નારીસંપદાઃ વિવેચન/સૌન્દરનન્દમ્ અને લહરોં કે રાજહંસ
રાજેશ્વરી પટેલ
तं गौरवं बुद्धगतं चकर्ष भार्यानुराग: पुनराचकर्ष ।
सोडनिश्चयान्नापिययौ न तस्थौ तरंस्तरंगेष्विव राजहंस:।।
(મહાકવિ અશ્વઘોષ કૃત ‘सौन्दरनन्दम्’, સર્ગ 4-42)
“બુદ્ધ માટેનું ગૌરવ અને એને પોતાની તરફ ખેંચી રહ્યું હતું અને સુંદરીનો અનુરાગ પોતાના પ્રતિ. આ જ દુવિધામાં એનાથી ન તો આગળ જવાતું હતું કે ન રોકાવાતું હતું. એની સ્થિતિ લહેરોં પર ડોલતા રાજહંસ સમાન બની રહી હતી.” મહાકવિ અશ્વઘોષ વિરચિત ‘सौन्दरनन्दम्’ મહાકાવ્યમાં ‘પત્ની’ની અનુમતિ નામના ચોથા સર્ગમાં, નંદની અનિશ્ચિત – તરંગિત સ્થિતિ દર્શાવતી ઉક્ત કાવ્યપંક્તિમાં, મનનો દ્વન્દ્વ ભાવ – દુવિધાગ્રસ્ત સ્થિતિ સુંદર રીતે પ્રસ્તુત કરી છે. અશ્વઘોષના આ પ્રસિદ્ધ મહાકાવ્યના આધારે હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ આધુનિક નાટ્યકાર મોહન રાકેશે ‘लहरों के राजहंस’ નાટક લખ્યું છે. ચીની અને તિબેટી પરંપરા અનુસાર ત્રણ નાટકો - ‘શારિરપુત્ર પ્રકરણ’, ‘રૂપક નાટક’ અને ‘ગણિકા નાટક’ (Hetaerae Play); અને બે મહાકાવ્યો - ‘બુદ્ધચરિત’ અને ‘સૌંદરનંદ’ એ અશ્વઘોષનું સર્જન માનવામાં આવે છે. અશ્વઘોષ જન્મે બ્રાહ્મણ હતા, પછીથી બૌદ્ધ બનેલા. ધર્મનાં નિગૂઢ તત્ત્વોને સરળ, રસળતી અને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાની એમની શક્તિના કારણે, પોતાના જમાનાના બૌદ્ધધર્મીઓમાં અશ્વઘોષ લોકપ્રિય હતા. સિદ્ધાર્થનો ગૃહત્યાગ, અંત:પુરમાં વિલાપ, શુદ્ધોદનનો પ્રયત્ન, બિમ્બિસારનું આગમન, કામનિન્દા, બુદ્ધત્વ પ્રાપ્તિ, ધર્મપ્રચાર, પિતા-પુત્ર મિલન, જેતવનવિહાર, આમ્રપાલીના ઉપવનમાં પ્રવેશ, મહાપરિનિર્વાણ – આદિ બુદ્ધના સમગ્ર જીવનચરિતને નિરૂપતું મહાકાવ્ય ‘બુદ્ધચરિત’ છે. ‘સૌંદરનંદ’ મહાકાવ્યમાં નંદ અને સુંદરીની પ્રેમકથા તથા નંદના દીક્ષાગ્રહણનું કથાનક આવે છે. એક રીતે બુદ્ધચરિતનો જ એક કથાભાગ કહી શકાય. ‘બુદ્ધચરિત’ ધર્મઉપદેશને કેન્દ્રમાં રાખે છે, જ્યારે ‘સૌંદરનંદ’ બહુજનગમ્ય – સમ્ય, સુંદર કાવ્યરચના બને છે. કપિલવસ્તુ નગરના વર્ણનથી ‘સૌંદરનંદ’ની કથાનો પ્રારંભ પ્રથમ સર્ગમાં થાય છે. કથાના કુલ અઢાર સર્ગ છે. ગૌતમ વંશની પરંપરાની કથા બીજા સર્ગમાં સિદ્ધાર્થ અને નંદનો પરિચય આપે છે. નંદ સિદ્ધાર્થના ઓરમાન અને માસિયાઈ ભાઈ છે. સિદ્ધાર્થ અંતર્મુખી છે તો