નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સ્ત્રી સામયિકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬

ગુજરાતી સ્ત્રી સામયિકો
ઉષા ઉપાધ્યાય

અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ સાથે જ ગુજરાતી સ્ત્રી-સામયિકોનો પણ ઉદય થયો છે. ઈ.સ. ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ' સામયિક શરુ થયું એ પછી તરત અને 'ડાંડિયો'ના આરંભ પહેલાં ઈ.સ.૧૮૫૭માં પહેલું ગુજરાતી સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું છે. કાસાસાહેબ કાલેલકરે પત્રકારત્વને ‘જીવનસેવાની કળા' તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યિક વાતાવરણ રચવામાં સામયિકોનો કેટલો મોટો ફાળો છે તે દર્શાવતાં વિદ્યાબહેન નીલકંઠે કહ્યું હતું કે : “સાહિત્યનો પ્રચાર કરવા માટે માસિકોનું સાધન સૌથી સબળ છે.” આમ જીવનસેવા અને કળા બન્ને માટે પ્રેરક-પોષક વાતાવરણ રચતાં સામયિકોના સબળ માધ્યમે ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં પ્રારંભથી જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મેથ્યુ આર્નોલ્ડે પત્રકારત્વને ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' કહીને તેની મર્યાદા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આમ છતાં, ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં, તેના પ્રશ્નો પરત્વે સમાજમાં જાગૃતિ લાવવામાં તેમ જ તેની સર્જનાત્મક ક્ષમતા ખિલવવામાં આ સામયિકોનો નિર્વિવાદપણે મોટો ફાળો છે. કન્યાકેળવણી, સમાજસુધારણા અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહક વાતાવરણ રચવામાં આ સ્ત્રી-સામયિકોનો અભ્યાસ કરતાં જણાય છે કે માત્ર વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી જેવાં નામાંકિત લેખિકાઓની રચનાઓ જ નહીં, ન્હાનાલાલ, ખબરદાર, મલયાનીલ વગેરે અનેક પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો પણ આ સામયિકોમાં પ્રકાશિત થયાં છે. 'સુંદરી સુબોધ'ના ઈ.સ. ૧૯૦૭ના ફેબ્રુઆરીના અંકમાં ન્હાનાલાલે પોતાની ઓળખ પ્રગટ કર્યા સિવાય 'પ્રેમભક્તિ' ઉપનામથી 'વીરની વિદાય' કાવ્ય પ્રગટ કર્યું છે. આ સામયિકમાં ન્હાનાલાલના ઉપનામથી અને નામથી અનેક કાવ્યો પ્રગટ થયાં છે. એ જ રીતે ‘પ્રિયંવદા'માં ગોવર્ધનરામ ત્રિપાઠીની કાલજયી નવલકથા 'સરસ્વતીચંદ્ર'નાં આરંભિક પ્રકરણો પ્રકાશિત થયાં છે. ગુજરાતી સ્ત્રી-સામયિકોના આરંભનો સમય સુધારકયુગનો હતો. એ સમયે દુર્ગારામ મહેતા, મહીપતરામ રૂપરામ નીલકંઠ, નર્મદ વગેરે અનેક સમાજસુધારકો મધ્યકાળનાં અંધારાં ઉલેચવાં કટિબદ્ધ હતા. પ્રગતિશીલ અભિગમ અપનાવનારી પારસી કોમે કન્યાકેળવણી, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના અભ્યાસને પ્રારંભથી જ આવકાર્યા હતાં. ગુજરાતી પત્રકારત્વના આરંભના તબક્કામાં આથી જ પારસી કોમનું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતનું પહેલું સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૪૫માં સ્થપાયેલા 'પરહેજગાર પત્ર'ની વ્યવસ્થામાં પાર્વતીકુંવર મહીપતરામ નીલકંઠે પણ ઘણી સહાય કરી હતી.

સ્ત્રીબોધ : માસિક પત્ર
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, ૧ જાન્યુઆરી.
છેલ્લો અંક : ઈ.સ. ૧૯૫૨ (કુલ ૯૬ વર્ષ)
વાર્ષિક લવાજમ : રૂા.૩/- (આરંભે)
તંત્રી : કે. ખુશરો કાબરાજી

‘સ્ત્રીબોધ' ગુજરાતી ભાષાનું પહેલું સ્ત્રી-સામયિક છે. ઈ.સ. ૧૮૫૭માં અંગ્રેજો સામેના વિપ્લવ સમયે જ આરંભાયેલું આ સામયિક સ્ત્રીઓની જાગૃતિના ધ્યેયને વરેલું હતું. ‘સ્ત્રીબોધ'ના મુખપૃષ્ઠ ઉપર છપાતો મુદ્રાલેખ સ્થાપકોની સ્ત્રીસન્માનની ભાવનાનો પ્રગટ પડઘો ઝીલનારો છે :

કહે નેપોલિયન દેશને કરવા આબદાન,
સરસ રીત છે એ જ કે દો માતાને જ્ઞાન.

ઈ.સ. ૧૮૫૭થી ઈ.સ.૧૮૬૩ સુધી 'સ્ત્રીબોધ'નું તંત્રીપદ બહેરામજી ગાંધી, સોરાબજી શાપુરજી, કરસનદાસ મૂળજી, મંગળદાસ નથુભાઈ અને નાનાભાઈ હરિદાસે સંયુક્ત રીતે સંભાળ્યું હતું. ઈ.સ. ૧૯૦૪માં કે. ખુશરો કાબરાજીનું અવસાન થયું એ પછી ઈ.સ. ૧૯૧૪ સુધી એમનાં પુત્રી શિરીન કાબરાજીએ 'સ્ત્રીબોધ'નું તંત્રીપદ સંભાળ્યું હતું. કે. ખુશરો કાબરાજીનાં પુત્રવધૂ પૂતળીબાઈ જહાંગીર કાબરાજી ઈ.સ. ૧૮૮૧થી ઈ.સ. ૧૯૪૧ સુધી 'સ્ત્રીબોધ' સાથે સંકળાયેલા રહ્યા. ‘સ્ત્રીબોધ'ના સ્થાપક અને તંત્રીઓ પ્રગતિશીલ વિચારસરણીના હતા. ઈ.સ. ૧૮૫૭ના બળવા પહેલાં મુંબઈ, સુરત અને અમદાવાદમાં કન્યાશાળાઓ શરૂ થઈ ચૂકી હતી. ‘સ્ત્રીબોધ' આ કન્યાકેળવણીની પ્રખર હિમાયત કરે છે. પરિણામે ગુજરાતમાં કન્યાકેળવણીની પ્રવૃત્તિ કન્યાશાળાઓ તેમ જ 'સ્ત્રીબોધ' દ્વારા સમાંતરે વિસ્તરે છે. ‘સ્ત્રીબોધ'નું વાર્ષિક લવાજમ ટપાલખર્ચ સાથે રૂા.૩.૦૦ હતું. તેમાં પણ ઘટાડો કરીને ઈ.સ. ૧૯૧૪માં ફક્ત રૂા.૧.૫૦ કરવામાં આવ્યું હતું. ‘સ્ત્રીબોધ' વ્યાવસાયિક હેતુથી નહીં પરંતુ સમાજસેવાના ઉમદા ખ્યાલથી ચાલતું હતું. ‘સ્ત્રીબોધ'નું વાર્ષિક લવાજમ ભરનારને દર વર્ષે ૧ ભેટ પુસ્તક આપવાની પરંપરા પણ શરુઆતમાં રહી હતી. આ સામયિકમાં જાહેરાતને સ્થાન અપાયું હતું. ‘સ્ત્રીબોધ'નું મુખપૃષ્ઠ મોટેભાગે સચિત્ર રહેતું. ‘સ્ત્રીબોધ' અગાઉ ઉલ્લેખ થયો છે તેમ કન્યાકેળવણીના પ્રસાર અને સમાજસુધારણાને વરેલું હતું. આ ઉપરાંત તેમાં ગૃહવ્યવસ્થા, પાકશાસ્ત્ર, સૌંદર્યની જાળવણી, આરોગ્ય વગેરે મહિલા ઉપયોગી વિષયોના લેખો પણ પ્રકાશિત થતા હતા. ‘સ્ત્રીબોધ'ના લેખકમંડળમાં શરુઆતના સમયગાળામાં પારસી લેખકોની સંખ્યા વધારે હતી. સમય જતાં એમાં સર્વ પ્રકારના લેખકોને સ્થાન અપાયું હતું. કવિ દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, લલિત, ખબરદાર જેવા પ્રસિદ્ધ કવિઓ, પ્રખર સુધારક કરસનદાસ મૂળજી, નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ, વાર્તાકાર કે. ખુશરો કાબરાજી તથા પૂતળીબાઈ કાબરાજી, નવલકથાકાર ભોગીન્દ્રરાવ દિવેટિયા અને હરકુંવર ધનજી બારભાયા વગેરેની સાહિત્યકૃતિઓએ સ્ત્રીબોધ'ને સાહિત્યિક ગુણવત્તાની દ્રષ્ટિએ સમૃદ્ધ કર્યું છે. ‘સ્ત્રીબોધ'માં લેખિકાઓની કલમને ખાસ સ્થાન અપાયું હતું. આજે વિસરાઈ ગયેલી પરંતુ એ સમયે વાચકોમાં ઘણો આવકાર પામેલી 'સ્ત્રીબોધ'ની કેટલીક લેખિકાઓનો, અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે. ‘સ્ત્રીબોધ'નાં સર્વ પ્રથમ લેખિકા જરબાઈ ધનજીભાઈ વાડિયા હતાં. ઈ.સ. ૧૮૬૩થી એમણે 'સ્ત્રીબોધ'માં અવારનવાર કુરિવાજોનો વિરોધ કરતી અને સ્ત્રીદમન સામે અવાજ ઉઠાવતી વાર્તાઓ લખી છે. ઈ.સ. ૧૮૮૩થી જરબાઈનાં પુત્રી પૂતળીબાઈ કાબરાજીની વાર્તાઓ પણ 'સ્ત્રીબોધ'માં પ્રકાશિત થઈ છે. ઈ.સ.૧૮૮૮થી કે.ખુશરો કાબરાજીનાં પુત્રી શિરીન કાબરાજીની વાર્તાઓ અને નિબંધો આ સામયિકમાં પ્રગટ થયાં છે. શિરીન કાબરાજી વ્યાપક વાચન ધરાવતાં અભ્યાસી મહિલા હતાં. 'સ્ત્રીબોધ'માં એમણે પારસી સમાજ સામે હાસ્યકટાક્ષ કરતા લેખો લખ્યા છે, પરંતુ એમનું સૌથી મહત્ત્વનું યોગદાન તો એમણે અનેક અનુવાદો દ્વારા 'સ્ત્રીબોધ'ના વાચકોને યુરોપીય સાહિત્યનો પરિચય કરાવ્યો તે છે. એમણે અંગ્રેજી નવલકથા 'ડૉ. જેકીલ અને મિસ્ટર હાઈડ', શેક્સપિયરનાં નાટક 'એઝ યુ લાઇક ઇટ' અને 'કિંગ લીયર' તથા લૉર્ડ ઓવરબરીનાં ‘ધી યુઝ ઑફ લાઈફ' વગેરેના ગુજરાતી અનુવાદ કરીને 'સ્ત્રીબોધ'ને વિશ્વસાહિત્ય સાથે જોડ્યું હતું. આ ઉપરાંત સુંદર રીતે પિયાનો વગાડી જાણનાર સંગીતરસિક શિરીન કાબરાજીએ 'સ્ત્રીબોધ'માં સંગીત વિષયક લેખો પણ લખ્યા હતા. આ લેખિકાઓ ઉપરાંત રતનબાઈ રૂસ્તમજી મલબારવાલા, ધનબાઈ બહેરામભાઈ નાણાવટી, સુનાબાઈ દીનશા પારેખ, પીરોજબાઈ, રતનબાઈ એદલજી, શિરીન કોન્ટ્રાક્ટર, મહેરબાઈ, રતનબાઈ મલબારવાલા વગેરે લેખિકાઓ 'સ્ત્રીબોધ'ના લેખકમંડળમાં સ્થાન પામી હતી. 'સ્ત્રીબોધ'માં કવિતા, વાર્તા, નવલકથા, નાટક, જીવનચરિત્ર, ઉખાણાં-કહેવતો વગેરેની સાથે જ નીતિબોધ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારો, કન્યાકેળવણી, સૌંદર્યની માવજત, સ્ત્રીઓ માટેની અંગકસરતો, સગર્ભા અને રજસ્વલા સ્ત્રીઓને માર્ગદર્શન, બાળઉછેર, પાકશાસ્ત્ર વગેરે વિષયો ઉપરના લેખો પણ પ્રકાશિત થતા હતા. ‘સ્ત્રીઓએ જોબન કેમ જાળવવું' શીર્ષકથી પ્રકાશિત થયેલા મહેરબાઈના લેખો તથા તબીબ રતનબાઈ મલબારવાલાના સગર્ભા અને રજસ્વલા સ્ત્રીઓને માર્ગદર્શન આપતા લેખો ઘણા લોકપ્રિય બન્યા હતા. ‘સ્ત્રીબોધ'માં પુસ્તક પરિચયની કૉલમ, બાળ- વિભાગ, ‘વીણેલાં ફૂલ' શીર્ષકથી સુવિચારો, ‘જાણવાજોગ સ્ત્રી સમાચાર' શીર્ષકથી સ્ત્રીઓ વિષયક વિશિષ્ટ સમાચાર પ્રકાશિત થતા હતા. ‘સ્ત્રીબોધ'એ તસ્વીરકળાના આગમનનો ખાસ લાભ લીધો હતો. એ સમયે હજુ મુંબઈમાં ફોટોગ્રાફીનું આગમન થયું જ હતું. ‘સ્ત્રીબોધ'માં લેખકમંડળની તેમ જ વિશિષ્ટ પ્રસંગોની તસ્વીરો છપાતી હતી. ‘સ્ત્રીબોધ’માં પ્રકાશિત થતી આ આબેહૂબ તસવીરોને જોઈને વાચકો સાનંદાશ્ચર્યનો અનુભવ કરતા હતા. ગુજરાતના સામાજિક - સાંસ્કૃતિક ઈતિહાસને ઘડવામાં ‘સ્ત્રીબોધ'નો મૂલ્યવાન ફાળો રહ્યો છે. આ બાબતનો નિર્દેશ કરતાં વિદ્યાબહેન નીલકંઠ કહે છે કે : “ગુજરાતમાં સ્ત્રીકેળવણી આપવાનું પ્રથમ પગથિયું ‘સ્ત્રીબોધ' હતું.” એ જ રીતે 'સુંદરીસુબોધ' સામયિકના ઑગસ્ટ ૧૯૦૭ના અંકમાં “વર્તમાનરંગ” વિભાગમાં “સ્ત્રીબોધની જયુબિલી” શીર્ષકથી 'સ્ત્રીબોધ' વિશે થોડો લખાયું છે કે : “'સ્ત્રીબોધ' માસિક આજ પચાસ વર્ષથી સ્ત્રીઓને કેળવવાનું કાર્ય કરતું આવ્યું છે. જે સમયે સ્ત્રી કેળવણીની શરુઆત જ હતી, જે સમયે વાચક વર્ગ, ને તેમાં પણ સ્ત્રીવાચક વર્ગ ગણ્યો ગાંઠયો જ હતો તે સમયે આ પત્રે પ્રથમ દર્શન આપી - પત્રોને તેમાં માસિકોને જે વિટંબણા સહન કરવી પડે છે તે સહન કરી 'સ્ત્રીબોધે' પોતાનું કાર્ય કર્યું છે.” ‘સ્ત્રીબોધ’ના જાન્યુઆરી ૧૯૩૭ના અંકમાં ગાંધીજીનું આ વિધાન છપાયું છે : જયાં લગી સ્ત્રી પોતાનું સ્વત્વ પૂર્ણપણે નહીં સિદ્ધ કરે, ત્યાં લગી હિંદનો બધી દિશામાં વિકાસ અશક્ય રહેશે. સ્ત્રી જ્યારે અબળા મટી સબળા થશે ત્યારે આપણા બધા નિર્બળ સબળ થશે. મોહનદાસના આશીર્વાદ સેગાંવ-વર્ધા,૧૩-૧૨-૩૬

સામયિક દ્વારા સ્ત્રીના સ્વત્વને સિદ્ધ કરીને તેને અબળામાંથી સબળા બનાવવાની દિશામાં ‘સ્ત્રીબોધ'નું સર્વપ્રથમ અને પ્રખર યોગદાન છે.

