નારીસંપદા : ટૂંકી વાર્તા/અવાજો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અવાજો

કિરણ બુચ

એક દિવસ મનસુખલાલને સવારે ઊઠ્યા ત્યારથી બંને કાને જાણે ધાક પડી હોય એમ ઓછું સંભળાતું હતું. તો દોડ્યા ડૉક્ટર પાસે. ડૉક્ટરે પિચકારી મારી બંને કાન સાફ કર્યા અને કહ્યું, “તમારા ડાબા કાનમાં ફૂગનો સફેદ ગઠ્ઠો જામ્યો હતો અને જમણો કાન મીણ (ear wax) થી ભરાઈ ગયો હતો. આ ટીપાં નાખશો એટલે બધું સરસ સંભળાશે.” મનસુખલાલ તો રાતે સમયસર ડાબા કાનમાં ટીપાં નાખી જમણે પડખે સૂઈ ગયા હતા ત્યાં અચાનક તેમને અવાજ સંભળાવા લાગ્યા હતા, “મારા રોયા કેટલી વાર કીધું જમીને ડાબે પડખે સુવાનું. જમણે પડખે સૂઈએ તો પાચન સરખું ન થાય.” મનસુખલાલ ચમકી ગયા હતા. આ તો દાદીમાનો અવાજ. ના ના, અવાજ શેનો? માત્ર યાદ અને ભણકારા. દાદીને ગુજરી ગયે આજે પાંત્રીસેક વર્ષ થયાં. ત્યાં પાછો અવાજ સંભળાયો હતો, “મનસુખીયાના દાદા, તમે મને શાસ્તર ભણાવવા રહેવા દ્યો. ઈ માયા મુકવાની ને એવી બધી વાતો મારા ગળે ન ઊતરે. હું તો ભૂત થઈને મારા છોકરાઓ અને મારા ઘર, મારા સંસારની આસપાસ ભમીશ.” મનસુખલાલ હવે સાચે ચોંક્યા. કેમ કે, આ ભણકાર નહોતા. દાદી સાચે જ જીવતા ત્યારે વારંવાર આવું બોલતાં. એમના એ જ શબ્દો, એ જ લહેકા સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. મનસુખલાલ મૂંઝાઈને પડખું ફરી ગયા હતા. હવે જમણા કાનમાં બીજા ટીપાં નાખી, થોડીવાર ડાબે પડખે પડ્યા રહ્યા હતા. આ વખતે તેમને કોઈ અજાણ્યો કોમળ અવાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ પંદર-સોળ વર્ષની છોકરી બોલી રહી હતી, “પપ્પા, બનવું તો મારે ડૉક્ટર જ છે. મેરીટ પર એડમિશન ન મળે તો ડોનેશન આપીને પણ મેડિકલમાં તો જવું જ છે.” સામે ઊંચા અવાજે એક પુરુષસ્વર જવાબ આપી રહ્યો હતો, “આદ્યા, પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા. મહેનત કર ને તારી ત્રેવડ પર એડમિશન લે.” મનસુખલાલને થયું કે આ અવાજ તો પોતાના દીકરા પ્રણવનો હતો અને આદ્યા એની દીકરીનું નામ. પણ આદ્યા તો હજી બે જ વર્ષની છે. એ ક્યાંથી મેડિકલના એડમિશનની વાત કરે? તેઓ બેઠા થઈ ગયા હતા અને થોડી વાર પછી ફરી ડાબે પડખે સુતા હતા. તેમને ફરી અવાજો સંભળાતા હતા. “જુઓ મનસુખલાલ, તમારી લાગણી હું સમજું છું. પણ તમારા પત્નીને આમ ક્યાં સુધી વેન્ટિલેટર પર રાખશો? એ હવે કોમામાંથી પાછા નહીં ફરે. સહી કરો એટલે અમે એમને મુક્ત કરીએ. મનસુખલાલ ધડ કરતા બેઠા થઈ ગયા. એમને પરસેવો વળી ગયો હતો. તેમને વિચાર આવ્યો હતો કે રેવા તો રાતી રા’ણ જેવી હતી. કોઈ દી’ તાવતરીયો, શરદી-સળેખમ કાંઈ એને થતું નહોતું. ત્યાં વેન્ટિલેટર?” આખી રાત મનસુખલાલ નિંદર વિનાના ડાબે જમણે પડખે ફરીને અકળાતા રહ્યા હતા, પણ એ રાતમાં એમને એટલું સમજાઈ ગયું હતું કે પોતાનો ફૂગવાળો ડાબો કાન તેમને ભૂતકાળના અવાજો સંભળાવતો હતો. જમણો કાન ભવિષ્યની વાણી ઝીલતો હતો. જ્યારે તે ચત્તા સૂઈ જતા ત્યારે બધા અવાજો એકબીજા સાથે ભળીને ઘોંઘાટ પેદા કરતા અને તેઓ એક શબ્દ પણ પકડી શકતા નહોતા. કંટાળીને પરોઢિયે તેમણે ઊભા થઈને બાથરૂમમાં જઈને માથાબોળ નાહી લીધું હતું. અને અચાનક જ બધા અવાજો શમી ગયા હતા. તેમને હાશ થઈ હતી પણ માત્ર થોડા કલાક પૂરતી જ. ફરીથી તે રાતે અને દરેક રાતે આ ડાબા જમણા કાનની, ભૂત ભવિષ્યના અવાજો-સંવાદોની રમત ચાલુ જ રહી હતી. ઘરમાં કોઈને આ વાત કરે તો સૌ એને ગાંડા ગણે એમ માની એ કોઈને કંઈ કહેતા પણ નહોતા. જોકે, મોટાભાગના સંવાદો રોજિંદી જિંદગીને લગતા સામાન્ય સંવાદો હતા એટલે એમને પણ હવે આ અવાજો કોઠે પડી ગયા હતા. બસ એક પેલો ડૉક્ટર જેવો લાગતો અવાજ એમનાથી ભૂલાતો નહોતો. રેવા-એમની પ્રિય પત્ની-વેન્ટિલેટર પર હોય એ વાત એમનો પીછો છોડતી ન હતી. છ સાત દિવસની ગડમથલ પછી તેમણે પોતાનું અને રેવાનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવ્યું. રેવા ના ના કરતી રહી. દીકરો વહુ હસ્યાં, “અમે કહેતાં હતાં તો નહોતા માનતા. હવે કેમ કરતાં ડૉક્ટર પાસે જવા કબુલ થયા?” ડૉક્ટરે બંનેને પૂરેપૂરા સ્વસ્થ જાહેર કર્યાં એટલે સામાન્ય રીતે રાજી થવું જોઈએ પણ મનસુખલાલની મુંઝવણ વધી ગઈ હતી. હવે એમણે કોઈ રાજ જ્યોતિષીને પકડ્યા. જ્યોતિષીએ આખા કુટુંબની કુંડળીઓ મંગાવી ને બે દિવસ પછી આવવા કહ્યું. શાળામાં ભણતા વિદ્યાર્થીનું હૈયું જેમ પરિણામને દિવસે ફફડે એવા ફફડાટ સાથે મનસુખલાલ જ્યોતિષીની સામે ગાદીએ બેઠા હતા અને જોષી મહારાજ શું બોલે છે તે સાંભળવા આતુરતાથી એમની સામે તાકી રહ્યા હતા. જોષીજીએ બોલવાનું શરૂ કર્યું હતું. “જુઓ મનસુખલાલ, તમે અત્યારે કોઈને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી બીમારીમાંથી પસાર થઈ રહ્યા છો. પણ બે-ત્રણ મહિનામાં તમે સાવ સાજા થઈ જશો. આ બીમારીનો તમે શોધેલો ઉપાય જ તમારી માટે ઘાત લઈને આવશે. તમને એ ઉપાય માટે નફરત થશે અને તમારા પત્ની તમારી ઘાતના નિમિત્ત બનશે. તમારા પત્ની તમને આખરી શ્વાસ સુધી પ્રેમ કરશે અને તમારી સેવા કરશે. તેઓ સ્વસ્થ દીર્ઘાયુ ભોગવશે, છતાં તેમનું મૃત્યુ કોઈ ટૂંકી માંદગી પછી હોસ્પિટલના