નારીસંપદાઃ વિવેચન/ખત્રીની નવલિકાનું કલાત્મક રૂપાંતરઃ પરેશ નાયકની ગુજરાતી ફિલ્મ ધાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૨

ખત્રીની નવલિકાનું કલાત્મક રૂપાંતર

પરેશ નાયકની ગુજરાતી ફિલ્મ 'ધાડ’

દૃષ્ટિ પટેલ

નપાણિયો પ્રદેશ. વાંઝણી પરતી. ધૂળ, વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરાં, ઉજ્જડ વેરાન સૂકા નિઃસીમ મેદાનો. મેદાન વચ્ચે ક્યાંક કાદવમાં ઊગી જમીનમાંથી ઉપર મૂળિયાં કાઢી પોષણ મેળવતા ચેરિયા. આ ચેરિયા ચરી જતાં ઊંટ. સૂકી ધરતી વચ્ચે ચહેકતી ટિટોડી અને પર્ણ વિનાનાં વૃક્ષ વચ્ચે ચકલી. કદી ન મળનાર સુખના સ્વપ્નને ઝીણા ટાંકાથી સજાવતી ધનબાઈ અને રતની. નારીને માત્ર વારસ આપનાર શરીર સમજી પોતાના નિઃસત્ત્વ પુરૂષત્વના આવેગો દર્શાવતો ધાડપાડુ ઘેલો અને પૂરી તાકાતથી લડી લેનાર પણ છેવટે બળજબરીને વશ થઈ સ્વસ્થ ચિત્તે નપાણિયા પુરુષનું ઘર સંભાળતી ઘેલાની ત્રીજી વારની પત્ની મોંઘી. ઘેલાના સાથી જુસાબ અને સાંઢિયો. આ બધાને જિવાડતી 'ધરતીની લહેજત માણવા’ આવી ચઢેલો બેકાર મસ્તરામ પ્રાણજીવન. આ સૃષ્ટિને કલાત્મક વાસ્તવિકતાથી સજીવન કરી છે દિગ્દર્શક પરેશ નાયકે ‘ધાડ’ ફિલ્મમાં કચ્છનો પ્રાકૃતિક પટ અહીં છબીઓ દ્વારા જીવંત થાય છે. મુદ્રિત સાહિત્યના શબ્દ માટે જે સહજ નથી તે ધ્વનિ, નિઃશબ્દતા, સંગીત, પક્ષીના કલરવથી કચ્છનું સૂકું સૌંદર્ય વધુ ઘૂંટાય છે. દૃશ્યચિત્રથી અને સંગીતથી, ધ્વનિના વિરામથી, આંગિક-વાચિક-સાત્વિક- આહાર્યથી, પરિવેશના ઉઘાડથી અને કેમેરાના કથનથી રચાતી દૃશ્યાવલિઓના સંકલનથી જયંત ખત્રીની નવલિકાનું અદ્ભુત રૂપાંતર થયું છે ‘ધાડ’ ચલચિત્રમાં. ડૉ. જયંત ખત્રી (૧૯૦૯-૧૯૬૮)ની એકતાળીસ વાર્તાઓ 'ફોરાં', 'વહેતાં ઝરણાં' અને 'ખરા બપોર'માં ગ્રંથસ્થ છે; આઠ વાર્તાઓ અગ્રંથસ્થ. 'ધાડ', 'જળ', 'ખરા બપોર', 'લોહીનું ટીપું', 'ખીચડી', 'તેજ, ગતિ અને ધ્વનિ', ‘નાગ' વગેરે જાણીતી વાર્તાઓ, એક પ્રતિબદ્ધ બૌદ્ધિકની છાપ ધરાવતા આ તબીબ, વાર્તાકારે આધુનિક ગુજરાતી નવલિકાને એક નવો વળાંક આપ્યો. પાત્રના ચિત્તને વાણી-વર્તન દ્વારા યથાતથ નિરૂપવાની નોંધપાત્ર શક્તિ ઉપરાંત ખત્રીની વાર્તાઓમાં વિશેષ ધ્યાનપાત્ર બને છે પ્રદેશચિત્રણ. જે વતન પરત્વેનો લગાવ ખત્રીને પાછા ખેંચી લાવ્યો એ કચ્છની ધરા અને એનાં માણસોની ગતિવિધિ ખત્રીની કલમે ધારદાર રીતે ઊપસ્યાં છે.ચિત્રકળામાં પ્રવીણ અને દિલરુબા-વાદન કરતા ડૉ. જયંત ખત્રી જરાય ભાવુક થયા વગર એમની કલમે ઉપસાવે છે એક એવો દૃશ્યાત્મક કથાપટ જે દાયકાઓ વીતવા છતાં ગુજરાતી વાચકોને ખત્રીના વાર્તાવૈભવ ભણી ખેંચી જાય છે... ‘ધાડ' પહેલી વખત ૧૯૫૩માં 'આરસી' સામયિકમાં છપાઈ પછી 'ખરા બપોર’ વાર્તાસંગ્રહમાં ગ્રંથસ્ય થઈ, ૧૯૬૮માં. વાર્તા પ્રાણજીવનના મુખે કહેવાઈ છે, જેનો શોખ છે ધરતી ખૂંદતાં ભટક્યા કરવું. બેકારી એનો ધંધો છે. અઢી મહિના ટકેલી નોકરી છોડી એ પહેલાં ઊંટ ચારવા આવેલા ઘેલાએ એને જીવનનો ભેદ સમજાવ્યો, "દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે. સાચોસાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છું. “કાઉન સાઇઝનાં ચોવીસ પાનાંમાં વિસ્તરેલી 'ધાડ' વાર્તામાં પાને પાને