નારીસંપદાઃ વિવેચન/લોકનાટ્યઃ ભવાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકનાટ્ય ભવાઈ
સુધાબહેન દેસાઈ

ભવાઈ – ગુજરાતનું લોકનાટ્ય ભારતના વિવિધ પ્રદેશોમાં લોકનાટ્ય જુદા જુદા પ્રકારોમાં વિકાસ પામ્યું છે. રામલીલા, રાસલીલા, જાત્રા, નૌટંકી, લળિત, તમાશા એમ ઘણાં જુદાંજુદાં સ્વરૂપે તે દેખાય છે. ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ‘ભવાઈ’ છે. એ ‘ભવાઈ’ તરફ મહીપતરામ રૂપરામ નીલકંઠે માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું છે એમ નથી. ભવાઈના વેશોનો તેઓશ્રીએ એક સંગ્રહ પણ તૈયાર કર્યો છે, જે એ વિષયના સાચા અભ્યાસ માટેનું પહેલું જ પુસ્તક ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં કહી શકાય. વેશોના સંગ્રહો તો બીજા પણ કેટલાંક થયા છે પણ તેમાં લોકનાટ્યના અભ્યાસની દૃષ્ટિ નથી. કેટલાક સંગ્રહ તો માત્ર ભજવનારાઓને મુખપાઠ કરવામાં ટેકો મળે તેટલા પૂરતા જ છે. પરંતુ નીલકંઠે વેશોનો સંગ્રહ કરવા ઉપરાંત એમણે એમાં વિષય અંગે ચર્ચા કરતી પ્રસ્તાવના લખી છે અને સંગ્રહને છેડે ભવાઈના કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી પણ આપી છે.

લોકનાટ્ય પરંપરા ‘ભવાઈ’ના સતત ઘસારો પામતા જતા અને છતાં હજીય લોકપ્રિય રહેલા કલાપ્રકારનાં અનેક પાસાંઓ વણનોંધ્યાં અને સાવ અંધકારમાં રહેલાં છે. સહુ પ્રથમ તો એ નોંધવાની જરૂર છે કે ‘ભવાઈ'માં ઘણી જૂની ભારતીય લોકનાટ્ય પરંપરા સચવાઈ રહી છે.૧ [1] નાટ્યકલાના પ્રાચીન પ્રવર્તક ભરતના સમયથી જ અગર કદાચ તેથીય પુરાણા સમયથી લોકનાટ્યની પરંપરા ચાલી આવે છે. નાટકનું કલાસ્વરૂપ તો અનેક પ્રકારોમાં ખીલ્યું હતું. ‘રૂપક’ના દશ પ્રકાર હતા. (નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ, પ્રહસન વગેરે). એક તરફ આ ‘પાઠ્યપ્રેક્ષ્ય’ને નામે ઓળખાતો નાટ્યપ્રકાર ખીલેલો હતો, અને બીજી તરફ ‘ગેયપ્રેક્ષ્ય’ને નામે ઓળખાયેલો લોકનાટ્યપ્રકાર પણ સારી રીતે પાંગર્યો હતો. ‘પાઠ્યપ્રેક્ષ્ય' પ્રકાર કાંઈક અંશે માર્ગીય (classical) બની ગયો હતો. એની રેખાઓ સ્પષ્ટ બની ગઈ હતી. એનો ઢાંચો નક્કી થઈ ગયો હતો. ‘ગેયપ્રેક્ષ્ય’નું તેમ ન હતું. જોકે ડોમ્બી, પ્રસ્થાન, રાસક, શ્રીગદિત, ભાણ, હલ્લીસક, નર્તનક, પ્રેક્ષણક, ગોષ્ઠિ, દુર્મલ્લિકા, નાટ્યરાસક વગેરે નામો દ્વારા સાહિત્ય અને નાટકના અભ્યાસીઓએ અને વિદ્વાનોએ એને વિગતવાર ઓળખાવ્યા છે, અને એની સંખ્યા પણ દર્શાવી છે. જુદા જુદા વિદ્વાનો એની જુદી જુદી સંખ્યા દેખાડે છે. દશ-બારથી માંડીને વીસ સુધીની સંખ્યા મળે છે. આચાર્ય હેમચંદ્ર કાવ્યના બે ભેદ પાડે છે. ‘પ્રેક્ષ્ય' અને ‘શ્રાવ્ય’. ‘પ્રેક્ષ્ય’ના વળી પાછા બે ભાગ પાડે છે. જેમાંથી એક તે ‘પાઠ્ય’ અને બીજો ‘ગેય’. એમાંય જે સંવાદ–પ્રધાન હોય તેવા દશરૂપક પ્રકારોને હેમચંદ્રાચાર્ય ‘પાઠ્યપ્રેક્ષ્ય' પ્રકારમાં મૂકે છે. અને જેમાં ગીત-નૃત્યનું પ્રાધાન્ય હોય તેવાં ઉપરૂપકો, જેનો અભિનવગુપ્તે ઉલ્લેખ કર્યો છે, તેને ‘ગેયપ્રેક્ષ્ય’માં ગણાવે છે. આ ‘ગેયપ્રેક્ષ્ય’ પ્રકારની સીમાઓ બદલાતી રહેતી. અને તેથી જ તે ચુસ્તપણે માર્ગીય ન બની જતાં લોક કલા પ્રકાર રહી શક્યો હતો. એના નિર્બંધ સ્વરૂપને લીધે જ જમાને જમાને એમાં નવાં નવાં તત્ત્વો ઉમેરાતાં ગયાં, નવાં કથાનકો એમાં સ્થાન મેળવી શક્યાં. એમાં નૃત્ય-સંગીતનું પ્રાબલ્ય તો રહ્યું જ પણ સંજોગપલટા, ભાષાપલટા અને સમાજપલટાની અનિવાર્ય ઊથલપાથલમાં આ સ્થિતિસ્થાપક પ્રકાર જરૂરિયાતો પ્રમાણે એના આકારને વિવિધ સમાજો અને સર્જકો વડે ઘડતર અપાવતો રહ્યો અને એને જ પરિણામે પેલા માર્ગીય કલાપ્રકારો સ્થગિત થઈ ઘસાઈ ગયા અને આ લોકનાટ્યની પરંપરા નવપલ્લવિત રહી શકી.