બીછાને થશે. તમારી જિંદગીમાં આર્થિક સગવડ, સામાજિક મોભો, સુખી કુટુંબજીવન બધું જ તમે પામશો. તમે પણ લાંબુ જીવશો. તમારા પુત્ર, પુત્રવધુ સાથે વિખવાદો રહેશે પણ તમારા કુટુંબમાં પરસ્પરની લાગણી અને માન જળવાઈ રહેશે. બોલો બીજું શું જાણવું છે?” મનસુખલાલ જ્યોતિષીનો સંદિગ્ધ જવાબ સાંભળીને ગૂંચવાઈ ગયા હતા, પણ પછી તેમને થયું કે જોષીએ કહ્યું તેમ થોડા મહિનામાં આ અવાજો સંભળાવાની બીમારી ચાલી જવાની છે તો ઘાત અને ઘાતની વાત ભૂલી જવામાં જ મજા છે. મનસુખલાલ તો બીમારીને ભૂલવા તૈયાર થયા હતા પણ તેમની પેલી બીમારી મનસુખલાલને ભૂલવા માગતી નહોતી. હવે તો મનસુખલાલને ડાબે જમણે ગરદન ઘૂમાવવાથી જ ભૂત ભવિષ્યના અવાજો સંભળાવા શરૂ થઈ ગયા હતા. અવાજોને હવે જાણે તેમના ડાબે જમણે પડખે સુવા સુધી રાહ જોવાની જરૂર નહોતી. દિવસ કે રાત જોયા વગર તેમનું આવાગમન ચાલુ જ રહેતું અને એને ટાળવા મનસુખલાલ શાંતિની શોધમાં વારંવાર માથાબોળ નાહ્યા કરતા. માથું દુખતું, શરદી થતી, ઠંડી લાગતી પણ શાંતિની શોધમાં ભટકતા મનસુખલાલ સૌના મહેણાં-ટોણા, કટાક્ષ, છણકા, ઠરકા બધું સાંભળી લેતા અને વારંવાર માથે ડબલાં ભરીને પાણી રેડ્યા કરતા. એ રીતે અવાજોથી તેમને માંડ ઘડીક છુટકારો મળતો. તેમના પરિવારને હવે લાગ્યું કે બાપુજીને નહાવાનું વળગણ (ocd – obsessive compulsive disorder) થયું છે. આ વખતે તેમના ધમપછાડા છતાં તેમનો પરિવાર તેમને મનોચિકિત્સક પાસે લઈ જ ગયો. મનોચિકિત્સકે મગજની નસોને શાંત પાડવાની ગોળીઓ આપી. નાકમાં નાખવા ટીપાં પણ આપ્યા. તે સારવારથી ધીરે ધીરે મનસુખલાલને સંભળાતા અવાજો ધીમા ધીમા થતા ગયા અને સાવ જ ચાલ્યા ગયા. તેમની નહાવાની બીમારીને ઓસીડી ગણી અગમચેતી રૂપે ઉનાળાના દિવસોમાં પણ તેમનો પરિવાર તેમને સાંજે બીજી વાર નહાવા ન દેતો. ચોમાસામાં વરસાદમાં પલળવા ના દેતો અને શિયાળામાં તો ન નહાવા માટે આગ્રહ કરતો. એમને એમ બીજા વીસ વર્ષો વીતી ગયાં. ન નહાવું હવે મનસુખલાલની આદત બની ગઈ હતી. તેઓ દિવસમાં બે ત્રણ વાર કપડાં બદલતા. અત્તરો છાંટતા, ટૂંકા વાળ અને સફાચટ દાઢી રાખી સુઘડ દેખાવાની કોશિશ કરતા, મોઢે ડીલે ક્યારેક ભીનું કપડું ફેરવી લેતા, પણ નહાવાનું નામ સાંભળી ભાગી છૂટતા કે પછી ક્રોધે ભરાઈને બરાડા પાડતા. જોકે, હવે તેમને નહાવાનો આગ્રહ કરવાનો કોઈ પાસે સમય પણ નહોતો. રેવાબા ઘરનાં કામકાજ પર નજર રાખવામાં અને દેવદર્શનમાં વ્યસ્ત રહેતાં. પ્રણવનો કારોબાર વધ્યો હતો. તેની પત્ની મોટા માણસની પત્નીની જીવનશૈલી જીવવામાં પડી હતી. આદ્યા અને તેના પછી