નંદ આનંદપ્રિય અને રસિક છે. ત્રીજા સર્ગમાં સિદ્ધાર્થનું વનગમન, બૌદ્ધત્વ પ્રાપ્તિ, કપિલવસ્તુમાં આગમન અને પિતા શુદ્ધોદન સહિત મોટા મોટા શાક્યોને પ્રવ્રજ્યા લેવડાવે છે. નંદ અને સુંદરીનું કથાનક શરૂ થાય છે સર્ગ ચોથામાં. આ સર્ગનું નામ ‘भार्यायाचितक’છે. કપિલવસ્તુમાં આવી ગૌતમ બુદ્ધ સૌને સમ્યક્ ધર્મની દીક્ષા આપે છે. સમસ્ત નગરમાં ધર્મચક્ર પ્રવર્તતું, પરન્તુ તથાગતના ઓરમાન-માસિયાઈ ભાઈ નંદના મહેલમાં વિલાસ-વૈભવનું સામ્રાજ્ય છવાયું છે. અનુરાગ-રતિરાગના સૂર વહે છે. નંદ પ્રિયતમા પત્ની સાથે સૌંદર્યભર્યા પ્રણયરસમાં નિમગ્ન છે. અત્યંત રૂપવાન અને ધનવાન નંદ ઇન્દ્ર કે કુબેરની પણ દરકાર કરતો નહીં. બુદ્ધના ધર્મપ્રવર્તનની હવા એના મહેલને કે મનને લાગી નહોતી. અનુપમ સૌંદર્યવતી ‘સુંદરી’ હઠીલી અને ગર્વીલી, માનિની તથા તેજસ્વી અને સ્વમાની તથા ભામિની હતી. એના લાવણ્યમયી સર્જન પાછળ સ્વયં બ્રહ્માજીએ વિશેષ રસ લીધો હતો. તે શીલ અને સૌંદર્યની પ્રતિમા હતી. મોહક હાસ્ય, વેધક નયન અને પિષ્ટ પયોધર ધરાવતી પદ્મિની હતી. શાક્યવંશમાં આ યુગલ અજોડ હતું. નંદ અને સુંદરી પરસ્પર પ્રેમમાં આકંઠ મગ્ન રહેતાં. પતિ-પત્નીનો પ્રેમ અને રતિક્રીડાના સુંદર વર્ણનોથી આ મહાકાવ્ય સભર છે. સુંદરી કામકલામાં નિપુણ યુવતી છે. પતિ તેને વશ છે. શૃંગાર-પ્રસાધન વખતે પણ નંદ એની હોંશે હોંશે સેવા કરે છે. તેનું પ્રસન્ન-મધુર વિવાહિત જીવન ચાલી રહ્યું છે. કામમગ્ન કિન્નર અને કિન્નરી ભાવમય બની વિલાસ કરે, એમ નંદ અને સુંદરી કામદેવ અને રતિનું લક્ષ્ય બનેલા. લાલિત્યપૂર્ણ મસ્તીના તરંગોમાં વિહરતું યુગલ છે. કવિ અશ્વઘોષ નંદ-સુંદરીના પ્રગાઢ પ્રેમના કાવ્યાત્મક તરંગો અતિસુંદર રીતે નિરૂપે છે. કવિ નિરૂપણ કરે છે:
रुपेण यात्यन्तमनोहरेण रुपानुरुपेण च चेष्टितेन ।
मनुष्यलोके हि तदा बभूव सा सुन्दरी स्त्रीषु नरेषु नन्द: ।।5।।
“તે સમયે માનવલોકમાં અત્યંત મનોહર સૌંદર્યને અનુરૂપ ચેષ્ટાઓને લીધે સ્ત્રીઓમાં તે સુંદરી અને પુરુષોમાં નંદ અજોડ હતા.” નંદનવનમાં મુક્ત વિહાર કરતું આ યુગલ પરસ્પર તલ્લીન રહેતું. એકવાર દેવોના મહેલ સમા આ મહાલયમાં ભગવાન તથાગતે ભિક્ષા માટે પ્રવેશ કર્યો. સેવકોની બેદરકારીથી ભિક્ષા મેળવ્યા વિના જ પાછા ફર્યા. મહેલમાં કોઈ સ્ત્રી અંગલેપ પીસી રહી છે, કોઈ વસ્ત્રોને સુગંધિત બનાવી રહી છે, કોઈ સ્નાનવિધિનું આયોજન