નારીસંપદા : ટૂંકી વાર્તા/ચટાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચટાઈ

હાસ્યદા પંડ્યા

જ્યારે જ્યારે મારી આંખ ફરકે ત્યારે મને ચણ ચણવા આવેલ, ચણ્યા વગર ઊડી તૂટક નળિયા પર બેસી ગૂટુર...ગૂ..., ગૂટુર...ગૂ... કરતું કબૂતર યાદ આવે. માટીની ઊબડખાબડ દીવાલ પરના વાંસના મોર પડખે ગોઠવેલ માંડમાંડ મેળવી ભેગા કરેલ મોરપિચ્છ, પોતાનો માળો બનાવવા લેવા આવતી ચકલી નીચે જ ફેંકી નાસી જતી એનો ફફડાટ યાદ આવે. એમ પણ થતું કે શું માણસને જ આંખમાં પાંખ હશે તે આમ ક્યારેક ફરકી જાય છે ! મા તો સવારે સાત વાગ્યે : ‘અલી ઊઠ, હું તો હેંડી કૉમે, તાર્ ટુશન જવાનું હોય તો ઊઠજે ન્ જજે. ન પાશી ગંગમાસીન્ કઈન્ જજે.’ લીંપણ ઘસાઈ ઊંચી-નીચી થઈ ગયેલ જમીન પર વાંસની ચટાઈ પાથરીને સૂતેલ ‘મૅડમ મનીષા’ આળસ મરડી બેઠાં થયાં, જાણે રાજખાટ પર એકચક્રી શાસન કરતી રાજકુંવરી. ચટાઈ પર કળાયેલ મોર તથા ચારે ખૂણે ગુલાબનાં ફૂલ ઉપસાવેલ હતાં. મેં જીદ કરીને મા પાસે ચટાઈ લેવડાવેલી. તેથી તો ગંગામાસી મને મજાકમાં ‘મૅડમ મનીષા’ કહે છે. ચટાઈની ચારેકોર બાના જૂના સાલ્લાના કપડાની ગોટ વાળી સીવેલી, શિયાળામાં તેના પર ગોદડી પાથરવી પડે પણ ઉનાળામાં તો ફક્ત ચટાઈ પર જ. મને એમ લાગતું કે આખા વાસમાં હું એકલી જ નસીબદાર અને શ્રીમંત છું, મારો વટ પડે છે. આખો ઉનાળો ઑકરી પાડેલી ઊંટની પીઠ જેવી જમીન પર પથરાયેલી વાંસની લિસ્સી લિસ્સી, દોરાથી ગૂંથેલ સળીઓથી બંધાયેલ રંગીન ચટાઈ પર ઊંઘવાનું મને ખૂબ ગમતું. ઘરમાં તો હું ને મારી મા એટલે ઝાઝી કોઈ અવરજવર નહીં પણ મા પિયર કે સાસરીનું કોઈ સગું આવે તો ગોળ વળ કરી ખૂણામાં ઊભી ગોઠવેલ ચટાઈ પાથરે, તેનું ગૌરવ હું અનુભવતી. મહેમાનને આપવા યોગ્ય ચટાઈ પર સૂતાં મારું આત્મગૌરવ અદકું વધતું. ચટાઈ પર બેઠા થતાં જ મારી આંખ ફરકવા લાગી. આંખો મસળી છતાં ફરકતી રહી તેથી પાછી આંખ બંધ કરી થોડીવાર પડી રહી. વાસમાં વાતો થતી સાંભળી છે કે આંખ ફરકે તો સારું નહીં. કંઈ ભૂંડું થાય. હું વિચારી રહી કે મને શું નુક્સાન થવાનું હશે? આ વર્ષે બારમાની બૉર્ડની પરીક્ષા છે તે શું નાપાસ થવાશે?... પણ તે માટે આંખ અત્યારથી તો ન જ ફરકે ને ! બીજું કંઈ તો નસીબમાં છે ય શું તે ઉપરવાળો લઈ લેવાનો છે ! મા કહે છે : ‘કૉર્પોરેશનમાં સુપરવાઇસરી કરી ઘર ચલાવતો, તન્ ભણાવતો બાપ તો તું ત્રૈણ મહિનાની અતી તાર જ ઉપરવાળાન્ ભેળે હેંડતો થયો.’ પછી તો બધુંય યાદ કરતી ને ત્યારે તેની આંખ તો જાણે સમુદ્ર તળિયેનું સાચકલું ઝળહળતું મોતી. હું એટલું તો સમજી’તી કે આમાં નહીં વાત, નહીં ચીત ને કરનારે કણનું મણ કર્યું’તું. મુખી પટેલના મકાનના પાછલા બારણે કે જ્યાં હંમેશાં તાળું જ લટકતું હોય, તેના પગથિયે ધૂળનો તો ઢગ. મારો બાપ પગથિયું સાફ કરી હિસાબ કરવા બેઠો’તો. બપોર વેળા પટેલ તો ઘરમાંય નહોતા પણ પટલાણીને જાણ થવી, તે ધમકાવવા માંડ્યાં : ‘ભંગ્યા સાલ્લા... હરતેફરતે ક્યાંય જગ્યા નથી મળતી તે ખોરડું અભડાવવા અહીં ટળે છે... ઊઠોં... નહીં તો... તમારી...’ કહી બબડતાં બબડતાં ડોલ ભરી પાણી રેડ્યું. સ્ત્રીમનેખ સામે ક્યાં મોં માંડવું એમ વિચારી ‘અરે... રામ... ભલું થજો...’ કરતાં ચાલ્યા ગયા. બીજે દિવસે શનિવાર હતો. સાંજના ટાણે સાળંગપુરથી મંગાવેલ ફોટો હાથમાં લઈ મંદિરના પાછલા ભાગે ગોળ ફરતી દીવાલને ટેકે બેસતા. તેમાંય એ દિવસે તો ચૈત્રની અમાસ હતી. મંદિરની ત્રણ બાજુ તો માનવમહેરામણ, જાણે મેળો ઉમટ્યો હતો ને ચોથી-પાછલી બાજુમાં શાંતિ હતી. હાથમાંના ફોટામાંનું ચિત્ર દેખાય નહીં પણ આરતીના ઘંટનાદમાં લયલીન થઈ હથેળીમાંના ઈશ્વરમાં શ્રદ્ધાસહ ડૂબી જતા. જગતથી અતિદૂર એવી એ કેવી અદ̖ભુત, સુખદ ક્ષણ હશે ! જગત વચ્ચે રહી ભાગ્યે જ કોઈને એ મળતી હશે. ત્યાં અચાનક એક ટોળું આવ્યું ને ધારિયા, ચપ્પા, દાતરડાના કંઈ કેટલાય ઘા કરી અદૃશ્ય થઈ ગયું. જાણે સૂર્ય આગળ કાળુંડિબાંગ વાદળું આવી પસાર થઈ ગયું. મંદિરના ઘંટારવમાં બધુંય ભળી ગયું ને કોઈએ કંઈ જાણ્યુંય નહીં. દીવાલની અંદરની બાજુ, તેલથી રેલમછેલ હનુમાનની પીઠ પાછળ છલકાયેલ ડબ્બાના ડબ્બા હારબંધ ગોઠવાયેલ હતા, તો એ જ દીવાલને અડી બહારની બાજુ લોહીલુહાણ માંસલ શરીર. એના બે વર્ષ પછી સરકારી શાળામાં બીજા ધોરણમાં ભણતા મારા ભાઈને શાળાએથી ઘેર આવવાના સમયે રસ્તામાંથી જ કોઈ ઉપાડી ગયાના સમાચાર એ સમાચાર જ છે. કંઈ કેટલીય શોધ ને બાધાઆખડી છતાંય કોઈ પત્તો નથી. હવે તો સઘળી મિલકત મારી મા છે. થોડાં વરસમાં એ મને સાસરે મોકલી દેશે પછી એનું કોણ? પોણા આઠ થયા. હું ટ્યૂશન જવા તૈયાર થઈ ગઈ પણ હજુય આંખ ફરકતી બંધ નહોતી થઈ. હું ટ્યૂશન જવા તૈયાર થઈ ગઈ પણ હજુય આંખ ફરકતી બંધ નહોતી થઈ. ‘જો મારી માને કંઈ થયું ને તો બધીય માતાઓના મંદિરમાં જઈ મૂતરી, થૂંકી આવીશ.’ ઝબકી ગયેલી વીજળીની જેમ ઝનૂની વિચાર આવી ચાલ્યો ગયો ને મને હસવું આવ્યું. ઓરડીના દરવાજા પાસે લટકાયેલ તૂટેલા કાચમાં જોઈ ઓઢણી ઠીક કરતાં હસતી જોઈ બહારથી જ ગંગામાસી બોલ્યાં : ‘ચમ્મ... બૂન... એકલાં એકલાં હસો છો...?’ ‘કંઈ નહીં.’ કહી નોટ, પુસ્તક, કંપાસ મૂકેલ પ્લાસ્ટિકની હેન્ડબૅગ લઈ, દરવાજો આડો કરી – ‘ગંગામાસી, હું ટ્યૂશન જાઉં છું, ઘર બાજું જોતાં રહેજો. કલ્લાકમાં પાછી આવું છું.’ ‘હાર બૂન... જોવ, ભણો... ભા.... ભણો... ભણશો તો પામશો. અમારા વખતમાં તો કોઈ ભણે નઈ કે ભણાવેય નઈ તે આખી જિંદગી ઢહેડા કરતાંય છૈડકા ખાઈ જૂતીયા થઈ ર̖યા. તમે ભણો તો ઘરમાં ન્ બા’ર બેહવા ખુરશી તો મળે...’ મેં હોંકારો કરી ચાલવા માંડ્યું. મારી ચાલમાં જાણે ખુરશી મેળવવા જ જતી હોઉં એવો ગર્વ હતો. મને ગુજરાતીના શિક્ષકનું કથન યાદ આવ્યું : ‘જીવનમાં આંબા જેવા થવાય, તાડ જેવા ન થવાય.’ આજે રસ્તામાં વિદ્યાર્થીઓની દરરોજ જેટલી ચહલપહલ નહોતી. મને અચાનક વિચાર આવ્યો કે અમને ટ્યૂશનમાં સવારે કેમ બોલાવ્યા હશે? આખો દિવસ શાળામાં ને સાંજે છથી સાત ટ્યૂશન હોય, ને આજે સવારે કેમ? કદાચ દસમા બોર્ડની પરીક્ષા ચાલે છે એટલે સુપરવિઝનના શારીરિક-માનસિક થાક સાથે ભણાવવા કરતાં વહેલી સવારે ભણાવવું ઠીક લાગ્યું હોય ! પરીક્ષા આપનાર વાંચતા હશે ને તેમનાં વાલીગણ ઝડપથી ઘરનું કામ પરવારી ત્રણ કલાક તેમની સાથે રહેવા ઉત્સુક હશે. મારી મા તો કામકાજમાંથી સમય ક્યાંથી કાઢે?!... મારે તો ધમધોકાર મહેનત કરવી છે ને આવતે વર્ષે કૉલેજમાં-છનાકાકા કહેતા’તા કે કૉલેજમાં તો અમે સ્કોલરશિપ ચૅકથી આપીએ છીએ ને વિદ્યાર્થી બૅન્કમાંથી મેળવી લે. સ્કૂલમાં તો કોણ જાણે ! ફૉર્મ તો દર વર્ષે ભરાવે છે. સ્કોલરશિપ ક્યારે આવે છે ને ક્યાં જાય છે – રામ જાણે ! કદી હાથમાં પૈસો જોયો નહીં. પાછા વાસમાં છેવાડે રહેતાં મંછામાસી માને કહે : ‘ધ્યોંન રાખજો છોડીનું. આવતા પૈસા ચોંક બ્હાર નોં ટ્હેલી નાખતી હોય !’ મને તેમના પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. ત્યારથી મને તેમના સામું જોવું કે બોલવુંય નથી ગમતું. તેમને ઘેર બોલાવે તોય કામનું કે ભણવાનું બહાનું કાઢી ટાળી દઉં છું. વિચારોમાં ને વિચારોમાં સાહેબનું ઘર ક્યારે આવી ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો. બેધ્યાને પણ પગ જ્યાં પહોંચવાનું હોય ત્યાં જ જઈ ઊભા રહેતા હોય છે. ક્લાસમાં બધા ‘નટુભાઈ’ કહી વાતો કરે અને તેમાંય ખૂબ લેસન આપે કે તૈયાર કરવા આપેલું ન આવડે ત્યારે હથેળીમાં સોટી મારે તે વાત તો ‘હારો નટલો...’ કહી દાંત પીસી કરે. પણ મને મા કહેતી કે – ‘બૂન, આપણે તો સાહેબ કહીએ, તેમાં જ ભલું...’ સાહેબના ઘર પાસે એક પણ સાઇકલ ન દેખાઈ. આશ્ચર્ય સાથે મારા પગ અટક્યા. પગમાં ભાર વધતો અનુભવ્યો. તેમનો કહેલો સમય પણ બરાબર છે ને વાર પણ એ જ છે. મને બરાબર યાદ છે. શાળાના દરવાજા પાસે જ રિસેસમાં કહ્યું હતું. હું ખોટી તો નથી જ. મનોમન ખાતરી કર્યા પછી પાછી પગમાં હિંમત આવી. લોખંડનો ઝાંપો ખોલ્યો કે તરત સાહેબ આવ્યા ને રોજની જેમ કહ્યું : ‘ઉપર બેસો, હું આવું છું.’ નીચે ત્રણ રૂમ, રસોડું; પત્ની અને મારાથીયે મોટા બે દીકરા હંમેશાં ઘરમાં જ હોય. બી.એસ.સી.માં ઍડમિશન તો લીધું પણ ત્રણ-ચાર વાર નાપાસ થતાં ભણવાનું છોડી દીધું. ઉપર એક મોટો ખંડ ને ત્રણ બાજુ ટેરેસ. આજે નીચે કંઈ ખટપટ ન સંભળાઈ. હશે, આપણે તો ભણવા સાથે કામ. હું ઉપર ગઈ. ઉપરનો ઓરડો તો વર્ગખંડ જેવો. એક ખુરશી, બ્લેકબોર્ડ, તેની બાજુમાં દોરી સાથે ખીંટીએ લટકતું ડસ્ટર, એક નાના ગોખલામાં ચૉકસ્ટિકનું બૉક્સ રહે. તેની સામેની દીવાલ પર ગાંધી, ઝાંસીની રાણી અને ભગતસિંહનાં ચિત્રો. આજુબાજુની દીવાલ પર ભારતનો નક્શો, શરીરના ભાગો દર્શાવતું હાડપિંજર તથા ગણિત-વિજ્ઞાનના સૂત્રોનો વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાવેલ ચાર્ટ. વિદ્યાર્થીઓની બેઠકવ્યવસ્થા ભારતીય. હું ઉપર પહોંચી તો ચંપલની એકેય જોડ ન જોઈ. ખંડમાં એકેય વિદ્યાર્થી નહીં. પાથરણાંય પાથરેલ નહોતાં. અડધો કલાક વહેલા આવનાર વિદ્યાર્થી પણ આજે... મારા હૃદય પર બાણ અનુભવાયું. ધબકાર વધ્યા હોય તેવું લાગ્યું. હું ખંડમાં પ્રવેશી તો કબૂતરની પાંખ જેવો ફફડાટ થયો મારામાં. પુસ્તકો મૂકી હું તરત બહાર આવી, ટેરેસમાં ઊભી રહી. ટેરેસમાં ન ઊભા રહેવાની હંમેશ માટેની કડક સૂચના છતાં હું ઊભી રહી છું એવી સભાનતાથી હું જાણે ટેરેસ પર ફરતાં ફરતાં દૂર... દૂર... સુધીનાં લંબાતાં ખેતરો, ડુંગરો ને આકાશનું સૌંદર્ય માણતી હોઉં તેમ જોતી રહી પણ મનમાં તો જાણે સંવેદનોનો સંઘરામણ સળવળતો હતો. થતું કે પાછી નીચે જતી રહું. જોકે, મને ઉપર જવાનું કહ્યું એટલે મારે આવવાનું જ હતું એ વાત સાચી. પણ કદાચ દરરોજ પેપરમાં જાત જાતના સમાચાર આવે છે એવું કંઈ... ના... ના... ન બને. પુસ્તકો મેં અંદર મૂક્યાં છે... હાથમાં જ રાખવાં જોઈએ. હું પુસ્તકો લેવા અંદર ગઈ. ઘડિયાળમાં સવા આઠ થયા હતા. પુસ્તકો લીધાં ને કોઈક અજ્ઞાત ડરથી પાછાં મૂક્યાં. દરવાજા પાસે ઊભી, પાછી બહાર ગઈ... આંગળીના ટચાકા ફોડતાં ફોડતાં ટેરેસ પર ફરી વળી, પાછી દરવાજા પાસે આવી. દાંત વચ્ચે નખ દબાવતી દૂર... દૂર... સુધી જોતી કે કોઈ ટ્યૂશનવાળું પરિચિત દેખાય તો જીવ હેઠો બેસે પણ આકાશ જેટલી જ ધરતીય શૂન્ય ભાસતી હતી. સમયનો ભાર વર્તાતો હતો, જાણે મારે આવ્યે કલાક થઈ ગયો હોય ! થયું કે નીચે જઈ કહી દઉં કે સર, કોઈ આવ્યું નથી તો હવે હું જઉં છું. પાછી પુસ્તકો લેવા ગઈ. નીચે લોખંડની જાળી ખખડ્યાનો અવાજ આવ્યો. જાળી ખુલી અને બંધ થઈ. તાળું લાગ્યું. થોડીક શાંત ક્ષણોમાં આ શું થયું હશે તે વિચારું ત્યાં તો દાદરનાં પગથિયાં પર આછો સ્લીપરનો