નારીસંપદા : ટૂંકી વાર્તા/ડોગબેલ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડોગ બેલ્ટ

રાધિકા પટેલ

દરવાજો ખોલતા જ રિધમ એક ધબકારો ચૂકી ગઈ. પોતે સામે ઊભેલી એ જાજરમાન સ્ત્રીને આવકારે એ પહેલાં જ એક નાનકડું કૂતરું એટલે કે ગોલી રિધમ તરફ રીતસરનું ધસી આવ્યું અને એને વ્હાલ કરવા લાગ્યું. આ બધું જોઈને એ જાજરમાન સ્ત્રી એટલે કે સોનિયાનો ચહેરો ફિક્કો પડી ગયો. એના ચહેરાના હાવભાવ તરત જ ઊકેલીને રિધમ સ્વસ્થ થઈ ગઈ અને સોનિયાને આવકાર આપ્યો. અંદર પ્રવેશતાં જ સોનિયાની નજર ઘરમાં બધે ફરી વળી અને પછી, સોફા પર બેસી ત્યાં સ્થિર થઈ ગોલી પર કે જે પોતાની સામે ખુરશીમાં બેસેલી રિધમને હજુ સુધી વળગેલું હતું. સોનિયાને ખુબ ચીડ ચડી અને ગોલીને "ગોલી...કમ હિયર" કહી આદેશ આપ્યો. ગોલી કંઈક અંશે ગભરાઈને સોનિયાની બાજુમાં નીચે શાંત થઈને બેસી ગયું. રિધમ અંદર જઈને ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને આવી. સોનિયા હજુ સુધી એના ઘરને બારીકાઈથી જોઈ રહેલી, ઘર આમ જુઓ તો બિસ્માર હાલતમાં હતું : દીવાલો પરથી પોપડી ખરેલી હતી - પણ, ઊજાસ સારો હતો. પડદાં જૂના હતાં પણ મેલા જરા પણ નહીં. એક પાટ પર સાવ ઘસાઈ ગયેલી, પણ ઉજળી ચાદર અને એક ખુરશી જેમાં કદાચ રિધમ વાંચતી હશે કોઈ પુસ્તક ત્યાં પડેલું. સાવ નાનકડા રૂમને રિધમે ખુબ સુંદર રીતે સજાવેલું. નાનકડી બાલ્કનીમાં ઘણાં ફૂલછોડ સાથે એક નાનકડી લાઇબ્રેરી પણ હતી. ઘરની સ્વચ્છતાએ સોનિયાની આંખ આંજી દીધી. જાણે પોતે પહેરેલાં બધાં હીરાના દાગીના અને મોંઘાદાટ વસ્ત્રો રિધમની સાદગી સામે ફિક્કા પડી ગયાં. પોતાની સામે ખુરશીમાં બેસેલી રિધમની હવામાં ફરફરતાં ખુલ્લાં વાળની લટ સોનિયાની આંખમાં આવીને ખૂંચતી હતી. સોનિયાએ પાણી પીને પછી સ્વસ્થ થઈને વાત શરુ કરી... : અહીં, એકલી જ રહે છે? રિધમે 'હા...’ કહી ખાલી ડોકું ધુણાવ્યું. આગળ કશું બોલે એ પહેલાં જ સોનિયાએ.. ‘હા, સારું જ ને સિંગલ ઈન્ડિપેન્ડન્ટ.. મન ફાવે એમ રહી શકાય. બરાબર ને?’ રિધમે કશી પ્રતિક્રીયા આપી નહીં. આંખો ઢાળીને બેસી રહી. સોનિયાએ વળી ઉમેર્યું... : ‘તારા પેરેન્ટ્સ સારાં કહેવાય નહીં? - તને આમ એકલી રહેવા અલાઉ કરે છે? : ‘એકચ્યુલી મારાં પિતા હયાત નથી...’ રિધમ ગંભીર થઇ ગઈ. : ‘ઓહ, આઈ એમ સોરી, શું થયું હતું એમને ?’ રિધમ કશું જ બોલી નહીં. સોનિયાએ ફરી પૂછ્યું : ‘મમ્મી ક્યાં છે અત્યારે? એ તારી સાથે નથી રહેતાં...કે પછી તને નથી ગમતું?’ રિધમે કશો જ જવાબ આપ્યો નહીં. થોડીવાર મૌન છવાયેલું રહ્યું. : ‘બધું કામ જાતે જ કરે છે? ઘણું સ્વચ્છ લાગે છે બધું?’ : ‘ના, આમ તો જોબ ચાલુ હતી ત્યાં સુધી ગીતાબેન આવતાં હતાં. હવે. જાતે જ.’ ગીતબેનનું નામ પડતા જ સોનિયા જરા ચમકી અને 'હા, જોબ બંધ છે એટલે જાતે જ કરવું પડે. સેવિંગ્સ પણ થાય એ બહાને..!!’