કરી રહી છે, તો વળી કોઈ સુગંધીદાર પુષ્પમાળા ગૂંથી રહી છે. ભવનમાં સ્વામીની ક્રીડાને યોગ્ય સુંદર તૈયારીઓમાં ફરજ બજાવતી યુવતીઓએ બુદ્ધને જોયા જ નહીં. પરંતુ મહાલયના ઉપરના ભાગમાં ઊભેલી કોઈક સ્ત્રીએ ઝરૂખા બાજુંથી નજર નાંખતાં તેજસ્વી સૂર્ય સમા બુદ્ધને મહાલયમાંથી બહાર જતાં જોયા. તેણે નંદને મહર્ષિના ગૃહપ્રવેશ અને સત્કાર પામ્યા વિના પાછા ફરવાની વાત કહી. નંદ ધ્રૂજી ઊઠે છે. બુદ્ધ માટે તેને ઊંચો આદર અને સન્માન છે. આસક્ત હોવા છતાં સ્વધર્મની સૂઝ તેનામાં છે, તેથી તરત જ ક્ષમા યાચવા માટે જવા નીકળે છે. તે માટે વિનીત વેશ ધારણ કરે છે અને પ્રિય પત્ની પાસે અનુમતિ માગે છે. સુંદરી પતિના પ્રેમમાં એટલી ઊંડી આસક્ત છે, કે તેનાથી થોડો સમય વિયોગ પણ તે ખમી શકતી નથી. તે બુદ્ધ પાસે જવાની વાતનો વિરોધ કરતી નથી; પરન્તુ એણે કરેલી પત્રરચના-વિશેષકનો રંગ સૂકાય નહિ ત્યાં સુધીમાં ઝડપથી જ પાછા ફરવાનું કહે છે. મોડા આવવા બદલ શૃંગારી સજા પણ જણાવે છે. નંદ ઉતાવળમાં પ્રયાણ કરે છે, પરન્તુ શૂન્ય, સ્થિર અને નિશ્ચલ નયને પોતાને પાછળથી નિહાળતી પ્રિયતમાને જોઈને મન એના પ્રતિ ખેંચાય છે. એક તરફ બુદ્ધ માટેના ગૌરવ-આદર અને બીજી તરફ પત્ની માટેની પ્રીતિ- બન્ને તરફ નંદ ખેંચાય છે. આ લેખના પ્રારંભે મૂકેલો શ્લોક નંદની આ તરંગિત પરિસ્થિતિને નિરૂપે છે. કવિ એની મન:સ્થિતિ વર્ણવે છે:
स कामरोगेण निगृह्यमाणो धर्मानुरागेण च कृष्यमाण ।
जगाम दु:खेन विवर्त्यमान: प्लव प्रतिस्त्रोत इवापगाया: ।। 88 ।।
“કામની આસક્તિથી અટકાવાતો અને ધર્મ પ્રત્યેના પ્રેમથી ખેંચાતો ને નદીના સામા પ્રવાહમાં અટવાતા તરાપાની જેમ (મનમાં) ઘુમરાતો પરાણે આગળ વધ્યો.”– નંદની આ અવસ્થામાં ચોથો સર્ગ પૂરો થાય છે. પછીના સર્ગોની કથામાં નંદ બુદ્ધ પાસે પહોંચી, પ્રણામ કરી, ક્ષમા માગી, ભિક્ષા માટે નિમંત્રણ આપે છે. બુદ્ધ એને ભિક્ષાપાત્ર હાથમાં આપી પોતાની સાથે ચાલવા કહે છે. નંદના મનમાં ભીના વિશેષકવાળી પ્રિયાને મળવા પહોંચી જવાની ઉતાવળ છે. બુદ્ધ નંદને ઉપદેશ આપે છે, શિષ્ય આનંદને સૂચના આપી કે નંદને પ્રવ્રજ્યા આપવી. નંદની અનિચ્છા જાણી બુદ્ધ ફરી કલ્યાણમાર્ગ સૂચવે છે. બુદ્ધનું વચન પાલન કરવા સંમતિ આપતા નંદનું મુંડન કરવામાં આવ્યું. આર્ય તથાગતે અનિચ્છાવાળા તેમને પ્રવ્રજ્યા આપી છે, તે સાંભળી સુંદરી બેભાન થઈ ગઈ. પ્રવ્રજિત નંદને પત્નીના વિચારો આવતા હતા. એ ઘરે જવા વ્યાકુળ હતો. ‘બળ, રૂપ, યૌવન ક્ષણભંગુર છે, શરીર રોગોનું ઘર છે.’