નારીસંપદા : ટૂંકી વાર્તા/કિચૂડ કિચૂડ સાંકળ
તારિણી દેસાઈ
કિચૂડ કિચૂડ બોલતી સાંકળને હીંચકે ઝૂલતી આ વિધવા સ્ત્રી હીંચકે બેસીને પગથી હલસારા મારે છે, અને વાય છે અતીતનો પવન. સવારના ચાર વાગ્યાથી બેઠી છે કે ચારસો વાગ્યાથી કે ચાર હજાર વાગ્યાથી તે જ કોણ જાણે ! અંદર રસોડામાં જઈ હાથમાં ફણસી લઈ આવી હીંચકે બેસી સમારવા માંડે છે, પણ... કલાકોને હડસેલો મારી વમળમાં અટવાઈ જાય છે અને લઈ આવે છે રસોડામાં જઈ ભીંડા અને છરી... શી મજા છે... ચણાના લોટમાં ડોહેલી ભીંડાની કઢી અને બાજરાનો રોટલો ! કેટલી મજા આવતી વર્ષો પહેલાં ખાવાની ! રહેવા દો ફણસીનું શાક. હા બરાબર ! બાજુવાળી પેલી રમીલાને ભાવે છે પણ... આ સ્ત્રીને તો ભાવે છે ચણાના લોટમાં ડોહેલી ભીંડાની કઢી અને બાજરાનો રોટલો. કારણ કે, ચાળીસ વર્ષો એણે ગડીબંધ અને અકબંધ ગોઠવી રાખ્યાં છે આ કબાટ જેવા ઘરમાં. પેલી સામેવાળી રજનીના કબાટમાં ડૂચા મારેલી સાડીઓની જેમ નહીં જ અને એટલે જ જ્યારે જે વરસ જોઈએ છે ત્યારે તે કાઢી લે છે સંભાળીને. સવારના પહોરમાં જ ઝાડુ વાળીને પોતું મારી દે છે પોતે જ. કોઈ વળી ઘાટી શું સાફ કરતો તો ઘરને? એને ખબર છે કે રાત પડ્યા પછી સવાર પડે તે પહેલાં જ કદાચ વર્તમાન ઘરમાં પથરાઈ જશે તો? ને રાતની તિરાડમાંથી કદાચ વર્તમાન આવી ગયો હોય તો? અને પછી બેસી જાય છે નિરાંત જીવે – સવારે ચાર વાગ્યાથી કે ચારસો વાગ્યાથી કે – રોજ સવારે શાક માર્કેટમાં તો જવું જ પડે. ફણસી, વટાણા, રીંગણાં, ટામેટાં, ફુલાવર – બધું જ થેલીમાં લઈ આવે છે – શાકવાળો ‘તાજું તાજું શાક’ એમ બૂમ મારે છે એટલે... પણ પછી રસ્તામાં ચાલતાં ચાલતાં ઘરને પગથિયે આવતાં સુધીમાં અને ઘરમાં એક પગ મૂકતાંમાં જ ચાળીસમા વરસને ઘરના કબાટમાંથી કાઢી લે છે અને દોડીને જાય છે પાછી શાકમાર્કેટમાં અને થેલો ભરીને લઈ આવે છે ભીંડા. ચણાના લોટમાં ડોહેલી ભીંડાની કઢી, બાજરાનો રોટલો. અને હા... યાદ આવ્યું... મકાઈનાં થેપલાં અને કાકડીનું રાઈ ફીણેલું રાયતું. ઘરમાં પ્રવેશતાં જ કાંઈક જુદી જ વાસ અનુભવાય છે, ક્યાંય સૂંઘી ન હોય તેવી. બારી-બારણાંમાં ઘૂસવા વર્તમાનનો પવન બહારથી ધમાલ કર્યા કરે છે. અને એટલે જ ભીંત પર – ઑઈલ પેન્ટ, પ્લાસ્ટિક પેન્ટ, ઑઈલ બાઉન્ડ ડિસ્ટેમ્પર કે સાદો ચૂનો – એને આ વીસમી સદીમાં પણ સ્થાન નથી. ઉપરવાળાં સવિતાબહેન હંમેશ કહે છે : ‘બહેન ! જુઓને મારા પતિના ગયા પછી થોડાં વર્ષે અમે ઘરને રંગાવી ઑઈલ પેન્ટ કરાવ્યો જ.’ ઘરને સાફસૂફ તો કરવું જ જોઈએ. પણ સાફસૂફ કરવામાં કશુંક ચાલ્યું જશે તો? એટલે જ ભીંત પરનાં ધાબાં જ વાદળાંનાં રૂપમાં દેખાય છે અને એટલે બારી ખોલી આકાશનાં વાદળ જોવાની આ સ્ત્રીને જરૂર નથી. એણે ઉછેરેલા ઝાડને સ્મૃતિનું ખાતર નાખી કવિતારૂપે તેને જીવતું રાખે છે. અને એટલે જ એના ફેલાયેલા વૃક્ષનાં ફળને પકવે છે અને તેના પાકા ફળનો સ્વાદ પણ માણે છે. બધી સૌભાગ્યવંતી સ્ત્રીઓથી આ સ્ત્રી જરાયે જુદી નથી, કારણ કે આ સ્ત્રી પણ એણે ઉછેરેલા વૃક્ષને બાંધે છે શબ્દોના તાંતણે – વડને કાચા સૂતરના તાંતણાથી બાંધતી સૌભાગ્યવંતી સ્ત્રીની જેમ. કારણ એને ખબર છે કે એ ઝાડની માવજતથી જ સુભાગ્ય જળવાઈ રહેશે. અને એટલે જ પોતાની લાઇબ્રેરીના ઓરડામાં બધાં જ પુસ્તકો વારાફરતી ઊથલાવી દે છે અને જાતજાતના વિષયો કાઢી વિચારે છે અને મનન પણ કરી લે છે. પણ છેવટે વેદનાના રક્તમાં કલમને બોળીને લખે છે – મહાનિબંધ એક મનગમતા વિષય પર. તેથી એણે દર વર્ષે બદલાતા કૅલેન્ડરને બદલે અતીતનું જ કૅલેન્ડર રાખ્યું છે જે ક્યારેય બદલાતું નથી. કારણ કે, વર્ષો પહેલાં બનેલી વાતો એ હકીકત છે. વર્તમાન બદલાય, ભવિષ્ય બદલાય, પણ અતીત તો એવો ને એવો અકબંધ. એ ઇતિહાસ બની ગયો છે, ભૂગોળ બની ગયો છે, પણ ક્યારેય વિજ્ઞાન બની શક્યો નથી. કારણ, વિજ્ઞાનમાં તો ફેરફાર થતા જ રહે છે અને તે આ સ્ત્રીને માન્ય નથી. ક્યારેક સાંજે જાય છે લટાર મારવા. થોડીક કસરત, થોડીક તાજી હવા, થોડીક ગપસપ, થોડો વર્તમાનને મમળાવવા અને ત્યારે દૂર ક્ષિતિજ સુધી લંબાતા આકાશમાં પણ અતીતને લંબાવે છે. અને ત્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈ ગ્લાનિ અનુભવે છે. સૂર્યની હવે એને જરૂર નથી – ચાહે એ ઉદય પામે કે અસ્ત પામે. એનો સૂર્ય તો અનંત આકાશની પેલી ગમ બેઠો છે અને આ સ્ત્રી ગવાક્ષદીપને પેટાવીને બેઠી છે – સુશાન્ત, એકાન્તમાં, અને એટલે સૂર્યના અસ્ત કે ઉદયની પરવા કર્યા વગર તરત જ ઘેર આવી જાય છે. ‘ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ટ નોકરી’ના સિદ્ધાંતને આ સ્ત્રી