પ્રકૃતિ આલેખાઈ છે. ઘેલાના ગામડે – એની ધરતીની લહેજત માણવા અને એની વચ્ચે રહેતાં માણસોનાં મન પારખવા જઈ રહેલા પ્રાણજીવનને દેખાય છે - “આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એકધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન - એ જ ફક્ત જીવનનાં અહીં પ્રતીક હતાં. બાકી અહીંની ધરતીનું જીવન તો મૂરઝાઈ ગયું હતું." “કૃતરા ટૂંટિયું વાળીને પડ્યા હોય એમ વેરવિખેર આ ગામનાં ઝૂંપડાં” વચ્ચે વ્યવસ્થિત, સુંદર, સુઘડ અને સ્વચ્છ હતાં ઘેલાનાં ખોરડાં. અકલંક સૌન્દર્ય ધરાવતી મોંઘી પ્રાણજીવનને આવકારે છે, ભોજન આપે છે. ઘેલો જેવો ધાર્યો હતો એવો ભૂખ્યો, ગરીબ ન હતો. “ઘર, સ્ત્રી, ખોરાક અને સમૃદ્ધિ એને સહેલાઈથી સાંપડ્યાં દેખાતાં હતાં." પ્રાણજીવને નિરાશા અનુભવી. વર્તને વિચિત્ર અને ધૂની ઘેલો ચાર ઝૂંપડાં ધરાવતો હતો. સૂકી, વેરાન, જાકારો દેતી ધરતી પર પોતે કેવી કાબેલિયતથી જીવે છે એ પ્રાણજીવનને બતાવવા માંગે છે. પ્રાણજીવનને સુઘડ અને કળામય ઝૂંપડામાં કોઈ એક વિકૃત જીવ હોવાનો અહેસાસ થાય છે. મોંઘી પૂછે છે, “તમે જવાના છો એમની સાથે ?" "હા.” પ્રાણજીવનને ઘેલો પોતાની સાથે જોખમ ખેડવા - ધાડ પાડવા લઈ જવા માંગે છે. મીંદડીની ઝડપથી તરાપ મારી પગ નીચે મોટા ઉંદરને દાબી કચડી નાખતો ઘેલો પ્રાણજીવનને બળજબરીએ દાજી શેઠના ઘરે ધાડ પાડવા સાથે લે છે. શેઠ-શેઠાણી પાસેથી બધું કઢાવી ઘેલો શેઠની જુવાન દીકરીના ચૂડલા કઢાવવા બિછાના પર ચત્તી પાડે છે. આ ક્ષણે ઘેલાના હાથની ગતિ અટકી જાય છે અને છેવટે ઝૂલા પર ફસડાઈ પડે છે. પક્ષાઘાતનો હુમલો ઘેલાને પરિસ્થિતિનો ગુલામ બનાવે છે. પ્રાણજીવન શેઠના પરિવારને ધમકાવી, મદદ મેળવી ઘેલાને ઊંટ પર બેસાડી પરે પાછો લાવે છે. નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં. ક્યારેક એકધારી મારી સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની, રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.” ત્રીજા દિવસે ઘેલાએ પ્રાણ છોડ્યા અને તરત પ્રાણજીવને એનું ગામડું છોડ્યું. “ઉઝરડા પડેલી ખંડિત ધરતીના દેહની મોકળાશ પર" પ્રાણજીવને ફરી પ્રયાણ આદર્યું. આછાપાતળા કથાનકને ખત્રી પ્રકૃતિવર્ણન અને પ્રાણજીવનના ચિત્તવ્યાપારથી કંઈક દીર્ઘ, ક્યાંક ખોડંગાતી છતાં એક પ્રભાવક, કલાત્મક નવલિકા રૂપે સર્જી શક્યા છે. ખત્રી અહીં કચ્છના રણકાંઠાના વિસ્તારને વર્ણવતાં લખે છે, “ચોમાસામાં હોંશભેર વહેતા પાણીના ધોધ રણના વિશાળ મેદાનમાં ટૂંપાઈ જઈ મૃત્યુ પામતા મેં જોયા છે. જ્યાં સ્વયં સંજીવની પર- મૃત્યુનો બળાત્કાર થઈ શકે ત્યાં બધું જ શક્ય હોઈ શકે છે." પ્રાણજીવનને જે વિકૃતિનો અહેસાસ થાય છે એ છે પેલાનું મોંઘી પ્રત્યેનું તિરસ્કૃત વર્તન. વાર્તાનું શીર્ષક 'ધાડ' છે અને અંતનો ભાગ પણ ઘેલાની ધાડ પાડવા જવાની ઘટના અને શેઠની દીકરી સાથે જબરદસ્તી કરવા જતાં પક્ષાઘાતના હુમલાનો ભોગ બનવું એને આલેખે છે. ઘેલો પ્રતિનાયક છે. “પૂર્વે નિઃસંતાન રહેલો અને હવે નિ:સત્ત્વ બનેલો ઘેલો કચ્છની ઉજજડ ભૂમિના પ્રતિરૂપ સમો છે. આ કથામાં વેરાન ધરતીનું ચિત્રણ લેખકની પ્રતિભાના ઉન્મેષ સમું છે. એમાં નિરીક્ષણ અને સ્વાનુભવનું બળ છે." (રઘુવીર ચૌધરી, પ્રશિષ્ટ નવલિકાઓ, પૃ. ૧૮૭-૧૮૮) દિગ્દર્શક પરેશ નાયકની ફિલ્મ'ધાડ' જયંત ખત્રીના સમગ્ર સાહિત્યલેખનને, એમના વિશેના વિવેચનને વાંચીને, સમજીને સાહિત્ય અને સિનેમાના મર્મી પરેશ નાયકે 'ધાડ' વાર્તાનું માળખું લઈને ખંત્રીના દર્શનને અન્ય વાર્તાઓના આધાર સાથે કલાત્મક ફિલ્મસ્વરૂપ આપ્યું. ઈ.