નારીસંપદા : ટૂંકી વાર્તા/આલ્બમ

આલ્બમ

અમી ઠક્કર

આજે હું ખૂબ ખુશ હતી. અજાણ્યા શહેરમાં તોતિંગ ભાડા વચ્ચે પણ કહેવાતા પોશ વિસ્તારમાં અમને સસ્તા ભાડાવાળું મકાન મળી ગયું. રેયાંશી માટે ઘરથી નજીક શાળા પણ મળી ગઈ. પ્રાઇવેટ બેંકિંગની નોકરીમાં બદલી ગમે ત્યારે થતી. શરૂમાં પાંચ વર્ષ થોડી તકલીફ પડેલી પણ હવે ટેવાઈ ગયેલી. આજે સામાન સાથે નવું ઘર, શહેર અને ખાસ તો નવા પાડોશી. ઘરની ઝાંપલી ખોલતા જ હું હરખાઈ ગઈ. કેટલું સરસ ફળિયું અને ફળિયામાં હિંડોળો! મને ફળિયા અને ઓસરીવાળાં ઘર પહેલેથી જ ખૂબ ગમે. મેં ફળિયાની આજુબાજુ ધ્યાનથી જોયું. વેલ સાવ બળી ગયેલી, તુલસીક્યારો પણ પાણી ન મળવાને લીધે સુકાઈ ગયેલો, કુંડાં ઘણાં હતાં પણ એકેય ફૂલ નહીં. હિંડોળો પણ ધૂળ ધૂળ. અંદર પહોંચીને મારો ઉત્સાહ ઓસરી ગયો. કેટલાય મહિનાઓથી ઘર જાણે અવાવરું પડેલું હોય. મેં ઈશાન સામે ફરિયાદી જેવું મોં કર્યું. “અરે, હું કહેતા ભૂલી ગયો, એમણે કહેલું કે વસ્તુઓ સારી હતી. ફેંકતા જીવ ન ચાલ્યો એટલે તમને જોઈતી કે ઉપયોગી હોય એવી વસ્તુઓ રાખીને બીજી જવા દેજો.” “એમ કોઈ અજાણ્યાની વસ્તુઓ આપણે થોડા વાપરીએ ઇશાન? જીવ નહોતો ચાલતો તો પોતાને ત્યાં લઈ જતા. અને આ સફાઈ કહેવાય? અને સફાઈ કરાવેલી હોય તો વસ્તુઓ જ્યાંની ત્યાં હોય? તારે ફોન પર હા પાડવાને બદલે રૂબરૂ એક વાર આવી જવા જેવું હતું” “એમની સાથે દલીલ કરવી યોગ્ય ન લાગી એટલે મેં હા એ હા રાખ્યું. તું બધું જવા દેજે. આપણે તો ખુશ થવું જોઈએ કે અહીં બીજા બધાં મકાનો કરતાં આ મકાનનું ભાડું સૌથી ઓછું છે. પૂછતી નહીં કેમ? મને નથી ખબર. હવે તું જલ્દી રેયાંશીના હાથે કુંભ મુકાવ, પછી હું થોડો ફ્રેશ થઈને ઑફિસ જવા નીકળું. આજે મારે રિપોર્ટ કરવાનો છે. તું તારી રીતે થાય એટલું કર, હું સાંજે વહેલો આવી જઈશ અને મદદ પણ કરીશ.” બધું પતાવીને મેં ઈશાનને ઑફિસ વળાવ્યો. સામાનમાં બહાર પડેલી સાયકલ લઈને રેયાંશી ફળિયામાં ફેરવવા લાગી. હું પણ નિરાંતે આખું ઘર જોવા અંદર પહોંચી. દીવાનખંડ ખૂબ મોટો હતો, સોફાસેટ, ટીપોય અને બીજું ફર્નિચર પણ સુંદર હતું. તેની તરત સામેની બાજુ બેડરૂમ. હું બેડરૂમમાં ગઈ ત્યારે બેડ જોઈને એક વિચિત્ર વિચાર મનમાં ઝબકી ગયો. એવું નથી કે બીજે મકાનમાં ન થયું હોય પણ આ મકાન ફર્નિચરવાળું હોઈ એમ થયું કે અહીં આ પલંગ પર કેટલા લોકો સૂઈ ચૂક્યા હશે? કોઈ સુખમાં, દુઃખમાં, બીમારીમાં અને કેટકેટલી કથાઓ અને વ્યથાઓનો સાક્ષી હશે આ પલંગ. વિચારતા વિચારતા નજર પંખા