નારીસંપદા : ટૂંકી વાર્તા/અસ્પર્શ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અસ્પર્શ

શ્રદ્ધા ભટ્ટ

હમણાં ડૂબી કે ડૂબશે ! – રેવતીને ભય નહોતો લાગતો. પેલું વમળ ઘૂમરીઓ લેતું એને પોતાની તરફ ખેંચી રહ્યું હતું અને એ ઊંડે ને ઊંડે ઉતરતી જતી હતી. વમળની ચારેકોર થીજવી દેતી ઠંડી અને એની બરોબર મધ્યમાં આગ ઓકતો મસમોટો ગોળો ! રેવતીને આખેઆખી ગ્રસી જવી હોય એમ એ અગનજ્વાળા એને પોતાની તરફ ખેંચ્યે જતી હતી. ગોળગોળ ફર્યા કરતાં એના શરીરની બધી જ શક્તિ ધીરે ધીરે ક્ષીણ થઈ રહી હતી. બંધ આંખે એ પેલા ધગધગતા ગોળાની ગરમીને ધીરે ધીરે પોતાની પાસે આવતી અનુભવી રહી હતી. ગરમી પણ કેવી? હાથ મૂકતાં વેંત ફોલ્લો ઊઠી આવે એવી અગન ! અદ્દલ આ એના માથાના દુઃખાવાની માફક. શરીર એટલી હદે નબળું થઈ ગયેલું કે રેવતીએ દુઃખાવાને લીધે પાડેલી ચીસ પણ ગળામાં જ અટવાઈ ગઈ. આવું જ થયેલું એ દિવસે પણ. રેવતીને યાદ આવ્યું. દસેક વર્ષની હતી એ અને એક દિવસ આમ જ માથાના અસહ્ય દુઃખાવાને લીધે એનાથી રાડ પડી ગયેલી. પણ પછી મમ્મી સૂતી હશે એવું ભાન થતા એણે જાતે જ મોં પર પોતાનો હાથ દાબી દીધો હતો. શરીરની વધતી જતી નબળાઈ મન પર લગામ કસવામાં નિષ્ફળ રહી ને રેવતીનું મન પહોંચી ગયું વર્ષો પહેલાંના સમયમાં. પિયરનું બેઠા ઘાટનું મકાન, મોટું ફળિયું, ડાબી બાજુ બારસાખવાળો દરવાજો અને પછી લાંબી ઓસરી. ઓસરીના એક છેડે રસોડું અને બીજે છેડે રેવતીનો રૂમ. શિયાળાની શરૂઆતના દિવસો હતા. રૂમના એક છેડે સળિયાવાળી બારીની બાજુમાં રાખેલા ખાટલે દસેક વર્ષની રેવતી સૂતી હતી. અઠવાડિયાથી આવતા તાવને લીધે એનું શરીર નબળું પડી ગયેલું. રેવતીની સેવામાં ખડે પગે હાજર રહેતી મમ્મી માંડ બપોરે થોડો આરામ કરવા ગયેલી અને રેવતીને અચાનક માથાનો દુઃખાવો શરૂ થયેલો. શરૂમાં ધીમો ધીમો દુઃખાવો ને પછી તો સહન ન થઈ શકે એટલું દરદ ! મમ્મીને ઉઠાડવી નથી – બસ આ એક વાત મનમાં હતી એટલે એ બંધ આંખે પડી રહેલી. ત્યાં જ, તાવથી ધગધગતા એના કપાળે કોઈના હાથનો સ્પર્શ થયો. ધીરે ધીરે માથું દબાવી રહેલી એ હથેળીઓનો સહેજ અમથો કઠોર દબાવ દુઃખાવામાં રાહત આપી રહ્યો હતો. સાવ જ અજાણ્યો એ સ્પર્શ રેવતીની બધી જ પીડા પોતાનામાં સમાવી રહ્યો હતો. રેવતીનું ગરમ સગડી માફક