નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊલટી
હેતલ મહેતા
હમણાં થોડા દિવસથી ઘરનું વાતાવરણ સાવ શાંત હતું. દીવાલો પરનાં બોલતાં ચિત્રો મૂંગાં થઈ ગયાં હતાં. ફ્લાવર વાઝનાં ફૂલો નિસ્તેજ ભાસતાં હતાં. રૂમનો પંખો પાખિયાં ગણી શકાય એવી રીતે ચોવીસ કલાક સતત ફરતો રહેતો હતો. ગતિ પરથી લાગે જાણે માંદો પડ્યો હોય! હંમેશાં ગાજતું રહેતું ટીવી મોં પર આંગળી ધરી ચૂપચાપ પડ્યું રહ્યું હતું. હા...! ઘરમાં કો’ક છે, એવો અનુભવ કરાવતો હોય તેવો તે એક જ હતો : મોબાઇલ. જે હમણાંથી સતત રણક્યા કરતો હતો, પણ છેલ્લા બે દિવસથી તેને મોઢે તાળું મારી બેઠકખંડના એક ખૂણામાં તેને પરાણે સુવડાવી દેવામાં આવ્યો હતો. તે ઘડીઘડી ધ્રુજતો રહેતો, પરંતુ તેની તરફ જોઈ નજર ફેરવી લેવામાં આવતી. તેના તરફ શા માટે આવું દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે તે વાતથી તે અજાણ હતો. હમણાંથી બારીઓના કાન બંધ હતા અને બારણું લજામણીની માફક ખૂલતું અને પાછું બંધ થઈ જતું હતું. "હા! હા! આવ્યો!" બે દિવસથી એક પણ હરફ ન ઉચ્ચારનાર નવનીતરાયના મુખેથી અચાનક શબ્દો સરી પડતાં તેની પત્ની કંચને આનંદ સાથે આશ્ચર્ય અનુભવ્યું. "અરે! ક્યાં જવું છે?" "જોને! મને બોલાવે છે!" નવનીતરાય ડોળા ફાડી છત તરફ જોઈ રહ્યા. કંચનને ફડક પેઠી. શરીર અસ્વસ્થ તો હતું જ. હવે મગજ પણ એ રસ્તે જઈ રહ્યું છે કે શું? તેણે પણ ઊંચે નજર કરી. "કોણ બોલાવે છે તમને? અહીંયાં તો કોઈ નથી." "આ ઝણ... ઝણ... ઝણ... અવાજ નથી સંભળાતો તને?" કંચનને કપાળે કરચલીઓ પડી. ધબકારાની ગતિ વધી પડી. તેણે સાંભળ્યું હતું કે માણસને છેલ્લી ઘડીએ ઘણી વાર ઘંટડીઓનો રણકાર સંભળાય છે. મતલબ કે જવાનો સમય આવી પહોંચ્યો કે શું? તેનું હૈયું હાલકડોલક થવા લાગ્યું. "આવું શું બોલો છો તમે? મને કાંઈ સમજાતું નથી. ગરમી લાગે છે? પંખો વધારું? પાણી પીવું છે?" એકીટસે પતિની સામે જોઈ રહેલી કંચને નવનીતરાયના માથે હાથ મૂક્યો. માથું થોડું ગરમ હતું. તે નીચી નજર કરી તેની સામું જોઈ રહી, પણ નવનીતરાયની નજર ક્યાંય ઊંચે ચઢેલી હતી. છતની પેલે પાર... છેલ્લાં પંચાવન વર્ષના સહજીવનમાં કંચનને નવનીતરાય તરફની કોઈ ફરિયાદ નહોતી, વળી ઓછાબોલા નવનીતરાયને ગૃહસ્થીમાં કદી કોઈ પ્રશ્ન નહોતો. બેયનું સુખી જીવન. સંતાનમાં બે દીકરીઓ. દીકરો ન હોવાનો કોઈ વાર કંચનના મુખે વલોપાત થયો હશે! પણ, શિક્ષિત