નારીસંપદાઃ વિવેચન/ડાયરીનું સાહિત્યસ્વરૂપ અને તેનો વિકાસ
૩૭
નલિની દેસાઈ
માનવી પોતાના અંગત અનુભવોની અભિવ્યક્તિ ઝંખતો હોય છે. ક્યારેક વ્યક્તિ પોતાના રોમાંચક જીવનની રસભરી ઘટના કહેવા માગતો હોય છે, તો ક્વચિત્ પોતાના વિશિષ્ટ જીવનકાળની આગવી મુદ્રા વાચકોને દર્શાવવા ચાહતો હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાની જીવનસંધ્યાએ ઊભા રહીને ગત કાળ પર દૃષ્ટિપાત કરતી હોય છે, તો કેટલીક વ્યક્તિઓ જીવનની સ્મરણીય ઘટનાઓને યાદ કરીને આલેખતી હોય છે. આત્મકથામાં અતીતને તાંતણે અને સ્મૃતિના દોર પર ચાલવાનું હોય છે. એમાં વ્યક્તિની યાદશક્તિ ઘણો મોટો ભાગ ભજવતી હોય છે, કારણ કે એના ભૂતકાળના પ્રસંગોની આસપાસ વિસ્મૃતિનું ધુમ્મસ ઘેરાઈ ચૂક્યું હોય છે. આની સામે ડાયરીનું સ્વરૂપ એવું છે કે જ્યાં વિસ્મૃતિનો કોઈ ભય નથી. આત્મચરિત્રમાં આલેખકનું લક્ષ ભૂતકાળ તરફ હોય છે, જ્યારે ડાયરીમાં એ ક્ષણે-ક્ષણ વર્તમાનને જીવતો અને શબ્દબદ્ધ કરતો હોય છે. વ્યક્તિ પોતે જેવું જીવન જીવતો હોય એવું જીવનને વર્તમાન પર સ્થિર રહીને આલેખતો હોય છે. વ્યક્તિની ચીવટ, નિષ્ઠા અને સતત જાગૃતિની આમાં અપેક્ષા રહે છે. બનેલી ક્ષણો તાજી હોય ત્યારે જ એને શબ્દમાં સાકાર કરી દે છે. ‘ડાયરી' મૂળ અંગ્રેજી શબ્દ છે. તેને ગુજરાતીમાં 'રોજનીશી' કહીએ છીએ. મૂળ લૅટિન રૂપ 'ડાયસ' (Dies) ઉપરથી ‘ડિયારિયમ' (Diarium) અને એ પરથી અંગ્રેજી ભાષામાં 'ડાયરી' (Diary) શબ્દ ઊતરી આવેલ છે. પોતાની યાદગીરી માટે વ્યક્તિએ રાખેલ રોજ-બ-રોજના બનાવોની નોંધ એ પોતાની રોજનીશીમાં કરે છે. ગ્રીક લોકોનું એફેમેરિસ (ephemeris) એ 'ડિયારિયમ'(Diarium)નું મૂળ નામ છે. ‘રેનેસાં'ના યુગ પછી રોજનીશીનું કાંઈક સાહિત્યિક મૂલ્ય થવા લાગ્યું. ત્યાં સુધી તો 'એફેમેરિસ'માં માત્ર લશ્કરી હિલચાલોની, અવકાશમાં ભ્રમણ કરતા ગ્રહોની અને નાણાકીય હિસાબોની નોંધ થતી. રોજનીશીના નવસંસ્કરણ પછી જ તેમાંથી ઇતિહાસકારોને ઐતિહાસિક નોંધોમાં જેની નોંધ ન લેવાયેલી હોય તેવી સત્ય હકીકતો સંપન્ન થઈ; તેટલું જ નહીં, તેમાંથી તેમને લેખકના સમયનું સામાજિક ચારિત્ર્યનું ચિત્ર અને લેખકના સમયના રોજ-બ-રોજના વ્યક્તિગત જીવનવ્યવહાર પણ જાણવા મળ્યા. અંગ્રેજી સાહિત્યની બહુ જ પ્રખ્યાત રોજનીશીઓમાં જહૉન ઍલ્વિન (૧૬૨૪-૧૭૦૬), સેમ્યુઅલ પેપિસ (૧૬૬૦-૬૯)ની ગણાય. બહુ જ મૂલ્યવાન વિગતોની ઝીણવટભરી જેમાં વિગતો નોંધાઈ છે તેવી સ્વિફ્ટ્સ જર્નલ ટુ સ્ટેલા (૧૭૧૦-૧૩), જ્હૉન વેસ્લેસ જર્નલ (૧૭૩૫-૯૦), બોસવેલ્સ જર્નલ (૧૭૬૨-૭૬) અને ફેની બર્નિસ ડાયરી (૧૭૭૮-૧૮૪૦) જાણીતી રોજનીશીઓ ગણાય છે. મેરી બરકીરત્સોવનું જર્નલ જ્યારે પૅરિસમાં ૧૮૮૭માં અને જૂલી અને એડમંડ દ કોન્સર્ટનું જર્નલ ૧૮૮૮માં પ્રકાશિત થયાં ત્યારે તો એક પ્રકારની હલચલ મચી ગઈ હતી. ડાયરીની વ્યાખ્યા : ડાયરીને 'રોજનીશી', 'વાસરિકા', 'વાસરી' કે 'દૈનંદિની' પણ કહેવામાં આવે છે. ગુજરાતના દુરારાધ્ય વિવેચક શ્રી બલવંતરાય ઠાકોરે તો એને માટે 'દિન્કી' શબ્દ આપ્યો હતો. આ બધા જ પર્યાયો સૂચવે છે કે આનું આલેખન રોજેરોજ થતું હોય. એમાં પ્રત્યેક દિવસની ઘટનાઓ રજૂ થતી હોય. એમાં લખનારની આપવીતી તો હોય જ પણ એ આપવીતી કૅલેન્ડરની તારીખ સાથે જોડાઈને આવતી હોય તો કેસલે તેને રોજ-બ-રોજની આત્મકથા કહી છે. Encyclopaedia Britannica ડાયરીની વ્યાખ્યા નીચે મુજબ આપે છે !— 'The book in which are preserved the daily memorandums regarding events and actions which come under the writer's personal observation or are related to him by others. (ડાયરી એટલે વ્યક્તિગત નિરીક્ષણમાં અથવા તેણે બીજી વ્યક્તિ દ્વારા જાણેલા રોજેરોજના પ્રસંગો અને બનાવોની નોંધ જેમાં કરી હોય તે નોંધપોથી.) આ વ્યાખ્યામાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે સર્જકના પોતાના અંગત અનુભવો તો ખરા જ, પણ એને બીજી વ્યક્તિએ કહેલા અનુભવો આમાં શબ્દદેહ પામતા હોય છે. માત્ર બનાવો જ નહિ પણ ક્રિયાકલાપો કે પ્રવૃત્તિઓનો પણ આમાં સમાવેશ થતો હોય છે. આ રીતે ડાયરીના એક સર્વસામાન્ય લક્ષણને આમાં આલેખાયેલું જોઈ શકાય છે. કદાચ Daily memo- randums શબ્દ કાઢી નાંખીએ તો આ વ્યાખ્યા આત્મકથાને પણ લાગુ પાડી શકાય. આ વ્યાખ્યા એ બાબત પર વિશેષ ભાર મૂકે છે આ અનુભવો personal and intimate natureના હોવા જોઈએ. એનો અર્થ જ એ કે ડાયરી દ્વારા આપણે એના લેખનના અંતઃકરણના ભાગોને સીધો સ્પર્શ કરતા હોઈએ તેવો અનુભવ થવો જોઈએ. આના ઉપર ભાર મૂકતાં Modem Refer- ence Encyclopaedia ડાયરીની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે : 'A day by day chronicle of events, usually of a personal and intimate nature, kept by an individual.’ (ઘણું કરીને વ્યક્તિગત અને અંગત પ્રકારના રોજેરોજના બનાવોની ક્રમસર નોંધ જે વ્યક્તિએ રાખેલ હોય તે નોંધપોથી કે ડાયરી કહેવાય.) મરાઠી વિશ્વકોશમાં ડાયરીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે: ‘રોજબરોજના અનુભવની વિશિષ્ટ નોંધ જેમાં હોય એવો વાઙ્મય પ્રકાર.' મૂળ તો કેટલાક વ્યવહારિક ઉદ્દેશોને કારણે જેનું નિર્માણ થયું છે; એવી દૈનંદિનીને આગળ જતાં કાળના પ્રવાહમાં આશય અને પ્રકૃતિને અનુરૂપ વાઙ્મયી. આ વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે ડાયરીલેખક પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ તથા અનુભૂતિક્ષણોની રોજેરોજ નોંધ રાખે છે. ઉપરાંત બીજી વ્યક્તિઓ પાસેથી પોતે સાંભળેલી વાતોને પણ નોંધે છે. આમાં નોંધાતી વિગતો ક્ષુલ્લક હોય અથવા વિરલ હોય, પરંતુ લેખકના ચિત્ત પર થયેલી અસરની આ તાજી નોંધ હોય છે. આંતરબાહ્ય જગતમાં ઘટેલી કોઈ પણ ઘટના એમાં લિપિબદ્ધ થાય એ એની એક અનિવાર્ય શરત છે. લેખકની ભાવસ્થિતિ, ફુરસદ અને સંજોગોને અનુલક્ષીને દિનાન્તે વિશેષતઃ લખાતી હોવાથી પ્રત્યેક દિવસ દરમ્યાન જે કાંઈ એ દિવસ પૂરતું અગત્યનું બને છે તેની નોંધ ડાયરીલેખક રાખતો હોય છે. ડાયરી નિયમિત લખાય એ એક આદર્શ હોવા છતાં, તેનું પાલન સર્વને સર્વથા અનુકૂળ રહેતું નથી. તેથી ક્યારેક તે બે-ચાર દિવસને અંતરે તો ક્યારેક બે-ચાર અઠવાડિયાં બાદ પણ લખાય છે. વચ્ચે-વચ્ચે લખવાનું રહી જાય છે. વળી ફરીથી શરૂ થાય છે. એમ ક્યારેક અનિયમિત નિયમિતતાથી પણ ડાયરી લખાતી હોય છે; જેમ કે, 'નરસિંહરાવની રોજનીશી'. ક્યારેક જીવનના અમુક તબક્કાની ડાયરી લખાઈને હંમેશ માટે લખવાની ભુલાઈ જાય છે, આમ છતાં એમાં જે કાંઈ લખાય છે તે એના ચિત્ત પર થયેલી અસરોની તાજી નોંધ હોય છે. આને કારણે વ્યક્તિ પોતાના જીવનની નોંધરૂપે પણ ડાયરી લખતી હોય એવું બને. આથી પ્રકાશિત ડાયરીઓ કરતાં અપ્રકાશિત ડાયરીની સંખ્યા ઘણી વિપુલ હોય છે. યુવાનીના કાળમાં ઘણી વ્યક્તિઓ ડાયરી લખતી હોય છે. જીવનના જુદા-જુદા શોખની માફક કેટલાકે ડાયરી-લેખનનો શોખ કેળવ્યો હોય છે. ભલે વ્યક્તિ સામાન્ય હોય તેમ છતાં એ ડાયરી લખતી હોય છે. જ્યારે આત્મકથા તો કંઈક વિશિષ્ટ અનુભવસંભાર ધરાવતી વ્યક્તિ જ લખતી હોય છે. નિજાનંદની રમણીય લીલાથી પણ ડાયરી લખાતી હોય છે. એમાં વ્યક્તિની સ્થિતિ, પ્રવૃત્તિ, પદ કે પ્રતિષ્ઠા કોઈનુંયે બંધન હોતું નથી. એમ કહી શકાય કે ડાયરીલેખન એ દરેક વ્યક્તિને મળેલો જન્મસિદ્ધ અધિકાર છે. અપ્રગટ ડાયરીઓમાંની ઘણી તો અપ્રગટ જ રહે છે; પણ ક્યારેક કોઈ અપ્રગટ ડાયરી પ્રગટ થતાં આ સ્વરૂપમાં નવો ઉમેરો પણ કરે છે; જેમ કે, 'The Diary of a Young Girl'માં એક યહૂદી યુવતીએ નાઝી જર્મનોનો ત્રાસ કઈ રીતે સહન કર્યો તેનું જીવંત આલેખન છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુરોપના નાઝી કબજાના સમયની એક અતિ મૂલ્યવાન ડાયરી એક યહૂદી યુવતી ઍની ફ્રેન્કની ગણાય છે. ઍની ફ્રેન્કે ૧૯૪૨થી ૧૯૪૪ સુધીનાં વર્ષોની ડાયરી લખી છે. ઍની ફ્રેન્કનું ટાઇફસ રોગથી નાઝી યાતના કૅમ્પમાં મૃત્યુ થયેલું. ઍની ફ્રેન્કના પિતા, જે તેના કુટુંબમાંથી એક માત્ર જીવતા રહ્યા હતા તેણે આ ડાયરી 'The Diary of a Young Girl' (૧૯૫૩)ના નામે પ્રકાશિત કરી અને પાછળથી તેનું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને તે ઉપરથી તેનું નાટ્યરૂપાંતર પણ થયું અને ભજવાયું. ઘણી વ્યક્તિઓએ જેલમાં રહીને પોતાની ડાયરી લખી છે. ડૉ. સુમંત મહેતા જ્યારે જેલમાં હતા તે દરમ્યાન તેમણે જે નોંધ રાખી તેનું પુસ્તક ‘મારી જેલ ડાયરી' શીર્ષકથી પ્રગટ થયું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ તેમાં લેખકના જેલના અનુભવો વર્ણવાયા છે.
