નારીસંપદાઃ વિવેચન/નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦

નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી
ઈલા પાઠક

સ્ત્રીના શાણપણ અને કુનેહ, તેના નર્મ અને ઔદાર્યભર્યા હસ્તક્ષેપ, તેનાં ઉપસ્થિતિ અને પ્રભાવ આ સંસારને સમતોલ અને સુખી રાખવા આવશ્યક છે તેમજ તેના વિના પુરુષની દુનિયામાં વિવાદ અને કલહ, સંઘર્ષ અને આક્રમકતા થયેલાં રહે એવું પોતાની ‘કૉમેડી'ઓમાં રજૂ કરતો શેક્સપિયર નારીવાદી હતો ? હતો. ‘ગભરાયેલા પંખીની જેમ ફફડ નહીં', એમ કહેતો રોચેસ્ટર પોતાના બાહુમાં જેને સમાવવાનો પ્રયત્ન કરે ત્યારે, 'હું પંખી નથી, મને કોઈ જાળ ફસાવી રહી નથી, મારી પાસે મારી પોતાની ઈચ્છાશક્તિ છે અને તમારાથી અળગા થવા હું તેનો ઉપયોગ કરું છું' એમ કહેતી જેનની સર્જક શાર્લોટ બ્રોન્ટી નારીવાદી હતી? હતી. એવાં જ અન્ય સ્ત્રી - પાત્રોના સર્વ સર્જકો નારીવાદી કહેવાય ? કહેવા જ જોઈએ. સ્ત્રી વ્યક્તિ છે, તેને પોતાના આગવા વિચાર, વલણ, ભાવ, પ્રતિભાવ હોઈ શકે છે, તેનો સ્વીકાર નારીવાદના મૂળમાં છે. જે સાહિત્યકારને આ અભિપ્રેત હોય તે નારીવાદી અને બાકીના 'નહીં' એવું સાદું વિધાન કરવામાં કોઈ અવરોધ નડતો હોય તો તે ફક્ત 'નારીવાદી' શબ્દના ટૂંકા ઇતિહાસનો. ’૭૦ના દાયકામાં નારીવાદી વિચારણાનો તે નામે ઉદ્ભવ, પ્રસાર, વિકાસ થયો. તે અરસામાં અને ત્યાર પછી 'નારીવાદી સાહિત્ય' રચાયું એમ કહેવાય છે, પણ તત્ત્વતઃ તો સ્ત્રી - પુરુષને સમાન સમજનાર સાહિત્યકારો તેવું જ સાહિત્ય રચતા આવ્યા છે તેમ કહેવું જોઈએ. સાહિત્યને કોઈ વાદમૂલક વિશેષણ લગાડીએ તે અયોગ્ય લાગ્યા કરે છે. કોઈ એક કૃતિ કોઈ એક વિચારણાની અસર નીચે ઉદ્ભવી હોય એવું બને, પણ જ્યારે કોઈ વાદનું લેબલ લગાડીએ ત્યારે જે તે વાદને પ્રસરાવવા જ પુસ્તક નિર્માયું હોય એવું લાગે છે અને સાહિત્યકૃતિ તરીકેના તેના મૂલ્યમાંથી જાણે કે બાદબાકી થાય છે. 'નારીવાદી સાહિત્ય' શબ્દપ્રયોગ તેથી અનુચિત લાગે છે, તેમ છતાં જેમાં વાસ્તવવાદી કે રોમેન્ટિક એવાં વિશેષણો લેખકનાં મનોવલણોને સૂચવવા વપરાય છે તેમ નારીવાદી વિશેષણનો ઉપયોગ થાય છે. ‘નારીવાદી' કહેવાતી વિચારણા છેવટે તો સર્જકના ચિત્તમાં પડેલી નારી તરફ જોવાની રીતિને જ ઉલ્લેખે છે. સર્જકના સંવિતમાં સ્ત્રી વિશે જે ભાવ હશે તેનું જ પ્રતિબિંબ તેના સર્જનમાં ઊતરવાનું છે. આયાસે કરીને કોઈ વલણનું આરોપણ સર્જક ચિત્ત પર થાય નહીં, થાય તો તેનું છીછરાપણું જણાઈ આવે. દા.