નારીસંપદા : ટૂંકી વાર્તા/ડૂબકી
મિતા ઝવેરી
ગાડીનો હોર્ન વાગ્યો. આરતી, હાથમાં બ્રાન્ડેડ પર્સ ઝૂલાવતી આવી. હિમલે દરવાજો ખોલી આરતીને સ્નેહભર્યો આવકાર આપ્યો. ‘વેલકમ મેડમ, બોલો ગાડી કઈ તરફ લઉં? કાફે, રેસ્ટોરાં, મૉલ કે મુવી?’ હિમલ તરફ જોયા વગર જ સીટ પર બેસતાં આરતીએ જવાબ આપ્યો, ‘ચોપાટી.’ ‘અત્યારે આ તડકામાં ચોપાટી? આર યુ સ્યોર?’ એક ઊંડો શ્વાસ લઈ બારી બહાર જોતાં ‘યા’ કહેતાં આરતીએ હકારમાં માથું હલાવ્યું. હિમલે ગાડી ચોપાટી તરફ વાળી ને એ પાણીની જેમ સડસડાટ આગળ વધી. રસ્તા પરની ચમક ક્યારેક ઝાંખી તો ક્યારેક વધુ તેજ થતી રહેતી હતી. ઝાંઝવાનાં એ નીરને પકડવા જ જાણે હિમલ સ્પીડ વધાર્યે જતો હતો. રસ્તા પર જ નજર સ્થિર રાખી સ્ટિયરિંગ પર સ્થિત હિમલનો હાથ પકડી આરતી બોલી, ‘વ્યર્થ પ્રયાસ રહેવા દે. એ કદી હાથ નહીં આવે.’ અને મનોમન બોલી, ‘હું ખૂબ દોડી આ ઝાંઝવાઓની પાછળ. હતું કે, ક્યારેક તો આંબી જ લઈશ. પણ, જેનું અસ્તિત્વ જ નથી એને અંકે કરવાનો આ વ્યર્થ પ્રયાસ છે એ તો આજે સમજાયું. પોતીકા કહી શકાય એ પરિવારજનો અને લોહીના સંબંધે બંધાયેલ દીકરો તેમજ પૌત્રોને પણ મારાં કહ્યામાં જ રાખવાના વિવિધ પ્રયાસોની નિષ્ફળતાએ જ મને આજે આ બળતા તાપમાં ટાઢક શોધવા ધકેલી છે.’ રસ્તાની બન્ને બાજુએ ઊંચી દાંડી પર ઝૂલતાં મોટાં મોટાં કમળફૂલો દેખાતાં જ હિમલે ગાડી રોકી. દૂર સુધી નજર કરતાં મોટાં મોટાં, કાંગરીવાળાં, ગોળાકાર બે પાન વચ્ચેથી ડોકિયું કરી હાઉકલી કરતાં ગુલાબી અને સફેદ કમળનાં અસંખ્ય ફૂલો સાથે આરતીનો વિચારદોર સંધાયો. હિમલ નીચે ઊતરવા કેડી શોધી રહ્યો હતો. કમળનું ફૂલ જોઈ આરતી હંમેશા જ ઇચ્છતી કે એ એના હાથમાં હોય. પણ, કેડી શોધી અંદર સુધી પહોંચી કમળ તોડવા નીચે નમેલા હિમલને આજે એણે રોક્યો, ‘એને ત્યાં જ રહેવા દે. આટલા કાદવ વચ્ચે પણ એ કેવું હસી રહ્યું છે!’ આરતીને આજે એ કમળફૂલમાં પોતાનાં સતત જેઠાણીપણાંના તાપ વચ્ચે પણ સદાય હસતો રહેતો દેરાણીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. શું શું નથી વિતાવ્યું મેં એનાં પર! શંકા, ઈર્ષા અને બધું જ મેળવી લેવાના લોભે તો મને માનવતા ભૂલાવી દીધી હતી. ચારિત્રહનન સહિત જાતજાતના આરોપો મૂકીને પરિવાર જ નહીં, આખા સમાજમાં એને બદનામ કરી. છતાં ક્યારેય એ વિવેક ચૂકી નથી! બાજુમાં જ જરા નમી ગયેલું છતાં હસતું કમળ દેખાયું. પરણીને આવી ત્યારથી આજ સુધી જેમની પાસેથી માત્ર વ્હાલ જ મળ્યું છે એ સાસુજી એને એમાં દેખાયાં. ‘ઇચ્છું ત્યારે લાડ, ઇચ્છું ત્યારે ફરિયાદ. છતાં, એમનો સ્નેહ ઓછો નથી થયો. ક્યારેય કશું ઓછું નથી આપ્યું મને. મારાં અસંતોષ અને કકળાટને કારણે બીજાથી વધું જ આપ્યું છે અને ગમતું હોય તે તો ઝૂંટવી જ લીધું છે મેં. છતાં મને કંઈ કહ્યું નથી. ઘણી વખત મેં એમનું માન નથી જાળવ્યું. મોટે અવાજે લડી પણ છું જ અને ન કહેવાના વેણ કહ્યાં છે.’ ‘ઓહ.... ’ આરતીને આંખે અંધારાં આવવા લાગ્યાં. ખુલ્લા તળાવના તપતા કિનારે એ બેસી પડી. હિમલ દોડતો આવી પહોંચ્યો. તાપને કારણે આરતી ઢીલી પડી રહી છે એમ માની નજીકમાંથી નાળિયેરપાણી લાવ્યો. આરતીની નજર તળાવમાં ખિલેલા કમળ પર સ્થિર હતી. હાથમાં નાળિયેર પકડાવી હિમલ માથું ઢાંકવા કેપ લેવા ગાડી તરફ વળ્યો. આરતી, નાળિયેરનું મીઠું પાણી સ્ટ્રો વડે એક એક સીપ ખેંચી પોતાની અંદર રહેલી કડવાશને ઓછી કરવા મથી રહી. એની આંખ સામે હવે અનેક ચહેરાઓ તરી રહ્યા. દૂર સુધી એની નજર ફરી વળી. એક એક કમળફૂલ એક એક પરિચિતના ચહેરાની યાદ અપાવતું હતું. ઓહો હો...! કેટકેટલી વાતો બનાવી બનાવીને સહુની સહાનુભૂતિ મેળવવાં કેટકેટલું બિચારાંપણું બતાવ્યું છે મેં! પરિવારજનો હોય કે મિત્રો, બધાં પર જાતજાતની શંકાઓ કરી કરીને એકબીજાથી જુદાં કરવા કંઈ કેટલીયે તરકીબો અજમાવી. ભેગાં મળીને મારી હકીકત ન જાણે એ માટે સહુનાં મોં બંધ કરી દેવા અવનવી અનેક વસ્તુઓ પ્રેમનાં નામે પરાણે ને પરાણે આપી. છતાં તેઓ તો સહુ સાથે ને સાથે જ દેખાય છે! આ તરફ તો માત્ર હું જ છું, એકલી! હસતાં કમળફૂલો પાછળથી જાણે એ એકેએક ચહેરા આજે એના પર હસી રહ્યા હતા. આરતી હવે જોઈ નહોતી શકતી. એણે મોં ફેરવી લીધું. ફટાફટ ઊઠી, ઝડપી ચાલે ગાડીમાં બેસીને એણે ગાડીનો દરવાજો ધડામ્ બંધ કર્યો. એના મગજમાં એક સાથે અનેકના અવાજો ઘુમરાઈ રહ્યા હતા. એ, ‘નહીં... નહીં...’ બોલતી, બે હાથ વડે માથું પકડી, બન્ને પગને સીટ પર ટેકવી, બન્ને ઘૂંટણ વચ્ચે મોં ઘૂસાડીને બેસી ગઈ. હિમલને આરતીનું આજનું વર્તન સમજાતું ન હતું. આમ પણ ક્યારેય નહોતું સમજાતું. એણે પૂછ્યું, ‘શું થાય છે? તબિયત નથી સારી? ગાડી પાછી વાળું?’ હાથ હલાવી ‘ના’ કહી આગળ વધવા ઈશારો કરી આરતીએ સરખાં બેસતાં આંખ પર ફરી ગોગલ્સ ચઢાવ્યાં. હિમલે ગાડી શરૂ કરી. હંમેશા બધાંને ઊભે પગે રાખતી આરતીનાં મનમાં ચાલતી ઊથલપાથલથી એ અજાણ હતો પણ એની અસ્વસ્થતા હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી. સાંત્વના આપવા એક હાથે સ્ટિયરિંગ પકડી એણે બીજા હાથે આરતીના હાથને પંપાળ્યો. ઝટકા સાથે આરતીએ પોતાનો હાથ દૂર ખેંચી લીધો. હિમલ આવી પ્રતિક્રિયાથી ટેવાઈ ગયેલો એટલે દર વખતની જેમ જરા અકળાયો પણ ફરી શાંત થઈ એણે રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આરતી સ્થિર પૂતળાની માફક બેઠી હતી. એની આંખ ખુલ્લી છે કે કેમ એ પણ હિમલને દેખાતું નહોતું. હિમલે બન્ને વચ્ચે સેતુ જોડવા રેડિયો શરૂ કર્યો. રેડિયો પર રોમેન્ટીક ગીત ચાલતું હતું, ‘રૂપ તેરા મસ્તાના...’ હિમલે આરતી તરફ મસ્તીથી જોઈને ગીતમાં સાથ પુરાવ્યો, ‘પ્યાર મેરા દિવાના’ આરતીએ રેડિયો બંધ કરી દીધો. હિમલને સમજાતું નહોતું કે, આ અસ્વસ્થતા છે કે ગુસ્સો? થોડી વારે હિમલે ફરી રેડિયો શરૂ કર્યો. ગીત શરૂ થયું, ‘કહાં તક યે મન કે અંધેરે છલેંગે...’ આરતી તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવી. થોડી વારે હિમલે નોંધ્યું કે, આરતીના શ્વાસોચ્છવાસ વધી રહ્યા છે. એને પસીનો છૂટી રહ્યો છે. હિમલે એસી વધારી આરતી તરફ પાણીની બોટલ ધરી. આરતીએ ઘૂંટડો પાણી પીને બોટલ ઠેકાણે મૂકી. આરતી હવે ઊંડા શ્વાસ લેવા માંડી. હિમલે વાત કરવા માટે રેડિયો બંધ કરી દીધો. ‘શું થાય છે તને? મને કહે તો કંઈક...’ વાક્ય પૂરું થતાં પહેલાં જ જવાબમાં આરતીએ રેડિયો ચાલુ કર્યો. આજે એ પોતાના પેરોનાઈડ મન સાથે એકલી જ લડી લેવા માંગતી હતી. ચોપાટીના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હિમલ પોતાનો મોબાઇલ, ગોગલ્સ, કેપ લઈને ગાડીમાંથી ઊતર્યો એટલી વારમાં તો આરતી દરિયા તરફ ચાલવા લાગી હતી. હિમલને કશું સમજાતું નહોતું. રેતીમાં પગ ન મૂકનારી, પોતાની જાતને સતત સાચવનારી આરતી આજે માથું ઢાંક્યા વગર જ, ગરમ રેતીમાં ચાલી રહી હતી! હિમલ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ચપ્પલમાં માટી ચોંટે એ આરતીને બિલકુલ ગમતું નહોતું એટલે ભીનાશ આવતાં તો આરતી ચોક્કસ જ અટકશે એની હિમલને ખાતરી હતી. પણ, આરતી અટકી નહીં. હશે, પાણી પાસે તો અટકશે જ. આરતી પાણીમાં પણ અટક્યા વગર ચાલતી રહી. ભરતી શરૂ થઈ ગઈ હતી. આરતી ચાલ્યે જ જતી હતી. એક મોજું આવ્યું, આરતીને ધક્કો લાગ્યો, એ બેસી પડી. ત્યારે જ હિમલનું ધ્યાન ગયું કે, આરતી તો પર્સ કે ગોગલ્સ પણ નથી લાવી! હિમલે હવે ઝડપ કરી. આરતીની નજીક પહોંચી હાથ લંબાવ્યો એટલી વારમાં તો બીજું મોજું આવી આરતી પર ફરી વળ્યું. ખારું પાણી આરતીની આંખમાં ગયું. બન્ને હાથે આંખ ચોળી રહી ત્યાં ત્રીજું મોજું આવ્યું. જોકે, આ વખતે હિમલે એને બાવડેથી પકડી ઊભી કરી દીધી. હાથ છોડાવતા આરતી બોલી, ‘છોડ મને. આટલાં વર્ષો હું માણસાઈનું એક એક પગલું ઊતરતી રહી ત્યારે ક્યાં હતો? ત્યારે કેમ હાથ પકડીને મને રોકી નહીં? એક વખતેય ટોકી નહીં? તે જોયું નહીં! કેવાં હસી રહ્યાં છે આજે બધાં મારાં પર?’ કોઈનીય શેહશરમ ન રાખનારી આરતી આજે દરિયામાં નહીં, પોતાની જ નજરમાં ડૂબી રહી હતી. ‘રોકી હોત તો તું માનત ખરી?’ એમ જ પૂછવું હતું. પણ હિમલ બોલી ન શક્યો. જાત સાથે બળવો કરી કરીને ઠરેલી રાખ બની ગયેલા હિમલના મનમાં આરતીની અંદર ભભૂકતી આગનો એક તણખો પડ્યો ન પડ્યો ને ઠરી ગયો. ‘આરતી, જો આમ જો. મારી સામે જો. કોઈ નથી હસતું તારાં પર. તેં તો બધાંને કેટલાં સાચવ્યાં છે! પ્રેમથી કેટકેટલી ગિફ્ટ આપી છે!’ આરતી હિમલ સામે જોઈ બોલી, ‘પ્રેમથી? ખરેખર?’ હિમલ મૌન રહ્યો. આરતી એનાથી ઘણું છુપાવતી. છતાં, એની ઘણી ગણતરીઓ હિમલ જાણતો જ હતો. સાવ જૂઠ્ઠી, ઉપજાવેલી વાતોની ચોકસાઈ કર્યા વગર જ એની સરાહના કરી કરીને હિમલે પણ આરતી મહાન હોવાનો આભાસ ઊભો કર્યો હતો. શ્રેષ્ઠતાની હોડમાં કોઈ હતું કે નહીં એ જોવાનું પણ એ ચૂકી ગયેલો. બસ દોડ્યા જ કર્યું, દોડ્યા જ કર્યું. બંને એટલું દોડ્યાં કે એ દોડમાં સગો દીકરો પણ ક્યારે પાછળ છૂટી ગયો એનું ભાન જ ન રહ્યું! અફસોસ કરતી આરતી, પાણીમાંથી બહાર નીકળી કિનારે આગળ ને આગળ ચાલતી પોતાનાં આજ સુધીનાં કરતૂતો યાદ કરી રહી. એક દેરાણી અને બીજી એકના એક દીકરાની વહુ. આ બે એને સહુથી મોટા હરીફ લાગ્યા હતા. દેરાણીને પરેશાન કરવામાં તો એને ઘણી સફળતા મળી હતી. એ બધું યાદ કરી અત્યારે ધગધગતા તાપમાં પણ આરતીનાં શરીર-મનમાં ઠંડક ફરી વળી. પણ, બીજી જ ક્ષણે વહુ યાદ આવી. સાસુપણું ઘણુંય કર્યું. એનેય બદનામ કરી. હિમલ પછી દીકરાને અવનવી વાતો ઉપજાવી પોતાના વશમાં કરી લીધેલો તેથી ઘરમાં રાજ તો પોતાનું જ રહ્યું. પણ, પેઢી બદલી છે એ તો એ ભૂલી જ ગઈ. દેરાણી ધીમે અવાજે ફરિયાદ વડીલોને કરતી પણ આરતી જૂઠ્ઠી વાતો ઉપજાવી વડીલોની તટસ્થતાને ઢીલી પાડી દેતી. પણ, ‘આ છોકરી મને ઘરમાં નહીં જોઈએ’ એમ કહેવાથી વહુ ઉંબર વટાવી નીકળી જશે એનો અંદાજ ન રહ્યો. વહુ સાથે દીકરો પણ ગુમાવ્યો અને પૌત્ર પણ! પૌત્રની યાદ આવતાં જ આરતીના પગનું જોમ ઓછું થવા લાગ્યું. એ લથળવા લાગી. પાસે પડેલા ઝાડના ઠૂંઠાને ટેકે એ ઊભી રહી. કેટલું લાંબું હતું એ ઝાડ! અને મૂળ થોડાં ફેલાયેલાં ખરાં પણ ઊંડાં નહીં. એને પપ્પા યાદ આવ્યા. ‘અહંકારે ઊંચા તો થવાય પણ સંસ્કારના મૂળિયાં જો ઊંડાં ન હોય તો ધોવાણ થતાં વાર ન લાગે.’ સંસ્કાર? હા, સંસ્કાર. એને મા યાદ આવી. એક મા જ મને રોકતી. મારી બધી ચાલ એ સમજી જતી હતી. પણ, ખુશામતનો નશો મને એટલો ચઢતો કે મેં એનેય ક્યારેય ન ગાંઠી. પૌત્ર પાસે હીરો બનવાનો નશો એવો તો ચઢ્યો કે, ‘હું તને બહુ જ પ્રેમ કરું છું’ એવું કહી કહીને અઢળક વસ્તુઓ આપતી રહી. અને, એને નાની અને મા પ્રેમ નથી કરતાં એવી વાતો કરતી રહી!!! આરતીનું માથું હવે ચકરાવા લાગ્યું. એ થડ પર જ લાંબી થવા લાગી. એનાં કાને આજે જ સવારે ટીનએજમાં પ્રવેશેલા એ પૌત્રે કહેલા શબ્દો ઘુમરાવા લાગ્યા, ‘દાદી, તું જૂઠ્ઠી છો. એકદમ જૂઠ્ઠી છો. તું મને લવ નથી કરતી. તું કોઈનેય લવ નથી કરતી. તું માત્ર તને જ લવ કરે છે.’ આજ સુધી સહુને માટે સ્નેહનો દેખાડો કરનારી આરતીને પૌત્રના આ શબ્દોએ હચમચાવી નાંખી પોતાનાં અંતરમાં ડૂબકી મારવા પ્રેરી હતી. હંમેશા જ ભાગલા પાડીને રાજ કરનારી આરતીએ હિમલને એનાં માબાપ અને ભાઈભાંડુથી જ માત્ર નહીં, મિત્રવર્તુળથી પણ વિખૂટો પાડી પોતાનો જી હજુરીયો બનાવી દીધો હતો. પણ, દીકરા વહુને છુટ્ટા પાડવામાં એ સફળ ન રહી. તેથી, એણે પૌત્રને એની માથી જુદો કરવા અનેક ત્રાગાં કર્યાં. એમાં ઘણાં વર્ષો ઘણે અંશે સફળતા મળી. પણ, હવે પૌત્ર સમજણો થતાં આજે પોતે જ રચેલા ચક્રવ્યૂહમાં એ ફસાઈ હતી. એનાં પોકળ પ્રેમની પોલ પૌત્રે ખોલી નાખી હતી. એથી અંતરમાં ઉઠેલાં ઘૂઘવાટને દરિયાના ઘૂઘવાટમાં ઠાલવી દેવાના ઈરાદે જ એ ઘરેથી નીકળી હતી. એને હતું કે, દરિયા કિનારે બેસીને ભજીયાના એક એક ટુકડે પૌત્રના શબ્દોને ચાવીને ઊંડે ને ઊંડે ક્યાંય ધરબી દઈશ. પણ, ક્યાંક કોઈ ઘડીએ કોઈ સારો વિચાર કર્યો હશે, કોઈ એકાદનું ભલું કર્યું હશે એટલે થોડી ક્ષણો માંહે ડૂબકી મારવા મળી. ખુલ્લા આકાશ નીચે ક્યાંય સુધી થડને ટેકે બેસી રહેલી આરતીને હવે રેતી ગરમ લાગવા માંડી. કેપ, ગોગલ્સ, મોબાઇલ, પર્સ બધું જ યાદ આવ્યું. એને ગળે સોસ પડતો હતો. સ્મશાન વૈરાગ્યમાંથી એનું પેરેનોઈડ મન હવે બહાર આવી ગયું. ‘હિમલ ક્યાં રહી ગયો? એને કોઈ મળી ગયું કે શું? કોની સાથે વાતો કરતો હશે? ક્યાંક ફોન પર પેલી ચિબાવલી સાથે...!’ એનાં મનમાં શંકાનો કીડો સળવળ્યો. હિમલ અને આરતી હંમેશા સાથે જ હોય એટલે મિત્રોએ એમને ‘અમર પ્રેમ’નું બિરૂદ આપેલું. જોકે, આ સાથની પાછળ આરતીની શંકાઓ કામ કરી રહી હતી એ રાઝ હજુ અકબંધ છે એ વાત આરતીને આનંદિત કરી ગઈ. દેરાણી કે વહુ પર એણે કરેલી શંકાઓની વાત પણ વસ્તુઓ આપીને અંકે કરેલા લોકો માનશે નહીં એની એને ખાતરી હતી. લોકો કેવા ભોળા હોય છે નહીં! લોકોનાં ભોળપણ પર ખુશ થતી આરતી હિમલને શોધતી ચાલતી રહી. એણે દૂર નજર કરી. હિમલને છૂટ્ટા હાથે આ તરફ જ આવતો જોઈ બીજી જ ક્ષણે એના મગજમાં વિચાર ઝબક્યો, ‘પૌત્રને આવું બધું બોલવાનું કોણે કહ્યું હશે? એની મા કે નાની જ હોય ને. એ બંનેને તો પછી જોઈ લઈશ. પણ, પૌત્રને પટાવવા માટે આજે કઈ ગિફ્ટ લઉં? ઉંમર ભલે હજુ નાની રહી. પણ, નાનપણથી, ઉંમરથી આગળનાં મોંઘા રમકડાં હું જ લાવી આપતી તેમ આજેય એની મા કરતાં તો હું જ એને વધુ પ્રેમ કરું છું એવું એનાં મનમાં ઠસાવવા એને મનગમતું બાઈક જ લઉં તો?!’
❖