ડાયરીલેખનનો હેતુ : ડાયરીનું સ્વરૂપ ક્યારેક ટાંચણ સ્વરૂપનું તો ક્યારેક વિસ્તૃત અહેવાલ રૂપે હોય છે, જેમ કે, નરસિંહરાવની રોજનીશીમાં માત્ર ટાંચણરૂપે ડાયરી મળે છે, જ્યારે ગોવર્ધનરામની 'મનનનોંધ' વિસ્તૃત સ્વરૂપે લખાયેલી છે. ક્યાંક તો ગોવર્ધનરામની 'મનનનોંધ' એટલી વિસ્તૃત રીતે લખાયેલી છે કે લેખક જાણે એમાં એના પ્રત્યેક સંવેદન, પ્રત્યેક શ્વાસનો ઇતિહાસ આપવા પ્રવૃત્ત થયા હોય તેવું લાગે. મનુબહેન ગાંધીને મહાત્મા ગાંધીજી રોજનીશીમાં શું લખવું જોઈએ તે વિશે કહે છે : “મનમાં આવેલ વિચારો લખવા જોઈએ. જે જે વાંચ્યું હોય તેની નોંધ લેવી જોઈએ. ‘વગેરે’ ન હોવું જોઈએ. રોજનીશીમાં 'વગેરે' શબ્દને સ્થાન નથી. જેની પાસે જે ભણે તે લખવું. તેમ કરવાથી કેટલું કેટલું વાંચ્યું તે જણાઈ આવશે. જે વાતો થઈ હોય તે લખવી.” આમ ડાયરી પણ આત્મવિકાસાર્થે કે આત્મપરીક્ષણ માટે લખવામાં આવે છે. ગાંધીજી રહ્યા સત્યના ઉપાસક. દરેક રોજનીશી આત્મપરીક્ષણના હેતુ માટે લખવામાં આવતી નથી. 'આના' જેવી છોકરી ડાયરીલેખન દ્વારા એની એકાંતવાસની ક્ષણોને જીરવવા સમર્થ નીવડે છે. ડાયરી એને મિત્રસમાગમની હુંફ આપે છે. ડાયરી ભાવકનિરપેક્ષ હોય છે. આમ છતાં ઘણા ડાયરીલેખકોનું વલણ એવું હોય છે કે એ ડાયરીઓ બીજાઓ વાંચે. મહાદેવભાઈ દેસાઈની ડાયરી અંગે એમ કહી શકાય કે એ ડાયરી લખવા પાછળનો હેતુ ગાંધીજીના વ્યક્તિત્વનો અન્ય સૌને પરિચય કરાવવાનો હતો. ક્યારેક વ્યક્તિ પોતાના અંગત જીવનનું આલેખન કરવા માટે ડાયરીમાં પોતાના જીવનની જાણી-અજાણી ઘટનાઓનું આલેખન કરે છે. કેટલીક વ્યક્તિઓ આવી ડાયરીઓ લખતી હોય છે અને ગુપ્ત રાખતી હોય છે. એમાં એમનો હેતુ અંગત વિગતોની નોંધ કરવાનો અથવા તો હૃદયના ઊભરાઓ ઠાલવવાનો હોય છે. આ પ્રકારની ડાયરીને ભાવકનિરપેક્ષ ગણી શકાય. ડાયરી ક્યારેક અંગત સંદર્ભ માટે પણ હોય છે. રોજનીશીના અનેક હેતુઓ હોય છે. કોઈ અગ્રણી પુરુષની રોજનીશી પછી આવનાર વ્યક્તિઓ માટે વિચારોનો વારસો મૂકી જતી હોય છે. એમાં પણ જાહેર હિતને માટે કામ કરનારાઓને માટે આવી ડાયરીઓ દીવાદાંડી- રૂપ બને છે. આ મુદ્દાને વિશેષ સ્પષ્ટ કરતાં ‘નરસિંહરાવની રોજનીશી'ના નિવેદનમાં વિદ્યાબહેન ૨. નીલકંઠ લખે છે : “રોજનીશીની હકીકતો જાહેર જનતાને ઉપયોગી થઈ પડે તેવી હોય અને લખનારની સાહિત્ય અને ઇતર પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડે તેવી હોય તો એ સાર્થક છે. જે બાબતો અતિ અંગત હોય, માત્ર કુતૂહલ સંતોષાય તેવી હોય તેનું ખાસ મહત્ત્વ નથી. લખનાર ગમે તે હેતુથી લખે, પરંતુ જાહેર વાચકવર્ગને એમાંથી કેટલું જણાવવાનો લેખકનો આશય હશે. એ આપણે કહી શકીએ એમ નથી." આમ, ડાયરી એ વાચક અને ભાવક બંનેને ઉપયોગી છે. વળી, ડાયરીનો લેખક અન્ય સ્વરૂપોની જેમ મુક્ત વિહાર નથી કરી શકતો. ડાયરી આત્મનેપદી હોય છે. તેમાં સત્યને સ્થાન વિશેષ છે. માણસના પોતાના જીવન ઉપર ડાયરીની અસર કેવી થવા સંભવ છે, એ વિશે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું વિવેચન ખૂબ માર્મિક છે. ‘મારું કહેવું એમ છે કે જીવન એક દિશામાં એક રસ્તો આંકતું ચાલ્યું જાય છે. તમે જો બરાબર તેની જોડાજોડ કલમ હાથમાં લઈને તેને મળતી બીજી રેખા દોરતા જાઓ તો ધીમે ધીમે એવી સ્થિતિ ઊભી થવાનો સંભવ છે કે, તમારી કલમ તમારા જીવન અનુસાર રેખા દોરતી જાય છે કે તમારું જીવન તમારી કલમની રેખા પ્રમાણે ચાલે છે તે સમજવું મુશ્કેલ થઈ પડશે. જીવનની ગતિ સ્વભાવથી જ રહસ્યમય હોય છે. તેમાં અનેક વિસંગતિ, પરસ્પર વિરોધ અને પરસ્પર અસંબદ્ધતા રહેલી હોય છે, પરંતુ કલમ સ્વાભાવિક રીતે જ એક સુનિર્દિષ્ટ માર્ગનું અવલંબન કરવા માગે છે. તે બધા વિરોધોનું સમાધાન કરીને, બધા અમેળને ભૂંસી નાખીને, કેવળ એક પ્રકારની સામાન્ય જાડી રેખા દોરી શકે છે. તે કોઈ ઘટનાને જોતાં તેનો યુક્તિસંગત નિર્ણય કર્યા વગર રહી શકતી નથી. એટલે