ભવાઈ અને પ્રેક્ષણક : એ નાટ્યપરંપરામાંથી ભરતનાટ્યશાસ્ત્રમાં વર્ણવેલા પૂર્વરંગ અને રૂપકોનાં કેટલાંક લક્ષણો લઈ તેમજ ઉપરૂપકો કે ‘ગેયપ્રેક્ષ્ય’ના પ્રકારોમાંથી કેટલાકના અંશોને સાચવી રાખતું લોકનાટ્ય ગુજરાતમાં ‘ભવાઈ'ના સ્વરૂપે વિકાસ પામ્યું. આ ‘ગેયપ્રેક્ષ્ય’ ‘ગેયનૃત્ય’ પ્રકારના ઉપરૂપકોમાંથી ‘પ્રેક્ષણક’ સાથે ભવાઈને સહુથી વધારે નજીકનો સંબંધ છે એ ભોજના ‘શૃંગાર-પ્રકાશ'માંથી તથા રામચંદ્ર–ગુણચંદ્રના નાટ્યદર્પણમાં આવતા પ્રેક્ષણકના સ્વરૂપવર્ણન ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે. એ વર્ણન નીચે મુજબ છે.

“रथ्या-समाज-चत्र्वर-सुरालयादौ प्रवर्त्यन्ने बहुभि: ।
पात्रविशेषैर्यन्न् न्नन्न् प्रेक्षणक कामदहनादि ।।”

મોટા રસ્તા ઉપર, લોકસમુદાયમાં, ચોરામાં અને દેવમંદિર આદિમાં ઘણાં પાત્રોથી જે ભજવવામાં આવે તે પ્રેક્ષણક-ઉદાહરણ તરીકે કામદહન આદિ. ભાવપ્રકાશનમાંનું પ્રેક્ષણક (પૃ.૨૬૩, પૃ.૨૬૬) પણ આ જ હોય તેમ લાગે છે. સાહિત્યદર્પણમાં એને પ્રેંખણ કહ્યું છે. (અ. ૬, શ્લો. ૨૮૬-૨૮૭) અને તેની વ્યાખ્યા આપતાં તેના લક્ષણો તે રીતે બતાવ્યાં છે કે એક અંકમાં જ તેનું વસ્તુ પૂરું થાય, ત્યાં ગર્ભ અને અવમર્શ સંધિ હોય નહીં તેમજ વિષ્કંભક અને પ્રવેશક પણ ન હોય નાયક ‘હીન’ એટલે કે સામાન્ય અને નીચલા સામાજિક થરમાંથી હોય. એમાં બાહુ–યુદ્ધ અને રોષમાં આવી થતી ટપાટપી પણ આવે અને બધી વૃત્તિઓથી નિષ્પન્ન થતા બધા રસોને એમાં સ્થાન હોય. આ આખુંય વર્ણન ‘ભવાઈ'નાં લક્ષણો પણ દર્શાવે છે. ‘ભવાઈ’નું સ્વરૂપ આ રીતે પરંપરાગત છે પણ એ પ્રેક્ષણક કે તે ઉપરથી ‘પેખણું’ તરીકે ઓળખાવાને બદલે ‘ભવાઈ’ કેમ કહેવાયું એ બાબત થોડી વિચારણા માગી લે છે.

ભવાઈ અને ‘ભાવન’ : ‘ભવાઈ’નું આજનું સ્વરૂપ ઈ.૧૨૦૦-૧૩૦૦ની આજુબાજુમાં વિકાસ પામ્યું છે. ગુજરાતમાં રજપૂત રાજ્ય અસ્ત પામ્યું અને તે અરસામાં મુસ્લિમ રાજ્ય-અમલ સ્થપાયો. ઈ.૧૪૧૧માં અહમદશાહે જૂની વસાહતોનો જીર્ણોદ્ધાર કરી અહમદાવાદ–અમદાવાદ સ્થાપ્યું. લગભગ આ સમયે ‘ભવાઈ’ સ્વરૂપને ઘડતર આપ્યું અને એનો ‘ભવાઈ’ તરીકેનો સ્પષ્ટ આકાર ઘડ્યો. ભવાઈ'માં જે વસ્તુ છે તે આ રાજ્યપલટા અને સમાજપરિવર્તનું દ્યોતક છે. આમ તો ભવાઈ એ ધાર્મિક ઉપાસનાનો એક ભાગ છે. અને તેનો સંબંધ શક્તિપૂજા સાથે છે.૨ [2] જેમ જૈન મંદિરોમાં અથવા પૂજાસ્થાનના ચોગાનમાં વાદ્યો સાથે ભાવન નામનાં સ્તવનો ગવાય છે તેમ શક્તિપૂજાના સ્થાનકમાં માતાના ચાચરમાં જે ભાવન (સ્તુતિગીતો) થાય તેમાંથી ‘ભવાઈ’ શબ્દ ઊપસી આવ્યો હોય એવું અનુમાન કરી શકાય. એ અનુમાન કરવા પાછળ કેટલાંય સબળ કારણો છે. ‘ભવાઈ'ના વેશોમાં ભાવન શબ્દ શક્તિમાહાત્મ્યની પૂજનવિધિ વખતે રચવામાં આવતી ગદ્યપદ્યાત્મક પ્રસંગકથાના સંદર્ભમાં અનેકવાર વપરાયો છે. જેમકે ઝંડાના વેશમાં ઝૂંડાઝૂલણ અને તેજાં કહે છે કે : માંડણ નાયકે ભાવન જોડિયો રે, બોલણા બેચાર કીરત ઝંદા તેજલી રે, પોંકી સમંદર પાર. વળી ભવાઈના હસ્તલિખિત ચોપડાઓમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ‘આબુના ધણીનું ભાવન, દ્વારકાના ધણીનું ભાવન, ઢોલાનું ભાવન,' ઇત્યાદિ. આ જોતાં ‘ભવાઇ’ને ભાવન સાથે સંબંધ હોય એમ ચોક્કસપણે લાગે છે અને જેમ ‘રાસન’ એ મૂળ સંસ્કૃત શબ્દ જેનો અર્થ ‘સ્વાદ આપે એવું' એ થાય છે અને જેમાંથી ‘રસોઈ' શબ્દ નીકળ્યો હોય એમ લાગે છે તે જ પ્રમાણે ભવાની (શક્તિ)ના ‘ભાવન’માંથી ‘ભવાઈ’ શબ્દ નીકળ્યો હોય એ અનુમાન દૃઢપણે કરી શકાય તેમ છે. આજે પણ મુખ્યત્વે ભવાઈ એ શક્તિપૂજા સાથે જ સંકળાયેલો કલાપ્રકાર રહ્યો છે.