પર પડી. સ્વીચ પાડતાં જ તે રોવા બેઠો હોય તેમ કીચુડ કિચુડ કરવા લાગ્યો. સાથે તેમાં લાગેલાં થોડાં જાળાં પણ ઊડ્યાં. બેડરૂમમાં સરસ કબાટ પણ હતો. ‘હાશ, આવું મકાન જ સારું. ફક્ત સામાન જ લાવવાનો. ફર્નિચરની ફિકર જ નહીં, જેવું કબાટ ખોલ્યું કે તરત ઉપરના શેલ્ફમાંથી ધડાધડ ત્રણેક આલ્બમ નીચે પડ્યાં. ‘બોલો, કોઈ વસ્તુઓ ભૂલી જાય પણ પોતાની યાદોનો ખજાનો કોઈ કેમનું ભૂલે?’ લાવ જોઉં કોણ રહેતું હતું અને કેવી યાદો મૂકતું ગયું ! અને હું હજી પહેલો આલ્બમ ખોલીને જોવા ગઈ ત્યાં રેયાંશીના રડવાનો અવાજ આવ્યો. હું દોડીને બહાર ગઈ. “મમ્મા, જોને હું પડી ગઈ. આઆઆ...” છોલાવાને લીધે તેને બળતરા થતી હતી. મેં તરત ઘા ધોઈને ડેટોલનું પોતું મૂકીને બેન્ડેજ કરી આપી. તેને પાણી આપીને હું રસોડામાં ગઈ. કુંભ, મગનો સાથિયો, મમ્મી પપ્પાનો ફોટો, દીવો હજુ ચાલુ હતો. આજે જમવામાં મગ અને લાપસી કરવાનાં હોઈ, રસોડાનો જરૂરી સામાન બોક્સમાંથી કાઢવા લાગી. મસાલાના ડબ્બા મૂકવા ખાનું ખોલવા ગઈ ત્યાં ફરી મને આગળના ભાડુતનો સામાન દેખાયો. ‘કેવા લાપરવાહ લોકો હોય ! અંદર આલ્બમ, અહીં ભરેલા ડબ્બા, હૉલમાં નવાં તાળાં ચાવી, આટલું બધું કોઈ કેમનું ભૂલી જાય? હશે, મારે શું? કોઈ ઘરકામ કરતાં બહેન મળે તો સફાઈ કરાવીને બધું એમને ધરવી દઈશ. ભલે લઈ જાય.’ રીયું કશુંક ખખડાવતી હોય એવો અવાજ આવતાં હું તેની પાસે ગઈ. ઉફ્ફ ! ઉદ̖ગાર સાથે મેં કહ્યુ, ‘ મૂકી દે. એ રમકડું કોઈ ભૂલી ગયું છે અહીં. એમ ન અડાય કે રમાય.’ બાળક રમકડું જોઈને કોઈનું સાંભળે? મેં પણ તેની સાથે ઝાઝી માથાકૂટ વગર મારું રસોઈનું કામ પતાવ્યું. હું બપોર સુધીમાં થાકીને લોથ થઈ ગઈ હતી. પછી યાદ આવ્યું કે પાણીનો જગ ખાલી થઈ ગયો છે. માટલું વિછળીને ભરવા માટે પણ ફિલ્ટર હજુ ક્યાં હતું. પછી થયું લાવને આજુ બાજુ પાણી માટે પૂછી જોઉં. એ બહાને થોડી ઓળખાણ થઈ જાય. જગ હાથમાં લઈને બહાર નીકળી ત્યાં સામેવાળાં બહેન બહાર જ હતાં. તેમની તરફ થોડું સ્મિત કરીને હું પૂછવા જાઉં એ પહેલાં એ સહાનુભૂતિથી મને જોઈને અંદર ચાલ્યાં ગયાં. પછી મેં તેમની પાસે જવાનું ટાળીને મારી જ બાજુના મકાનની ડોરબેલ વગાડી. ‘હું ધારા, અહીં તમારી બાજુના જ મકાનમાં રહેવા આવી છું. આ પાણીનો જગ ભરી આપશો?’ “અરે હા હા, કેમ નહીં. તમે પહેલાં અંદર આવો, બેસો. હું જગ ભરીને આવું.” તેમના આ ઉમળકાથી ખુશી થઈ. અછડતી નજરે જોયું તો ઘર અત્યંત સુંદર અને સાજસજાવટવાળું હતું. એક મોટી તસવીર હતી જેમાં તેમનો પરિવાર હતો. બે મજાનાં બાળકો હતાં. હું તસવીર જોતી હતી ને, “હું પારુલ અને આ ફોટામાં મારા પતિ અને મારા દિકરા આદિત્ય અને અવીનાશ. હું તેમને આદિ અને અવી કહું છું. આ ઢીંગલીનું નામ...?” ‘હા આ રેયાંશી...’ “ખૂબ સરસ... આને અને અવીને સારી જામશે.” પારૂલબેન સ્વભાવે મળતાવડાં લાગ્યાં. સાંજે સાથે ચા પીવાનો આગ્રહ કરીને મેં વિદાય લીધી. આ અજાણ્યા શહેરમાં મિત્ર મળી ગયાનો આનંદ આવ્યો. તેમની મદદથી ઘરકામ માટે બહેન પણ મળી ગયાં. મને ફરી પેલા આલ્બમ યાદ આવ્યાં. તેમાંથી એક આલ્બમ ખોલ્યું. ઓહ! મેં જોયું કે એક સુંદર યુવતીનો તેના સીમંત પ્રસંગનો ફોટો હતો. એ સ્ત્રીનું રૂપ ગર્ભાવસ્થાના લીધે અત્યંત ખીલેલું લાગતું હતું. સોળે શણગાર સજેલી તે સાક્ષાત્ જોગમાયા લાગતી હતી. કોણ હશે? અહીં રહેતી હશે પહેલાં? પણ પોતાની આટલી સુંદર યાદ કેવી રીતે ભૂલી ગઈ? લેવાનું યાદ પણ નહીં આવ્યું હોય? મનમાં ચાલતા સવાલો વચ્ચે બારણું ખખડ્યું. “પારૂલબેન, બેસો, હું ચા મુકું અને છોકરાવ માટે નાસ્તો લેતી આવું.” પાછી આવી ત્યારે આલ્બમ તેમના હાથમાં હતું અને તે ફોટાને એ રીતે પસવારતાં હતાં. જાણે તેને વ્હાલ કરતાં હોય. સાથે તેમની આંખોના ખૂણા પણ ભરાઈ ગયેલા જોયા. “કોણ છે આ? કેટલી દેખાવડી છે ને? બોલો, કોઈ પોતાની આટલી સુંદર યાદ ભૂલી જઈ શકે? તમે ઓળખતાં હોવ ને નંબર હોય તો કહો કે આલ્બમ સાચવીને રાખ્યાં છે. લઈ જાવ.” હું એક શ્વાસે બોલી ગઈ. પછી ધ્યાન ગયું કે પારૂલબેનની આંખોને ફોટામાંની આંખોએ મજબૂતાઈથી પકડી રાખેલી. મેં રીતસર ગોઠણ હલાવ્યો ત્યારે તેઓએ કહ્યું કે, “હા! આ સીમા. ખૂબ દેખાવડી, ભણેલી અને સ્વભાવે ખૂબ મળતાવડી. તે પરણીને સીધી અહીં જ રહેવા આવેલી. કાયમ હસતી, ખીલેલી રહેતી. મને પારુદીદી કહેતી. ઓફિસથી આવે એટલે સીધી અહીં. આદિને રમાડવા. પછી કહે ચાલો દીદી ચા પીએ, હિંચકતા હિંચકતા. સાથે આજે ગુલાબનો છોડ પણ વાવવો છે. ફૂલો, વેલ, છોડ વગેરેની શોખીન હતી. આ આખું આંગણું તો રાતે રાતરાણીની ખુશ્બૂથી મહેકતું. તેના લવ મેરેજ હતા. તેનામાં ન ગમવા જેવું તો કશું જ નહોતું, પરંતુ તે દીકરાની પસંદગી હતી, તેથી તેનાં સાસુ સસરાને તે જરાય પસંદ નહોતી. ક-મને બેઉનાં લગ્ન તો કરવી દીધા પણ બીજા જ દિવસથી જુદા રહેવા ચાલી જવું એ શરતે. જયે પણ તેમની ઇચ્છાને માન આપીને અહીં સીમા સાથે લગ્નજીવન શરૂ કર્યું. એ બેઉને જોઈએ તો મેડ ફોર ઇચ અધર લાગે હો ધારાબેન!” “ધારા, મને એકલું ધારા જ કહો ને... મને ગમશે, પ્લીઝ...” તેમણે ‘ઓકે’ કહીને