નારીસંપદાઃ વિવેચન/નૉબેલ લોરીએટઃ ટૉની મૉરિસન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪

નૉબેલ લોરીએટ: ટૉની મૉરિસન
રંજના હરીશ

આફ્રો-અમેરિકન સાહિત્યના સંદર્ભમાં છેલ્લા બે દશકાથી ટૉની મૉરિસનનું નામ સમ્માનપૂર્વક ચર્ચાતું રહ્યું છે. સાહિત્ય માટેનો વિશ્વભરનો સર્વોત્તમ પુરસ્કાર નૉબેલ પ્રાઇઝ (૧૯૯૩માં) મેળવનાર તેઓ પ્રથમ અશ્વેત મહિલા છે. પારિતોષિકની ઘોષણા થયા બાદ તરત તેમનો અભિપ્રાય જાણવા આતુર પ્રેસને તેમણે કહ્યું, ‘મારા સ્વર થકી લાખો અશ્વેતોનાં દુ:ખદર્દનો સ્વર વૈશ્વિક સ્તરે ઓળખાયો, સ્વીકારાયો, તેનો મને આનંદ છે.’ આવાં પ્રતિભાસંપન્ન લેખિકા ટૉની મૉરિસન એક સારાં નવલકથાકાર, નિબંધકાર, વિવેચક તથા શિક્ષક હોવાની સાથોસાથ રેન્ડમહાઉસ જેવી વિશ્વવિખ્યાત પ્રકાશન-સંસ્થાનાં સફળ તંત્રી તથા એક સારાં ગાયિકા તેમજ નૃત્યકાર પણ છે. ૧૮ ફેબ્રુઆરી ૧૯૩૧ના દિવસે અમેરિકાના ઓહાયો સ્ટેટના લોરેન શહેરમાં જન્મેલી ટૉની મૉરિસનનું મૂળ નામ હતું ક્લોએ એન્થની મૉરિસન. એક અશ્વેત, ગરીબ, મજૂર દંપતીનું સંતાન ટૉની પ્રતિષ્ઠાના આવા શિખરે વિરાજશે તેવી કલ્પના તો તેમનાં માતાપિતાએ ક્યારેય કરી નહીં હોય. પોતાનાં ચાર બાળકોને સરખું ખાવા પણ આપી શકવા માટે અશક્તિમાન માબાપની દીકરીએ અશ્વેત જીવનની ગરીબાઈ, અપમાનો, વિટંબણાઓ બરાબર અનુભવ્યાં હતાં. શ્વેત દુનિયા મધ્યે અશ્વેતનું ભાગ્ય લઈને જન્મેલ પોતાની દીકરી કંઈક સરખી રીતે પોતાનું જીવનવહન કરી શકે એ આશયથી તેનાં માબાપે તેને ભણવા મૂકેલી, પરંતુ સ્કૂલનું શિક્ષણ પૂર્ણ થતાં દીકરીને વિશ્વવિદ્યાલયમાં ભણવા મોકલવાની ટૉનીનાં માતાની વાત તેમના પિતાને સહેજ વધુ પડતી લાગેલી. આવી સખત ગરીબાઈમાં વિશ્વવિદ્યાલય ક્યાંથી પોષાય? વળી, અન્ય નાનાં સંતાનોના પિતાની બુદ્ધિ ટૉનીને આગળ ન ભણાવવા પ્રેરતી હતી, પરંતુ ટૉનીની માતા રામાહ વોર્ફડનું મન પોતાની દીકરી ગમેતેમ કરીને પણ વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરે તેમ ઇચ્છતું હતું. અશ્વેત મહિલાઓના જીવનની પીડા, યાતના તથા શારીરિક અપમાનોથી રામાહ બરાબર વાકેફ હતી અને તેથી પોતાની મેધાવી દીકરીને આવા અપમાનના ઘૂંટ ગળવા ન પડે માટે તે તેને બરાબર ભણાવવા માગતી હતી. આ માટે તે ગમે તે કરવા તૈયાર હતી. રામાહને તે દિવસ બરાબર યાદ હતો જ્યારે, તેની પોતાની મા, બાળકો ખાતર, ખાસ કરીને