– એવા બુદ્ધ કે અન્ય ભિક્ષુ દ્વારા અપાતા ઉપદેશથી નંદને શાંતિ વળતી નહોતી. વિચલિત નંદને તથાગત સ્વર્ગ અને સ્વર્ગની અપ્સરાઓનું દર્શન કરાવે છે, સુંદરીને ભૂલવાડે છે. ધીમે ધીમે નંદ મનને નિયમમાં સ્થિર કરે છે. કામચર્યામાં નિપુણ અને ભિક્ષાચર્યામાં નબળો નંદ બુદ્ધ જેવા ઉત્તમ આચાર્યને પામીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. નંદની ધર્માચરણમાં સ્થિરતા વધતી જાય છે. ભોગની અનિત્યતા સમજાય છે. ‘વૈરાગ્ય મોક્ષનો રાજમાર્ગ છે, બ્રહ્મચર્ય તેનો પાયો છે, પ્રેમનું રહસ્ય પરમ આનંદ છે.’– એ વાત એના મનમાં શ્રદ્ધાપૂર્વક બેસવા લાગે છે. કથામાં નંદના મનના સંઘર્ષો ધીમે ધીમે શાંત પડી, ચૈતસિક ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે છે. નંદ વિષયથી વિરક્ત બની ઉપદેશક બને છે. કવિ અશ્વઘોષ આ મહાકાવ્યની રચના પાછળનો ઉદ્દેશ પ્રગટ કરે છે:
इत्येषा व्युपशान्तये न रतये मोक्षार्थगर्भा कृति: ।
અશ્વઘોષસ્પષ્ટપણે ‘સૌંદરનંદ’ને ‘मोक्षार्थगर्भा’ છે અને તે ‘व्युपशान्तये’ કે ‘रतये’ નથી એમ જણાવે છે. અશ્વઘોષેલોકોના કાવ્યાનંદ માટે નહિ, પરન્તુ ધર્મપ્રચાર માટે આ કાવ્યરચના કરી છે. બુદ્ધના ઉપદેશનો પ્રચાર એમનું ધ્યેય છે. મોહન રાકેશ કૃત ‘लहरों के राजहंस’ ત્રણ અંકનું આધુનિક નાટક છે. નાટકનો આધાર ઐતિહાસિક છે, પરન્તુ મોહન રાકેશ એને આધુનિક પરિસ્થિતિઓમાં વિસ્તારી, પરિક્ષેપણ કરી, કાલ્પનિક રૂપ આપે છે. ‘સૌન્દરનંદ’ મહાકાવ્યના નંદ અને સુંદરી આધાર માત્ર છે. નાટકના મૂળ દ્વન્દ્વને આધુનિક અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે. લેખક આ કૃતિ અર્પણ કરતાં લખે છે:
‘उस एक को
जिसे लगता है
मन की बात कहकर आदमी छोटा हो जाता है ।’
એમના અર્પણ વિધાનમાં જ નાટકનો અર્થ વ્યંજિત થાય છે. આ નાટક પૂર્ણપણે યથાર્થવાદી નાટ્ય-પદ્ધતિને અનુસરે છે. ડૉ. સુરેશ અવસ્થી નાટકની ભૂમિકામાં નાટક વિશે લખે છે: “‘લહરોં કે રાજહંસ’માં એક એવા કથાનકનું નાટકીય પુરાખ્યાન છે જેમાં સાંસારિક સુખ અને આધ્યાત્મિક શાંતિના પારસ્પરિક વિરોધ તથા એના વચ્ચે ઊભેલા વ્યક્તિ દ્વારા નિર્ણય લેવાનો અનિવાર્ય દ્વન્દ્વ નિહિત છે. આ દ્વન્દ્વનો એક બીજો પક્ષ સ્ત્રી અને પુરુષના પારસ્પરિક સંબંધોના અંતર્વિરોધ છે. જીવનના