સ્ત્રીમિત્ર : માસિક પત્ર
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, બંધ થયા પછી ફરી ઈ.સ. ૧૮૬૭
છેલ્લો અંક : કુલ ત્રીસ વર્ષ
તંત્રી : અધ્યારુ રૂસ્તમજી પેસ્તનજી
સામયિક ફરી શરુ થયા પછી નાનાભાઈ રૂસ્તમજી રાણીના

‘સ્ત્રીમિત્ર' સામયિક મુંબઈની પારસી મહિલાઓએ શરુ કરાવ્યું હતું. શરુઆતમાં અધ્યારુ રૂસ્તમજી પેસ્તનજી માત્ર મહિલા સ્વાસ્થ્ય વિષયક લેખોને માટે આ સામયિકનું પ્રકાશન કરતા હતા. બહુ થોડો સમય ચાલીને આ સામયિક બંધ પડ્યું હતું. એ પછી ઈ.સ. ૧૮૬૭માં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ આ જ નામથી પણ વિષયવૈવિધ્ય સાથે આ સામયિક ફરી શરુ કર્યું હતું. ‘સ્ત્રીમિત્ર'માં મહિલાઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી તથા પુરુષપ્રધાન સમાજની ઉગ્ર ટીકા કરવામાં આવતી હતી. આ સામયિકના સ્ત્રીશિક્ષણ અને બાળઉછેર જેવા વિષયો પરના લેખો લોકપ્રિય બન્યા હતા. મુંબઈના યુનિયન પ્રેસ દ્વારા રૂસ્તમજી પેસ્તનજી વકીલે ઈ.સ. ૧૮૬૭માં ‘સ્ત્રીમિત્ર' શીર્ષકથી એક ગ્રંથ પ્રગટ કર્યો હતો. આ પુસ્તકમાં પ્રકાશિત થયેલા લેખો 'સ્ત્રીમિત્ર' માસિકમાંથી લેવાયા હોવાની ધારણા ઇતિહાસવિદ્ શિરીન મહેતાએ દર્શાવી છે.

સ્ત્રી જ્ઞાનદીપક : વાર્ષિક પત્ર
સ્થાપના : ઈ.સ. ૧૮૬૭

પારસી શિક્ષક ઓરાબજી મન્ચેરજી ભગોરિયાએ શરુ કરેલાં આ સામયિકમાં વિવિધ સ્ત્રી- સામયિકોમાંથી પસંદ કરાયેલા સ્ત્રીઉપયોગી લેખો અને સાહિત્યકૃતિઓનો સમાવેશ થતો હતો. સ્ત્રી- સામયિકોમાંથી વર્ષભરની ઉત્તમ સામગ્રી સંપાદિત કરીને પુસ્તક રૂપે દર વર્ષે 'સ્ત્રી જ્ઞાનદીપક'નો અંક પ્રકાશિત થતો હતો. મુંબઈના યુનિયન પ્રેસમાંથી પ્રકાશિત થતા 'સ્ત્રી જ્ઞાનદીપક'માં મુખપૃષ્ઠ પર તેના ઉદ્દેશને સ્પષ્ટ કરતું સૂત્ર આ રીતે લખાતું : “સ્ત્રી જ્ઞાનદીપક : હિંદુ તથા પારસી બાઈઓને જ્ઞાન ઉપજે એવો ઉપયોગી વિષયોનો સંગ્રહ." સ્ત્રીઓને માર્ગદર્શન અને ઉપયોગી બનવાની નેમ ધરાવતા આ સામયિકમાં સ્વાભાવિક રીતે જ કેળવણી, આરોગ્ય, સૌંદર્ય, સામાજિક સુધારણા, કુરિવાજોનો વિરોધ વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહેતા હતા. ‘સ્ત્રી જ્ઞાનદીપક'નું સૌથી વિશિષ્ટ અને મૂલ્યવાન પાસું હોય તો તેમાં છપાતાં વિધવાઓનાં આત્મવૃત્તાંતો. બાળલગ્નો અને વિધવાવિવાહ નિષેધને કારણે કેટકેટલી સ્ત્રીઓએ અત્યંત દયનીય પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું હતું, તેનું દારુણ વૃત્તાંત આ આત્મવૃતાંતોને કારણે જાણવા મળે છે. વિધવાઓનાં આ આત્મવૃત્તાંતો તત્કાલીન સામાજિક વ્યવસ્થા, તેના પ્રશ્નો અને એ સમયની ભાષાને સમજવાની મૂલ્યવાન દસ્તાવેજી સામગ્રી બની રહે છે. પોતાની ઓળખ પ્રગટ કર્યા સિવાય અનેક બાળવિધવાએ 'હિંદુ વિધવાઓનું દુ:ખ જાણનાર ‘સ્ત્રી જ્ઞાનદીપક'ને મારી વાત મોકલી આપું છું' એમ લખીને તંત્રીને જે આપવીતી મોકલી છે તે વાંચીને તત્કાલીન સ્ત્રીજીવનની દુર્દશાનો વેધક ચિતાર મળે છે. સ્ત્રી સામયિકોની ઉત્તમ સામગ્રીનું સંકલન કરીને વાર્ષિક ગ્રંથ રૂપે તેને પ્રસ્તુત કરતું આ વિશિષ્ટ વાર્ષિકપત્ર સાચા અર્થમાં 'જ્ઞાનદીપક' બની રહેતું હતું.

સ્ત્રીસદ્બોધરત્ન: માસિક પત્ર
સ્થાપના : ઈ.સ. ૧૮૮૨
સ્થાપક તંત્રી : તુલસીબાઈ
વાર્ષિક લવાજમ : આઠ આના

‘સ્ત્રીસદ્બોધરત્ન' મહિલાઓ માટે મહિલાએ શરૂ કરેલું પ્રથમ ગુજરાતી સામયિક છે. તેની શરુઆત ઈ.સ. ૧૮૮૨ના ઑક્ટોબર માસમાં થઈ હતી. ‘સ્ત્રીસદ્બોધરત્ન'ની સ્થાપના ખેડા ગામનાં તુલસીબાઈએ કરી હતી. તુલસીબાઈ વિશે વિશેષ માહિતી મળતી નથી, પરંતુ આ સામયિક શરૂ કરીને તેઓ તે સમયના સંયુક્ત ગુજરાત-મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા પત્રકાર થવાનું માન મેળવે છે. સ્ત્રીઓના પ્રશ્નોને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા માટે તથા આ પ્રશ્નો વિશે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી તેમણે આ સામયિક શરૂ કર્યું હતું. આ સામયિક વિશે ‘બુદ્ધિપ્રકાશ'ના ડિસેમ્બર ૧૮૮૨ તથા જાન્યુઆરી ૧૮૮૪ના અંકોમાં આ રીતે તંત્રીનોંધ અપાઈ હતી : “ખેડાનિવાસી તુલસીબાઈએ ઑક્ટોબર ૧૮૮૨થી ‘સ્ત્રીસદ્બોધરત્ન' નામનું નવું માસિક ચોપાનિયું કરવા માંડ્યું છે. તેના પહેલા બે અંકો અમને મળ્યા છે અને તેમાં સ્ત્રીઓને ઉપયોગી થાય તેવા લેખો છે. એમાં વિષયો બહુધા સ્ત્રીજાતને ઉપયોગી તથા સુબોધકારક જ આવે છે. તેનું કદ એક ફર્માનું છે તથા ટપાલખર્ચ સાથે તેની કિંમત આઠ આના છે.” મહિલા દ્વારા મહિલાઓ માટે શરૂ થયેલાં પ્રથમ ગુજરાતી સામયિક તરીકે તથા તદ્દન નાના ગામની મહિલાએ નારીજાગૃતિ માટે આ સામયિક દ્વારા ગુજરાતભરમાં નારીપ્રશ્નોને વાચા આપવા જે પ્રયાસ કર્યો તેનું આગવું દસ્તાવેજી મૂલ્ય છે.