ત. સ્ત્રીને વ્યક્તિવિશેષ ન સમજતા હોવા છતાં સ્ત્રીપાત્ર શિક્ષિત છે એવું ચિત્રણ લેખક કરે પણ શિક્ષણને લીધે તે સ્ત્રીપાત્રનો મનોવિકાસ થાય એવું ન સ્વીકારે. જેમ કે 'પેરાલીસીસ'માં ચંદ્રકાંત બક્ષીનો નાયક આરામ તેની પુત્રી મારીશાને ભણાવે છે પણ ભણતાં ભણતાં તે દીકરી લગ્નવિષયક પસંદગી કરી લાવે છે તે સ્વીકારી શકતો નથી. મારીશાને પતિ સાથે ઘર્ષણ થાય ત્યારે નાયક કે લેખક તેનું દૃષ્ટિબિંદુ સાંભળવા તૈયાર નથી. છેવટે તે દીકરી આત્મહત્યા કરે છે. ‘દીકરીને ભણાવવી જોઈએ' તે વિચારનો સ્વીકાર અને તેના પરિણામરૂપે દીકરીની સ્વપસંદગી કે તેની પછીથી રજૂ થતી વિમાસણોનો અસ્વીકાર અહીં સ્પષ્ટપણે જોવા મળે છે અને તે પૂર્વગૃહિત વિચારણાનું છીછરાપણું દેખાડે છે. આવો સ્ત્રીના ભણતરનો સ્વીકાર અને તેના મનોવિકાસ તેમ જ વિચારણાનો અનાદર અનેક નવલકથાઓમાં જોવા મળે છે. લેખકોએ સ્ત્રીઓને ભણતી જોઈ છે અને કદાચ સ્ત્રીઓએ ભણવું જોઈએ એમ માનતા હશે તેથી એવું સર્જવા તરફ વળતા હશે પણ સ્ત્રીના ભણતરની હકીકત તેમણે ગંભીરપણે જોઈ લાગતી નથી, નહીં તો તેનાં પરિણામોનો સ્વીકાર પણ તેઓ કરત. અત્યારે તો જે દેખાય છે તે સ્ત્રીપાત્ર અભણ હોય કે વિદુષી, તેને નાયકો મારઝૂડ કરતા જણાય છે. દા.ત. રાધેશ્યામ શર્માની 'ફેરો'માં પત્નીને તમાચો ચોડી કાઢતો પતિ, રઘુવીર ચૌધરીની 'અમૃતા'માં અમૃતા પર આક્રમણ કરતો ઉદયન. સ્ત્રીને પુરુષની પાશવીયતાનું પાત્ર બનતી રજૂ કરતા લેખકોના સર્જકચિત્તમાં નારીવાદી વિચારણાનો સાંગોપાંગ સ્વીકાર નથી થયો તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. એથી વિરુદ્ધ ભણેલી અને વિચારતી સ્ત્રી શું વિચારે, ઈચ્છે, માગે તેની રજૂઆતો પણ હોઈ શકે. એવાં સ્ત્રીપાત્રો ધીરુબહેન પટેલ કે કુન્દનિકા કાપડિયાની નવલકથાઓમાં જોવા મળે પણ તેથી એ નવલકથાઓને 'નારીવાદી'નું લેબલ લગાડીને જ મૂલવવાની જરૂર નહીં. સર્જનનું સંવિત્ નારીવાદી વિચારણાથી સંયુક્ત હોય કે અસ્તિત્વવાદી કે કોઈ પણ, સર્જનને સર્જન તરીકે મૂલવાય, અન્યથા નહીં. આથી જ 'નારીવાદી' સાહિત્યની જ્યારે ચર્ચા થાય ત્યારે કોઈક સીમિત પ્રકારના સાહિત્યનો ઉલ્લેખ થતો હોય એવું લાગ્યા કરે છે. 