પ્રેય અને શ્રેયની વચ્ચે એક કૃત્રિમ અને આરોપિત વિરોધ છે, જેના કારણે વ્યક્તિ માટે માર્ગ પસંદ કરવો મુશ્કેલ બની જાય છે અને એને પસંદ કરવાની સ્વતંત્રતા પણ નથી રહેતી. પસંદગીની યાતના જ આ નાટકનું કથા-બીજ અને એનું કેન્દ્ર-બિંદુ છે. ધર્મ-ભાવનાથી પ્રેરિત આ કથાનકમાં ગૂંચવાયેલા આવા જ અનેક પ્રશ્નોનું આ કૃતિમાં ભાવ-બોધના પરિવેશમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.” નંદ અને સુંદરીના મનોભાવ, નંદનું બન્ને પ્રતિ ખેંચાણ આ નાટકના કેન્દ્રમાં છે. ત્રણેય અંક એક જ સ્થળ પર ભજવાય છે. નાટકનું સ્થાન છે – રાજકુમાર નંદના ભવનમાં સુંદરીનો કક્ષ. રાત્રિ ઊતરવાના સમયે પ્રથમ અંક ભજવાય છે. બીજો અંક બપોર પહેલાનો સમય છે અને ત્રીજા અંકમાં બીજી રાત્રિ છે. પ્રથમ અંકમાં પડદો ઊઠતાની સાથે જ રંગમંચ પર અંધારું છે અને “ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, બુદ્ધમ્ શરણં ગચ્છામિ”- નાદ પડદા પાછળથી સંભળાય છે. રંગમંચ પર પ્રકાશ સાથે નંદભવનમાં ઝૂલો, મત્સ્યાકાર આસન, મદિરા-કોષ્ઠ, શ્રૃંગાર-કોષ્ઠ, દીપાઘાર, એક તરફ પુરુષ અને બીજી તરફ નારીની પ્રતિમા અને સાજ-સજાવટમાં કામ-ઉત્સવના સ્પર્શ સાથે સુંદરીનો કક્ષ દૃશ્યમાન થાય છે. કક્ષમાં શ્યામાંગ, શ્વેતાંગ નામક કર્મચારી અને અન્ય સેવકો ફૂલોથી મહેલ સજાવવામાં વ્યસ્ત છે. શ્વેતાંગ એક પછી એક કામ સફાઈપૂર્વક કરે છે, જ્યારે શ્યામાંગના હાથમાં કામ ઉકલવાના બદલે વધારે ગૂંચવાતા જાય છે. આ નાટકમાં શ્યામાંગ માણસના મનની વધતી જતી ગૂંચોનો પ્રતીક બની આખા નાટકમાં છવાયેલો રહે છે. આ કામોત્સવની તૈયારી સુંદરી સ્વયં દેખરેખ રાખીને કરાવી રહી છે. વર્ષો સુધી કપિલવસ્તુના શાક્યો યાદ રાખે એવી ભોજન, આપાનક અને નૃત્યની વ્યવસ્થા થઈ રહી છે. રાત્રિનો સમય થવા આવ્યો છે, આખી રાત નંદભવન કામોત્સવમાં તલ્લીન રહેવાનું છે. વાતાવરણને માદક બનાવવા ખાસ સુગંધી અત્તર અને મદિરાની વ્યવસ્થા કરવાનું સુંદરી વિશેષપણે કહી રહી છે. આ પ્રસંગ વચ્ચે અલકા નામની દાસી સાથે વાતચીતમાં સિદ્ધાર્થ અને દેવી યશોધરાની વાત નિકળે છે. લેખક અહીં નાટકમાં સૌંદરનંદની કથાને એક નવ્ય રૂપ આપે છે - સુંદરીના સૌંદર્ય પરત્વેના વિશ્વાસમાં. આ કથાની સાથે યશોધરાની કથા જોડાય છે. આવતી કાલે સવારે દેવી યશોધરા ભિક્ષુણીનો વેશ ધારણ કરી પ્રવ્રજ્યા લેવાના છે. આ ક્ષણે સુંદરીનો સંવાદ અને તર્ક લેખક રચે છે: “રાજકુમાર સિદ્ધાર્થ આજ ગૌતમ બુદ્ધ બનીને આવ્યા છે, એનો શ્રેય પણ દેવી યશોધરાને જ છે.” “દેવી યશોધરાનું આકર્ષણ જો રાજકુમાર સિદ્ધાર્થને બાંધી શક્યું હોત, તો શું આજે પણ એ રાજકુમાર સિદ્ધાર્થ જ ન હોત?” “રાજકુમાર સિદ્ધાર્થ શા માટે એક રાત્રે ચૂપચાપ ઘરેથી નિકળી પડ્યા હતા? શા માટે એમને ઘર કરતાં જંગલનો આશ્રય વધારે આકર્ષક જણાયો? વાત ખૂબ જ સાધારણ છે, અલકા! નારીનું આકર્ષણ પુરુષને પુરુષ બનાવે છે, તો અપકર્ષણ એને ગૌતમ બુદ્ધ બનાવી દે છે.” સુંદરી અને અલકાના સંવાદમાં વચ્ચે રાજહંસોનો કલરવ સંભળાય છે. કલરવ-કૂજનથી ઊતરતી રાત્રિનું વાતાવરણ અધિક સુંદર બને છે. મનમાં જાગતી કામનાઓની વાત કરતા સુંદરી કહે છે: “કોઈ ગૌતમ બુદ્ધ પાસે જઈને કહે કે કમલ-તાલ પાસે આવીને ક્યારેક આને (રાજહંસોને) પણ એ નિર્વાણ અને અમરત્વની વાત કહે. આ તો ચાંચમાં ચાંચ પરોવી ચકિત દૃષ્ટિથી એમની તરફ જોઈ રહેશે. પછી કંપિત લહેરોં જે તરફ લઈ જશે, એ તરફ તરવા લાગશે.” સુંદરીના માધ્યમે લેખક માનવ સહજ પ્રકૃતિને પ્રગટાવે છે. નાટકના આધુનિક પરિમાણને સુંદરીના પાત્ર દ્વારા સર્જક ઉઠાવ આપે છે. સુંદરી પોતાના કક્ષ ઉપરાંત ઉદ્યાનમાં પણ મહેમાનો માટે પ્રબંધ કરવાનું વિશેષ જણાવે છે. રાજકુમાર નંદ નગર અને નગરવાસીઓના વહેણને જાણી ચૂક્યા છે. બીજા દિવસની સવારે જ દેવી યશોધરા ભિક્ષુણી બનવાના છે, નગરના નિમંત્રિતો નંદભવનના કામોત્સવમાં આ પ્રસંગે નહીં જ આવે, એવો ખ્યાલ નંદને આવી ચૂક્યો છે. તેથી તે સુંદરીને વધુ વ્યવસ્થા ન કરવા કહે છે. સુંદરી આ વાત માનવા તૈયાર નથી. એ કહે છે: “આજ સુધી ક્યારેય એવું બન્યું છે, કે કપિલવસ્તુના કોઈ રાજપુરુષ આ ભવનનું નિમંત્રણ પામી પોતાને કૃતાર્થ ન સમજતા હોય?” સુંદરી નગરની વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી. પરન્તુ બને છે એવું કે મૈત્રેય નામક એકમાત્ર અતિથિ આવે છે અને એ પણ પોતાને રોકાવાની અસમર્થતા પ્રગટ કરી જતો રહે છે. પ્રથમ અંકના અંત તરફ જતાં સુંદરી અંદરથી તૂટી જાય છે. કામોત્સવમાં કોઈ પણ ન આવવાથી એ આહત બની જાય છે. એની અસ્વસ્થતા વધતી જાય છે. આ બધાં ન આવ્યા એમાં યશોધરાનું જ ષડ્યંત્ર છે એવું એ ઉદ્વેગમાં આવી બોલે છે. એના અવસાદપૂર્ણ ભાવમાં અંક પૂર્ણ થાય છે. આ અંકમાં એની અંદર એક આશંકા નંદ માટે ક્યાંક ગુપ્તપણે, અજ્ઞાત મનમાં જાગે છે, કે ક્યાંક