વાતને આગળ વધારી. “વારે તહેવારે જય અને સીમા તેનાં સાસુ સસરાને મળવા જતાં. પણ ત્યાંથી આવે ત્યારે સીમા ખૂબ દુઃખી અને મુરઝાયેલી રહેતી. એ જેટલા દિવસ દુઃખી રહેતી, તેનાં ફૂલો પણ જાણે હસવાનું અને ખીલવાનું ભૂલી જતાં. મારી જેમ તેના નાનકડા ખીલવેલા બાગને પણ તેની માયા બંધાઈ ગઈ હતી. કદાચ સાસુ સસરાનું તેને ન સ્વીકારવું અથવા તિરસ્કાર તેનાથી સહન ન થતો. હું ઘણી વાર કહેતી કે શું કામ જાય છે, તો તરત કહેતી, “દીદી, જયને એનાં મા બાપને, ભાઈને મળવાનું મન ન થાય? અને એ કહે કે જશું તો સાથે, એકલો નહીં.” સાંભળીને સારું લાગે છે કે તે ઇચ્છે છે કે તેઓ મને જય સાથે સ્વીકારે.” અમારી વાતો ચાલતી હતી ત્યાં ઈશાનનો ફોન આવ્યો. તેને સાંજે ઑફિસથી આવતાં મોડું થવાનું હતું. આ તો દરદીને જોઈતું’તું ને વૈદે બતાવ્યું - એના જેવો ઘાટ થયો. હું આ વાતોના દોરને અટકાવવા નહોતી માંગતી. છોકરાંવ એમની મસ્તીમાં ઘડીક ફળિયામાં, તો ઘડીક ઓસરીમાં આવ-જા કરતાં હતાં. મારે આજે આ આલ્બમમાં રહેલાં દરેક પાત્રથી રૂબરૂ થવું હતું. એ સુંદર સ્ત્રીની આંખોમાં રહેલાં સુખ દુઃખના દરેક પાનાને વાંચવાં હતાં. મેં જોયું કે પારૂલબેન બીજો આલ્બમ હાથમાં લઈને ખોલી રહ્યાં હતાં. મેં પણ લગોલગ જઈને ડોકી ઊંચી કરી, તેમણે કહ્યું, “આ જો ધારા, સીમાના પપ્પા અને તેમના ખભે નાનકડી સીમા. આ તેના પપ્પા સાથે તેનો આખરી ફોટો છે.” “હેં? આખરી કેવી રીતે હોઈ શકે? ફોટામાં સીમા માંડ પાંચેકની હશે.” મેં ન રહેવાતા વચ્ચે જ તેમને ટોક્યાં. “હા, નસીબને કોસતાં સીમાનાં મમ્મી ઘણી વખત મારી પાસે હૈયાવરાળ ઠાલવી જતાં. એ કહેતાં, ‘બેન, જિંદગીએ ન જોવાના દિવસો દેખાડ્યા. આ સીમા મારો એક જ સધિયારો છે. એના પપ્પાને કોણ જાણે હું દુઃખ થયું તી અમારી મેડીએથી પડતું મેલ્યું’તું. સીમા પાંચ વરહની હશે. દિવસો જાતા વાર લાગે? સીમા હવે પરણી ગઈ તે ખુશ છે. બસ તેના સાસુ સસરા હરખું બોલાવતા નથી તો જીવ બળે ક્યારેક. પણ એક વાત ખરી હો બેન, તમારી વાતું કરે ફોનમાં. પારુદીદી મને આ દઈ જાય, તે ખવડાવે. માયરા હારું વસ્તુ લાવે. તમારો સાથ બઉ એને.’ ‘અરે માસી, શું તમે પણ? એ મારી નાની બેન જેવી છે. તમે નાહક એની ચિંતા કરો છો. હું છું ને. તમે નિરાંતે રહો. આવતા જતા રહેજો.’ મેં પારૂલબેનને વળી અટકાવ્યાં, ‘હેં? માયરા, મતલબ સીમા અને જયની દીકરી?’ “હાસ્તો વળી... એ જ રૂમઝૂમ જોગમાયા જેવી. અદલ નાની સીમા જ જોઈ લે. સીમાને લગ્નના ત્રણેક વર્ષે સારા દિવસો રહેલા. એણે સૌથી પહેલા મને કહેલું. કેટલી ખુશ હતી એ તે દિવસે. પછી તો જે રૂપ ખીલેલું તેનું. સાતમા મહિને તેના ચહેરા પર વિષાદ જોઈને મેં પૂછેલું કે કેમ દુઃખી છે? ત્યારે તેણે નવા લાવેલા પારિજાતના છોડને સરખો કરતાં કહેલું, ‘દીદી, મારો ખોળો ભરવાનો છે. મમ્મી પપ્પાએ કહ્યું કે જે કરવું હોય તે કરો હાજરી આપી દઈશું.’ ‘હા, તો ગભરાવાની શું વાત છે. હું ને તારો જય છીએ ને. બધી તૈયારી કરી લઈશું. અહીં તારા ગમતા ફળિયામાં સરસ મંડપ બાંધશું અને આ જો, તારા પ્રિય હીંચકાને પણ ગલગોટાનાં ફૂલોથી સજાવશું. અને આ શું માટી અને તારાં કૂંડાં લઈને બેસી ગઈ છે? તારે હવે બઉ વાંકું ન વળવું.’ તેણે હસીને કહેલું, ‘આ લોકો સાથે વાત ન કરું, સ્પર્શ ન કરું તો નારાજ થઈ જાય છે.’ અને પારુલબેને મને આલ્બમમાંથી હીંચકા ઉપર સોળે શણગાર સજેલી, માતૃત્વના આંગણે ઊભેલી સીમા બતાવી. અરે, આ જ ફોટો તો મેં પહેલી વાર જોયેલો. જેનાં રૂપ અને આંખોએ મને તેને નિરખવા મજબૂર કરેલી. મેં આલ્બમ પારુલબેન તરફ સરકાવીને પૂછ્યું, “તો તેઓ ઘર છોડીને કેમ ચાલ્યા ગયા?” મારા સવાલથી તેમના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ. કદાચ સીમાની એટલી માયા હશે કે તેમને ઘર છોડીને ગયા એ ગમ્યું નહીં હોય. તેઓ એકીટશે ફળિયા સામું જોઈ રહેલાં. મેં ફરી પૂછ્યું, “શું થયું?” “અરે એ દિવસ યાદ આવી ગયો. આ અહીં ફળિયાની વચોવચ તેને બાજોઠ પર બેસાડેલી. તેનો આ નાનકડો બાગ પણ તેની જેમ ખીલી ગયેલો. આ ગુલાબ, મોગરો, ચંપો અને તેનાં પ્રિય પારિજાત. તેના ખોળામાં શ્રીફળ મૂકેલું અને મેં જ ખોળો પુરેલો. પછી તો પૂરા નવ મહિને તેણે સુંદર ઢીંગલીને જન્મ આપ્યો. બસ, પછી દિવસ ફર્યા. જે જય સીમાને પગ પણ નીચે નહોતો મૂકવા દેતો, એ નોકરી મૂકીને ઘરે બેસી ગયો. નવો ધંધો શરૂ કરવાના ખોટા નિર્ણયને લીધે સીમાની બધી બચત ખર્ચી નાખી. સીમા બાળક સાથે ઘરની આર્થિક જવાબદારીના બોજ નીચે દબાતી ચાલી. ઘરે ઓછું આવતી. ખૂબ ઓછું બોલતી. સાવ નિરસ થઈ ગઈ. તેનાં ફૂલો પણ કરમાતાં ચાલ્યાં. હવે એકેય કૂંડાં તરફ એ નજર પણ ન નાંખતી. માયરા સાથે હોય ત્યારે જ હું તેને ખુશ જોતી. ન છૂટકે પોતાની દીકરીને આયા પાસે રાખવાને લીધે તે સતત અપરાધભાવની લાગણી અનુભવવા લાગી. બંને વચ્ચે ખૂબ ઝગડા થતા. તેમના આવજો ઘર સુધી આવતા. હું ઘણી વાર માયરાને અહીં લઈ આવતી. સીમા રોયેલા મોઢે ચૂપચાપ આવીને તેને લઈ જતી. હું કહેતી કે તું તારી મમ્મીને ઘરે ચાલી જા અથવા એમને અહીં બોલાવી લે. પણ એ પોતાની મા સાથે પોતાનું