સ. ૨૦૦૦માં ફિલ્મના શુટિંગ પૂર્વે જો કામ થયું તે વિશે પરેશભાઈ જણાવે છે. “ખત્રીના મૂળ આલેખને જરાપણ ક્ષતિ પહોંચાડ્યા વગર (પટકથાલેખક) વીનેશ અંતાણીએ મારી જે ફિલ્મની પરિકલ્પના હતી. તેમાં ગોઠવાય તે રીતે સંવાદ-પટકથાલેખન બહુ સરસ રીતે કર્યા છે. પટકથા વીનેશભાઈનું આગવું પ્રદાન છે કે દિગ્દર્શકના વિઝનને સમજવા અને ખત્રીના મૂળ લેખનને પણ સમજ્યા." ફિલ્મ જ્યાં સુધી સેટ પર જાય ત્યાં સુધી પુનર્લેખન થયા કરતું હોય છે. ખત્રીનું વાર્તાલિખન માત્ર ખત્રીનું પ્રદાન છે, જ્યારે ફ઼િલ્મ તરીકે 'ધાડ' એક સામૂહિક પ્રક્રિયા છે. કલાનિર્દેશક વિભા નાયકનું કચ્છના પહેરવેશ, ઘરેણા, ચિત્રકામ, ભરતકામ, નૃત્ય અને સમગ્ર પરિવેશનું સર્જન કરવાનો પરિશ્રમ ફિલ્મની દૃશ્યાત્મકતાને ખૂબ મોટું પીઠબળ પૂરું પાડે. છે, તો રવજી સોંદરવાની છબિકલા અદ્ભુત! સંકલન, ધ્વનિ, સંગીત, ગાયન, અભિનય- બધું જ એવી રીતે 'ધાડ' ફિલ્મમાં ગોઠવાઈ ગયું છે કે એક કલાત્મક ફિલ્મ કોને કહેવાય તેનો પરિચય મળી રહે. કીર્તિ ખત્રીનું પ્રદાન પણ મહત્વનું છે. ફિલ્મ શરૂ થાય છે સૂર્યોદયના દૃશ્યથી, ગમગીન ચહેરે ઊભેલો, ઘૂંટણિયે પડતો જુસાબ અને ચિંતા આગળ પ્રાણજીવન. ધરતીનો સૂકો વેરાન પટ અને સંભળાતો અવાજ, "તાકાત ખપે ભાઈબંધ, બાવડામાં તાકાત ખપે. દુકાળમાં ટકવું અઘરું છે ભાઈબંધ. માથાભારે થાવું પડે." ધ્વનિપટ પર ધનબાઈ ગઢવીના અવાજમાં “હું તો જોગિયાણી મુને જતની વાટ” લોકગીત સાથે દૃશ્યપટ પર એકાકી ધનબાઈ અને ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલી ટીમની યાદી. જયંત ખત્રી ફિલ્મ્સ ફાઉન્ડેશન દ્વારા આરંભાયેલી આ ફિલ્મને પોણા બે દાયકા ભાદ ડિજિટલ રૂપે આકાર આપી રજૂ કરવામાં વિશેષ રૂપે શેમારુનો સહકાર મળ્યો, જે ગુજરાતી ચલચિત્રજગતને મોટી ભેટ ગણી શકાય. દરિયાકિનારે હાથમાં ચોપડી સાથે ચાલતા પ્રાણજીવનને રેતીમાં સૂતેલો ઘેલો દેખાય છે. ઘેલાને ઉઠાડે છે. રણ અને દરિયાની વચોવચ વાલાવારી વાંઢ ખાતે ભૂંગા ધરાવતો ઘેલો કહે છે, “સવારે રણના પટમાં સૂરજ ઊગે ને સાંજે દરિયાના પટમાં ઓલવાઈ જાય.” ફરીથી એક વાર અચાનક પેલો પ્રાણજીવનને મળે છે. એને ભાઈબંધી ખપે છે. એક ઊંટ છે અને આ સતત ત્રીજું વરસ કોરું. “આદમી તો ચોરી કરીને રોટલા મેળવી લે પણ ઊંટને તો ધરતી દે એ જ ખપે.” ચેરિયા કાદવમાં ઊગે અને જમીનમાંથી મૂળિયાં ઉપર કાઢે, ને હવામાંથી પોષણ મેળવે. ને તોય ઊંટ એને ખાઈ જાય. એટલે જ તાકાન ખપે, ટકી રહેવા. સાહેબ જોડે દલીલબાજી બાદ, પ્રાણજીવન નોકરી છોડે છે અને ઘેલાની ધરતીના સહેજત માણવાની વાત યાદ કરી નીકળી પડે છે. ‘પંખીડાનો મેળો' લોકગીતના ધ્વનિપટ પર રેતી પર ચાલતો પ્રાણજીવન, ભરતગૂંથણ કરતી, વાળ ગૂંથતી અને એકલતા ઓગાળની સ્ત્રીઓના દૃશ્યો વચ્ચે ધનબાઈ સૂકા થડ આગળ બેઠી બેઠી કાપડું ભરે છે. ઊડતાં આવી છાપરે બેસતા પંખીઓ, ટિટોડી, પાડું, એકલ છાપરું અને લીલા ઝાંખરા લોકગીતમાં ઘૂંટાયેલા મર્મને ઉજાગર કરે છે. કેમેરા થકી રતની અને ધનબાઈ વચ્ચેથી પ્રાણજીવનનું આગમન કશુંક સૂચવે છે. પ્રાણજીવનને કચ્છી પ્રજાનો એક પ્રતિનિધિ એવો જુસાબ ઘેલાના ઘર સુધી દોરી જાય છે. ચીવટથી લીધેલા એકેએક દૃશ્યમાં છબીકલાનું કૌશલ્ય આછાનું રહેતું નથી. ભૂંગાની સફેદ રંગની નાની ચોરસ આભલાથી સજેલી બારીમાંથી ભરતગૂંથણ કરતી મોંઘી - પ્રકાશ, છાપ, રંગ, અભિનયનો સંગમ કરતું સંપૂર્ણ ચિત્ર! ઘેલાની ત્રીજી વારની પત્ની તરીકે જુસાબ મોંઘીની ઓળખાણ કરાવે છે. જુસાબ ઘેલાનો સાથી છે, એની ત્રણેય પત્નીઓની વેદનાનો સાક્ષી, સવિશેષ ધનબાઈની, પ્રાણજીવનને ઉત્સાહથી આવકારી ઘેલો એની જોડે જમે છે. બેકાર પ્રાણજીવનને પોતાની જોડે રહેવાનો આગ્રહ કરે છે, કરી છે. "લહેજત શું ચીજ છે એ બતાવીશ. જીવવાની ખરી રીત શિખવાડીશ કોઈ દી ન કંટાળે એવું કામ ભળાવીશ." ઘેલો માને છે કે "દુનિયા આગળ ઝૂકવા કરતાં દુનિયાને આપણી આગળ ઝુકાવવાનું જોર ખપે." મોંઘીને પ્રાણજીવન સારું નવો ભૂંગો બનાવવા કહે છે. સૂર્યાસ્ત થવાની વેળામાં પ્રાણજીવન માણસોના અવાજ દ્વારા જાણે છે કે શેઠના ઘરમાં ઘરેણાં છે. મોંઘી-ઘેલાના ભૂંગામાંથી ઘેલા દ્વારા થતી બળજમરી પણ પામી જાય છે. નાસી જતા ઉંદર પર ઘેલાનો પગ ઊંચકાવો અને દીવાલે લોહીના છાંટા ઊડવાનું દૃશ્ય દર્શકને દેખાય છે. સવારે ગામના ચોરે જુસાબ-પ્રાણજીવનની અન્ય ગ્રામજનો સાથેની વાતો અને મજાકમસ્તી ઘરે પાછો ફરેલો પ્રાણજીવન પગમાંથી કાંટો કાઢતી મોંઘીને સાફ સાફ બતાવવાનું કહે છે કે બેઉ વચ્ચે રાત્રે શું ચાલી રહ્યું હતું. નિલેપભાવે મોંઘી જવાબ આપે છે. "તમે જોયું તે. " ઘેલો કામ શું કરે છે? -ના જવાબમાં કહે છે, “ધાડપાડું છે." ઘેલો પોતાને કેવી રીતે ઉઠાવી લાવ્યો અને બળજબરી કરતો રહ્યો. એ અંગેની વાતોનું ફલેશબેક મોંઘીના અલ્લડ જીવનના નિર્દેશ, ગરબો, ઠઠ્ઠામશ્કરી અને છેવટે બાપાને મારી મોંઘીને ઊંટ પર ઉપાડી લાવવા અને બીજી વારની પત્ની રતનીને ઘરમાંથી કાઢવા સુધી દર્શાવાય છે. “કચ્છડો સાદ કરે" ગરબાનૃત્ય લાંબું છતાં દૃશ્યાવલિઓના સંકલનથી ચાક્ષુષ અને કર્ણપ્રિય બન્યું છે. "ત્રણ નહીં, તેત્રીસ લાવીશ" કરીતો ઘેલો ધનબાઈને રતનીને લઈ જવા કહે છે, -"વાંઝણીના ભૂંગામાં", "છોરા ખધે મને, છોરા ન જણી શકે એ ન ખપે." ધનભાઈ : -"પાણામાં ભટકીને સાવ પાણિયો થઈ ગ્યો છે, નપાણિયો !" જુસાબ ગાય છે - "ઊડી જાને લાડલી બેન તારા સાંવરાને ઘર.” કરુણ વિદાયગીત આરંભાય છે. રડતી રતની, એને આશ્વસ્ત કરતી ધનબાઈ અને સ્થિતપ્રજ્ઞ સમી મોંઘીને ક્યારે, કોણે ઘરેથી વિદાય આપી હતી ?! જુસાબ બધું સમજે છે, અનુભવે છે. નિર્દોષતાના પ્રતીક સમું બકરીનું નાજુક ધવલ બચ્ચું ઉપાડી ખોળામાં તે છે. મોંઘી ભૂંગામાં નજર ફેરવતી ઊભી છે. ગુસ્સા-મિશ્રિત રુદનથી ચહેરો ખરડાયો છે. કમેરાની કલા, કસબ અને કરામત આ કરુણ ગાનને વધુ ઘેરું બનાવે છે. મેળા માટે સજેલી મોંઘી બધો શણગાર વીંખી નાખે છે. ઘેલો પોતાની શરતો જણાવે છે. "આજથી નું આ ઘરની રાણી. ધનબાઈની વાતોમાં ન આવજે ઈ વાંઝણીનો પડછાયો ના લેજે હું કહું એમ કરજે સામો સવાલ ન કરજે” અને "નાસવાનો વિચાર શમણામાંય ન કરજે” માથે કંકુ ભરવાની ના પાડતી મોંઘીને એનું ચાંદીનું બલૈયું મારીને સેંથામાં લોહી કાઢી ઘેલો ‘ઘરની રાણી’ જાહેર કરે છે. મોંઘીનાઊંટને અવાજ ન કરે માટે સિંદૂર પિવડાવીને ધાડિયો સાંઢ બનાવાય છે. ત્રસ્ત મોંઘીને ઘેલો કહે છે. "મને રાડો પાડતી બાયડી કે રાંડો પાડતો સાંઢિયો ન ખપે.” ભૂંગાની જાળિયાંવાળી બારીમાંથી અંદર ખૂણામાં બેઠેલી મોંઘી દેખાય છે. ઘેલો ઊનની દોરીથી ફીડલું વાળે છે. મોંઘી પર બળજબરી કરે છે. કેમેરા ઝીલે છે, દોરી છોડી દડી જતું ફીડલું! ફલેશબેક પૂરો. પ્રાણજીવનનો ઉદ્ગાર : “માણસ છે કે કસાઈ? ના, પણ ઘેલો એવો માણસ છે એ માનવા મારું મન રાજી જ નથી.” મોંઘી : “એવું નથી કે એનામાં માણસાઈ નથી. ઘણું મથું છું તો સમજીયે શકું છું. પણ સમજાવી શકતી નથી. તમે ના એમને સમજાવી શકો? તમે મને છૂટી ન કરાવી શકો તો કાઈ નહીં. એમને સમજાવી શકો તોય ઘણું.” ચણતી ચકલીઓ અને ભેંશનો અવાજ સૂકા પ્રદેશની જીવંતતાનો અહેસાસ કરાવે છે. પ્રકૃતિના વર્ણન દ્વારા ખત્રીને જે અભિપ્રેત હતું એ દિગ્દર્શક અને કેમેરામેનનું કૌશલ્ય દર્શકને તાદૃશ, વાસ્તવિક કરી આપે છે. ભૂંગા બહાર દીવાલ લીપતી મોંઘી, દાતણ કરતો ઘેલો અને પોતાના ભૂંગામાંથી બહાર નીકળતો પ્રાણજીવન, જુસાબ આવે છે. પૂછે છે : 'ક્યાં હાલ્યા ?” પ્રાણજીવન : "ધાડ પાડવા, ઘેલો ખાસડુ કાઢીને મોંઘી પર ફેંકે છે. જુસાબ : 'કાં ઘેલા, સવાર પડી. ગઈ ?’ મોંઘી પોતાના પર ફેંકાયેલું ખાસડુ ઉપાડી ઘેલાના પગ આગળ મૂકે છે ! આક્રોશભર્યો ઘેલો મોંઘીને ખેંચીને ભૂંગામાં લઈ જાય છે. જુસાબ સાથે બહાર નીકળેલા પ્રાણજીવનને પ્રશ્ન થાય છે : 'ગામમાં નિશાળ નથી? કેમ ચાલે ?' જુસાબ : “નિશાળ નો ચાલે તો ચાલે. અહીંયાં ભણવું કોને છે? માસ્તરને મજા ને છોરોને મજા!' જુસાબનો પરિવાર દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયેલો. ધનભાઈ અને રતનીને મળવા ગયેલાં બંનેને ધનબાઈ ભરતગૂંથણ કરતી દેખાય છે. પ્રાણજીવનનો પ્રશ્ન : 'કોના સારુ ?’ ધનબાઈ : "મા દીકરીને આણાં દેવા સારુ ભરે. પણ મને ખબર નથી હું કોના સારુ ભરું છું. બસ, ટેવ પડી ગઈ છે.” કોરી આંખો, ઉજજડ હૈયું અને આંગળીઓ ભરે છે. આશાના મોરલા ! પ્રાણજીવનના પ્રશ્નના અનુસંધાનમાં ધનબાઈ અને રતની સાથેનો ભૂતકાળ ફ્લેશબેક અને સ્ત્રીઓને બાળક પ્રાપ્ત કરવાના ઘેલાના પખારાનો ભોગ બનતી દર્શાવે છે. દિગ્દર્શક તરત જ સાંકળે છે ભૂમિનું હીર ચૂસી લેતા ગાંડા બાવળનો સંદર્ભ. મોંઘી પાસે પતિ છે. એ ગાંડો બાવળ ઈંધણ માટે લઈને આવી રહી છે. “લીલા ને સૂકા, આગ ને ધુમાડા, મારે તો બેય સરખા, ગાંડો બાવળિયો છે, દુકાળમાંય લીલાલે'ર કરે છે.” પણ ધનબાઈને - ભૂમિનું હીર ચૂસી લેતો “આ ગાંડો બાવળિયો ઉગાડવાની કુમતિ કોણ જાણે સૂઝી કોને" એવો પ્રશ્ન છે. મોંઘીને જોઈ રતનીની ઈર્ષ્યા પ્રગટે છે - 'ભૂતની જણી છે. તો જણી જણીને શું જણવાની હતી?’ અને અહીં વ્યક્ત થાય છે દિગ્દર્શકનું કથન - ઈર્ષ્યા અને નારીવેદનાનું ચિત્ર. મોંઘી બોલી ઊઠે છે : "જોયું મહેમાન ! અહીં ત્રણ દુઃખિયારી વચ્ચે હોડ ચાલી રહી છે કે કોનું દુઃખ મોટું? ત્રણેષ એક ખીલે બંધાણાં છે તોય ખીલાનો દોષ જોવાને બદલે એકમેકનાં પૂછડાં આમળીએ છીએ." પણ ધનબાઈ મહેમાન આગળ વાત વાળી લે છે. ‘અહી કોઈ દુઃખી નથી હોં. અને હવે તો આ ખૂંટોય સદી ગયો છે.’ અને લોન્ગ શોટમાં પાછળ દેખાય છે ઊંટ પર આવી ચઢેલો ઘેલો. ફિલ્મના બધાં મહત્વનાં પાત્રો આ દૃશ્યમાં સાથે છે. પ્રાણજીવનને નોમની રાતે ભેગા હાલવાનું કહીને ઘેલો જાય છે. ધનબાઈના જીવનનું કારુણ્ય વધુ ઘૂંટાતું જણાય છે, ઘેલાનાં ક્રૂર, અમાનવીય વચનોથી, છતાં બધું ખંખેરી નાખી ઊભી થઈ જતી ધનબાઈ બોલી ઊઠે છે, "દુકાળ તો એના પંડમાં જ ભર્યો છે. એ શું વરસવાનો ? નકરી ધૂળ ભરી છે ધૂળ. " પ્રાણજીવનને બળજબરીથી ઊંટસવારી શિખવાડતો ઘેલો એને ડરપોક અને નમાલો કહે છે. કૂવો ખોદવામાં મજૂરીએ જોડાયેલી ધનબાઈને ઘેલો સંભળાવે છે, “પાણી કેવું? જમીનમાં પાણા હોય તો પાણા જ નીકળે ને!' ધનબાઈ: “પાણી નીકળે કે ના નીકળે. કૂવો તો ખોદવો જ પડશે, રખે ને અંદર ઝરો વહેતો હોય તો.. !" પોતાની તરછોડાયેલી પત્ની મજૂરી કરે એમાં હીણપત અનુભવતો ઘેલો મુકાદમને ધનબાઈને છૂટી કરવા આદેશ કરે છે. ઘેલા અને પ્રાણજીવન વચ્ચેના દૃશ્યમાં દિગ્દર્શક સંઘર્ષની ભૂમિકાએ ઘેલાનું ચરિત્રચિત્રણ કરે છે. પ્રાણજીવન ભણેશરી છે, ઘેલાને ગાંઠતો નથી પણ ઘેલો તો સ્પષ્ટ છે. સીધુંસટ સંભળાવી દે છે : "કસાઈ છું. તારાથી થાય તે કરી લેજે ! અને ભણેશરી, જો આ પાણા. આ વાંઝણીનો સૂકો પટ, બાવળિયો..." ઉપર જો ઉપર - જેઠ માસ નીકળી ગયો છે. દેખાય છે ક્યાંય વાદળ ? ત્રીજું ચોમાસું કોરું જાય છે. કૂવો ખોદીને મરી જાશે પણ પાણી નહીં નીકળે અહીંયાં. આંખ નીચી કર તારી. ઘેલા ભેગા રે'વું હોય તો ઘેલાની આંખથી બધું જોવું ખપે." પ્રાણજીવન: "એ બધું નક્કી કરવાવાળો તું કોણ ? કોણ છે તું ? ભગવાન છે ?" ઘેલો : “છું ભગવાન છું. આ ધરતીનો ભગવાન છું." ડુંગરા, નિ:સીમ મેદાન અને ઝાંખરાંના વિશાળ પટ પર ખાલીપો દર્શાવતા દૃશ્યમાં પ્રાણજીવન અને ઘેલો સામસામે છે. ઘેલો : “તું અમારી ધરતીમાં જન્મ્યો હોત ને તો તને ખબર પડત. અંદર ધખારા ઊઠે છે. ભડ ભડ બળે છે અંદર. વાંઝણી છે આ ભોમકા તરસે મરે છે અને મારે છે." ઘેલાને અતિવિશ્વાસ છે - "ઘેલો જે દી જોખમ જોડે લડે તે દી જોખમ જ હારે." પ્રાણજીવનના મતે હવે ઘેલા સાથે એક પળ પણ રહી ન શકાય. ધરતીથી આકારા ભણી દૃષ્ટિને દોરી જતો કેમેરાનો શોટ અને ઘેલાના તરસ્યા છતાં અડગ અસ્તિત્વને નિરૂપતાં દૃશ્યો સાથે પાણા પર બેઠેલો જુસાબ ગાય છે, "આ દુનિયાના રંગ દીસીને મન મારું જલે, દલમાં દવ ક્યું જલે. " ફિલ્મના ગીતો મુખર બન્યા વગર કથાનકને એ રીતે ગતિ આપે છે જેનાથી કચ્છની લોકસંસ્કૃતિ, પ્રકૃતિ અને જીવોની ચાલ પણ સિનેમેટિક સમય અને અવકાશની સૃષ્ટિની જીવંતતાનો ભાસ કરાવે છે. કોરુંધાકોર આકાશ, ઝાંખરાંભરી ધરતી અને ક્ષિતિજ-ડુંગરાળ ભૂમિમાંથી ધીમે ધીમે ઊભરતો ઘેલો ! પ્રકાશ, છાયા અને રંગો સાથે દિલમાં ઊઠેલા દવથી પ્રજળતો ઘેલો! એ કોઠો ઠંડો કરવાને બદલે માથે પાણી ઢોળે છે શેઠને ત્યાં ધાડ પાડવા જતા પૂર્વે મોંઘી પોતે નો "છૂટી ન શકી" પણ પ્રાજજીવનને છૂટી જવાનું સૂચવે છે. પ્રાણજીવન પૂછી બેસે છે. “કેમ ભાગી ન ગયાં?” પછી ઉમેરે છે - "તેમને ટેવ પડી ગઈ છે. રોટલાં ઘડવાની, ઊંટને માલિશ કરવાની, બુકાની બાંધવાની." મોંઘી: “હું ખરું કહું? મને તમારા ભાઈબંધની ટેવ પડી ગઈ છે. જેવી