નંદ પણ... બીજા અંકમાં સવારનું દૃશ્ય. નંદ સુંદરીને ગઈ રાતના અવસાદમાંથી બહાર લાવવા પ્રસાધન કરવા તરફ પ્રેરે છે. સુંદરી નંદના હાથમાં દર્પણ પકડાવે છે અને પોતે વિશેષક કરી રહી છે. બન્ને એકબીજાના સ્નેહમાં મગ્ન છે, જાણે નંદના લગ્ન કોઈ યક્ષિણી સાથે થયા છે, જે સદા પોતાના જાદુથી જ એને ચલાવે છે. સુંદરી વિશેષક બનાવે અને નંદ એની સામે દર્પણ પકડીને ઊભો છે, એ જ સમયે નેપથ્યમાં ભિક્ષુ-ભિક્ષુણીઓનો સમવેત સ્વર સંભળાય છે. એમના ભિક્ષા વગર જ પાછા ફરી ગયાની વાત અલકા નંદ-સુંદરીને કહે છે. નંદ વિક્ષિપ્ત બની જાય છે. સ્વયં ગૌતમ બુદ્ધ એના દ્વારે આવી, સન્માન કે ભિક્ષા પામ્યા વગર પાછા ફરી ગયા. નંદનું હૃદય અપરાધભાવથી કરુણ બને છે. સુંદરી કશું જ અજુગતું ન બન્યું હોય એમ, નંદને વિશેષક બનાવવામાં ફરી ધ્યાન કેન્દ્રિત કરવા મથે છે. નંદ ક્યાંક પોતાનામાં જ ખોવાયેલો છે. એ પોતાના પ્રમાદ બદલ બુદ્ધ પાસે ક્ષમા માગવા જવાઈચ્છે છે. વિવશતાપૂર્વક સુંદરી પાસે, બુદ્ધને નિમંત્રણ આપવા જઈને આવવા પૂરતો સમય માગે છે. અહીં સુંદરી પોતાના સૌંદર્ય પરના વિશ્વાસની જાણે પરીક્ષા કરી લેવા માગે છે. એ નંદને જવાની અનુમતિ આપે છે. પરન્તુ વિશેષક સૂકાય એ પહેલા આવવાનું પણ કહે છે. અહીં નાટ્યકાર નંદની જવા-ન જવા વિશેની દુવિધાના સંઘર્ષને એના અસમંજસ ભાવ દ્વારા પ્રગટ કરે છે. સુંદરી ગંભીર અને દુવિધાગ્રસ્ત ભાવથી નંદને જતો જોઈ રહે છે. ત્રીજા અંકનો પ્રારંભ રાજહંસોની ઊડી જવાની ઘટનાથી વિચારમાં પડેલી સુંદરીથી થાય છે. જે તળાવમાં આટલા દિવસોથી રહેતા હતા, એનો અભ્યાસ હતો, આકર્ષણ હતું, તેને આટલી સરળતાથી કેમ છોડી શકે? રાજહંસો જાણે કે નંદનું પ્રતીક બને છે. સુંદરી નંદના આવવાની તીવ્ર પ્રતીક્ષામાં છે. શ્વેતાંગ સમાચાર લાવે છે, કે ભગવાન તથાગતના કહેવાથી ભિક્ષુ આનંદ દ્વારા નંદને દીક્ષિત કરવામાં આવ્યા છે. એક તરફ બુદ્ધ કામ-અકામ, ભોગ-અભોગની વાત કરતાં અને બીજી તરફ એના કેશ ઉતારવામાં આવતા હતા. કુમાર નંદે કેશ ઉતારવાનો વિરોધ તો ન કર્યો, પરન્તુ એનું ધ્યાન બુદ્ધની વાતોમાં પણ નહોતું. નંદનું દીક્ષિત થવું એના માટે અસહ્ય બની પડે છે. સુંદરી બેભાન બની જાય છે. એવામાં નંદ ભિક્ષુ આનંદ સાથે આવે છે. ભિક્ષુ આનંદને પોતાનો મહેલ બતાવવાની સાથે, પોતાને બળપૂર્વક ભિક્ષુ બનાવી દીધાની વાત પ્રગટ કરે છે. નંદ ભિક્ષા-પાત્ર પણ બુદ્ધને