ચઢતો અવાજ ઘેરો થતો ગયો. હું દરવાજા પાસે ટેરેસ પર ઊભી હતી. દાંતથી ઊંડાણ સાથે નખ ઊખડી ગયો. લોહી ઊપસી આવ્યું ને પીડા લબકારા લેતી. સ્લીપરનો અવાજ મને ધોળે દ્હાડે હૉરર શૉની ક્ષણોમાંથી પસાર કરી ગયો. એક કાળુંડિબાંગ વાદળ આ ટેરેસ પર ઊતરી આવે ને મને છૂપાવી દે તો સારું... મારા પગમાં, હાથમાં, ટેરવે ફફડાટ અનુભવાયો. ટેરવેથી તો જાણે પાંખો જ ઊડી ગઈ ! ટેરેસ, ખંડ, મકાનો, ખેતરો, ડુંગર, આકાશ... બધું જ ચક્કર ચક્કર... ગોળ ગોળ... પગતળિયું ખાલીખમ, જાણે પવનપાવડી ને હું હવામાં રજકણ... કણ... કણ... સાહેબ દરવાજા પાસે આવી પહોંચ્યા. ‘ચાલો’ કહી તેઓ અંદર ગયા. નિત્યક્રમ મુજબ અગરબત્તી પ્રગટાવી. હું પુસ્તકો હાથમાં લઈ ઊભી હતી. અગરબત્તી પ્રગટાવી ફર્યા એટલે – ‘સર, બીજું તો કોઈ...’ ‘હા, કોઈનેય નથી બોલાવ્યા.’ ‘તો પછી મને...?!!’ ‘એ બધાને હવે જરૂર નથી... તારા માટે જ...’ -એમ બોલતાં બોલતાં દરવાજો બંધ કર્યો. મારાથી ખંડનો ભાર ઝિલાતો નહોતો. મને અશક્તતા અનુભવાતી. જાણે પુસ્તકો ને શરીર પરનાં વસ્ત્રો, આભૂષણો કે માથાના વાળનો પણ બોજ ન લાગતો હોય ! મને મા યાદ આવી. સાહેબે કહ્યું : ‘બેસ.’ પણ હું ન બેઠી. ફરીથી કહ્યું : ‘બેસ, પાથરીને બેસ.’ -ને તેમના હસતા કાળા ચહેરા વચ્ચે મોટા પીળા દાંત દેખાયા. કમરપટ્ટાથી બંધ પાટલૂન પર ફુગ્ગા જેવી ચુસ્ત ઊપસી આવેલી ભદ્દી ફાંદ જોઈ પહેલીવાર મને સૂગ જન્મી. સફેદ શર્ટના ખુલ્લા બટન વચ્ચેથી અમાસની રાતે ફરફરતા ઘાસ જેવી છાતી, તેલથી લથપથ ચપ્પટ માથું, ચશ્માંમાં આરપાર ઊડતા આગિયા જેવી આંખ, માંસલ હાથ પર કર્કશ રુંવાટી રવરવતી જાણે હથેળીમાં ગળી જતો પ્રવાહ. જાડી પહોળી જડ હથેળી જો કોઈ વિદ્યાર્થીના બરડે ઠોકાય કે બાપડું બે-ત્રણ ગોથાં ખાઈ જાય. મેં કહ્યું : ‘સર, મારે એકલીએ નથી ભણવું.’ ‘અરે, આજે તો જિંદગીમાં કદી નથી મેળવ્યું એવું જ્ઞાન...’ બોલતાં બોલતાં મારી પાસે આવ્યા. હોઠ ભીડી સ્મિત કર્યું. ચહેરા પર કૌંસ રચાયો અને બન્ને ગાલ થોડી ઊપસી આવ્યા. ઘુવડના ચહેરા પર ગીધની આંખ ને સિંહ શી મોંફાડ. તેની આંખમાં મને દ્રૌપદીનાં ચીર પ્રતિબિંબાતાં દેખાયાં. મને કૃષ્ણ યાદ આવ્યા પણ એ ક્યાંથી આવે? સાહેબનું નામ જ નટવર છે. તેમનાં ફોઈએ કોઈ દીનદુખિયાનો ઉદ્ધારક બને એવી ખેવના રાખી હશે, પણ વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવું...!! હું થોડી પાછી ખસી. એ વધુ નજીક આવતા જાય તેમ તેમ હું ખંડમાં ગોળ ફરતી રહી. તેમણે બંધ બારીની પાળ પર ચશ્માં કાઢી મૂક્યાં. કમરપટ્ટો કાઢી હાડપિંજર પર લટકાવ્યો. ખમીસનાં બાકીનાં બટન ખોલી છાતી ચિરાતી