આદ્યનિર્માતા અસાઈત ભવાઈના આદ્યનિર્માતા કવિ અસાઈત૩[3] હતા એમ ભવાઈપરંપરા સૂચવે છે અને એ અંગેની કેટલીક દંતકથાઓ મળે છે તે તથા અસાઈતનો વેશના રચિયતા તરીકે ઘણી વેશરચનાઓમાં આવતો ઉલ્લેખ આ પરંપરાગત સૂચનને બળ આપે છે. કવિ અસાઈત એ ‘હંસાઉલી’ (ઈ.૧૩૬૧)ના કર્તા છે એમ આપણે સ્વીકારીએ તો ભવાઈના રચના-કાળ સાથે એ સુસંબદ્ધ થાય છે. વળી અસાઈતના કેટલાક જાણીતા થયેલા જીવન પ્રસંગોને – જેથી તેમને ‘ભવાઈ’ નાટ્યપ્રકારના સ્થાપક કે પ્રથમ જીર્ણોદ્ધારક તરીકે ગણાવવામાં આવે છે – અને ભવાઈ ભજવનારા ભવૈયાઓ અગર તરગાળાઓના નામને પણ સૂચક સંબંધ છે. ભવાઈનો જન્મકાળ અગર કોઈ પ્રાચીન ઉપરૂપક કે ઉપરૂપકોનો ભવાઈ તરીકે નવજીવનકાળ એ ગુજરાતમાં તીવ્ર રાજકીય અને સામાજિક પલટાનો સમય હતો. મોટાં નગરો ઉપરાંત નાનાં નગરો અને ગામ–ગામડાંઓમાં પણ આ સમયપલટાની અસર થઈ હતી, જે ભવાઈએ નોંધી રાખી છે. અસાઈતની પોતાની જીવનકથા પણ આ સમયપલટાની અસરને નોંધે છે. અસાઈત પોતે જેમના ગોર હતા તેવા ઊંઝા ગામના એક પાટીદાર યજમાનની સુંદર કન્યા જેનું ત્યારના તે પ્રદેશના કોઈ મુસ્લિમ વહીવટકર્તાએ અપહરણ કર્યું હતું તેને બચાવવા માટે અસાઈતે પોતે જ પ્રયત્ન કર્યો. એમ કરવામાં એમણે પોતાની સંગીત કલાની આવડતથી તે મુસ્લિમ રાજકર્તાને રીઝવ્યો અને પેલી અપહરણ કરાયેલી કન્યા પોતાની પુત્રી કે પરણેતર છે એમ કહી તેને છોડાવી. પણ એને છોડાવતાં પહેલાં અસાઈતને એ કન્યા સાથે એક ભાણે બેસી–જમીને પોતાનો સંબંધ સાબિત કરવો પડ્યો, જે એમણે નિઃસંકોચ તેમ કરી સાબિત કર્યો. કન્યા તો છોડાવાઈ પણ તે સમયનાં નાતજાતનાં સામાજિક બંધનો એવાં કડક હતાં કે આવું ઉમદા કામ કરનાર અસાઈતને પણ નાતબહાર મુકાવું પડ્યું. અસાઈત સંગીતકલાના જાણકાર હતા. તેમણે પોતે અને તેમના કુટુંબીજનોએ ગાનતાન અને નાટકનો પેશો સ્વીકારી લીધો અને ભવાઈના સ્વરૂપે શક્તિપૂજનના ભાગ તરીકે એ મનોરંજન લોકોને આપ્યું. અસાઈતના ત્રણ દીકરાનાં ત્રણ ઘર ઉપરથી ‘ભવાઈ’ કરનાર લોકોની જે એક જુદી નાત થઈ તે ત્રણ ઘર-‘ત્રણ ઘરાળા’ ઉપરથી તરગાળા તરીકે ઓળખાઈ એમ દંતકથા કહે છે. આ પ્રમાણે ધૂંધળી પણ રસિક ઐતિહાસિક પરંપરામાંથી ઘડાયેલા આ ‘ભવાઈ’ પ્રકારની રજૂઆત વેશો દ્વારા થાય છે. આ વેશો અસાઈતે તો પ્રત્યેક દિવસનો એક એ રીતે ત્રણસોને સાઠ જેટલા રચ્યા હતા એમ એ અંગેની કહેતી ચાલી આવે છે પણ એમાંના ઘણા વેશો અપ્રાપ્ય છે. કેટલાકનાં માત્ર નામો મળે છે. આમ આજે સાઠ-પાંસઠની આજુબાજુના ‘ભવાઈ'ના વેશો મળે છે. એ વેશોના સામાન્ય રીતે ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક એવા પ્રકારો પાડી શકાય તો કેટલાક વેશો બહુ જ ઓછા ગદ્ય (સંવાદો) વાળા, માત્ર નૃત્યપ્રધાન અથવા અંગકસરતના તેમજ જાદુ, સમતોલન શક્તિ તથા હસ્તકૌશલ્યની બીજી કરામતો દેખાડી અદ્ભુત રસ જગાડતા ખેલો દેખાડે છે એ ભવાઈ'ની ખાસિયત પણ નોંધવા જેવી છે.

ગુજરાત-મારવાડનો સાંસ્કૃતિક સંબંધ ‘ભવાઈ’ એ આનર્તની ઊપજ છે. ગુજરાતનો એ ઉત્તર ભાગ કે જ્યાં ‘ભવાઈ’ વિકસી છે અને સચવાઈ છે તે મરુદેશ (રાજસ્થાન-મારવાડ)ની સીમા સાથે સંકળાયેલો છે. એ મરુદેશ અને ગુજરાતના સંબંધનું સૌથી વધારે જીવતું ઉદાહરણ ‘ભવાઈ’ છે. એની સાબિતીઓ પ્રાપ્ત કરવા જતાં એ સૂચન પણ મળી રહે છે કે ‘ભવાઈ’ના વેશોમાં છેક આજ સુધી નવા પ્રયોગો થયેલા મળે છે તે સાથે ઘણા જૂના અંશો પણ સચવાઈ રહ્યા છે. આ વિષય ઉપર સંશોધન કરતાં મને અચાનક મળી આવેલો એક ‘રત્ના હમીર રો વેશ'૪[4] આ બાબતમાં કાંઈક અવનવો પ્રકાશ પાડે છે. કચ્છ-ભૂજના રાજા સમક્ષ ગુજરાતી ભવૈયાઓએ ભજવેલો મારવાડના નાયક-નાયિકાનો એ સ્વાંગ કંઈક નવી જ વાત કહી જાય છે. મારવાડના એક રજપૂત કુંવર હમીર અને તેની વણિક પ્રિયતમા રત્નાની પ્રેમકથા ગુજરાતના ચાર ત્રાગાળા નાયકોએ ભૂજના રાજા સમક્ષ ભજવી. લગભગ સવા સૈકા પહેલાંનો આ વેશ છે અને ભવાઈ કલાસ્વરૂપને બહુ જ સુરેખ રીતે આપણી સમક્ષ રજૂ કરે છે. એમાંથી કેટલાંક અવતરણો અહીં ટાંકવાં જરૂરી છે. જેમની આગળ એ વેશ ભજવાયો તે રાજાનું વર્ણન આ પ્રમાણે છેઃ

“પછમ ધરારો પાતસા, ભૂજ નગર રો ભૂપ,
રાવ દેશલ રંગ રસીઓ, ઇણરી છટા અનૂપ.
રતના-હમીરરો વેશ સૂણતાં અંબા પુરસે આશ,
કરજોડી ‘પાનાચંદ' કહે સિગલા કવિ રો દાસ.”