નવનીતરાય હંમેશાં તેને દીકરી-દીકરો સમાન ગણવા સમજાવી લેતા. બેયનું સાદું ને સરળ જીવન. કંચને સપનામાં પણ વિચાર્યું નહોતું કે નવનીતરાય કદી આવી રીતે માંદા પડી જશે! જોકે, નરમ-ગરમ રહેતી પોતાની તબિયતને લીધે આવી માંદગી પોતાને ચોક્કસ આવી શકે એવું એણે ઘણી વાર વિચારેલું. "હા! હા! આવ્યો..." નવનીતરાય નાના છોકરાની જેમ જાણે જીદે ચઢ્યા હોય તેમ બોલી ઊઠ્યા. કંચનની ચિંતા વધી. થોડી અકળાતાં તે બોલી પડી, "ત્યાં કોઈ નથી. ઊંઘી જજો તમે.” "છેને! જો, જો, તને દેખાય છે?" કંચને ખાલી તેમનું મન રાખવા ફરી ઊંચે નજર કરી. "કોણ છે? કહેજો મને." "દેવકુંવર!" ખટ... ખટ... ખટ... કરતો થાકેલો પંખો અચાનક બંધ પડી ગયો. રૂમમાં ઉકળાટ વધ્યો. મૂંઝારો થવા લાગ્યો. કંચનના રોમેરોમમાં એક અજાણ્યો પ્રશ્ન રક્તની પેઠે વહેવા લાગ્યો. ચહેરા પરની ચિંતાની રેખાઓ પળવારમાં અણગમામાં ફેરવાઈ ગઈ. એક કડવા ઓડકારે આખું મન કડવું ઝેર જેવું કરી નાખ્યું. "આજે આટલાં વર્ષે! આજ સુધી દેવકુંવરની કોઈ વાતચીત નહિ ને આજે અચાનક એનું નામ! હવે છે...ક રહીરહીને! આયખાના ઉંબરે! પંચોતેર વટાવ્યા બાદ આવી ઘેલછા શા માટે? તેમને છેલ્લી ઘડીએ હું યાદ ના આવી ને દેવકુંવર તેમના હૈયે આવી! અરરર! અમારાં પંચાવન વર્ષોના સહજીવનનું પરિણામ મને આ જ મળવાનું હતું? એમના માટે કરેલાં વ્રત-ઉપવાસનું આ ફળ! હું તેમના ઘરના ઉંબરા પર સાથિયા કરીને રાજી થતી રહી અને તેમના ઉરના ઉંબરે તો મારા નામની એકેય રેખા નથી! તેમના કાળજાના કમાડ પર તો દેવકુંવરનું નામ છે. તેમના આખા હૈયાના સામ્રાજ્ય પર તો દેવકુંવરનો વાસ છે. તો પછી આજ સુધી મારી સાથે જે જતાવ્યું એ શું હતું? પ્રેમ તો નહિ જ હોય! તો... તો એ તો છેતરામણી. મારી સાથે કપટ થયું એમ જ કહેવાય ને? તેમની આંખોમાં દેવકુંવર વસતી હતી ને મેં એમના સિવાય કોઈનાં સપનાં જોયાં નહિ. હાય! હાય! મારી આંખો બંધ હતી કે છતી આંખે હું આંધળી હતી? મને આજ સુધી એમના મનની કાંઈ ખબર ના પડી!” એક પ્રશ્નાર્થભરી નજરે તે પતિ સામું જોઈ રહી. આંખો છલોછલ થઈ ઊઠી. તેનાથી બેઠું રહેવાયું નહિ. તે પાલવથી આંખો લૂછતી રૂમમાંથી બહાર નીકળી. ત્યાં પિતાની ખબર લેવા નાની દીકરી આવી ચઢી. "કેટલા ફોન કર્યા! ઘડીમાં ફોન લાગતો નથી ને લાગે તો કોઈ ઉપાડતું નથી." માતા સામે નજર પડતાં અવાજ ધીમો થઈ ગયો. "શું થયું, મમ્મી?" "અરે! હમણાં તો વાઘ જેવી હતી ને પાછી... જો મમ્મી! હવે