નારીસંપદા : ટૂંકી વાર્તા/ક્રિસ્ટોફર

ક્રિસ્ટોફર

જયશ્રી પટેલ

સુંદર રૂપાળા ચહેરાવાળી, જાણે ગોડે તેને ઉપરથી જ મેકઅપ કરી મોકલી હતી. સુંદર ગુલાબી હોઠ, કાજળઘેરી આંખો ને નાક તો જાણે ચહેરા ઉપરની શાન. જાણે અપ્સરા. એક જ ખોટ હતી પગની..! કહેવાય છે કે એક રવિવારે ચર્ચમાંથી નીકળતા તેની માતા પગથિયું ચૂકી ગઈ હતી, ને ક્રિસ્ટોફર રોડ પર ફંગોળાઈ હતી ને જમણા પગ પર ગાડીનું પૈડું ફરી વળ્યું હતું. ત્યારથી ઘોડીને સહારે તે ચાલતી હતી. તે વાતને ચૌદ વર્ષ વીતી ગયાં. હાલ તે ઓગણીસ વર્ષની થઈ. પાંચ વર્ષની હતી ને આ બનાવ બન્યો હતો. માતા અનેક ડૉક્ટરોને મળી હતી. તેઓની ફી ક્યાંક મોંઘી હતી તો ક્યાંક કોઈ ડૉક્ટર નાઇલાજ થઈ જતા. ક્રિસ્ટોફર સમજી ગઈ હતી તેણે આમ જ જિંદગી વિતાવવાની  છે. તેથી હવે પ્રૌઢાવસ્થાએ પહોંચેલી માને કહી દીધું હતું કે, “મધર, હવે ચિંતા ન કર, મને ને મારી સાથે મોટી થયેલી મારી આ સાખીને કોઈ જુદા કરી નહિ શકે! મને પગનો મોહ નથી રહ્યો.” મધર પણ ફિક્કું હસી લેતી. કાંઈ જ ન બોલતી. આટલાં વર્ષમાં તેણે ક્યારેય તેના પિતા માટે પણ પ્રશ્ન કર્યો  નહોતો. એક વાર નાની હતી, સમજણી થઈ હતી ત્યારે તેણે પૂછ્યું હતું ને પોતે ફક્ત કહી દીધું હતું કે તે દરિયામાં કામે ગયો ને ત્યારબાદ કદી પાછો નથી ફર્યો. ત્યારપછી તેણે કદી નથી પૂછ્યું કે ફાધર ક્યારે આવશે કે તેમનું નામ શું હતું? માએ પિતાનો મોહ છોડી દીધો હતો તેને ખાતર પણ તે ફરી કદી કામ ને મોહમાં નહોતી ફસાઈ. મધર મેરીની જેમ પવિત્ર જીવન જીવતી હતી. પુત્રીમાં ભવિષ્ય જોતી હતી. ભણવામાં હોશિયાર હતી. બસ, હવે છેલ્લા છ મહિના જ બાકી હતા તેને દસમા પછી ડિપ્લોમા આર્કિટેક્ચર થવાને. તેની માની ઇચ્છા હતી કે તે ભણીને સારી નોકરી પર લાગી જાય તો તેની જેમ તેને દુ:ખ તો ન વેઠવા પડે. આજકાલ તે ચર્ચમાં વારંવાર જતી હતી. તેથી મધરે  કારણ પૂછ્યું તો ફક્ત ઉત્તર મળ્યો હતો – મને શાંતિ મળે છે. માના ચહેરા પર એક ચિંતાની લકીર ખેંચાઈ આવતી. તે ક્રિસ્ટોફરને સમજાવતી કે ભણવા સિવાય બીજે લક્ષ ન રાખે. એક રવિવારે બન્ને મધર-ડોટર પ્રેયર કરી બહાર નીકળ્યાં હતાં ત્યાં ફાધર વિલિયમ બહાર આવ્યા ને ક્રિસ્ટોફરને એક પુસ્તક આપ્યું. મા જુલિયાએ જોયું કે ક્રિસ્ટોફર બે મિનિટ માટે સહેમી ગઈ. અચાનક જ બોલી, “ફાધર, આ મારી મધર જુલિયા છે.” એકબીજાને ઔપચારિક રીતે મળી છૂટા પડ્યાં. ઘરે જઈ જુલિયા પર જાણે ચિંતાનો પહાડ તૂટી પડ્યો. તેને થયું, શું પુનરાવર્તન  થઈ રહ્યું છે! શું ક્રિસ્ટોફર ફરી જુલિયાની જેમ ફસાવાની છે? તે શાંત થઈ ગઈ. ઘરમાં પડેલા આ શૂન્યતાના ભયંકર વાતાવરણને હળવું કેવી રીતે બનાવવું? ક્રિસ્ટોફર