ધગધગતું કપાળ ધીરે ધીરે શાંત પડી ગયેલું. કેટલોય સમય વીત્યો હશે ખબર નહિ પણ રેવતીએ અચાનક આંખ ખોલીને બારીમાંથી બહાર જોયું તો સામેના દાદર પરથી કોઈ ઉપર જતું હોય એવું લાગ્યું. ભારે ઘેન હેઠળ રેવતી ત્યારે તો સૂઈ ગયેલી પણ પછી ય ખબર નહિ શા કારણે એણે આ વાત બીજા કોઈને ય નહોતી કરી. પેલો આકાર વિનાનો ચહેરો અને એનો એ સ્પર્શ – આ બંને જાણે રેવતીનું સૌથી મોટું રહસ્ય બની ગયેલા, જેના વિશે બીજું કોઈ જાણી જ ન શકે એવી સાવ અંગત વાત ! ઠીક થઈ ગયા પછી એ ઘણી વાર બારીમાંથી પેલા દાદરને જોઈ રહેતી. શરૂમાં રેવતીને રાહ રહેતી કે અચાનક જ પેલો ધૂંધળો આકાર દૃશ્યમાન થશે અને પાસે આવી માથે હાથ ફેરવશે ! પણ પછી એ રાહ પણ નિરપેક્ષ થતી ગઈ. હવે એ ફક્ત બારી પાસે બેસી દાદરને જોયા કરતી. ઘરનો સાવ જ નહિવત્ ઉપયોગી એવો દાદર પોતાના માટે કેટલો મહત્ત્વનો છે એ વાતનું ભાન રેવતીને ત્યારે થયું જ્યારે એ ઘર છોડી બીજે રહેવા જવાનું થયું. જૂનું ઘર તોડી એના સ્થાને બહુમાળી ઈમારત બનવાની હતી. રેવતીએ પપ્પાને આ ઘર છોડી ન જવા માટે મનાવવાના પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી જોયેલા, પણ બાર વર્ષની છોકરીની વાતનું ઉપજેય શું ! બધો જ સામાન ટૂંકમાં ગોઠવાઈ ગયો ત્યારે રેવતી ‘હું એકવાર મારા રૂમમાં જઈને જોઈ આવું’ કરતી દોડીને બારી પાસે જઈને ઊભી રહેલી અને એકીટસે દાદર સામું જોઈ રહેલી. અચાનક એને લાગ્યું કે એક પડછાયો દાદર પરથી ઉતરીને એની પાસે આવવાની કોશિશ કરી રહ્યો છે પણ એણે જેવો દાદર પર પગ મૂક્યો, આખેઆખો દાદર કડડભૂસ કરીને નીચે... રેવતીએ બે હાથ વડે આંખ બંધ કરી દીધેલી. થોડી વાર પછી ધીરે રહીને હાથ આઘો કર્યો ત્યાં તો દાદરની દીવાલ પાછળ અસ્ત થતા સૂરજના પડછાયામાં પેલો આકારવિહીન ઓળો ઓગળી જતો દેખાયો એને. રેવતીને પોક મૂકીને રડવું હતું. પણ એ એકીટસે જોતી રહેલી પેલા કેસરિયાળા સૂરજને ! “ગળી ગયો એને. આખ્ખેઆખ્ખો. નખ્ખોદ જાય તારું ! રોજ સાંજ પડે ને આવી જાય એને ખાવા !” રેવતીનું મન આજે ઉંમર અને કાળના બધાં બંધનો ફગાવી દઈને વિદ્રોહે ચડ્યું હતું ! આટલું બોલતા તો રેવતીનું પચાસ વર્ષનું શરીર હાંફી રહ્યું. “શું થયું મમ્મી? કંઈ જોઈએ છે તમને? પપ્પા, ડૉક્ટરને ફોન કરું?” નાની દીકરી, જમાઈ, મોટો