પ્રિયંવદા: માસિક પત્ર
સ્થાપના : ઈ.સ. ૧૮૮૫
સ્થાપક તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વાર્ષિક લવાજમ : રૂા. ૧-૦૦

સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા કરતું અને સ્ત્રીજાગૃતિ માટે પ્રયત્નો કરતું ગુજરાતી ભાષાનું આ બીજું સામયિક છે. એ સમયે બાળલગ્નો, બાળવૈધવ્ય, અન્ય સામાજિક કુરિવાજો વગેરેને કારણે સ્ત્રીઓની સ્થિતિ અત્યંત દયનીય હતી. એ સમયે સ્ત્રીઓના પ્રશ્નો સંદર્ભે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ‘પ્રિયંવદા' સામયિકની શરુઆત કરી હતી. આ સામયિક શરૂ કરવા પાછળનો પોતાનો ઉદ્દેશ જણાવતાં એમણે લખ્યું છે કે : “એ નિશ્ચય થયો કે એક ઘણું સસ્તું માસિક કાઢવું ને તેમાં સ્ત્રીઓ સંબંધી તો ખરું પરંતુ પ્રાયઃ એવી રીતિનું, એવા વિષયનું લખાણ કરવું કે જે સ્ત્રીઓ પણ વાંચે અર્થાત્ સ્ત્રીઓને વાંચવા લાયક ન હોય તેવા વિષયો એમાં ન આવે.” અન્યત્ર એમણે એમ પણ નોંધ્યું છે કે “પ્રિયંવદા' એ કોઈ ઈશ્કની કવિતાનો ભંડોળ નથી પણ વેદશાસ્ત્રસિદ્ધ નિયમો સમજાવતું ધીરગંભીર સામયિક છે." મણિલાલ નભુભાઈએ ‘પ્રિયંવદા’માંથી આવતી આવકનો ક્યાંય અંગત ઉપયોગ ન કરવાનો દૃઢ નિશ્ચય રાખીને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ નિયમિત રીતે આ સામયિકના અંકો પ્રકાશિત કર્યા હતા. ઈ.સ. ૧૮૯૦માં એમને માત્ર સ્ત્રીઓ વિશેનાં લખાણો એકાંગી બનતાં જણાય છે. એમની વ્યાપક વૃત્તિઓના સંદર્ભમાં પણ એમને સામયિકનું વિષયક્ષેત્ર વિસ્તારવાની જરૂર જણાય છે. પરિણામે તેઓ 'પ્રિયંવદા' સામયિક બંધ કરીને વ્યાપક વિષયોની ગંભીર વિચારણાને સમાવતા 'સુદર્શન' સામયિકનો આરંભ કરે છે. ‘પ્રિયંવદા' સામયિકનું વિષયક્ષેત્ર સ્ત્રીપ્રશ્નોને કેન્દ્રમાં રાખતું હોય તે સહજ છે. આ સામયિકમાં ઘર- પરિવાર, બાળઉછેર, શરીરવિદ્યા, ધર્મનિષ્ઠા વગેરે વિષયો ઉપરના લેખો હતા. તો સાથે જ કાવ્યો, અનુદિત અને મૌલિક નવલકથાનાં પ્રકરણો તેમ જ ગ્રંથસમીક્ષાની શ્રેણીનો સમાવેશ પણ આ સામયિકમાં થયો હતો. વાચકોને અધ્યાત્મબોધ અને રસાનુભવ સાંપડે એ હેતુથી મણિલાલ નભુભાઈએ ‘પ્રિયંવદા’માં અનુદિત નવલકથા 'ગુલાબસિંહ' હપ્તાવાર પ્રગટ કરેલી. એ જ રીતે પ્રથિતયેશ નવલકથા 'સરસ્વતીચંદ્ર' પણ પ્રકરણવાર થોડા સમય સુધી પ્રગટ થઈ હતી. ‘પ્રિયંવદા'માં નર્મદના 'ડાંડિયો'ની જેમ જ વાચકને પ્રત્યક્ષ સંબોધન થતું. વાતચીતની ઢબ અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને વાતને અસરકારક બનાવવાનો અભિગમ અને ઉદ્બોધનાત્મક શૈલીની સાથે જ મણિલાલની પ્રકૃતિગત પાંડિત્યસભર શૈલી પણ આ સામયિકના લખાણોમાં જોવા મળે છે. આ સામયિક પાંચ જ વર્ષ ચાલ્યું પરંતુ સ્ત્રીજાગૃતિની દિશામાં તેનું મહત્ત્વનું યોગદાન રહ્યું.

સુંદરી સુબોધ : માસિકપત્ર
સ્થાપના : ઈ.સ. ૧૯૦૩, સપ્ટેમ્બર
તંત્રી : રામમોહનરાય જસવંતરાય દેસાઈ