સ્વાભાવિક રીતે જ તેની રેખા તેના પોતાના ઘડેલા સિદ્ધાંતો તરફ આગળ વધતી રહે છે અને જીવનને પણ પોતાની સાથે ભેળવીને પોતાનું અનુચર બનાવવા માગે છે.' ડાયરીનું સ્વરૂપ તેના પ્રયોજનથી નક્કી થાય છે. કેટલાક માણસો પોતાના જીવનની નોંધ રાખવા માટે ડાયરી રાખે છે. એવી ડાયરીમાં તે તે માણસના જીવનના બનાવોની સમકાલીન નોંધ મળે છે અને એ નોંધ જો આત્મચિંતનપૂર્વક લખેલી હોય તો તે તે ક્ષણની તેની મનઃસ્થિતિનો, તેના હેતુઓનો અને તેની અભિલાષાઓનો પણ તેમાંથી ખ્યાલ મળી રહે છે. ઉપરાંત, એ માણસ જાહેરજીવનમાં રસ લેતો હોય તો સમકાલીન ઇતિહાસની પણ કેટલીક નોંધ મળી રહે એવો સંભવ ખરો. ઘટનાની તત્ક્ષણ નોંધ : રોજનીશીની ઉપયોગિતા બંને રીતે છે : એક તો લેખકના જીવનકાર્યને સમજવામાં એ અમૂલ્ય સહાયરૂપ છે. અને બીજું તત્કાલીન સમાજસ્થિતિ વિષે પ્રજાના પ્રાણપ્રશ્નો વિષે પણ એ પ્રકાશ પાડી રહે છે. એટલા જ માટે સામાન્યત: એમ મનાય છે કે આત્મકથા-રોજનીશીનો લેખક ખ્યાતનામ નહીં તો સત્ત્વશીલ તો હોવો જ જોઈએ. એવા લેખકની કૃતિ જ પ્રજા સમક્ષ મુકાય તો હિતકારક નીવડે. ડાયરીમાં બનાવોની તત્ક્ષણ કરેલી નોંધ હોય છે. તેથી તે લેખકની તે સમયની મનઃસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. અમુક કાર્ય લેખક કયા ઉદ્દેશથી પ્રેરાઈને કરે છે. અથવા અમુક ઘટનાની તેના ચિત્ત પર શી અસર થઈ તેની તમે તત્કાળ કરેલી નોંધ હોય છે. તત્કાલીનતા એ ડાયરીનું વિશિષ્ટ લક્ષણ છે. લેખકની તત્કાલીન ક્રિયા-પ્રતિક્રિયા નોંધાતી હોવાથી પ્રાય: એમાં બીજી કશી સેળભેળ થતી નથી. ડાયરી એ તાજાં સંવેદનપુષ્પોની સુવાસ આપે છે. લેખકની સંવેદનશીલતા નિર્ભેળ સ્વરૂપે પ્રગટ થાય છે. અનુભવ અને આલેખન વચ્ચેનો ગાળો જેટલો ઓછો હોય તેટલી તે અનુભવની યથાતથ નોંધ મળે છે. ડાયરીમાં ક્ષણોની હારમાળા હોય છે. એમાં વિચાર અને ઊર્મિનાં ભરતી-ઓટ જોવા મળે છે. ક્યારેક કોઈ સ્થિર વિચાર હોય તો ક્યારેક કોઈ ઊર્મિનો ઉછાળ હોય. ક્યારેક ચિંતન હોય તો ક્યારેક આત્મનિરીક્ષણ હોય. ક્વચિત્ ક્ષુલ્લક વિગતોની નોંધ પણ હોય છે તો ક્યારેક એની દૈનિક ચર્ચાની સૂક્ષ્મ વિગતોનું નિરૂપણ પણ હોય છે. શ્રી ઉમાશંકર જોશી ‘૩૧માં ડોકિયું’ કરાવે છે ત્યારે કલાકે-કલાકની ચર્ચાની વિગતો નોંધે છે. ડાયરીમાં ક્યારેક ઘટનાઓનો અનાવશ્યક વિસ્તાર થતો હોય છે તો ક્યારેક ટાંચણ-સ્વરૂપે ઉપરછલ્લી વિગતોની નોંધ પણ થતી હોય છે. ડાયરીમાં વિગતોનું પુનરાવર્તન પણ જોવા મળે છે. ડાયરીમાં ઘણી વાર પરસ્પર વિરોધી વિચારો પણ આવતા હોય છે. ક્યારેક તો ડાયરીનું પ્રત્યેક પૃષ્ઠ પૂર્વવર્તીને મિથ્યા સિદ્ધ કરે છે. તેમાં આલેખાયેલા વિચારોનું ખંડન કરે છે. જે. ટી. શિપ્લેએ આત્મકથા અને ડાયરી આ તફાવતને કારણે કેવી આગવી વિશિષ્ટતા ધરાવે છે તે જણાવતાં કહ્યું છે : 'Journals and diaries are by their very nature less connected, less refashioned by retrospective analysis of events. They give us the inestima- ble both of personal impressions while these are still fresh, yet often, too, provide reappraisals in the length of later experience what they loose in ar- tistic shape and coherence they gain in frankness and immediacy.’ (બનાવની પશ્ચાદ્વર્તી અસરોના વિશ્લેષણથી, જર્નલો અને રોજનીશીઓ મુક્ત છે, કારણ કે બંને સ્વયં સ્વભાવત: એકબીજાની નિકટ નથી એટલું જ નહીં પણ બંને પુન: ઓપથી પણ મુક્ત છે. બંનેના લેખકોની ઉપર, લેખનસમયે તાજી અને મૂલ્યવાન છાપ પડી હોય છે. તેનો લાભ પણ વાચકોને મળે છે જ. ભવિષ્યમાં જરૂર જણાય છે ત્યારે અનુભવ આધારિત પુન:મૂલ્યાંકનની તક મળે છે. તથા જર્નલો અને રોજનીશીઓની કલાત્મકતા. એકસૂત્રતા કદાચ ગુમાવવાની શક્યતા ખરી પણ બનાવોની સ્પષ્ટતા અને નિકટતા એ ગુણ તો તેમનો રહેવાનો જ.) આલેખનની ઔચિત્યબુદ્ધિ : ડાયરીલેખકને માટે સૌથી મોટી બાબત વિવેક છે. એની ઔચિત્યબુદ્ધિની આમાં કસોટી થતી હોય છે. એક બાજુથી રોજેરોજની વાત કરવા માટે ડાયરીની એને વિગતો અને માહિતી આપવી પડે છે. આને પરિણામે ડાયરીમાં એક પ્રકારની અંગતતાનો સ્પર્શ આવે છે; જ્યારે બીજી બાજુ એવી વિગતોનું ભારણ હોય તો વાચકને કંટાળારૂપ બને છે. જેમ કે કોઈ સભામાં તમે જે વ્યક્તિઓને મળ્યા હો તેવી પચ્ચીસ-ત્રીસ વ્યક્તિઓની નામાવિલ આપી તો તે વાચકને માટે કંટાળાજનક બને છે. ડાયરીમાં લખનારના માનસનું પ્રતિબિંબ પડેલું હોય છે. ક્યારેક એવું પણ બને છે કે આમાંથી સારું શું અને ખરાબ શું એનો ભેદ પણ એ તારવી શકતો નથી. એમાં એવું પણ બને કે આજે જે વ્યક્તિ અભિપ્રાય આપે અને આજની ડાયરીમાં નોંધે અને એ જ વ્યક્તિ અઠવાડિયા પછી પોતાનો અભિપ્રાય બદલી નાખે. ક્યારેક વ્યાપક જીવનને દર્શાવવા માટે પ્રમાણભાન સાચવવું જરૂરી હોય છે. આ વિલક્ષણ પરિસ્થિતિ વિશે ‘પંચભૂત’માં રવીન્દ્રનાથ ટાગોરે માર્મિક જિકર કરી છે. ડાયરી કેમ લખવી એ વિશે આમાં કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપેલી છે. ડાયરીમાં આપણને સમગ્ર જીવનની દૃષ્ટિએ પ્રમાણભાન સચવાયેલું ન મળે એવો પૂરો સંભવ છે. એ વસ્તુ તરફ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખૂબ સુંદર રીતે ધ્યાન ખેંચેલું છે. ‘કોણ જાણે કેમ પણ મને એમ લાગે છે કે રોજ-રોજ આપણને જે અનુભવ થાય છે, તે લખવા જતાં તેનું યથાર્થ પ્રમાણ સચવાતું નથી. આપણાં અનેક સુખ-દુ:ખ, અનેક રાગદ્વેષ એકાએક સામાન્ય કારણે મોટાં થઈને દેખા દે છે. કદાચ જે વસ્તુ આપણે અનાયાસે સહન કરી હોત, તે એક દિવસ એકાએક અસહાય થઈ પડે છે. જે વસ્તુત: અપરાધ ન હોય તે એક દિવસ આપણને અપરાધ લાગે છે. તુચ્છ કારણસર કદાચ એક દિવસનું કોઈ દુઃખ આપણને અતિશય મોટાં દુઃખ કરતાં પણ ભારે લાગે છે. કોઈ કારણથી આપણું મન પ્રસન્ન ન હોય એટલે આપણે અનેક જણને અન્યાય કરીએ છીએ. આ બધામાં જે કાંઈ અસત્ય હોય છે તે જતે દહાડે આપણા મનમાંથી ભૂંસાઈ જાય છે – એ પ્રમાણે ક્રમે-ક્રમે જીવનમાંની અતિશયતાઓ વસાઈ જઈને જીવનનું સાધારણ રૂપ ટકી રહે છે, અને તે જ આપણું આપણાપણું હોય છે. તે ઉપરાંત આપણા મનમાં અનેક વસ્તુ અર્ધસ્ફુટ રૂપમાં આવે છે, જાય છે અને અલોપ થઈ જાય છે. તે બધીને સ્ફુટ કરી નાંખીએ તો મનની સુકુમારતા નષ્ટ થઈ જાય છે. ડાયરી રાખવા જતાં એક કૃત્રિમ ઉપાયથી આપણે જીવનની પ્રત્યેક તુચ્છતાને મોટી બનાવી દઈએ છીએ, અને અનેક કુમળી કળી જેવી વાતોને બેળે-બેળે ખીલવવા જતાં તેને ચૂંથી અથવા વિકૃત કરી નાખીએ છીએ.’
આરાધ્યદેવ સત્ય : ડાયરી તેના લેખકના આંતર-બાહ્ય જીવનના વ્યક્તિત્વનાં દર્શન કરાવે છે. ડાયરીમાંથી તેનાં પૃષ્ઠોમાં વેરાયેલી અનેક સ્થૂલ-સૂક્ષ્મ વિગતો અને ઘટનાઓમાં તેના લેખકની છબીના ખંડો પ્રગટ થાય છે. રોજનીશીમાં સત્યનું સ્થાન શું છે ? હકીકતમાં આત્મકથાની જેમ રોજનીશીમાં પણ સત્ય સર્જકનો આરાધ્ય દેવ હોય છે. જો લખનાર કોઈ વાત છુપાવવા પ્રયાસ કરે, કોઈ હકીકતને તોડે-મરોડે અથવા તો કોઈ ઘટનાનું ખોટું બયાન આપીને કાં તો પોતાને દોષમુક્ત બનાવે અથવા તો બીજાને દોષયુક્ત બતાવે ત્યારે ડાયરીના સત્યને આંચ આવે છે. એક વાર વાચકની શ્રદ્ધા ઊઠી જાય તો એ શ્રદ્ધા ફરી રોપવી અઘરી બને છે. ડાયરીમાં સત્યનું કેવું મહાન સ્થાન છે એ વિશે ગાંધીજીએ આ પ્રમાણે માર્મિક કથન કર્યું છે : ‘રોજનીશીનો વિચાર કરતાં જોઉં છું કે તે મારે મન તો અમૂલ્ય વસ્તુ થઈ પડી છે. જે સત્યને આરાધે છે તેને સારું એ ચોકીદાર થઈ પડે છે. કેમ કે સત્ય જ લખવું છે. આળસ કરી હોય તો તે લખ્યે જ છૂટકો, કામ ખોટું કર્યું હોય તો તે લખ્યે જ છૂટકો. સહુ તેની કિંમત સમજે એ આવશ્યક શરત છે. આપણે સાચા થવું જોઈએ. જો તે ન હોય તો રોજનીશી ખોટા સિક્કા જેવી થઈ પડે છે. જો તેમાં સાચું જ હોય તો તે—સોનાની મહોરથી કીમતી છે.'