દીકરો ને એની વહુ – બધાં તરત જ રેવતીની સેવામાં હાજર થઈ ગયાં. રેવતીએ એક નજર બધાં પર નાખી, હાથથી પાણી પીવાનો ઇશારો કર્યો અને આંખ બંધ કરી પડી રહી. “પપ્પા, ચાર દિવસે મમ્મી પહેલી વાર આટલું બોલી. એ ય આવું અસ્પષ્ટ ! તમને સમજાયું કંઈ?” દીકરી ધીમા અવાજે એના પપ્પાને પૂછી રહેલી. “પહેલાં તું જઈને વાટકામાં પાણી લઈ આવ.” રામે વાતનો જવાબ આપવાનું ટાળ્યું. એણે આંખ બંધ કરી સૂવાનો ડોળ કરતી રેવતી સામે જોયું. છેલ્લા ત્રણ મહિનાથી આ પથારી અને એની બાજુમાં રાખેલી પોતાની ખુરશી – રેવતીનું જીવન આ બેની આસપાસ જ વહ્યા કરતું હતું. રેવતીએ હમણાંથી જમવાનું પણ સાવ બંધ કરી દીધેલું. પ્રવાહી ખોરાક જ લેવાતો અને એમાંય ફક્ત દાળનું પાણી, સૂપ અથવા જ્યૂસ. એ ય રામ પ્રેમથી તો ક્યારેક ખીજાઈને આપે ત્યારે અડધો વાટકો માંડ પીએ. “સાહેબ, બસ હવે થોડા દિવસ જ હો ! પછી તમે અને હું બંને છૂટા !” માંદલું હસીને એ કહેતી. “એમ કંઈ હું તને જવા દઉં એમ નથી. મારી સેવાનો બરોબર મોકો આપીશ હોં કે !” રામ પણ સામે કહેતો. “આ ભવમાં તો એ થઈ રહ્યું ! કહેજો તમારી લાડકી વહુને. એ કરશે સેવા.” કોરીધાકોર આંખોએ રેવતી રામ સામે જોતી અને બંને વચ્ચે પ્રસરી જતું ભીનું મૌન. ક્યાંય સુધી બંને એકબીજાને જોયાં કરતાં અને એમની વચ્ચેના અવકાશમાંથી ધીમે રહીને સરકી જતો રેવતીના જીવનમાંથી ધીમે ધીમે ઓછા થતા જતા શ્વાસનો અવાજ. પડઘાયા કરતો એ પછી આખાય ઘરમાં. સમય સમયની દવાઓ, ખીજાઈને આપવામાં આવતું જમવાનું, સૂવાના વ્યર્થ પ્રયત્ન, બાળકો સાથે થતી ટેલીફોનીક વાતચીત – આ બધી જ યાંત્રિક ક્રિયાઓ વચ્ચે રામ કેટલીય કોશિશ કરતો એ અવાજને અવગણવાની, પણ એ બધી ય નાકામ જતી ! ધીરે ધીરે એણે પરિસ્થિતિ સ્વીકારી લીધેલી અને એટલે જ રેવતીને ન ગમે એવું કશું જ કરતો કે કહેતો નહિ. છેલ્લા અઠવાડિયાથી રેવતી માથાના અસહ્ય દુઃખાવાથી પરેશાન હતી. રેવતી માટે માથાનો દુઃખાવો એટલે એક એવી સ્થિતિ જેમાં રેવતી એની ખુદની દખલ પણ પસંદ ન કરતી ! દવા તો લેવાની જ નહિ – આ એનો હઠાગ્રહ ! લગ્નનાં આટલાં વર્ષે રામ સમજી ગયેલો કે રેવતી માટે આ પીડા કોઈ સામાન્ય શારીરિક ફરિયાદ નથી, અને એટલે જ રેવતીને માથું દુખે એટલે એને શક્ય એટલા કલાકો એકલી રહેવા દેવી એવો નિયમ કરી રાખેલો