દર્દ પણ ન વહેંચી શકી. દિવાળીની રાત હતી. મને હજુ યાદ છે. સીમાએ આ આંગણામાં એટલી સરસ રંગોળી બનાવેલી. એક એક રંગને તેણે બખૂબી ન્યાય આપેલો. મોરલા તો એવા બનાવેલા કે જાણે હમણાં ટહુકો કરશે. બધું ભૂલીને એક નવી શરૂઆત કરવા સીમા પૂરી તૈયાર હતી. જય પણ માયરાની સાથે રમવામાં મશગૂલ હતો. ઘડીક તેડતો તો ઘડીક હવામાં લઈને ફેરફુદરડી ફરતો. મને તો ઘડીક ત્રણેયની નજર ઉતારી લેવાનું મન થઈ આવ્યું. મને હાશ થઈ. બીજા દિવસે ફરી કંકાસ. જય કોઈ પાસે ઉધારી કરી આવેલો અને એ માણસ સાંજે ઘેર ઉઘરાણી માટે આવીને ગાળાગાળી કરી ગયેલો. તેને લઈને સીમા ખૂબ દુઃખી હતી. અને એના ગયા પછી બોલાચાલીમાં જયે ગુસ્સામાં સીમા પર હાથ ઉપાડી લીધો. સીમા અંદરથી સાવ ભાંગી પડી. એ દિવસે મારું ધ્યાન ગયું કે તેનો પ્રિય પારિજાતનો છોડ સાવ બળી ગયેલો. ઘણી વાર વ્યક્તિ એટલું દુઃખી હોય કે તેને તોડવા એક નાનો એવો ઘસરકોય ઘણો થઈ પડે. સીમા એ દિવસથી સાવ સુનમુન બની ગયેલી. ઑફિસમાં તહેવારોને લીધે રજાઓ હતી. ભાઈબીજના દિવસે અચાનક જય મારા ઘરની બેલ ઉપર બેલ વગાડવા લાગ્યો. મેં પૂછ્યું તો કહે, જલ્દી ચાલો. આ અડિયલ સીમાને સમજાવો. જ્યારે ગુસ્સો આવે એટલે બારણું નથી ખોલતી. આ માયરા રડે છે તો સંભળાતું નહીં હોય? હું તેની સાથે ઉતાવળે ભાગી. અમે બંનેએ ખૂબ દરવાજો ખખડાવ્યો તોય તેણે ખોલ્યો નહીં. તે ઘણી વાર આવું કરતી. મેં કહ્યુ, “થોડી વાર બેસો, શાંત થશે એટલે ખોલશે.” પણ આજે એ સાવ સુનમુન હતી. બાકી ગુસ્સો હોય તોય હોંકારો ભણતી, “કે નહીં ખોલું, બહાર સૂઈ રે.” વગેરે. મને ચિંતા થઈ. મેં કહ્યુ, પાછળની બારી ખોલીને જોઈએ. અમે બારીને જોરથી ધક્કો માર્યો અને અંદરનું દૃશ્ય જોઈને મારી ચીસ નીકળી ગઈ.” પારુલબેન મારા બેડરૂમમાંથી આવતા પંખાના કિચૂડ કિચૂડ અવાજ સામે જોઈ રહ્યા. હું જડ મૂરત બની ગઈ. જતાં જતાં તેઓ મને છેક ફળિયે ખેંચી ગયાં ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. તેઓ મહાપ્રયત્ને એટલું જ બોલી શક્યાં કે, “સીમાને જ્યારે લઈ જતા હતા ત્યારે તેની કરેલી રંગોળીના રંગો અકબંધ હતા.” એ દિવસે હૈયું એટલું ભરાઈ આવ્યું કે, એ આલ્બમની અજાણી વ્યક્તિ માટે હું શોકમગ્ન બની ગઈ. બીજા દિવસે પારૂલબેન સ્વસ્થ હતાં. મારાથી ન રહેવાતાં પૂછાઈ ગયું, “માયરા અને જય?” તેમણે કહ્યું “સીમા સાથે સીમાના પ્રેમને પણ વિદાઈ આપીને એક જ વર્ષમાં તેણે બીજા લગ્ન કરી લીધા અને વૃદ્ધત્વના આરે ઊભેલાં માયરાનાં નાની, બીજી સીમાને ઉછેરી રહ્યાં છે.”