રિધમે સોનિયાની સામે જોયું. સોનિયાએ ‘ગોલી…કમ હિયર.’ કહી સોનિયાએ પોતાની ચોરનજરને બીજી તરફ વાળી દીધી. થોડીવાર આમતેમ જોયા પછી સોનિયાએ ફરી વાત ફરી શરુ કરી... : ‘ઘર હવે નવો રંગ માગે છે નહીં?’ સોનિયાએ દિવાલો તરફ ઈશારો કરી વાત જરા બીજી તરફ વાળી. : ‘હા, મને પણ એવું લાગે છે.’ રિધમે સંમતિસૂચક જવાબ આપ્યો. : ‘પણ, જૂનો રંગ ઉતરે નહીં ત્યાં સુધી નવો કઈ રીતે ચડે?’ પોતાની તરફ ફરી સરકી આવેલા ગોલીના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં એણે ફક્ત "હમ..." કર્યું. સોનિયાએ જોયું કે રિધમ કોઈ વાતનો ખાસ રિસ્પોન્સ નથી આપતી કે રિએક્ટ નથી કરતી. સોનિયાએ ટેબલપર પડેલું મેગેઝિન ઉઠાવ્યું, આમ તેમ ફેરવી પાછું ટેબલપર મૂક્યું. : ‘ખરી બાઈ છે નહીં? પરિણીત પુરુષ સાથે લફડું કરે છે અને પાછી પોતાનો બચાવ કરે છે....!’ : ‘જી...હું સમજી નહીં?’ : ‘અરે, હું તો આ આર્ટિકલની વાત કરું છું.’ રિધમે આ ચાબખાનો કશો જ જવાબ આપ્યો નહીં. ફક્ત મૌન ધરીને બેસી રહી. ગોલીના માથા પર હાથ ફેરવતી રહી. રિધમની સ્વસ્થતા જોઈ સોનિયાની અકળામણ વધી. ગોલીને ફરી પોતાની તરફ આવવા આદેશ કર્યો. ગોલી ફરી સોનિયા પાસે આવીને બેસી ગયું. : ‘ચા પીશો તમે?’ જવાબની રાહ જોયા વિના જ રિધમ કિચનમાં ગઈ. થોડી નર્વસ તો હતી જ અનેક વિચારો ઘેરી વળ્યાં. પોતે ક્યાં જાણતી ના હતી કે સોનિયા અહીં કેમ આવી છે. અંદરથી તો ઘણું તૂટી ફૂટી ગયેલું હતું. વેરવિખેર... પણ... ક્યાં સુધી? નીરવ શાંતિમાં પાણી ભરેલાં પાત્રમાં એક પાણીનું ટીપું મધુર અવાજ સર્જે એવા જ અવાજ સાથે મોબાઈલમાં એક મેસેજ આવીને પડ્યો. મોબાઇલ સ્ક્રીન પર મૂકેલાં એ કવરફોટા સામે જોઈ રહી. પોતાનો મૉસ્ટ ફેવરિટ પીક આદિત્ય સાથેનો. એ જ પીક…કે જેને લઈને આદિત્યએ એની સાથે ઝગડો કરેલો. ફેસબૂક પર અપલોડ કરવા બદલ. એણે કિચનની બાલ્કનીમાં આવેલા ફુદીનાના છોડમાંથી તાજા પાન તોડવા બારી બહાર હાથ લંબાવ્યો.. અને નાનપણમાં પોતાના ઘેર આવતા માળીકાકાની એ કટકટ કરતી કાતર યાદ આવી - જે છોડઝાડની બુઠ્ઠી ડાળીઓ કાપી નાખતી, ને પછી બધું ફરી.. લીલુંછમ. ફુદીનાવાળી ચાની સુગંધ આખા ઘરમાં ફેલાવા લાગી. ચાની સુગંધ એના પર માદક અસર કરતી. ફુદીનાવાળી ચા...