આલેખનની શૈલી : ડાયરીનું પછીથીયે ઘર કે બહાર ઘણું વજન ગણાય છે. ઓપ-ઢોળ- બનાવટ એમાં ન ચાલે. ચાર ભૂલ પણ નહીં, એમ મનાય છે. વ્યક્તિના ગમા કે અણગમા કે ઉતાવળા ખ્યાલ આમાં આવી જાય છે. તત્કાલીનતા અથવા તો તત્ક્ષણપણું જો એ ડાયરીની વિશેષતા છે તો એ જ આસ્વાદ્ય છે. પોતાનો અભિપ્રાય ડાયરીલેખક એ પછી બદલે તોપણ વાચકને કઠે નહીં, કારણ કે આમાં રોજિંદા જીવનના પડઘા અને પડછાયા જ ઝિલાયા હોય છે. સાહિત્યના કોઈ પણ સ્વરૂપની માફક રોજનીશીની ગુણ-મર્યાદા પણ છેવટે તો એના લખનારની પ્રતિભા યા સજ્જતા પર અવલંબે છે. નિખાલસ નિરૂપણે કહો કે નોંધરૂપે કહો એની સુરુચિયુક્ત લખાવટ વડે જ રોજનીશી યાદગાર બને. ખરી રીતે એમાં ઘડાતા જતા, મથાતા જતા, વિકસ્યે જતા, ભૂલ કરતા એને સુધારતા જાગ્રત માણસની રેખાઓ છૂટી-છૂટી અંકાયે જતી હોય છે. એ છૂટી રેખાઓ અલગ રહીનેય સમગ્ર વ્યક્તિત્વનું શબ્દચિત્ર દોરી રહે છે. એમાં શૈલી મહત્ત્વની ખરી. ડાયરી, તૂટક નોંધરૂપે લખાયેલી હોય છે. તેમ છતાં એની શૈલી સર્જકના વ્યક્તિત્વની ઘોતક બની રહે છે. એમાં આલેખાયેલા પ્રસંગોમાં આલેખકનું ભાવબળ અને આલેખનબળ બંને પ્રતીત થાય છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં ગાંધીજીનું વ્યક્તિત્વ ઊપસ્યું છે. મહાદેવભાઈ તો પશ્ચાદ્ભૂમાં લાગે છે. આમ છતાં એની શૈલી મહાદેવભાઈની લેખનપ્રવૃત્તિની પરિચાયક બને છે. મહાદેવભાઈના જીવનનાં પચ્ચીસેક વર્ષોના સમયની ડાયરી મળે છે. મહાપુરુષ ગાંધીજીના સહવાસનો જીવનચિતાર મળે છે, જ્યારે નરસિંહરાવની રોજનીશીમાં નરસિંહરાવનું વ્યક્તિત્વ જ પ્રબળ રીતે પ્રગટ થાય છે.
આત્મચરિત્ર સાથે સામ્ય-ભેદ : ડાયરીમાં અમુક ચોક્કસ સમયના પોતાના અંગત અનુભવોનું તત્કાલીન કરેલું આલેખન હોય છે. જ્યારે આત્મકથામાં એક નિશ્ચિત સમય પર ઊભા રહીને ભૂતકાળનાં સ્મરણો યાદ કરવાની અને એને શબ્દ રૂપે સંગ્રહવાની પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્ય રીતે ડાયરી લખવી સરળ લાગે, પણ હકીકત સાવ જુદી છે. ગુજરાતી સાહિત્યમાં જેટલાં આત્મચરિત્ર મળે છે તેટલી ડાયરી મળતી નથી. ડાયરી એ આત્મકથાની ખૂબ નજીક રહેલું સાહિત્યસ્વરૂપ છે. આત્મકથા ચાલતી હોય અને વ્યક્તિને એની અમુક દિવસની રોજનીશી યાદ આવી જાય. એ ક્યારેક દિવસ પ્રમાણે પણ લખે. આથી આ બંને સ્વરૂપો એકબીજાથી ઘણાં નજીક છે; પણ આત્મકથામાં આપવીતીનું પ્રાધાન્ય હોય છે; ડાયરીનું પણ એવું જ છે, એમ છતાં ક્યારેક આત્મકથા કરતાં ડાયરી જુદી પડે છે. મહાદેવભાઈની ડાયરીમાં મહાદેવભાઈની આપવીતી કરતાં વધુ તો ગાંધીજીની છબી ઊપસી આવે છે. આ રીતે ડાયરી ક્યારેક પરોક્ષ રીતે અન્યના વ્યક્તિત્વને ઉપસાવતી હોય તેવું બને. મહાન વ્યક્તિઓની સાથે રહેલી અન્ય વ્યક્તિઓ ક્યારેક ડાયરી લખતી હોય છે. પણ એમાં એ મહાન વ્યક્તિઓના જીવનની આસપાસ જ ડાયરીલેખક ઘૂમતો હોય છે. વિદેશમાં કોઈ મહાન વ્યક્તિના સેક્રેટરી તરીકે કામ કરતી વ્યક્તિ પણ પોતાના અનુભવો ડાયરી-સ્વરૂપે લખતી હોય છે. સાહિત્ય ઉપરાંત પત્રકારત્વે પણ આ સ્વરૂપનો ઠીક ઠીક લાભ લીધો છે; જેમ કે બ્રિટનની પર્વતારોહક ટુકડી વર્ષો પહેલાં એવરેસ્ટ-આરોહણમાં મૃત્યુ પામેલાની તપાસ માટે ગઈ અને એ ટુકડીના નેતાએ પોતાની શોધ વિશે રોજેરોજનું ડાયરીરૂપે બયાન લખ્યું. સાહસશોખીનોની ડાયરી આજે વિદેશના અખબારો માટે આકર્ષણનો વિષય બની ગઈ છે. ડાયરી કે પત્રમાં બધું