પાછું આપીને આવ્યો છે. આનંદ આ દૃશ્યમાં એને તાત્વિકતા તરફ લઈ જવા, એને પોતાની અંદરની શોધ તરફ લઈ જવા પ્રયાસ કરે છે. સુંદરી કેશહીન ભિક્ષુ નંદને જોઈ એની સામે જાણે વિતરાગી બની ગઈ છે. નંદ સુંદરીનો પ્રેમપાશ પામવા નાટ્યાંતે પોતાના કેશની શોધમાં નિકળી પડે છે. સમગ્ર નાટકમાં નંદ દુવિધાથી ઘેરાયેલો છે. અંતે એક શોધમાં નિકળી પડે છે. એના મનની સ્થિતિ તરંગો પર ડોલતા રાજહંસો સમી ચંચળ છે. શ્યામાંગને દેખાતી છાયા, રાજહંસોનો કલરવ અને ફડફડાટ, એનું કમલ-તાલ છોડી ઊડી જવું, શ્યામાંગની ઉન્માદભરી સ્થિતિ, મૃગની કરુણાજનક આંખો નંદને દેખાયા કરવી – આદિ સંદર્ભો નંદની દુવિધાભરી સ્થિતિને વધારે તીવ્ર રૂપે નાટકમાં સ્થાપિત કરે છે. સુંદરી પોતાના ભારે પરાજયથી વિક્ષુબ્ધ બની ઊઠે છે. નંદ એનો વિક્ષોભ પણ સમજી શકતો નથી. અત્યંત વિષમતામાં નાટકનો અંત આવે છે. ‘સૌન્દરનંદ’ રાગમાંથી વિતરાગ તરફ દોરતું મહાકાવ્ય છે, જે છેવટે મોક્ષમાર્ગને ખોલે છે. ‘લહરોં કે રાજહંસ’ રાગ-વિરાગ વચ્ચે તરંગાતા માનવ મનને, બન્ને તરફ ખેંચાણના સંઘર્ષને વ્યક્ત કરે છે. મનુષ્યજીવન આવી દુવિધાભરી કોઈ એક સ્થિતિમાં ઊભું છે, જેમા એ કોઈ એકની પસંદગી પણ કરી શકતું નથી ને છતાં બન્ને સમાનભાવે જીવનમાં પામી પણ શકતું નથી. રાગમાં વૈરાગ્ય તરફ અને વૈરાગ્યમાં રાગ તરફ મન ખેંચાયા કરે છે. છેવટે એને પોતાની સાચી શોધ શું છે? એ સમજી શકતો નથી અને અહેતુક શોધમાં જ ભટક્યા કરે છે.
સંદર્ભ:
1. ‘सौन्दरनन्दम्’ (સંસ્કૃત મહાકાવ્ય), અશ્વઘોષ, સંપાદક- સૂરજ જ. દવે, નવગુજરાત આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદ, પ્રકાશક- સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, અદ્યતન આવૃત્તિ- 1993-94
2. ‘लहरों के राजहंस’ (હિન્દી નાટક), મોહન રાકેશ, રાજકમલ પ્રકાશન, ન્યૂ દિલ્હી, આવૃત્તિ વર્ષ- 1963
3. ‘लहरों के राजहंस’ (1968માં સંશોધિત-પરિવર્તિત થયેલી આવૃત્તિનું સંસ્કરણ), મોહન રાકેશ, રાજકમલ પ્રકાશન, ન્યૂ દિલ્હી, આવૃત્તિ વર્ષ- 2017
(ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના મુખપત્ર ‘શબ્દસૃષ્ટી’, મે - 2012, અંક-5, સળંગઅંક-344, પૃ.નં. 51 થી 56માં પ્રકાશિત લેખ)
(લહરોં કે રાજહંસ, લે. મોહન રાકેશ, ગુજરાતી અનુવાદ – રાજેશ્વરી પટેલ, પ્રકાશક - પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, વર્ષ -2021)