સવારે ઊઠી તો મધર ઘરમાં નહોતી. તે કૉલેજ જવા નીકળી ગઈ. તેનું મન ત્યાં પણ ન લાગ્યું. વડા પાદરી આજે તો નજીકના ગામડે જવાના હતા. તેથી તે કૉલેજથી નીકળી ચર્ચ તરફ ગઈ. કન્ફેશન કરી રહી હતી સાથે તેની નજર ફાધર વિલિયમને શોધી રહી હતી. તેઓ પણ ન દેખાયા, ક્રિસ્ટોફર બહાર નીકળી હૉલમાં બેઠી કે ત્યાં જ મા જુલિયાને જોઈ. તે બન્નેની નજર મળતાં જ બન્ને જણાંને આશ્ચર્ય થયું. મધર તેને ચર્ચમાં અંદર લઈ ગઈ. મેરીના સ્ટેચ્યુ પાસે ઊભી રાખી ને કહ્યું, “માય સ્વીટ ડોટર, તારા ફાધર અહીં જ ક્યાંક ખોવાયા છે, હું પણ વર્ષોથી શોધી રહી છું, તને પણ કહું છું, તું પુનરાવર્તન ન કરીશ. અહીં સંતાનો મળે છે મેરીની જેમ. કુંવારી મધર બનીશ પણ એ સંતાનના પિતા નથી મળતા.” નાના ક્રોધની ઝલક તેના ચહેરાને લાલ કરી ગઈ. “તારી નજર કન્ફેશન કરતાં જેને શોધી રહી હતી તે હવે તને અહીં ક્યાંય નહિ મળે.” ક્રિસ્ટોફર બે ડગલાં પાછી પડી ગઈ. તેની નજર મધર મેરીની આંખો સામે જોતી રહી. તેના હાથમાં તેડેલાં શીશુ પર જડાઈ ગઈ. તે મા જુલિયાના પકડેલા હાથને જોરથી દબાવી પોતાનાં શૈશવને યાદ કરી રહી. ફાધર વિનાનું, ગરીબીના વખાનું માર્યું. રહીમચાચા ને ગોપાલકાકાની દયા પર ચાલતું ઘર ને માની શૂન્ય ભાવહીન આંખો... સિંગલ મધર. અચાનક તેનો જમણો હાથ ઊઠ્યો ને પેટ પર ફરવા લાગ્યો. એક મા બનવાનો મદ હતો જે વિસરતો ગયો, તેણે મક્કમ મને મધર મેરી સામે જોયું અને મનોમન બોલી, “શું પુનરાવર્તન! ના,ના” તેણે મધરને કહ્યું ,“હું મારી મિત્રની મોટીબેન ડૉ. સાનિયાને મળીને આવું છું. તમે ઘરે જાઓ. હું આજનો દિવસ એમને ત્યાં રહેવાની છું. કાલે સવારે આવી જઈશ. મારી ઈન્ટર્નશીપ તેમના પતિદેવની ઓફિસમાં જ કરવાની છે. તેથી મળીને આવીશ.” હાથ છોડાવી ક્રિસ્ટોફર મક્કમ પગલે પોતાની સખી સાખી સાથે ત્યાંથી નીકળી ગઈ. તે સાખીના ખટખટ અવાજમાં એક એક વિચારો અને દિલની જ્વાળા સાથે જીવનનાં કામ, ક્રોધ, મદ ને ઈર્ષા અશ્રુ સાથે ઓગળતાં ગયાં, ઈશુના સ્તંભ તરફ નજર ગઈ ને તેણે મનોમન કન્ફેશન કર્યું. ફરી કદી એક જુલિયા કે મેરી ન બનવાના નિશ્ચયે મક્કમ નિર્ધારે તે પહોંચી ગઈ ડોક્ટર પાસે જેમણે તેને કન્ફર્મેશન આપ્યું હતું મા બનવાના બિરૂદનું. બીજે દિવસે સવાર સુધી મા જુલિયા ઈશુની મૂર્તિ સામે બે હાથ જોડી બેસી રહી હતી. ક્રિસ્ટોફર આવી ત્યારે તેણે પ્રશ્નાર્થભરી આંખે જોયું. ક્રિસ્ટોફરે એક કાગળનું બંડલ મધર જુલિયાના હાથમાં મૂક્યું, જેમાં તેની ઇન્ટર્નશીપ મળી ગયાના સમાચાર હતા અને ક્રિસ્ટોફરની વિશાળ કાજળઘેરી આંખોમાં સુંદર ભવિષ્યનું સ્વપ્ન. પરંતુ ક્રિસ્ટોફર ખૂબ જ નબળી લાગતી હતી. મધર જુલિયા ખુશ હતી લાચારીને હારતી જોઈ.