અને પછી જે રાજકુમારનો વેશ ભજવાય છે તેનું વર્ણન મારવાડી બોલીમાં આવે છે. વેશનો નાયક કુંવર હમીર કેવો છે?

“જાતો આહેડે જઠે તીખકરણ તાતો
રંગ રાતો, નિશદિન રહે મદજોબન માતો.
મુખ હુંગતી મોસરાં, મદ મગજાં મઢીઓ
પાટી બીરતરી પઢરો, ચિત ચાલા ચઢીઓ.”

એક ગાવણુ પણ સુંદર ભાવ રજૂ કરતું એમાં આવે છે અને તે પછીનાં નરને અપાતાં સૂચન ગુજરાતી ભાષામાં છે તે આ પ્રમાણે છે: ‘ઇ ગાઇને બેસવું જણા બેને અને સુખીઆએ રૂમાલ લઈ કુવરરો મુરછલ કરતે રહેવું ને ચત્રુંને રતનાને પાસે એક કોર બેસવું તે પછે રતના તથા કુંવરે પરસ્પરે દોહરા કેવા...' વગેરે. આ જોતાં લાગે છે કે ગુજરાતી -મારવાડી ભાષાઓનો કેવો અચ્છો સુમેળ આમાં થયો છે! અને એ બન્ને પ્રદેશોનો સાંસ્કૃતિક સંબંધ પણ એ કલાપ્રયોગ દ્વારા કેવો વ્યક્ત થાય છે? આ મારુ–ગુર્જર ઉપરાંત બીજી ભાષાઓ અને બોલીઓ પણ ભવાઈમાં છૂટથી વપરાય છે. ગુર્જર હિંદુસ્તાની તથા ગુજરાતી ભાષાની જુદા જુદા વળોટવાળી વિશિષ્ટ લોકબોલીઓ પણ વેશોમાં વપરાય છે, તો છેક ૫ [5] આધુનિક સમયમાં બોલચાલની ભાષામાં આવી ગયેલા અંગ્રેજી શબ્દો પણ એમાં આવે છે.

ભવાઈમાં સંગીત સંગીતની દૃષ્ટિએ પણ ભવાઈમાં સારું એવું ખેડાણ થયું છે.૬ [6]આજે કદાચ બેસી ગયેલા ખોખરા અવાજે ગવાતાં ભવૈયાઓના ગાણાં કાનને કર્કશ અને મનને નિરર્થક લાગે - એમ થવાનું કારણ એ છે કે પહેલાં લેવાતી એવી ગીત-નૃત્યની તાલીમ હવે ભવાઈ–કલાકારો લેતા નથી. પણ મેં જોયેલા ‘ભવાઈ' પ્રયોગોમાં લગભગ પચાસ-સાઠ રાગના સ્વરો સાંભળ્યા છે. અને કેટલાંય સુંદર રાગદારી ગાણાં એમના વિશિષ્ટ લોકઢાળોમાં ઢળાયલાં માણ્યાં છે. બિલાવલ, બિહાગ, વેરાડી, રામગ્રી, સોરઠ, માઢ, આશાવરી, ટોડી, મલ્હાર વગેરે અનેક રાગોની દેશીઓ ભવાઈમાં ગવાય છે. ત્રિતાલ, ઝપતાલ, ચૉતાલો, દીપચંદી, ખેમરો, દોઢીઓ વગેરે તાલ પણ એમાં વપરાય છે. ભૂંગળ, પાવો, ભૂર, પખવાજ, એકતારો, તબલાં, ઢોલક, રાવણહથ્થો વગેરે વાજિંત્રો વગાડાય છે. જોકે ભવાઈનું ખાસ વાદ્ય તો ભૂંગળ. ભૂંગળ જ ‘ભવાઈ’ના ખેલની જાહેરાત કરે, ભૂંગળ સતત સાથ આપે અને જ્યાં કશું ભાર દઈને અગર સૂચક કહેવાનું હોય ત્યાં તે ભૂંગળની જોડ જ કહી આપે. ભૂંગળ દેખીતું ઘણું જ સરળ વાદ્ય છે પણ તેને નાટ્યપ્રયોગમાં વગાડવું એ ખાસ આવડત માગી લે છે. એમાં સ્વરની તીવ્રતા ઉપર આધારિત ભેદ પાડી ભૂંગળની જોડને યુગલ તરીકે ઓળખવામાં આવે છે. ભૂંગળની જોડ તે નર-માદાની જોડ હોવી જોઈએ. ‘ભવાઈ’માં સંગીતનું વર્ણન આપતી ‘ભવાઈ’ના વેશની શરૂઆતમાં જ ગવાતી એક પંક્તિ ખૂબ સૂચક છે:

“પખાજી ઊભો પ્રેમથી, ભૂંગળીયા બે જોડ,
તાલગર ટોળે મળ્યા, રવાજી મન મોડ.”

આ પંક્તિ સૂચવે છે કે આટઆટલા રાગોનો ઉપયોગ કરતો ‘ભવાઈ’ કલાપ્રયોગ સંગીતની દૃષ્ટિએ ખૂબ વિકાસ પામેલો છે. ‘ભવાઈ’ને નાટ્યપ્રયોગ કહેવો કે નૃત્યપ્રયોગ કહેવો એ બાબત વિચારમાં નાખી દે તેવી છે.૭ [7] એ બન્નેય તત્ત્વો ભવાઈમાં અત્યંત કુશળતાથી ગૂંથાયેલાં છે. ‘ભવાઈ’ના નૃત્યને એ વિષયના કોઈ ચોખલિયા અભ્યાસી કદાચ નૃત્ય તરીકે સ્વીકારવા ના પાડશે. પરંતુ ‘ભવાઈ’ના નૃત્યને સમજવા માટે લોકનૃત્યની ખૂબી સમજવી પડશે. ‘ભવાઈ’માં નૃત્યને નૃત્ય તરીકે જ સ્થાન નથી મળ્યું પરંતુ જો કાંઈ કહેવાનું છે તે સચોટ રીતે કહેવાના સાધન તરીકે જ નૃત્યનો પણ એમાં ઉપયોગ થયો છે. તાલ અને લયના બંધનમાં રહી, કથક જેવા માર્ગીય નૃત્યની પાર્શ્વભૂમિકા રાખી ભવૈયાઓ નાચે છે; પરંતુ એ નાચ કાંઈક વિશિષ્ટ પ્રકારના છે. સંવાદમાંથી ભાવને વધારે સ્પષ્ટ અને ઉત્કટ સ્વરૂપ આપવું હોય ત્યારે પાત્રો તે ભાવને વશ થઈ નાચી ઊઠે છે. રખડતો, ભટકતો, વિચિત્રતાઓ ધરાવતો, લશ્કરમાંથી ફારેગ થયેલો, કઢંગો દેખાતો, ફાટ્યાં-તૂટ્યાં કપડાંવાળો, છતાં ડંફાસો મારતો જૂઠણ તૂટેલી તલવાર અને ચવામણી ઢાલ સાથે અમુક રીતે નાચે છે. એ નૃત્યને કોઈ માર્ગીય પ્રકારમાં મૂકી શકીશું નહીં. અને છતાં એ પાત્રને જોતાં એમ જ લાગે છે કે આ માણસ આવું જ નૃત્ય કરે અને એમાં જ એનું પાત્ર સ્પષ્ટ થાય છે. એના વ્યક્તિત્વનાં લક્ષણો દેખાઈ આવે છે. બીજી તરફ ઝંડો ઝૂલણ આવે, તેનો દમામ જ જુદો છે. રાજ્યના ઊંચા હોદાનો એ અફસર છે, ખાનદાન નબીરો છે. કલા, સંગીત, કવિતાનો જાણકાર છે અને સંસ્કારી છે. એના હલનચલનમાં એવું તો લાવણ્ય છે કે લોકો એને ઝૂલણના હુલામણા નામે બોલાવે છે. ગામની પરધર્મી પદ્મિની જેવી સ્ત્રીના પ્રેમમાં તે પડે છે. હર્ષોન્માદમાં આવી પ્રિયતમાનો હાથ ઝાલી તે નાચી ઊઠે છે. આકર્ષણ પામેલી નાયિકા પણ નાચમાં સાથ આપે છે. એ નૃત્યને પણ કોઈ સ્પષ્ટ પ્રકારમાં આપણે મૂકી ન શકીએ ને છતાં વળી પાછું એમ તો થાય જ કે ઝંડો ઝૂલણ તો આ જ પ્રમાણે નાચે. આમ નૃત્યનો ‘ભવાઈ’માં અત્યંત વિશિષ્ટ રીતે ઉપયોગ થયો છે. એને આપણે પાત્રલક્ષી નૃત્ય કે નાટ્યનૃત્ય તરીકે ઓળખાવી શકીએ.

ભવાઈમાં સાહિત્યતત્ત્વ સાહિત્યની દૃષ્ટિએ પણ ‘ભવાઈ’ ખૂબ સમૃદ્ધ છે.૮ [8] વેશના ઢાંચામાં અનેક બાબતો વણાય છે. એમાં વાર્તા આવે, સંવાદ આવે, કહેવતો આવે, ઉખાણાં આવે અને સુંદર કવિતાય આવે છે. બહુ વિસ્તારમાં એનાં ઉદાહરણો આપી શકાય તેમ નથી પણ થોડાંક દૃષ્ટાંતો જરૂર આપી શકાય. એક નાયિકાનું વર્ણન કરતાં લોકકવિ કહે છેઃ

“મારૂડી ઊભી માળીડે, ઊભી વેણ સુકાય,
નાગરવેલને છોડવે, કાળો નાગ ઓળંભા ખાય.૯[9]


નાયકનાં વખાણ કરવાનું પણ લોકકવિ ચૂકતો નથી અને તે પણ નાયિકાના જ મુખે સુંદર શબ્દોમાં તેમ કરે છે. વેશ રામદેવની નાયિકા સલૂણ પ્રિયતમને આમંત્રણ આપે છે:

“સુંદર મુખને ભામણે, ચાલી આવો ગોરાંદેને આંગણે, રામા!
આંખડી અણિયાળી રે, રાજની કીકી કામણગારી, રામા!
ઊંચી મેડી સેજ ઢાળી રે ફૂલ લાવે રાજનો માળી, રામા!૧૦ [10]

નાયક હમીર રત્નાહમીરના વેશમાં એની પ્રિયતમાનું વર્ણન કરે છે તે પંક્તિ પણ સરસ છેઃ

“સામ અલખ બિખુરી સરસ, બિખરે મુક્તા ખેત
મનઉ સસી સો ગગનમેં, રમનહી કરત નખેત.૧૧[11]

છેલબટાઉના વેશમાં બટાઉની પ્રિયતમા મોહના બટાઉને ઘેરથી જવા દેતી નથી અને તે માટે બારેય માસનાં જુદાં જુદાં બહાનાં મધુર વાણીમાં કાઢે છે તેમાંનો એક નમૂનો જોઈએઃ

“ફાગણે કેમ દઉં ચાલવા રે સુણો મારા કંથ
અબીલ ગુલાલ ઉરાડશું, ને રમશું માસ વસંત.
ફાગણ માસ ફરૂકિયો, કેસૂ કરે કિલોલ
વાલમ એમ ન સંચરો, મારાં નેણાં રાતાં ચોળ.