સમાજસુધારણા, સ્ત્રીઉન્નતિ અને શિક્ષિત સ્ત્રીઓને લખવાની તક મળે એ ત્રણ મુખ્ય હેતુથી આ સામયિકની સ્થાપના થઈ હતી. અમદાવાદના રમણભાઈ નીલકંઠ, કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયા વગેરે નાગરોએ 'બંધુસમાજ' નામની સંસ્થા સ્થાપી હતી. આ 'બંધુસમાજ'ના આશ્રયે 'સુંદરી સુબોધ'નો આરંભ થયો હતો. ઈ.સ. ૧૯૦૩ના સપ્ટેમ્બરમાં ‘સુંદરી સુબોધ' શરૂ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૮૮ની બારમી એપ્રિલે સુરતથી પ્રકાશિત થતાં ‘ગુજરાત મિત્ર'માં સ્ત્રીકેળવણીના હિમાયતી મહીપતરામ રૂપરામ, લાલશંકર ઉમિયાશંકર, કૃષ્ણરાવ ભોળાનાથ તથા હરગોવિંદદાસ કાંટાવાળાએ સ્ત્રીઓ માટેનું એક સામયિક શરૂ કરવાની જાહેરાત આ રીતે કરી હતી : “ 'સ્ત્રીબોધ' આબરુદાર માસિક હોવા છતાં તેમાં ખાસ કરીને પારસી સમાજને લગતા પ્રશ્નો ચર્ચાય છે. હિંદુ સ્ત્રીઓ માટેનું તેમ જ હિંદુ સ્ત્રીઓ દ્વારા લખાતું એક પણ માસિક હાલ નથી. તેથી તે શરૂ કરવાનું વિચાર્યું છે. તે મોટા કદનું અને સારું થશે.” જાહેરાત પ્રમાણેનું સામયિક સંયોગવશાત્ તે સમયે શરૂ થઈ શક્યું નહીં. છેવટે ઈ.સ. ૧૯૦૩માં ‘બંધુસમાજ'ના સહયોગથી આ પ્રકારનું સામયિક શરૂ થયું. ‘સુંદરી સુબોધ'માં હિંદુ સ્ત્રીઓ ઉપરાંત પારસી સ્ત્રીઓ પણ પોતાના લેખો - રચનાઓ મોકલતી. તંત્રી રામમોહનરાય દેસાઈ અને અન્ય વ્યવસ્થાપકો, ધર્મનિરપેક્ષતાને વરેલા હતા. તેથી તેમાં સર્વ કોમની કલમોને આવકાર મળતો હતો. 'સુંદરી સુબોધ' સામયિકનાં મુખપૃષ્ઠ ઉપર નારીમહિમા કરતું સંસ્કૃત સૂત્ર - “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ” અને કૌંસમાં “પ્રસન્ન દેવતા રહે જ્યાં પામે સન્માન સુંદરી” એવો પદ્યાનુવાદ છપાતો હતો. આ સૂત્રની નીચે “સર્વાંગે સ્ત્રીઓ માટે પ્રગટ થતું માસિક" એવું લખાણ છપાતું હતું. એ પછી “વિષયસૂચક” શીર્ષકથી સામયિકના લેખો, રચનાઓને વર્ગીકૃત રીતે દર્શાવવામાં આવતા. આ સામયિકમાં સર્જનાત્મક કૃતિઓ, નારીહિતચિંતા અને સમાજ-સુધારણાના લેખો તેમ જ ‘'વર્તમાનરંગ” અને “સમયતરંગ” શીર્ષકથી સાંપ્રત પ્રવાહોની માહિતી અપાતી. ‘સુંદરી સુબોધ'નાં ત્રીજા અને ચોથા આવરણપૃષ્ઠ ઉપર જાહેરખબર અપાતી. ઈ.સ. ૧૯૦૬ના સપ્ટેમ્બરના અંકનાં પાછલા આવરણપૃષ્ઠ ઉપરની આવી એક જાહેરાતમાં રવિશંકર અંજારિયાના પુસ્તક 'વહુને શિખામણ'ની બીજી આવૃત્તિના પ્રકાશન સમયની જાહેરાતની વિગતો દર્શાવે છે કે આ પુસ્તકની પહેલી આવૃત્તિની ૧૫૦૦ નકલો ખપી ગઈ હતી. એ જાહેરાત આ પ્રમાણે છે : “સ્ત્રીઓએ ખાસ વાંચવા લાયક, પહેલી આવૃત્તિની ૧૫૦૦ પ્રત ખપી જવાથી બીજી આવૃત્તિ બહાર પાડી છે.” ‘સુંદરી સુબોધ'માં ગ્રાહકોનાં નામની યાદી, પહોંચ નંબર તથા ગામનામ સાથે અપાતી હતી. કેટલાક સમય સુધી 'સુંદરી સુબોધ' દર મહિને 'માસિક વધારો' પણ પ્રકાશિત કરતું હતું. દરેક અંકમાં પછીના અંકની થોડી વિગતો પણ દર્શાવવામાં આવતી. ઈ.સ. ૧૯૦૭ સુધીમાં તેની ગ્રાહકસંખ્યા ૩૩૨ સુધી પહોંચી ગઈ હતી. ઈ.સ. ૧૯૦૭ જાન્યુઆરીના અંકમાં ‘સમયતરંગ' વિભાગમાં ગુજરાતનાં ત્રીજાં મહિલા સ્નાતક કોણ હતાં તેની દસ્તાવેજી વિગત આ રીતે સાંપડે છે : “મુંબઈના શેઠ પુરુષોત્તમદાસ મંગળદાસ નથુભાઈનાં પુત્રી શ્રીમતી કમળાવંતી આ સાલ બી.એ.માં પસાર થયાં છે એ ત્રીજાં ગુજરાતી સ્ત્રી ગ્રેજ્યુએટ છે.” આ જ અંકમાં “વર્તમાનરંગ” વિભાગમાં કોલકતામાં મળેલી પહેલી ભારત મહિલા પરિષદનો અહેવાલ સૌ. પ્રમિલાએ આપ્યો છે. આ પરિષદમાં વડોદરાનાં તથા કુચબિહારનાં મહારાણી ઉપસ્થિત રહ્યાં હતાં. છેક ચેન્નાઈ અને પંજાબથી પણ બહેનો આવી હતી. વડોદરાનાં મહારાણીએ મહિલા સમિતિના હેતુઓ જણાવતાં કહ્યું હતું કે : “દરેક ન્યાત-જાત અને ધર્મની સ્ત્રીઓ એકસંપ થાય અને સમાજસુધારામાં ભાગ લે.” ૧૯૬૦માં આ સામયિકના "વિવિધવિહાર” વિભાગમાં કોલકતામાં મળેલી “હિન્દી ઔદ્યોગિક કૉન્ફરન્સ'માં વિવિધ સ્ત્રી-અગ્રણીઓએ આપેલાં વ્યાખ્યાનોનાં ભાષાંતર અપાયાં છે. એ જ રીતે “ઇન્ડિયન સોશિયલ કૉન્ફરન્સ”માં સરોજિની નાયડુએ આપેલાં વ્યાખ્યાનોનું ભાષાંતર અપાયું છે. સરોજિની નાયડુએ કહેલું કે : “જે હિન્દુસ્તાન પ્રથમ શતકના આદિકાળમાં તો સુધારામાં ક્યારનો ય સંપૂર્ણ હતો. તથા જે સર્વોત્તમ બુદ્ધિપ્રભાવ અને વિશાળ જ્ઞાનથી ભરપૂર સન્નારીઓનાં ઉજ્જવળ દૃષ્ટાંતો જગતની ઉન્નતિ માટે દીપાવી રહ્યો હતો તે જ હિંદ દેશમાં આજે વીસમા શતકના આરંભમાં સ્ત્રી કેળવણી માટે જાહેર ભાષણો અને ઠરાવોની મદદ લેવાની આપણને જરૂર રહે એ મને હાસ્ય તેમ જ શોકથી ભરેલા વિરોધાભાસ જેવું લાગે છે.” ઈ.સ. ૧૯૦૬ના નવેમ્બરમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુરોપની લાંબી મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે મુંબઈવાસીઓએ ઉત્સવ કરીને તેમને આવકાર્યા હતા. એ સમયે કન્યાશાળાના ઈનામ-મેળાવડામાં મહારાજા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે : “સ્ત્રીકેળવણીનું આઇડિયલ - ઉચ્ચ બિંદુ શું આવશે તે તો આપણાથી હજુ કહી શકાતું નથી પરંતુ સ્ત્રીકેળવણીના લાભ ઘણા છે." આ જ સમારંભમાં મહારાણી ચીમનાબાઈને અભિનંદન પત્ર અપાયો ત્યારે પ્રતિભાવ આપતાં તેમણે કહેલું : “સ્ત્રીઓની ઉન્નતિનું કાર્ય સ્ત્રીઓએ જ કરવું જોઈએ, પરંતુ તેમાં હજુ પુરુષોની મદદની જરૂર છે. કારણ સ્ત્રીકેળવણી એટલી બધી ઉન્નત થઈ નથી કે પુરુષોની સહાય વગર સ્ત્રીઓ આવાં પગલાં ભરી શકે.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સ્ત્રીઓ પાસે નિબંધ વંચાવવામાં આવતા, ઈનામ અપાતું તેમાં પણ હેતુ સ્ત્રીકેળવણીનો બહોળો પ્રચાર કરવાનો જ હતો. ઈ.સ. ૧૯૦૭ સપ્ટેમ્બરના અંકમાં “વર્તમાનરંગ” વિભાગમાં કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદે મળેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાંનાં સ્ત્રીઓનાં વ્યાખ્યાનોનો અહેવાલ અપાયો છે, જેમાં એક લિપિની હિમાયત કરતું જૈન મગનબહેન પાનાચંદનું આ સૂચન છપાયું છે જે ધ્યાનાર્હ છે : “ચોથાં જૈન સન્નારી બહેન મગનબહેન પાનાચંદે આખા દેશ માટે એક લિપિના વિષય ઉપર ચર્ચા કરતાં ટૂંકું ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિંદની સર્વભાષાઓ માટે એક જ લિપિ - એક જ જાતના અક્ષરો લખવાની ઢબ થાય એ ઘણું મુશ્કેલ છે, પણ એમ થવાથી સર્વ હિંદીઓની એકત્રતા થવાને ઘણી મદદ મળે એમ છે.” (પૃ.૨૪) ઈ.સ. ૧૯૦૬ના સપ્ટેમ્બરના અંકમાં “ગૃહધર્મ” વિભાગમાં પ્રકાશિત થયેલો “સ્ત્રી કર્તવ્ય” લેખ પણ નોંધનીય છે. આ લેખના લેખકનું નામ નથી, માત્ર ‘મળેલું' એવી નોંધ છે. આ વિચારો જોઈએ : “પ્રથમ તો સ્ત્રીનું કર્તવ્ય એ છે કે તેમણે પોતાનું શરીર સુંદરને બદલે મજબૂત થાય તેમ કરવું જોઈએ. આજકાલ કામ નોકરથી કરાવવાની ફેશન પડી છે. તે તંદુરસ્તી બગડવાનું મૂળ કારણ છે. કંઈ ઠીક સ્થિતિ થઈ કે બસ ઘરનું કામ હાથે કરવું બંધ... અંગ્રેજ બાનુઓની નકલ કરી ઘરનું કામકાજ મૂકી દ્યો, જો તમે ચોપડીયો વાંચવાને રસ્તે વળો, જો ભરતનું, સિવવાનું, ગૂંથવાનું વગેરે બેઠાં બેઠાં થાય તેવું કામ શીખો તમે તે જ બાનુઓની પેઠે તમે કસરત પણ કરો. તેમાં શરમ ન રાખો... અંગ્રેજની નકલ કરો તો પૂરી કરો. એમનાં જેવાં ચોખ્ખાં, સ્વચ્છ, હવાવાળાં ઘરમાં રહો.” ઈ.સ. ૧૯૨૦ના જાન્યુઆરીના અંકમાં ગોવર્ધનરામ ત્રિપાઠીનાં વિધાનને ટાંકીને સ્ત્રીવિકાસની ભાવના આ રીતે દર્શાવાઈ છે : “સ્વર્ગસ્થ સાક્ષરવર્ય ગોવર્ધનભાઈના શબ્દોમાં કહીએ તો “સ્ત્રીઓ પંડિત થાય, રસજ્ઞ થાય, કુટુંબપોષક થાય, સ્વસ્થ થાય, શરીરે બળવતી, રોગહીન અને સુંદર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુંબબંધનમાંથી તેઓ મુક્ત-સ્વતંત્ર થાય, જો તે મુક્તતાથી અને સ્વતંત્રતાથી કુટુંબની મુખ્ય ઇચ્છાઓ અને ક્લેશોમાંથી છૂટી, એ કુટુંબનું ખરું કલ્યાણ કરવા શક્તિમતિ અને ઉત્સાહિની બને. સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, અને પ્રજા વિના રાજ્ય નથી... સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે." ‘સુંદરી સુબોધ' એવે સમયે શરૂ થયું હતું જે સમયે ગુજરાતમાં આરંભાયેલી કન્યાકેળવણી અડધી સદી પસાર કરી ચૂકી હતી. પરિણામે 'સુંદરી સુબોધ'માં ગુજરાતનાં નવશિક્ષિત નારીવર્ગની વિચારધારાનો પડઘો ઝીલાયો છે. આ દૃષ્ટિએ ‘સુંદરી સુબોધ' નારીઅભ્યાસ ક્ષેત્રનું એક મહત્ત્વનું સોપાન બની રહે છે.