પોતાની દીકરીઓ ખાતર, દક્ષિણ અમેરિકાની પોતાની જન્મભૂમિ ત્યજી ઓહાયો આવીને વસી હતી. આ સદીના આરંભમાં અશ્વેતોની ગુલામીની કરુણ દાસ્તાન કહેતાં દક્ષિણ અમેરિકાથી દૂર ગમે ત્યાં જઈ વસવાનો તેનો નિર્ધાર હતો. કોઈ એવે સ્થળે જ્યાં તેનાં સાતેય બાળકો મુક્ત હવામાં શ્વસી શકે. પોતાનાં બાળકો સાથે જ્યારે આ અભણ સ્ત્રીએ પોતાનું વતન છોડ્યું ત્યારે તેની પાસે હતી ફક્ત ત્રીસ ડૉલરની રકમ અને હિંમતની મૂડી. એ જમાનામાં રામાહની અભણ મા પોતાનાં બાળકો માટે, દીકરીઓ માટે, એટલું કરી શકી તો પ્રમાણમાં સરળ સમયમાં હવે રામાહની પણ તેની દીકરી પ્રત્યેની કંઈક ફરજ હતી. આ વિચારે રામાહે પોતાની વ્હાલી દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે પોતાની જાત ઘસી નાખી. તેણે દીકરીને સારામાં સારાં વિશ્વવિદ્યાલયોમાં ભણાવી. સતત અભાવોના ઓછાયા તળે મોંઘુંદાટ શિક્ષણ મેળવી રહેલ ટૉની પોતાની માના બલિદાન પ્રત્યે ખૂબ સભાન હતી. તેની ખૂબ પ્રશંસા પામેલ નવલકથા ‘બીલવ્ડ’ની સફળતા બાદ તેમણે આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેઓ જણાવે છે કે તેમની માતા તથા તેમની દાદી તેમના માટે સતત પ્રેરણામૂર્તિ સમાં રહ્યાં છે. સ્ત્રી પ્રત્યેની તેમની સહાનુભૂતિનાં મૂળ એ બે સ્ત્રીઓની સ્ત્રીજાત પ્રત્યેની તથા પોતાની દીકરી પ્રત્યેની અનુકંપામાં રહેલાં છે. જીવનને હાસ્યવૃત્તિ સાથે જીવી જવાની કળા ધરાવનાર ટૉની મૉરિસનના વિશિષ્ટ હાસ્યની નોંધ તેમને મળનાર દરેક વ્યક્તિ લે છે. ઉન્મુક્ત, નિર્દોષ હાસ્યના ફુવારા વચ્ચે જીવતાં મૉરિસનના હાસ્ય પાછળ શ્વેત જગતમાં વસતાં અશ્વેતોના જીવનની કરુણતા છુપાયેલી છે. એક વાર કોઈકે તેમને તેમના હાસ્યનું રહસ્ય પૂછ્યું. જવાબમાં મૉરિસને પોતાના બાળપણની એક ઘટના વર્ણવી. આ ઘટના વખતે મૉરિસનની ઉંમર લગભગ બે વર્ષની હશે. તેઓ પોતાનાં માતાપિતા તથા કુટુંબ સાથે ગરીબ વિસ્તારમાં આવેલી એક નાનકડી ખોલીમાં રહેતાં હતાં. તેમને અન્ય કોઈ ખર્ચ આવી પડતાં મજૂર માબાપ ખોલીનું ભાડું નહીં ભરી શકેલાં. ભાડું વસૂલ કરવા કે પછી ખોલી ખાલી કરાવવા મકાનમાલિકે ખોલીનાં પગથિયાં ઘસી નાખેલાં. ઝઘડા પણ કરેલા. પણ પૈસા હોય તો આપે ને ? છેવટે એક રાતે મકાનમાલિકે ખોલીની અંદર ઊંઘતા મૉરિસન કુટુંબ સાથે ખોલીને આગ ચાંપી દીધેલી! ભડભડ બળતી ખોલીમાંથી આસપાસનાં લોકોએ કુટુંબને બચાવી લીધેલું. આગની