પાંચ વર્ષે જન્મેલો તેનો ભાઈ અવિક પોતપોતાની દુનિયામાં મસ્ત હતાં. અચાનક જ એક દિવસ વરસાદમાં ભીના થયેલા મંદિરના આરસના પગથિયા પરથી દર્શને ગયેલાં રેવાબાનો પગ લપસ્યો. માથા પરની ઈજાને લીધે તેઓ ત્યાં મંદિરને પગથિયે જ કોમામાં ઢળી પડ્યાં. હવે મનસુખલાલની સાંજ અને સવાર, દિવસ અને રાત બધું આઈસીયુના બેડની સામે જ પડતું. પ્રેમાળ પત્નીના નળીઓથી ઘેરાયેલા દેહ સામે જોતા એ કલાકો બેસી રહેતા. રાઉન્ડ પર આવેલા ડૉક્ટર એ જ શબ્દો બોલી રહ્યા હતા જે મનસુખલાલે વર્ષો પહેલાંની એક રાતે એમના જમણા કાને સાંભળ્યા હતા. પ્રણવ વેન્ટિલેટર કાઢવા માટે સંમત થઈ ગયો હતો અને બધા પરિવારજનો મનસુખલાલની વેન્ટિલેટર ન હટાવવાની જીદ સામે અકળાઈ રહ્યા હતા. અંતે મનસુખલાલે ઢીલ મૂકી હતી. વેન્ટિલેટર હટાવતાં જ પાંચેક મિનિટમાં રેવાબાએ એક બે ઊંડા અધકચરા શ્વાસ લઈને ડચકાં સાથે દેહ છોડી દીધો હતો. મનસુખલાલ એમ્બ્યુલન્સમાં પ્રિય પત્નીના દેહ સાથે ઘરે આવ્યા હતા. ઘરે તો જાણે માત્ર એમના આવવાની જ રાહ જોવાતી હોય એમ અંત્યેષ્ટિની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. બ્રાહ્મણ શ્લોક બોલતા હતા અને કોઈ બોલ્યું હતું કે મનસુખલાલને નવડાવીને લઈ આવો. ખલાસ... મનસુખલાલનો પેલો ફોબિયા ઉછળ્યો હતો અને તેમણે ત્રાડ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. “નહાવાની વાત નહીં. ના’વાથી મારી રેવા પાછી નહીં આવે.” ભેગા થયેલા કુટુંબમાં હવે ચણભણ વધી ગઈ હતી. વહુના પિયરિયા સંભળાવવા લાગ્યા હતા, “ડોસાની જીદનો પાર નથી. આ તો આપણી દીકરી બિચારી આવા ચક્રમ સસરાના ઘરમાં આટલાં વર્ષો ટકી. બાકી બીજી તો ક્યારની જુદી થઈ ગઈ હોય.” “એમ બધું એમનું ધાર્યું ન કરવાનું હોય. કાણે ને ટાણે જે કરવું પડે એ કરવું પડે.” આ બધા બબડાટ વચ્ચે પ્રણવે બાપાને સમજાવ્યા હતા, “બાપુજી એક ડબલું ઢોળી લો, પછી કોઈ કાંઈ નહીં બોલે. ચાલો, હું તમને હાથ પકડી બાથરૂમમાં લઈ જાઉં.” અનિચ્છાએ મનસુખલાલ પ્રણવના ડિઝાઇનર બાથરૂમમાં શાવર નીચે ઊભા રહ્યા અને વીસ વર્ષના બધા અવાજો એક સામટા ઉછળ્યા. આ વખતે માથાબોળ સ્નાનની સ્વીચ ‘ઓફ’ને બદલે ‘ઓન’ મોડમાં કામ કરી ગઈ. ભીષણ કોલાહલ અને પ્રચંડ દબાણ અનુભવાતા તેમનું માથું ફાટફાટ થવા લાગ્યું. ડોળા બહાર નીકળી આવ્યા અને ગળામાંથી ન નીકળી શકતી બૂમે હૈડ્યો ઊંચો નીચો કરી તેમનો શ્વાસ રૂંધી નાખ્યો. ગણતરીની પળોમાં ફળીએ રાડ પડી ગઈ હતી, ‘બાપા ગયા..’ ‘ભારે કરી’ ‘આનું નામ પ્રેમ’... પણ મનસુખલાલને હવે આ કે બીજા એકેય અવાજો સંભળાતા નહોતા.