ઢીલાં પડે નહિ ચાલે. ડોક્ટરે જે છે, તે જણાવી દીધું છે. જે છે એ સ્વીકાર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય જ ક્યાં છે? તારે હિંમત રાખવી પડશે. તું હિંમત હારી જઈશ તો પપ્પા પણ..." રસોડામાંથી બહાર નીકળતી મોટી દીકરીએ માતાને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, કંચનની આંખોમાં નવનીતરાયે મીઠું ભેળવ્યું હતું. આંખોમાં બળતરા વધી. તેની ખારાશ કોણ જાણી શકે? દીકરીઓને કેમ કરીને કહેવું કે તારા પપ્પાને મારા કરતાં દેવકુંવર વહાલી છે. ઉંમર નાની હોય તોય ઠીક... પણ છેક છેલ્લી ઘડીએ... વળી, દીકરીઓ પણ ચાલીસી વટાવી ચૂકેલી. પોતાના પિતા વિશે જાણી શું વિચારશે? કંચનની પાસે દુઃખને દાબ્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આમ તો કંચન હમણાંથી આખો દિવસ નવનીતરાય પાસે બેસી રહેતી. તેમની રજેરજની નજર રાખતી. તેમની ચાકરીમાં કોઈ કમી નહોતી રાખી, પણ આજે એ રૂમમાં જતાં તેના પગ પાછા પડતા હતા. તે બહારની રૂમમાં બેસી રહી. એકલા પડેલા નવનીતરાયના અર્ધજાગૃત મનમાં વર્ષો પહેલાંનું એક મીઠું સંભારણું ઊપસી આવ્યું.
***
નાનપણથી શહેરમાં ઊછરેલા નવનીતરાયના લગ્ન માટે તેમની માએ ગામડાની છોકરી લાવવાનું નક્કી કરી નાખ્યું હતું. નવનીતરાય ભણેલા ને શાળામાં શિક્ષક. ઉંમર હશે સત્તર- અઢાર. તેમની ઇચ્છા પણ એવી કે છોકરી ભણેલી હોય. માતા પાસેથી જાણવા મળ્યું હતું કે છોકરી સાત ચોપડી પાસ છે. પણ, ગામડાની છોકરી...! એ વિચારે એમનું મન પાછું પડતું હતું. છતાં, મર્યાદાને લીધે કહી શક્યા નહિ. મા સાથે તેઓ કોઈ પ્રસંગે ગામડે ગયા. છોકરી બતાવવાના બહાને એમનાં મા એમને એ ઘરે લઈ ગયાં. નવનીતરાય ઓસરીમાં ઢાળેલા ઢોલિયા પર બેઠા છે. નજરો નીચી ઢળેલી છે. શરમથી ઊંચું જોવાતું નથી. ત્યાં ઓરડામાંથી ઝણ... ઝણ... ઝણ... કરતો અવાજ આવ્યો. ચાંદીની ઝાંઝરી પહેરેલા માંસલ પગ નીચી નજરે પડ્યા. એમાં જ અડધા મોહી પડ્યા. ચહેરો જોવા માથું ઊંચકાયું, ત્યાં ગુલાબી હોઠમાંથી દાડમડી જેવા દાંત ચમકી ઊઠ્યા. "મે’માન, આવો!" હોઠ ખૂલ્યા ને તરત બિડાઈ ગયા. ફૂલગુલાબી હોઠથી દૃષ્ટિ આગળ વધે એ પહેલાં ઝણ... ઝણ... ઝણ... કરતો ધ્વનિ પાછો ધીમે ધીમે શાંત થઈ ગયો. હજી તો નવનીતરાય ચહેરો જુએ ત્યાં એ આકૃતિ ઓરડામાં અલોપ થઈ ગઈ. પણ, તેમના હૈયે ઝાંઝરીવાળા પગે પગલાં પાડ્યાં. કાનમાં પેલો મધુર સ્વર ગુંજી રહ્યો... ‘મે’માન આવો!’ ઓછાબોલા નવનીતરાયના ગાલ લાલચોળ થઈ ગયા હતા ને હોઠ પણ અજાણતાં જ મરકી ઊઠ્યા. માએ પૂછવાની જરૂર ના પડી. નવનીતરાયની ‘હા’ તેમના ચહેરા પરથી પરખાઈ આવી. સંબંધ નક્કી થઈ ગયો. એકાદ માસ વીત્યો હશે ને નવનીતરાયે પોતાની લાગણીઓને શાહીથી કાગળ પર ઉતારી. પત્ર નાખવા જતા જ હતા ને ટપાલી સામે મળ્યો. દેવકુંવરના ઘરેથી ટપાલ હતી. લખ્યું હતું : દેવકુંવરને કમળી થતાં મૃત્યુ પામી છે. નવનીતરાયના આંખેથી આંસુ ના ખર્યાં, પણ તેમની કાગળની શાહી રેલાઈ ગઈ. ગડી વાળીને કાગળ શર્ટના ગજવામાં સેરવી દીધો. ચહેરો તો બરાબર યાદ પણ નહોતો. યાદ હતા તો પેલા ઝણ... ઝણ... કરતા ઝાંઝરીવાળા પગ ને હોઠેથી સરેલો આવકાર... ‘મે’માન આવો!’ બસ..! આ બે મીઠાં સંભારણાંને હૃદયની હાટડીમાં બંધ કરી દીધાં ને તેનાં પર મૌનનું તાળું વાખી દીધું. પરંતુ માતાની ઇચ્છા એ જ કુટુંબની દીકરી લાવવાની હતી. આથી, તેમના લગ્ન દેવકુંવરની કાકાની દીકરી કંચન સાથે કરી દેવામાં આવ્યા. કંચન સાવ અભણ. છતાં, નવનીતરાય તરફથી કોઈ આનાકાની થઈ નહોતી. તેમણે માની ઇચ્છાને માન્ય રાખી કંચન સાથેના સગપણને મંજૂરી આપી દીધી હતી.
***
આમ તો આખો દિવસ પતિની પાસે બેસી રહેતી કંચન આજે દેવકુંવરનું નામ સાંભળી પોતાના નસીબને કોસી રહી હતી. સવારથી નવનીતરાયનો "હા, આવ્યો. હા, આવ્યો."નો બકવાટ હજી શરૂ જ હતો. છેવટે કંચન અને બેય દીકરીઓ નવનીતરાયની પાસે બેઠાં. કંચન દીકરીઓથી વાત છુપાવવા માગતી હતી, છતાં વાત છતી થઈ જાય એમ હતી. થયું પણ એવું જ... ફરી નવનીતરાયના મુખે દેવકુંવરનું નામ ચઢી આવ્યું. "મમ્મી! આ દેવકુંવર કોણ છે?" કંચનને મૂંઝારો થયો. તે રૂમ બહાર દોડી ગઈ. મોટી દીકરી પણ એની પાછળ બહાર આવી. કંચનને એક ઊબકો આવ્યો. તેને દબાવી રાખવો તેના હાથમાં નહોતો. બધી વાત છતી થઈ ગઈ. મૂંઝારો ઓછો થયો, પણ છાતીમાં બળતરા વધી. તેનાથી એક ડૂસકું નીકળી ગયું. પછી પતિને મન તેની કોઈ કિંમત નથી એમ જાણી તે ડૂંસકાં ભરતી રોવા બેઠી. કમને દીકરીને બધી વાત જણાવવી પડી. “આજ સુધી મને એવું નહોતું લાગ્યું કે હું અભણ છું, પણ આજે લાગે છે કે ખરેખર હું અભણ જ છું કે તારા પપ્પાના મનને વાંચી ના શકી. આજે છેલ્લી ઘડીએ તેમના મોઢે મારું નહિ, પણ દેવકુંવરનું નામ છે. મતલબ કે એમના જીવનમાં મારું કોઈ મહત્ત્વ જ નથી.” "મમ્મી, તું આવું મન પર ના લઈશ. તું એમ તો વિચાર કે પપ્પાને મનમાં દેવકુંવર કેવાં વસી ગયાં