આ ઘટનાથી નાનકી ટૉની તો એવી છળી ઊઠેલી કે તે રડવાનું પણ વીસરી ગયેલી. આ ઘટનાની અસર ટૉનીના મનોગત પર ખૂબ ઊંડી થઈ. ગરીબી તથા અશ્વેતપણું કેવા મોટા અભિશાપ છે તે આ નાનકડી બાળકી બરાબર સમજી ગઈ. આજે પણ નાનપણની વાત આવે ત્યારે તેમને આ ઘટના અવશ્ય સ્મરે છે અને એક અટ્ટહાસ્ય સાથે તેઓ બોલી ઊઠે છે, ‘હવે જ્યારે એ ઘટના વિશે વિચારું છું ત્યારે હસવું આવે છે. શું એ ખોલી સાથે અમારાં બધાંની જિંદગીની કિંમત ફક્ત ચાર જ ડૉલર હતી? ચાર ડૉલર, ફક્ત ચાર ડૉલર ખાતર અમારું એ નાનકડું ઘર બાળી મુકાયું હતું.’ મૉરિસનના જીવનની આ ઘટના મહાન કલાકાર ચાર્લી ચેપ્લીનની અશ્રુમિશ્રિત હાસ્યની છોળો ઉડાડતી આત્મકથાની યાદ અપાવી જાય છે. પોતાની માના ત્યાગ તથા બલિદાનને કારણે મૉરિસન હાર્વર્ડ તથા કૉર્નેલ જેવાં અમેરિકાનાં શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ લઈ શક્યાં. પોતાના એમ.એ.ના અભ્યાસ દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે શેક્સપીઅરનાં અશ્વેત પાત્રો પર એક શોધ-નિબંધ લખ્યો. વળી, ગ્રીક ટ્રેજડીનો પણ ગહન અભ્યાસ કર્યો. પીએચ.ડી.ની ઉપાધિ માટે તેમણે વિલિયમ ફોકનર તથા વર્જિનિયા વુલ્ફ પર કામ કર્યું. વખત જતાં તેમણે અનુભવ્યું કે તેમના વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના ભાગ તરીકે જે વિષયો પર કામ કર્યું તે બધાએ તેમના લેખનને પ્રભાવિત કર્યું. શેક્સ્પીઅરનાં અશ્વેત પાત્રો તથા ગ્રીક ટ્રેજેડીના અભ્યાસે તેમને અશ્વેત જીવનની યાતના પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યાં તો સ્ત્રીજીવનના પ્રશ્નો પ્રત્યેની તેમની સજાગતાનાં મૂળ હતાં તેમણે કરેલાં વર્જિનિયા વુલ્ફના અભ્યાસમાં. વળી, વાર્તા કહેવાની એક વિશિષ્ટ ટેક્નિક તેમણે ફોકનર પાસેથી મેળવી. આમ આવા મહાન લેખકોના સાહિત્યની વિશિષ્ટ પરંપરાના વારસા સાથે મૉરિસને સાહિત્યજગતમાં પદાર્પણ કર્યું. પરંતુ સાહિત્યસર્જનના પ્રારંભ પહેલાં તેઓ શિક્ષણ સાથે જોડાયાં. બે વર્ષ ટેક્સાસ યુનિવર્સિટીમાં ભણાવ્યા બાદ ૧૯૫૭માં તેઓ પોતાની માતૃસંસ્થા હાર્વર્ડમાં જોડાયાં. અને ત્યાર બાદ ૧૯૬૫માં અધ્યાપન ત્યજી તેઓએ જાણીતી પ્રકાશનસંસ્થા રેન્ડમ હાઉસના મુખ્ય તંત્રી તરીકે ઝંપલાવ્યું. બરાબર એક દશક બાદ તેઓ અધ્યાપનક્ષેત્રે પાછાં ફર્યાં. ૧૯૭૫માં હોલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયાં. હાલ તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં માનવવિદ્યાઓનાં પ્રોફેસર છે તથા આફ્રો-અમેરિકન સ્ટડીઝ વિભાગનાં વડા છે. અશ્વેત સાહિત્યના પ્રસારમાં પણ મૉરિસનનો ફાળો નાનોસૂનો નથી. રેન્ડમ હાઉસ જેવી મહત્ત્વની પ્રકાશનસંસ્થાના તંત્રી હોવાની રૂએ તેમણે અડગ નિર્ધારપૂર્વક અશ્વેત સાહિત્યને પોતાની સંસ્થા દ્વારા પ્રકાશિત કરાવ્યું છે. અમેરિકાના પ્રકાશન-જગતની આબોહવા માટે અયોગ્ય માની લેવામાં આવેલ, વર્ષોથી ઉપેક્ષા પામેલ, આફ્રો-અમેરિકન તથા કૅરેબિયન સાહિત્યને તેમણે રેન્ડમ હાઉસનાં પ્રકાશનોમાં આદરભર્યું સ્થાન અપાવ્યું છે. આજ દિન સુધી મૉરિસનની સાત નવલકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. ‘દ બ્લુએસ્ટ આઈ’ (૧૯૭૦), ‘સુલા’ (૧૯૭૪), ‘સોંગ ઓફ સોલૉમન’ (૧૯૭૭), ‘ટાર બેબી’ (૧૯૮૧), ‘બીલવ્ડ’ (૧૯૮૭), ‘જાઝ’ (૧૯૯૨) તથા ‘પેરેડાઈઝ’ (૧૯૯૮). આ ઉપરાંત હાર્વર્ડ વિશ્વવિદ્યાલય ખાતે અપાયેલ સાહિત્ય વિવેચનવિષયક વ્યાખ્યાનમાળા પ્લેઇંગ ઈન દ ડાર્ક : વ્હાઈટનેસ ઍન્ડ દ લિટરરી ઈમેજિનેશન’ શીર્ષક હેઠળ ૧૯૯૨માં પ્રકાશિત થઈ. ૧૯૭૭માં લેખિકાને તેમની નવલકથા 'સોંગ ઑફ સોલોમન' માટે 'નેશનલ બુક ક્રીએટીવ સર્કલ ઍવૉર્ડ’ તથા ‘અમેરિકન અકાદમી ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સ ઍવૉર્ડ' પ્રાપ્ત થયાં. ૧૯૮૧માં તેઓ અમેરિકાના અત્યંત ખ્યાતનામ મેગેઝીન ‘ન્યૂઝ વીક’ના કવર પર ઝળક્યાં. ૧૯૪૩માં ઝોરા હંસ્ટનને આ માન મળ્યું હતું. ત્યાર બાદ આટલે વર્ષે આવું માન મેળવનાર દ્વિતીય અશ્વેત મહિલા મૉરિસન હતાં. ૧૯૮૮માં તેમની નવલકથા ‘બીલ્વડ’ માટે તેમને પુલીત્ઝર પારિતોષિક તથા રોબર્ટ એફ. કેનેડી ઍવૉર્ડ મળ્યાં. ટૉની મૉરિસન પર શોધકાર્ય કરનાર તેમ જ તેમની કૃતિઓ પર ૧૯૯૩માં વિવેચન-ગ્રંથ પ્રકાશિત કરનાર પ્રો. હેનરી લૂઈ ગેઈટ પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં આવી મહાન અશ્વેત લેખિકા જરૂર નોબલ પુરસ્કારથી વિભૂષિત થશે તેવી અમેરિકન વિવેચકોની માન્યતાને સમર્થન આપે છે અને તે આગાહી બાદ તરત જ આ લેખિકા નૉબેલ પુરસ્કાર મેળવી રહ્યાં છે તે કેવો સરસ યોગાનુયોગ છે ! એક નવલકથાકાર તરીકે મૉરિસનની કલાની વિશેષતા તેમનું પદ્યની છાંટવાળું ગદ્ય છે. નૉબેલ પારિતોષિકની જાહેરાત કરતી વખતે નૉબેલ કમિટીએ પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ટૂંકાં