ઘટમાં ગાળ્યાં કેસૂડાં, અબિલ ગુલાલો રંગ
એવી રસ્તે પિયુ ચાલિયા, મારા સૂતા ફાગ વસંત
જરે જીરે રહોને બટાઉજી.'૧૨ [12]

શૃંગાર, વીર, અદ્ભુત, ભયાનક, કરુણ એમ બધા જ રસ વેશની ઘટનાઓ અનુસાર ખિલાવટ પામે છે.૧૩[13] અને હાસ્યરસની તો ‘ભવાઈ'માં છોળો ઊછળે છે. સ્થૂળ હાસ્યથી માંડીને અત્યંત સૂક્ષ્મ અને સચોટ હાસ્યરસ ‘ભવાઈ'માં સાંપડે છે. કટાક્ષનું અસરકારક શસ્ત્ર સમાજની બદીઓ સામે ‘ભવાઈ'માં ઝાઝા પ્રમાણમાં વપરાયું છે. એમાં મર્માળુ હાસ્ય તો ઠેર ઠેર આવે છે અને ઘણી વખત ચાબખાના પ્રહાર જેવો વ્યંગ પણ એમાં વપરાય છે. બ્રાહ્મણ, વાણિયો, કજોડો, જૂઠણ વગેરે ઘણા વેશમાં હાસ્યરસ છલકાય છે. દેગમ પદ્મિણી નામના વેશમાં રજપૂતોનું લડાયક ખમીર ઓછું થતાં એમની સ્થિતિ કેમ હાસ્યપાત્ર બની જાય છે તેનું સરસ વર્ણન છે અને સધરા જેસંગના વેશમાં સ્થિતિ કેવી દયાજનક થાય છે તેનું પણ અત્યંત સુરેખ અને ટીખળી વર્ણન આવે છે. જોકે ‘ભવાઈ’ એટલે માત્ર ઠઠ્ઠા-મશ્કરી, હોહા અને ચેનચાળા એવું માની લેવાની ભૂલ કોઈ ન કરે. એક બાજુએ જેમ સ્મિત ઉપજાવવાથી માંડી પેટ પકડી હસાવે એવું વિવિધ પ્રકારનું હાસ્ય એમાં હોય છે એમ બીજી બાજુએ ગંભીર ચિંતન પણ એમાં આવે છે. એ માટે એક નાનકડું ઉદાહરણ જોવા જેવું છે. માનવજીવનની ક્ષણભંગુરતા ઉપર એક પાત્ર એક નાનીશી ઉક્તિમાં મોટો વિચાર રજૂ કરે છેઃ

“મનવા મોટી ખોડ, માણસને ભરવા તણી
બીજી લખ્ખ કરોડ, પણ એ જેવી એકે નહીં.”

આ અને આવાં અત્યંત ગંભીર વિચારશીલ વાણી તરીકે ઓળખી શકાય તેવાં કેટલાંય કથનો ‘ભવાઈ'ના વેશોમાં આવે છે. ઝંડાના વેશના ઉત્તરાર્ધમાં આવતી કેટલીક ‘જકડીઓ’ અને ‘કવિતા’ તથા ‘કુંડળિયા'ની કડીઓ ગહન ચિંતનની વાતો કહી જાય છે.૧૪ [14]

ભવાઈની ભજવણી ભવાઈની ભજવણી સાદાઈથી, કશા વધારે ભભકા વગર અને છતાં ખૂબ અસરકારક રીતે થાય છે. શહેરોમાંય ‘ભવાઈ’ ભજવાય છે પણ મુખ્યત્વે આ ગામડાંઓમાં ભજવાતો મનોરંજક પ્રકાર છે. ગામડામાં અવરજવર માટેની અગવડો વેઠીનેય ભવૈયાની ટોળીઓ ‘ભવાઈ’ રમવા ઘણી જગ્યાઓએ જાય છે. વેશભૂષા, રંગભૂષા અને અન્ય પ્રસાધનો પોતાની સાથે રાખીને એમાંથી અસરકારક દૃશ્યો ઊભાં કરે છે. પ્રકાશયોજના, બળતી મશાલો અને પાત્રોના (ખાસ કરીને સ્ત્રીપાત્રોના) હાથમાં મૂકવામાં આવતી બળતી કાકડીઓ વડે યોજાય છે. આમ, ઓછાં સાધનો વડે પણ ભવૈયાઓ અસરકારક રીતે ભજવણી કરે છે. એમાં સંગીત, નૃત્ય તથા અભિનય ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવે છે. નાની કે મોટી ગમે તે નાટ્યમંડળીને નાટ્યપ્રવૃત્તિ સારી રીતે ચલાવવી હોય તો તે મંડળીમાં કેવી જાતના સભ્યો હોવા જોઈએ તેનું ભવૈયાઓ ટૂંકું પણ સરસ સૂત્ર આપે છે કે સારી ‘ભવાઈ’ કરવા માટે ‘પાંચ ગાતા, પાંચ માતા, પાંચ તાતા અને પાંચ સમાતા' એવા માણસો જોઈએ. નાટક-સિનેમા માટે પણ આ સૂત્ર લાગુ પડી શકે.

ભવાઈમાં સમાજજીવનનું ચિત્રણ ‘ભવાઈ'ને સમાજશાસ્ત્રીય ઢબે મૂલવીએ તો એનું મૂલ્ય ખરેખર વધી જાય છે. બારમી સદીથી સ્પષ્ટપણે એણે સમાજનું હૂબહૂ ચિત્રણ કર્યે રાખ્યું છે. ‘ભવાઈ’ના વેશોમાંથી ત્યારની પરિસ્થિતિનો બેધડક ચિતાર આપણી આંખ સામે આવે છે. એ સમાજની ખાસિયતો, ખૂબીઓ, ખામીઓ બધું જ ‘ભવાઈ'માં છતું થાય છે. જુદી જુદી જ્ઞાતિઓનાં વર્ણન મળે છે. તેમની અંદર વિકસેલી ખામીઓનાં ઠઠ્ઠાચિત્રણ પણ જોઈએ તેટલાં મળે છે. નિસ્તેજ બનેલો બ્રાહ્મણ, કાયર બનેલો વાણિયો, આળસુ થઇ ગયેલો રજપૂત, લશ્કરમાંથી નાસી છૂટેલો સૈનિક એમ વિવિધ પાત્રો એમાં ઊપસી આવે છે. લગ્નનાં કજોડાં ભવાઈમાં ટીકાને પાત્ર બને છે. ઢેઢના વેશમાં તેમના ઉપર કેટલો ત્રાસ ગુજારવામાં આવતો તેનું સચોટ વર્ણન આવે છે. બાવાના વેશમાં ધૂતી ખાનારા સાધુવેશધારીઓને ખુલ્લા પાડ્યા છે. મુસ્લિમ રાજ્ય અમલને લીધે મુસ્લિમધર્મીઓ સાથેના સંપર્કનીય સારી-માઠી વાતો ‘ભવાઈ’માં રજૂ થઈ છે. વણજારા-બાવા-પુરાબિયાઓ અને ભૈયાઓની સાથે ફકીરનું પાત્ર પણ ‘ભવાઈ’એ વખતોવખત વેશોમાં રમતું કર્યુ છે. સામાજિક ઇતિહાસકારને ઘણી ઉપયોગી નીવડે એવી માહિતી ભવાઈમાંથી ભરપટ્ટે મળી શકે એમ છે. આ મૂળ ધાર્મિક ઉપાસનાના ભાગ તરીકે ભજવાતા નાટ્યપ્રયોગોમાં ઝાઝેરા વેશો તો સામાજિક છે. એ ‘ભવાઈ’ની ખાસિયત વિશેષ નોંધપાત્ર છે.