સ્ત્રી હિતોપદેશ : વાર્ષિક મુખપત્ર
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯

આ સામયિક ‘ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ'નું વાર્ષિક મુખપત્ર હતું. આ સામયિકનો મુદ્રાલેખ કન્યાકેળવણીનો મહિમા કરે છે – ‘દેશોન્નતિનું મૂળ કન્યાકેળવણી.' આ સામયિકનાં સ્થાપક જમના-બહેન સક્કાઈ, જડાવબહેન મોતીવાલા, લક્ષ્મીબહેન જગમોહનદાસ, જમનાબહેન માળવી વગેરે મુંબઈની શ્રીમંત અને અગ્રણી મહિલાઓ હતી. આ સામયિક નારીજાગૃતિ અને સમાજસુધારણાની સાથોસાથ કોમી એકતા અને રાષ્ટ્રભાવનાને પણ વરેલું હતું. હિંદુ, મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી વગેરે તમામ કોમની સ્ત્રીઓને એકતા માટે આ સામયિકે ભારપૂર્વક અપીલ કરી હતી. હિંદુ સ્ત્રીમંડળ દ્વારા ચલાવાતું હોવા છતાં તેમાં સર્વ કોમની સ્ત્રીઓના લેખને સ્થાન અપાયું. સ્ત્રીઓની એકતા ઉપર આ સામયિકે કેવો ભાર મૂક્યો હતો તે 'અમૃતવાણી' કોલમમાં મોટા અક્ષરે લખાયેલી આ વિગત જોતાં સમજાશે : “સ્ત્રીઓ જ્યાં સુધી તેમના સઘળા ભેદભાવો ભૂલીને સ્ત્રીજાતિ તરીકે એકઠી નહીં થાય ત્યાં સુધી તેમનો ઉદ્ધાર નથી.” ‘સ્ત્રી હિતોપદેશ'ના ઈ.સ. ૧૯૧૩ના અંકમાં પણ દેશોન્નતિનો આધાર સ્ત્રીજાગૃતિ હોવાનું દર્શાવાયું છે. એ નોંધ આ પ્રમાણે છે : “બહેનો, એ તો ચોક્કસ છે કે જ્યારે સ્ત્રીઓની સ્થિતિ સુધરશે ત્યારે જ દેશની ખરી આબાદી થઈ શકશે. ભવિષ્યની પ્રજાની સુખાકારી વધારવા આપણે હવે માનસિક અને શારીરિક બળ કેળવવું પડશે અને લડતો લડવી પડશે. આપણી બહેનો પોતાની ફરજો સમજનારી થવી જોઈએ અને શુભ હેતુ રાખીને પોતાનાથી બનતી કોઈ નવી લાઈનમાં કંઈક ખાસ કરનારી થાય એમ થવું જોઈએ.” આ સામયિકમાં સ્ત્રીઓના લેખોને જ પ્રાધાન્ય અપાતું. 'સ્ત્રી હિતોપદેશ'નું લેખકમંડળ વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, હરિસુખગૌરી વામનરાવ, પ્રેમિલા દિવેટિયા, કૃષ્ણાગૌરી રાવલ, બદરુદ્દીન લુકમાની, જમનાબહેન સક્કાઈ, વસંતબા પંડયા, વેલાંબાઈ દ્વારકાદાસ વગેરે શિક્ષિત નારીઓનું હતું. ‘સ્ત્રી હિતોપદેશ'માં રડવા-ફૂટવાના રિવાજ સામે પ્રચંડ અવાજ ઉઠાવાયો હતો. એ જ રીતે તેમાં ધનિક સ્ત્રીઓની સ્વચ્છંદી રીતભાત સામે પણ આકરા પ્રહારો કરવામાં આવતા હતા તથા તેમને તેમની સંપત્તિ જનસેવા માટે વાપરવાની શીખ અપાતી હતી. ‘સ્ત્રી હિતોપદેશ’માં હિંદુ સ્ત્રી મંડળ દ્વારા થતી રાષ્ટ્રસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓની ઝાંખી પણ અપાતી હતી. આ સંસ્થા ઈ.સ. ૧૯૦૮થી દાદાભાઈ નવરોજજીની જન્મજયંતીની ઉજવણી કરતી હતી. ઈ.સ. ૧૯૧૪નાં ડિસેમ્બરમાં ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકા છોડીને હિંદમાં કાયમી વસવાટ માટે મુંબઈ ઊતર્યાં ત્યારે આ સંસ્થાએ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું હતું અને ‘સ્ત્રી હિતોપદેશ'માં તેમને બિરદાવતાં વાક્યો સાથે તેમના ફોટોગ્રાફ છાપ્યા હતા.

વનિતા વિજ્ઞાન : માસિક મુખપત્ર
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯
તંત્રી : નાનીબહેન (શિવગૌરી) ગજ્જર તથા બાજીગૌરી મુનશી

‘વનિતા વિજ્ઞાન' સામયિક ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં સ્થપાયેલી અને આજે જેની શૈક્ષણિક- સામાજિક પ્રવૃત્તિઓ વડલાની જેમ વિસ્તરી છે તે 'વનિતા વિશ્રામ' સંસ્થાનું મુખપત્ર હતું. આ સંસ્થા અને તેના મુખપત્રનાં સ્થાપક નાનીબહેન અને બાજીગૌરી બાળવિધવા હતાં, પરંતુ દૃઢ મનોબળ તથા સાહસથી એમણે પોતાનાં જીવનને પરંપરાની ગર્તામાંથી ડૂબતું બચાવ્યું હતું. એટલું જ નહીં, ઉપરોક્ત સંસ્થા અને સામયિક દ્વારા અનેક સ્ત્રીઓની જીવનનૈયાને દીવાદાંડીનો ઉજાસ અને દિશાનિર્દેશ પૂરો પાડયો હતો. ‘વનિતા વિજ્ઞાન' સામયિકમાં મોટે ભાગે સ્ત્રીઓના લેખો જ પ્રસિદ્ધ થતા હતા. ‘વનિતા વિશ્રામ'માં આશ્રય પામેલી વિધવાબહેનો તથા આત્મનિર્ભર બની શકેલી બહેનોના સ્વાનુભવો આ સામયિકમાં અવારનવાર પ્રકાશિત થતા હતા. નારીઅભ્યાસની દૃષ્ટિએ આ લેખો મૂલ્યવાન છે.