'નારીવાદી' તરીકે કોઈ કૃતિ ઓળખાય એટલે તે વાદનો પ્રસાર કરવા જ જે તે કૃતિ નિર્માઈ હશે એમ ગૃહિત લઈને તેમાં સાહિત્યતત્ત્વ, સર્જનાત્મકતા છે જ નહીં, હોય જ નહીં, હોઈ શકે જ નહીં એવા પ્રહારો થવા માંડે છે. અસ્તિત્વવાદી કે વાસ્તવવાદી કૃતિ માટે આમ વિવેચનાનાં બારણાં બંધ થયાં જોયાં કે સાંભળ્યાં નથી. તો પછી નારીવાદી માટે કેમ ? નારીવાદી વિચારણાએ નારી અને નર બંનેની ચેતનાને સંકોરી છે. નારીઓએ સભાનપણે તેને આવકારી છે અને પુરુષોને તે આક્રમક લાગી છે; એટલે તેમણે તે વિચારણાને કાં અવગણી છે, કાં હસી કાઢી છે કે છેવટે સ્વરક્ષણ માટે સામું આક્રમણ કર્યું છે. સાહિત્યમાં નારીવાદ દૃષ્ટિગોચર થયો તેવી જ, તેની હાંસી ઉડાવી છે. તેની ઝલક જેમાં નજરે ચડે તે કૃતિઓ કલાત્મક સર્જન તરીકે મૂલવાય નહીં એવી જાણે કે મનાઈ ફરમાવીને તેને ચોકા બહાર મૂકી છે. આવું ફક્ત નારીવાદી કૃતિઓ માટે જ થયું છે, અસ્તિત્વવાદની કૃતિઓ તો હોંશે હોંશે આવકારાઈ હતી. સુરરિયાલિઝમના આગમને તો તેના પર પરિસંવાદો થયા હતા, લખાયું તે જુદું. પણ નારીવાદના આગમને વિહ્વળ થયેલા વિવેચકોએ તેવી કૃતિઓને સર્જન તરીકે સ્વીકારવાની જ જાણે કે ના પાડી દીધી છે ! નિતાંત નારીવાદી નવલકથા 'સાત પગલાં આકાશમાં' વાંચતા પુરુષવાચકો કેટલા ક્ષુબ્ધ થઈ જતા હશે કે તેમાં મૂકેલાં પુરુષોનાં વિધાયક ચિત્રો તેમની નજરે ચડતાં જ નથી એવું હું વારંવાર વિમાસતી રહી છું. 'સાત પગલાં આકાશમાં'ની ચર્ચા કરતા પુરુષ - વિવેચકો ખૂબ અસહિષ્ણુ અને પૂર્વગ્રહપીડિત જણાય છે. તેમની સર્વજ્ઞતામાં આ નવલકથાને સર્જન તરીકે સ્વીકારવાનું શક્ય જ નથી એવું તેઓ કહેતા જણાય છે. કારણ પૂછતાં બહુધા એમ કહે છે કે નવલકથા વાદપરસ્ત છે અને ખૂબ નકારાત્મક છે. તેમાં ચિત્રણ થયું છે એવી દુનિયા નથી, પુરુષો એવા નથી, આ તો ખોટા આક્ષેપો છે. વાદપરસ્તી નારીવાદપરસ્તી છે. માટે અસ્વીકાર્ય, અસ્તિત્વવાદપરસ્તી હોય તો 'વાહ, પ્રયોગશીલતા વાહ', એવું કેમ ? સમાજે નર અને નારી માટે બેવડાં ધોરણો રાખ્યાં છે એવું નારીવાદ કહે છે તેનું સ્પષ્ટ નિદર્શન અહીં જોવા નથી મળતું શું? નારીવાદી કહેવાય એવી નવલકથા લખનાર નારી છે માટે છે તેમની સ્પષ્ટ અવગણના ! અસ્તિત્વવાદીઓ નર હતા અને છે એટલે તેમની વાહવાહ! તે પણ પાછી એવી કૃતિઓની કે જેમાં પ્રયોગ ખાતર પ્રયોગ સિવાય કશું જ ન જડે. (દા.