છતાં ચોટદાર કલ્પન-સભર વાક્યો તેમના ગદ્યને કાવ્યમય બનાવી દે છે. તેમનાં કથાનકો પણ એક વિશેષ આકર્ષણ ધરાવે છે, કેમકે તેમાં હિંસા, ખૂનામરકી, મારધાડ, સેક્સ, ન કળી શકાય તેવા ચમત્કારો, પ્રેતાત્માની હાજરી જેવાં ઘણાં તત્ત્વો સમાવિષ્ટ છે. ગેબ્રીએલ ગાર્સીઆ, મારક્વેઝ તથા તેમના સમકાલીન લૅટિન અમેરિકન લેખકોના ‘મૅજિકલ રિયાલિઝમ'નો પ્રભાવ મૉરિસનના કર્તૃત્વ પર સતત વર્તાય છે. રોજ-બરોજના જીવનમાં જોવા મળતાં પાત્રો મૉરિસનના કલાવિશ્વમાં મેળવવાં અશક્ય છે. પ્રથમ દૃષ્ટિએ ક્રૂર તથા અમાનવીય જણાતાં પાત્રો જ તેમની નવલકથામાં કેન્દ્રસ્થાને હોય છે. પોતાની નાનકડી બાળકીની ક્રૂર હત્યા કરનાર મા, પ્રેમિકાને મારી નાખનાર પ્રેમી, પતિની પ્રેમિકાના મૃતદેહ પર ચપ્પુના ઘા કરી તેને કદરૂપો બનાવી દેનાર પત્ની, ભડકે બળતી માને નિરાંતે જોઈ રહેનાર દીકરી જેવાં અનેક પાત્રો મૉરિસનની સાહિત્યકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે. ‘તમે આવાં માનસિક રીતે અસ્વસ્થ પાત્રો કેમ સર્જ્યાં છે? એવા પ્રશ્નના જવાબમાં મૉરિસને એક વાર જણાવેલું કે તેમને રોજિંદા જીવનમાં મળતા સામાન્ય મનુષ્યો આકર્ષતા નથી. અને વળી તેમનાં માનસિક રીતે અસ્વસ્થ દેખાતાં પાત્રોનાં ઊંડાણમાં ડોકિયું કરો તો લાગશે કે તેમની આ અસ્વસ્થતા અને હિંસક વૃત્તિનાં મૂળ દુનિયાએ તેમને કરેલ અન્યાયમાં છે. મૉરિસનના ઘણા વિવેચકોએ તેમના નીતિનિરપેક્ષ દૃષ્ટિકોણની અવારનવાર નોંધ લીધી છે. મૉરિસન પોતાનાં પાત્રોને ન્યાયાધીશની અદાથી ક્યારેય મૂલવતાં નથી. તેમને તેઓ એક મિત્ર કે ડૉક્ટરની સહાનુભૂતિ સાથે તપાસે છે, અને મહદ્અંશે અધમમાં અધમ, ક્રૂરમાં ક્રૂર કૃત્ય કરનાર તેમનું પાત્ર પણ વાચકની અનુકંપાને પાત્ર બની જાય છે! 'બ્લ્યૂચેસ્ટ આઈઝ'માં પોતાની સગી દીકરી પર બળાત્કાર કરતા પિતા ચૉલીના વ્યક્તિગત જીવનના અભાવો તથા માનસિક પૃથક્કરણની પશ્ચાદ્ભૂમાં લેખિકા વાર્તા કહેનાર પાત્ર ફ્લોડિયાના મોંમાં ચૉલી પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વાક્યો મૂકતાં જરાય અચકાતાં નથી. ફ્લોડિયા કહે છે, ‘ચૉલીએ તેને [૧૧ વર્ષની દીકરી પિકોલાને] પ્રેમ કર્યો હતો. એક એ જ એવો હતો કે જેણે તેણે પ્રેમ કર્યો હતો - તેને સ્પર્શવા જેટલો, પોતાનામાં એકાકાર કરવા જેટલો, પોતાની જાતનો કંઈક અંશ તેને આપવા જેટલો. તેનો પ્રેમ ઘાતકી નીવડ્યો અને પેલીને ગાંડપણનો શાપ આપતો ગયો. તેમાં ચૉલીનો શો વાંક? પ્રેમ પ્રેમી કરતાં વધુ સારો તો ન જ હોઈ શકે ને!’ ‘સુલા’ની સ્વચ્છંદતા પણ જાણે લેખિકા સ્ત્રીસહજ સમજણભરી રીતે છાવરે છે. તો વળી ‘ટાર બેબી’ જેવી સ્ત્રીપ્રધાન નવલકથાની નાયિકા જેડીન પોતાના પતિને છોડી જાય તેમાંય તેમને કશું અજુગતું લાગતું નથી. ‘બીલવ્ડ'ની નાયિકા સીથના પોતાની નિર્દોષ બાળકીની કરપીણ હત્યાના કૃત્યને પણ મનોવૈજ્ઞાનિક સ્પર્શ દ્વારા લેખિકા સ્વીકાર્ય બનાવી દે છે. ‘જો મેં તેને મારી નાખી ન હોત તો લોકો તેને મોટી થતાં પીંખી નાખત’-મૃત બાળકીની મા સ્પષ્ટતા કરે છે ! ટૉની મૉરિસનની નવલકથાના સ્વરૂપ અંગે વિવેચકોમાં મતભેદ પ્રવર્તે છે. તેમની નવલકથાઓ સુગ્રથિત હોવા છતાં તેમનો અંત એટલો પ્રભાવશાળી હોતો નથી તેટલું જ નહીં, પણ તેમની નવલકથાનો અંત સંદિગ્ધ હોય છે; તે મતલબના આરોપો તેમના પર મુકાઈ રહ્યા છે. શું વિવેચકોનું આ અવલોકન સાચું છે ? ક્રિસ્ટીના ડેવિસે એક ઇન્ટર્વ્યૂમાં કરેલા પ્રશ્નનો ઉત્તર મૉરિસને નીચે પ્રમાણે આપ્યો હતો: ‘હા, એ વાત સાચી છે કે મારી નવલકથાઓનો કોઈ નિશ્ચિત અંત નથી હોતો… હું મારી નવલકથાઓના અંતે સંભાવનાઓનાં બારણાં બંધ કરી દેવા નથી માગતી. પાત્રો પાસે જ્યારે ઘણીબધી સંભાવનાઓ હોય ત્યારે તેમને માટે તેમાંથી એક સંભાવના પસંદ કરી આપી હું તેમની સ્વતંત્રતા ઝૂંટવી લેવા માગતી નથી… મારી નવલકથાના અંતની સંદિગ્ધતા સપ્રયોજન હોય છે, કેમ કે નવલકથાના અંત સાથે બધું પૂર્ણ થઈ જતું હોતું નથી. જીવન તો શાશ્વત છે. વાચકે વિચારવું ઘટે. તેણે પણ નવલકથામાં ભાગ લેવો ઘટે……હું મારા વાચકોને માન આપું છું…હું મારી નવલકથાને એક નિશ્ચિત અંત આપી જેને માન આપું છું તે વાચકને કઈ રીતે કહી શકું કે ‘આ છે જીવન, સમજ્યા?’ મારો અંતિમ નિર્ણય જાહેર કરીને હું તેમને માટે સંભાવનાનું બારણું ધબ દઈને બંધ ન જ કરી શકું. કેમ કે કોઈ મારી સાથે એવું વર્તન કરે તેમ હું નથી ઇચ્છતી.’ ઊર્મિમય રીતે આફ્રો-અમેરિકન અનુભવ વ્યક્ત કરવાની કલા મૉરિસનની વિશેષતા છે. પણ અશ્વેત સમાજના પ્રત્યક્ષ અનુભવ, તેમના સંગીત, તેમની અંધશ્રદ્ધાઓ, તેમની માન્યતાઓ, રિવાજો વગેરેમાંથી જન્મતી મૉરિસનની નવલકથા સમસામયિકતા વટાવીને વાચકને વૈશ્વિક અનુભવ તરફ દોરી જાય છે, અને તેમની આ વિશેષતા જ તેમને સમયાતીત બનાવી રહેશે.