સારી રીતે સમજે છે અને તેથી જ કરે છે ઉત્તમ ખેતી અતીતનાં ખેતરમાં. ખેતરને મનના હળથી ખેડીને એક ખેડૂતની માફક નાખ્યાં કરે છે સારું ખાતર – પુસ્તકોનાં થોથાંમાંથી અને એટલે જ ફળદ્રુપ જમીન હોય, સારું ખાતર હોય અને જમીન ખેડાતી હોય તો તો લીલાલહેર જ હોય ને? અને એટલે જ આ સ્ત્રી લીલાલહેર કરે છે. પોતાના વિચારોને વાતોથી ઉઘાડે છે, અને પછી પાછા બંધ કરી દે છે મગજની પેટીમાં, ક્યારેક એક ને એક વિચારથી સૂનમૂન બની હીંચકા ઉપર બેસે છે ત્યારે મનની સાંકળ ક્યારેક કિચૂડ કિચૂડ બોલી દે છે અને ત્યારે આંખમાંથી ટપકતાં આંસુને પાંપણના બ્રશથી સાફ કરી દે છે ત્યારે અતીત બરાબર ગળાઈને ચળાઈને બહાર પડી જાય છે. ત્યારે નાનાં નાનાં ભૂલકાંને જોવામાં પોતાનું ભવિષ્ય પણ જ્યોતિષીની માફક જોઈ લે છે. બાકી ભવિષ્યનું અસ્તિત્વ જ નથી એની આગળ. હા... છે કદાચ વર્તમાન એક પળ બે પળ માટે. બાકી તો – તરે છે, પડી છે, ઢળી છે, મરી છે, ડૂબી છે – વીતી ગયેલા સમયના કૂંડાળામાં કે ખાબોચિયામાં કે નદીમાં કે તળાવમાં કે સમુદ્રમાં કે મહાસાગરમાં કે પછી અનંતતામાં... કબાટ, સોફા, ટેબલ, ખુરશી, પડદો, ચાદર, પલંગપોસ કવર, ટેબલક્લૉથ, બધે જ – જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું જ દેખાય ! તેમ જ હા. હજી પણ સપ્તપદીનાં સ્તોત્રથી જીવનવેલને સંકોર્યા કરે છે જે દામ્પત્યનો સામમંત્ર છે. રસોડાના ગૅસને અગ્નિરૂપી સાક્ષી સમજી પગલાં ભર્યાં જ કરે છે, હસ્તમેળાપ વખતનાં, એને માટે કલાકો ક્યારેય અટકતા નથી, વર્ષો ક્યારેય વધતાં નથી અને ઋતુઓ ક્યારેય બદલાતી નથી. ક્યારેક મનનાં દ્વારને દીધેલ આગળો ખોલી નાખે છે, અને ત્યારે ભાવોની ભોગળો ખૂલી જાય છે અને અંતરનાં બંધનને તોડીને વેદનાનો વિપુલ વારિધિ ઊમટે છે. મન ઘડી ઘડી ઊભરાઈને ઢળી જાય છે ત્યારે કુંજખૂણે વાવેલું ચમરીનું ઝૂંડ સૂની એકલતાને ઢંઢોળે છે અને ત્યારે જોબન ઝોલાં ખાતી ગૃહવાટિકા, નૈઋત્ય દિશામાં ઝૂલી રહેલો જાંબુડો, બારણાંને બારસાખે રૂડેરી કમાન રચીને ઊભેલી વેલ, પર્ણડાળથી છવાયેલ કેસૂડો... સતત ચુંબનરવ સંભળાવ્યા જ કરે છે. પાણી ભરતી વખતે મનના કુંભમાં બધું જ વારાફરતી ભરતી જાય છે, અને પછી મનનું ઢાંકણું બંધ કરી દે છે. ખાલી કર્યા વગર પણ એના મનના કુંભમાં