રીતે તમને બીડી પીવાની વાત લાગી છે ને એમ મને એને હરાવવાની લત લાગી ગઈ છે." ધાડ પાડવા ઘેલા સાથે પ્રાણજીવન જાય છે. શેઠ, શેઠાણી અને એમની દીકરી પ્રતિકાર સાથે ઘરેણા વગેરે આપી દે છે. દીકરી હાથમાંથી ચૂડલો કાઢવાની ના પાડે છે. ઘેલો બળજબરી કરે છે. પલંગ પર ધક્કો મારી, ગળું દબાવે છે ત્યાં પ્રાણજીવન બૂમ મારે છે, "ઘેલા, છોડી પેટથી છે.” ઘેલાની પકડ છૂટે છે. હાથ ઊંચા કરી દે છે. પત્ની બનાવ્યા વગર રતનીને "તારા પેટમાં મારાં છોરાં જોઉં છું” “કહેનાર પેલો શેઠની દીકરીના પેટને હાથ અડાડવા જાય છે. ઢીલો પડી જાય છે. ધ્વનિપટ પર નવજીવનના સંકેત સમું “મારા મીઠડા વીરાનું હાલરડું સંભળાય છે. ક્રૂર પણ તરસ્યો ઘેલો ધ્રૂજે છે. ઊંડા શ્વાસ લેતો છેવટે ધરતી પર પડે છે. પ્રાણજીવન બાજી સંભાળી લે છે અને શેઠના પરિવારની મદદથી ઘેલાને ઊંટ પર ચડાવી, ઘરે લઈ આવે છે. ઘેલો લકવાગ્રસ્ત છે. પાછળ દીવાલે ઊંટ, વીંછી, ફૂલનાં ચિત્રો - બધું જાણે સ્થગિત જણાય છે; ઊંટ અને જુસાબ ચિંતાગ્રસ્ત. પ્રાણજીવનથી પેલાની હાલત જોવાતી નથી. “એવું લાગે છે જાણે જાકારો દેતી ધરતી પર બધું જીવન સમાધિમાં બેસી ગયું છે.” પ્રાણજીવન ઘરમાંથી નીકળે છે. ઘેલો ભાનમાં આવી ડાબો હાથ હલાવે છે. ખાટલામાં ખસતો ખસતો છેવટે બંદૂકને અડે છે. બહાર ઊભેલી મોંઘી બંદુક ફૂટવાનો અવાજ સાંભળે છે. એક ધડકારો, ઊંહકારો, ખંડિત મંદિર આગળ બેઠેલી રતનીની આહ અને ઘરમાંથી બહાર દોડી જતી ધનબાઈની મૂંગી ચીસ! ઊંટ, બેઠેલી બાઈઓ, ધરતીના ખોબલામાંથી પાણી પીતી કાબર અને પછી ઘેલાની બળતી ચિતા આગળ ઊભેલો પ્રાણજીવન. પ્રજવલિત અગ્નિમાંથી ઊઠતો જાણે ઘેલાનો અવાજ સંભળાય છે. “તાકાત ખપે ભાઈબંધ, બાવડામાં તાકાત ખપે. આપણાથી વધારે તાકાતવાળા હોય તો એનાથી વધારે તાકાત બનાવવી ખપે. માથાભારે થાવું પડે.". ખત્રીની નવલિકા 'ધાડ'માં અંતભાગે આવતું એક વાક્ય દિગ્દર્શક પરેશ નાયક કલાત્મક રીતે દૃશ્યાત્મક બનાવે છે. ખત્રી લખે છે, “સર્વ શુંગાર અને સર્વ વસ્ત્રોનો ત્યાગ કરી પોતાની રંગબેરંગી નજાકતને હણી નાખી સંધ્યા રાત્રિના અંધારા બાહુઓમાં સમાઈ જઈ ડૂસકાં ખાવા લાગી." ચલચિત્ર દર્શાવે છે આભૂપણવિહીન મોંઘી. ઘેરા રંગનાં વસ્ત્રોમાં ઓઢણી વગર, દરિયાકિનારે ઊંટને દોરી જતી. દરિયાના પટમાં આથમતો સૂરજ અને “હું રે જોગિયાણી મુને જતની વાટ" - લોકગીતના સૂરો. ઘેલા તરીકે કે. કે. મેનન, મોંઘીના પાત્રમાં નંદિતા દાસ, જુસાબ તરીકે રઘુવીર પાદવ અને પ્રાણજીવનના પાત્રમાં સંદીપ કુલકર્ણી જીવંત બન્યાં છે પણ ફિલ્મ જોયા બાદ જેની આંખોનો સૂનકારો ભુલાતો નથી એ છે ધનબાઈ - સુજાતા મહેતા. ‘ધાડ’ ખત્રીની નવલિકા પર આધારિત છે, માત્ર એનું માધ્યમાંતર નથી. દિગ્દર્શક- પટકથા લેખકે એનું નવા માધ્યમને અનુરૂપ રૂપાંતર કર્યું છે. કથા, પાત્રો, દૃશ્યો, ધ્વનિ ફિલ્મમાં રચનાત્મક ઘાટ ધરે છે. વીનેશ અંતાણીની પટકથા નોંધપાત્ર બને છે. અનેક કારણોથી, મુખ્ય તો છે ધનબાઈ, જુસાબ અને રતનીના પાત્રોનું સર્જન અને ઘેલો જે છે તેના હોવાપણુંનું justification ખત્રીના પ્રમાણમાં કંઈક વેરવિખેર કથાનકને વીનેશભાઈએ સંવાદો, ભાષા અને આગવી શૈલીથી સર્જનાત્મક, સુરેખ ઘાટ આપ્યો છે. "ધાડ" નવલિકાના પ્રથમ સંસ્કરણમાં