હોય તેમ પેન્ટમાં પરોવેલ ખમીસ કાઢી ભારતના નક્શા પર લટકાવી દીધું. સફેદ બંડીમાં હ-રામી ડૂંટી સ્પષ્ટ વર્તાતી હતી. મારાથી મનોમન હે રામ ! બોલાઈ ગયું. તેમણે ખુરશી પરથી ગાદી નીચે મૂકી. તેના પર બેસી જાંઘ થપથપાવી બેસવાનો ઇશારો કર્યો. હું આખા ઓરડામાં ગોળાકારે દૃષ્ટિ ફેરવી દરવાજા પાસે ગઈ. વચ્ચેની અને નીચેની સ્ટોપર ખોલી. ઉતાવળમાં ઉપરની ખોલતાં આંગળીનું ટેરવું કચડાયું. ત્યાં પાછળથી દુઃશાસનનો હાથ આવી સ્ટોપર બંધ કરી ગયો. તેનું પેન્ટ મને ઘસાયું. ‘મારી બેટી એમ નહીં માને’ બોલી બાવડે ઝાલી મને ગાદી પર પછાડી. પીઠ ભીંતે પછડાઈ, ચીસ નીકળી ગઈ. તેની આગ ઝરતી આંખો મને તાકી રહી હતી. ચહેરો ગંભીર. બે હથેળીના ટેકે ઊભી થતાં હું બોલી – ‘ખબરદાર સર, મારી પાસે આવ્યા છો તો--’ ‘તો શું કરીશ...?’ ‘હું ગમે તે કરી બેસીશ...’ ‘હંઅ... કર્યા કર્યા...’ મશ્કરીભર્યું તોછડું હાસ્ય વેર્યું ને કાંડું પકડ્યું. ‘પ્લીઝ... સર...’ દાંત પીસી એક જ ઝાટકે છોડાવ્યું. દોડતી દરવાજા પાસે જઈ મુક્ત થવા પ્રયત્ન કર્યો પણ મને આખી ઊંચકી ગાદી પર માથું મૂકી સુવાડી. મારી ઓઢણી ખેંચી તેનો ઘસરકો ડોકમાં પીડા આપી ગયો. ઉપરના પહેરણ પર હાથ ફેરવતાં ફેરવતાં – ‘રકઝક કર્યા વગર ઝડપથી પહેરણ કાઢ... હમણાં સમય થઈ જશે.’ મારા દબાવી રાખેલ બે હાથ ઢીલા કર્યા કે હું છળી ઊઠી. ‘જુઓ સર, મેં તમને શિક્ષકના રૂપમાં જોયા છે.’ ‘તો આજથી આ રૂપમાં...’ ‘ના સર, જો મારી મા જાણશે ને તો તમને જીવતા નહીં છોડે...’ ‘અરે... તારી મા પણ મારી ઘરાક હતી જવાનીમાં... એય સીધીસીધી હાથમાં નહોતી આવતી. તારા બાપને મરાવતાંય છટપટ કરતી’તી તે તારા ભાઈનેય ખસેડ્યો.’ મારા માથામાં તો જાણે ફટાકડા ફૂટતા હતા. બંધ હોઠમાં દાંત ભીંસાતા હતા. આંખો સ્તબ્ધ ! ને તે બોલ્યે જતો હતો – ‘એક તો બૈરાંની જાત ને તેમાંય ભંગ્યણ... તમારે ક્યાં આબરૂને ડાઘ લાગવાનો હતો. ચિંતા હોય તો અમારે હોય ! તારી મા મને જેલભેગો કરવાની હતી. મેં હજુ એ રસ્તો જોયો નથી. કોઈ પુરાવા ન મળે. તુંય ગમે તેટલી પાંખો ફફડાવીશ તેથી કોઈ ફેર નહીં પડે... અને સાંભળી લે... તારા ભાઈની ભાળ મેળવવી હોય તો ઇશારામાં માની જા. બાકી તું મારા હાથથી છૂટવાની તો નથી જ – સ્ત્રીને ને બિલાડીને રેઢી મૂકવામાં જોખમ. ખીર ખાતી જાય ને તોય છાની ન રહે.’ આવું આવું કંઈ કેટલુંય બોલ્યા કર્યું. મને તો ફેર ચડ્યા’તા. પાણીની જરૂર લાગી. બે હથેળીએ આંખો દાબી ઢીંચણિયે બેસી પડી. કાનમાંનો પ્રવાહ મગજ સુધી પહોંચતો નહોતો. મને ફરી ગાદી પર માથું મૂકી લાંબી કરી તો સારું લાગ્યું પણ જેવી પાયજામાની દોર ખૂલી કે પાછી સભાન બની. ગાંધી, લક્ષ્મીબાઈ ને ભગતસિંહના ફોટા પર નજર ફરી વળી. હું ઝનૂનથી ઊભી થઈ. મારા ગાલ પર તમાચો આવ્યો. ત્રણ આંગળ તો ચોક્કસ ઊપસી આવ્યાં હશે. મેં દોરી સાથે ડસ્ટર ખેંચી કાઢી વીંઝ્યું. વીફરેલો વાઘ ધસી આવ્યો મારા તરફ. મારા પહેરણને ગળેથી ઝાલ્યું. મને ભીંતે અથાડી. ગણિત-વિજ્ઞાનનાં સૂત્રોનો ચાર્ટ પીઠ પર વાગ્યો. ને ખીંટી પરથી નીચે પડ્યો. ગળાની પકડ છોડાવવા મેં હાથે બચકું ભર્યું. પહેરણ સહેજ ચિરાઈ ગયું. મા જે ડૉક્ટરને ઘેર કામ કરવા જાય છે તેમણે દિવાળી પર જ સાડીને બદલે મારા માટે ડ્રેસ આપ્યો હતો. મને ખૂબ ગમતો’તો. ગયા ડિસેમ્બરમાં ગંગામાસીની છોકરીના લગ્નમાં તો આ ડ્રેસે મારી શાન વધારી દીધી હતી. અજાણ્યા સૌ કોઈ પૂછતાં કે – ‘આ તો કોઈ ઉજળિયાત કુટુંબની છોડી લાગ છ.’ થોડીક ક્ષણો હાથ પર ઊંડા ઉતરેલ દાંતને પંપાળી – ‘તું... એમ નહીં માને’ એમ બોલતો હિપ્પોપોટેમસ જેવો ચહેરો કરી ધસી આવતો હતો. મારા હોઠ ફફડી ગયા – ‘હા...રો...નટલો...’ ને મેં થોડે દૂરથી જ ચાર્ટ વીંઝ્યો માથામાં. તરત જ બીજીવાર વીંઝતાં આંખમાં ગોદાઈ નાકે વાગી ગયું. તમ્મર ચઢી આવ્યાં હશે તે એક હાથે નાક પકડી લીધું. કાણિયાના બીજા હાથનો ગીધ જેવો પંજો હજુ મારા તરફ ધસતો હતો, લથડિયાં ખાતો. હું પણ જાણે રણચંડી બની હોઉં તેમ મારો ત્રીજો ઘા તેના લંબાયેલા હાથના કાંડા પર લાગ્યો. તે ‘ઓહ...’ કરતાં બેસી પડ્યો, હારેલા સિંહ જેવો. ચાર્ટ હાથમાં જ રાખી ઓઢણી ઓઢી હું બહાર ટેરેસ પર આવી. મારું માથું વેરવિખેર હશે એમ માની થોડું આંગળાંથી સરખું કરી ઓઢણી માથા પર થઈ ખભે વીંટાળી દીધી. નેતરના બે દંડ વચ્ચે કૅનવાસ કાપડ પર સુંદર ચાર્ટ બનાવડાવ્યો હતો. દાદર ઊતરી છેલ્લા પગથિયે ચાર્ટ મૂકી ઝાંપો કૂદી ઝડપભેર ઘેર પહોંચી. મંછામાસીથી બોલ્યા વગર નહોતું રહેવાયું : ‘ઓ... હો... હો... હો... આજ તો કૉંય બઉ જોરદાર ભણી આઈ હોય એવું લાગે છ...!’ ‘હં... અ... અ... અ...’ કહી મેં માત્ર સ્મિત કર્યું. ગંગામાસીએ કહ્યું : ‘આઈ બૂન... હાર... હેંડો, રોંધો હવ... તે તારી મા આવ તો ખાવા પૉમ.’ ‘હા, આજ તો ઓછું બનાવવાનું છે. ડૉક્ટરના છોકરાનો જન્મદિવસ છે તેથી કદાચ મીઠાઈ-ફરસાણ જેવું આવે. આવજો ચાખવા.’ મેં ચહેરો બતાવ્યા વગર જ કહ્યું. પહેલાં તો મેં ગાલ પર ઊપસી આવેલ ત્રણ આંગળાં પર, વધારેલ ઘૂંટડા દૂધ પરની મલાઈ ચોપડી. પછી પાયલની મમ્મી પાસે શીખેલી ઘઉંની ભાખરી ને શાક બનાવ્યું. તેઓ તો દરરોજ બનાવે પણ મા કહેતી કે આપણે તો મકાઈના રોટલા જ સારા. આ તો થોડું ઘરમાં રાખવું પડે, કદીક મહેમાન આવી જાય તો સારું દેખાય. મા છોકરીની જાતથી ખૂબ સભાન રહેતી. તે મને ને સૌને સલાહ આપતી કે ઘરની નાની-મોટી વાતે આબરૂ તો આપણે બૈરાં મનેખે જ રાખવી પડે. ‘બૈરાં મનેખ’ એનો ખાસ શબ્દ હતો. મને એ સાંભળવો ને બોલવોય ગમતો પણ હું તો ‘સ્ત્રીમનેખ’ જ બોલતી. મા આવે ત્યાં સુધીમાં ફાટેલા પહેરણને ટાંકા ભરી લીધા. આજે અંદર એક અલૌકિક આનંદ ઘૂમરાતો હતો. આત્મવિશ્વાસ અને કંઈક અંશે સંતોષ પણ જન્મ્યા હતા. મા આવશે ને પરવારશે બધું કામ એવો રોજ જેવો લાડ-રસોઈ કરી વાંચવા બેસવાને બદલે કપડાં ધોઈ, કચરો વાળી, ઘર ગોઠવી, વધારાનાં કામ પણ શોધી શોધી પતાવી દીધાં. ગંગામાસીએ કહ્યુંય ખરું : ‘આજ વૉંચવા લખવાનું નથી બૂન, તે ડાઈડમરી થઈને કૉમ કર છ.’ ‘વાંચવા લખવાનું તો હોય જ ને... કદીય ખૂટે નહીં પણ આજે મૂડ નથી.’ ‘બર્યા એવા તે ચેવા મૂડ હોય પાછા, જે રોજ કરવાનું ઈ કરવાનું.’ હું મલકી. મનોમન વિચારતી રહી કે આજે તો મા મારું કામ જોઈ ખુશ થઈ જઈ ધરાઈને મારાં વખાણ કરશે. હું તેના ખોળામાં ઊંઘી જઈશ, એ મને વહાલ કરશે. ક્યારેક મારા પર ખુશ થઈ જાય ત્યારે મારા બે ગાલ પકડી – ‘ગોંડી... મારી કાલી...’ કહી, પીઠ પર વહાલથી ટપલી મારી હાથ ચૂમે. રાતે ઊંઘી જઉં ત્યારે તો જાણે આખું આભ ભરી વરસી પડે. ઊંઘતી દીકરી સાથે એકલી એકલી લાડ, વહાલ ને વાતોય કરે. ક્યારેક તો હું જાગતી જ પણ ઊંઘવાનો ડોળ કરતી પડી રહી હોઉં. મને બહુ સારું લાગતું. મારો હાથ એ એની છાતી પર મૂકી હાશકારો અનુભવે ત્યારે મને પયપાનની ઇચ્છા થઈ આવે. પડોશમાં માનો અવાજ સાંભળ્યો કે હું દોડતી પુસ્તક લઈ વાંચવા બેસી ગઈ. મા ઘરમાં પેઠી કે તરત મારા હાથમાંથી પુસ્તક ખેંચી બોલી : ‘અલી હાંભર, ખબર છ હું થ્યું? તાર્ પેલા ટુશનવાળા સાહેબને તો ચૉંક હું થ્યું રૉમ જાણે... તે મૉથામોં વાગ્યુ સે ન્ ગોંડાન્ દવાખાને લઈ જ્યા સ... અમદાવાદ. હાથેય ફેક્ચર છ ન્ નાકમાંથીય લોઈ દદડ છ તે બંધ નથ થતું. કે છ ક તોં ઈલાજ નઈ થાય તો કદાચન્ મુંબઈએ લઈ જાય. ચૉક ઑંખોય વાગ્યાનું હોંભર્યું... ઇંયન ઘરવાળું ન છોરાં લગનમોં જ્યા’તા તી આઈન જોંણ્યું અહે... બાપડન્ આવું તે ચોંથી દઃખ આયું...’ બોલતાં બોલતાં માની નજર મારા ગાલ પર પડી. બોલી : ‘લી આ... શું થ્યું...?’ હું ભાવનામય બની ગયેલ માને સ્તબ્ધ થઈ સાંભળતી હતી એક ચિત્તે, તે એકદમ ચમકી, તેને કહ્યું : ‘હેં... કંઈ નહીં... એ તો સવારે આખલાથી બચવા જતાં થાંભલે ભટકાઈ...’ તરત જ મા બોલી : ‘તે જોઈનં હૅંડીએ ક બૂન...’ બોલતાં બોલતાં મા ચટાઈ પાથરી તેના પર બેસતી હતી. તેની મીઠાશ હું ચૂપચાપ સાંભળી રહી. આંખ સામે ફાટેલા પહેરણને લીધેલા ટાંકા ઝબક્યા કર્યા.