ગુલશન : માસિકપત્ર
સ્થાપના : ઈ.સ. ૧૯૧૩
તંત્રી : દિનશા ભાગળિયા
છેલ્લો અંક : ઈ. સ. ૧૯૨૧

નવસારીથી પ્રગટ થતા આ માસિકમાં હિંદુ અને પારસી સ્ત્રીઓના બે વિભાગો હતા. આ સામયિકમાં નવલકથા, વાર્તા, કવિતા વગેરે સર્જનાત્મકકૃતિઓ તેમ જ પારસી અને હિંદુ સમાજને સ્પર્શતા લેખો પ્રકાશિત થતા હતા. આ સામયિકે 'ખાસ સચિત્ર હિંદુ સ્ત્રી અંક' તથા 'પારસી બાનુઓ માટેનો ખાસ અંક’ પ્રકાશિત કર્યો હતો. આ ખાસ અંકો અનુક્રમે વિદ્યાગૌરી નીલકંઠ તથા પારસી બહેન થેલ્માએ તૈયાર કર્યા હતા. આ સામયિક માત્ર આઠ વર્ષ ચાલીને ઈ.સ. ૧૯૨૧માં બંધ પડ્યું હતું.

ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ: માસિકપત્ર
સ્થાપના : ઈ.સ. ૧૯૩૪
આદ્યતંત્રી અને સ્થાપક : જયકૃષ્ણ ના. વર્મા
તંત્રીઓ : આરંભે પ્રેમલીલા મહેતા અને વિદ્યુલતા દેસાઈ, પછીથી જયવતીબહેન દેસાઈ

ઈ.સ. ૧૯૩૪થી ‘ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ' માસિકપત્ર રૂપે શરુ થાય છે. આ સામયિકના મુખપૃષ્ઠ ઉપર 'ગુણસુન્દરી' મોટા અક્ષરે તથા 'સ્ત્રી હિતોપદેશ' તેનાથી નાના અક્ષરે છપાતું હતું. તેના સ્થાપક અને આદ્યતંત્રી જયકૃષ્ણ ના. વર્મા પછીથી લુણાવાડા રાજ્યના દીવાન બન્યા હતા. આ સામયિકમાં સ્ત્રી સંગઠનોની દેશવ્યાપી પ્રવૃત્તિઓ, વિશ્વની અગ્રણી મહિલાઓ અને તેમની સિદ્ધિઓનો પરિચય કરાવતા લેખોને મોટું સ્થાન અપાયું હતું. સ્ત્રીજગતને પ્રેરવામાં, તેમને ઊંચા માપદંડો પ્રત્યક્ષ કરાવી આપવામાં, એમનામાં ઉત્સાહ પ્રેરવામાં આ સામયિકની મોટી ભૂમિકા રહી છે. ઈ.સ. ૧૯૩૭ના જાન્યુઆરીના અંકમાં ‘ફૂલવેલી' વિભાગમાં ‘‘જુદા જુદા દેશોમાં સ્ત્રીઓનો દરજ્જો અને અધિકાર” શીર્ષકથી રાષ્ટ્રસંઘમાં થયેલી ચર્ચાનો ખ્યાલ આપતાં લખાયું છે કે : “રાષ્ટ્રસંબંધી સભામાં ઉપરોક્ત વિષયે ચર્ચા-વિચારણા કરવામાં આવી, જેમાં સ્ત્રીઓના મુખ્ય પ્રશ્નો, દેશત્વના અધિકારની સમાનતા, પાર્લામેન્ટની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર, મિલકત, આવક, કમાણી વગેરેમાં સમાન અધિકાર આપવો આવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી.” આ સામયિકમાંના પ્રાંતિક સ્ત્રી પરિષદો, અખિલ ભારતીય મહિલા પરિષદ, મહાગુજરાત મહિલા પરિષદ વગેરેની પ્રવૃત્તિઓના અહેવાલો ઘણું મોટું દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. ઈ.સ.૧૯૩૮ના ફેબ્રુઆરીના અંકમાં કરાંચીમાં ભરાયેલી મહાગુજરાત મહિલા પરિષદની વિસ્તૃત વિગતો અપાઈ છે. આ પરિષદના પ્રમુખસ્થાને જાણીતાં લેખિકા અને સમાજસેવિકા લીલાવતી મુનશી હતાં. આ સામયિકમાં તુર્કસ્તાનની સ્ત્રીઓ, ચીનની સ્ત્રીઓ, પોલાન્ડની નારી વગેરે શીર્ષકથી વિવિધ દેશની અગ્રણી નારીઓનો પરિચય અપાયો છે. આ સામયિકમાં પ્રકાશિત થયેલા “સ્ત્રીઓ અને નવું બંધારણ”, “ઇંગ્લૅન્ડમાં કન્યા કેળવણી”, “અમેરિકાની સ્ત્રીશક્તિ' વગેરે લેખો આ સામયિકની સીમા કેટલી વિશાળ હતી તેનો ખ્યાલ આપે છે. વિશ્વભરની મહિલાપ્રવૃત્તિનો ચિતાર આપતું આ સામયિક સ્ત્રીજાગૃતિના ઇતિહાસનો એક મજબૂત આલેખ આપે છે.

સ્ત્રી જીવન : માસિકપત્ર
સ્થાપના :
આદ્ય સંપાદક : મનુભાઈ જોધાણી
સંપાદકો : વસંત જોધાણી, વાડીલાલ જોધાણી

મનુભાઈ જોધાણી દ્વારા શરૂ કરાયેલું ‘સ્ત્રી જીવન' સામયિક સ્વાતંત્ર્યોત્તર ગુજરાતની નારી- ચેતનાને પ્રગટ કરે છે. ‘સ્ત્રી જીવન'નો મુદ્રાલેખ “વજ્રાદપિ કઠોરાણિ મૃદુની કુસુમાદપિ” હતો. આ ઉપરાંત તેમાં “સ્ત્રીજીવનમાં શીલ, સંસ્કાર અને સૌન્દર્ય પ્રેરતું સ્ત્રીઓનું માસિક” તથા “શીલ, સંસ્કાર અને શિક્ષણ પ્રેરતું મહિલા અને યુવતીનું પોતીકું સામયિક" વગેરે સૂત્રો પણ જોવાં મળે છે. આ સામયિકના લેખકમંડળમાં સુન્દરમ્, ગુણવંત-રાય આચાર્ય, ગોપાળરાવ વિદ્વાંસ, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર, રામપ્રસાદ બક્ષી તેમ જ જયમનગૌરી પાઠકજી, ગંગાબહેન પટેલ, સુશીલાબહેન ઝવેરી, વસુબહેન ભટ્ટ, પદ્માબહેન ફડિયા, ધીરજબહેન પારેખ, રંભાબહેન ગાંધી વગેરે નામાંકિત સાહિત્યકારોનો સમાવેશ થયો છે. હકુભાઈ શાહ જેવા કલામર્મજ્ઞના લેખ તેમ જ મૂળજીભાઈ પી. શાહની “સંગીત ક્ષેત્રે ભારતીય નારી” લેખમાળા આ સામયિકને કળાજગત સાથે જોડે છે. આ સામયિકના એકાધિક અંકોમાં કંકોત્રીનાં ગીતો, મોસાળાં, પીઠી, માંડવો, ચાક વધાવવાનાં ગીતો વગેરે મૂલ્યવાન સામગ્રી પ્રકાશિત થઈ છે. એ જ રીતે “પારસી લોકોનાં લગ્નગીતો” પણ અભ્યાસની રસપ્રદ સામગ્રી પૂરી પાડે છે. મંજુલાલ મજમુદાર જેવા અભ્યાસી પાસેથી "લગ્ન અને લગ્નગીતો” તથા ‘'આપણા રાસ વગેરે મૂલ્યવાન લેખો આ સામયિકને મળ્યા છે. ‘સ્ત્રીજીવન'માં “પૂછપરછ’” વિભાગમાં આરોગ્ય તેમ જ સ્ત્રીના સામાજિક પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન અપાતું હતું. “સ્ત્રીજગત સમાચાર" વિભાગમાં વિશ્વભરની સ્ત્રીપ્રવૃત્તિની માહિતી અપાતી. આ સામયિકમાં “પુસ્તક પરિચય” વિભાગ પણ હતો. આ રીતે સ્ત્રીજાગૃતિને કેન્દ્રમાં રાખવાની સાથે જ કંઠોપકંઠ પરંપરાનું તરતું સાહિત્ય, મૌલિક સાહિત્ય અને અભ્યાસલેખોને સમાવતું આ સામયિક સ્ત્રીજીવનના ક્ષિતિજ વિસ્તારનું પરિચાયક પણ બને છે. ઉપરોક્ત સામયિકો વિશે વિસ્તૃત વિચારણા કર્યા પછી હવે એવાં સ્ત્રી-સામયિકોની વિગતો અહીં નોંધવી છે, જેનું પ્રકાશન લાંબા સમય સુધી ભલે ન થયું હોય પરંતુ સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી સામયિકોની પ્રવૃત્તિના સાતત્યને જાળવવામાં જેનું યોગદાન રહ્યું છે. આ સામયિકોની સંક્ષિપ્ત વિગતો આ પ્રમાણે છે –