ભવાઈના બે પ્રવાહ આ કલાસમૃદ્ધ નાટ્યપ્રકારના ભજવૈયાઓના બે પ્રવાહ ગુજરાતમાં રહ્યા છે. એક પ્રવાહ તે ધંધાદારી ભવૈયાઓ (તરગાળા કોમના સભ્યો)નો કે જેમણે ‘ભવાઈ’ને પોતાના પેશા તરીકે સ્વીકારી છે અને તે મુજબ ટોળીઓ બાંધી ‘ભવાઈ'ના પ્રયોગો કરી તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. બીજો પ્રવાહ તે જુદી જુદી કેટલીક જ્ઞાતિઓનો (જેવી કે નાગર બ્રાહ્મણ, કંસારા, બારોટ વગેરે) કે જે શક્તિપૂજનની વિધિમાં એક આવશ્યક વિધિ તરીકે ‘ભવાઈ’ વર્ષમાં અમુક દહાડા અચૂક રમે છે. આ બંનેય પ્રકારોમાં ઉચ્ચ કક્ષાના કલાકારો હતા અને ઘણા ઉમદા કલાકારો અમુક વેશ કે વેશોમાં અમુક જ પાત્રોના અભિનયમાં વિશેષ પારંગતતા મેળવતા. એ વેશ કે પાત્ર એમના ભજવનારના નામે પ્રસિદ્ધિ પામતાં. ભારતનાં વિવિધ સ્થળોએ ચાલતા લોકનૃત્ય અને લોકનાટ્યના પ્રયોગોની સરખામણીમાં ‘ભવાઈ’નો પ્રયોગ જરાય ઊતરતા પ્રકારનો નથી એમ ભારપૂર્વક કહેવાનું રહે છે. ઘણાં ઓછાં સાધનો વડે પણ ભવૈયાઓ એવી તો રંગસૃષ્ટિ ઊભી કરે છે કે તે માણ્યા જ કરવાનું મન થાય. પોતાની કલાશક્તિ વડે ભવૈયાઓએ પ્રેક્ષકોને હસાવ્યા છે, રડાવ્યા છે, ડોલાવ્યા છે અને વિચાર કરતા કરી મૂક્યા છે. ‘ભવાઈ'ની કલાએ થોકેથોક લોકોને આનંદ આપ્યો છે.

ઘટેલી લોકપ્રિયતા અને છતાં ‘ભવાઈ’ કાંઇક અનિચ્છનીય, અરુચિકર અને અશ્લીલ તથા અજુગતાના પર્યાય તરીકે ગણાવા લાગી તે પણ તેના અભ્યાસીની નજર બહાર રહે તેવી બાબત નથી. ‘ભવાઈ’ની માથાવટી આ રીતે મેલી થઈ તેમાં કેટલાંક કારણો-કેટલાંક પરિબળો જવાબદાર છે. એક જમાનામાં 'ભવાઈ'ના કલાકારો પોતાને ખૂબ જ તાલીમસમૃદ્ધ રાખતા. સંગીત, નૃત્ય અને નાટ્યની વંશપરંપરાગત આવડતશક્તિને તેઓ પૂરેપૂરી ચકચકિત અને તૈયાર રાખતા. તીવ્ર અવલોકનશક્તિ, અનુકરણ અને અભિનયની અશક્ત આવડત, અચાનક જરૂરિયાત ઊભી થતાં તાત્કાલિક શીઘ્ર સર્જન કરવાની હૈયાઉકલત, સંગીત-નૃત્ય-નાટ્યનાં વિવિધ અંગોમાં પારંગતતા એ ભવૈયાઓની એક વખતની સામૂહિક અને વ્યક્તિગત મૂડી હતી. એટલે તો ભવાઈની કલાનાં પૂર કાંઈક ઓસરવા માંડ્યાં ત્યારે ગુજરાતની ઊગતી રંગભૂમિને ઉત્તમ કલાકારો એ ભવૈયાઓ કે તરગાળા નાયક કલાકારોમાંથી જ મળ્યા. વખત જતાં ‘ભવાઈ’ કરનારાઓમાં સારી તાલીમ ઓછી લેવાવા માંડી–ભણતર પણ ઓછું થયું. વંશપરંપરાગત મૂડી ઉપર વધારે પડતો આધાર રખાયો એટલે ‘ભવૈયાઓ'ની કલા કથળી ગઈ. આવડતનો આંક નીચો ગયો એટલે કોઈપણ રીતે પ્રેક્ષકોને પ્રસન્ન રાખવાની અને તે માટે ગમે તેવા હલકા પ્રકારના ઉપાયો યોજવાની નવી અનિચ્છનીય ફાવટ ‘ભવાઈ’ કરનારાઓમાં આવી. આવડતની કક્ષા નીચી જાય એટલે સ્થૂળ હાસ્યમાં લપસી જવાય એ સ્વાભાવિક લોકોને છે. ગમે તે રીતે હસાવી, ભૂંડા ચેનચાળા કરી, દ્વિઅર્થી અશ્લીલ કથનો કરી, યૌન ઉલ્લેખો કરી કોઈપણ ભોગે પ્રેક્ષકો ઉપર પકડ રાખવાના પ્રયત્નોને લીધે ઘણું અશ્લીલ અને બિનઆવકારદાયક તત્ત્વ ‘ભવાઈ' ભજવણીમાં પેસી ગયું. શક્તિપૂજા સાથે ‘ભવાઈ’ સંકળાયેલી હોઈ એ ઉપાસનામાં મુક્ત અને મોકળાશથી માતા આગળ વર્તવું એવા આદેશમાંથી વિકૃતિ પામી કેટલુંક સ્વચ્છંદી, અનિચ્છનીય અને વધારે પડતું પ્રગટ વર્ણન આ કલાપ્રકારમાં પણ પેસી ગયું હોય એ શક્ય છે. રંગભૂમિના વિકાસે આ લોકનાટ્યને થોડુંક ઝાંખું બનાવ્યું અને સિનેકલાના પ્રવેશ સાથે તો ‘ભવાઈ’ કલાપ્રકારને સખત ફટકો પડ્યો. જોકે હજીય ધાર્મિક પૂજનવિધિના ભાગ તરીકે વિવિધ જ્ઞાતિઓ તરફથી ભવાઈ પ્રત્યેક વર્ષે થાય છે જ અને ધંધાદારી રીતે ભજવતા તરગાળા નાયકોની ટોળીઓ પણ હજી ‘ભવાઈ’ કરે છે પણ તેનું મૂળ તાજગીભર્યુ સ્વરૂપ હવે સાવ ઘસાઇ ગયું છે. નિષ્ણાત અભિનયકારો સાવ ઓછા થઈ ગયા છે. ‘ભવાઈ’ કરનારાઓમાં ભણતરનો અભાવ, વંશપરંપરાગત મળતા આ કલાને ઉપકારક વાતાવરણ ઉપર વધારે પડતો આધાર, ઇર્ષા અને હોંસાતૂંસીનું વધેલું પ્રાબલ્ય તથા સસ્તા-હલકા હાસ્યનો બેફામ ઉપયોગ–એ બધી મર્યાદાઓને લીધે ‘ભવાઈ’ની કલાક્ષમતા ક્ષીણ બની ગઈ છે. માત્ર કરવા ખાતર કરાતી હોય એમ હવે ‘ભવાઈ’ રમાય છે. એને નવું જોમ આપે, એમાં નવા નવા પ્રયોગો કરે અને છતાં જૂની ખૂબીઓને અને પુરાણા કસબનાં સારાં તત્ત્વોને જાળવી રાખે એવા પ્રેરણાસ્રોત એને માટે રહ્યા નથી. ટૂંકાણમાં, આધુનિક સમયમાં ‘ભવાઈ'ને તેનો નવો અસાઈત સાંપડ્યો નથી.