ત. સુરેશ જોષીની ‘છિન્નપત્ર' કે 'મરણોત્તર') અથવા તો જેમાં અસ્તિત્વવાદની સમજ પણ પૂરી અંકિત ન થઈ હોય અને તેને નામે પુરુષના સ્વચ્છંદને જ બહેલાવવામાં આવ્યો હોય. (દા.ત. ગુણવંત શાહની 'રજકણ સૂરજ થવાને સમણે') ! નવલકથામાં ચિત્રણ થયું છે એવી દુનિયા નથી કે પુરુષો એવા નથી એમ કહીને કોઈ કૃતિને આઘી મૂકી દેવી તે વિવેચનના પાયાના સિદ્ધાંતોને અવગણવા બરોબર છે. દુનિયા છે તેવીનું ચિત્રણ સાહિત્યમાં અભિપ્રેત નથી તેવું એરિસ્ટોટલે પ્લેટોનો પ્રતિવાદ કર્યો ત્યારે સ્વીકારાયું છે, તે સ્વીકારમાં ગુજરાતના વિવેચકો અપવાદરૂપ નથી. જે અપવાદ થાય છે તે તો ફક્ત નારીવાદી કૃતિઓનો, કદાચ વધુ વિગતે અવલોકીએ તો એમ કહેવું પડે કે 'સાત પગલાં આકાશમાં'નાં પાત્રો સમાજની વધુ નજીક છે. તે જ પુરુષ - વાચકને વ્યાકુળ કરી દે છે, સાહિત્ય વાંચતાં વાંચતાં આંતરમનમાં જે તાદાત્મ્ય સાધવાની શોધ ચાલતી હોય છે તેનો પુરુષ - વાચક એક પછી એક પુરુષપાત્રને આઘાં ઠેલતો જાય છે, કેમ કે સ્વમાનસમાં કોતરેલી તેની પોતાની છબિ સાથે એ બધાં પાત્રોમાંથી એકનો મેળ બેસતો જણાતો નથી છતાં ઊંડે ઊંડે લાગે છે કે આવું બધું જ બનતું આવે છે. મનમાં જામી પડતો વિસંવાદ તેને વ્યાકુળ કરી દેતો લાગે છે અને એટલે જ 'સાત પગલાં આકાશમાં'ની કૃતિલક્ષી ચર્ચા ભાગ્યે જ થઈ જણાય છે. તેમાંનાં પાત્રોએ શું કરવું જોઈતું હતું અને સર્જકે સમાજને કેવો ચીતરવો જોઈતો હતો તેની આસપાસ જ મોટા ભાગની વિવેચના મંડરાઈ છે. આથી વિરુદ્ધ સ્ત્રી - વાચકને તાદાત્મ્ય સાધવા એટલાં બધાં પાત્રો 'સાત પગલાં આકાશમાં' માં મળી આવતાં જણાય છે કે તેમણે અનેક પ્રશંસાપત્રો લેખિકાને મોકલ્યા છે. આ હકીકત તો આ નવલકથામાં જેવી ચીતરાઈ છે તેવી જ દુનિયા છે એવું પુરવાર કરવા તરફ આંગળી ચીંધે છે. વાચક પુરુષ હોય કે સ્ત્રી, બંનેના ચિત્તને જુદી જુદી રીતે હલાવી મૂકતી કૃતિ સર્જકતામાં ઊણી ઊતરે છે એવું કઈ રીતે કહેવાતું હશે ! કુન્દનિકા કાપડિયાની 'સાત પગલાં આકાશમાં' લખાઈ તે પહેલાંની નવલકથાઓ કે ટૂંકી વાર્તાઓમાં સંવેદનશીલ, વિચારક સ્ત્રી - પાત્રો છે અને તેમનાં મનોગતોનું વિસ્તૃત ચિત્રણ પણ છે, તેમ છતાં ‘પરોઢ થતાં પહેલાં'ની નાયિકા સુનંદા અંતમાં સત્યની રાહ જોતી હોવા છતાં તેને આવકારવા આગલું બારણું ખોલતી નથી, નારીવાદી વિચારણાનું બળ 'સાત પગલાં આકાશમાં'માં પરંપરાગત સામાજિક કળણમાં ઊંચે ઊડવામાં લેખિકાને સહાયભૂત થયું છે તેવું સ્પષ્ટ જણાય છે. તેવું જ ધીરુબહેન પટેલની નવલકથાઓમાં જોવા મળે છે. 