  • 'સરસ્વતી' : ઈ.સ. ૧૯૧૫, તંત્રી- દાવર બહેનો.
  • 'સ્ત્રી શક્તિ' : ઈ.સ. ૧૯૩૧ - મે, તંત્રી - શરુઆતમાં ઊર્મિલાબહેન મહેતા, પછીથી સૂર્યલક્ષ્મી ધર્મદાસ, સાપ્તાહિક પત્ર, પ્રકાશક- ગાંડિવ સાહિત્ય મંદિર, સુરત.
  • 'ભગિની' : ભારતીય સંઘની બહેનો માટેનું સામયિક, તંત્રી – પ્રારંભમાં દેવીબહેન પટ્ટણી. આ સામયિક થોડો સમય બંધ પડ્યા પછી ફરી શરુ થયું ત્યારે પુષ્પાબહેન મહેતાએ તંત્રી તરીકે સેવા આપી હતી. માસિકપત્ર.
  • 'મહિલામિત્ર' : થોડો સમય વિદ્યાબહેન નીલકંઠે સંપાદન કર્યું હતું.
  • 'મહિલા સમાજ દર્પણ' : તંત્રી - કમળાબહેન બેતવાલ, પાક્ષિક પત્ર (અમદાવાદ).
  • 'જાગૃતિકદમ' : તંત્રી- સવિતાબહેન શાહ (ભૂજ- કચ્છ).
  • 'પદ્મિની' : 'ગુણસુંદરી અને હિતોપદેશ' સામયિકના જુલાઈ ૧૯૩૯ના અંકના આરંભે 'પદ્મિની'ની અડધા પૃષ્ઠની જાહેરાત અપાઈ છે. જેમાં આ સામયિક વડોદરા રાજ્યની લાઈબ્રેરીઓ માટે મંજૂર થયું છે એ વિગત સાથે ‘‘નારી વર્ગનું સંસ્કારી અને સચિત્ર માસિક" એવી નોંધ અપાઈ છે. આ સામયિકનું વાર્ષિક લવાજમ રૂા.૪.૦૦ હતું. ઈ.સ. ૧૯૩૮માં તેનો આરંભ થયો હતો. પદ્મિની કાર્યાલય, ૨૪૫૬, ભદ્ર, અમદાવાદથી આ સામયિકનું પ્રકાશન થતું હતું.
  • 'નવનિર્માણ' : અખિલ હિંદ મહિલા પરિષદ, અમદાવાદ શાખાનું ત્રિમાસિક મુખપત્ર.
  • 'ફોરમ' : અખિલ હિંદ મહિલા પરિષદ, સુરત શાખાનું માસિક મુખપત્ર, આદ્યતંત્રી - કુસુમબહેન શાહ, તંત્રી-ભારતી દલાલ, વંદના દેસાઈ.
  • 'ઋતા' : અખિલ હિંદ મહિલા પરિષદ, બૃહત્ સુરત શાખાનું મુખપત્ર. સંપાદક - ધ્રુવલતા પારેખ, ભક્તિ શુકલ, દીના ઘડિયાળી, નિરંજના ઝવેરી.
  • 'અનસૂયા' : સ્થાપના - ઈ.સ.૧૯૮૨, સ્વાશ્રયી મહિલા 'સેવા'નું પાક્ષિક, સ્થાપક તંત્રી – જયંતિકા જયંતભાઈ.
  • 'જ્યોતિ' : હીરાબા મહિલા મંડળ, ખેડાનું મુખપત્ર. તંત્રી - પલ્લવી દેસાઈ.
  • 'નારીમુક્તિ' : સંપાદક - સોનલ શુક્લ, વિભૂતિ પટેલ, નીરા દેસાઈ. ત્રિમાસિક પત્ર.


ગુજરાતી સ્ત્રી-સામયિકો સંદર્ભે ગુજરાતી વર્તમાનપત્રોના મહિલાઓ માટેની સાપ્તાહિક પાક્ષિક પૂર્તિઓની પણ નોંધ લેવી જોઈએ -

  • 'સ્ત્રી' : ઈ.સ. ૧૯૬૨, તંત્રી - લીલાબહેન પટેલ અને રીટાબહેન પટેલ. કાર્યવાહક તંત્રી અને સંપાદક - રૂપમ શાહ. વર્તમાનપત્ર 'સંદેશ' દ્વારા પ્રકાશિત.
  • 'શ્રી' : ઈ.સ. ૧૯૬૪, તંત્રી - સ્મૃતિબહેન શાહ, કાર્યવાહક તંત્રી અને સંપાદક - બેલા ઠાકર (ઘણા સમય સુધી). 'ગુજરાત સમાચાર' દ્વારા પ્રકાશિત.
  • 'સખી' : ઈ.સ. ૧૯૮૪, પ્રારંભે માસિક, ઈ.સ. ૧૯૯૩થી પાક્ષિક, તંત્રી - સીતાબહેન શાહ, કેટલોક સમય પુનિતા હર્ણે, વર્તમાનપત્ર 'જયહિંદ' દ્વારા પ્રકાશિત.
  • 'સુધા' : તંત્રી - સહતંત્રી - વર્ષા અડાલજા, જયા મહેતા. 'જન્મભૂમિ' જૂથનું પ્રકાશન.
  • ‘ગૃહશોભા’ : ઈ.સ. ૧૯૮૯, સંપાદક – ગીતા કપૂર.

વિવિધ વર્તમાનપત્રો દ્વારા પ્રકાશિત થતાં ઉપરોક્ત સાપ્તાહિકોમાં મોટેભાગે ગૃહઉપયોગી બાબતો, પાકશાસ્ત્ર, બાળઉછેર, હસ્તકળા, સૌંદર્યની જાળવણી, આરોગ્ય, વ્યક્તિત્ત્વ વિકાસ, સામાજિક પ્રશ્નો વગેરે બાબતો જ કેન્દ્રમાં રહે છે. વિવિધરંગી તસવીરો અને મુદ્રણકળાની આધુનિક ટેકનૉલોજીથી નયનરમ્ય બનેલાં આ સાપ્તાહિકોમાં લાભુબહેન મહેતા, વર્ષા અડાલજા, તરુ કજારિયા, જયા મહેતા જેવાંની કલમ અને દૃષ્ટિનો લાભ મળ્યો છે એવા કેટલાક અપવાદોને બાદ કરતાં સાહિત્યિક ગુણવત્તા પ્રમાણમાં ઓછી જ જોવા મળે છે. સમગ્રપણે જોઈએ તો સાંપ્રત સમય સુધીની ગુજરાતી સ્ત્રી-સામયિકોની યાત્રા અંધકારથી ઉજાસ તરફની યાત્રા છે. અલબત્ત, કુરિવાજોની જાળમાં તરફડતી સ્ત્રી કન્યાકેળવણીની દોઢ-પોણા બે સદી પછી આજે ભલે પ્રમાણમાં મુક્ત થઈ હોય, પરંતુ એ પછી પણ સ્ત્રી-સામયિકોના પાને તેને એ વિસ્તારની યાત્રા કરાવે તેવી સામગ્રીને બદલે એ જ પારંપરિક વિષયોની સીમારેખામાં રહેવાનું આવે છે. પાકશાસ્ત્ર, બાળઉછેર, સૌંદર્ય પ્રસાધન એ જ જાણે હજુ સ્ત્રીજીવન હોય એવું ચિત્ર આ સાપ્તાહિકો રજૂ કરે છે. વળી, અચ્યુત યાજ્ઞિક કહે છે તેમ શ્રમજીવી કે આદિવાસી મહિલા આમાં ક્યાંય નથી.


સાહિત્યિક સામયિકો, સંપા. હસિત મહેતા,પૃ.૧૪૫-૧૫૬, ૨૦૧૨