ક્યારેય પોરા પડતા નથી. જેનું જીવન રેતીમય રણ જેવું વેરાન છે, અને થોડાય તાપથી તપ્યા કરે છે એવા પ્રજ્વલિત અંગારથી અંતરને જેણે સીઝ્યું છે એ અંતર હવે નોંધપોથી બની ગયું છે. પતિની ત્વચાની ગંધ અને સ્પર્શ હજી પણ માણે છે, આ જ ઓરડામાં. પોતાના ઓરડામાં જિંદગીનાં વળાંકો અનુભવે છે. અને ક્યારેક આવી પહોંચે છે એક બિંદુ પર ને ત્યારે સ્મૃતિઓ પ્રકાશી ઊઠે છે, અને આ સ્ત્રી અતીતની કોરને સાંધી લે છે. ક્યારેક અંતરમાં ખડકલાઓ જ ખડક્યા કરે છે અને ત્યારે ઓચિંતાનું ઝાપટું મૂશળધાર બારે મેઘ ખાંગા થઈને વરસી પડે છે નયનોમાંથી. સમગ્ર ઘર જલજલાકાર થઈ જાય સ્મૃતિઓથી અને હેજ ઘૂંટી લેવાય છે કાલવીને. ત્યારે પણ ચચરાટ અનુભવે છે આ સ્ત્રી. સૂતરનાં કપડાં બગડે એ બીકે અને અતીતને ઊની આંચ પણ ના આવે એ ખાતરીએ સવારે કામ કરતાં કરતાં અતીતનાં જ વસ્ત્રો લપેટી ફર્યા કરે છે આમથી તેમ. જોકે, અતીતનો વંટોળ તો વિંઝાયો નથી કે નથી ફૂંકાયો પવન. પણ તો યે અતીત પથરાઈ ગયો છે બધે જ – કબાટ પર, ભીંત પર, પંખા પર, ખુરશી પર, ટેબલ પર, બધે જ. આ સ્ત્રીનાં ચશ્માંનો નંબર પણ માઈનસ બે કે ત્રણ કે ચાર નથી અને પ્લસ બે કે ત્રણ કે ચાર પણ નથી, પણ નંબર છે અતીત – બે કે ત્રણ કે ચાર નહીં પણ – ‘ચાળીસ’ ‘અતીત-ચાળીસ’ નંબરનાં ચશ્માં પહેરી જોયા કરે છે આખીયે વીસમી સદીને આ સ્ત્રી. એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરે છે ત્યારે કોઈ સ્ત્રી ફરે છે એમ લાગતું જ નથી. કારણ સ્ત્રી એ તો અકળ લીલા. કંઈ કેટલાયે વિચારોની આવનજાવન – ‘બાબો સ્કૂલમાં શું નાસ્તો લઈ જશે? બેબી ક્લાસમાં જતાં શું પહેરશે? એમને શું ભાવશે? પાડોશી કેવું ફ્રીઝ લાવ્યા? બાજુની છોકરી ભાગી ગઈ?’ પણ અહીં તો આ સ્ત્રીની આસપાસ છે ફક્ત અતીતની ભાગમ̖ભાગ, દોડમ̖દોડ...કૂદમ̖કૂદ... ધમાચકડી... ફેરફૂદરડી... અચકોમચકો... સાતતાળી... આંધળા પાટા... બાઈબાઈ ચાળણી... કિસકે ઘેર... ઉસકે ઘેર... નહીં ઈસકે ઘેર ઈસકે ઘેર... અરીસાના ચાર ખૂણામાં બાઈબાઈ ચાળણી, કરતાં કરતાં સદ્યસ્નાતા આ સ્ત્રીની કંકુની દાબડીમાં આંગળી પડી જાય છે. અને ત્યારે તરત જ ચાળીસેય વર્ષો અરીસામાં પરેડ કરી નીકળી પડે છે – એક, બે, ત્રણ, ચાર... દસ... વીસ... ત્રીસ... ચાળીસ ! અને... અને... અને...