તેમાંના એકમાં તે કુમુદને મૂકે છે ત્યારે તેના ગામડાના ફળિયા પર રૂઢિવાદીઓનું કટક ઊતરે છે. જયાબા અને સમુકાકી ઝીક ઝીલે છે, પણ આ જ જયાબા અને સમુકાકી પોતાની દીકરીઓ લક્ષ્મી અને વાસંતીને રેઢિયાળ છોકરાઓ સાથે પરણાવી દુઃખનાં ઝાડ ઊગે એવા સાસરિયે મોકલે છે. દીકરીઓ વિમાસી રહે છે, ‘એલી, આપણે તો મોળાકત કર્યા હતા, પછી આપણને આવા વર કેમ મળ્યા?' એવું નથી કે આ માતાઓને પોતાની દીકરીઓ વહાલી નથી, પણ એકલી વિધવાઓનું સમાજ પાસે કશું ઊપજતું નથી. કોઈ જ કારણ વગર સહજ આનંદોથી વંચિત રહેતી, કચડાઈ જતી, વેડફાઈ જતી જિંદગીઓનું આલેખન લેખિકાએ બહુ માર્મિકતાથી કર્યું છે. આ બધાની સમાંતરે મહાત્મા ગાંધીનો સ્વાતંત્ર્યસંગ્રામ ચાલે છે. તેનું પ્રત્યક્ષ વર્ણન લેખિકાનું ધ્યેય નથી. તેમને આ દેખાડવાં છે ગાંધીજી સાથે જોડાયેલા યુવાનોના પરિવર્તન પામેલાં વિચારવિશ્વો. વિષ્ણુ, દલપતમામા, પરાશર આવા ગાંધીજનોના પ્રતિનિધિઓ છે. ખાદીધારી લેખક પરાશર બાળવિધવા કુમુદ સાથે લગ્ન કરે છે અને એ જમાનામાં દુર્લભ ગણાતો તેવો પ્રેમ અને સમાનતાના પાયા પર રચાયેલો સુંદર સંસાર વાચકની સામે ખૂલે છે. પરાશર કુમુદના લખતરના ફળિયાની એકલી પડી ગયેલી સ્ત્રીઓની ઢાલ પણ બને છે. વર્ષો સુધી આ સ્ત્રીઓને સતાવવામાં, બહિષ્કાર કરવામાં લોકોએ બાકી નથી રાખ્યું, પણ સમય જતાં સૌ ઢીલા પડે છે અને જે એક વાર રાંડીરાંડોનું તિરસ્કૃત ફળિયું ગણાતું તેને માનથી જોતા થાય છે. સાસરેથી પાછી આવેલી દુઃખી વાસંતી અને લક્ષ્મીના ઘા રૂઝાય છે. કુમુદની બહેન ઉષા અપરણીત રહી ભાગલા વખતે ઉઠાવી જવાયેલી સ્ત્રીઓના પુનર્વાસનું કામ કરે છે અને પછી એક શાળા સ્થાપે છે. પરાશર કોમી હુલ્લડમાં એક મુસ્લિમને બચાવવા જતાં મૃત્યુ પામે છે. વિષ્ણુ પણ જેલના ત્રાસ ભોગવી મૃત્યુ પામે છે. કુમુદ એક મંડળ શરૂ કરી સ્ત્રીઓને શિક્ષિત ને પગભર બનાવવા સાથે પોતાનાં સંતાનો ઋષિ અને ચારુને ઉછેરવા માંડે છે. દેશ હવે સ્વતંત્ર થયો છે, પણ પ્રશ્નો ઘણાં છે. ચારે તરફ ભ્રષ્ટાચાર ને મૂલ્યહ્રાસ ખદબદે છે. ચીનની ને પાકિસ્તાનની લડાઈમાં દેશ ખુવાર થયો છે. ફોન, ફ્રિજ ને ટેલિવિઝનનો યુગ આવ્યો છે, ઊછરતી પેઢી આત્મકેન્દ્રી અને સુખવાદી બનતી ગઈ છે. સિદ્ધાંતોની વાત કરનારા મૂર્ખમાં ખપે છે. કુમુદનો પુત્ર ઋષિ અને તેની પત્ની વિદ્યા આ છીછરી સંસ્કૃતિનાં પ્રતિનિધિ છે. કુટુંબની વ્યાખ્યા બદલાઈને ‘હું ને મારો વર'માં સીમિત થઈ છે. સંબંધોમાં છટકી જવાની અને લાભ લઈ લેવાની વૃત્તિ હળવેથી ફેણ માંડતી જાય છે. વિજ્ઞાનની શોધખોળોએ આપેલી સગવડો સહુ માણે છે, પણ હજી જૂનાં, રૂઢિવાદી મૂલ્યો મનમાં મજબૂત આસન નાખીને બેઠાં છે. કુમુદની બાએ ત્રણ દીકરીઓના જન્મને વધાવ્યો હતો, જ્યારે કુમુદની પુત્રવધૂ દીકરો આવે એ માટે માદળિયાં પહેરે છે. કુમુદ સમતાપૂર્વક બધું જોયા કરે છે. સમાજ ડામાડોળ છે. ગરીબ વધુ ગરીબ બન્યો છે. સામાજિક નિસબત શોધી જડતી નથી. કુમુદના સ્ત્રીમંડળમાં પણ નવી પેઢી આવે છે. કુમુદને પ્રમુખપદ છોડવું પડે છે. તેનો તેને બહુ અફસોસ નથી, પણ સ્ત્રીમંડળની જગ્યા અને નામનાનો સ્વાર્થ માટે થનારો દુરુપયોગ જોઈ તે કૉર્ટમાં કેસ કરે છે. સચ્ચાઈ માટે યુદ્ધે ચડવા જતી કુમુદનો વિષાદયોગ પૂરો થાય છે ને કર્મયોગ શરૂ થાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે, પણ વાચકના મનમાં કશુંક આરંભાય છે. પૂરી તન્મયતાથી, સંવેદનશીલતાથી, છતાં સર્જક તરીકેના પરિપક્વ તાટસ્થ્યથી વર્ષાબહેને કુમુદના જીવનમાં થતાં પરિવર્તનો નિમિત્તે રાષ્ટ્રની ચેતનામાં આવતા ગયેલા પલટાઓની વાત છેડી છે. નવલકથાનો પટ લાંબો છે અને પાત્રો પણ ઘણાં છે. પણ વાર્તાનો સાચો નાયક તો છે સમય. પાત્રો જીવંત છે, સ્વાભાવિક છે, પણ કુશળતાપૂર્વક તેમને બદલાતા સમયનું દર્પણ બનાવાયાં છે. એટલે વાત અંતે તો કોઈ એક કુમુદ, વિષ્ણુ, પરાશાર, જયાબા કે સમુકાકીની ન બની રહેતાં એક આખા સમુદાયની પ્રાપ્તિઓની અને પીડાઓની બની છે. નવલકથામાં અનેક નાટયાત્મક પ્રસંગો છે. વાસંતી પર સસરાનો બળાત્કાર, તેનો ગર્ભપાત, ઇન્દુબાની પુત્રીને દૂધપીતી કરવાનો પ્રસંગ, કેશવ અને રુક્ષ્મણીના કારસાઓ, કુમુદ આશ્રમમાં ગઈ ત્યારે ખોટો દાખલો બેસશે' કહી ફેણ ચડાવતા નાતીલા અને તે વખતે ગાંધીરંગે રંગાયેલા દલપતમામાની એન્ટ્રી, કુમુદનાં પરાશર સાથે લગ્ન, વિષ્ણુનું અપમૃત્યુ અને બહિષ્કાર પામેલી વિધવાઓ જયાબા અને સમુકાકી દ્વારા થતાં તેનાં અંતિમ સંસ્કાર, કેશવ-રુક્ષ્મણીનું હૃદયપરિવર્તન, પરાશરનું મૃત્યુ જેવા પ્રસંગોની સાથે મહાસભાએ વિશ્વયુદ્ધ વખતે આપેલાં રાજીનામાં, ગાંધીરંગે રંગાયેલા લોકોનો આર્થિક સંઘર્ષ, ભાગલામાં થયેલી સ્ત્રીઓની અવદશા જેવા તત્કાલીન સંદર્ભો એવી કુશળતાપૂર્વક વણાતા આવે છે કે કથાને એક દસ્તાવેજી પરિમાણ મળે છતાં લેશમાત્ર રસભંગ કે વિષયાન્તર ન થાય. 'ભગવાન ખમતીધરને માથે જ પીડાનું પોટલું મૂકે છે', 'ઘણી વાર નામ વગરના સંબંધો વધુ સાચા અને પવિત્ર હોય છે.’ જેવા સંવાદો રોજિંદી છતાં તળપદાપણાના અતિરેક વગરની ભાષામાં વણાતા આવે છે. ‘ક્રોસરોડ' સમાજના બદલાતા ચહેરાનું આલેખન કરતી નવલકથા છે અને લેખિકા પોતાના આ ધ્યેયને પળભર પણ ભૂલ્યાં નથી. ભારતના તત્કાલીન ઇતિહાસને, ખાસ તો સમાજના પરિવર્તનને વફાદાર રહેવા તેમણે પુષ્કળ વાંચ્યું-વિચાર્યું છે અને આત્મસાત્ કર્યું છે. આયોજન એ રીતે થયું છે કે કુમુદના જીવન અને સંઘર્ષો નિમિત્તે સ્વાતંત્ર્યસંગ્રામની પશ્ચાદ્ભૂમાં નવલકથા શરૂ થાય છે, ને સ્વાતંત્ર્ય પછીના દાયકાઓમાં દેશમાં અને પ્રજામાં આવતાં-જતાં પરિવર્તનોનું અને ઝંખવાતા જતા રાષ્ટ્રીય ખમીરનું ઇંગિત કરી વિરમે છે. ભારોભાર નાટ્યાત્મકતા છતાં ઐતિહાસિક તથ્યોનું પૂરું જતન, કલ્પનાનો મુક્ત ગગનવિહાર છતાં બિલકુલ હકીકતદોષ નહીં એવું નવલકથાનું સ્વચ્છ પોત છે. વાચક ક્યારે પૃષ્ઠોમાં પ્રવેશી જાય છે અને બનતી આવતી ઘટનાઓમાં સામેલ થઈ જાય છે તેની ખબર પણ રહેતી નથી. લેખિકાને આખરે તો એક રસભરી કથા કહેવામાં રસ છે. દર્શકે વર્ષાબહેનની નવલકથાઓને ‘સત્યઘટના અને કલ્પનાના રંગોથી વણાયેલા ઘટ્ટ મનોહર પોત' સમી કહી છે. ‘ક્રૉસરોડ', ફરી એક વાર આ શબ્દોને સાચા પાડે છે. પ્રસ્તાવનામાં વર્ષાબહેને પોતાના સમુદ્ર સાથેના અનુસંધાનની વાત કહી છે. સમુદ્રના પ્રેમમાં તો કોણ ન પડયું હોય? મનની ભરતીઓટ વખતે દરિયાનાં મોજાં એક મૂંગો સધિયારો આપતાં હોય અને સાંજની વેળાએ દરિયો એક વિરાટ રહસ્ય જેવો લાગે એવી અનુભૂતિ વર્ષાબહેનને પણ થઈ જ છે. વધારામાં તેમણે સમુદ્રમાં કાળના અવિરત પ્રવાહને જોયો છે અને તેના વિશાળ ફલક પર ઊઠતાં-શમતાં મોજાં, ખૂલતાં-વિખેરાતાં કિરણોમાં અનેક કહેલી-ન-કહેલી કહાણીઓને ઉકેલી છે. આ એક ભારે ગજું માગી લેતી બાબત છે. તેમની પરિપક્વ ભાવ-વિચારસૃષ્ટિ અને એવી જ કસાયેલી અભિવ્યક્તિમાંથી 'ક્રોસરોડ'નું નવનીત નીપજ્યું છે. લેખિકાએ વ્યક્તિગત રીતે સર્જનતૃપ્તિ મેળવી લીધી હશે, વાચનારાઓ પણ એક અનોખી કલાકૃતિનો આસ્વાદ માણી તૃપ્ત થશે; પણ ફરી કહું કે 'ક્રોસરોડ'નું દસ્તાવેજી મૂલ્ય પણ છે. 'સરસ્વતીચંદ્ર', 'મળેલા જીવ' કે 'દીપનિર્વાણ' જેવી નવલકથાઓની હરોળમાં મૂકી શકાય તેવી આ નવલકથા આજની અને આવનારી પેઢી સુધી વધુ ને વધુ પ્રમાણમાં પહોંચે અને પુરસ્કૃત પણ થાય તેમજ આ સંદર્ભે પ્રકાશક, સાહિત્યસંસ્થાઓ અને વાચકો પોતાનું ઉત્તરદાયિત્વ સમજે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કર્યા વિના રહેવાતું નથી.


પરબ, માર્ચ, પૃ.૬૧-૬૬,૨૦૦૭