નવા પ્રયોગો જોકે ‘ભવાઈ’ ક્લાપ્રકારમાંથી પ્રેરણા લઈ ગુજરાતમાં કેટલાક નવા પ્રયોગો થયા છે ખરા. દીનાબહેન પાઠક (ગાંધી)નું ‘લોકભવાઈ’, રસિકભાઈ પરીખનું ‘મેનાં ગુર્જરી', ચંદ્રવદન મહેતાનું ‘હોહોલિકા’, જયંતીભાઈ પટેલનું ‘નેતા-અભિનેતા', ઇન્ડિય નેશનલ થિયેટર, મુંબઈનું ‘મોતી વેરાણાં ચોકમાં' એ બધા એવા નાટ્યપ્રયોગો છે કે જેમાં ‘ભવાઇ'ના અંશો ઓછાવત્તા પ્રમાણમાં લેવાયા હોય. ઉમાકાન્ત દેસાઈએ ભારે સાહસ કરી ‘ભવાઈ'ના કલાપ્રકારને ઘણામોટા પ્રમાણમાં વણી લેતું ચલચિત્ર ‘બહુરૂપી’ ઉતાર્યું છે. વડોદરાના અંબાલાલ પટેલ જેવા કેટલાક કલાકારો નિયમિત રીતે ‘ભવાઈ'ના વેશો નવા સંદર્ભમાં અને નવા જ વેશો પણ ભજવે છે. ગુજરાત સંગીત નૃત્ય-નાટ્ય અકાદમીએ ભવાઈ મહોત્સવો ઉજવી, ‘ભવાઈ’ વેશોની લેખનસ્પર્ધાઓ યોજીને એ કલાપ્રયોગને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો છે. વડોદરા યુનિવર્સિટીની મ્યુઝિક કૉલેજે થોડા વખત માટે નાટ્ય વિભાગમાં ‘ભવાઈ’નો વિષય અભ્યાસક્રમમાં રાખ્યો હતો પણ તે પછીથી બંધ થઇ ગયો. આ ક્ષેત્રે જે થયું છે તે આવકારદાયક છે પણ પૂરતું નથી. સહુથી પહેલાં તો ‘ભવાઈ’માં જે કાંઈ દૃશ્ય-શ્રાવ્ય છે તે બધું જ ખૂબ વિગતવાર ફોટોગ્રાફ્સ, ટેઈપરેકોર્ડર, ચલચિત્ર વગેરેમાં નોંધાઈ જવું જોઈએ. આ વિષયમાં સંશોધન થવું જોઈએ. કેટલાક કુશળ ભવાઈ કલાકારો હજી છે તેમને અને નવોદિત કલાકારોને તાલીમ આપવી જોઈએ. આ અંગે સંવિવાદો, પરિષદો ભરાવી જોઈએ અને ‘ભવાઈ’ ઉપર વધારે ને વધારે લખાવું જોઈએ. ઘણી રીતે ઉપયોગી થાય અને મનોરંજન કરે એવો આ કલાપ્રકાર છે. ‘ભવાઈ'ને વેડફી નાખવા જેવી નથી.


ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૨, ખંડ-૨, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પૃ.૩૦૯-૩૨૧, ૨૦૧૫



સંદર્ભનોંધ

  1. ૧ (અ) મહેતા ભરતરામ, ‘ભવાઈના વેશની વાર્તાઓ'માં રસિકલાલ પરીખનો ‘ભવાઈ સ્વરૂપલેખ. પૃ. ૨૩-૨૬. (આ) Desai, Sudha R., 'Bhavai - A Mediaeval Form and Ancient Indian Dramatic arts (Natya) as Prevalent in Gujarat,' Ch.10-11.P.119-146.
  2. ૨ એ જ, પ્રકરણ-૧, પૃ.૧-૬.
  3. ૩ એ જ, પ્રકરણ-૧૩, પૃ. ૧૫૨-૧૫૪.
  4. ૪ એ જ, પૃ. ૪૭૩-૫૭૨.
  5. ૫ એ જ, પૃ. ૧૨-૨૨
  6. ૬-૭ એ જ, પૃ. ૪૦-૫૫.
  7. ૬-૭ એ જ, પૃ. ૪૦-૫૫.
  8. ८ એ જ, પૃ. ૮૧-૮૭.
  9. ૯ એ જ, પૃ. ૧૮૬-૧૮૭.
  10. ૧૦ શ્રી ભવાની ભવાઈ પ્રકાશ, સંગ્રાહક, મુનશી હરમણિશંકર ધનશંકર, પૃ. ૪૪૦.
  11. ૧૧ Desai, Sudha R, ‘Bhavai...’ P. 494.
  12. ૧૨ એ જ, પૃ. ૨૯૭.
  13. ૧૩ એ જ, પૃ. ૧૦૩-૧૧૮.
  14. ૧૪ એ જ, પૃ. ૨૭૬-૨૭૮.