આદિત્ય....આદિત્ય....ચા...અને બીજું પણ ઘણું બધું. પણ, ત્યાં જ પેલી કાતર: 'કટકટ. કટકટ...' રિધમ ચાની સુગંધને ખંખેરી ટટ્ટાર થઇ. મોબાઇલમાંથી અને ફેસબુકમાંથી પીક ડીલીટ કર્યું. શ્વાસ ખેંચીને બહાર કાઢ્યો. ખુલ્લાં વાળ પર ક્લિપ ભરાવી પ્રતિબદ્ધ થઈ. હાથમાં ચાની ટ્રે લઈ બહાર આવી. રિધમે સોનિયાને કપમાં ચા ધરી અને ગોલીને એનું ફેવરીટ ફૂડ એક બાઉલમાં નાખીને આપ્યું. : ‘ચા સારી બનાવી લે છે તું.’ ચાની ચુસ્કી લઇ સોનિયા બોલી.  : ‘હું જમવાનું પણ સારું બનાવું છું.. આવજો કદીક જરૂર.’ અત્યાર સુધી ફક્ત હા હોંકારા ભણતી રિધમ પાસેથી વળતો જવાબ સાંભળી સોનિયા ને જરા ધક્કો વાગ્યો. : ‘આઈ નો.. એટલે જ તો આદિત્ય…’ કહી રિધમપર બરાબર નિશાન તાક્યું.

: ‘એમ પણ, અમે વેજિટેરિયન યુ નો પ્યોર વેજેટેરિયન...દાલચાવલ-સબ્જી રોટીમાં ચિકન જેવી મજા કદાચ નહીં હોય. બરાબરને?’ સોનિયાએ ટકોર કરી. : ‘હું પણ પ્યોર વેજિટેરિયન છું. તમને ખબર જ હશે.’ રીધમના જવાબથી સોનિયા વધુ અકળાણી. : ‘હા, પણ મારી દાળમાં કદાચ તડકો ઓછો લાગતો હશે એટલે જ… ‘ સોનિયાએ વેધક નજરથી રિધમની વાતનો છેદ ઉડાડી દીધો. થોડીવાર ફરી શાંતિ.... : ‘લગ્ન વિષે કોઈ વિચાર કર્યો કે નહીં ?’ ચાનો કપ નીચે મૂકી સોનિયાએ ફરી મમરો મૂક્યો. : ‘એટલે હું સમજી નહીં?’ : ‘આઈ મીન 30-32ની ઉંમર ઓછી નથી.’ રિધમ કશું બોલી નહીં. : ‘મારાં ધ્યાનમાં છે એક ઠેકાણું. હા,બે બાળકો છે. પણ, મોટા સમજુ છે. સુખસગવડ સારી છે. એટલે એટલીસ્ટ તારાં મની પ્રૉબ્લેમ સોલ્વ થઇ જશે.’ સોનિયા આટલું બોલીને રિધમ સામે જોઈ એના જવાબની જાણે રાહ જોતી હોય એમ જોવા લાગી.  : ‘મારી આટલી ચિંતા કરવા બદલ તમારી આભારી છું.’ કહી સોનિયાની નાજુકાઈથી પતાવી. : ‘બીજી જોબ મળી કે નહીં?’ : ‘મળી જશે.’ રિધમ હવે કોન્ફિડન્સથી બોલી. : ‘હા, મળી તો જશે. નવી જોબમાં કદાચ સેલરી વધુ મળે. પણ, આદિત્યથી વધારે હૅન્ડસમ બોસ થોડો મળશે?’ સોનિયાએ રીતસરનો ચાબખો માર્યો. : ‘મળશે.... કેમ નહીં મળે? કદાય આ વખતે તો અનમેરીડ પણ મળી જાય જાય?’ રિધમે હળવું હસીને જવાબ આપ્યો. રિધમના બેફિકરાઈ ભર્યા જવાબથી સોનિયા ફરી અકળાણી.. ‘ગોલી નાવ ઇટ્સ ઇનફ.’ અને ગોલી પાસેથી બાઉલ લઈને દૂર મૂકી દીધો. ગોલી ચુપચાપ બેસી રહ્યું. ફરી શાંતિ છવાઈ ગઈ. વારંવાર રિધમ તરફ સરકી જતાં ગોલીને હવે સોનિયાએ પોતાની સાવ બાજુમાં પકડીને બેસાડી દીધું. ‘ઓહ…….માય બેબી...બુરા લગા?’ - અને એના પર હાથ ફેરવવાનું ચાલુ કર્યું. પછી, રિધમ તરફ જોઈને બોલી. : ’હું ગોલીને ગુસ્સો કરું એ ના ગમે તો પણ, ડિસિપ્લિન...ઇઝ ડિસિપ્લિન. અને મારાં ઘરમાં એ ફોલો કરવી જ પડે બધાને.’ સોનિયાએ પોતાનો રુવાબ બતાવવાનું શરૂ કર્યું..’ મારાં ઘરમાં કશું જ આમતેમ ના ચાલે. યુ નો. ગોલી - આમ તો અમારી સાથે અમારાં ઘરમાં જ રહે છે. પણ, એને હળવું થવું હોય ત્યારે આઈ મીન છી. પી ઓર એટસેટ્રા... યુ નો..ત્યારે એ ચુપચાપ બહાર સરકી જાય. કામ પતાવીને ફરી પાછું ઘરમાં અને વળી મને આ ખબર હોય છે । સોનિયાએ ધસમસતો પ્રહાર કર્યો અને ઊભી થઈ ગઈ. ગોલીને ફરી છુટ્ટો મૂક્યો. રિધમ પાસે બોલવા લાયક કશું જ હતું નહીં. હવે વાત અસહ્ય બની ગઈ હતી. રિધમ પણ ઉભી થઇ ગઈ. તરત જ બાજુના પોતાના બેડરૂમમાં ગઈ અને એક કેરી બેગ લઈને પાછી આવી. એમાં રહેલો કેટલોક પરચુરણ સામાન સોનિયાને ધરી અને કહ્યું : ‘હવે તમે જઈ શકો છો.’ સોનિયાએ પેપરબેગ ખોલીને જોયું તો એમાં આદિત્યનો કેટલોક સામાન હતો. સોનિયા પેપર બેગ લઈને ચાલવા લાગી. ત્યાં જ રિધમે પાછળથી ‘એક મિનિટ’ - કહી અટકાવી. સોનિયાના હાથમાં એક ડોગબેલ્ટ આપીને કહ્યું : ‘આ તમારે કામ લાગશે જેથી કરી...!" સોનિયાની સામે જોઈ વાક્ય અધૂરું છોડયુ. સોનિયા સમસમી ગઈ. ફટાફટ ભાગવા લાગી. પાછળથી રીધમના શબ્દો એના કાનમાં આવી અથડાયાં.. : ‘અને હા, ફરીવાર આવો તો સોસાયટીના નાકે શાંતાબેન સાથે વાત કરી જતાં ના રહેતાં. ઘેર આવજો ચોક્કસ...’ સોનિયા સડસડાટ દાદર ઉતરી ગઈ.