'શીમળાનાં ફૂલ' પહેલાંની તેમની રચનાઓ સ્ત્રીકેન્દ્રો હતી, તો પણ જે મોકળાશ રન્ના અનુભવે છે તે આગલી નાયિકાઓના વિચાર - વર્તનમાં જણાતી નથી. સર્જકના ચિત્તમાં પડેલું કશુંક નારીવાદી વિચારણાના સ્પર્શે પાંગરી ઊઠે છે. ઘણી ગુજરાતી નવલકથાઓમાં એક ચોક્કસ ઘટનાક્રમ રજૂ થતો આવ્યો છે. સ્ત્રી પ્રેમ વાંછે છે, લગ્નમાં તે પરસ્પરની સમજ માગે છે, તેને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે, નાયકની કે અન્યની પરિચારિકા થઈને તેને રહેવાનું થાય છે. અંતે તેને પુત્રની ભેટ ધરવામાં આવે છે. કૈંક આવો જ ઘટનાક્રમ ‘શીમળાના ફૂલ' માં છે. રન્ના વત્સલભાવે વિમલની ચાકરી કરે છે તે વિમલ સ્વીકારે છે. અન્ય નવલકથાનો અહીં અંત આવી ગયો હોત, પણ આ કથા આગળ ચાલીને વળાંક લે છે. રન્ના સમજે છે કે વિમલનો અને તેની વચ્ચેનો સંબંધ અણગમાના ભારથી તૂટયો છે. તે હવે પુનર્જીવિત થવાનો નથી. રન્ના પુનઃ પોતાનો માર્ગ જુદો થતો જુએ છે. ચીલાચાલુ ઘટનાક્રમમાં આ વિસ્તાર નારીવાદી વિચારણાને આભારી છે એવું જણાય છે. નારીવાદે પૂરા પાડેલા વૈચારિક બળને કારણે ગુજરાતી નવલકથાના ઘટનાક્રમમાં અને પાત્રપ્રતિભાવ નિરૂપણમાં જે કંઈ ફેરફારો થયાં છે તે સમાજનાં પરંપરાગત મૂલ્યોથી અળગા થઈને સ્ત્રીના વ્યક્તિત્વને એક અલગ અસ્તિત્વ તરીકે સ્થાપે છે. આ જ એક નવી વાત છે કેમ કે સામાન્યતઃ ગુજરાતી નવલકથામાં જે સ્ત્રી - પાત્રો નિરૂપાયાં છે તે સર્વને અલગ અસ્તિત્વ બક્ષવામાં આવ્યું નથી. તેમની ચાલના અન્ય પુરુષપાત્રોના હાથમાં હોય છે (જેમ કે ‘રજકણ સૂરજ થવાને સમણે'માં આસ્થાની ચાલના નિર્દોષ અને સ્વામીના હાથમાં છે). સામાન્ય રીતે પુરુષસર્જક નાયિકાને સુંદર કલ્પે છે, સાંપ્રતયુગમાં તે ભણેલી પણ હોય તેમ છતાં તેને લાગણીવેડામાં સરી પડીને રડવાનો હક અપાય પણ બુદ્ધિપૂર્વક વિચાર કરીને પોતાનું જીવન ગોઠવવાનો ન અપાય એવું બધું નિરૂપાતું આવ્યું છે. એમ નિરૂપણ થાય છે તેનું કારણ દેખીતી રીતે સમાજમાં સ્વીકારાયેલાં, સ્ત્રીનો અનાદર કરતાં, જુનવાણી મૂલ્યો છે. લેખકોનાં માનસ તેના થકી ઉછર્યાં છે અને જે સંવિત્ માં ઊંડે પડેલું છે તે જ પાત્રચિત્રણમાં અને ઘટનાઆલેખનમાં પ્રતિબિંબિત થાય છે. અંગ્રેજી સાહિત્યની અસર નીચે આપણું સાહિત્ય રચાતું ત્યારે ઇંગ્લૅન્ડમાં ચાલેલી સ્ત્રીવિષયક ચળવળ અને ઉદારમતવાદી વલણોનો પડઘો અહીંના સાહિત્યમાં ઝીલાયેલો. મુનશીનાં કે ૨.