એણે. રેવતી જાતે જ અમુક સમય પછી એમાંથી બહાર આવી જતી. જોકે, રેવતીને માથું ભાગ્યે જ દુઃખતું એટલે ગણીને ચાર કે પાંચ વખત જ એવો સમય આવ્યો હશે. પણ આ વખતે વાત અલગ હતી. દુઃખાવાની શરૂઆત થઈ ત્યારથી રામ જોતો હતો કે રેવતી જાતે એના પર કાબૂ કરવા સક્ષમ નહોતી. એણે ખીજાઈને દવા લેવાનું કહી પણ જોયું, પણ રેવતી દવા ન ખાવાની જીદ પકડીને જ બેઠી હતી. છેવટે રામે જ્યૂસમાં અને દાળના પાણીમાં દવાનો ભૂકો કરીને આપવાની કોશિશ કરી જોઈ પણ વ્યર્થ. પહેલા જ ઘૂંટમાં રેવતીને ખબર પડી જતી અને એ થૂંકી દેતી. સતત બે દિવસની આવી કોશિશ પછી રેવતીએ પ્રવાહી લેવું ય બંધ કરી દીધેલું. અંતે થાકીને રામે મોટા દીકરા અને દીકરીને ફોન કરીને બોલાવી લીધેલાં. બાળકોની વિનંતી અને ધમકીથી રેવતીએ ખોરાક લેવાનું તો શરૂ કર્યું હતું. પણ એનો માથાનો દુઃખાવો ધીરે ધીરે વધતો જ જતો હતો. “રેવતી, જીદ છોડ અને દવા લઈ લે. ક્યાં સુધી સહન કરીશ આ દરદ?” ચમચીથી બે ત્રણ ઘૂંટ પાણી પીવડાવ્યા પછી રામે ફરી એક વાર કહી જોયું. રેવતીએ જવાબ આપ્યા વિના જ આંખો બંધ કરી લીધી. ફરી એકવાર રેવતીએ એને સાદ પાડ્યો. ‘બહુ માથું દુખે છે. દબાવી આપને !’ પણ કોઈ જ ઉત્તર નહીં. આવું આ પહેલા ક્યારેય નહોતું થયું. રેવતીએ બોલાવ્યો હોય અને એ ન આવ્યો હોય એવું બન્યું જ નહોતું પણ છેલ્લા ચાર દિવસથી એ સતત એને સાદ પાડી રહી હતી અને એ આવતો જ નહોતો. તે દિવસે ડૂબતા સૂરજ સાથે ઓગળતો જતો એ આકારવિહીન ઓળો અને એ ડૂબતા સૂરજની શાખે રેવતીએ કરેલો એક મક્કમ નિર્ણય ‘માથું દુઃખશે ત્યારે એણે આવવું જ પડશે.’ કોણ હતો એ, ક્યાંથી આવેલો, ખરેખર એનું દૈહિક અસ્તિત્વ હતું કે નહીં – રેવતી કશું જ નહોતી જાણતી. બસ, તે દિવસે એણે કરેલા સાવ જ બાલિશ નિર્ણયને એ આજીવન વળગી રહેલી. આટલા સાદ પાડવાની આ પહેલાં જરૂર નહોતી પડી. માથું દુખ્યું હોય ત્યારે રેવતીને હંમેશા એનો એ જાદુઈ સ્પર્શ મળ્યો જ હોય અને એ પીડા પળવારમાં ગાયબ ! કશું જ લોજિક નહોતું આ અનોખા સંબંધમાં. છતાં રેવતી માટે એ વ્યક્તિ અને એનો સ્પર્શ આજે ય અત્યંત મહત્ત્વનો હતો. અઠવાડિયાથી એ તડપી રહી હતી એ સ્પર્શ માટે જે એની આ અગનને શાંત પાડે ! નહોતો જીરવાતો આ તાપ હવે એનાથી ! ઘરનો દરેક સભ્ય એની પીડા શાંત કરવા મથી રહ્યો હતો – જાણતી હતી એ, પણ કેમ કરીને કહે કે એનો આ તલસાટ, આ તરફડાટ કોઈ દવાથી મટે એમ નથી ! બંધ આંખે ય રેવતી રામની લાચારી અનુભવી શકતી અને એની બેચેની વધી જતી. એ વધુ તીવ્રતાથી પોકારતી, ‘આવ ને !...’ અને જવાબમાં પડઘાતો સૂનકાર. મનની આ બેચેનીથી રેવતીનું શરીર વધુ ને વધુ ગળતું જતું હતું. સહન નહોતો થતો આ ઉકળાટ, આ તાપ... ‘બસ કર હવે ! જોતો નથી કેટલી હેરાન થાઉં છું ! આવી જા, છેલ્લી વાર...’ બધી જ આજીજીઓ નકામી પૂરવાર થઈ રહી હતી અને એ દરેક નિષ્ફળ વિનંતી પછી રેવતી વધુ ને વધુ અકળાઈ જતી. રેવતીને ચીસો પાડીને ગુસ્સો કરવો હતો, ગાળો બોલવી હતી, પેલા ડૂબતા સૂરજને હાથમાં જ પકડી રાખીને કહેવું હતું – ‘હવે ક્યાં લઈ જઈશ તું એને, બોલ? આ રાખ્યો મેં તને મારી મુઠ્ઠીમાં !’, અને પેલા ન જોયેલા ચહેરા વિનાના આકારને બાથમાં જકડી લઈ એના શરીરની એક એક રેખાને પોતાનામાં એકાકાર કરી લેવી હતી... પણ ગળામાંથી નીકળતો નકરો બબડાટ, બીજું કોઈ સમજી જ ન શકે એવો અર્થવિહીન, અસંબદ્ધ લવારો. નફરત થઈ આવતી આ બે ત્રણ દિવસના મહેમાન એવા શરીર પર અને વધુ તો આ જીજીવિષા પર ! છૂટતું ય નથી ને છૂટવા દેતું ય નથી આ નપાવટ શરીર ! આટઆટલી વેદના અને તલસાટ સહન કરવા છતાં ય શ્વાસ તો એની ધીમી ગતિએ ધીરે ધીરે જીવનને ખોખલું કરી રહ્યા હતા. એક દિવસનો ખેલ શા માટે લંબાવીને બે કે ત્રણ દિવસ સુધી ભજવ્યા જ કરવાનો? રોજ આમ જ દિવસ પૂરો થતો ને રેવતી આજનો ખેલ પૂરો એમ માની આંખ બંધ કરતી. પણ બીજો દિવસ ઊગતો અને ફરી એ જ. સ્પર્શની જીજીવિષા, આવી જવાની કાકલૂદી, અને દિવસને અંતે હાથ લાગતી નિરાશા ! રામ આ બધું જ જોતો, થોડું સમજતો, ઘણું ય ન સમજતો પણ એ મૂક સાક્ષી બની રેવતીની પીડાને અનુભવ્યા કરતો. પણ આજે રેવતીનો તરફડાટ જોઈ એણે એક નિર્ણય લીધો. બીજો દિવસ ઊગ્યો. યાંત્રિક રીતે બધું કામ પણ પત્યું. રેવતી એ ફરી કંઈ ન ખાવાની જીદ કરી અને રામ ફરી ખિજાયો. બપોર વીતી ને સાંજ ઉતરી આવી. રેવતીની બાજુમાં બેઠેલા રામે હળવેથી એનો હાથ દાબીને કહ્યું, “રેવતી, જો તો કોણ આવ્યું છે મળવા !” રેવતીને અચરજ થયું. બાળકો સિવાય તો બીજું કોણ હોય? એણે આંખો ખોલી. સામે જ એનો આખો પરિવાર ઊભો હતો. નાની દીકરી અને જમાઈ, મોટો દીકરો, એની વહુ અને બે વર્ષનો પૌત્ર. હસતા ચહેરે એ બધા સામુ વારાફરતી જોઈ રહી. રામ સામે જોઈ, ધીમું હસી એણે ફરી આંખ મીંચી. ‘આખો પરિવાર એની સાથે હતો અને એ? એક પડછાયા પાછળ...’ ‘ના ના. એ સાવ આભાસી નહોતો જ. જ્યારે જ્યારે જરૂર પડી હતી, પોતાની પીડા એણે દૂર કરી જ હતી ને?’ માથામાં ફરી એક વાર જોરદાર સણકો ઉપડ્યો અને ફરી એનું આખું શરીર પેલા સ્પર્શને ઝંખી રહ્યું. રેવતીને થયું, એની બધી જ ઇન્દ્રિયો એકસામટી કપાળે આવીને એકઠી થઈ ગઈ છે. એની આંખોને રાહ હતી પોતાના કપાળે લયબદ્ધ ફરતી એ આંગળીઓ જોવાની, એના કાન આતુર થઈ રહ્યા હતા પોતાની ત્વચા સાથે આંગળીઓના સ્પર્શથી બનતા તરંગો સાંભળવા, સાવ જ નજીક આવીને મર્દન કરતા એ હાથની સુગંધ પોતાનામાં સમાવી લેવા એની ઘ્રાણેન્દ્રિય તડપી રહી હતી અને એની ત્વચા... સહેજ કઠોર એવી એ આંગળીઓના સ્પર્શ માટે વલખાં મારી રહી હતી ! એના રોમે રોમમાંથી એક જ પોકાર ઊઠી રહ્યો હતો – મને કોઈ એ સ્પર્શ લાવી દો ! મનનો અસહ્ય થાક આંસુ બની રેવતીની બંધ આંખોથી વહી રહ્યો. રામે ધીરેથી એની આંખો લૂછી અને સામે ઊભેલી વહુને ઇશારાથી સમજાવ્યું. એણે રેવતીના પલંગની બરાબર સામે રહેલી બારીનો પડદો હટાવ્યો. સંધ્યાનો સોનેરી રંગ આખાય રૂમમાં પથરાઈ ગયો. ધીરે ધીરે બધા જ સભ્યો એક પછી એક રૂમમાંથી બહાર નીકળી ગયા. રામ ઊભો થઈને ત્યાંથી જતો રહ્યો. સાંજનો એ પ્રકાશ અને એમાંથી ધીમા પગલે પોતાના તરફ આવતો એક આકાર. રેવતીનું સમગ્ર અસ્તિત્વ જાણે મહોરી ઉઠ્યું હોય એમ એ હસું હસું થતા ચહેરે એ સોનેરી પ્રકાશને માણી રહી. “કેટલી રાહ જોવડાવી? હવે હું સૂઈ ન જાઉં ત્યાં સુધી અહીં જ રહેજે.” એના ધગધગતા કપાળ પર થયેલો એ અછડતો સ્પર્શ, લયબદ્ધ રીતે આખાય કપાળમાં ફરતી આંગળીઓ અને ધીમું મર્દન... રેવતીનું આખુંય હોવાપણું આ એક નાની એવી ઘટનાની આસપાસ જાણે પથરાઈ ગયું અને એના શરીરમાંથી ઊઠતી અગનજ્વાળા ધીરે ધીરે શાંત થઈ રહી. સ્પર્શ માટેનો એ તલસાટ ઓગળતો ગયો અને એની બધી જ પીડા ધીમે ધીમે ઓછી થવા લાગી. તંગ થઈ ગયેલું શરીર ઢીલું છોડી એ શાંત ચિત્તે પડી રહી. રામ રૂમમાં આવ્યો ત્યારે એણે જોયું. અસ્ત થઈ રહેલા સૂરજની આછી એવી કેસરવરણી આભા રેવતીના આખા ય શરીરને આવરી લેતી બારી બહાર દૂર સુધી ફેલાયેલી ક્ષિતિજ તરફ આગળ વધી રહી હતી.