*

ટૉની મૉરિસનની કલાની જે ચર્ચા આગળ થઈ ગઈ છે તેની પુષ્ટિરૂપે તેમની અત્યંત લોકપ્રિય નવલકથા 'બીલવ્ડ'ની ચર્ચા અહીં અસ્થાને નહીં ગણાય, ‘બીલવ્ડ’ નવલકથાને ઘણા એવોર્ડઝ પ્રાપ્ત થયા છે. ૧૯૮૭માં જ્યારે તે નવલકથા પ્રકાશિત થઈ ત્યારે તેને ખૂબ સરસ પ્રતિભાવ સાંપડેલો. પ્રસિદ્ધ કૅનેડિયન નવલકથાકાર માર્ગરેટ ઍટવુડે ન્યુયોર્ક ટાઈમ્સમાં આ નવલકથાની સમીક્ષા કરતાં લખેલું, “ટૉની મૉરિસનની પાંચમી નવલકથા તેમની નિશ્ચિત સફળતા લઈને આવી છે. જો કોઈને ટૉનીના સર્વશ્રેષ્ઠ અમેરિકન નવલકથાકાર હોવા વિશે સહેજે શંકા હોય તો તે આ નવલકથા દ્વારા દૂર થશે… આ નવલકથા પ્રેતાત્માઓ તથા જાદુ જેવાં તત્ત્વોથી ભરપૂર છે. પરંતુ જો તમે તેનું પ્રથમ પૃષ્ઠ સ્વીકારી શકો - ટૉની મૉરિસનની ક્ષમતા તમને તેમ કરવા ફરજ પાડી દે છે - તો સમગ્ર નલકથામાં બનતી બધી જ ઘટનાઓ તમે સ્વીકારી શકો. તમે નવલકથામાં એવા તો ઓતપ્રોત થાવ છો કે તે સ્વીકાર્યે જ છૂટકો.” મૉરિસનની આ નવલકથાનું મુખ્ય કથાનક છે ગુલામી. સામાન્ય રીતે તેમની નવલકથાઓ પાત્રોની હાજરીથી ધમધમતી હોય છે, પણ આ નવલકથા દરમિયાન એટલે કે ૧૮૭૩ સુધીમાં અડધા ઉપરાંત પાત્રો મૃત્યુ પામે છે. નવલકથાનું વાતાવરણ ગંભાર, ગમગીન, તથા દુઃખપૂર્ણ છે. જે પાત્રો જીવે છે તે પણ ગુલામીની ભૂતાવળમાં લગભગ મૃતપ્રાય રીતે જ જીવે છે. ‘સ્વીટ હોમ’ના કેદીઓના જીવનની આ વાત છે. તેમાંનો દરેકે દરેક મુક્ત જિંદગી ઝંખે છે. બેબી સગ્સ, હેલે, પોલ એ, પોલ ડી, પોલ એફ, સીકસો, સેથ જેવાં વિચિત્ર નામો ધરાવતાં આ બધાં ગુલામ પાત્રો મુક્ત હવામાં શ્વાસ લેવાના સ્વપ્ન સાથે જીવે છે. અને તેમાંના એક, હેલે, તો પોતાના માલિક સાથે સોદો કરે છે. પોતાના થોડાક કલાક વેચીને તે પોતાની મા, બેબી સગ્સ માટે થોડો સ્વતંત્ર સમય ખરીદે છે. તેની માને આશ્ચર્ય થાય છે. તેના જેવી બુઢ્ઢી વળી સ્વતંત્રતાનું શું કરશે? પરંતુ જ્યારે પુત્રે ખરીદેલ સ્વતંત્ર સમયમાં તે ઓહાયો નદીના કાંઠે ઊભી રહે છે ત્યારે તેને સમજાય છે કે જેણે એકેય શ્વાસ મુક્ત હવામાં લીધો નહોતો-તે હેલે જાણતો હતો કે વિશ્વની અન્ય કોઈ ચીજ મુક્ત હવાની તોલે આવી શકે તેમ નહોતી! ગુલામીમાંથી મુક્ત થવા મથતાં આ બધાં પાત્રો જીવસટોસટની બાજી રમવા તૈયાર હતાં. ‘સ્વીટ હોમ'માંથી ભાગી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કરવા માટે એક જ સજા હતી-મોત. પણ આવા ગુલામ જીવન કરતાં તો મૃત્યુ ભલું. તેમાંનાં ઘણાંબધાં ભાગી છૂટવાનો પ્રયાસ કરવા જતાં મૃત્યુને વરે છે. પોતાની મા માટે મુક્ત શ્વાસ ખરીદી શકવાનું સ્વપ્ન જોનાર હેલેની પત્ની સેથ ત્રણ બાળકોની માતા છે. પોતાના પતિની જેમ તેને પણ મુક્ત હવામાં શ્વાસ લેવાના કોડ છે. પોતાનાં