હશે! છતાં તેમણે આજ દિન સુધી તને કદી એ બાબતે જણાવ્યું નહિ. કેમ ખબર છે? કેમ કે તું દુઃખી ના થાય એટલે. તેમણે આખી જિંદગી મનની વાત કેટલી દબાવી રાખી હશે! તે તને કહી પણ શકતા હતા, કેમ કે દેવકુંવર ક્યાં જીવતાં હતાં કે તારે કોઈ ચિંતાનું કારણ હતું? આ બાબતે તારી સાથે કોઈ અન્યાય થયો હોય તો કહે. છતાં તારા પ્રત્યેનો એમનો પ્રેમ અનન્ય છે, મમ્મી. તું આ વાત જાણી દુઃખી થઈશ એમ વિચારી તેમણે આજ સુધી કોઈ વાત કરી નથી. હવે તેમની માનસિક સ્થિતિ સારી નથી ત્યારે એમને સમજવાની આપણી ફરજ છે. આજ સુધી હૈયામાં ધરબી રાખેલી વાત આજ એમણે કહી છે, એ તને દુઃખી કરવા નથી કહી, અનાયાસે કહેવાઈ ગઈ છે. એને તારે મોટું મન રાખી સ્વીકારવી જોઈએ.” “તું કહે છે પણ...! જોને, તારા પપ્પા આખી જિંદગીમાં મને ક્યાંયે બહાર ફરવા લઈ ગયા? કદી મારાં વખાણ તેમના મોઢે સાંભળ્યાં? કે...” ત્યાં જ કંચનને ઊલટી શરૂ થઈ. દીકરી માનો વાંસો પસવારતી રહી. “હવે કેમ લાગે છે, મમ્મી?” દીકરીએ પ્રશ્ન કર્યો. “સારું બેટા.” “મમ્મી, તને યાદ આવે છે કે પપ્પા ક્યારેય ક્યાંય પ્રવાસમાં કે જાત્રાએ ગયા હોય?” “તમારાં બંનેના જન્મ પહેલાં લગભગ અમે બંને એક વાર ગયાં હતાં. પછી ..” કંચને ઘણું વિચાર્યું પણ કંઈ યાદ ના આવ્યું. “મમ્મી, અમારા જન્મ બાદ તારી તબિયત કદી સારી ના રહી. એટલે પપ્પા પણ કદી ફરવા ગયા નહિ. શાળામાંથી આટલા પ્રવાસ થયા તોય, કદી નહીં..! તારાં વખાણ નહિ કર્યાં હોય, તો કોઈ ફરિયાદ પણ ક્યાં કરી છે? મમ્મી, આ પેટ પણ ખોટો ખોરાક રાખતું નથી. જોયું ને? તું પણ તારા ખોટા વિચારોની ઊલટી કરી દે.” દીકરીની સમજદારીભરી અને લાગણીશીલ વાતોથી છાતીની બળતરા ઓછી થઈ. તેના હૈયે શાતા અનુભવી. પતિએ એની સાથે અન્યાય કર્યો છે, એ દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. જાણે પોતે પાપ કરતાં બચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેણે બે હાથ જોડી ઈશ્વરની માફી માગી. બેય મા-દીકરી પાછાં નવનીતરાયની રૂમમાં ગયાં. નવનીતરાયનો બકવાટ હજી શરૂ જ હતો. "એ હા, આવ્યો!" તેમની ફાટેલી આંખો છત તરફ જોઈ રહી હતી. તેમણે બે હાથ લંબાવ્યા. "એ હા, હા, આવ્યો!" દીકરીઓની આંખો ઊભરાણી. કંચનથી તેમનો વલોપાત સહન ના થયો. બોલી, "હા, જાઓ. શાંતિથી જાઓ." નવનીતરાયનું શરીર જરા ઊંચકાયું, હોઠ ખૂલ્યા, ઉફ્ફ... ધ્વનિ બહાર ફેંકાયો ને પછી શરીર શાંત પડી ગયું.
❖