વ.દેસાઈનાં સ્ત્રીપાત્રો તેમને આશ્રિત કે દલિત નથી રહેવું, 'પૂજ્ય' કે 'દેવી' નથી બનવું, પણ માનવી તરીકે ઊંચા ઊઠવું છે તે સભાનતા સાથે સર્જાયાં જણાય છે. પંડિતયુગ અને ગાંધીયુગની સર્જકતાને અને આધુનિક યુગની સર્જકતાને સ્ત્રી તરફના અભિગમોની બાબતમાં ઘણું છેટું પડી ગયું છે. યુદ્ધોત્તર-પાશ્ચાત્ય સાહિત્યની અસર અને ઉદારમતવાદી વિચારણાનો હ્રાસ તેનાં કારણે હશે, છેવટે તો નારીવાદ સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર માગે છે. વ્યક્તિ તરીકે સ્ત્રીને બેવડાં ધોરણોનો વિરોધ હોય, તેના પર થતા હીનભાવ કે દેવીભાવના આરોપણોનો વિરોધ હોય. આ વિરોધને વાચા મળે તે આક્રમકતા લાગે અને નારીવાદ આક્રમક છે એવું કહેવાય તે કઠે છે. જેમ નારીવાદની અસર નીચે સાહિત્ય સર્જાયું છે તેમ વિવેચનાના પ્રયોગ પણ થયા છે. સ્ત્રીવાચકની દૃષ્ટિએ કૃતિને મૂલવવાના, તેમાં થતા નારીના ચિત્રણને તપાસવાના, તેની પશ્ચાદ્ભૂમાં રહેલા સમાજને અવલોકવાના પ્રયાસો થાય છે. જેમ નારીવાદી કહેવાતું સાહિત્ય સ્વીકારવા સામે અણગમો વ્યક્ત થઈ રહ્યો છે તેમ નારીવાદી કહેવાતી વિવેચના સામે પણ થઈ રહ્યું છે. અણગમો વ્યક્ત કરનારા પોતે જ આવાં સર્જનવિવેચનને ચોંટાડેલું 'નારીવાદી'નું લેબલ કાઢી લે તો પૂર્વગ્રહની એક આડશ તો તૂટે જ. તેથી પછીનું દર્શન સુસ્પષ્ટ થતાં જે તે સર્જન આવકાર્ય ન બને ? આ વાદમૂલક વિશેષણ કાઢીશું તો જ નારી વિશેના માનવીય અભિગમો તરફ પહોંચાશે. તો જ શેક્સપિયરે કરી તેવી કે ઓછામાં ઓછી શાર્લોટ બ્રોન્ટીએ રચી તેવી રચનાઓ સર્જાશે. નારીવાદ છેવટે તો નારીના આગવા વ્યક્તિત્વના સ્વીકારને સ્પર્શતું ચિંતન છે. જ્યાં જ્યાં તેનો સ્વીકાર થાય ત્યાં ત્યાં સ્વસ્થ નારીપાત્રો પ્રગટવાની તેમજ સમાદર અને સ્નેહભર્યા સંબંધો પાંગરે તેવા ઘટનાક્રમનું ચિત્રણ થવાની સંભાવના ઊભી થાય. એવું તો સર્જનમાત્રમાં હોવું જોઈએ. એટલે જ કોઈ એક કૃતિને ‘નારીવાદી’ વિશેષણથી ઓળખાવવાની જરૂર નહીં, અને સાહિત્યના કોઈક વિભાગને 'નારીવાદી' કહેવાની આવશ્યકતા પણ નહીં.


આધુનિકોત્તર સાહિત્ય, સં. સુધા પંડ્યા અને અન્ય, પૃ. ૫૧-૫૭, ૨૦૦૬