બાળકોને ગુલામીમાં સબડતાં જોવા તે તૈયાર નથી. છેવટે જીવ કાઠો કરીને પોતાનાં ત્રણે બાળકોને ઉત્તર તરફ જતી ટ્રેનમાં ચઢાવી દે છે. તેને શ્રદ્ધા છે કે આ ટ્રેન જરૂર તેમને મુક્ત વિશ્વમાં લઈ જશે - એક એવું વિશ્વ જ્યાં બાળકોને મુક્ત શ્વાસ લેવા મળશે, પણ માની હૂંફ નહીં મળે. સૌથી નાનું બાળક ગયું ત્યારે ભૂખ્યું હતું. તેનો જીવ ભૂખ્યા બાળક માટે કકળે છે. અધમૂઈ થઈ ગયેલ સેથને એક શ્વેત સ્ત્રી બચાવે છે. થોડા જ વખતમાં તે એક બાળકીને જન્મ આપે છે, જે ગુલામીથી તે પોતાનાં બાળકોને છોડાવવા મથતી હતી તે ગુલામી ભોગવવા આ વળી ક્યાંથી આવી? દીકરીને ભવિષ્યનાં અપમાનો, યાતનાઓ વગેરેથી બચાવવા સેથ તેની હત્યા કરે છે. સંતાનની હત્યાનું કૃત્ય આ નવલકથાના કેન્દ્રસ્થાને છે. જો ફક્ત વાર્તાતત્ત્વ પર જ ધ્યાન આપીએ તો એમ લાગે કે ‘બિલવ્ડ' એક મેલોડ્રામાથી વિશેષ કંઈ જ નહીં હોય. પરંતુ મૉરિસનની કલા તેને નવું રૂપ આપે છે. મૉરિસનની નવલકથામાં પ્રસંગો વર્ણવી જવા માટે હોતા નથી. પ્રસંગો તો જાણે મૉરિસનનાં પાત્રોની બંધ કરેલ આંખનાં પોપચાંમાંથી સરે છે કે પછી તેમની અંજલિમાંથી પાણીની જેમ ટપક ટપક ટપકે છે. આ ક્રૂર ઘટનાના બરાબર ૧૮ વર્ષે ગુલામીનો અંત આવે છે. ગુલામો મુક્ત થાય છે. પોતપોતાનાં ઘર વસાવીને રહે છે. સેથ હવે સ્વતંત્ર છે. પોતાના પતિ હેલેની ગેરહાજરીમાં ડેનવર નામના પુરુષ સાથે પોતાની સાસુના પૈતૃક મકાનમાં રહે છે. જિંદગીના અંતે જ્યારે હવે તેનું પોતાનું કહી શકાય તેવું એકેય પાત્ર તેના જીવનમાં નથી, ત્યારે ક્ષણેક્ષણ ઝંખેલી સ્વતંત્રતા તેને મળી છે. પરંતુ સ્મૃતિની ભૂતાવળ તેને જીવવા દેતી નથી. સેથનું મકાન પ્રેતાત્માઓથી અભિશાપિત બન્યું છે. કોક વાર અરીસો તૂટેલ હોય તો કોક વાર સેથે તૈયાર કરીને મૂકેલી કેકના આઇસિંગ પર પ્રેતાત્માની નાની નાની હથેળીઓની નિશાની હોય! ચોક્કસ આ પોતે મારી નાખેલ બાળકીનો પ્રેતાત્મા લાગે છે. 'મને ક્યાં ખબર હતી કે એ નાનકડી બાળકીમાં આટલો બધો રોષ હશે?’ સેથ કહે છે. તેની સાસુ તેને આશ્વાસન આપે છે, ‘ભગવાનનો પા’ડ માન કે આ પ્રેતાત્મા બાળકનો છે. જો ભૂલેચૂકે તારા કે મારા પતિનો પ્રેતાત્મા આવત તો? તો તો આપણું આવી જ બનત.' અશ્વેત સમાજના લોકસાહિત્ય તથા અંધ-શ્રદ્ધાઓનો ઉપયોગ કરતી આ નવલકથાની વિશેષતા એ છે કે તે વાચકને પ્રેતયોનિથી માંડી મનુષ્યમનનાં ગહન ઊંડાણો સુધીની સફર કરાવી જાય છે. પ્રેતયોનિના પણ પોતાના નિયમો હોય છે. આહ્વાન વગર પ્રેતાત્મા આવતો નથી. અહીં પાત્રોમાં ઊંડે ઘર કરી ગયેલ ગુલામીની સ્મૃતિ પ્રેતાત્માઓનું આહ્વાન કરે છે. ટૉની મૉરિસનનું સમગ્ર સર્જકત્વ અશ્વેત ચેતનામાં છે, તે અહીં સ્પષ્ટ થાય છે.


નિજી આકાશ, પૃ.૯-૧૬,૧૯૯૮