મોંઘી ઘેલાંની ત્રીજી પત્ની હોવાનો આગવી શૈલીથી સર્જનાત્મક સુરેખ ઘાટ આપ્યો છે. ‘ધાડ’ નવલિકા પ્રથમ સંસ્કરણમાં મોંઘી ઘેલાની ત્રીજી પત્ની હોવાનો નિર્દેશ છે જેના આધારે વીનેશભાઈએ ધનબાઇ, રતનીને ઘડ્યાં, ફિલ્મમાં ધનબાઇ યાદગાર બની રહે છે. મારા મતે આ ફિલ્મ નારી વેદનાનો ચિત્કાર છે. જુસાબ ઘેલાનો સાથી છે, આલોચક છે પણ એથી વધુ ધનબાઇનો ટેકો છે. નવલિકામાં ઘેલો માત્ર ને માત્ર પ્રતિનાયકરૂપે ચીતરાયો છે. પણ ફિલ્મમાં એ કેમ ક્રૂર, નિર્મમ છે એનો પાછળની ભૂમિકા સંવાદ દ્વારા વ્યક્ત થઈ છે. પ્રાણજીવન સાથેના સંવાદમાં ‘ટકી રહેવા માટે તાકાત ખપે’ વાક્ય ઘેલાનો જીવન મંત્ર છે. અને એટલે જ ‘ધાડ’ ફિલ્મનો અંત ઘેલાને છાજે એવો છે. નવલિકામાં ઘેલો પક્ષપાતના હુમલા બાદ ત્રીજા દિવસે પ્રાણ છોડે છે અને પ્રાણજીવન ફરી પ્રયાણ આદરે છે. પ્રાણજીવનને મોંઘીની આંખોમાં તોફાન વિનાની, રણનાં મેદાનોની રાહત મોકળાશ ડોકિયું કરતી દેખાય છે/ ફિલ્મમાં, બંદૂકની ગોળી છોડી આત્મહત્યા કરી ઘેલો પક્ષાઘાતના પરવશપણા પર જીત મેળવે છે. જોખમ ઘેલા સામે જીતી જ કેમ શકે? મોંઘીના જીવનની મોકળાશ સૂચવવા દિગ્દર્શકે એને પોતાના સાંઢીયાને દોરી, આભૂષણરહિત વેશે, મુકત ચાલે ફરફરતા પવન સાથે સૂર્યાસ્ત સમયે દરિયાકિનારે ચાલી જતી દર્શાવી છે. સૂર્યાસ્ત સાથે આરંભાતી ફિલ્મ આટોપાય છે દરિયાકિનારાના સૂર્યાસ્તથી, ચિતાની ભડભડ આગ સૂર્યના અસ્ત થવા સાથે જાણે ઓલવાતી જાય છે. કાવ્યાત્મક રીતે દિગ્દર્શક પોતાની કૃતિને પંચતત્ત્વોનો સંમિલન સાથે પૂરી કરે છે. મોંઘીના જીવનમાં એક નવો સૂર્યાસ્ત થવાની આશા દર્શકે રાખવાની ! પુસ્તકવાંચનનો મહિમા ઘટ્યો છે. એવા સમયમાં સાહિત્યને ચિરંજીવ, જીવંત રાખવામાં ચલચિત્ર મોટી ભૂમિકા ભજવી શકે એનું ઉદાહરણ છે, 'ધાડ', સાહિત્યકૃતિનો આધાર લઈને, પોતાના સર્જનાત્મક આવિષ્કાર દ્વારા એક નવો કલાત્મક ઘાટ આપવામાં સફળ થાય છે દિગ્દર્શક પરેશ નાયક અને તેમના સાથીસર્જકો, આવા પ્રયાસો કોઈ પણ સાહિત્યકૃતિની અપીલ અને વાચન વધારવામાં મદદરૂપ થઈ શકે. વાંચન વખતે ચિત્ત અને હૃદય જે અનુભવ કરે છે એ અનુભવ દિગ્દર્શકે ચક્ષુ-કર્ણ દ્વારા કરાવવાનો છે એની સંપૂર્ણ સમજણ ‘ધાડ'ના દિગ્દર્શક પાસે છે. જયંત ખત્રીની નવલિકાને વધુ રસપ્રદ, ઘટનાપ્રધાન, જીવત, પ્રતીકાત્મક, સંગીતમય, સૌંદર્યભરી અને જરાય અતિશયોક્તિ વગર કહું તો વધુ કલાત્મક રીતે રજૂ થાય છે. 'ધાડ’ ચલચિત્રમાં, બસ, જે નવલિકા વાંચ્યા પછી અને ફિલ્મ જોયા પછી લગીરેક ખટકે છે એ વેદનાભર્યો ચિતાર. ચલચિત્રનો ઘેલો વધુ જીવંત છે, આકર્ષક પણ. એ જે છે એની પાછળ એની પાસે કારણો છે. પણ છતાં આ 'ખૂંટા' સાથે જોડાયેલાંની વેદનાનું શું? પાણી, શિક્ષણ, ગાંડો બાવળ વગેરે વર્તમાન પ્રશ્નો ફિલ્મમાં સારી રીતે વણાયા છે. કચ્છી ભાષાનો સ્પર્શ સંવાદોને આપ્યો છે. સાહિત્યકૃતિની પ્રશિષ્ટતાને, સાહિત્યસર્જકના દર્શનને ઝીલીને એક ફિલ્મસર્જક પોતાના વિચાર અને વિધાનને કેવી રીતે બખૂબી અલગ માધ્યમમાં રજૂ કરી શકે એન અભ્યાસ કરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ બની રહે છે. ‘ધાડ’ ફિલ્મ.

શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, પૃ૯૪થી ૧૦૨