નારીસંપદા : ટૂંકી વાર્તા/આકડાનું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આકડાનું ફૂલ

સુનિતા ચૌધરી

પ્રીતેશ ! ‘પ્રિય પ્રીતેશ’ એવું સંબોધન તને પ્રિય હોવા છતાં આ પત્રમાં નથી કર્યું. દર વખતની જેમ મોટા અવાજે તું પૂછીશ, ‘કારણ?’ થોડું ધૈર્ય રાખ, કારણ તો સાવ સાદું અને સીધું છે પણ તને તો ફક્ત એ શબ્દરમત લાગશે. પરંતુ અત્યાર સુધી આપણે ફક્ત શબ્દરમત જ કરી છે, હવે સત્ય પણ સ્વીકારતાં શીખવું જોઈએ ને? સાંભળ પ્રીતેશ ! હવે તારામાંથી મારા પ્રિયજનની બાદબાકી થઈ ગઈ છે. Yes! Now you are no longer that loving Preetesh. આ ક્ષણથી ‘તું’ ‘પ્રિય’ નથી. તો પછી કલમ સાથે કપટ કેવી રીતે કરું? કપટ શું છે એની મને બહુ મોડી ખબર પડી. એક ઉંમર હોય છે માની લેવાની. હું માની લીધેલું જીવી. દિવાસ્વપ્ન હતું એ પૂરું થયું.

*

જોકે, મને એ વાતનો અત્યંત આનંદ છે કે આખરે હું તારા માટે સૂરજના તડકા જેવું સૂકું અને બળબળતું આ સંબોધન વાપરવામાં સફળ રહી, જેથી જે શોકના તપ્ત સહરામાં તેં મને એકલી મૂકી દીધી છે તેની ઉષ્ણતા તારા સુધી પણ પહોંચે અને તું પણ પામે, મરુભૂમિમાં મરતાં મરતાં જીવવાથી, પળે પળે વસમી બનતી જતી વેદનાનો વરવો સ્પર્શ. અત્યાર સુધી કઠોર અને કડવી છતાં એક નક્કર વાસ્તવિકતાને ભ્રાંતિ માનતી આવી પણ આજે તો મારું રોમરોમ એનાથી જ્ઞાત છે, પ્રીતેશ ! તું મારા જીવનનું પરમ અસત્ય છે, છળનો પારાવાર છે મારા માટે, મારા અમૃતમય અસ્તિત્વમાં પેસી ગયેલું કાલકૂટ વિષ છે તું. ઓહ ! હું આ શું લખી રહી છું? મારા અધ્યાપક કહેતા કે પ્રતીતિ એટલે ભલાઈ. સત્યને પણ અપ્રિય વેણરૂપે ન ઉચ્ચારે. ઉપકાર કરે એ પણ જાતે ઉપકૃત થતી હોય એ રીતે. મારા એ અધ્યાપક આજે ખોટા પડ્યા છે. એમાં કોનો ફાળો વધારે? મારો કે તારો? તું માન કે ન માન. પણ આપણે પહેલી જ વાર મળ્યાં, મૈત્રીના મોહક તાંતણે બંધાયાં ત્યારે મને આનંદ તો ખૂબ થયો હતો પણ એથીયે વધારે મનમાં એક ડર પેસી ગયો હતો કે હવે હું ખોવાઈ જઈશ, તને પામીને હું કદાચ મને જ ગુમાવી બેસીશ. અને થયું પણ એમ જ. વર્ષો પૂર્વે વાવેલા પરિચયના બીજમાંથી આજે આપણા સંબંધનું ઘટાદાર વૃક્ષ ખીલી ઉઠ્યું છે પણ એના પર મારા નામનું એકાદ પર્ણ પણ દેખાય છે ક્યાંય? ‘લગ્ન’ નામક ઘટના સુધી આપણે બહુ જ આસ્તે આસ્તે અને સંભાળપૂર્વક પહોંચવાનો દાવો કર્યો હતો પણ તોય મને લાગે છે કે મેં બહુ ઉતાવળ કરી નાખી પ્રીતેશ ! તારી સાથે પરણી ત્યારથી મારું જીવન તારી આસપાસ ફેરફુદરડી ફર્યા કરે છે. તારી રુચિ-તારી અરુચિ, તારા ન્યાય-તારા અન્યાય, તારા આદર્શ-તારા વ્યવહાર, બસ ! માત્ર તું, તું અને તું. ભારતીય પ્રજાજન તરીકે તું ભલે લોકશાહીને બિરદાવે પણ ભારતીય પતિ તરીકે તને સરમુખત્યારશાહી જ વધુ ફાવે છે એવું જણાતાં તારા પ્રત્યે એટલી નફરત જાગી છે કે અહીં વર્ણવીશ તો કદાચ પત્ર જ સળગી ઊઠશે.

*

પ્રબળ પ્રેમ નજીક લાવવાને બદલે દૂર ફેંકી દે છે એવું શરદબાબુએ કહેલું, પણ પ્રેમના અભાવને કારણે દૂરતા અનુભવતી નારીની વાત કરવા બીજા શરદબાબુ ક્યારે આવશે?

*

દામ્પત્યજીવનનો પ્રદીપ પ્રગટાવવા પુરુષરૂપી પ્રકાશ અને સ્ત્રીરૂપી જ્યોત સંલગ્ન થઈ જાય છે પણ તેં તો સ્ત્રીરૂપી જ્યોતને બુઝાવવાનો પ્રયત્ન કરી સળગતા અંધકારની ભૂમિકા ભજવી. રોજ સવારે તારી સેવામાં હાજર થતાં વર્તમાનપત્રમાં અને મારામાં તને જાણે કશો ફરક જ નથી વરતાતો. જેમ એકવાર એ વર્તમાનપત્ર વાંચ્યા પછી તું એને ફેંકી દે છે તેમ મનેય વાંચ્યા પછી તું અત્યંત નિષ્ઠુરતાપૂર્વક ભૂલી જાય છે. હા, મારા પર તારી એટલી કૃપાદૃષ્ટિ (તારી ગરજ કહું તો વધારે યોગ્ય ગણાશે, નહીં?) કે તું મને એકથી વધારે વાર વાંચે છે ! તારાં વક્તવ્યો – જેમાં હું મોહાંધ બની હતી, તારું વાચન – જેના પર હું મુગ્ધ હતી, તારું લેખન – જેની પાછળ હું મરી ફીટવાની ભાવના રાખતી એ બધું આજે ક્યાં અદૃશ્ય થઈ ગયું? રંગભૂમિની મારી રુચિને તું હાસ્યાસ્પદ ગણતો પણ હવે સમજાય છે કે નાટક તો તું જ કરે છે. તારામાં રહેલો નટ કોણ જાણે ક્યારે, કઈ ભૂમિકા ભજવશે એની સ્હેજ પણ ખબર ન પડે એટલી કુશળતાથી તું મહોરાં બદલાવ્યાં કરે છે. તારા આ અભિનયને જ સત્ય માની લોકો તારી ‘વાહવાહ’ કર્યા કરે છે અને કાલ સુધી હું પણ કરતી હતી, પણ આજે? આજે તો શું પણ આજ પછી ક્યારેય ભવિષ્યમાં એનો વિચાર પણ નહીં કરું.

*

તું કોઈ અન્યને ચાહીને મારી ઉપેક્ષા કરે તો પણ મને વાંધો ન હતો. પણ તારામાં ચાહનાનું તત્ત્વ જ ક્યાં છે? મંચ પર પ્રેમનો અભિનય અને જીવનમાં એનો સદંતર અભાવ.

*

તારામાં રહેલા પ્રભાવશાળી પુરુષને મેં આવકાર્યો હતો. મોહિની અનુભવી હતી. પણ તારે તો હવે દેવ બનવું છે, પૂજ્ય બનવું છે, અને તેય માનવતાને વિસારે પાડી દઈને. તારા આ તર્કશાળી (કે તર્કવિહીન?) તરકટની ભાગીદારીમાં, બલ્કે ગુલામીમાં મને બિલકુલ રસ નથી. તારી આ કલ્પનાના કોશેટામાં બંધાવા હું તૈયાર નથી, કેમ કે, આ કલ્પના તને પણ વિનાશ સિવાય કશું આપી શકશે એવી માન્યતા રાખવી એ નરી મૂર્ખતા છે. પ્રીતેશ ! ધ્યાનથી સાંભળ – એક અગત્યની વાત; સિદ્ધિના શિખરે પહોંચવાના પ્રયાસમાં તળેટીને ભૂલી જઈએ તો ક્યારેક એ શિખરે પહોંચ્યા પછી, પ્રત્યેક શ્વાસ પીડા અને નિરર્થકતાના પર્યાય સમો ભાસે, ખાસ કરીને એ શિખર જ્યારે સહપ્રવાસીને ધક્કો મારીને, તેને ભૂલી જઈને સર કર્યું હોય ત્યારે. લખવાની, વાંચવાની, નાટકમાં કામ કરવાની બધી જ મારી પ્રિય પ્રવૃત્તિઓને આગળ વધારવાનું સાહસ મારામાં હોવા છતાં તારા માટે અને ફક્ત તારા માટે એ બધું જ મેં ત્યજી દીધું. સમર્પણની વેદી પર મારાં સ્વપ્નોનાં સમિધ હોમી દીધાં. તારા અવગુણો, તારી મર્યાદાઓ હું સમજતી ન હોઉં એ રીતે બધું જ હસતાં હસતાં સ્વીકારી લીધું, પણ બદલામાં તારી આ અવગણના મારાથી સહન નહીં થાય. તારી અવહેલનાથી ઓશિયાળું બને એવું જીવન હું કદાપિ નહીં જીરવી શકું. અને એટલે જ આજે નિર્ણય કર્યો છે તારાથી જુદા માર્ગે જવાનો. મારી શક્તિ ને મારા સામર્થ્યમાં વિશ્વાસ છે મને. આ વિશાળ જગતમાં મને મારી નાનકડી કેડી અવશ્ય મળી રહેશે. ક્રૂરતાની જે કાળી શાહી વડે તેં તારા જીવનપૃષ્ઠ પરથી મારું નામ છેકી નાખ્યું છે તે જ રીતે આજે હું પણ તારા નામનો છેદ ઉડાડી દઉં છું. તારા સમ ! હું તને ભૂલી જઈશ. મારે તારી પાસેથી કશું જોઈતું હોય તો યાદ રાખું ને? મેં તને જે આપ્યું છે એ પણ ભૂલી જઈશ. હું તારા અસલ સ્વરૂપને ઓળખી શકી છું એ પણ ભૂલી જઈશ. એટલું જ યાદ રાખીશ કે મારે હવે ફેરવિચાર નથી કરવો. જે નથી તે છે એવું માનવાનો અર્થ? મને ફરી મળવાની કે માફી માગવાની જરૂર નથી. આકડાના ફૂલને સફેદ ગુલાબ માની લેવાની ભૂલ હવે હું નહીં કરું. આકડાના ફૂલની માળા ગૂંથીશ. સમર્પિત જીવનના આચાર્યને ચઢાવવા. મને મારી એકલતા ભારરૂપ નહીં લાગે. મને નિર્ભ્રાન્ત કરવા બદલ આભાર. પ્રતીતિ.