જ લખાણ 'ઉત્કટ ચાળણીમાંથી ચળાયેલું' હોતું નથી. ક્યારેક એવું પણ બને છે કે એમાં માત્ર વિગતોનો ખડકલો હોય. વાચકને સહેજે રસ ન પડે તેવી માહિતીઓ આલેખાઈ હોય; આથી જ ડાયરી અને પત્રસાહિત્યમાં વાસ્તવિકતા છે; પણ એની સાથે એનું લેખન કરનારની ઔચિત્યબુદ્ધિને એક મોટો પડકાર છે. કઈ વિગતોમાં ભાવકને રસ પડશે અને કઈ વિગતો બિનજરૂરી છે એનો સૂક્ષ્મ વિવેક કરવાનો રહે છે. આમાં વાસ્તવિકતા છે તે સાચી. કાકાસાહેબ કાલેલકરે આને 'સામાન્ય જનસમાજનું સાહિત્ય' કહ્યું છે. લોકગીત કે લોકકથા ધરાવતા લોકસાહિત્યને આપણે જે અર્થમાં સામાન્ય જનસમાજનું સાહિત્ય કહીએ છીએ તે અર્થમાં પત્રો કે ડાયરીને સામાન્ય જનસમાજનું સાહિત્ય કહી શકીશું ખરાં ? પત્રો કે ડાયરીની એક વિશેષતા તરીકે એમાં સામાન્ય જનસમાજનું પ્રતિબિંબ ઝિલાયું હોય છે એવું આપણે કહી શકીશું નહીં. જવાહરલાલ નહેરુના પત્રોમાં વિશ્વના ઇતિહાસની વાત આવે છે તો દર્શકના મૃદુલાબેન મહેતાને લખેલા પત્રોમાં શિક્ષણ અને રાજકારણની ચર્ચા આવે છે. કાકા કાલેલકરે તો કહ્યું જ છે કે કાગળો અને વાસરી એ જ સામાન્ય જનસમાજનું સાહિત્ય છે; પણ આપણે ત્યાં આ પ્રકારનું સાહિત્ય અલ્પ છે. આત્મકથાનો આ જોડિયો સાહિત્યપ્રકાર એના લેખક પાસે વિશિષ્ટ ધર્મની માગણી કરે છે. આત્મકથાનાં ભયસ્થાન એ ઘણુંખરું રોજનીશીનાં પણ ભયસ્થાન છે. રોજનીશી એ આત્મકથાની બાલ આવૃત્તિ છે. આપણે ત્યાં આ સાહિત્યપ્રકાર પ્રમાણમાં ઓછો ખેડાય છે. એમ લાગે છે કે આત્મકથા કરતાંયે પત્રો અને એથીયે વધુ ડાયરી - રોજનીશી - ઘરવટ રચી આપે છે. એમાં તત્કાલ થયેલા અનુભવ, સંવેદન, વિચારસ્ફુરણા, ઘટના, તર્ક, મનનાદિની તરત જ ટપકાવાતી નોંધ હોય છે. એમાં ચોકસાઈ અને તાજગી સાથે વિગત આવે છે. ક્યારેક ડાયરી તૂટક લાગે છે. પણ એ સ્વાભાવિકતાથી આકર્ષે છે. એ તૂટકતામાંથી પ્રચ્છન્નવત્ કોઈ સળંગ અખિલાઈ પણ પ્રતીત થયાં કરવાની. લખનાર ન જાણે, વાંચનાર પણ ન જાણે એમ એ સળંગપણું અનુભવાયાં કરે છે. ‘ડાયરી' આત્મચરિત્રથી જુદી લખાવટ માગે છે. હા, જીવનચરિત્રમાં તે સહાયક સાધન ખરી. આત્મચરિત્ર કરતાં પણ રોજનીશીમાં સચ્ચાઈ આપોઆપ વધુ આવે છે. એમાં સ્મૃતિનો મુદ્દો મૂળ છે. ડાયરીમાં તરત નોંધ થઈ હોય એમ બને છે. એમાં યાદદાસ્ત પર આધારનો પ્રશ્ન રહેતો નથી. વ્યાપકપણે એમ પણ ખરું કે ‘મારી જાણમાં જ રહે એવું આ નોંધું —– લખું છું.' એવો ખ્યાલ ડાયરી- લેખકના મનમાં વધુ છવાઈ ગયો હોય છે. તેથી એમાં સાધારણપણે એ જાણે એકાંતમાં બોલે છે, તે ટપકાવે છે, એવું થાય છે. ‘મહાદેવભાઈ દેસાઈની ડાયરી', 'નરસિંહરાવની રોજનીશી' એમનાં મરણોત્તર પ્રકાશનો છે. એય એ કારણે કે 'ડાયરી' તો અંગત જ રખાય છે. બીજા પાસે જતી નથી. નવલકથા, ચરિત્ર, વાર્તા આદિને જેમ નર્યા સાહિત્યપ્રકાર લેખે સ્વીકૃતિ આપી શકાય તેવી જ સ્વીકૃતિ ડાયરીને આપવી એ દેખાય છે એટલું સરળ નથી. ગદ્યનો એક નૂતન આવિષ્કાર એમાં શક્ય છે, જો સમર્થ ગદ્યલેખકે તે લખી હોય તો. આ સ્વરૂપની નમનીયતા અચિંત્ય છે. ક્યારેક કથન, ક્યારેક વર્ણન, ક્યારેક ચિંતન, ક્યારેક વાદ, ક્યારેક વિવાદ તો વળી ક્યારેક સંવાદ, ક્યારેક અંતર્મુખ થતાં વ્યક્ત થવાય. એક રીતે જોઈએ તો ચાક પરનો પિંડો એને કહી શકાય. કોડિયું ઊતરે ને કુલડીયે ઊતરે, ઘડો ઊતરે ને ગાગરેય ઊતરે. જેવો ઉતારનાર. ડાયરીલેખકે આપેલાં કેટલીક વ્યક્તિઓનાં રેખાચિત્રો ચિરંજીવ છે.
આત્મનિરીક્ષણ : ડાયરી ખરું જોતાં પોતાના આત્માને તપાસવાનું અને તેના સ્વરૂપને પ્રગટ કરવાનું માધ્યમ છે. એટલે એમાં તમામ આંતરસંચલનોની વિગત ખુદવફાઈથી આલેખાવી જોઈએ. આ સંદર્ભે ગાંધીજીના વિચારો યાદ કરવા જેવા છે : “રોજનીશીમાં જેટલું લખાય તેટલું લખવું. ગુહ્યતમ વિચારો પણ લખાય. આપણી પાસે પોતાનું છુપાવવાનું કંઈ ન હોય તેથી તે કોણ વાંચશે, તેની ફિકર ન કરીએ. તેથી જ બીજાના દોષો કે તેણે ખાનગી રાખવા કહેલી વાતો તેમાં ન લખાય. તે વાંચવાનો અધિકાર તેના મુખત્યારને હોય, પણ કોઈથી તે છાની રાખવાની ન હોય." બીજે એક સ્થળે તેમણે લખ્યું છે : “જે સત્યનું પાલન કરવા ઇચ્છે છે. તેની પાસે છાનો રાખવા જેવો એક પણ વિચાર હોવો ન જોઈએ. કાલાઘેલા વિચારો પણ જગત જાણે તેની ફિકર નહીં. ફિકર તો કાલાઘેલા વિચારની હોવી જોઈએ. મારી રોજનીશી કોઈ જોઈ જશે તો, એ ભયના મૂળમાં પોતે હોઈએ તેના કરતાં સારા દેખાવાપણું છે. અને જે પુરુષ આખું જગત પોતાની ડાયરી જુએ તોય ફિકર ન કરે, તે પોતાની સ્ત્રી પાસે તો સંતાડે જ કેમ ?” ડાયરીમાં આત્મનિરીક્ષણ માટે સંપૂર્ણ અવકાશ છે. વળી એમાં આત્મીયતાનો આવિર્ભાવ હોય છે. એક આત્મા કઈ રીતે જગતદર્શન કરે છે તેની નોંધ તેમાં જળવાય છે. પણ ગુજરાતી સાહિત્યમાં ડાયરી લખાઈ છે ઓછી અને પ્રગટ તો એથીયે ઓછી થઈ છે. રોજનીશીઓ બહિર્જગત અંગેની સત્ય સામગ્રી આપણને પૂરી પાડે એથી એ આદર્શ ઠરતી નથી. આદર્શ રોજનીશી આ જાતની કશી જ ઉપયોગિતા વિનાની પણ હોઈ શકે. વળી લખનાર વિશેના પ્રચલિત ખ્યાલને હચમચાવી દે એ ઉપરથી પણ તે ખરાબ ઠરતી નથી. લખનાર વિષેનો પ્રચલિત ખ્યાલ સારો હોય પણ તે સાચો નયે હોય. એની રોજનીશીને કારણે એ ખ્યાલ બદલાય. એટલે કે એને વિષે માન થોડુંક ઓછું થાય. પણ તે યથાર્થ ખ્યાલ હોય તો એમાં કાંઈ વાંધો જોવો ન જોઈએ. રોજનીશીઓ અંગે મુખ્ય પ્રશ્ન એ જ છે કે લખનારમાં રહેલું સત્ય રોજનીશીના શબ્દોમાં ખરેખર પ્રગટ થયું છે ? ઘણી વાર આત્મગોપન માટે પણ રોજનીશી લખાય છે. આત્મગૌરવ, વિષવમન, એ આશયોથી પણ રોજનીશી લખાય છે. ઘણી રોજનીશીઓ તો છપાવવાના ખ્યાલથી જ લખાય છે. કાવ્યની જેમ આત્માભિવ્યક્તિના અનિવાર્ય વાહનરૂપે રોજનીશીનો પ્રકાર ખેડાય ત્યારે આદર્શ રોજનીશી મળે.
જીવનચરિત્ર અને ડાયરી : ‘ડાયરી' એ જીવનકથા નથી, પણ જીવનકથા માટે વિવેકપૂર્ણ વાપરી શકાય એવી કાચી સામગ્રી છે. ડાયરી તે તે ક્ષણની લેખકની મન:સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. ડાયરી લખનાર લેખક સમકાલીન નોંધ પૂરી પાડે છે.
જ્હોનસને ડાયરી વિશે કહેલું અહીં સ્મરવા જેવું છે : The great thing to be recorded; is the state of your own mind; and you should write down every thing that you remember for you cannot judge first what is good and bad; and write immediately while the impression is hesh for it will not be the same a week afterwards." ઉપસંહાર : આત્મકથા કે પત્રના સ્વરૂપ કરતાં આ રીતે ડાયરી એક વધુ અંગતતા ધરાવતું સ્વરૂપ છે. ડાયરી ઘણાને માટે દીવાદાંડીની ગરજ સારે છે; કારણ કે તેમાં તેના અતીત અને વર્તમાનની નોંધ તો હોય છે. ઉપરાંત ભાવિની યોજનાઓનો નકશો પણ તૈયાર થતો હોય છે. 'શું થયું?', 'શું કરી રહ્યા છો.’ અને ‘હવે કઈ દિશામાં જવું છે.' તેની યોજનાઓ તેમાં વારંવાર રજૂ થતી હોય છે. ગોવર્ધનરામની ‘મનનનોંધ'માં ૪૦મે વર્ષે નિવૃત્તિના લક્ષ્યસ્થાને પહોંચવા માટે કરેલી આવા પ્રકારની વિચારણાઓ વારંવાર વ્યક્ત થતી રહી છે. શ્રી કાકાસાહેબ કાલેલકર ડાયરી અને પત્રને સાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન આપે છે; કારણ કે તેમાં વાસ્તવિકતા યથાતથ રૂપે પ્રગટ થાય છે, એમ તેઓ માને છે. તેઓ કહે છે : “કાગળો અને વાસરી એ જ સામાન્ય જનસમાજનું સાહિત્ય છે. મારે મન એ જ ઉચ્ચકોટિનું સાહિત્ય છે. બીજાને કહેવા જેવું હોય તે જ આપણે કાગળમાં લખીએ છીએ, અને પોતાના જીવનમાંથી જે નોંધવા જેવું એટલે કે ખાસિયત ધરાવતું હોય તે વાસરીને પાને ચડવાનું. આવી ઉત્કટ ચાળણીમાંથી ચળાયેલું લખાણ સાહિત્યનો દરજ્જો ભોગવે એમાં આશ્ચર્ય શું ?… હું તો કહીશ કે पत्रमूलं वासरीमूलं च साहित्यम् । બંનેમાં વાસ્તવિકતાનો મોટામાં મોટો આધાર હોય છે... તેમ જ કાગળો અને વાસરી એ બંનેનું લેખન ઉત્કટ-વ્યાપાર છે.
ડાયરી:અંતરંગ સાહિત્ય, પૃ.૧થી ૧૬, ૨૦૦૩